મહાદેવભાઈ દેસાઈ — સત્ત્વ અને સાધના/મહાદેવભાઈનું ગાંધીદર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યાખ્યાન-૩

મહાદેવભાઈનું ગાંધી-દર્શન

મહાદેવભાઈના સાત્ત્વિક જીવનનો મંગલ ત્રિકોણ ત્રણ બિંદુ પર નિર્ભર છે : ૧. અધ્યાત્મ, ૨. ગાંધીજી અને ૩. સાહિત્ય. દેખીતી રીતે જ મહાદેવભાઈના અધ્યાત્મની વાત પછી, તેમના ભક્તિકેન્દ્ર ગાંધીજીની વાત પ્રસ્તુત થાય પરંતુ અત્રે તો મહાદેવભાઈના સાહિત્યની વાત પછી, એ સાહિત્યના વિષય તરીકે – ખાસ કરીને એમની ડાયરીઓના નાયક તરીકે આલેખાતા ગાંધીજીની વાત કરવાની છે તેથી મહાદેવભાઈના સાહિત્યનો વ્યાપક પરિપ્રેક્ષ્યમાં ખ્યાલ કર્યા પછી, અત્રે ઉમાશંકર કહે છે તેમ, ‘સ્થિરપ્રસન્ન જલાશય જેવા લેખકના ચિત્ત'માં[1] ગાંધીજીનું કેવું સુરેખ પ્રતિબિંબ ઝિલાયું છે તે જોવા પ્રયત્ન કરીશું. મહાદેવભાઈની વાત એમનામાંથી ગાંધીજીને બાદ કરી થઈ શકે? મહાદેવભાઈના હૃદયમાં ગાંધીજી અને ગાંધીજીના હૃદયમાં મહાદેવભાઈ એવી સ્થિતિ જોવા મળે છે. મહાદેવભાઈને રાજાજીએ ગાંધીજીના ફેફસારૂપ કહ્યા, તો કિશોરલાલભાઈએ ગાંધીજીને મહાદેવભાઈના પ્રાણવાયુ કહ્યા. ગાંધીજીએ પોતે મહાદેવભાઈને પોતાના હાથપગ, પોતાનું મગજ કહ્યા છે.[2] મહાદેવભાઈ ગાંધીજીના અંગત સચિવ હતા ને ‘પીર, બબરચી, ભિસ્તી, ખર' પણ! મહાદેવભાઈને વિનોબાએ જ નહીં, ખુદ મહાત્મા ગાંધીજીએ પણ પોતાના ચિરંજીવી તરીકે – પુત્ર તરીકે ઓળખાવેલા. ગાંધીજીએ મહાદેવભાઈને અગ્નિદાહ આપતાં કહેલું : ‘જે મહાદેવ કોઈ દિવસ મને અગ્નિદાહ દેશે એવી હું આશા રાખી બેઠો હતો, તેનો દાહ દેવાનો આજે મારો વારો આવ્યો. આખું જીવન એ મારો પુત્ર હતો, આજે હું એનો પુત્ર બન્યો છું.’ (અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૬)  મહાદેવભાઈએ પોતાની જાતને શૂન્યવત્ કરી ગાંધીજી સાથે પૂરું તાદાત્મ્ય સાધ્યું હતું. ગાંધીજીના તે otherself – દ્વિતીયહૃદય શા બની રહ્યા. ખાનગીમાં ખાનગી વાત પણ જે ગાંધીજીને કહેવાય તે મહાદેવભાઈને પણ કહી શકાય.[3] મહાદેવભાઈનાં તનમનના ગાંધીજી સ્વામી બની રહ્યા. મહાદેવભાઈને એમની હમાલી કરવામાં અનેરો આનંદ આવતો હતો. જીવનભર ગાંધીજીના ગણેશ રહ્યા ને હનુમાન પણ. આ ગણેશ તો ગાંધીરૂપી વ્યાસના ચિત્તમાં કઈ વાત હવે ઊગશે તેનીયે ક્યારેક તો નવાઈ લાગે એટલી હદે સચોટ અટકળ કરી શકતા હતા. શ્રી યશવંત શુકલે મિલ્ટનની ‘પૅરેડાઇઝ લૉસ્ટ'માંની પંક્તિનો સંદર્ભ આપી ગાંધીજી અને મહાદેવભાઈના સંબંધને સરસ રીતે વર્ણવ્યો છે. મિલ્ટન ઈશ્વર સાથેનો સ્ત્રીપુરુષનો સંબંધ વર્ણવતાં કહે છે : ‘He for God only, but she for God in him.’ તેમ ગાંધીજી ઈશ્વર માટે હતા અને મહાદેવભાઈ ગાંધીજીમાંના ઈશ્વર માટે હતા.[4] પ્યારેલાલે આ વાત જરા જુદી રીતે કહી છે: ‘ગાંધીજી જગત માટે જીવે છે, પણ મહાદેવભાઈ ગાંધીજી માટે જીવતા હતા.’[5] મહાદેવભાઈ અને ગાંધીજી વચ્ચેનો સંબંધ એટલો પ્રગાઢ હતો કે કોઈએ ‘મહાદેવદાસ મોહનદાસ ગાંધી' – એ નામે પત્ર પણ પાઠવેલો!'[6] મહાદેવભાઈએ મોહનદાસ ગાંધીની મોહન – કળાનો જાદુ પ્રથમ મિલને જ અનુભવેલો. આમ તો ગાંધીજી અને મહાદેવભાઈ બંનેનાં વ્યક્તિત્વ અલગ. નારાયણભાઈ કહે છે તેમ, ગાંધીજીમાં સૂર્ય જેવી પ્રખરતા હતી તો મહાદેવભાઈમાં ચંદ્ર જેવી શીતળતા. ગાંધીજી યોગી મહાત્મા હતા તો મહાદેવભાઈ રસિક કવિ, ગાંધીજી ક્રાંતિના કર્તા હતા તો મહાદેવભાઈ એના ઇતિહાસકાર. આમ છતાં બંને વચ્ચે પ્રથમ મિલને જ તારામૈત્રક રચાયું.[7] મહાદેવભાઈએ ગાંધીજી સાથેના પ્રથમ મિલન બાદ નરહરિભાઈને કહ્યું: ‘નરહરિ, મને તો આ પુરુષને ચરણે બેસી જવાનું મન થાય છે.[8] તે પછી મહાદેવભાઈએ ગાંધીજીના ચરણે પહોંચી જવામાં ઝાઝી વાર લગાડી નથી. તેમણે પોતાની પચીસમી વર્ષગાંઠ આખો દિવસ ગાંધીજીની સાથે ફરીને ઊજવી હતી! ગાંધીજી તો માનવરત્નોના પરખંદા પાકા ઝવેરી. તેમણે મહાદેવભાઈનું ‘ઝવેર' જોઈ લીધું ને પછી એમને જણાવ્યું : ‘તમોને દરરોજ હાજરી ભરવાનું કહું છું, તેનું કારણ છે. તમારે તો મારી પાસે આવી રહેવાનું છે. આ છેલ્લા ત્રણ દિવસોમાં તમારું ઝવેર મેં જોઈ લીધું છે. આ બે વર્ષ થયાં, હું જેવા જુવાનની શોધમાં ફરતો હતો તે મને મળી રહ્યો છે. તમે માનશો? જેને મારું કામકાજ સોંપી દઈ હું નિરાંતે બેસું, જેને હું સુખે લટકી પડી શકું એવો માણસ મારે જોઈતો હતો અને તે તમે મને મળી ગયા છો. હોમરૂલ લીગ, જમનાદાસ વગેરે બધું મૂકી દઈને મારી પાસે જ આવવાની તમારે તૈયારી કરવાની છે. આ જિંદગીમાં આવા શબ્દો બહુ ઓછા જણાને મેં કહ્યા છે. માત્ર ત્રણ જ જણને –પોલાક, મિસ શ્લેશિન અને ભાઈ મગનલાલ. આજે તમને તે શબ્દો કહેવા પડે છે અને આનંદથી કહું છું. કારણ તમારામાં ત્રણ ગુણો હું ખાસ જોઈ શક્યો છું. પ્રામાણિકતા, વફાદારી અને સાથે હોશિયારી તમારા ગુણોને લીધે તમે મને અનેક કામોમાં ઉપયોગી થઈ પડશો એવી મારી ખાતરી છે. (મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૭૮-૭૯) મહાદેવભાઈ એના પ્રતિભાવમાં નરહરિભાઈને તાજા કલમ રૂપે લખે છે : ‘જે જિંદગીને નકામી માની કેટલીક વાર કંટાળતો તેને હવે જીવવા જેવી (worth living) માનવા જેટલી શ્રદ્ધા મનમાં આવી છે. જોકે બાપુજીએ જેમને આટલું બધું કહી શરમમાં દબાવ્યો છે તે તો હું મારે વિશે માનવાને અશક્ત છું માત્ર એટલું જ કે એવું સર્ટિફિકેટ મને જિંદગીમાં કદી મળ્યું નથી, કદી મળનાર નથી. ભવિષ્યમાં કંઈ કામનો નિમિત્ત થાઉં અને જગત મને પ્રશંસે તોપણ આ અંતરના ઉદ્ગારો મારા અંતરનો અને જિંદગીભરનો ખજાનો છે.’ (મહાદેવભાઈનું પૂર્વચરિત, ૮૩) મહાદેવભાઈએ નવેમ્બર, ૧૯૧૭થી ગાંધીજીની સેવા સ્વીકારી તે છેક મરતાં સુધી ૧૫ ઑગસ્ટ, ૧૯૪૨ સુધી. તેમણે માથું મૂક્યું ગાંધીજીના ચરણે અને પ્રાણ છોડ્યા તે પણ ગાંધીજીના જ ખોળે માથું મૂકી. માંડ એકાદ માસની બીમારીની રજા સિવાયની પૂરાં પચીસ વર્ષની એકધારી સેવા. પચીસ વર્ષનો એમનો એકાગ્ર ગાંધીયોગ! આ ગાંધીયોગીએ તો રાષ્ટ્રસેવા કરતાંયે ગાંધીસેવાને વધુ પસંદ કરી હતી. સરલાદેવી ચોધરાણીએ એમને એક વાર પૂછ્યું : ‘અલ્યા, તું ગાંધીની પાછળ કેમ પડ્યો છે? તારે દેશસેવા નથી કરવી?' ત્યારે મહાદેવભાઈએ ઉત્તરમાં તેમને કહ્યું : ‘ના, મારે દેશસેવા નથી કરવી. મારે તો ગાંધીસેવા કરવી છે. તમે કહો છો તેમ હું ગાંધીની પાછળ જ પડ્યો છું. એટલે દરજ્જે મહાત્માજીનું જીવન મને ઉત્તેજિત કરી શકે છે ને ઉત્સાહ અર્પી શકે છે તેટલે દરજ્જે દેશ નહીં કરી શકે. દેશસેવા મારે માટે નથી.’ અને એ વાતની સત્યતામાં હજુ પણ માનું છું. રસ્કિને એક જગ્યાએ ઘણા જ સુંદર શબ્દો વાપર્યા છે. manufacture of souls – આત્માઓની બનાવટ (? ઘડતર). હું ધારું છું કે મહાત્માજીને આપણે આવી રીતે આત્માઓના બનાવનારા (? ઘડનારા) – આત્માને જગાડનારા – કહી શકીએ. એ વાતની સાક્ષી પૂરવાને હું અહીં ઊભો છું, અને એને વાસ્તે જેમના આત્માઓ જાગ્યા છે, (જેઓ) પુનર્જન્મને પામ્યા છે તેવાને તમે પૂછી શકો છો.' (મહાદેવભાઈની ડાયરી-૧૮, પૃ. ૧૮૧) મહાદેવભાઈએ એમની ડાયરીઓમાં મહાત્માજીને માનવ- આત્માઓના ઘડવૈયા તરીકે રજૂ કર્યા છે. મહાદેવભાઈના તો તેઓ મોટા ઘડવૈયા ખરા જ. રોટલી વણવાથી[9] માંડીને સારો અહેવાલ કેમ તૈયાર થાય કે મુદ્દાસર પત્ર કેમ લખાય ત્યાં સુધીની સઘન તાલીમ ગાંધીજીએ એમને આપેલી. ગાડીમાં બેસતાં પાણી ભરવામાં આવ્યું છે કે નહીં એ પણ ચકાસી લેવાનું સૂચવવું[10] તેઓ ભૂલ્યા નથી. મહાદેવભાઈ પોતાની રાહ જોતાં ન જમે તો એમાંયે ઠપકો આપ્યો છે.[11] પોતાના વિશે ગેરસમજ કરવા માટે ટપારેલા છે.[12] જગન્નાથના દર્શને કસ્તૂરબાને લઈ જઈ પોતાને જે કઢંગી હાલતમાં મૂક્યા એ માટે તેમના પર બરોબરની તવાઈ આણી.[13] મીરાંબહેન પાસે ફ્રેન્ચ શીખવાનું શરૂ કરી તેમનો સમય લેવા માટે પણ તેમને ટકોર્યા.[14] એક બાજુ મહાદેવભાઈના અંતરના સુવર્ણની શુદ્ધિ અને તેનું ઘડતર ગાંધીજીના તપોયજ્ઞની ઉગ્ર જ્વાળાઓમાં થતાં જતાં હતાં. બીજી બાજુ તેમના સ્નેહમય વ્યક્તિત્વનો શીતલ સ્પર્શ પણ મળ્યા કરતો હતો. દુર્ગાબહેન તથા મહાદેવભાઈને નિરાંતે મળવા – રહેવાની તક મળે તે માટેની ચિંતાયે તેઓ કરતા.[15] તબિયતની તો કરે જ. વળી મહાદેવભાઈ નિરાતે પલંગમાં સૂઈ શકે તેનીયે તેઓ કાળજી રાખે ને તેઓ સવારે વહેલા ઊઠે ત્યારે ચા મળે તે માટેય આ નિર્વ્યસની મહાત્મા સાવધાની રાખે. મહાદેવ સૂતા હોય તો તેમને તેઓ પંખોયે નાખે.[16] મહાદેવભાઈના સુપુત્ર નારાયણના શિક્ષણ-વિકાસની ચિંતા પણ તેઓ કરે અને આવો પ્રેમોપચાર માત્ર મહાદેવભાઈ માટે હતો એવુંયે નહીં, અન્યના – સરદાર વલ્લભભાઈ વગેરેના માટેય તે ખરો જ. સરદારને જેલમાં મચ્છરદાની મળે તે માટે તેમણે જ કોશિશ કરેલી.[17] પોતાના એક સાથીની ઊંઘ ન બગડે માટે વહેલી સવારે દીવો હોલવાઈ જતાં, ચાંદનીના ઉજાસમાં પોતે કાગળ લખવા બેસે! ગાંધીજીની કુસુમથીયે કોમળ ને વજ્રથીયે કઠોર લોકોત્તરતાનું રમ્યભવ્ય દર્શન આ મહાદેવભાઈની ડાયરીઓનાં પાનાંમાંથી લાધે છે. મહાદેવભાઈએ આ ડાયરીઓ પોતાની નહીં, પરંતુ ગાંધીજીની દિનચર્યાની – મનશ્વર્યાની – તપશ્ચર્યાની દસ્તાવેજી નોંધ કરવા માટે રાખેલી. રામચંદ્રના જેવા ‘સત્યસંઘ મર્યાદમણિ’ ગાંધીજીની જીવનચર્યાની ક્ષણેક્ષણ ઝડપવાનો યથાશક્ય પ્રયત્ન એમાં જોવા મળે છે. હિંદી સાહિત્યકાર બનારસીદાસ ચતુર્વેદીએ આ ડાયરીઓના સંદર્ભમાં જે લખ્યું છે તેનો હવાલો શ્રી અમૃતભાઈ મોદીએ આપ્યો છે : ‘આ ડાયરીઓમાં આપણે મહાત્માને હરતાફરતા, ખુશ અને નાખુશ થતા જોઈએ છીએ, સાંભળી શકીએ છીએ. ખરી રીતે આ ડાયરીઓનું મહત્ત્વ કોઈ રીતે બાપુની આત્મકથાથી જરાયે ઓછું નથી. વાસ્તવમાં એ આત્મકથાની પૂરક જ છે.’ (શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. ૫૪૭) કોઈ સારો કવિ પોતે બોલવા કરતાં પોતાની કવિતાને જ બોલવા દે તેમ મહાદેવભાઈ પોતે ગાંધીજી વિશે બોલવાને બદલે ડાયરીઓમાં ગાંધીજીનાં જ કાર્યોને બોલવા દે છે. ડાયરીઓમાં મહાદેવભાઈની વાણી કેટલી ને ગાંધીજીની કેટલી તેનું પ્રમાણ કાઢવા જેવું છે. મહાદેવભાઈ પોતાની – પોતાના અહમ્‌ની ડખલ બને તેટલી ન નડે એની પૂરી સાવધાનીથી આ ડાયરીઓ લખે છે. તેઓ પોતે બોલવા કરતાં ડાયરીના વિષયને જ બોલવા દે છે અને એમાં તે બને તેટલી એકાગ્રતા ને સાવધાની, ચોકસાઈ – ચીવટ દાખવે છે. જગતભરના ડાયરીસાહિત્યમાં અહમ્‌વિસર્જનની-આત્મસમર્પણની આવી પ્રબળ શક્તિ દાખવનારો બીજો ડાયરીલેખક શોધ્યો નહીં મળે. મહાદેવભાઈએ સરકારના મંત્રીપદ કરતાંયે ગાંધીજીના મંત્રીપદને ઊંચેરું – અદકેરું લેખ્યું જણાય છે. પ્યારેલાલ નોંધે છે તેમ, ‘ગાંધીજીના મંત્રીનાં કામોમાં રસોઈ કરવી, કપડાં ધોવાં, પાયખાનાં સાફ કરવાં, માંદાંની માવજત કરવી – એનાથી માંડીને મોટા દૈનિક પત્રનું સંચાલન કરવું, ટીકાખોર તથા હઠીલા પત્રલેખકોના અટપટા પ્રશ્નોના જવાબ આપવા, અગત્યની વાતચીતની અથવા કોઈ મહત્ત્વની મુલાકાતની કેવળ યાદદાસ્ત ઉપરથી નોંધ તૈયાર કરી દેવી અને વાઇસરૉય કે તેના અમલદારોને મળવા જવું, આ બધું, આવી જાય છે.’[18] આવાં આવાં અનેક કાર્યો કરતા – ગાંધીજીની સાથે સતત તાદાત્મ્યનો અનુભવ કરતા મહાદેવભાઈની ડાયરીઓમાં ગાંધીજી ઉપરાંત, ગાંધીજી સાથેના ડાયરીલેખકના સંબંધની માર્મિક વાતો રજૂ થાય એ સ્વાભાવિક છે. એમાંયે ડાયરીલેખક ગાંધીજી પ્રત્યેનો પોતાનો ગુણજ્ઞતાનો અને પોતા પ્રત્યેનો આત્મનિર્ત્સ્નાનો ભાવ રજૂ કરવામાં જરાયે કસર કરતા નથી. આ ડાયરીઓમાં એકાધિક પ્રસંગોએ ગેરસમજ કે પોતાની મર્યાદાઓનું ભાન થયે મહાદેવભાઈએ ગાંધીજીની પાસેથી ચાલી જવાનાં લટકાં કર્યા છે, પરંતુ એ લટકાં ગાંધીજીએ ચાલવા દીધાં નહોતાં. એક વાર મદ્રાસથી વર્ધા આવતાં રસ્તામાં જમનાલાલની વાતોના કારણે રમણ મહર્ષિના આશ્રમે શાંતિના અનુભવ માટે જઈ આવવાની લાલચ થઈ, નારાયણભાઈને બિસ્તરો તૈયાર કરવા પણ સૂચવ્યું, પણ પછી ગાંધીજીની સાવ સ્વાભાવિક વાતમાંથી બાપુથી વધુ વખત છૂટા પડવાનો વિચાર આવતાં ને તે અસહ્ય થતાં તેમને કહ્યું: ‘બાબલા, બિસ્તરો છોડી નાખ' અને પછી તેનું કારણ દર્શાવતાં જણાવ્યું: ‘મારે એક સ્વામી બસ છે.' મહાદેવભાઈ અને ગાંધીજી વચ્ચે ‘સબસે ઊંચી પ્રેમસગાઈ’ની સાંકળ હતી. બંનેને પરસ્પરનું ખેંચાણ. મહાદેવભાઈ માંદા પડ્યા ત્યારે ગાંધીજીએ પંજાબથી નરહરિભાઈને લખ્યું: ‘પંજાબનું કામ ન હોય તો અહીં એક ક્ષણ પણ અત્યારે ન રહું, પણ ત્યાં આવીને મહાદેવને ભેટું.’ મહાદેવ પણ માંદગી દરમિયાન ગાંધીજીનો પત્ર ન મળે ત્યારે આકુળવ્યાકુળ થઈ જતા. એક વાર તો તેમણે ગાંધીજીને તાર દ્વારા જણાવેલું : “I am well on the mend, But why art thou so unkind? Oh, for a love-letter from you!’[19] તેમણે ગાંધીજીને એક વાર જણાવેલું: ‘આપનો એક કાગળ આવે ત્યારે તેનાથી જનિત ચેતને હું આત્માને દહાડાના દહાડા પ્રફુલ્લિત રાખી શકું છું. (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૨૦) મહાદેવભાઈને વર્ધામાં હૃદયરોગનો હુમલો આવ્યો, બેભાન થયા ત્યારે તેઓ ગાંધીજીના જ ‘મહાદેવ’ ઉદ્ગારે સચેત થઈ ગયા હતા![20] ગાંધીજી ઉપવાસ કરે ને તેથી એમનું વજન ઊતરે ત્યારે મહાદેવભાઈનું વજન ઊતરે! ગાંધીજીનાં અનશન-માંદગીથી મહાદેવભાઈનું લોહીનું દબાણ વધી જતું. સુશીલા નય્યર, સરોજિની નાયડુ વગેરે તો માને છે કે જે પ્રકારે મહાદેવભાઈનું અવસાન થયું તેમાંયે ગાંધીજીના અનશન અંગેનો ચિંતાપ્રેરિત તાણાવ જ કારણભૂત હોય. મહાદેવભાઈએ એમની ડાયરીઓમાં ગાંધીજીને લગતી નોંધો કરવામાં એક ભક્તની રીતે ઉત્સાહ ને સજાગતા દાખવ્યાં છે. ગાંધીજીને લગતી નાની કે મોટી સર્વ વિગતો જે નોંધવાનું પોતાના વશમાં હોય તે નહીં જવા દેવાનું તેમનું વ્રત. ડાયરીઓમાં તેઓ ગાંધીજીને દેવતાઈ અંશવાળા કોઈ અવતારી જણ તરીકે જોતા જણાય છે. ગાંધીજીની દૈવી સંપત્તિથી તેઓ અભિભૂત લાગે છે. તેઓ પોરબંદર ગયા અને ત્યાં બાપુના જન્મસ્થળનું દર્શન કર્યું ત્યારે ભાવવિભોર થઈ લખે છે : ‘બાપુના જૂના ઘરનાં દર્શન કર્યા, ઘરમાં બાપુનું જન્મસ્થાન પણ બતાવવામાં આવ્યું. એ ઓરડાનો અંધકાર જોઈને સહેજ મનમાં થયું કે ભગવાને ઘોર અંધારું ફેડવાને માટે જ બાપુને મોકલ્યા હોય ને!’