માંડવીની પોળના મોર/શાકપીઠ

શાકપીઠ

અમદાવાદના એક મોટા મોલમાં બિલ બનાવવાની અને પૈસા ચૂકવવાની લાઈનમાં ઊભો છું. ચારેકોર કોલાહલ અને મારકણું સંગીત વાગે છે. મારી આગળ ભીડંભીડાં વીસ-પચીસ લોકો ઊભાં છે. બધાંની ટ્રોલીઓ જીવન જરૂરી વસ્તુઓથી છલકાય છે. પાછળવાળી પંજાબણની ટ્રોલી થોડી થોડી વારે કમરમાં ગલગલિયાં કરે છે. ઘરમાંથી સવારે જ આદેશ મળેલો કે આજે બુધવાર છે તો તાજું શાક આવ્યું હશે. અહીં, કોઈકનું કાર્ડ ચાલતું નથી ને કોઈ પાસવર્ડ ભૂલી ગયું છે તે મોબાઈલ ફોન પર ઘેર પૂછે છે. કોઈને છુટ્ટાની બબાલ છે. કોઈ વસ્તુનો બારકોડ હઠે ચડ્યો છે. મંથર ગતિએ બધું ચાલી રહ્યું છે. મને કીડીઓ ચડે છે. વળી વળીને વિચાર આવે કે પૈસા ચૂકવવા માટે ય લાઈનમાં ઊભાં રહેવાનું? ધીરે ધીરે મારી ટ્રોલી, લબડી પડેલા એક પૈડા સાથે, બાકીનાં ત્રણને સહારે દેશના વિકાસની જેમ આગળ વધે છે અને હું વિચારે ચડી જાઉં છું કેવી હતી આ શાકભાજીની દુનિયા? વગર ટિકિટે અને વગર વાહને પહોંચી જાઉં છું મારા ગામે. સરસરાતી હવા અને વૃક્ષોની ટગલી ડાળીઓને સ્પર્શતો સ્પર્શતો મેળાના મેદાન પર લેન્ડ થાઉં છું. મેળાનું મેદાન આમ તો બારેય મહિના ખાલી હોય છતાં ન હોય! ચોવીસે કલાક ને ત્રીસોય દિ’ એનાં રૂપો બદલાતાં રહે. વહેલી પરોઢે જાવ તો આજુબાજુનાં ગામેથી એકા ભરી ભરીને શાકભાજી ઠલવાય અને થોકના સોદા થાય. વાડીઓમાંથી સીધું જ કોથળા અને ગાંસડાંમાં બંધાઈને આવ્યું હોય એટલે એની ખેતરાઉ ગંધ ચારેબાજુ ફેલાય. મેદાનમાં આવે પછી એનાં વકલ પડે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. કેટલુંક શાક તો વાડીઓમાંથી જ ધોવાઈને આવ્યું હોય. બાકીનું, મ્યુનિસિપાલિટીના નળનું પાણી આવે ત્યારે નાની નાની ખાટલી જેવડી કૂંડીઓમાં ધોવાય. ધોવાય તો શું? ઝબકોળાય! પછી તો જેવો વેપારી અને જેવા એના ગ્રાહકો. એ પ્રમાણે ખરીદી થાય. વેચાય એ શાક સીધું જ પીઠમાં પહોંચે. ફેરિયાઓ ખાલી લારી લઈને આવ્યા હોય. મેદાનની રાંગે રાંગે, એમની લારીઓ રાહ જોતી હારબંધ પડી હોય. મોટેભાગે તો એના ઉપર બકરીઓ બેઠી હોય કાં તો રસ્તા પર દોડાદોડી કરતી હોય. લારીવાળાનું કામ કેવું? તો કહે કે શક્તિ એવી ભક્તિ. ફટોફટ વેચાય એવાં જ શાક ખરીદે. એકેકું શાક, તે ય વધુમાં વધુ દસેક કિલોના હિસાબે લેવાય. સિવાય કે કોઈનો ખાસ ઓર્ડર હોય તો જ વધારે લેવાનું. તુરિયાં, ગલકાં, કારેલાં અને ટીંડોળા જેવી રાંક જાત ઝાઝી ન લેવાય. વેચાય નહીં તો પાકી જતાં વારે ય ન લાગે. જેની ખરીદી પતી જાય એ આગળ આગળ દોડતો હોય ને એની પાછળ પીઠ ઉપર કોથળા કે માથે પોટલાં લઈને મજૂરો ‘હાલવા દેજો... હાલવા દેજો...’ કરતા આવતા હોય. નોખનોખા ટોપલામાં શાકભાજી ગોઠવાઈ જાય એટલે લારીને આંખ અને પગ આવે. ઊપડે એવી ખસરકદડબડ ખસરકદડબડ કરતી સોસાયટીઓમાં પહોંચી જાય. ત્યાં એમની રાહ જોવાતી હોય. કોની લારી પહેલી પહોંચે એની સ્પર્ધા! આ ઊંઘરેંટી સોસાયટીઓ છાપાંવાળા, દૂધવાળા અને શાકવાળાઓના અવાજે જ જાગે. ફેરિયાઓ ઉપડ્યા એટલે સમજો ને કે મેદાનનો પા ભાગ ખાલી થઈ ગયો. બાકીનાંનો બલ્ક મોટો હોય, અને મોટા વેપારીઓનો એવો આગ્રહ કે માલ તો ઠેઠ થડા ઉપર જ પહોંચતો કરવાનો. ગામડેથી આવેલા એકા મારફત નાની અને મોટી શાકપીઠમાં માલ પહોંચે. એકા ઉપર બેઠેલો ખેડૂ બળદનું પૂંછડું આમળે ને ડચકારો કરે એટલે બળદના શ્વાસ અને ફુંફાડા ડામરની સડકો પર ફરી વળે. બળદના પગમાં લોખંડની માછલીઓ જડેલી હોય એટલે ચાલે ત્યારે ચક્ળક્ ચક્ળક્ એવો અવાજ ઘસાતો રહે. રસ્તાની વચોવચ પોદળાઓના હારોડા થતા રહે. તંદુરસ્ત બળદનો તો પોદળોય કુંડળીદાર, મતલબ કે ચૂડીના ઢગલા જેવો. બાકીનાનું વેરણછેરણ. ભૂલથીયે જો પગ પડી ગયો તો જાણો કે જમીન માપી જ લીધી! પોદળાની કોહવાયેલા ઘાસ જેવી લીલી ગંધ શાકભાજીની ભીની સુગંધ ઉપર તીવ્રતાને કારણે સરસાઈ ભોગવે. મેળાના મેદાનેથી નીકળ્યા એટલે, પહેલી આવે નાની શાકપીઠ. ત્યાનાં શાકનાં પોટકાંનો દરવાજા પાસે જ ઢગલો કરવાનો. જેનું હોય એ ઊંચકીને જાતે જ અંદર લઈ જાય ને પોતાના થડે ગોઠવે. ‘હેં...હો....ડચ્ચ ડચ્ચ....ડચ્ચ..’ એવો અવાજ થાય અને મોટી શાકપીઠ બાજુ એકાક્રમણ શરૂ. મોટી શાકપીઠમાં દરેક શાકવાળાએ ઊંચા ઓટલા કરેલા. ઊભેલા ગ્રાહકની કમરે આવે એટલા ઊંચા. મજૂરની પીઠ ઉપરથી કોથળો સીધો એના ઉપર ઊતરે. એક જ કલાકમાં આખી યે શાકપીઠ લીલીછમ અને શોરબકોર ચાલુ. ગ્રાહકે ઓટલાની ધારથી એકાદબે ઇંચ દૂર જ રહેવાનું. ધ્યાન ન રહે ને શાક વીણવા લાંબા થયા તો, પાથરેલા ભીના કોથળા તમને થોડું વહાલ કરી લે. એવી જગ્યાએ જ પેન્ટ કે લેંઘો ભીનો કરે કે બસ બધાં તમને જ જોયા કરે!! કેટલીક ગાયો વાંકીચૂંકી થઈને ય અર્ધ ગોળાકારવાળી ઝાંપલીઓમાં ધરાર ઘૂસી ગઈ હોય. જ્યાં ને ત્યાં માથું નાંખે. મેથી, મૂળા, પાલક અને કોથમીરવાળાઓને એનો સૌથી વધારે ભય લાગે. એક ઝૂડી પકડે ને આજુબાજુની ત્રણ બગાડે! આ ગાયોને પાછી કાઢવી એટલે નેવાંનાં પાણી મોભે ચડાવવાં. આખી પીઠ માથે લે. હડિયો તો એવી કાઢે કે બધું તિતરબિતર કરી મૂકે. ગમે તેવો ગૌભક્ત પણ એ પાંચ મિનિટ માટે કસાઈની માનસિકતા ધારણ કરી લે! છેવટે માર ખાતી ખાતી બહાર જાય ત્યારે બધા હોંકારા-પડકારા શાંત થાય અને શાકભાજીવાળીઓ અને વાળાઓ તાંબા જેવા ત્રમત્રમતા અવાજે