મર્મર/ભેદ
શો ગહન અંધાર!
બંધ સૌ વાતાયનો ને દ્વાર.
ચોપાસથી આવે સ્વરો:
રે સૂર્યના કોમલ કરો
લંબાય, જો લંબાય લેતા બાથમાં સચરાચરો.
(બંધ ગૃહમાં તેજની
કેટલો પાસે છતાં કેવો પરો!)
હું એકલો
હાથથી ફંફોળતો અંધારને,
સ્પર્શથી લહતો ઊભેલી ભીંત ઠંડીગારને.
પિંજરે પૂરાયલા પ્રાણી સમો
ડગ ભરું ઉતાવળાં
પ્રત્યેક શ્વાસે મુક્ત મારો અણગમો.
આ સ્થિતિ ને આ ગતિમાં શોધતો મુક્તિપથ
હું અવિરત.
કાન પાસેથી તહીં તીરની ત્વરાથી
કૈક ઊડતું એક છેડેથી બીજે, થાયે પસાર,
શું હશે? ચંચલ બનીને ઊડતો શું અંધકાર!
ચોપાસ નાખું છું નજર
દ્વારની ઝીણી તરડથી તેજની આવે ટશર,
ઊંચે નજર નાખું?
શી ખીચોખીચ છે ભરેલી છત
અને આ છાપરું આખું!
વળગી પગેથી, મસ્તકે નત
શાં તિમિરના ખંડશાં લટકી રહ્યાં પંખી!
તેજટશરે વ્યગ્ર, ર્હે અંધારને ઝંખી.
એક જ સ્થળે, એક જ સ્થિતિમાં પંખી ને હું;
ભેદ તો યે શો લહું!