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૧૭૬) અન્યત્ર પણ એક પત્રમાં તેઓ લખે છે : ‘મજમુદારની એનાલિસિસ બહુ જબરી છે, બહુ ખરી છે. એ જે ઇગોની વાત કરે છે તે ઇગો સ્થૂળ ઇગો નહીં. બહુ સૂક્ષ્મ ઊંડે ઊંડે ગોતીએ તો દેખાય એવો ઇગો હું એમનામાં જોઉં છું. પછી એમ હોય ખરું કે એ ઇગો સ્પિરિચ્યુઅલ લાઇફ(આધ્યાત્મિક જીવન)ને માટે આવશ્યક હોય. હું તો બાપુમાં પ્રત્યેક ક્ષણે ઇવૉલ્યુશન (ઉત્ક્રાંતિ) થતું હોય એમ જોઈ રહ્યો છે અને એઓ પ્રત્યેક પળે વધારે ને વધારે પૂજ્ય બનતા જાય છે. છતાં પરફેક્શન પૂર્ણતા પર હજી તેમને પહોંચવાનું છે. આ કહું છું એટલે કોઈ વ્યક્તિને પરફેક્ટ, માનીને બાપુને તેનાથી નીચા માનું છું એમ છે જ નહીં. મને તો એમ લાગે છે કે અવતારો જે થઈ ગયા છે તે બાપુના કરતાં શું ચઢતા હોઈ શકે? આવા દેવતાઈ પુરુષના સંસર્ગમાં આવ્યા એ પણ આપણા ભાગ્ય...’ (અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૧૯૧) ગાંધીજીના જીવનકાર્યને અવલોકતાં મહાદેવભાઈને શ્રીકૃષ્ણની કાર્યધુરંધરતા[21] યાદ આવે છે. પોતાને આવા સત્પુરુષનો સમાગમ સાંપડયો તેને મહાદેવભાઈ પોતાનું સદ્ભાગ્ય લેખે છે. એમનું ગુણસંકીર્તન કરતાં મહાદેવભાઈને નથી લાગતો થાક કે નથી આવતો કંટાળો. આ ગાગસંકીર્તન તેઓ સદાશયથી કરે છે. પોતાનો જ નહીં, પોતાની આસપાસના સૌનો આથી સત્ત્વવિકાસ થાય એ માટે કરે છે. તેઓ લખે છે: હું નથી બાપુઘેલો કે નથી પ્રેમઘેલો. હું ભક્તિ કેળવવાનો પ્રયત્ન જરૂર કરું છું અને દરેક ઉત્તમ કલ્યાણકારી વ્યક્તિ અને વસ્તુને જોઈને મારું હૃદય દ્રવે છે. હું બાપુનાં ગુણગાન નથી કરતો, કેવળ પ્રેમની સત્તાની સાક્ષી આપું છું, અને ઘણા પ્રસંગોથી બાપુ પોતાને કેટલા કસી રહ્યા છે, કેળવી રહ્યા છે, કેવી પરીક્ષા કરી રહ્યા છે તે જણાવું છે. તેથી દરેક જણ આત્મપરીક્ષા કરતો થાય અને આશાવંત બને.’ (મહાદેવભાઈની ડાયરી-૬, પૃ. ૨૩૫) એક અંગ્રેજે ગાંધીજીની બાબતમાં લખતાં જણાવેલું કે ગાંધીજીમાં પવિત્ર ગાય ને વિકરાળ વાઘ – બેયનો સમન્વય છે.[22] મહાદેવભાઈની ડાયરીમાં ગાંધીજીનું એવું દર્શન થઈ શકે છે. અલબત્ત, ઉત્કટ અહિંસાને કારણે ગાય અને વાઘ એક જ ઘાટે રહીને જીવનના સત્યનું રસપાન કરે છે! મહાદેવભાઈને ગાંધીજીના અંતરતમ સ્વરૂપની પાકી પિછાગ હતી, તેથી જ એક મિત્રને એમણે ગૂઢાર્થમાં કહેલું : ‘જુઓ, એ તો ગાંધી છે. કાં તો એની બધી અતિશયતાઓ સાથે એને સ્વીકારો અગર એને પડતો મૂકો. દેશે પોતાની પસંદગી કરવાની છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૧૩૬) ‘સત્ય અને અહિંસાના અલૌકિક અવતારપુરુષ’ એવા ગાંધીજીની ‘સત્યની મુત્સદ્દીગીરી' પણ ડાયરીઓમાં તેઓ દર્શાવે છે.[23] ગાંધીજીના આચારવિચારનાં રહસ્યોને – એમના વાણીના ગૂઢાર્થોને મહાદેવભાઈ અનેક રીતે ડાયરીઓમાં સ્પષ્ટ કરતા સમજાવતા, સમર્થિત કરતા અને પોતાના રસિક પાંડિત્યથી એની સમાન્તર પોષક-સંવર્ધક ઉદાહરણો – અવતરણો આપતા પોતાની નોંધોને આગળ ધપાવે છે. આ ડાયરીઓમાંથી બાપુ બાપુના શબ્દોમાં જોવા મળે છે. બાપુ સહેલાઈથી પોતાને અદ્વૈતવાદમાં તેમ જ અનેકાન્તવાદમાં માનનારા કહી શકે છે. તેઓ વિવિધ પ્રસંગોએ ને પરિસ્થિતિઓમાં કઈ રીતે પોતાની જાતને જુએ છે, કઈ રીતે પોતે પોતાને મૂલવે છે, કઈ રીતે પોતે પોતાને અભિવ્યક્ત કરે છે તે જોવાનું ખૂબ રસપ્રદ થઈ પડે છે. ગાંધીજીના જીવનમાં અસાવધતાની ક્ષણ શોધવી મુશ્કેલ છે. તેઓ સતત જાગ્રત એવા શ્રેયસ્સાધક છે, ‘કર્મયોગી’ – man of action – છે.[24] અસહકાર અને સત્યાગ્રહ એ ગાંધીજીની મોટામાં મોટી પ્રવૃત્તિ છે તો સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય એ એમની મોટામાં મોટી સાધના છે.[25] આવા સાધકે કેવા કઠોર આત્મનિરીક્ષણથી પોતાની આત્મસાધનાનો – જીવનસાધનાનો પ્રારંભ કરેલો અને તેનો દોર ચલાવેલો તે તેમની જ ડાયરીઓમાંના નિરૂપિત ઉગારોની મદદથી પ્રમાણીએ : ‘જોકે હું મનુષ્ય અને દેવની વાણીઓ બોલું, પણ મારામાં પ્રેમ ન હોય તો હું ઢોલ કે ખાલી ઘડા સમાન છું.’ (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૬) ‘મીરાંને પ્રેમની કટારી ખૂબ લાગી હતી, તેવી કટારી આપણને પણ હાથ લાગે ને તે ભોંકવાનું બળ આપણામાં આવે તો આપણે દુનિયાને હલમલાવીએ. પણ ક્ષણે ક્ષણે તે વસ્તુ મારામાં છે છતાં તેની ખોટ તો અનુભવ્યા કરું છું. ઊણપ બહુ છે. અધૂરા ઘડા જેવો કોઈ વેળા થઈ જાઉં છું.' (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૬) ‘મારા જીવનમાં બુદ્ધિનો ફાળો ઓછો જ રહ્યો છે એમ ગણાય. મને પોતાને હું મંદબુદ્ધિ માનું છું. શ્રદ્ધાવાનને બુદ્ધિનો યોગ ભગવાન કરાવી આપે છે એ મારા વિશે તો શબ્દશઃ સાચું પડ્યું છે. મારામાં હમેશાં વડીલો, જ્ઞાનીઓ પ્રત્યે માન અને શ્રદ્ધા રહ્યાં છે. અને મારી મોટામાં મોટી શ્રદ્ધા સત્યને વિશે રહેલી છે તેથી મારો માર્ગ હંમેશાં કઠિન છતાં સરળ લાગ્યો છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૩૯૧) ‘હું મને પોતાને સીધો માણસ માનું છું. ભૂલ કબૂલ કરવી એ મારો ધર્મ સમજું છું. મેલ મને પસંદ નથી. શરીરમાં, મનમાં, હૃદયમાં મેલ રાખવો એ રોગ છે. એટલે ભૂલ ન કબૂલ કરવી એ પણ રોગ છે. જે મનુષ્ય ઈશ્વર આગળ ભૂલ ન કબૂલ કરે. તેનો આધ્યાત્મિક ક્ષય થાય.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૭૯) ‘તમે જાણો છો કે મારામાં એક ચીજ છે – એ છે મને કોઈ પણ વસ્તુની ઊજળી બાજુ જોવી ગમે છે – દોષવાળી નહીં.' (મહાદેવભાઈની ડાયરી-૧૧, પૃ. ૪૬૧) ‘મારામાં કોઈ વિશેષ હોય તો તે સત્ય અને અહિંસાનો પ્રેમ છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૮, પૃ. ૧૬૨) ‘મારામાં રહેલા સ્ત્રીત્વને તમે વીસર્યા નથી. એ સ્ત્રીત્વને કારણે જ મરણપર્યંત સહન કરવાનો માર્ગ મેં પસંદ કર્યો છે. મારા અબળાપણામાં જ મારું બળ મારે શોધવું રહ્યું.’ (મહાદેવભાઈની ડાયરી-૨, પૃ. ૪૦) ‘મારી આખી જિંદગી મેં મને ઓળખવામાં ગાળી છે. મારું કર્તવ્ય શું છે એ શોધવામાં ગાળી છે.’ (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૧૬૯) ‘મારો અભ્યાસ સત્યની ખોજ છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૫, પૃ. ૧૬૧) ‘મારો સ્વભાવ જ એ છે કે જેવું બોલું છું તેવું લખું છું, અને લખું છું તેવું બોલું છું.' (મહાદેવભાઈની ડાયરી-૧૨, પૃ. ૩૦) ‘કલમથી તો હું ઘણું લખી શકું છું, પણ હું તો અર્થશાસ્ત્રી છું, એટલે અમર [થવાની ખાતરી] વિના ભાષાનો ઉપયોગ ન કરું.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૧૮૭) ‘જેમ વગર જાણ્યે આપણા વાળ વધે છે તેમ મારું આધ્યાત્મિક, જીવન વધ્યું છે, એમ હું માનું છું.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૩૫૧) ‘મારે મંન મારા અનુભવો ઈશ્વરસાક્ષાત્કાર જ છે. બીજા સાક્ષાત્કારમાં શું વધારે હશે?’ (મહાદેવભાઈની ડાયરી-૨, પૃ. ૯૬) ‘હું તો અદ્વૈતના મહાસિદ્ધાંતને માનનારો છું.’ (મહાદેવભાઈની ડાયરી-૧૧, પૃ. ૨૫૯) ‘હું તો અનેકાન્તવાદમાં માનું છું.’ (મહાદેવભાઈની ડાયરી-૨, પૃ. ૧૮) ‘હું આજન્મ લડવૈયો છું.’ (મહાદેવભાઈની ડાયરી-૮, પૃ. ૭૩) હું તો જીવનભરનો પ્રજામતવાદી છું.' (મહાદેવભાઈની ડાયરી-૨, પૃ. ૭૧) ‘અમૃતનું ભોજન યથાકાળે જ કરનારો હું નરકનું ભોજન કેમ કરી શકું?’ (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૫૯) ‘હું આશાવાદી છું, ને મરણપર્યંત, આશાવાદી રહેવાનો.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૭૦) ‘તો irrepressible optimist (અટલ આશાવાદી) રહ્યો, પણ હમેશાં પાયા ઉપર આશા રચું.’ (મહાદેવભાઈની ડાયરી–૬, પૃ. ૨૦૮) ‘મારા શબ્દકોશમાં નાસીપાસી શબ્દ જ નથી. જ્યારે હું મારી જાત અને માનવતા વિશે નાસીપાસ થઈશ ત્યારે જ હું નાસીપાસી અનુભવીશ.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૨૩૦) ‘હું તો હિન્દુસ્તાનના ગરીબોનો સ્વયંનિર્મિત પ્રતિનિધિ છું.' (મહાદેવભાઈની ડાયરી–૧૦, પૃ. ૨૪૦) ‘સાચે જ, જે હવા મારી આસપાસ છે ને જે હું શ્વસું છું તેના કરતાં પણ ઈશ્વર મારી વધારે નજીક છે.’ (મહાદેવભાઈની ડાયરી-૨, પૃ. ૪૨) ‘મારે સારુ એ (આકાશદર્શન) ઈશ્વરદર્શનનું એક દ્વાર થઈ પડ્યું. અહીં આ વખતે એકાએક એમ થઈ આવ્યું કે આકાશદર્શન એ તો એક ભારે સત્સંગ છે. તારા પણ આપણી સાથે મૂંગી વાત કર્યા કરે છે.' (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૨૬૭) ‘મારો રસ જુદા જ પ્રકારનો છે. આકાશને નિહાળતાં જે અનંતતાનો, સ્વચ્છતાનો, નિયમનનો, ભવ્યતાનો ખ્યાલ આવે છે – એ આપણને શુદ્ધ કરે છે. ગ્રહોને અને તારાઓને પહોંચી શકીએ અને ત્યાં પણ ભલે કદાચ પૃથ્વીના સારાનરસાનો અનુભવ થાય છે તેવો થાય, પણ દૂરથી તેમાં જે સૌંદર્ય રહેલું છે અને ત્યાંથી જે શીતળતા છૂટી રહી છે તેની શાંત અસર પડે છે, તે મને અલૌકિક લાગે છે. અને આકાશની સાથે આપણું અનુસંધાન કરીએ, એટલે આપણે ગમે ત્યાં બેઠા હોઈએ તેની કાંઈ હરકત ન રહી. એ તો ઘેર બેઠાં ગંગા આવ્યા જેવું થયું. આ બધા વિચારોએ મને આકાશદર્શનઘેલો કરી મૂક્યો છે. અને તેથી મારા સંતોષ પૂરતું જ્ઞાન મેળવી રહ્યો છું.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૩૨૪). ‘મને સ્વપ્નસેવીઓ ગમે છે.’ (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૧૨૫) ‘મને જેટલા રસ્તા સૂઝે છે તે બધા શાંતિના જ સૂઝે છે. મારે સારુ એ જ સીધો ને તેથી, ટૂંકામાં ટૂંકો રસ્તો છે.' (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૩૧૩) ‘એક આંખ જેમ બીજી સાથે સ્વતઃ મેળ મેળવે છે તેવા મેળનો હું ભૂખ્યો છું. એ તો, બધાંને સ્વજન માનીએ તો જ બને એવું છે. સારાં પરિણામોના મેળ કરતાં સારા માનવીઓનો મેળ હમેશાં વધારે સારો છે એમ અનુભવ કહે છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૬, પૃ. ૩૦૫) ‘માણસો ઉપર ત્રાસ ગુજરે એ મને નથી ખૂંચતું જેટલું માણસનું પતન થાય એ ખૂંચે છે.[26] (મહાદેવભાઈની ડાયરી-૨, પૃ. ૧૩૩) ‘વગર સમજે લોકો મારી પૂજા કરે એ કેવળ કંટાળારૂપ છે. હું જેવો છું તેવો જ લોકો મને જાણે અને છતાં માન આપે તો તેનો હું લોકસેવામાં ઉપયોગ કરી શકું. મારી ધાર્મિક માન્યતાઓને દાબીને કોઈ પણ પ્રકારનું માન લેવા ઇચ્છતો નથી. સદાચરણ કરતાં મારો સર્વથા તિરસ્કાર થાય તોપણ હું વધાવી લઉં.’ (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૫૦) ‘યુક્લિડની સીધી રેખા, જેમ અપ્રાપ્ય છે તેમ પૂર્ણતા પણ અપ્રાપ્ય છે. પણ આપણે તો એ કલ્પિત પૂર્ણતાને પહોંચવા પ્રયત્ન કરી શકીએ; અને એ પ્રક્રિયામાં મારે કાં તો સુધરવું અને કાં તો મરવું. મેં તમને યોગ અને એમાં રહેલી શક્યતાઓ વિશે વાતો કરવા બોલાવ્યા છે. મારામાં કાંઈ ઉમેરાય એવું કાંઈ તમે શોધી કાઢો. અગર તો હું તમારામાં સમાઈ જઉં એવું કાંઈક શોધી કાઢો. મારા અંતરના ઊંડાણમાંથી મને એમ ભાન થાય છે કે મારે જે જોઈતું હતું તે મેળવવામાં હું નિષ્ફળ ગયો છું. મારે લોકો સમક્ષ ભાષણો આપવાં પડે છે એ જ બતાવે છે કે હું અપૂર્ણ છું.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૩૮૬) ‘મારે તો ગરીબોની સેવા કરવી છે, અને ગરીબની સેવા દ્વારા ઈશ્વરદર્શન કરવું છે.’ (મહાદેવભાઈની ડાયરી–૧૦, પૃ. ૧૬૪) ‘ધર્મયજ્ઞમાં દેશને પણ હોમવા તૈયાર થાઉં એવી મારી ભાવના છે.’ (મહાદેવભાઈની ડાયરી-૫, પૃ. ૪૧૭) ‘સત્યને એટલે ઈશ્વરને છોડીને હિંદુસ્તાનનું ભલું નથી ચાહતો; કારણ મને વિશ્વાસ છે કે જે માણસ ઈશ્વરને ભૂલી શકે છે તે દેશને ભૂલી શકે છે, માતપિતાને ભૂલી શકે છે, પત્નીને ભૂલી શકે છે. એટલે સત્ય અને શાંતિ વિના હિંદુસ્તાનનું ભલું મારે માટે ‘નાજાયઝ’ – ત્યાજ્ય – છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૭-૮) ‘રાષ્ટ્રીય હોવાનું મને અભિમાન છે. પણ મારું સ્વદેશાભિમાન સંકુચિત અગર એકલવાયું નથી, એ કોઈ પણ પ્રજા પ્રત્યેના ધિક્કાર ઉપર રચાયેલું નથી.' (મહાદેવભાઈની ડાયરી-૧૫, પૃ. ૨૧૫) ‘તંબૂરો અને મંજીરાની ધૂનમાં અનેક ભક્તો ભગવાન સાથે એકાકાર થતા હશે તેમ રેંટિયાની ધૂનમાં ભગવાન સાથે એકાકાર થવાનો મનોરથ છે.’ (મહાદેવભાઈની ડાયરી-૯, પૃ. ૭૬) ‘લોકમાન્યનો મંત્ર સ્વરાજનો પૂર્વાર્ધ હતો; એનો ઉત્તરાર્ધ મેં આપ્યો. સ્વરાજ હાંસલ કરવા માટેની પ્રવૃત્તિઓનું કેન્દ્ર ચરખો જ હોઈ શકે છે. એ સ્વરાજમંડળમાં સૂર્ય છે. એના મુકાબલામાં કોઈ ગ્રહ નથી આવી શકતા – સૂર્ય એક છે અને તારા અનેક છે તોપણ. હિંદુસ્તાનમાં બીજી ગમે તેટલી પ્રવૃત્તિઓ હોય અને તમે એ ભલે કરો; પણ જો આ પ્રવૃત્તિ છોડશો તો બધી પ્રવૃત્તિઓ નષ્ટ થઈ જશે. કારણ, ગરીબીની સાથે આધ્યાત્મિક સંબંધ બાંધવાનો ચરખા સિવાય બીજો એકેય ઉપાય નથી.