ટીંડોળાં, રીંગણાં, બટેકાં, દૂધી, તૂરિયાં, કારેલાં, કુબિસ, ફુલેવર, સરગવો, કાકડી વગેરેની મંત્રમાળા તારસ્વરે શરૂ કરે. કેટલાંક તો એવી તીખી ચીસો પાડે કે ઘરાક આવતો હોય તોય બીજે ચાલ્યો જાય. આ બાજુ મેદાનમાંથી બધું શાક ચાલ્યું ગયું હોય એટલે ગાયો-આખલાઓ અને બકરી-બકરાઓ, કદાચ એકાદ બે વૈશાખનંદન વગેરે જ્યાફત ઉડાડે. કોબીજનાં ને ફ્લાવરનાં ખેંચી કાઢેલાં પાંદ, સડેલાં રીંગણ, મેથી, તાંદળજો, પાલક, લીલી ડુંગળી અને કોથમીરની ભાજીમાંથી મહામહેનતે નિંદામણ કરીને જુદું પાડેલું ઘાસ, તૂટીફૂટી ગયેલાં ટેટી-ટામેટાં-મતિરાં-ચીભડાં, ખાટાં ગંધાતાં સડેલાં બટેકાં અને મૂળાનાં લબડી પડેલાં પાન માટે એકબીજાં માથાં ભટકાડે, ફુંફાડે, ફુંગરાય, ફુત્કારે, પૂંછડાં ઉડાડે અને રીતસરની પશુગીરી કરીને નીચી ડોકે ભચરક ભચરક કરતાં આહડે. નાની બકરીઓ પગ તળેથી સરકીને ગાયની ડોક નીચેની ઝૂલ હેઠેથી મોંઢું નાખે. કેટલીક પંડે નાની, પણ શિંગડાંના મદારે સાહસ કરે. આખલા અને ગાયો મોટુંમોટું ખાઈને ધરાઈ જાય પછી એમનામાં રહેલાં આદિમ તત્ત્વો જાગ્રત થાય. એકબીજાંનાં શિંગડાં ઘસે. ડોકે અને પૂંઠે ચાટે, સૂંઘે. ગાયનો ફળફળતો પેશાબ આખલા બંધ આંખે પીએ. પેટથી પેટ ઘસાય એમ, આમથી તેમ હળવે હળવે રમણ કરે. આખા શરીરને ખેંચે, તંગ કરે અને લાગ જોઈને અણિયાળું આરોહણ કરે... થોડી થોડી વારે નાની નાની ફાળ ભરવામાં બકરા પણ પાછા ન પડે! સોસાયટીઓમાં પહોંચેલી લારીઓના ગ્રાહકો આમ તો નિશ્ચિત જ હોય. અવાજ સાંભળે એટલે સાડીઓ, પંજાબીઓ અને ગાઉનો હાથમાં થેલી, થાળી કે વાંસની ટોપલી જે હાથવગું હોય એ લઈને નીકળી પડે. પગમાં સ્લીપરે ય હોય તો હોય, નહીંતર હરિ ઓમ નારાયણ! કેટલીક મહિલાઓને ઓછામાં ઓછા પૈસા આપવાનો અને વધુમાં વધુ શાકભાજી લઈ લેવાનો ચસ્કો હોય છે. પરિણામે ક્યાંક ત્રાજવાંની કડીઓ ચડી જાય છે, બાટ બદલાઈ જાય છે તો ક્યારેક વચ્ચેના કાંટા સાથે હાથચાલાકીની રમત રમાય છે. પહેલાં તો આદુ, કોથમીર, મરચાં અને મીઠા લીમડા સહિતનો આખો મસાલો મફત મંગાતો અને મફત અપાતો. હવે એવું નથી રહ્યું. એ માટે રૂપિયા પાંચની અલગ સોઈ રાખવી પડે છે. કોઈ કોઈ બહેનો ગઈ કાલના પૈસા આજે આપે છે ને આજના આવતી કાલે આપશે. કોઈ કોઈ તો વળી ડાયરી રાખે છે ને ધણીના પગારે ચુકાવો કરે છે. કેટલાક શાકવાળાઓ લટકામટકાના બદલામાં નમતું જોખી દે છે. તો કેટલીક ગૃહિણીઓ શાકની સાઈઝ અને આકારોને લઈને આંખ ઉલ્લાળ સાથે વાણી સ્ખલનનો આનંદ પણ લઈ લે છે. નાની શાકપીઠમાં નોકરિયાત વર્ગની અવરજવર વધુ. આમ તો બધી જ વયના લોકો આવે. પણ, સ્ત્રીઓ ઝાઝી ને પુરુષો ઓછા. મોટેભાગે તો નિવૃત્ત દાદાઓ. રોજેરોજનું