માંડવીની પોળના મોર/હર્ષદ ત્રિવેદીની નિબંધસૃષ્ટિ

હર્ષદ ત્રિવેદીની નિબંધસૃષ્ટિ
–શિરીષ પંચાલ

ગુજરાતી લલિત નિબંધને કાકાસાહેબ કાલેલકરે બહુ લાડ લડાવ્યા અને ત્યારપછી આવ્યા સુરેશ જોષી, ગુજરાતી નિબંધને નવું પરિમાણ મળ્યું. રવીન્દ્રનાથ ઠાકુરના નિબંધોનો ભારે પ્રભાવ સુરેશ જોષી પર હોવા છતાં સ્વકીય મુદ્રા ભારે માત્રામાં જોવા મળી. બંગાળના જેવી સમૃદ્ધ પ્રકૃતિ ગુજરાતમાં ન હોવા છતાં ગુજરાતી નિબંધમાં પ્રકૃતિએ ખાસ્સું સ્થાન મેળવી લીધું. જોકે ‘જનાન્તિકે’ અને ત્યાર પછી લખાયેલા નિબંધોએ ગુજરાતી નિબંધલેખન થોડું સરળ, વધુ પડતું સરળ પણ બનાવી દીધું. આવા કુંડીબંધ નિબંધોના ઢગલામાંથી કસ્તર કાઢી નાખીએ તો ખાસ્સા નિબંધો મળે ખરા. જુદા પ્રકારના જે નિબંધો ગુજરાતીમાં લખાયા તેમાં ઉમાશંકર જોશીથી માંડીને સ્વામી આનંદ, દિગીશ મહેતા, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ચંદ્રકાન્ત શેઠ જેવાના નિબંધો પણ સ્મરણીય બન્યા, ભોળાભાઈ પટેલે પ્રવાસનિબંધને નવાં પરિમાણ આપ્યાં. એકવીસમી સદીના આ ત્રીજા દાયકામાં ગુજરાતી નિબંધ ક્યાં છે? આ પ્રકારની તપાસ સાહિત્યના ઇતિહાસકાર માટે અનામત રાખીએ અને આ ગાળામાં કયા સર્જકો પોતાનું વિત્ત પ્રગટાવવામાં થોડાઘણા પણ સફળ થયા છે એની તટસ્થ તપાસ કરીશું તો હર્ષદ ત્રિવેદીનું નામ લેવું પડે એમ વરતાય છે. કવિતા, વાર્તા, ટૂંકી વાર્તા, નવલકથા, વિવેચન, સામયિક સંપાદન-એમ બહુવિધ ક્ષેત્રે વિહાર કરતાં કરતાં તેમણે નિબંધ લેખનમાં મન પરોવ્યું છે. સંગ્રહના આરંભે જ ‘શ્યામ રંગ સમીપે’ નિબંધના કેન્દ્રમાં છે જાંબુડો. અખાત્રીજથી રથયાત્રા સુધીના દિવસોમાં હર્ષદ ત્રિવેદીને ઘેર જવા જેવું છે. જાંબુનો હિંડોળો ઝાકમઝોળ રે... જમીન પર પગ ક્યાં મૂકવો તેની વિમાસણ થાય. જાંબુડાને મોર આવે ત્યાંથી માંડીને બરાબ્બર પાકે ત્યાં સુધીની વાત જેની પંચેન્દ્રિયો સાબૂત હોય તે કરી શકે. રિલ્કે - વાલેરી - રવીન્દ્રનાથ જેવા જેનું વર્ણન કરવા બેસે તે જડચેતન પદાર્થની ચેતનામાં પ્રવેશે અને પછી શબ્દ માંડે. અહીં જાંબુડો અને નિબંધકાર વચ્ચે અદ્ભુત સાયુજ્ય રચાયું છે. પેલા ફલોબેરે છાપરે ચઢીને કહ્યું હતું-આઈ એમ માદામ બોવારી. કોઈ તોફાની બારકસે જાંબુડામાં ખીલીઓ ભોંકી દીધી હતી. એ ખીલીઓ નિબંધકારના શરીરમાં ભોંકાઈ ન હોય-એ હદે સાયુજ્ય છે. મૉરમાંથી જાંબુ બેસે અને ત્યારથી માંડીને બરાબ્બર પાકે ત્યાં સુધીના રૂપરંગ સોડમ અહીં સાકાર થયાં છે; વળી સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધી, ચન્દ્રોદયથી માંડીને ચન્દ્રાસ્ત સુધી જાંબુડાનાં બદલાતાં રૂપ આપણને સ્પર્શી જાય એ રીતે વર્ણવાયાં છે. વધારામાં ગમતાનો કરીએ ગુલાલની જેમ જાંબુની લહાણી કરવાનો અઢળક આનંદ - વળી કોઈને ‘આપ્યા’નો ભાવ જરાય નહીં! જીવનમાં કોઈ ને કોઈ તબક્કે ‘અમારા એ દિવસો વહી ગયા’ની લાગણી થતી જ હોય છે. એ વહી ગયેલા દિવસોની સ્મૃતિ માનવચિત્તમાં અકબંધ રહેતી હોવા છતાં એને મૂર્ત રૂપ આપવાનું મન થાય - એટલે છબિકલા મદદે આવી. પચાસસાઠ વરસ પહેલાં આપણે છબિકલા પાસે કેવી રીતે જતા હતા અને આજે ડીજીટલયુગમાં તો મોટા ભાગના લોકો છબિકાર નથી બની ગયા? સાવ જુદી રીતે લખાયેલો અને વારે વારે સ્પર્શી જાય - રસનાને તરબોળ કરે એવો નિબંધ જોવો હોય તો તે છે ‘પાનપુરાણ’. છેક બાળપણમાં જોયેલું જગત મોટી ઉંમરે સ્મૃતિને આધારે ઊઘડતું આવે છે. સ્મૃતિનું વરદાન અને અભિવ્યક્તિની તાજપ - બન્ને અહીં સેતુબંધ રચે છે. વર્ણન વીગતપ્રચુર હોવા છતાં શુષ્ક ન બને અને રસપ્રદ બની રહે એ પાયાની શરત. જેટલા પ્રકાર પાનના તેટલી તેમની વર્ણનરીતિઓ. જેમ જેમ વય વધતી જાય તેમ તેમ પાનના પ્રકારોની ક્ષિતિજ વિસ્તરતી જાય. બાળપણની મુગ્ધતા પણ ધીમે ધીમે વૃદ્ધિ પામતી જાય અને એની પ્રતીતિ વાચકને થતી જાય. અહીં મોરબીમાં જોયેલી પાનની ભયાનક દુકાનની વાત વર્ણવી છે. આ વાસ્તવિક હશે કે હર્ષદ ત્રિવેદીના કલ્પનાજગતમાંથી ભૂલી પડી હશે? પાનની આવી ભૂતિયા દુકાન હોય એમ માની જ ન શકાય અને એનું વર્ણન જે રીતે થયું છે તે રીતે રાતે સપનામાં પણ દેખા દેશે! પાનની આવી બધી વિવિધતાભરી-રસભરી વાતો પહેલી વાર વાંચવા મળી, વાંચતાં વાંચતાં મોમાં પાણી- ના ના, જુદાં જુદાં પાન આવી ગયાં. જુદી જુદી વ્યક્તિઓની નોખી નોખી ખાસિયતો, ખાસ તો ગુલાબજળમાં ચૂનો પલાળતા, અઠવાડિયા સુધી પાસ બેસાડ્યા કરતા પુષ્પન્દ્રભાઈ આંખો સામેથી ખસતા જ નથી. પણ નિબંધના અંતે વિષાદયોગ. ખઈ કે પાન બનારસવાલાનો જમાનો જતો રહ્યો અને પ્લાસ્ટિકિયા માવાનો આ જમાનો કોને નિર્વેદ ન કરાવે! સમય સમય બલવાન હૈ - એ જાણવા છતાં માનવમન શા મટે અવારનવાર ભૂતકાળમાં સરી જતું હશે? જૂનાં શહેરોની રોનક જ્યાં જ્યાં સચવાઈ હોય ત્યાં આપણું મન પહેલાં કેમ પહોંચી જતું હશે? ભૂતકાળનું એક સમૃદ્ધ ચિત્ર આપતો એક નિબંધ ‘માંડવીની પોળના મોર’ છે. જેવી રીતે ‘ઔદ્યોગિક ક્રાન્તિ’એ આવીને યુરોપનો અને પછી દુનિયાનો નકશો બદલી નાખ્યો એવી રીતે શહેરીકરણે આપણાં જૂનાં શહેરોના દબદબા પણ ખતમ કરી નાખ્યા. આ નિબંધમાં જૂનાં વાસણોની દુકાનની જાહોજલાલી વર્ણવાઈ છે. આજે એ પોળનું શું થયું. જૂના મકાનોનું શું થયું? ‘બપોરે લાંબી થઈને સૂતી પોળની નિરાંત કોઈ ચોરી ગયું છે.’ આમ તો નિબંધનાયક કળાયેલ મોરવાળું બુઝારું લેવા માંડવીની પોળમાં જાય છે. પણ ત્યાં શું જોયું? અદ્ભુત સાંકળો - નકશીવાળી અને પછી જોઈ પાનપેટીઓ. કેવી કેવી હતી એ બધી? એનાં ખાનાંઓમાં શું મુકાતું હશે? પછી તો અસામાન્ય ઘડતરવાળી તાંબાકુંડી જોઈ - અને તેના પર પાલકીયાત્રા. અને પછી તો ખુલ જા સીમ સીમ… દરેક વાસણની વિશિષ્ટતા વર્ણવાતી જાય અને મોરવાળા બુઝારાની શોધમાં નીકળેલા નાયકને દુકાનદાર શું કહે છે? ‘મોર તો ક્યારનાય ઊડી ગયા…!’ આના પર કશું જ ભાષ્ય રજૂ કરવામાં આવ્યું નથી. વાચક પોતે જ એ વાક્ય સાંભળતા નિર્વેદ અનુભવે છે! અહીં ભૂતકાળરતિ વિકૃતિ ન બની જાય એ રીતે આલેખાઈ છે. આ વાંચીને નવી પેઢીનો પ્રતિભાવ કેવો હશે? તુચ્છકાર? ઈર્ષ્યા? ન જાને. આપણી સંસ્કૃતિમાં ધર્મ-અર્થ-કામ-મોક્ષ એમ ચારેચાર પુરુષાર્થો (નારીવાદીઓ આ શબ્દ સામે વાંધો લઈ શકે)નું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. કેટલાક ચોખલિયાવૃત્તિથી પિડાઈને કામને બાજુ પર મૂકે-એટલે તેઓ કામોત્સવ કે મદનોત્સવથી દૂર ભાગે. આપણા નિબંધકાર એ રીતે ચોખાલિયા નથી, હિંદી ફિલ્મજગતથી, તેનાં ગીતોથી અભડાઈ જતા ચોખલિયાઓમાં પણ તેમનો સમાસ ન થાય. વળી વસંતઋતુની વાત કરતી વખતે લેખકની રુચિ ખાસ્સી કેળવાયેલી હોવાને કારણે લોકસાહિત્ય, પ્રશિષ્ટ સાહિત્ય – સાંપ્રત સાહિત્યમાં ભાવકને વિહરવાનો પૂરતો અવકાશ આપે છે. જોકે આ પ્રકારના નિબંધમાં વર્ણનો, સંદર્ભોને ભારે અવકાશ હોય-આપણને થાય કે બસ આટલું જ? તો પછી, આ લોભ જગાવ્યો શા માટે? જોકે આ નિબંધના ગોત્રનો નિબંધ ‘હું વસંત અને કવિતા’ કહી શકાય. અહીં વસંતઋતુમાં ખીલેલી પ્રકૃતિની વાત કરતી વખતે નિબંધકાર સહજ રીતે ચિંતનમાં સરી જાય છે. – ‘જીવનનાં સુખ દુ:ખને માણસે પ્રકૃતિ સાથે જોડી રાખ્યાં છે. કહો કે એ જ સાચી માનવપ્રકૃતિ છે. આમ તો મનુષ્ય પોતે પણ આ બ્રહ્માંડની પ્રકૃતિનો જ એક અંશ છે. પરંતુ સગવડ ખાતર વ્યાપક અને વિશિષ્ટ અર્થમાં એમ કહી શકાય કે આકાશના બદલાતા રંગો, પહાડો પર વિવિધ ઋતુઓનો પ્રભાવ, ગાઢાં જંગલોની પ્રકૃતિ, વૃક્ષો અને એનાં