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૧૫૧) ‘મારું જીવન હિંદુ ધર્મના આ અત્યંત આવશ્યક સુધારાને માટે (અસ્પૃશ્યતાનિવારણને) સમર્પિત છે. પણ એમ તો મારું જીવન બીજી અનેક વસ્તુઓને માટે સમર્પિત છે. મારા જીવનને એકબીજાથી અલગ એવા ઘણા વિભાગોમાં હું વહેંચી શકતો નથી. મારું જીવન અખંડ છે, મારી પ્રવૃત્તિઓનું મૂળ એક જ જણાશે. જીવનના દરેક ક્ષેત્રમાં પછી તે નાનું હો કે મોટું, સત્ય અને અહિંસાની ઉપાસના કરવી એ મારું ધ્યેય છે.’ (મહાદેવભાઈની ડાયરી-૨, પૃ. ૨૬૧) ‘જ્યારે હું હિરણ્યકશ્યપ નીવડું ત્યારે પ્રહ્લાદ ભક્તની જેમ મારો સાદર નિરાદર કરજો.’ (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૨૫) જેમ ગાંધીજીએ પોતાની આત્મચિકિત્સકવૃત્તિથી-આત્મનિરીક્ષણ-વૃત્તિથી પોતાની આંતરકથા અત્રતત્ર પત્રોમાં, વાતચીત કે વાર્તાલાપોમાં, મુલાકાતો વગેરેમાં રજૂ કરેલી આ ડાયરીઓમાં મળે છે તેમ દેશવિદેશના અનેક મહાનુભાવોએ ગાંધીજી વિશે એમને મળતાં કે એમના વિશે લખતાં કે વાત કરતાં જે કંઈ વિચાર્યું – કહ્યું – લખ્યું હોય તે પણ આ ડાયરીઓમાં સવિવેક રજૂઆત પામ્યું છે. આપણે આ પૂર્વે મૅડમ મૉન્ટેસ્સોરી, રોમાં રોલાં, સરોજિની નાયડુ જેવાના ગાંધીજી વિશેના અભિપ્રાયો જાણી લીધા છે, અત્રે શાંતિનિકેતનના પિતામહ-શા બડોદાદાનો ગાંધીજી વિશેનો અભિપ્રાય જાણીએ. તેઓ કહે છે : ‘આપણે સૌ જાણીએ છીએ કે ગાંધી કામ, ક્રોધ, લોભ, મદ, મત્સરના કીચડમાંથી નીકળી ઘણી ઊંચી ભૂમિકાએથી પોતાનું કાર્ય કરે છે. ગાંધીમાં રણોન્મત્તતા જેવી વસ્તુ નથી : એ તો અહિંસાનો એકાન્તિક સેવક છે. એ આવેશ કે નશામાં એક પ્રવૃત્તિ કરે એમ નથી. એટલે આવા માણસના મોહમુક્ત, વિશુદ્ધ, સાધુજનોચિત સત્કાર્યમાં સર્વાન્તઃકરણપૂર્વક જોડાવું એ જ શ્રેય છે. મારો ધ્રુવ વિશ્વાસ છે કે, ગાંધીના જેવું સો ટચનું સોનું આ ઘોર કળિકાળમાં મળવું દુર્લભ છે. એ સોનાનો વેપાર કેમ ન કરી લઈએ?’ (મહાદેવભાઈની ડાયરી-૯, પૃ. ૩૫) મહાદેવભાઈએ આ સો ટચના સોનાનો વેપાર ઉત્તમ રીતે કરી જાણ્યો છે. મહાદેવભાઈએ આ ડાયરીઓમાં આભડછેટમાં માનતા શાસ્ત્રીઓ સાથે વિવાદમાં શાસ્ત્રાર્થમાં ઊતરતા, આંબેડકર આદિ સાથે ચર્ચા કરતા, ક્રાન્તિકારીઓ અને વિનીતોને મુલાકાત આપતા, યુવાનો, કન્યાઓ અને બાળકો સાથે ગોષ્ઠિ કરતા – એમ અનેક રૂપે ગાંધીજીનું દર્શન કરાવ્યું છે. ગાંધીજીને અહીં અનેકની સાથે વહાલવિનોદ કરતા નીરખવાનોયે લહાવો છે. અરે! એમનો ગુસ્સોયે ગમી જાય છે! દેવદાસનો ઊધડો લેતા ને પછી પસ્તાઈને આંસુ સારતા, હરિલાલની હરકતોથી હેરાન થતા અને છતાં મનની સમતા સાચવતા, કસ્તૂરબાને ઊંડા સ્નેહથી ઉત્તરોત્તર વધુ ને વધુ ઉમદા કાર્યોમાં પ્રેરતા-તરતા, અને એ રીતે મહાદેવભાઈ સમેત અનેક અંતેવાસીઓ-આશ્રમિકોની શીલ-શક્તિના મનમાળી ને જાગ્રત ચોકીદાર બનતા ગાંધીજીને આ ડાયરીઓનાં પાનાં પર જોઈ, માણસને જોઈને શેક્સપિયરને ‘what a piece of work is man' – એવું, થયેલું તેમ આપણનેય ગાંધીજીને જોઈને થાય. કુદરતની કળાનો આ કેવો અદ્ભુત નમૂનો! આઇન્સ્ટાઇને ગાંધીજીના અવસાનકાળે જે લાગણી વ્યક્ત કરેલી[27] તે આપણને ન થાય તો જ નવાઈ! મહાદેવભાઈએ આ ડાયરીઓમાં ગાંધીજીના સાત્ત્વિક નેતૃત્વની ભૂમિકા ને સત્તાનું સુંદર આલેખન કર્યું છે. ગાંધીજીના એકાદશી વ્રતોના પાયા પર નિર્ભર તેમના રચનાત્મક કાર્યક્રમોની નોંધ પણ અહીં લેવાતી રહી છે. ખાદીપ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી, કોમી એકતા, રાષ્ટ્રીય ભાષા અને શિક્ષણ વગેરેની વાતો સાથે એની પાછળની વ્રતવિચારની ભૂમિકાને લગતી અનેક વાતો આમાં આવે છે. વિધવાએ ચાંદલો કરવો કે નહીં તે મુદ્દાથી માંડીને સ્વરાજનું શાસન કેવું હોય ત્યાં સુધીના અનેકાનેક વિષયો પર અહીં ગાંધીજીની મત-ચર્ચા રજૂ થયેલી પ્રાપ્ત થાય છે. ગાંધીજીએ હાર્મોનિયમ વાપરવું કે વીણા યા સિતાર તે વિશેય અભિપ્રાય આપ્યો હોય અને તે સાથે સ્ત્રીઓનો પોશાક રસોડાને અનુકૂળ કે પ્રતિકૂળ તે વિશેય જણાવ્યું હોય! ગાંધીજીની વેધક નજર જે તે ક્ષણની જે તે વસ્તુની સ્થિતિ-ગતિની ઝીણી નોંધ લીધા વિના રહેતી નથી. આવી નોંધ લેતાં, વિવિધ કાર્યક્રમો – પ્રવૃત્તિઓમાં કોઈ ને કોઈ જવાબદારીથી ભાગ લેતાં, અત્રતત્ર પત્રો લખતાં કે પોતાને પ્રિય એવાં ‘નવજીવન' વગેરે પત્રો માટે લખતાં, પ્રશ્નોત્તરી કે મુલાકાતોમાં જે થોકબંધ વિચારો એમણે રજૂ કર્યા છે તેમાંથી કેટલાક ધ્યાનાર્હ વિચારો ડાયરીઓમાંથી પસંદ કરી અત્રે રજૂ કર્યા છે. સૌને એથી ગાંધીજીના વ્યાપક ને સંકુલ મનોરાજ્યનો કંઈક અંદાજ મળશે : ‘સત્યની વ્યાખ્યા તો સહુના હૃદયમાં રહેલી છે. તું જેને અત્યારે સારું માને તે સત્ય અને તે જ તારો પરમેશ્વર.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૩૨૨) આત્મવિશ્વાસ એટલે પોતાના કાર્ય વિશે અખૂટ શ્રદ્ધા.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૨૩૪) ‘સાચી શુદ્ધિ એ આત્મશુદ્ધિ છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૮૯) ‘આત્મશુદ્ધિનું પહેલું પગથિયું એ છે કે પોતાની અશુદ્ધિનો એકરાર કરવો.’ (મહાદેવભાઈની ડાયરી-૩, પૃ. ૩૫) ‘આત્મા નિચોવાય તેટલો તે શુદ્ધ થાય છે.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૧૪૩) ‘તમે ગમે તેટલા પંડિત બનો, ગમે તેટલી વિદ્યા મેળવો, [પણ] શૌર્ય, નિર્ભયતા અને શુદ્ધિ વિના બધી વિદ્યા નિરર્થક છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૭૨) ‘આત્મત્યાગ વિના આત્મદર્શન અસંભવિત છે.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૩૦૨) ‘ખરી ગુફા હૃદયમાં છે, ને સ્મશાન પણ ત્યાં જ છે. આપણે એ ગુફામાં રહી વિકારો માત્રની રાખ કરીએ ત્યારે ખરો સંન્યાસ કહેવાય.’ (મહાદેવભાઈની ડાયરી-૨, પૃ. ૧૦૩) ‘શરીરના આરામનો અધિકારી કોઈ નથી. આત્માનો આરામ હમેશાં શક્ય છે... અનાસક્તિની કામ કરે તે શરીરથી થાકે નહીં, થાકે તો તરત સૂઈ જાય અને અપાર આરામ મેળવી લે. અનાસક્તિને લીધે આત્માને તો આરામ જ રહેવાનો.’ (મહાદેવભાઈની ડાયરી-૩, પૃ. ૧૪૧) ‘આખી દુનિયાનો પરાજય કરવો એ આપણા શરીરમાં રહેલા શત્રુઓનો પરાજય કરવા કરતાં સહેલું છે.’ (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ર૦ર) ‘હા, તોફાન વિના શાંતિ નથી હોતી, સંગ્રામ વિના સુલેહ નથી હોતી. શાંતિમાં સંગ્રામ અંતર્ગત છે. તે વિના આપણે શાંતિને ન જાણી શકીએ. જીવન એ અંદરના કે બહારના તોફાન સામેનો સતત સંગ્રામ છે. તેથી જ સંગ્રામની વચ્ચે હોઈએ ત્યારે પણ શાતિ અનુભવવાની જરૂર છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૧૬૯) ‘જડનો ચેતન ઉપર વિજય થાય તો આત્મવિનાશ સમજવો.' (મહાદેવભાઈની ડાયરી-૫, પૃ. ૧૧) ‘જગતમાં એક જ મિત્રાઈ સાચવવાની મને જરૂર લાગે છે. એ મિત્રાઈ ઈશ્વરની. ઈશ્વર એટલે અંતરાત્મા.