તાજું શાક જ લેવાનો એમનો આગ્રહ. એમાં બે ફાયદા: એક તો એમનો સમય પસાર થાય અને દાવાભાઈની દુકાને પાનબીડી નિમિત્તે કોઈને કોઈ મળી રહે. આગલી રાત્રે રામમહોલમાં કોણે ભજન સારાં ગાયાં કે પછી રાત્રે ઊંઘ કેવીક આવે છે એની ચર્ચાઓ થાય ને કંઈ નહીં તો ય ગામની નવાજૂની જાણવા તો મળે જ મળે. દર મહિનાની એકથી પાંચ તારીખમાં- ‘તમે પેન્શન લઈ આવ્યા કે નહીં?’ ‘કોણ જાણે કેમ આ વખતે જ એક દિવસ મોડું થયું, બાકી કોઈ દિ’ મોડું થાય નહીં હોં!’ - આવા સંવાદો અચૂક સાંભળવા મળે. શાકપીઠની બહાર, સાયકલ સ્ટેન્ડ ઉપરની ગોષ્ઠિઓ તો પાછી અલગ. અમુક વડીલોનું તો ગ્રુપ.... ગામ આખાને એની જાણ. દર રવિવારે મૂળીવાળાના ફાફડા ને મરચાં ખાવાનાં એટલે ખાવાનાં, એ પછી જ એમનો પીઠપ્રવેશ થાય. અમુક શાક જો બધાને જ લેવાનું હોય તો એકબીજાનો સંઘોડો કરે. પાંચ કિલોનું સાટું કરાવે અને પછી કિલો કિલો અલગ અલગ થેલીઓમાં નંખાવે. ધારો કે નર્યા અને નર્યા કુતૂહલ ખાતર જ - આપણી આંખનો કેમેરા મોટી શાકપીઠના દરવાજા પાસે લોઅર લેવલ પર મૂકીએ તો ચલિત દૃશ્ય કેવું લાગે? ઈસ્ત્રીટાઈટ સફેદ લેંધાવાળા બે પગ ચામડાની કાળી ચંપલમાં ધીમી ચાલે આવી રહ્યા છે. હાથમાં રહેલી ઝૂલવાળી થેલીનો નીચેનો સફેદ ભાગ જ આગળ પાછળ થતો દેખાય છે. બરાબર એની પાછળ આવી રહેલા પણ જરા વંકાઈને હળવેથી આગળ થઈ ગયા એ ટકાટક પગ કંઇક ઉતાવળમાં હોય એવું લાગે છે. પગમાં નવી ફેશનની ચંપલ છે એની ચમકતી જાંબલી પટ્ટીથી જરા ઉપર જુઓ તો ચાંદીનાં મૂંગાં ઝાંઝરાં દેખાશે. એની ઉપર જરાતરા દેખાતી ચણિયાની રાતી કોર અને મરૂન પોતમાં, ગાર્ડન મિલની સાડીનાં સઈડસઈડ અવાજ કરતાં પીળાં-કેશરી ફૂલો દેખાશે. અરે! મને તો આંચકો લાગ્યો. એ ગોરી ત્વચાવાળા પગની પાનીએ કેટલા બધા વાઢિયા પડ્યા છે! હજી એ ચાર પગ અંદર જાય ન જાય ત્યાં એક લાકડી ચાલી આવે છે. લાકડીની પાછળ સફેદ બાસ્તા જેવું ધોતિયું ને એમાંથી નીકળી આવેલા કાળી મોજડીવાળા પગ...વૃદ્ધ ખરા, પણ જાજરમાન. એની લગોલગ એ વૃદ્ધ પગનો પહેરો ભરતા આઠનવ વર્ષના કિશોર, પણ જવાબદાર પગ ચાલી રહ્યા છે. કોણ કોનો સહારો લે છે એ નક્કી કરવું મુશ્કેલ. લ્યો જુઓ! આ બે થેલીઓ તો ભરચક થઈને બહારે ય આવી ગઈ! ઉપર મૂકેલી કોથમીરની પૂળી કાં તો રસ્તે પડી જશે. અથવા પાછળ આવતી બકરી ખેંચી જશે! અચાનક જ થોડી વાર શાંતિ પથરાય છે અને દેખા દે છે એક રાખોડી પેન્ટ, પેન્ટના પગમાં સેન્ડલ છે બ્રાઉન. બાટાની જ હશે. જમણા પગના અંગૂઠાનો નખ વર્ષો પહેલાં નીકળી ગયો છે, છતાં એની ચાલમાં ધીરજ અને મક્કમતા છલકાતી લાગે. એકદમ એની બાજુમાં કાળો, રાંટો હાડકાં વરાંસે ટકી