ફળફૂલ, પશુપંખી વગેરેના અતિસભર માનવેતર જગતને આપણે પ્રકૃતિ કહીએ છીએ. પ્રકૃતિનાં તમામ રૂપ વિશિષ્ટ ને રમણીય હોય છે. આવી વસંતને કવિએ કેવી રીતે ગાઈ? દલપતરામથી માંડીને રમેશ પારેખ સુધીના કવિઓએ આ પ્રકૃતિનું આલેખન કેવી રીતે કર્યું છે. તે અહીં જોવા મળશે. એક રીતે જોઈએ તો અહીં સાહિત્ય વિવેચન અને નિબંધ - વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખવામાં નથી આવી? જો કે રમેશ પારેખની રચનાને જે રીતે ઉઘાડી આપી છે તે રીતે ‘વસન્તવિજય’ના પ્રખ્યાત શ્લોક ‘ધીમે ધીમે છટાથી’ને ઉઘાડ્યો નથી. આ દૃષ્ટાંતોની સાથે ગઝલના ક્ષેત્રને પણ આવરી લીધું એ આનંદની વાત. સાપેક્ષતાનો સિદ્ધાંત ભલે પાછળથી આવ્યો પણ માનવી સમય-સ્થળની સાપેક્ષતા તો અનુભવતો જ રહ્યો છે, એટલે જ હર્ષદ ત્રિવેદી કહેશે ‘મનની ઘડિયાળ અને વાસ્તવિક ઘડિયાળ વચ્ચે ઘણીવાર તો કલાકોનું અંતર પડી જાય.’ ભૂતકાળમાં તો સમયનું ભાન કરાવવા માટે દરેક નગરમાં ટાવર હતાં, એનાં ડંકા બધે જ સંભળાતા-ત્યારે તમારી પાસે કાંડા ઘડિયાળ ન હોય તો ચાલે, આજે પણ કાંડા ઘડિયાળ ન હોય તો ચાલે, મોબાઈલ છે ને! સમય નિશ્ચિત કરવા કેવાં કેવાં પરિવર્તનો થતાં ગયાં-દાયકાઓ પહેલાં બાલવાડીઓમાં ગીત ગવડાવતાં હતાં- ‘ગયો જમાનો છુકગાડીનો, આવ્યું એરોપ્લેન.’ પણ આપણે ત્યાં તો ગાડાથી માંડીને રોકેટ - બધું જ સમાંતરે છે. એ રીતે સમાજની, સંસ્કૃતિની ભાતીગળતા ખાસ્સી પ્રગટી છે. બધું સુષ્ઠુ સુષ્ઠુ, કોમળ કોમળ જગત જ આ નિબંધકારની ચેતનામાં પ્રવેશતું નથી. કર્કશ જગતને પણ સ્થાન છે. એટલે જ કહે છે: ‘કર્કશ અવાજના પણ આરોહઅવરોહ થઈ શકે એવી ખબર ન હોવા છતાં સંગીત સાંભળ્યાનો આનંદ થતો. ભૂંગળાનો જોરદાર અવાજ રોમેરોમમાં ફરી વળતો. શરીરમાં રોમાંચને અમે હરતોફરતો જોઈ શકતા.’ અહીં માત્ર સમયનાં સંવેદનો જ આલેખાયાં નથી, સમય વિશે થોડું ચિંતન પણ છે- ‘આમેય બદલાતો સમય દુઃખકર જ હોય છે. ભલભલા સત્તાપલટાઓને આ સંદર્ભમાં જોઈ શકાય. ન સાંજ ન સવાર, ન દિન ન રાત્રિ, નેસૂર્ય અ ચન્દ્ર બન્નેની ઝાંખી હાજરી કોઈની યાદ આપી જાય. ગુજરાતીમાં ચરિત્રનિબંધો, વ્યક્તિચિત્રોની પણ પરંપરા તો છે. જેવી રીતે ચિત્રકારો પોર્ટ્રેઇટ પેઇન્ટિંગ કરે છે એવી રીતે શબ્દ દ્વારા વ્યક્તિત્વ સર્જવાનો પ્રયાસ સાહિત્યકારો કરે છે. અહીં ‘અચરતલાલ’નું શબ્દચિત્ર આલેખાયું છે. અનેક પ્રકારનાં કામનો જાણકાર, તુલસીદાસથી માંડીને મોરારિબાપુ સુધીનાઓનું વાચન