મર્મર/ગ્રીષ્મ–મધ્યાહ્ન


(૧)
ગ્રીષ્મ–મધ્યાહ્ન

શો દીધું આ સમય : ગ્રીષ્મ તણો બપોર!
જાણે પ્રયોજન વિનાની પ્રલંબ કે વાણી
કે વૃદ્ધ આયખું રહ્યો અસહાય તાણી;
શો કુંભકર્ણ દિન ! આળસુ ને નઠોર !

છાયા લીધી તરુવરે સઘળી સમેટી,
ને ગૌર ગર્દભ સમો ધૂળમાં ધીખેલી
કેવો નિરાંતથી પડ્યો તડકો છ લેટી!
શાં ચિત્રમૂક ખગ – ચાંચ છતાં ખૂલેલી!

ઊની ઊની ય લહરી કહીં વાયુની છે?
લાગે હવે અવધિ છેલ્લી જ આયુની છે.
જાણે પૃથા ઉદધિમાં ફરી એક વાર
ડૂબી ગઈ–શી દહતી વડવાની ઝાળ!

પૃથ્વી દઝાતી રહી ઉત્સુક દેખી રાહ :
આવે સમુદ્ધરણ અર્થ મહાવરાહ.