માંડવીની પોળના મોર/હું, વસંત અને કવિતા
પાનખર ચાલે છે અને ઘરમાં સાવ એકલો બેઠો છું. સહુ પોતપોતાનાં કામે બહાર ગયાં છે. અંદર બેઠાં બેઠાં પણ એક પછી એક ખરતાં પાનનો ટપકારો સંભળાય છે. થોડીવાર તો એ સૂકા ખખડતા અવાજને અવગણીને હિંચકે બેઠો રહું છું. પણ પવન વધે છે ને એ પર્ણવર્ષા મને સાદ પાડીને બહાર બોલાવે છે. જઈને જોઉં છું તો મને મારું જ એક ગીત યાદ આવે છે :
ખર ખર ખર ખર પાન ખેરવી વૃક્ષ ફેરવે માળા,
જીવને થાતું ચલો હરખજી ભરીએ હવે ઉચાળા!
જોઉં છું તો જાણે લીમડાએ પોતાની મુઠ્ઠી ખોલી નાંખી છે. જે છે તે બધું જ ધરતીના હવાલે કરી દેવું હોય એમ, સાવ હળવેથી, પીછાંની સહજતાથી પાન ખેરવી રહ્યો છે. અચાનક જ પલાશ ઉપર નજર જાય છે એના મોટા ફાફડિયાં પાન અવાજ કર્યા વગર રહી જ ન શકે. દસપંદર પાન હજી પણ ટકી રહેલાં દેખાય છે. છેક ટગલી ડાળે નજર ઠેરવું છું ને એક ચમત્કાર દેખું છું. કાળા મખમલની અસંખ્ય કળીઓ આંખો ઊઘાડી રહી છે. આજકાલમાં જ વસંતરાજ રંગ અને સુગંધનો અવાજવિહોણો ધડાકો કરશે. ભમરા અને મધમાખીઓનો ગૂંજારવ કદાચ દૂર નથી. હું સીધો જ ઉપરના માળે જાઉં છું ને પુસ્તકો ફેંદવા માંડું છું. ઊમટી પડે છે મારા મનમાં વસંત કવિતાને સહારે. માનવજાતની ઉત્પત્તિથી લઈને આજ સુધી જોઈએ તો માણસનો પ્રકૃતિ સાથેનો નાતો કાયમ રહ્યો છે. જીવનનાં સુખદુઃખને માણસે પ્રકૃતિ સાથે જોડી રાખ્યાં છે. કહો કે એ જ સાચી માનવપ્રકૃતિ છે. આમ તો મનુષ્ય પોતે પણ આ બ્રહ્માંડની પ્રકૃતિનો જ એક અંશ છે. પરંતુ, સગવડ ખાતર વ્યાપક અને વિશિષ્ટ અર્થમાં એમ કહી શકાય કે આકાશના બદલાતા રંગો, પહાડો પર વિવિધ ઋતુઓનો પ્રભાવ, ગાઢાં જંગલોની પ્રકૃતિ, વૃક્ષો અને એનાં ફળફૂલ, પશુપંખી વગેરેના અતિસભર માનવેતર જગતને આપણે પ્રકૃતિ કહીએ છીએ. પ્રકૃતિનાં તમામ રૂપ વિશિષ્ટ અને રમણીય હોય છે. આપણા કવિઓએ તમામ ઋતુઓને મન ભરીને ગાઈ છે. પરંતુ વસંતઋતુ સાથેનો નાતો કંઈક અલગ પ્રકારનો છે. પલ્લવ અને પુષ્પ બધું જ એક સાથે મંજરીની મહેક બનીને મહોરી ઊઠે છે. પ્રકૃતિમાં કશુંક નવું ફૂટે છે અને યૌવનનો આવિષ્કાર કવિઓનાં મનમાં પણ કશુંક નવું નવું આકારવાની પ્રેરણા આપે છે. ગુજરાતી ભાષાનાં મૂળ સંસ્કૃત અને પ્રાકૃતમાં પડ્યાં છે. જેમ ભાષાની તેમ કાવ્યસંસ્કારની પણ એક મજબૂત પરંપરા છે. મધ્યકાલીન કવિએ આ રીતે વસંતનાં વધામણાં કર્યાં છે :
કાલિકાદશામાં હજી લતાકુસુમો
અંકુરદશામાં હજી પલ્લવો
અપેક્ષાદશામાં હજી કોકિલકંઠનો પંચમ -
કામદેવ તેનું ચિરમુક્ત ધનુષ્ય લઈ
હવે બસ! બેત્રણ દિવસ અભ્યાસ કરે
તો ત્રિભુવનવિજેતા બને!