રહ્યો હોય એવો દૂબળો, નખ વધેલો એક પગ. બંને બાજુ કાંખઘોડીના કાળા રબ્બરના ડટ્ટાવાળા એલ્યુમિનિયમના પગને સહારે ચાલે છે. એક ક્ષણ અટકી જાય છે આ પાંચેય પગ. ચાર આની નીચે પડી ગઈ. ખણનુ ખણ અવાજ આવ્યો. દેનારની પડી કે લેનારની? ઘોડી સહેજ પહોળી થઈ અને ઊંધું વળેલું માથું દેખાયું. એમ લાગે કે હમણાં ભોંયને અડી જશે. લાંબા, સૂકાં કાબરચીતરાં ઝુલ્ફાં નીચે નમ્યાં. એની ઉપર બે પીળી પડી ગયેલી આંખો અને બીડી પીધેલા કાળા હોઠ નાકને સહારે ટકી રહેલા લાગ્યા. ચાર આની ઉપર એક પગવાળા હાથની આંગળીઓ ફરી વળે છે ને મહામહેનતે પકડી લે છે. બપોરે, એક દોઢે આખી શાકપીઠ પરોઢિયાનું ઘોરણ કાઢે. નાની અમથી ચહલપહલ થયા કરે પણ કોઈ ઊઠે નહીં. જોવા જેવું આંખનાં તઈડિયાં કરીને જોઈ લે. કંઈ નહીં તો પડ્યાં રહે ટૂંટિયું વાળીને. છાપાના ફટકારથી માખીઓ ઉડાડવાનું કર્યાં કરે. ત્રણ સાડા ત્રણે બધાં મોઢાં ધોવે. પાણી ભરીને મોઢાને અંદરથી ચારેબાજુ ખંગાળે અને શરીરની હવાનો ફોર્સ આપીને, સામેવાળીનું ધ્યાન ખેંચાય એમ લાંબી લાંબી પિચકારીઓ મારે. ખોંખારા ખાય. ખિસ્સામાંથી ચોકડીયાળો રૂમાલ કાઢીને મોં લૂછે. એટલી વારમાં કપરકાબી ખખડાવતો ચાવાળો આવ્યો જ હોય. ચા પીને કોઈ જેગવે બીડી તો કોઈ કાઢે તમાકુનું ભૂંગળું. કોઈ બાઈ વળી મોઢામાં બજર દે. રતિલાલ જેવા તો છોકરાને દોડાવીને ટાંકીચોકનું પાન મંગાવે. સંગમ પાનવાળાને ખબર જ હોય. ટાબરિયાને જુએ કે તરત જ મોટું બનારસી ઉપાડે. થોડોક જાડો ચૂનો લગાડીને પિત્તળના ભૂંગળાનાં કાણાંમાંથી કોરો કાથો છાંટે. કાથાનાં ટપકાંઓ ધીરે ધીરે ચૂના ઉપર પોતાનું કેસરિયું સામ્રાજ્ય પ્રસરાવે. પાન બરાબર જામી જાય પછી મેલે ઊભી કાતર. બે ય ટુકડાઓમાં દેશી તમાકુ, થોડીક થોડીક કાચી સોપારી ને લવલી મસાલાની એકેક છાંટ મારીને ખાખરાના પાનમાં બાંધી દે. આમાં અમુક બકાલી તો સાવ નિર્વ્યસની. કપાળના ચાંદલાને જરાય આછો થવા જ ન દે! ચારેક વાગે સ્ત્રીઓને શાક લેવા જવાની બહુ ખાંત. પાંચ-સાત સૈયરું ટોળે વળીને જાણે નિસરી જમુનાજીને તીર...પહેલાં તો હૈયું ઠાલવવા કૂવાકાંઠો હતો, પણ ઘરે ઘરે નળ આવ્યા એમાં બધું બેચરાણું! આખા દિવસમાં તૈયાર થવાનો આ જ મોકો. તેલ નાંખેલા ચપોચપ વાળમાં બંને બાજુ પીનો ખોસી હોય. ચાલે ત્યારે કમરના લયમાં વસીઅલ નાગ જેવો ચોટલો આમતેમ સરકે, એના ઉપર પડતો પ્રકાશ કોઈની પણ આંખમાં ઝિલાય. એ વખતે મેઘધનુના સાતેય રંગ શાકપીઠમાં લહેરાં લે. સાડી-બ્લાઉઝનું મેચિંગ દરેકનું આગવું. ચારેબાજુથી બધું તસોતસ, એકદમ પેટીપેક. એમના ઘરવાળાઓને આ ભર્યુંભર્યું રૂપ તો છેક સાંજે જોવા મળે, પણ, રસિક