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૧૭૮) ‘પ્રેમ બહુ સહન કરે છે. જ્યાં પ્રેમ છે, ત્યાં દયા છે. પ્રેમમાં દ્વેષને અવકાશ જ નથી, પ્રેમમાં અહમ્‌ભાવ નથી, પ્રેમ ઝટ ચિડાતો નથી, પ્રેમમાં મદ નથી, પ્રેમમાં અયોગ્યતા નથી, પ્રેમ અન્યાયથી રાચતો નથી, પ્રેમ સત્યથી જ રાજી રહે છે, પ્રેમ બધું સહન કરે છે, બધું માને છે, પ્રેમ આશામય છે, બધું સાંખી લે છે, પ્રેમ કદી નિષ્ફળ જતો નથી.' (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૬) ‘પ્રેમ એ અગ્નિ સમાન છે. એનો સદુપયોગ થાય તો પાવક અગ્નિની જેમ એ શુદ્ધ કરે; નહીં તો સામાન્ય અગ્નિની જેમ બાળે.’ (મહાદેવભાઈની ડાયરી–૭, પૃ. ૩૪) ‘ફૂલણજીપણું – ગુમાન એ પોલું છે. સ્વમાન એ નક્કર છે. કોઈનું પણ સ્વમાન બીજાથી હણી શકાતું નથી. સ્વમાન હણાય તો તે પોતાનાથી જ હણાય છે. જ્યારે ગુમાનને હમેશાં બહારથી આઘાત લાગે છે, બીજા તેને હણી શકે છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. પર) ‘ખુશામત અને ક્રોધ એ એક જ વસ્તુની – નબળાઈની બે બાજુ છે.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૪૦) ‘શુદ્ધ ધર્મ અચલિત છે, રૂઢિધર્મ કાળે કરીને બદલાઈ શકે છે.' (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૨૦૨) ‘આપણો બાહ્યાચાર અંદરનું પ્રતિબિંબ હોવો જોઈએ.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૨૩૨) ‘કુદરતનો ઉપયોગ સંયમમય જેમાં હોય તે સુધારો.’ (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૧૨૦) ‘ખરું જ્ઞાન એટલે શરીર, આત્મા અને બુદ્ધિના વિકાસનું સંમેલન.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૧૭ર) ‘મને લાગે છે કે જગતમાં એવું કોઈ નથી કે જેની પાસેથી આપણને કાંઈ લેવાનું નથી.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૧૪૨) હરેક મનુષ્યમાં કંઈક તો સચ્ચાઈનો અંશ છે જ. તેને પોપવો એ આપણું કામ છે.’ (મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૧૧૮) ‘અસહકાર પરમ સંયમધર્મ છે.’ (મહાદેવભાઈની ડાયરી-૫, પૃ. ૩૮૬) ‘સત્યાગ્રહની જડ મનુષ્યસ્વભાવ વિશે વિશ્વાસમાં રહેલી છે.’ (મહાદેવભાઈની ડાયરી-૨, પૃ. ૮) ‘પોતે દુઃખ ભોગવી અન્યાયની સામે થવું એ સત્યાગ્રહ છે.’ (મહાદેવભાઈની ડાયરી–૪, પૃ. ૧૩) ‘સ્વાતંત્ર્ય શ્વાસ લેવાની ક્રિયા જેવું છે. [એ ક્રિયા કરતી વખતે] તંદુરસ્ત માણસ પોતાનાં ફેફસાંનો વિચાર કરતો નથી.’ (મહાદેવભાઈની ડાયરી-૧૫, પૃ. રપ૬) ‘સ્વતંત્રતા એટલે ભૂલ કરવાની શક્તિ, એ શક્તિ ન હોય તેનામાં સુધારવાની પણ શક્તિ ન આવે. સ્વતંત્રતા એટલે સંપૂર્ણતા નહીં. માણસ ભૂલો ગંભીર કરે છે. પાપો પણ કરે છે. પણ એ સુધારે છે અને તેના માટે પ્રાયશ્ચિત્ત પણ કરે છે. એમાં જ સ્વરાજ આવી જાય છે.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૧૪) ‘સ્વરાજ એટલે ભૂલો કરતાં કરતાં સત્યની ખોજ.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૨૩૨) ‘સુરાજ્ય એ સ્વરાજ્યની અવેજીમાં ન ચાલી શકે.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૮૬) ‘રાજ્યપ્રકરણી કામકાજમાં બીજું શું કામકાજ થાય એમ ન કહેશો. હું એ માનતો નથી. હું તો માનું છું કે આપણામાં સ્વરાજ લેવાની શક્તિ આવશે ત્યારે સ્વરાજ આવતું કોઈ રોકી નથી શકવાનું, અને એ શક્તિ તો ત્યારે જ આવે કે જ્યારે સમાજના પ્રત્યેક અંગની વૃદ્ધિ કરીએ અને એને નિરામય રાખીએ. સ્વરાજની સાચી શક્તિ મેળવીને જેટલું લઈશું તેટલું જ જીરવી શકીશું.’(મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૧૭૦) ‘સ્વરાજથી આપણે જેટલા દૂર છીએ તેટલા મનુષ્યત્વથી દૂર છીએ, આપણી સર્વશક્તિનો આવિર્ભાવ સ્વરાજ વિના અશકય છે.' (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૨૧૯) ‘આપણે સ્વરાજ ઇચ્છતા હોઈએ, રામરાજ્ય ઇચ્છતા હોઈએ તો આપણી સૌની સ્નેહની ગાંઠ બંધાવી જોઈશે. એ રસ્નેહની ગાંઠ એટલે હાથે કાંતેલા સૂતરની ગાંઠ.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૧૭૯) ‘લોકોનો વિશ્વાસ અને પ્રેમ એ જ જાહેરકામમાં વ્યાજ છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૨૦૫) ‘કોઈ પ્રજા ચઢી નથી શકી જેણે હકનું સેવન કરેલું છે. કેવળ તે જ પ્રજા ચઢી શકી જેણે ફરજનું ધાર્મિક સેવન કર્યું.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૩૮) ‘હિન્દુસ્તાનમાં ભૂખમરો છે તેનું મુખ્ય કારણ આળસ છે.' (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૨૭૨) ‘આપણામાં રહેતી અસ્પૃશ્યતાના પાપબીજમાંથી ગુલામીનું વૃક્ષ નીપજ્યું છે.' (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૧૩૯) ‘જ્યાં જ્યાં અંત્યજસેવા છે... ત્યાં તીર્થ છે. કારણ, તીર્થ એ જ કે જ્યાં આપણે આપણાં પાપ ધોઈને તરી જવાને તૈયાર થઈએ.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૧૩) ‘હું બધા ભેદ દૂર થઈ જશે અને માણસમાત્રની સ્થિતિ સમાન થઈ જશે એવી કલ્પના કરતો નથી. એવી સમાનતામાં જીવ પણ ન હોય. હું તો અસમાનતા અને વિવિધતા છતું એમાં બંધુત્વ લાવવા માંગું છું.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૧૨૦) ‘કાળા કોણ? અને ધોળા કોણ? આપણે બધા એક શાહીથી રંગાયેલા છીએ, કલમ પણ એક જ પરમાત્માની એક જ છે. ઈશ્વર જુદી જુદી કલમ લઈને નથી લખતો. તમે ભાઈબહેનો સિંહ અને સિંહણ બનો કે જેથી તમને કોઈ લૂંટી ન શકે. કોઈ સતાવી ન શકે, કોઈ અપવિત્ર ન કરી શકે... તમે ખરા રાની બનશો તો મારા જેવા નબળા-પાતળા તમારું રક્ષણ માગવા આવશે. ખાવાને સારુ જીવવાનું આજે અમે શહેરીઓ કરી રહ્યા છે, તમે અમને જીવવાને સારુ ખાવાની કળા શીખવો, તમે જંગલમાં વેદોચ્ચાર કરો, અને જંગલને પવિત્ર કરો, વાઘદીપડાને કાઢો અથવા એમને વાસુદેવમય જગતનો સાક્ષાત્કાર કરી રામનામના મંત્રથી વશ કરો. તમે પણ પૂર્વજના જેવા ઝૂંપડામાં રહો છો, તમે વર્ણ દલિત છો. જો તમે સાચા રાની થાઓ તો હિંદુનાં ધર્મ કર્મ, બધું સાચવી શકો.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૨૫૯) ‘યજ્ઞમાં જેટલો હિસ્સો પુરુષનો તેટલો જ સ્ત્રીઓનો છે. ભારતવર્ષને પક્ષાઘાત થયો છે એમ મેં ઘણી વાર કહ્યું છે. પક્ષાઘાતનો અર્થ અર્ધાંગવાયુ. સ્ત્રી અર્ધાંગના છે. [પુરુષ કે સ્ત્રી બેમાંથી કોઈ પણ] એક સિવાય બીજું રહી શકતું નથી. એ તો દ્વંદ્વ છે. એટલે સ્ત્રીને પુરુષના જેટલો જ અધિકાર ન મળે અથવા સ્ત્રી પોતાના અધિકારનો પુરુષના જેટલો જ સદુપયોગ ન કરે તો તેને અર્ધાંગવાયુ છે એમ કહેવાય. એ રાજ્યપ્રકરણની દશા છે; અને સમાજમાં પણ તેમ જ છે. એટલે જો સ્ત્રીઓનો હિસ્સો આપણને ન મળે તો આપણું કલ્યાણ નથી થવાનું.