જેની રગેરગમાં યૌવન ફરી વળ્યું છે અને સર્વ પ્રથમ પ્રેમનો આવિષ્કાર થયો છે એ માણસ મત્ત ન બને તો જ નવાઈ! આવી વસંત ઋતુમાં જેને સખ્યનું સાન્નિધ્ય પ્રાપ્ત થયું છે તે પોતાને ત્રિભુવનવિજેતા જ માને ને? વસંત એ પ્રેમની ને કામ-રતિની ઋતુ છે. કદાચ, એટલા માટે જ કવિ દલપતરામે વસંતના આવેગને અનુલક્ષીને ઋતુરાજ કહ્યો હશે!
‘રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો,
મુકામ એણે વનમાં જમાવ્યો;
તરુવરોએ શણગાર કીધો,
જાણે વસંતે શિરપાવ દીધો!’
આંબા ઉપર મંજરી આવે છે ત્યારે શું થાય છે? પ્રાકૃત મુક્તકનો અનુવાદ હરિવલ્લભ ભાયાણીએ આ રીતે કર્યો છે :
‘સહિયર મોરી કુશળ છે?’
‘સખી કુશળની શી વાત?’
આંગણાના પેલા કૂબડા આંબે
કો ફૂટી ઊઠ્યો ઉત્પાત!’
મહોરેલા આંબાને વહાલથી કૂબડો કહેવાનું અને પોતાના અંતરમાં ઊઠેલા કામાગ્નિના ઉત્પાતનું આરોપણ આંબામાં કરવાની રસિકતા તો કોઈ આ મધ્યકાલીન નારી પાસેથી શીખે! મહાકવિ ન્હાનાલાલ તો અનેક વાર આ વસંત ઉપર વારી ગયા છે ને વહેંચાય એટલું ખોબે ને ધોબે વહેંચ્યું છે. જુઓ આ એમનું યશસ્વી કાવ્ય :
રાજ! કોઈ વસંત લ્યો;
હાં રે મારી ક્યારીમાં મ્હેકમ્હેક મહેકી :
હો રાજ! કોઈ વસંત લ્યો, વસંત લ્યો.
ઉમાશંકર જોશીએ તો છયે ઋતુઓને લાડ લડાવ્યા છે. શાશ્વત પ્રણયના પ્રતીકરૂપ સારસબેલડીને નિમિત્ત કરીને કવિએ આ રીતે પોતાના હૈયાને મોકળું મેલ્યું છે :
ખીલી વસંત, વન ફૂલભર્યા મહેકે,
ગાતા ફરે ભ્રમર, કોકિલનાદ લહેકે,
ઊડે સુગંધકણ પુષ્પ તણા રસોના,
આઘા સુણાય ગંગને સ્વર સારસોના.
ચારે બાજુ વસંત બરાબરની ખીલી હોય ને પ્રિયતમની પાસે એની પ્રિયતમા ન હોય એ વિરહીહૃદયની વાત આ ચાર પંક્તિઓમાં કવિએ માત્ર સારસના સ્વરથી જ કહી દીધી! કવિતા, જેટલી કહેવાની કળા છે એટલી જ નહી કહેવાની પણ કળા છે. નહી કહેવાયેલું તો સાચા પ્રેમી, રસિકજનને જ સમજાય! કવિતામાં સંદેશો આપવાની યુક્તિ ભાષાજૂની છે. વિરહીજન બીજું તો શું કરે? પ્રાણથીય પ્યારી પ્રિયતમાને સંદેશો કહાવે! પણ ચોખ્ખચોખ્ખું ન કહે. સંકેતમાં કહે. સામે પણ એના જેવી જ રસમાધુરી ધરાવતી નાયિકા હોય ને? સંકેતની લિપિ ઉકેલી શકે એવી. તેથી જ તો વનાંચલના કવિ જયન્ત પાઠક આવું કહીને વસંતને સંદેશો મોકલે છે :
વસંતને કહેજો કે એકલી ના’વે:
પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે
મંજરીઓ લીમડાની લાવે
કે એકલા હૈયાને ઓછું ન આવે!