કરતો, દાન ધર્મ કરનાર, રસોઈ કરનાર વાંચીને થાય કે આવી વ્યક્તિ વાસ્તવમાં હશે કે લેખકે કલ્પનાસર્જિત વ્યક્તિત્વ ઊભું કર્યું? વાસ્તવ અને કપોલકલ્પિત વચ્ચે રેણ વરતાય જ નહીં એ રીતે આલેખન થયું છે - આ પ્રકારના બીજા નિબંધો લખાય તો સર્જનશક્તિનો પૂરો ખ્યાલ આવે. અહીં માત્ર લલિત નિબંધ નથી. ‘મારું સત્ય : મૃત્યુ’ જેવા ચિન્તનાત્મક નિબંધો પણ છે. લેખકમાં વૈચારિક પરિપક્વતા કેટલી છે તેનો પરિચય આ રીતે થાય છે મિત્રના મૃત્યુ પ્રસંગે ભાવવિભોર થઈને લેખક કહે છે : ‘મારા વ્યક્તિત્વમાંથી સર્વ પ્રથમ નાનકડો અંશ લઈ ગયેલો.’ આ વાંચીને મેટાફિઝીકલ પોએટ જ્હોન ડન યાદ આવી ગયા. તેમણે કહ્યું હતું - ‘કોઈનું પણ મૃત્યુ મને અપૂર્ણ બનાવે છે.’ આપણને દરેકને મૃત્યુનો ડર સૌથી વધારે છે - અને આ મહામારીના સમયમાં તો ખાસ. પણ ધારો કે મૃત્યુ આવવાનું હોય તો? ‘એ આવે તે પહેલાં પંચેન્દ્રિયથી આ જગતને જેટલું અંતર ઉતારી શકાય તેટલું ઉતારી લેવું છે. વિશ્વભરને પણ બતાવી શકાય એવું જીવી લેવું છે.’ સ્વાભાવિક છે કે કોઈ સર્જક જ આવી વાત કરી શકે, ઉદ્યોગપતિ કે રાજકારણીના વિચારજગતમાં આ શક્ય જ નથી. એટલે આગળ કહે છે: ‘સાયુજ્યમાં પળવાર માટેય અલગ અસ્તિત્વ રહેવા દેવું નથી, ઓગળી જવું છે. આવી ક્ષણોમાં જ કદાચ જીવનનો પૂર્ણ અનુભવ છે એવું સમજાયું છે ને એ પૂર્ણ અનુભવની પછવાડે ક્યાંક મૃત્યુનો આછો વિચાર પડેલો છે.’ આગળ નિર્દેશ કરી ગયા કે કોઈપણ પદાર્થ જ્યાં સુધી સર્જકચેતના સાથે સાયુજ્ય ન સાધે ત્યાં સુધી તેનું રૂપ સર્જક આકારી ન શકે. એટલે ઇમારતો વિશે લખવા બેસો પણ મનની ભૂમિમાં ઊગે જ નહીં તો – ‘આવી જ બીજી કેટલીક ઇમારતો, જે વારંવાર મનમાં ઊગી આવે છે - સમજવાની કોશિશ કરું છું.’ મોટેભાગે રવીન્દ્રનાથની તસવીરમાં બીજાઓ ગંભીરતા જુએ, ઊંડાણ જુએ પણ હર્ષદ ત્રિવેદીને જોરાસાંકોમાં રવીન્દ્રનાથની તસવીર જોઈને શું થયું? ‘એમાં કવીન્દ્રની આંખમાં વિશેષણથી પર જે ભીષણ વેદના છે એનો સામનો કરો તે પૂર્વે જ આંખ દરિયો બની જાય.’ એક સર્જક જ રવીન્દ્રનાથની મુખાકૃતિમાં રહેલી વેદના સુધી પહોંચી શકે. એવી જ રીતે રાણપુરનો મહેલ જોઈને સર્જકચિત્તમાં શું થયું? એને ઇતિહાસ આપી શકે એવી તેમની સ્થિતિ નથી - પણ એની સ્મૃતિ શું શું કરે છે? ‘અનેક વાર એના રાજવી પદે મારો અભિષેક કરે છે, કપાળે કંકુમાક્ષત તિલક કરે છે, મને કોઈના પ્રેમમાં પડે છે. ઘાઘરાનો ઘેર અને સાડીના સળની ઠસ્સાદાર ચાલમાં કે નિતંબપુર કેશકલાપના લયમાં ડોલાવે છે, પરાક્રમની ત્રેવડ જગાવે છે ને ખપી જવાની ખુમારી પણ આપે છે.’ ક્યારેક સાંસ્કૃતિક યાત્રા કરવાની આવે ત્યારે કેટલીક ઔપચારિકતાઓ જાળવવી પડે પણ એને અતિક્રમો તો શું પરિણામ આવે? ‘મને ખબર નથી કે હું ક્યાં જઈ રહ્યો છું, પણ મારા પગ રોક્યા રોકાય એમ નથી. ધસી જાઉં છું વાયુવેગે એક પછી બીજી પછી ત્રીજી એમ પરસાળો ને કમાનો પાર કરતો રહું છું. અચાનક કોઈ ધૂપની સુગંધ મને પોકારતી હોય એમ લાગે છે. હું ગંધ-સુગંધના રસ્તે હળવા વાયરાની ગતિએ પહોંચી જાઉં છું. પરસાળની પેલે પારના થાનકે, મધ્યમ કદના મંદિરમાં, રાજવી ઠાઠને શોભે એવો અદ્ભુત શણગાર, બન્ને બાજુ ઊંચી કળાત્મક દીપધારિણીઓ, દીપ-ધૂપને અગરવાટની ઊર્ધ્વરેખ શિખાઓ. મુખ્ય નાયકનું પાથ અને તોરાયુક્ત માત્ર મસ્તક! રોમેરોમ ધ્રુજારી અનુભવાય છે ને ઝળઝળિયાં આઘાં કરવાની ક્ષણે જ મારો ને એનો ચહેરો એક!’ અહીં તાજમહાલ કે સારનાથ, સાંચી જેવી ભવ્ય ઇમારતોની વાત નથી. ક્યારેક આપણે સાંભળી પણ ન હોય એવી ભોપાલની વિશાળ મસ્જિદ આવી ચઢે, તો સુરેન્દ્રનગરની એન. ટી.એમ. હાઇસ્કૂલ પણ આવી ચઢે. નિબંધકારમાં પ્રત્યેક સર્જકમાં જોવા મળતી સંવેદના છે - અને એટલે જ માત્ર માનવીઓ જ નહીં, ‘ઇમારતો, તળાવો, પશુપંખીઓ, વૃક્ષો’ જેવા પદાર્થો સાથે પણ તેમનું અનુસંધાન થઈ જાય છે.! ક્યારેક જાણે-અજાણે પણ આપણાથી ભૂલ થઈ જતી હોય છે. માનવમનમાં ચોવીસે કલાક સુવિચારો જ નથી આવતા - કુવિચારો પણ આવે છે. ‘મારા જીવનની ભૂલ’માં આવી થોડી વાતો છે. સહાધ્યાયી ભીખલાના આકસ્મિક મૃત્યુ માટે પોતાને જવાબદાર ગણવા નિબંધકાર તૈયાર છે. અહીં પણ કથાવાર્તા અને નિબંધના સ્વરૂપની રેખાઓ એકબીજામાં ભળી જતી લાગશે. હર્ષદ ત્રિવેદીમાં રહેલો વાર્તાકાર આવે વખતે સહાયરૂપ થતો લાગશે.. ‘વહાલું વતન’ નિબંધ આમ જોઈએ તો ભૂતકાળરતિનું પરિણામ છે. પણ તમારી સ્મૃતિ સતેજ હોય તો જ આ પ્રકારના નિબંધ લખી શકાય, ભૂતકાળનું ખોવાઈ ગયેલું જગત આમ ફરી શબ્દ-સ્મૃતિ-સંવેદનાના સહારે ફરી પાછું જીવતું થાય છે. ‘સાહચર્ય’ને કેન્દ્રમાં રાખતો નિબંધ સાહિત્યિક પત્રકારત્વની નજીક પહોંચતો લાગશે. વિવિધ સર્જકોની મુદ્રાઓ સારી રીતે ઉપસી હોવા છતાં એ અહીં ભૂલો પડેલો લાગશે. આ નિબંધો પ્રકૃતિ, ભૂતકાળ, કાવ્યાસ્વાદ, વ્યક્તિચિત્ર - એમ વિવિધ પ્રકારના છે. ભવિષ્યમાં આ દરેક વિશે નિબંધો લખાશે એવી આશા અસ્થાને નથી.

વડોદરા, ૧૦-૮-૨૦૨૦