મહેન્દ્ર કેશવલાલ અમીન
Jump to navigation
Jump to search
અમીન મહેન્દ્ર કેશવલાલ (૨૮-૫-૧૯૩૫): કવિ. જન્મસ્થળ અમદાવાદ. ૧૯૬૦માં અંગ્રેજી વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૦થી ૧૯૭૪ સુધી મોડાસાની કૉલેજમાં અને ૧૯૭૪થી સાબર કૉલેજ, પ્રાંતિજમાં અધ્યાપક. ‘અરવ રવ’ નામના સાહિત્ય-સામયિકનું સાતેક વર્ષ સહસંપાદન. ગુજરાતી કવિતાના સાતમા દાયકામાં નિતાંત વસ્તુલક્ષિતા ભણી પ્રસ્થાન કરી રહેલી અને અસ્તિત્વવાદી કાવ્યભાવનાની ઠીક ઠીક અસર ઝીલતી અછાંદસ રચનાઓનો સંગ્રહ ‘વિરતિ’ (૧૯૬૦), શીર્ષક સૂચવે છે તેમ, જીવન પરત્વેના વિરતિભાવને લક્ષ્ય બનાવે છે. ‘હું’ (૧૯૭૩) એમનો બીજાે કાવ્યસંગ્રહ છે.