મર્મર/ચંડીગઢમાં


ચંડીગઢમાં

તવારીખનું તાજું પાન સ્મૃતિમાં તરે, આ ભૂમિ
પરે દિવસ એક દુર્દિન તણાં દદામાં બજ્યાં,
ગયું ઝનૂન અંધ જાગી, હથિયાર હાથે સજ્યાં
અનેક ક્રૂર ખંજરોની અણિયે ચઢી જિન્દગી.

બન્યા સુહૃદ શત્રુ તે, રુધિરની નહેરો વહી;
લૂંટાઈ પુરચોકમાં અવશ લાજની દ્રૌપદી;
અધર્મથી અધર્મનું મચ્યું ન યુદ્ધ આવું કદી.
પ્રજાહૃદયભૂમિ ભગ્ન, કથની ન જાયે કહી.

હવે અહીં નિહાળું રૂપ ભૂમિનું ગયેલું ફરીઃ
ફરી કૃષીવલો હળે બળદ પુષ્ટ બે જોતરી
નહેરનીર વાળી, ખાળી નદીઓ, ખભેથી ખભા
મિલાવી રત ઉદ્યમે, નદીતટો ગીતે ગાજતા.

શમ્યાં સહુ તુફાન, મેરુદૃઢ માનવી ના ચસે;
હજીય નગરો વસે, શ્રમથી સ્નિગ્ધ ચ્હેરા હસે.