બકાલોની આંખો સૌથી પહેલી ટાઢી થાય. બહાર પાણીપૂરીવાળો રાહ જોઈને જ ઊભો હોય. શાકભાજીના પૈસામાં પાણીપૂરી કર્રર... કર્રર કરતી ઓગળી જાય... શાકપીઠમાં છેલ્લી લાઈનો છેવાડાના માણસ જેવી. બટેકાં, ડુંગળી, લસણ, સુરણ, કંદ, રતાળુ, અળવીની ગાંઠો ને એવાં બધાં જલદી ન બગડાનારાં શાકની. પહેલી ત્રણ લાઈનમાં બધાં લીલોતરીવાળાં. વચલી લાઈનોમાં કોથમીર, મરચાં, લીમડો, આદુ, હળદર, ફુદીનો અને લીંબુવાળા બેસે. સિઝનસિઝનનાં શાકભાજી એવાં તો ગોઠવે કે આપણે દંગ રહી જઈએ. સ્વામિનારાયણ મંદિરમાં દર ચોમાસે હિંડોળા થાય રોજ અવનવી ચીજવસ્તુઓ ગોઠવાય. રંગરંગનાં ફૂલો, સૂકો મેવો, ફળફળાદિ, ચોકલેટ, અનાજ-કઠોળ અને શાકભાજીનો ઉપયોગ થાય. બહુ રૂડું લાગે બધું. કદાચ હિંડોળાની ગોઠવણ આ શાકભાજીવાળાં જ કરતાં હશે એવો વહેમ જાય. આ કોઈ ફાઈન આર્ટ્સમાં ભણ્યાં ન હોય, પણ રંગો અને આકારો વિશેની એમની સમજ અને સૂઝ આપણને આભા નહીં, પણ ઊભા તો કરી જ દે! સૌથી પહેલા ઓટલે વજનકાંટાની બરાબર પાછળ બેઠેલી ચંચીબહેન. બેઠી હોય તોય સિંહણ લાગે. એની ધાક જ એવી કે કોઈ જાણીતું તો ભાવ ઓછો કરવાનું કહે જ નહીં. એક જ ભાવ અને મોળું કે ઓછું નહીં આલવાનુ! એક તો ચંચીનું શરીર ભારે ને વધારામાં મોટી મોટી તેજ આંખો. કપાળમાં કંકુનો મોટો ચાંદલો. ખુલ્લી પીઠવાળું કસો બાંધેલું કાપડું. કુંખિયું ગુલાબી ને કોરેમોરે બાંયોમાં કાચી કેરીનો લીલો. ડોકમાં જાડી હાંસડી, જમણા હાથે કોણીની ઉપર સોનાનું કડું અને ડાબા હાથે મોરવાળું લોકિટ. મૂર્તિ જ એવી કે બધાં એનું આધિપત્ય સ્વીકારે. એના ઘરવાળાએ પણ કીધું જ કરવાનું. ઓર્ડર મુજબનો માલ લાવી આપવાનો. ચંચીના વેપારમાં માથું નહીં મારવાનું એટલે નહીં મારવાનું! હમણાં જેના બનારસી પાનની વાત કરી એ રતિલાલ મોટો બકાલ. મોટી પીઠમાં ડુંગળી-બટેકાંનો બહોળો વેપાર. સીધી ટ્રકો જ ઉતારે! મહુવાથી માંડીને મહારાષ્ટ્ર સુધી એની હાક વાગે. પાછો પોતે શાકભાજી એસોસિએશનનો પ્રમુખ. નવરાત્રિની માંડવીમાં સહુથી વધારે ફાળો એનો. બીજા નંબરે આવે તે ગણપત પુજારા. કેરીકિંગ. મહુવા-જૂનાગઢ-વલસાડથી માંડીને મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સુધીની એની પહોંચ. કેસર-હાફુસ ને લંગડાથી શરૂ કરીને છેલ્લામાં છેલ્લી દશહરી અને ચૌસા સુધી એની આમ્રકુંજ લીલીછમ રહે. લગભગ છએક મહિનાની એની સિઝન. પાછો દાડમ, સફરજન, દ્રાક્ષ, લીલાં નાળિયેર, કેળાં, સંતરાં, મોસંબી ને એવાં બધાં ફળોનો વેપાર તો બારેય મહિના. લોહાણા સમાજની વાડી એની મહેનતનું જ ફળ! જલદી બગડી જાય એવાં શાક સવારે ઊતરાવે. એ એકદમ તાજું શાક બપોર સુધીમાં તો પીઠના