માંડવીની પોળના મોર/પાનપુરાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાનપુરાણ

પાનની સ્વતંત્ર દુકાન હોય એવી કલ્પના એ વખતે અમને નહોતી. અમારા ગામમાં દુકાનો તો ગણીને ચાર. પણ પાન તો એક જ ઠેકાણે મળે. પેમ્ભાની દુકાને. મૂળ નામ પ્રેમશંકર, પણ ઉંમરને કારણે ગામ આખું પેમ્ભા કહે. પેમ્ભા આમ તો, પરચૂરણ કહેવાય એવું યે બીજું ઘણું રાખતા. છતાં એમનો મુખ્ય કારોબાર પાન અને દેશી તમાકુનો. સુરેન્દ્રનગરથી તમાકુના મોટા મોટા પડા લાવે. તાસક જેવડી લોખંડની ગોળ ચોકીમાં એની ઝીણી ઝીણી પત્તીઓ કરીને એકાદ બે દિવસ તડકામાં તપવે. તમાકુ એકદમ ખરી થઈ જાય પછી એની બીડીઓ જાતે વાળે. મોટી કાતરથી, ખાખરાનાં ભીંજવેલાં, અધસૂકાં પાનની ત્રણેક ઇંચ લાંબી, એકસરખી પટ્ટીઓ કાતરે. ચોકી ખોળામાં લઈને બેસે. આંગળીની સમાંતરે આડી પકડેલી પટ્ટીમાં તમાકુની ચપટી પાથરે. પછી એનું ત્રાંસું ત્રાંસું ભૂંગળું વાળે. બાજુમાં જ લાલ રંગના દોરાનો દડો પડ્યો હોય, એનો છેડો પકડીને દોરો વીંટાળે. આંગળી અને અંગુઠાથી વળ ચડાવે. ચોકીમાં પડેલી દિવાસળીથી તમાકુને, બંદૂકમાં જામગરી ભરતાં હોય એમ ભરે, અંદર પોલું રહી ન જાય એમ દબાવે. પછી, આગળના છેડાઓને દિવાસળીથી જ વાળી વાળીને અંદરપેક કરી દે એટલે શરણાઈ જેવી બીડી તૈયાર. શરણાઈમાં સામી ફૂંક દેવાની. સાંભળનાર અને વગાડનાર બંને રાજી થાય. બીડીનું એથી ઊંધું. ફૂંકને અંદર ખેંચવાની. ખેંચનારો રાજી થાય ને જોનારો દાઝે! આવી પચીસ બીડી થાય એટલે એની ઝૂડી વાળે! ગામમાં પેમ્ભાના હાથની બીડી સિવાયનું ખાસ ચલણ નહીં. કો’ક કો’ક દરબારો મૂડમાં હોય ત્યારે કેવેન્ડર કે તાજ છાપ પીએ. બંનેમાં ફેર કેટલો? તો કહે, પેમ્ભાની એક આખી ઝૂડી, પચીસ પૈસામાં જાય ને આ સિગારેટ એકલી પચીસ પૈસાના વટાદાર ધુમાડા કાઢે! સવારે અમે નિશાળે જતાં હોઈએ ત્યારે, પેમ્ભા દુકાનના ઓટલે બેઠા બેઠા પિત્તળની નાની એવી ખાયણીમાં ટનૂ... ટનૂ... અવાજે કાથો ખાંડતા હોય. નિશાળ ભૂલીને હું આ જોવા ઊભો રહી જાઉં. ખાંડેલા કાથાને છાપા ઉપર ઝીણા આંકે ચાળે. ઢાંકણામાં છિદ્રોવાળું જર્મન સિલ્વરનું લાંબું ભૂંગળું કોરા કાથાની રાહ જોતું પડ્યું હોય. એ ભરીને બાજુ પર મૂકે. વધેલો કાથો સિરેમિકની નાની એવી