મર્મર/ગાંધીજીને


ગાંધીજીને

વિપત્તિદરિયે જ્યારે ગઈ’તી ગરકી પૃથા,
શ્રદ્ધા ગૈ સરકી સૌની પ્રયત્નો સર્વના વૃથા
ત્યારે બાપુ તમે હાથે સમુદ્ધારાર્થ એકલા
મહાવરાહ શા મંડ્યા; પ્રસારી સ્નેહની કલા;
તમે વિલાયેલી ભ્રાતૃભાવની દિવ્ય ઔષધિ
જિવાડી; અગ્નિને અંકે તમે પ્રહ્લાદ શા રહ્યા
રામ રામ રટી, શ્રદ્ધા ઘટી ના ઊલટી વધી
સત્યને ને પરમાત્મામાં, મહાજ્વાલાથી ના દહ્યા.

સાંપડ્યું શૈત્ય જ્વાલાને, વૈરને પ્રેમ સાંપડ્યો,
કપાઈ પાપની પાંખો, દુર્ગ દૌરાત્મ્યનો પડ્યો,
તમારે પગલે પગલે ધરિત્રી અંધકારથી
માંડતી ડગ જ્યોતિમાં, ઐક્યમાં ભિન્નભાવથી.

ગયા ગાંધી તમે! ના, ના. તમે તો નવજીવન
કલેશથી કલાન્ત સૃષ્ટિનું રસાયન સનાતન.