વાંચતાં વાંચતાં આપણું મન જ માત્ર નહીં, પણ બંને પગ વસંતનાં વધામણાંનો ઠેકો લઇ લે એવું અદ્ભુત ગીત આપણને ઉમાશંકર જોશીએ આપ્યું છે. વસંતપંચમી આવી એનો જાણે કવિ ઉત્સવ કરે છે. આંબે આંબે હસતી રસની કટોરીઓ અને આછા સુગંધિત પવનની સાક્ષીએ ગાતા-ભમતા ભમરાઓ પ્રેમની હોરી ગાય છે. પ્રકૃતિનાં તત્ત્વોને લઈને પોતાના જ ઉલ્લસિત મનને વ્યક્ત કરતું આ આખુંય ગીત આપણને મત્ત કરી દે એવું છે. બે અંતરા જોઈએ :
કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની!
દખ્ખણનાં વાયરાનાં આ શાં અડપલાં!
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો -
કે પંચમી આવી વસંતની!
આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં,
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો!
કે પંચમી આવી વસંતની.
પ્રેમમાં પાગલ થયેલા મનની એવી તો સ્થિતિ થઇ જાય કે આ આખી સૃષ્ટિ હિંડોળો ઝૂલવા લાગે અને સ્વયં ચેતના આવીને હૃદયનાં બારણાં ખખડાવવા લાગે! ફૂલ એટલે વૃક્ષની ડાળે ડાળે લટકાવેલા સુગંધદીવડા! કવિ ફૂલની ફોરમને ફક્ત પ્રાણેન્દ્રિયથી જ નથી અનુભવતા. એને ચાક્ષુસ પણ બનાવે છે. એકસાથે આંખ અને નાસિકા કેવી રીતે પ્રવર્તે એ જોવા માટે તો કવિ પ્રિયકાંત મણિયાર પાસે જવું પડે! કલ્પના, વાસ્તવ અને અંતર અનુભૂતિનો ત્રિવેણીસંગમ કરતાં આ કવિ લખે છે :
ફૂલનો પવન લોચન મારે વાયો,
આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો.
કોઈ તરુ ના, કોઈ નાં ડાળી, કોઈ ના ડાળખી, પાન;
ફૂલનો કૂવાર એટલો ફૂટે જેમ કવિનાં ગાન:
ફૂલનો સૂરજ હૃદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાયો.
ફૂલની નદી, ફૂલનું તળાવ, ફૂલનું નાનું ગામ,
ફૂલનો દીવો, ફૂલહિંડોળો, ફૂલમાં ફોર્યા રામ;
કાળને સાગર જાત ડૂબી ત્યાં તરત ફૂલથી ફાવ્યો,
ફૂલનો પવન લોચન મારે વાયો.
ઘણી વાર કવિમનનો પડઘો વાસ્તવથી દૂર જઈને ઉદાસીમાં પ્રગટ થાય છે. વસંત તો હરવખતની જેમ જ આવી છે પણ કવિનું હૈયું સૂનું છે. એક વખત ફાગણનો માદક મિજાજ અનુભવ્યો છે એટલે કે કવિને વસંતનો સાક્ષાત્કાર તો થયો જ છે પણ દ્વિધા ભરી પરિસ્થિતિ છે. સૂક્ષ્મસ્તરે તો પિયુ પાસે જ છે પણ સ્થૂળ એટલે કે નર્યા વાસ્તવમાં તો બહુ આઘેરો છે તેથી વસંત સાવ સૂની લાગે છે. વસંતનો પોતાનો પ્રભાવ જ એવો અને એટલો છે કે સૂનાપણું હોય તોય ખરી પડે! સુરેશ દલાલ પોતાના મનને જ કહે છે :
ક્યાં છે કોકિલનો મીઠેરો ટહુકો રે રાજ?
મારે સૂની વસંત નહીં જોઈએ :
આવી અણગમતી વાત તમે મૂકો રે આજ :
મારે સૂની વસંત નહીં જોઈએ!
ભલે ડોલે છે ડાળ છતાં ફૂલો ઉદાસ:
કૂણી પાંદડીની પાળ નહીં તોડે સુવાસ.
ફૂલે ભમરા પણ ઝૂકે છે સમજી રીવાજ :
મારે સૂની વસંત નહીં જોઈએ!