બરણીમાં ભરીને ધીરે ધીરે પાણી નાંખતા જાય ને શંકુદ્રુમના લઘુરૂપ જેવી લાકડાની દાંડીથી હલાવતા જાય. બધું બરાબર લાગે એટલે દાંડીને અંદર જ રહેવા દઈને ઢાંકણું અધખુલ્લું ઢાંકે ને એની જગ્યાએ મૂકી દે. આ દરમિયાન બીજી બરણીમાં ચૂનો પલળી ગયો હોય. એનું ઉપરનું પાણી કાઢી નાંખે અને બીજું ઉમેરે. એમાં બૂથડ હથિયારના આકારની નાની એવી લાકડાની દાંડી પડી હોય. કપૂરી પાન ડીટિયાં પ્રમાણે, ચાઈનિઝ પંખાની ભાતે, શણના કોથળામાંથી કાપેલા મોટા કકડામાં ગોઠવે અને ચારે ય બાજુથી ઢાંકી દે. ટ્રેમાં મૂકે અને પાણીનો છંટકાવ કરે. આટલું કરે ત્યાં સુધી એમના હોઠ સતત લાંબાટૂંકા થતા રહ્યા હોય. કદાચ હોઠને સ્થિર કરવા, પટ્ટ દઈ લાઈટર ચાલુ કરે અને પોતે જ વાળેલી બીડી સળગાવે. થોડી વારમાં પેભ્ભાનો ઢીંચણ પર ગોઠવાયેલો ચહેરો ધુમાડાની સેર વાટે અદૃશ્ય થતો જાય ને એમની હયાતી રૂપે બીડીનું અંગાર ટોપકું એકલું એકલું ફૂંકે ફૂંકે ઝગ્યાં કરે. નાના હતા ત્યારથી જ અમને પાનનું ગજબ આકર્ષણ. ઘર ઘર રમતાં ત્યારે ય પીંપરનાં કૂણાં પાનમાં મીઠું-મરચું અને ખાંડની ચપટી નાંખીને ખાતાં. અમને બેય ભાઈઓને વરસના વચલા દિવસે પાન ખાવાની છૂટ મળે. જઈને કહીએ : ‘બે પાંદ બનાવો!’ પેમ્ભાનો પહેલો સવાલ: ‘કાવડિયા લાઇવા સો?’ અમે હાથમાંની આઠ આની બતાવીએ એટલે એ પેલું શણિયું ખોલે ને વચ્ચેથી બે કપૂરી પાન કાઢે. બે છેડા બેગા કરીને કાતરથી ડીંટિયાં કાપે. અવળાં પાનમાં ચૂનાનું તો અમથું ટપકું જ કરે. પછી કાથાની દાંડી હળવે હાથે ફેરવે. અચાનક જ ઝડપ પકડે અને રતુંબડાં ફીણ ચડાવે. સૌથી પહેલાં ધાણાની દાળ એ પછી વરિયાળી મૂકે. પછી ઉપાડે મોટો સૂડો. સૂડાનો નીચેનો છેડો પગના અંગૂઠામાં દબાવે. હાથમાં રાખે સોપારી ને પછી કચરક કચરક કાતરે. બેય પાનમાં થોડી થોડી ભભરાવે. અમને આ બધાંમાં ઓછો રસ. એમ થાય કે ક્યારે લાલ, લીલી ફૂટી નાંખે? પણ એ તો ફૂટી પહેલાં થોડુંક થોડુંક ગુલકંદ ટપકાવે. લવલી મસાલાની એકેકી છાંટ મારે એ પછી મૂકે ફૂટીના બે-ત્રણ ટુકડા! સમોસાની જેમ પડીકું વાળીને બે આંગળી વચ્ચે દબાવેલું ચમકીલું પાન આપે. પાન મોઢામાં મૂકીએ એ પહેલાં જ મોંમાં રસના ઘૂંટડા છૂટે. પછી તો વગર બોલ્યે જ કોનું પાન લાંબુ ચાલે છે એની સ્પર્ધા શરૂ થાય. આપણે તો ગલોફામાં દબાવ્યું એ દબાવ્યું! ધીમે ધીમે એનો રસ ઉતારવાનો, જઈને અરીસામાં જોવાનું. કોનું મોઢું વધારે લાલ થયું? ગાલમાં રસોળી થઈ હોય એમ બે કલાક સુધી પાન દબાવી રાખીએ. છેલ્લે તો એમાં કશો રસકસ રહ્યો ન હોય.