ઓટલે આવી ચડે એની સાથોસાથ ઘરાકો ય શરૂ થઈ જાય. સાંજ પડતાંમાં તો આખી શાકપીઠ સમૈયામાં ફેરવાઈ જાય. રંગબેરંગી વસ્ત્રો આમથી તેમ ફરવા માંડે. દરેકની થેલીઓ ઘરની સ્થિતિ બતાવે. શાકવાળાઓ અવાજો કરી કરીને બધું એવું જીવતું કરી મેલે કે કાન પડ્યું કંઈ સંભળાય જ નહીં. વચ્ચે વચ્ચે, થડે થડે ફરીને લોબાનનો ધૂપ દેનારા ફકીરો પણ દેખાય. ગોળ વીંટાળેલી ચોકડિયાળી વાદળી લૂંગી ઉપર લીલા રંગનો ઝભ્ભો, બદામી બંડી અને માથા ઉપર સફેદ ફટકો. ડોકમાં અકિકની રંગ રંગની નાના મોટા મણકાની માળાઓ. એક હાથમાં ધુપિયું અને બીજા હાથમાં મોરપંખની સાવરણી. લોબાની ગંધમાંથી જો તમે અલગ તારવી શકો તો બંડીએ લગાડેલું ફંટાસિયા પણ તમારા નાકે અથડાય. ડોકમાં રુદ્રાક્ષ કે તુલસીની માળાઓ પહેરેલા, મટમેલાં કેશરી રંગનાં ધોતી-બાંડિયાવાળા જટાધારી સાધુઓ હાથમાં ત્રિશૂળ અને લાકડાનું કે પિત્તળનું કમંડળ લઈને ફરતા હોય. એમનું કપાળ જોઈએ તો લાગે કે ગામમાં હવે કંકુનો દુકાળ પડશે! વેપારીઓ પાંચકું-દસકું કે ચાર આની એમના વાટકા કે તુંબડીમાં ખણકાવે અને નાનાં નાનાં પાપો કરવાની સનદ મેળવે. લગભગ બધાં જ શાકવાળાં ટ્રાન્ઝીસ્ટર રેડિયો રાખે. ફિલિપ્સ, બુશ અને મર્ફીનો જમાનો. અમદાવાદ-વડોદરા, રાજકોટ-ભૂજ અને વિવિધભારતી વાગતાં હોય. કો’ક તો વળી છેક કાને અડાડીને જ રાખે. ‘આજના બજારભાવ’ ચાલતા હોય ત્યારે ઘરાક સામે જુએ એ બીજા! રોજેરોજનું કમાનારાં શાકપીઠ ઊળલી જાય પછી જ આવે. વિધવા ડોશીઓ પગ ઘસડતી આવે. કપાળે ચંદનનો ચાંદલો અને સાવ જર્જર છીદરી, ચહેરા ઉપર સમયે પાડેલા ચાસ દૂરથી યે દેખાય. ગરીબીએ આડો આંક વાળ્યો હોય છતાં સ્વમાનને મોટું ગણે. આવાં લોકોને છેલ્લું છેલ્લું શાક, સાવ નાંખી દીધાના ભાવે મળી જાય. ધૂળમાંથી સોનું વીણતાં હોય એમ શાક વીશે. ઘણી વાર તો ગ્રાહકની હાલત જોઈને શાકવાળો પૈસા પણ ન લે. તમે આખી શાકપીઠ ફરી વળો. દરેક થડે વજનકાંટા અને કાટલાં-બાટ, નોખાંનોખાં જ જોવા મળશે. બે હાથ પહોળા કરીએ એવડા મહાકાય કાંટા તો રતિલાલને ત્યાં જ. સીધો મણ-બે મણ માલ તોળાય. એના મોટાં મોટાં કાટલાં ષટ્કોણ. એ પછી મિડિયમ સાઈઝના કાંટા, જે થડા ઉપર વાંકા વાળેલા સળિયામાં લટકાવેલા હોય, એ બે-પાંચ કિલોમાં કામ લાગે. એના બાટ ઘસાઈને લગભગ ગોળ થઈ ગયા હોય. બાકીનામાં વૈવિધ્ય ઘણું. ક્યાંક તો બાટને બદલે પાણકા વપરાય. એના ઉપર વેપારીની પ્રામાણિકતાની મહોર આપણે ધારી લેવાની. લોખંડના પતરાનાં, પિત્તળનાં અને એલ્યૂમિનિયમનાં છાબડાંના, સાંકળવાળા કાંટા હાથથી ઊંચકીને તોલવાનાં. એ પછી આવ્યા બેલેન્સવાળા. ચોરસ પ્લેટફોર્મ પર બાટ મૂકવાના અને