વસંતનું વરણાગીપણું હતોત્સાહ થયેલા માનવીના મનમાં જીવનનો રોમાંચ ફેલાવી દે છે. આ ઋતુ એવી તો કામણગારી છે કે પંચેન્દ્રિય જાગ્રત થઈ ઊઠે. વિવિધ રંગો આંખને ભરી દે. છોડેછોડનાં ફૂલોની અનોખી સુગંધ નાસિકાને ધન્ય કરે. ફૂલની કોમળતા એને સ્પર્શવાનું ઈજન દે. ફૂલનો મધુર રસ ભ્રમરને, મધુમખ્ખીને અને પક્ષીઓને આકર્ષે, કળીમાંથી ફૂલ બનતી વખતે અવાજ થાય કે ન થાય પણ પંખીઓ તો મધુરી વેણુનો નાદ છેડી જ દે છે. કવિ પ્રજારામ રાવળે વસંતને અનેક રૂપે જોઈ જ નથી મુક્તમનથી ગાઈ પણ છે. જો કે અત્યારે તો કવિ આ સાંભળે છે :
વેણુ વસંતની વાગી!
ડાળીએ ડાળીએ પાંદડે પાંદડે ફાગણ ઊઠ્યો જાગી!
વનમાં રોમેરોમમાં સૂતી, ઝબકી લાલ અગન;
અરુણ તરુણ કૂંપળે જાણે ભડકે બળે વન!
આજ પ્રભાતે વનરાવનમાં ફાગણની લ્હેર લાગી! અને હા. ‘વસંતવિજય’માં કવિ કાન્તે જે વર્ણન કર્યું છે તે અત્યંત કાવ્યાત્મક અને અપૂર્વ છે. મહાભારતમાં પાંડુ અને માદ્રીની કથા જાણીતી છે. વસંતનો એવો તો પ્રભાવ કે પાંડુ જાણે છે કે પ્રણયક્રીડા જ પોતાના મૃત્યુનું કારણ બનનારી છે છતાં રહી શકતા નથી. પાંડુને એ વખતે માત્ર એક જ ક્ષણની શાશ્વતી જોઈએ છે. કવિ કાન્તે વસંતનું વર્ણન આ રીતે કરીને સ્રગ્ધરા છંદનો પણ વિજયધ્વજ રોપ્યો છે! જે વાંચીને આપણને પણ તૃપ્તિ અને રોમાંચ થયા વિના ન રહે-
ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય,
ચોપાસે વિલ્લિઓથીપરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય;
બેસીને કોણ જાણે ક્યહિં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય,
ગાળી નાંખે હલાવી રસિક હૃદયને, વૃત્તિથી દાબ જાય.
રમેશ પારેખ ગુજરાતી કવિતાનું નમણું નજરાણું છે. ભાગ્યે જ કોઈ એવો મનોભાવ હશે કે જે રમેશની કવિતામાં નહીં આવ્યો હોય. આ કવિ પણ વસંતના પ્રભાવ-પરચાને અરૂઢ અને ઈન્દ્રિયગ્રાહ્ય કરીને, ઈરોટિક કહેવાય એવી તળના મલકની ખરબચડી ભાષામાં, જુવાન છોકરા-છોકરીને બેઠેલી પહેલવારકી વસંતને આ રીતે ‘ફાગુનું ફટાણું’ લખીને વધાવે છે :
એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય....
છોક્કરીને આંબો પાક્યાનો ભાર લાગે
છોક્કરીને વાયરો ય અણીદાર લાગે
છોક્કરીને રોણું યે વાર વાર લાગે
છોક્કરીને શમણાં લઇ જાય ક્યાંક હાંકી
ને ગીત હાળા ધકામૂકી ધકામૂકી થાય....
છોક્કરાની જીભમાં જ પડી ગઈ આંટી
છોક્કરાની ઉભડક ને ઉફરી રુંવાટી
છોક્કરાની ગોટમોટ નીંદર ગઈ ફાટી
છોક્કરાના લમણામાં ખાકટીઓ પાકી
ને લોહી હાળા ધકામૂકી ધકામૂકી થાય.....
રમેશ પારેખને જ સૂઝે એવાં આ કલ્પનો, ફૂટતી જુવાનીમાં છોકરાછોકરીના મનોજગતમાં જે ફેરફાર થાય તે અને ઉમટતા આવેગોને વ્યક્ત કરે છે. એમાં વસંતઋતુનું આહ્લાદક વાતાવરણ ઉદ્દીપક બને છે. એ જ રમેશ વસંતની રચનાત્મકતા કે પલ્લવિતાને પરહર્યા વિના વસંતની તીવ્રતાને હિંસકરૂપે નિહાળે ત્યારે આવું લખે :
આ ગુલમહોર, આ ગરમાળો – છે લૂ ને મધનો સરવાળો,
સાતે ય ત્વચાને ગોદે છે પવનોનો છક અણિયાળો
કઈ ભૂખે એ ભૂરાયાં છે? કઈ ગન્ધે એને છંછેડ્યાં?
