મર્મર/શિશુની ઉપકૃતિ


શિશુની ઉપકૃતિ

હતાં થાક્યાં હૈયું, મન, શરીર સૌ જીવનતણાં
વીતેલાં વર્ષોના નીરસ ભરથી, યૌવનતણા
બધા આનન્દોની અનુભવી લૂખી એકવિધતા
થતું : શોધી લાવું જડીબૂટી, ટળે કે નીરસતા.

ફળે આશા : દૈવી જડીબૂટીશું દામ્પત્ય ફળતું!
ગૃહે મારા પા પા પગલી શિશુ આ કેવું કરતું!
હસે, રોવે–એના રુદનનું ય આકર્ષણ કશું!
અમે એને દીધું જીવન? નહિ, એણે જ અમને.

હતો કેવો હૈયાજડ! બની રહું આર્દ્રહૃદય;
હસું એની સાથે, રુદન સૂણતાં વ્યાકુલમન;
પગે ચારે ચાલું ન શરમ શિશુઅશ્વ બનતાં;
વદું કાલું કાલું, અનુભવી રહું શૈશવ પુન :

અહો મારા જેવા જડસુની ય પલ્ટાઈ પ્રકૃતિ;
કહો એથી મોટી કઈ ગણું શિશુની ઉપકૃતિ!