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૨૦૦) ‘સૌનું વધારેમાં વધારે કલ્યાણ સાધવું એ જ એક સાચો, ગૌરવપૂર્ણ અને માનવતાવાળો સિદ્ધાન્ત છે. અને એ સિદ્ધાન્ત ત્યારે જ અમલમાં આવી શકે જ્યારે માણસ પોતાનો સ્વાર્થ સંપૂર્ણપણે છોડવા તૈયાર થાય.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૨૦૧) ‘મોટામાં મોટું શિક્ષણ ચારિત્ર-કેળવણી છે. જેમ જેમ આપણે યમ-નિયમોના પાલનમાં વધતા જઈએ તેમ તેમ આપણી વિદ્યા – સત્યદર્શનની શક્તિ – વધ્યાં જ કરવાની.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૨૮૩) ‘વિદ્યાર્થીઓ પરિસ્થિતિનું આભલું છે.’ (મહાદેવભાઈની ડાયરી-૫, પૃ. ૩૬૬) ‘મંત્ર એટલે સંકુચિત ભાષામાં કહી દીધેલું તત્ત્વ.’ (મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૪૭) ‘સાચું શાસ્ત્ર એટલે પ્રાણ પૂરે એવો સ્વીકૃત શબ્દ.’ (મહાદેવભાઈની ડાયરી-૧૧, પૃ. ૨૭૫) ‘સૌંદર્યની સ્તુતિ થવી જ જોઈએ; પણ તે મૂક સારી. અને ‘तेन त्यक्तेन भुञ्जीथाः' આકાશનું સૌંદર્ય જેને હર્ષ ન પમાડે તેને કંઈ નથી ગમવાનું એમ કહી શકાય. પણ જે હર્ષઘેલા થઈ નક્ષત્રમંડળને પહોંચવાની સીડી બાંધવાનો આદર કરે તે મૂર્છિત છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૧૬) ‘જેને ગીતામાં રસ ન આવે, જેને રેંટિયાનું ગાન ગમે નહીં તે જિંદગીને જાણતા જ નથી. રસના સ્વામી આપણે થઈએ, ને જે શ્રેય સૂર છે તેમાંથી રસ ખેંચવાનું આપણને આવડવું જોઈએ. તેમાં ખરી કળા છે. બહારના રસોને અધીન થવું એ ગુલામી છે. અંદરથી રસો ઉત્પન્ન કરવા એ ખરો આનંદ છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૩૦૫) ‘સંગીત જાણવું એટલે આખું જીવન સંગીતમય કરી મૂકવું. આપણું જીવન સુરીલું નથી તેથી જ આપણી દશા દયામણી છે. જ્યાં પ્રજાનો એક સૂર ન નીકળતો હોય ત્યાં સ્વરાજ ક્યાંથી હોય?’ (મહાદેવભાઈની ડાયરી-૯, પૃ. ૯૯) ‘કળાને જીવનમાં સ્થાન છે... પણ આપણે બધાએ જે માર્ગ કાપવો છે તેમાં કળા વગેરે સાધનમાત્ર છે. એ જ જ્યારે સાધ્ય થાય ત્યારે બંધનરૂપ થઈ મનુષ્યને ઉતારે છે.’ (મહાદેવભાઈની ડાયરી–૧, પૃ. ૨૨૫) ‘કળાની વ્યાખ્યા મારી અને તમારી જુદી હોવાનો સંભવ છે. મારે હિસાબે કળા જેટલી બાહ્યના ઉપર અવલંબેલી છે, તેટલે અંશે તે ઓછી કળા છે. બાહ્ય સાધન જેટલાં વધે તેટલી વધારે કૃત્રિમતા દાખલ થવાનો સંભવ છે. આ એક દૃષ્ટિ. બીજી દૃષ્ટિ એ કે સર્વોત્કૃષ્ટ કળા વ્યક્તિભોગ્ય નહીં હશે, પણ સર્વભોગ્ય હશે.’ (મહાદેવભાઈની ડાયરી–૯, પૃ. ૭૨) ‘જીવન સૌ કળાથી અદકું છે. હું તો માનું છું કે જેણે ઉત્તમ જીવી જાણ્યું તે જ ખરો કળાકાર. ઉત્તમ જીવનના પૃષ્ઠતલ વિના કળા શી રીતે ચીતરી શકાય? કળાની કિંમત જીવનને ઉન્નત બનાવવામાં રહેલી છે. જીવન જ કળા છે. કળા જીવનની દાસી છે, અને તેની સેવા કરવાનું જ તેનું કાર્ય છે. એ અર્થમાં કળાને હું માનું છું. કદર કરું છું. કળા વિશ્વ પ્રત્યે જાગ્રત હોવી જોઈએ. કળા જીવન પ્રત્યે જાગ્રત હોવી જોઈએ.’ (મહાદેવભાઈની ડાયરી-૬, પૃ. ૩૬) ‘જે કળા આપણને આત્મદર્શન કરતાં ન શીખવે તે કળા જ નહીં... હું સત્યમાં અથવા સત્ય વડે સૌંદર્ય જોઉં છું... સત્યમાં સૌંદર્ય જોતો થયો એટલે માણસ કળા જોતો થયો, કળારસિક થયો એમ સમજવું.' (મહાદેવભાઈની ડાયરી-૬, પૃ. ૨૪૫) માણસને નીતિમાં એક પગલું આગળ વધારે, એના આદર્શ ઊંચા કરે, એ કળા; એની નીતિને ઉતારે તે કળા નહીં પણ બીભત્સતા.' (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૨૮૭) આમ ગાંધીજી કેવા સમર્થ – મૌલિક વિચારક છે તે આ ડાયરીઓમાંથી સબળ રીતે પ્રતીત થાય છે. ગાંધીજી કેવું મહાન જીવન જીવતા હતા તેનોય ખ્યાલ આ વૈવિધ્યસભર, સૂક્ષ્મ અને ઊંડા વિચારો પરથી આવે છે. ગાંધીજી જેવા આત્મદર્શી ને પારદર્શી પુરુષો જવલ્લે જ મળે. કેટલીક વાર તો ગાંધીજીની વાણી સૂત્રાત્મક રીતે, અનિવાર્ય અલંકારોથી ક્યારેક સજ્જ થઈને આપણી આગળ પ્રગટ થાય છે. ક્યારેક એ રીતે આ ડાયરીઓમાં ગાંધી-ઉપનિષદ વણાઈ ગયેલું જણાય. ગાંધીજીની સત્યપૂત વાણીના કેટલાક આહ્લાદક અંશો નીચેનાં ઉદાહરણોમાંથી મળી રહેશેઃ ‘પરમેશ્વર ભારે ઘડિયાળી છે. ખટખટ થતું ઘડિયાળ એ જ ચલાવે છે.’ (મહાદેવભાઈની ડાયરી-૮, પૃ. ૩૦૮) ‘દુઃખના પ્રાણવાયુ વિના આપણે મરી જઈએ.’ (મહાદેવભાઈની ડાયરી–૨, પૃ. ૧૨૦) ‘સચ્ચાઈની પરીક્ષા કુરબાની છે.’ (મહાદેવભાઈની ડાયરી-૫, પૃ. ૨૮૧) ‘તંત્ર તો આત્મામાં રહેલું છે.’ (મહાદેવભાઈની ડાયરી-૮, પૃ. ૧૩૩) ‘શરીર ચોર છે.’ (મહાદેવભાઈની ડાયરી-૨, પૃ. ૯૪) ‘કામ વીંછી છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૧, પૃ. ૨૧૩) ‘દંભ એ તો કેવળ અસત્યનો પોશાક છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૩૭૨) ‘આ અંગ્રેજ લોકોએ સારંગીના સઘળા તાર ઉપર એમની આંગળીઓ ગોઠવી દીધી છે. પણ એક ઉપર એમની આંગળી નથી. એના ઉપર મારી આંગળી છે. એ છે અહિંસા.’ (મહાદેવભાઈની ડાયરી-૮, પૃ. ૫૫) ‘મારો રેંટિયો મારી વીણા છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૧૬૯) ‘ખાદી જેવી સ્ત્રી જગતમાં મળે તેમ છે નહીં; અને અસંખ્ય પુરુષો વરે છતાં એ અખંડ કુમારિકા છે, અને જે પુરુષ એને જ વરે છે તે વર્યો છતાં અખંડ બ્રહ્મચારી છે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૧, પૃ. ૪૫૬) ‘મારામાં દ્રૌપદીની આર્તનાદની શક્તિ આવશે, દ્રૌપદીની ભક્તિ આવશે ત્યારે મારું સૌ સાંભળશે, સૌ ખાદી પહેરશે અને સ્વરાજ આવશે.' (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૩૨) આ ડાયરીઓમાં, આ પૂર્વે નિર્દેશ્યું તેમ, ગાંધીજીની અનેક મહાનુભાવો સાથેની મુલાકાતો – પ્રશ્નોત્તરીઓ વગેરેના અહેવાલ આવે છે. તેમાં ગાંધીજી કેવા પ્રત્યુત્પન્નમતિ સંભાષક છે તે પણ જોવા મળે છે. આમ, મહાદેવભાઈની ડાયરીઓ, મહાદેવભાઈના તો ખરા જ, સાથે ગાંધીજીના ગદ્યનો પણ સારો ખ્યાલ આપે છે. મહાદેવભાઈએ જે કહેલું કે ‘...