સાવઝની જેમ ઝડપ દેતાં વૃક્ષો વીંઝે હિંસક યાળો!
ગુજરાતી કવિતામાં રમેશ પારેખની આ અભિવ્યક્તિ તદ્દન નિરાળી અને નવીન છે. આ અગાઉ પાંચસો વર્ષની પરંપરામાં કોઈ કવિએ વસંતના પ્રભાવને આ રીતે ઝીલ્યો નથી!એ અર્થમાં રમેશ પારેખ અપૂર્વ છે. પ્રણયની નાજુક અભિવ્યક્તિ ગઝલમાં થાય ત્યારે તેમાં સ્વાભાવિક રીતે જ પ્રિયતમાની અને પ્રિયતમની ઉપસ્થિતિ હોવાની. ગઝલનો મિજાજ તદ્દન જુદો હોય છે. એમાં ક્યારેક વિરોધીભાવો પણ અસાધારણ રૂપ લઈને આવે છે. પ્રેમનો ઉછાળ અને છાક વસંતને નિમિત્તે કવિઓએ વિવિધ પ્રકારે મૂકી આપ્યો છે. ગઝલનો સાદો અર્થ તો પ્રિયતમા સાથેની વાતચીત એવો થાય છે. આપણે જોઈએ કે આપણા શાયરોએ બોલચાલની ભાષામાં વસંતને કેવી કેવી રીતે શબ્દમાં શણગારી છે.
નહીં તો પાનખરમાં આ વસંતોની મજા ક્યાંથી?
ખરેખર થઈ ગયું છે બાગમાં તમ આગમન જેવું!
-’નાઝિર દેખૈયા
એવી રીતે ન લાવશો ફૂલો મહીં વસંત,
ઊગે ન કોઈ ફૂલ ને કંટક ખર્યા કરે!
-હરકિસન જોશી
ત્યાં લાલ લાલ કોની ફરકી રહી ધજા છે?
આ તો વસંત કેરા ધ્વજધારી કેસૂડા છે!
-મનહર ‘દિલદાર’
ફૂલના રસથી પ્યાલા ભરીએ,
આવ જરા મન હળવું કરીએ!
-’શૂન્ય’ પાલનપુરી
વસંતોનો ક્રમ ગોઠવ્યો જેમણે,
એ પોતે સદા પાનખરમાં રહ્યા!
-’આદિલ’ મન્સૂરી
આપ આવો તો વસંતોને હું પડકારી શકું,
એમ તો હર પાનખરને દૂર કરતો જાઉં છું!
-’અમીન’ આઝાદ
‘ગની’ દહીંવાલા અને મનોજ ખંડેરિયાએ વસંત અને પ્રિયતમાને સાથે રાખીને ગુજરાતી ભાષાનાં ઘરેણાં જેવી ગઝલો આપી છે. એમાંથી શાયરનું વ્યક્તિત્વ પણ ઊઘડી આવે છે. કહેવાની જરૂર ખરી કે આ ગઝલોએ વાચકોને ઘેલું લગાડ્યું છે બંને રચનાઓ એવી તો તરોતાજા છે કે કોઈ પણ ક્ષણે વાંચો આાદ આપ્યા વિના નહીં રહે.
તમારાં અહીં આજ પગલાં થવાનાં, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની ય નીચી નજર થઈ ગઈ છે!
પરિમલની સાથે ગળે હાથ નાંખી – કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે કે પ્રત્યેક વસ્તુ, પુરાણા મલાજાથી પર થઈ ગઈ છે!
-’ગની’ દહીંવાલા
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતનાં!
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લઇ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના?
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના!
મહેકી રહી છે મંજરી એકેક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના!
ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના!
ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના!
-મનોજ ખંડેરિયા
ગનીચાચાની ગઝલના બે શે’ર અને મનોજ ખંડેરિયાની આખેઆખી ગઝલ સાથે, ભર્યુંભર્યું મન સહુ પ્રેમીજનોને અને રસિકજનોને, ખાસ તો વિરહીજનોને વસંતનાં વધામણાં આપી રહે છે. બહાર જોઉં છું તો પલાશ પૂર્ણપણે ખીલી ઊઠ્યો છે ને એની ડાળીએ બેઠેલું શુકયુગલ એક પછી એક, કેસરિયા કળીઓ ખેરવી રહ્યું છે!