બાજુમાં લંબચોરસ છાબડીમાં શાક મૂકવાનું. વચ્ચેના બે ય મોરની ચાંચો સીધી લીટીમાં આવે એટલે વાત પૂરી! ક્યાંક ક્યાંક ઈલેક્ટ્રોનિક કાંટા પણ દેખા દે છે. કેટલું વજન છે એનો આંકડો જ દેખાડી દે! હજી પણ કેટલીક શાકવાળીઓ દાંડી, દોરી અને પલ્લાંવાળાં ત્રાજવાં વાપરે છે. એમાં કાંટો ન હોય. કેટલાક લોકો કહે છે કે બીજું બધું બરાબર, પણ આ દાંડીવાળામાં ક્યારેય શાક ઓછું નથી આવતું! અમુક લોકો બારેમાસ મફતનું શાક લે. ઓટલે ઓટલે ફરે. જેને જે મનમાં આવે તે રીંગણું, બટેટું, કાકડી, ટમેટું આવનારની ઝોળીમાં નાંખે. આવું લેનારાઓને રોજ ઊંધિયું! જાણો છો આ ઊંધિયું ખાનારાં કોણ છે? ભિક્ષાવૃત્તિ પર નભનારા સાધુ-બાવાઓ, એકલી અનાથ સ્ત્રીઓ, કેડ્યે બાળક વળગાડીને રખડતી ભિખારણો વગેરે. પહેલાં તો આ પુણ્યનું કામ ગણાતું એટલે હર કોઈ મોઢું બગાડ્યા વિના પ્રેમથી શાકભાજી આપતું. પણ પછીનાં વર્ષોમાં લોકશાહીએ પણ શિંગડા કાઢ્યાં છે એના સંકેતરૂપે દરોગાજીઓ, હાકેમો અને હવાલદારોએ પણ જરા અલગ રીતના તૌરતરિકા અપનાવ્યા, પણ શાકભાજી તો મફત જ! મોટી શાકપીઠનો ઠાઠ જરા જુદો. અહીં જલારામબાપાનું સામ્રાજ્ય. એમ સમજો ને કે લગભગ બધા ઠક્કરો. નાની શાકપીઠના સથવારાઓને આ લોકો કંઈ ગણે નહીં. અહીંનાં શાકભાજી હોટેલોમાં, હોસ્ટેલોમાં, હોસ્પિટલોમાં, મોટી મોટી સંસ્થાઓમાં, લગ્નસમારંભોમાં અને મોટા જમણવારોમાં જાય. છૂટક ન વેચે એવું નહીં, પણ એમનો વેપાર વધારે બહોળો. અહીં છૂટક લેવા આવનારાંઓનો વર્ગ પણ જુદો. વેપારીઓ, ઓફિસરો, ડોકટરો, પ્રોફેસરો, બિલ્ડરો, વકીલો વગેરેનાં ઘરમાં શાકભાજી અહીંથી જાય. કોઈ કોઈ પોતે આવે, કોઈ કોઈની પત્નીઓ નોકરને કે ડ્રાઈવરને ભેગો લઈને આવે. બહેન પોતે શાક પસંદ કરે, જોખાવે અને પૈસા ચૂકવે. બગલમાં દબાવેલું પર્સ કાઢે, અંગૂઠો અને પહેલી બે આંગળીઓથી પટ્ટ દઈ પર્સ ખોલે. ચેઈન આમથી તેમ કરે, પૈસા કાઢે, આપે અને વધેલા પાછા લે એ દરમિયાન આંગળીઓની બદલાતી મુદ્રાઓ જોવા જેવી. ક્યારેક શાકવાળો આ અંગૂલિનર્તન જોવામાં હિસાબે ય ભૂલી જાય. બસ હવે લાઈનમાં મારો જ નંબર છે. એમ લાગે છે કે સાતેય ભવની વૈતરણી પાર થઈ જ સમજો. અચાનક પાછળથી એક બહેન આવે છે. એના હાથમાં બાળકના ડાઈપરનું પોચુંપોચું ગુલાબી પેકેટ છે. મને કહે છે – ‘અંકલ! મારે આ એક જ વસ્તુ લેવાની છે. જો તમને વાંધો ન હોય તો હું એને આગળ કરું છું. વ્યાસપીઠ, વિદ્યાપીઠ અને જ્ઞાનપીઠમાં રત રહેનારો હું શાકપીઠના સ્વાદપૂર્ણ વાતાવરણમાંથી એકાએક, કશું જ પચાવ્યા વિના ડાઈપરની દુનિયામાં પ્રવેશું છું. ડાઈપરના પેકેટ ઉપર એક બાળક ખિલખિલાટ કરી રહ્યું છે!!