માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૧૯

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯

યાત્રાની શરૂઆત સોમતીર્થથી કરવામાં આવી. બળરામે સોમનાથના ભવ્ય મંદિરમાં પ્રવેશ કર્યો અને જય સોમનાથના નાદથી વાતાવરણ ગાજી ઊઠ્યું. આચાર્ય ભદ્રંકરે સ્વાગત કર્યું. વેદમંત્રો, દીપમાળાઓ, ધૂપસુગંધથી ઊજળો ગુંજાર અને સુગંધિત પ્રકાશ રેલાઈ રહ્યાં. બળરામને આ પળે એક અદ્ભુત અનુભવ થયો. તેમને થયું : આ પોતાની સાથે આવેલા યાત્રાળુઓનો સમૂહ જ નહીં, બીજા યાત્રીઓ પણ તેમને ઘેરીને ઊભા છે. આ યાત્રીઓને શરીરનાં બંધન નથી, મનની મર્યાદા નથી, જમીન સાથે બાંધી રાખતી જડતાની કોઈ સાંકળ નથી. અને છતાં આ ભૂમિ સાથે કોઈ અદૃશ્ય સૂક્ષ્મ તંતુથી તેઓ સંકળાયેલા છે. જ્યોતિર્લિંગ પર બળરામની દૃષ્ટિ ઠરી. ના, એ પથ્થર નથી, ઘનીભૂત વિદ્યુત છે. ચૈતન્યથી ખેંચતું ચુંબક છે. બળરામને સોમબિંદુની સ્મૃતિ થઈ આવી. રેવતી કેમ દેખાતી નથી? “આંખો સામે હોય એ દેખાય. આંખોમાં હોય એ નહીં.” બળરામના અંતરમાંથી જ સ્વર સંભળાયો. રેવતીનો સ્વર. રેવતી જાણે પોતાની અંદર જ છુપાઈને હસતી હોય એમ બળરામને લાગ્યું. થોડી વાર પછી જોયું : રેવતી બાજુમાં આવી ઊભી છે. શબ્દો સંભળાયા : “રામ, ખબર છે? યાત્રીએ અંતે તો એકલું જ એકાકી ભણી ઊડવાનું છે. જેને એ ઝંખે છે તેને પોતાના અંતરમાં જ નહીં પામે તો આવરણ હટશે ક્યારે? પેલા સ્વયંભૂ લિંગનું દર્શન કરો! સ્વયંભોગની દીક્ષા ગ્રહણ કરો!” બળરામે સ્થિર દૃષ્ટિ કરી. શિવ-પાર્વતીના અદ્વય સ્વરૂપની ઝાંખી થઈ. રેવતીને તેમણે પોતાની સમીપ, પોતાની અંદર, પોતાની જાત સામે એવી તો પ્રગાઢ એકતામાં અનુભવી કે ભેદની રેખા ઓગળી ગઈ. વળી એ રેખા સ્પષ્ટ બનવા લાગી. ન ભેદ, ન અભેદ. અત્યંત વિલક્ષણ સ્થિતિ. બળરામને થયું : ક્યાંક વિશ્વભેદ થઈ ગયો છે. ક્યાંક આત્મ-પરનું સીમોલ્લંઘન થઈ ગયું છે અને છતાં પરમ રસાસ્વાદની માત્રા ઘટી નથી. એક પરમ આનંદ, જે અ-માત્રા હોવા છતાં અનંત માત્રા હતો. મહાશૂન્યની અમાવાસ્યાને આંગણે પૂર્ણ ચન્દ્રોદય થયો હતો. સૂરજના ઘરમાં સહસ્રદલ કમળ ખીલી ઊઠયું હતું. આ પહેલાં જે અનુભૂતિ અસ્પષ્ટ, ક્ષણિક, આવતીજતી ભાસતી હતી તેના પર ચિરંતન પ્રાપ્તિની મુદ્રા લાગી ગઈ. આચાર્ય ભદ્રંકરે