બાપુની કલમ જ હૃદયમાંથી ચાલે છે અને તેમાંથી દરેકને માટે (જેમ પોતાને માટે) યોગ્ય ઉદ્ગાર નીકળે છે[28] તેની યથાર્થ પ્રતીતિ આ ડાયરીઓ કરાવે છે. આ ડાયરીઓમાં ગાંધીજીના લૌકિક જીવન સાથે તેમના આંતરિક – અલૌકિક જીવનનો રંગ પણ ઊતરેલો દેખાય છે. અહીં તેમનો પારિવારિક જીવન સાથે જાહેરજીવનમાંનો ઉઘાડ પ્રત્યક્ષ થાય છે. મહાદેવભાઈની તત્ત્વાભિનિવેશી દૃષ્ટિ ગાંધીજીના ભરચક જીવનમાં કઈ ક્ષણોને ડાયરીમાં અંકિત કરી લેવી તેનો સૂક્ષ્મ વિવેક દાખવે છે. એમાં એમનું કાકાસાહેબ કહે છે તેવું તાદાત્મ્યપૂર્ણ તાટસ્થ્ય અથવા તાટસ્થ્યપૂર્ણ તાદામ્ય જોઈ શકાય છે. મહાદેવભાઈની આ ડાયરીઓ ગાંધીજીના ગહન અને ભવ્ય જીવન–પ્રાસાદમાંના વિવિધ ખૂણાઓને જોવા-ઝાંખવાની બારીઓની ગરજ સારે છે. આ ડાયરીઓમાં રવીન્દ્રનાથ, કાકાસાહેબ, મુસોલિની, ભગિની નિવેદતા, લોકમાન્ય ટિળક, વિવેકાનંદ, આનંદશંકર, પંડિત મદનમોહન માલવિયા, સરોજિની નાયડુ, દેવદાસ વગેરે અનેક વિશેનાં ગાંધીજીનાં ધ્યાનાર્હ નિરીક્ષણો પણ પ્રાપ્ત થાય છે. તેઓ વિવેકાનંદની વિવેક ચૂકવાની વાતનો કે અપ્ટન સિંકલેરની નોબલ પ્રાઇઝ માટેની અસુભગ મથામણનો નિર્દેશ કરતાં ખમચાતા નથી. પ્રસંગોપાત્ત, પોતે વાંચેલા ગ્રંથો, લેખો વગેરે વિશેના મતો પણ અહીં દર્શાવાયા હતા. ઝવેરચંદ મેઘાણીનું ‘છેલ્લી સલામ’, ‘છેલ્લા કટોરા’ જેવું નહીં તે પણ તેઓ જણાવે છે. આમ આ ડાયરીઓ ગાંધીજીના આંતરબાહ્ય જીવનનો બહુમૂલ્ય કોશ બની રહે છે. આમાં કેટલાક એવા પ્રસંગોયે અપાયા છે જેમાં ગાંધીજીની માર્મિક ટીકા – ચેષ્ટા આપણને જોવા મળે. દા.ત. એક – છ-સાત વર્ષની બાળકી બે વર્ષના પોતાના ભાઈને તેડીને એક ટેકરી ચડે છે. એને એના ભાઈનો ભાર લાગતો નથી. ગાંધીજી એ કાવ્યાત્મક પ્રસંગનું – એ પ્રસંગકાવ્યનું ભાષ્ય કરતાં કહે છે : ‘ભારેમાં ભારે વસ્તુ પીંછાં જેવી હળવી બને છે, જ્યારે પ્રેમ એને ઊંચકનાર હોય છે.' (મહાદેવભાઈની ડાયરી-૩, પૃ. ૩) ગાંધીજીએ રેંટિયાને ‘સુદર્શનચક્ર', ‘ધર્મચક્ર', ‘કામધેનુ', ‘અન્નપૂર્ણા', ‘વીણા' – એમ વિવિધ રીતે ઓળખાવ્યો છે; પણ એક વાર એની વાત કરતાં કહે : ‘રેંટિયો મારો હાથ છે.[29] રેંટિયાનું આથી સચોટ વર્ણન કોણ કરી શકે? મહાદેવભાઈએ ડાયરીઓ સિવાયનાં અન્ય લખાણોમાં પણ ગાંધીજીની અક્ષરછબી ઉપસાવવાનો પ્રેરક અને રમણીય પ્રયત્ન કર્યો છે; પણ આપણે તો એમની ડાયરીઓમાંના ગાંધીજીની જ વિચાર, વાણી અને વર્તનમાં ઊપસતી અક્ષરછબીની ઝાંખી કરવાનો અત્રે ઉપક્રમ કર્યો છે. મહાદેવભાઈની આ ડાયરીઓ વાંચતાં આપણને સીધાસાદા જણાતા ગાંધીજીના જીવનના ને અંતરના ઝળહળાટભર્યા ભવ્યરમ્ય વિશ્વનો આહ્લાદક પરિચય-પરચો મળે છે. આપણાથી સ્વાભાવિકતયા જ ગાંધીજીના પ્રેમમાં પડી જવાય છે, તો પછી ગાંધીજી સાથે જેમને રહસ્યમંત્રી – અંગત સચિવ તરીકે રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું તેના પ્રેમોલ્લાસની તો વાત જ શું કરવી? ગાંધીજી કંઈ જીવનના રસોનું સુકવણું કરી દે એવી વિકૃત પ્રકારની ચોખલિયા સ્વાભાવની હસ્તી હતી જ નહીં. એ તો સાચો જીવનરસ જ્યાંથી લાવી શકે એના મૂળ સ્રોતોની ભાળ દેનારી હસ્તી હતી. ‘સંત સેવતાં સુકૃત વાધે' – એ સત્યનો અનુભવ મહાદેવભાઈને ભરપૂર થયો હતો, એમના સુપુત્ર નારાયણભાઈનેય એ અનુભવ થયો છે અને આ ડાયરીઓમાં ડૂબકી દેતાં આપણનેય એવો અનુભવ યથાધિકાર મળી રહે છે. આમ આ ડાયરીઓ દ્વારા અમૃતમય જીવનની વસંતના પ્રેરક એ સંતમહાત્માનું દર્શન કરતાં કંઈક સુકૃત પામ્યાનો ભાવ તો થાય છે જ. સંતો તો એ, જે શાંતિ પમાડે; જે આપણા જીવનની ક્ષણેક્ષણને અમૃતરસ ઝીલવાની તકમાં પરિવર્તિત કરી આપે. જે ગાંધીરસનો સ્વાદ મહાદેવે લીધો ને નારાયણ જોગીએ લીધો તેનું કાંઈ નહીં તો એકાદું ચટકુંયે આ વ્યાખ્યાનોના નિમિત્તે ચાખવાનું સદ્ભાગ્ય સાંપડ્યું તે બદલ તેમાં નિમિત્તભૂત થનાર સૌનો હૃદયપૂર્વક આભાર માનીને વિરમતાં પૂર્વે એક પ્રસંગ ટાંકવાનો લોભ અટકતો નથી. નારાયણભાઈએ એ પ્રસંગ નોંધ્યો છે : ‘કોઈક વાર મહાદેવભાઈ દિવસે ઓરડી બંધ કરીને સૂવાનો પ્રયત્ન કરતા. તે વખતે નારાયણને કહેતા, ‘બાબલા, હું સુવા જાઉં છું. ભલો ભૂપ આવે તોપણ મને ઉઠાડીશ નહીં. ખુદ યમ આવે તો પણ એને ઘડીભર થોભી જવાનું કહેજે!' બાબલો સહેજ ટીખળ કરીને પ્રશ્ન પૂછતો: ‘અને કાકા, જો બાપુ આવે તો?' એ પ્રશ્નનો જવાબ મહાદેવભાઈ પાસે નહોતો. તેઓ માત્ર બાબલા તરફ જોઈને કહેતા, ‘લુચ્ચા! તું તો બધી વાતમાં પકડી પાડે છે!' પણ એ પ્રશ્નનો જવાબ બાબલા પાસે હતો. એને ખબર હતી કે બાપુ આવે તો મહાદેવને ઉઠાડવા જ ન પડે, એમના આવતાં પહેલાં જ કાકા ઊઠેલા હોય!’ અને આ રીતના અંદરથી સમુત્થિત એવા મહાદેવભાઈની કલમે રજૂ થયેલા બાપુનું આપણને કોઈ અભિનવ સ્વરૂપે ફરી ફરીને અમૃતદર્શન પ્રાપ્ત થાઓ એવી સદ્ભાવના અંતમાં વ્યક્ત કરીને વિરમીએ!



  1. અભિરુચિ, ૧૯૫૯, પૃ. ૧૯૭.
  2. શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. ૮૮; અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૨૧૪.
  3. એજન, પૃ. ૧૦૧.
  4. ઉપલબ્ધિ, પૃ. ૨૫૬.
  5. શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. ૩૭.
  6. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૩૨૪.
  7. શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. ૧૧૯.
  8. મહાદેવભાઈનું પૂર્વચરિત, પૃ. ૭૦.
  9. મહાદેવભાઈની ડાયરી-૧૮, પૃ. ૧૮૨.
  10. મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૧૦૮.
  11. મહાદેવભાઈની ડાયરી-૪, પૃ. ૮૬-૮૭.
  12. એજન, પૃ. ૧૦૪-૫.
  13. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૬૭૩-૬૭૯.
  14. મહાદેવભાઈની ડાયરી-૮, પૃ. ૩૬૫-૩૬૯.
  15. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૮૪.
  16. શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. ૨૫.
  17. મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૪૬.
  18. શુક્રતારક સમા મહાદેવભાઈ, પૃ. ૩૧.
  19. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૧૭૪.
  20. એજન, પૃ. ૭૧૨.
  21. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૨૦૧.
  22. ગાંધીજીના આશ્રમસાથીઓ, ૧૯૭૩, પૃ. ૩૫.
  23. અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ, પૃ. ૩૦૩; મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૨૨.
  24. મહાદેવભાઈની ડાયરી- ૬, પૃ. ૨૫.
  25. મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૧૨૫.
  26. મહાદેવભાઈનો ઉદ્ગાર પણ આ સંદર્ભે જોવા જેવો છે : ‘આજે પણ હું જોઉં છું કે એક પણ સત્કાર્યની વાત સાંભળે છે તો એમને આનંદ થાય છે, એક પણ દુષ્કાર્યની વાત સાંભળે છે તો તેમને દુઃખ થાય છે. એક આત્માનું પતન એમને ખંજર ભોંકે છે, અને કોઈ રાજ્યના પતન કરતાં પણ વસમું લાગે છે – એક આત્માનો ઉદ્ધાર એમને પ્રફુલ્લ કરી દે છે અને પ્રાણ દે છે. આ સ્થિતિ છે. આસપાસ જ્યાં ત્યાં પતન ચાલી રહ્યું છે ત્યાં ગાંધીજીને એકાએક સ્વસ્થ કરી દેવાની તો કોણ હામ ભીડી શકે? આરામ પણ હામ ન ભીડી શકે.’ (મહાદેવભાઈની ડાયરી-૧૦, પૃ. ૩૧૭)
  27. આઇન્સ્ટાઇને કહેલું કે ભાવિ પેઢીને વિશ્વાસ નહીં પડે કે આવો કોઈ હાડમાંસનો બનેલો માનવી કયારેય આ પૃથ્વીના પટ પર સદેહે સંચર્યો હશે.
  28. મહાદેવભાઈની ડાયરી-૧, પૃ. ૨૪૪.
  29. મહાદેવભાઈની ડાયરી-૭, પૃ. ૧૫.