એ પછી શરૂ થાય ચર્વણા. આ અમારા પાનપુરાણની નાંદી! શહેરમાં આવ્યા ત્યાં સુધી પાન એટલે ફક્ત કપૂરી પાન. બીજી કશી ગતાગમ નહીં. એટલી જ ખબર કે પૂજામાં વાપરવાનાં હોય એ પાનનાં ડીંટિયાં તોડવાનાં નહીં અને ખાવાનાં પાનમાં ડીટિયાં રાખવાનાં નહીં. એક વાર અમારા ડ્રોઈંગ ટીચર શુક્લસાહેબે ચિઠ્ઠીમાં લખી આપીને દીપુભાની દુકાનેથી મારી પાસે પાન મંગાવેલું. એમાં લખેલો ‘બંગલો’ ત્યારે સમજાયો નહોતો. પાનવાળાને ત્યાં બંગલો ક્યાંથી મળે? ને મળે તો ય લાવવો કેવી રીતે? પછી સમજાયું કે આ તો પાનનો એક પ્રકાર છે. પછી તો બીજાં અનેક પ્રકારનાં પાનનો પરિચય થયો. સુરેન્દ્રનગરમાં નટરાજ પાન હાઉસનું ઉદ્ઘાટન થયું ત્યારે, નટુભાઈએ આખો દિવસ બધાંને મફત પાન ખવરાવેલાં. ક્યારેય ન જોઈ હોય એવી બધી રંગરંગીન વસ્તુઓ સ્પેશ્યલ પાનમાં આવે. ખાસ પાન આવતું ‘લેડિઝ સ્પેશ્યલ’. સુહાગરાતે પત્નીને ખવરાવવા વરરાજાઓ લઈ જાય. એમાં બે એક કલાક જમાવેલું, કલકત્તી મીઠું પત્તુ લેવાય. આ પાનમાં સોપારીના ટુકડા ન હોય. ધાણાદાળ, વરિયાળી ઉપરાંત મીનાક્ષી ચટણી, હીરામોતીનો મસાલો, ચાંદી ચમકવાળા મુસ્કિદાણા, ખારેકના ટુકડા, ટોપરાનું લીલુંપીળું છીણ, ચેરીના લાલ કટકા, ભરપૂર માત્રામાં ગુલકંદ, કેસરનો ભાસ કરાવતી સળીસોપારી, ફૂટીના બે ટુકડા અને છેલ્લી બાકીની ઈલાયચી. નાના સરખા લાડવા જેવડું, આખું પાન તો કોઈ નાજુક નમણી રમણી શી રીતે મોંમાં મૂકી શકે? એને ખાવા-ખવરાવવાની કેવી કેવી રીતો હોઈ શકે એની રમણીય કલ્પના કરીને રહી જતા. પછી અમે કપૂરી પાનને તિલાંજલિ આપી ને બંગલે ચડ્યા. આખો દિવસ બકરાની જેમ પાન ચાવ્યા કરીએ. બંગલો પ્રમાણમાં તીખું અને એ વખતે આપણી તિખાશેય ઓછી નહીં તે ઠીક મેળ જામતો. એક વાર ડોલર ગઢવી કહે કે ‘અલ્યા! આ તયે ખાવ સો ઈ તો લેડિજ પાન કે’વાય. તમાકુ વિનાનું પાન મરદ નો ખાય!’ એમ કરીને તાંબૂલ મહિમાનો એક દોહો કહ્યો. સાંજે નટુભાઈને કીધું કે – ‘આપડા પાનમાં થોડીક તમાકુ ય નાંખજો!’ નટુભાઈ મારી સામે જોઈને મર્માળુ હસ્યા. ‘કઈ તમાકુ નાંખું?’ ડોલર કહે કે જાફરાની તુફાન ઠબકારો!’ પહેલેથી જ રસના ઘૂંટડા ઉતારવાની ટેવ એટલે બીજી કે ત્રીજી મિનિટે અમને વગર તપશ્ચર્યાએ નટવરનાં વિશ્વરૂપ દર્શન થવા શરૂ થયાં. જગત આખું ચકડોળે ચડ્યું. હાથ-પગમાં ધ્રુજારીએ ઘેરો ઘાલ્યો ને વધારામાં ‘હઓક હો... હઓક હો...’ કરતાં અળદાવો ને પીતપાપડો બધું ય બહાર! એ પછી, દુનિયાની બધી તમાકુને પચાવવાનું હોજરીએ પણ લીધું! બીજી કોઈ દિશામાં વિકાસ થાય કે ન થાય પણ પાનની બાબતે અમે પ્રગતિશીલ હતા. એક વાર જશુભાઈ કિમામવાળાને બનારસી પાન ખાતા જોયા. શું મસ્તીથી પાન બનાવે! જમીને હિંચકે બેસે. બે-ચાર નાના મોટા ઓડકાર ખાય. છેલ્લે મોઢામાંથી ખાલી ખાલી હવા કાઢે અને બાજુમાં પડેલી પાનપેટીને હળવે રહીને ખોળે લે. ઉઘાડીને ટ્રેનું ટોપકું પકડીને ઢીંચણ પાસે મૂકે. અંદરથી પાકુંપીળું બનારસી કાઢે. નાની એવી કાતરથી ડીંટિયુંને આગળની અણી કાપે. પહેલી આંગળીએથી લાંબા લસરકે ચૂનો ચોપડે. પાન હાથમાં જ હોય ને હંસાબહેનની દાળના વખાણ કરે. આપણને થાય કે ભૈસાબ હવે આ પાનનું તો કંઇક આગળ કરો! બીજી નાની એવી નકશીદાર ડબ્બીમાંથી રંગોળીમાં રંગ પૂરતા હોય એમ કાથો ભભરાવે. પછી ખરી કમાલ થાય. શરૂઆતમાં સામાન્ય પીળો, પછી કેશરિયો અને ધીરે ધીરે કરતાં લાલ અને છેલ્લે તો ઘેરા મરૂનમાં પલટાતો રંગ આખા પાનમાં પ્રસરી જાય. ફરી એ જ ચૂનાવાળી આંગળી આખા પાન ઉપર ફરી વળે ને જશુભાઈ આંખો મીંચી જાય. અરધીક મિનિટે જાગ્રતિ આણે અને પોતાની જ પ્રોડક્ટ એવી કાશ્મીરી કિમામનો લસરકો કરે. તમાકુની નાની એવી ચપટી ભરે. ચાર આંગળી અને અંગૂઠાથી કૃષ્ણાર્પણ કરતા હોય એમ પાન ઉપર પધરાવે. સૂડી લઈને સોપારી સીધી પાનમાં જ કાતરે. મસ્ત મજાનું પડીકું વાળે ને જમણી બાજુના ગલોફે ગોઠવે. આપણને થાય : હાશ! ધીમી ગતિના સમાચાર પૂરા થયા! અમદાવાદે અમને કલકત્તી પાન ખાતાં શીખવાડ્યું. ઠેકાણાં પણ નક્કી. લાલ દરવાજા પાસે હોઈએ તો રૂપાલી સિનેમાની બગલમાં હમીદભાઈને લાભ આપવાનો. ‘ચેતના’માં જમવા ગયા હોઈએ તો બાજુમાં જ ચેતના પાન હાઉસ. ગાંધી રોડ પર ચોપડિયું ખોળવા ગયા તો મોડેલ સિનેમા પાસે નામ વિનાની બેઠા ઘાટની દુકાન. નદી પાર, બુધસભા પછી હે નટરાજ...! અને પરિષદમાં કાર્યક્રમ પહેલાં અને પછી કિશોરનું પાન. કિશોરને ત્યાં પાન ખાવાનો એક ફાયદો, પૈસા રમેશ ૨. દવે ચૂકવે ને આપણે તો ‘પાન ખાયે સૈયા હમારો..’ એ ગીત ગાવાનું! એક પણ શર્ટ કે ઝભ્ભો એવો નહીં, જેણે આ તાંબૂલરસ ચાખ્યો ન હોય! એમ કહોને કે પાનની આદત જ પડી ગઈ. ખુશ થયા તો પાન. મૂડ ખરાબ તો પાન. મિત્રો મળ્યા તો પાન. આ પાને અમારી ચાર દાયકાની ઘણી લીલીસૂકી જોઈ. પાનપાન કરી મેલ્યા! પછી તો જાતભાતનાં ને ગામેગામનાં પાન ખાધાં કર્યાં. દેશી, ફાફડો, મઘઈ, માંડવાથી લઈને ઘરની નાગરવેલ સુધીનાં પાન. ઊંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો એમાં ઉમેરાયું બંદા મેલે ભાંગરો! નાનપણમાં વેકેશનમાં અમદાવાદ આવ્યા હોઈએ ત્યારે ધનાસુથારની પડી પોળની હવેલીએ જતા, મુખિયાજી અમને બીડી આપે. ભગવાનને ધરાવેલા પાનને બીડી કહે. એકદમ સાત્ત્વિક. એમાં લવિંગ, એલચી અને તજનો મહિમા. ઠાકોરજીનું બાળસ્વરૂપ એટલું દૂર કે પાઘ અને વાઘા સિવાયનું ઓછું દેખાય. એક વડીલ દૂરબીન લઈને આવતા ને દર્શન કરતા. ક્યારેક અમને પણ જોવા આપે. ત્યારે અમે બીજું કંઈ નહીં, પણ ભગવાનના હોઠ લાલ છે કે નહીં એટલું જ જોતા! ગીલોરી વળી જુદું પાન. હિન્દી ફિલ્મોમાં કોઠા ઉપર આવનારા અને તવાયફોનાં મોંએ આ નામ સાંભળેલું. અદાકારો અભિનય કરતાં હશે કે સાચે જ ગીલોરીમાં એવાં કોઈ તત્ત્વો આવતાં હશે એની ખબર નથી, પણ એમની ઝૂમતી મદીલી આંખોમાં પાનનો જે નશો દેખાતો! ક્યા બાત હૈ! મોરબીમાં પાનની એક દુકાન. યુવક મહોત્સવમાં ભાગ લેવા અને સાચું કહું તો ઇનામ લેવા ગયેલા ત્યારે ત્યાનું પાન ખાધેલું. નામ એનું ‘ભૂતતાંબૂલ’. તમે દુકાને જાવ તો બધું જ ફર્નિચર એકદમ કાળા રંગનું. બંને બાજુ આદમકદનાં હાડપિંજર લટકે. હાડકાંના હાથપગ હવામાં ઝોલાં ખાય. કાઉન્ટર ઉપર એક બધા સાબૂત દાંતવાળી માનવખોપરી. એમાં ગોઠવેલો લાલ રંગનો બલ્બ આંખો વાટે રોશની ફેંકે, સામેના કાળા કાચના કબાટે અલગ અલગ જગ્યાએ હાથનાં, પગનાં, પાંસળીનાં અને બીજાં અનેક જાતનાં હાડકાં લટકે. થડે બેઠેલો જણ પણ લગભગ જલ્લાદ જેવો જ લાગે. ઘોઘર અવાજે પૂછે : ‘કેવું પાન ખાશો?’ એક ક્ષણ ભૂલી જઈએ કે આપણે કેવું પાન ખાઈએ છીએ! ઓર્ડર આપ્યા પછી ઓછામાં ઓછી પા કલાક થાય. પાન જામે નહીં ત્યાં સુધી તમારો છૂટકારો ન થાય. પાછો પોતે જ કહે : ‘ઉતાંબળ હોય તો આંયાં આબું જ નંઈ...’ દિલ્હીમાં લાલકિલ્લા સામે વડના ઝાડ નીચે એક પંડિતજી ખૂમચો લઈને બેસતા. હવે કદાચ નથી રહ્યા. એક વાર એમને ત્યાં પાન ખાધું ને જે મજા આવી છે! આટલું પ્રમાણસર પાન બનાવવામાં બહુ ઓછા લોકોનો હાથ બેઠેલો હોય. ત્રણેક વર્ષ પછી પાછા દિલ્હી જવાનું થયું. પંડિતજીનું પાન ખાધા વગર તો કેમ અવાય? જઈને હજી તો શરૂ જ કરું છું : ‘એક પાન લગાઈએ કલકત્તી... ઔર...’ પંડિતજીના મોંમાં પણ જામેલું પાન હતું. એમણે હાથ લાંબો કરીને બોલતો જ બંધ કરી દીધો! મસ્તીથી પાન બનાવ્યું ને સીધું જ મારા મોંમાં મૂકી દીધું. અહાહા! એમ માનોને ઈશ્વરનો સાક્ષાત્કાર જ થઈ ગયો! પૈસા પાછા આપતાં આપતાં પંડિતજી આજે ય જાણે પૂછે છે : ‘ઠીક તો હય ન?’ અત્યારે ય એ પાનની સુગંધ અનુભવી શકું છું. બનારસ અને કલકત્તા જેટલા દિવસ રહ્યો એટલા દિવસ નિત્યનો પાનોત્સવ! એક દુકાને તો રૂપિયા પાંચથી માંડીને પાંચ હજારનું એક પાન મળે! જેવું જેનું ગજવું અને જેવું જેનું ગજું! બીજા, ગલીએ ગલીના પાનવાળા અને એમની રીતભાતની વાત કરવામાં શું છે કે સમય બહુ જાય અને આમ પણ, જે સમય ગયો તે તો ગયો જ. જાણે તો જાણે ફક્ત ગંગા અને હુગલીનાં વહેતાં નીર... પાન તો ઘણાં ખાતાં હોય છે, પણ પાન ખાતાં ઘણાં ઓછાંને આવડે! સાંભળ્યું છે કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડો. ઝાકીરહુસેન, બડે ગુલામઅલીખાંસાહેબ, વી. શાંતારામ, બેગમ અખ્તર, ગિરિજાદેવી, ગુલામઅલી, પંડિત ભીમસેન જોષી, સચિનદેવ બર્મન, રાજ મેઘરાજજી, સોનેટવીર બ.ક.ઠા., રુસ્વા મઝલૂમી અને ‘શૂન્ય’સાહેબ વગેરે પાનનાં જબ્બર શોખીન હતાં. દરેકનાં પાન ખાસ પ્રકારે બને અને અમુક વ્યક્તિ જ બનાવે. આપણે તો જોયા છે, રમણલાલ જોશીને પાન ખાતાં. જોયા છે ડો. નામવર સિંહને પાન ખાતાં. જોયા છે. ડો. હસુભાઈ યાજ્ઞિકને જાતે પાન બનાવીને ખાતાં અને એમની પાસેથી તો અનેકવાર પાનપ્રસાદ પણ પામ્યા છીએ. નામવર સિંહને જેટલી વાર મળ્યો છું એટલી વાર ખિસ્સામાં પાન લીધા વિના નથી ગયો. આખું પાન ન ખાય. બે હાથથી ટુકડા કરે ને ટુકડે ટુકડે ખાય. મોંમાં મૂકે ને ચમકદાર ખુશી એમની આંખે છલકે. પછી, પુરાની શરાબ જેવું ભાષણ આપે. ધીમે ધીમે કરતાં વાતને એક રળિયામણી અણિયાળી ટોચે પહોંચાડે! એ પછી મોરારિબાપુના પ્રતાપે આગળ બેસીને દેશવિદેશમાં, ભારતના અનેક દિગ્ગજ કલાકારોને પાન ખાતાં ખાતાં આલાપ-તાન અને મુરકીઓ લેતાં જોવા-સાંભળવાનો હનુમંત અવસર પ્રાપ્ત થયો છે. નાગરો પાનના ખરા આશિક. હિંચકાં અને પાંનપેટી ઉપર એમનો દમાંમ ચાંલે. પાનના છાંટે છાંટે જેટલા અનુસ્વાર પડે એ બધા જ એમની ભાષામાં ગોઠવાઈ જાય. એક હતા પુષ્પેન્દ્રભાઈ. રવિવારે સવારે ચૂનો ગુલાબજળમાં પલાળે, મંગળવારે ઝીણા લૂગડે ગાળે, ફરી પલાળે. આ એકની એક પ્રક્રિયા બુધ, ગુરુ, શુક્ર અને શનિ સુધી ચાલે. બીજા રવિવારે તો ગુલાબની સુગંધ લઈને ચૂનો માખણદેહ ધારણ કરે. કહે છે કે આ કેળવાયેલો ચૂનો બાળકને ખવરાવો તોય મોંમાં ટાંકી ન પાડે! અને, બીજા રવિવારે તો પાછો નવો ચૂનો સંસ્કાર પામવા તૈયાર જ હોય! થોડા વખત પહેલાં જૂનાગઢ જવાનું થયેલું. નિષ્ઠા દેસાઈનો એવો આગ્રહ કે એમને ઘેર જમ્યા વિના અમદાવાદ ન જવું. અદ્ભુત પ્રકારે ભોજન કર્યા પછી, એ બહેને અચાનક જ ચમત્કાર કર્યો. અમારી નજર સામે એમની નર્તક અંગુલીએ પાન બનાવ્યાં ને પ્રેમથી ખવરાવ્યાં. અમે તો આભાં જ બની ગયાં. છેલ્લે નાનુંસરખું વાક્ય બોલ્યાં: ‘તમારી પાનપ્રીતિ હું જાણું છું!’ હજીયે ક્યાંક ક્યાંક પાન બનાવવાવાળા ટકી-અટકી રહ્યા છે. પણ, એકંદરે પાનનો મહિમા ઓછો થઈ ગયો છે. પાનની દુકાનો સમેટાઈને ગલ્લામાં પરિવર્તિત થઈ ગઈ છે. ગલ્લામાં ય હવે પાન નથી મળતાં. બધે માવા-મસાલાનું સામ્રાજ્ય છે. મસાલો ય હવે પાનવાળો ચોળીને નથી આપતો. ફાઈબરનાં બમ્પવાળાં બોર્ડ આવી ગયાં છે. એના ઉપર માવાને ગરમી પકડે ત્યાં લગી ઘસવાનો. ‘પાર્સલ’માં ચૂનાની પડીકી જુદી આવે. ઝીણા દાંતે તોડવાથી માંડીને લૂગડાં બગાડવા સુધીની બધી કાહટી તમારે કરવાની. નથી રહ્યાં એ પાન ખાનારાં કે નથી રહ્યાં એ ખવરાવનારાં. કોઈ ગલ્લે જઈને પૂછું છું પાન મળશે? તો એ દુનિયાની કોઈ અજાયબી જોતો હોય એમ મારી સામે જોઈ રહે છે. અશોક પાન હાઉસ, લાલસોટ પાન હાઉસ કે અમુક પંડિતજીઓ હજીયે પાનને વળગી રહ્યા છે. બાકી તો ચારેકોર ગુટકાનું સામ્રાજ્ય જામ્યું છે. બોલો જુબાં કેસરી...!