બળરામને શિરે હાથ મૂક્યો. બળરામ બાહ્ય ભાનમાં આવ્યા. આચાર્યે કહ્યું : “યદુભૂષણ, તમે હર-ગૌરીનો પ્રસાદ પામ્યા છો, છતાં આ પ્રસાદ અને બિલ્વદલ ગ્રહણ કરો.” બળરામે પ્રસાદ લીધો. બીલીનાં પાન આંખે-માથે લગાડ્યાં. આચાર્યે કહ્યું : “સમ્રાટ ચંદ્રે અહીં એક દર્શન પ્રાપ્ત કર્યું હતું. આ પૃથ્વી પર તો વૃદ્ધિકલા અને હ્રાસકલા ચાલે જ છે. પણ પેલી અક્ષયકલા તેમાં જોડાય તો જ આ બિલ્વદલની જેમ પૂરું ત્રિદલ બને. સમ્રાટ ચંદ્ર અહીં વૃદ્ધિહ્રાસથી ઉપર ઊઠ્યા હતા. ભારત આ દર્શન ન ભૂલે એટલા માટે તેમણે અહીં સોમનાથની સ્થાપના કરી. અહીં ઉત્થાન-પતન તો આવશે પણ પેલી અક્ષયકલાનું ભાન આ સોમતીર્થ સદાયે કરાવતું રહેશે.” “આવી અક્ષયકલાના અનુસંધાન માટે તમે કાંઈ કરો છો, આચાર્ય? એ સંબંધની વાત તો દૂર રહી પણ એના પર શ્રદ્ધા ટકી શકે તોયે ઓછું નથી. લોકોમાં આવી શ્રદ્ધા જીવતી રાખવા માટે તમારી પાસે કાંઈ પ્રબંધ છે?” બળરામ અને ભદ્રંકર સોમનાથની પ્રદક્ષિણા કરતા વાતે વળગ્યા. આચાર્યે જવાબ આપ્યો : “અમે સ્થિતિ અને અવસ્થા વચ્ચે ભેદ પારખી શકીએ છીએ. દેવ! સ્થિતિ તો સિદ્ધિપદમાં જ શક્ય છે. અવસ્થા ઊંચે ને નીચે થતી રહે છે. પરિપક્વ અવસ્થા થતાં તે સ્થિતિમાં અવિચળ બની જાય છે. કાલાગ્નિનો ગ્રાસ કરવો તે કાંઈ સહેલી વાત છે? આ દેહમાં જ અમૃતપાન કાંઈ બધા જ થોડા કરી શકે છે! સોમતીર્થમાં અમે યોગ્ય સાધકોને એ માટે ધીરે ધીરે તૈયાર કરીએ છીએ. એમાંથી કોઈ સિદ્ધિપદને પામે છે ત્યારે તેઓ લોકો વચ્ચે વિચરવા નીકળી પડે છે. તેઓ સાધકોને તૈયાર કરે છે, ગૃહસ્થોને જ્ઞાનદૃષ્ટિ આપે છે. આમ સિદ્ધ, સાધક અને સંસારીઓની ચડતી પાયરી રચાતી જાય છે. સોમનું તીર્થજળ આમ પ્રજાજીવનમાં વહેતું રહે છે. અમે તો માનીએ છીએ કે આ વિદ્યાલયો નાશ પામી જશે, શાસ્ત્રો બળીને ભસ્મ થઈ જશે પણ આવો એકાદ સિદ્ધપુરુષ વિચરતો હશે તો સોમધારા નાશ નહીં પામે.” બળરામ આચાર્ય ભદ્રંકરના શિષ્યોને મળ્યા. અધ્યયન સાથે અનુભવનો તાળો મેળવવાનું તેઓ ચૂક્યા નહોતા. અબુધ ગ્રામીણો સાથે તેઓ જે આત્મીયતાથી ભળી ગયા હતા એ જોઈ બળરામને થયું કે આચાર્યની વિદ્યા ઊગી નીકળી છે. સમુદ્રને કિનારે યાત્રીઓએ પડાવ નાખ્યો હતો. સમુદ્રના ગર્જન સાથે હરીફાઈ કરતું લોકસાગરનું એક વિશાળ મોજું પથરાઈને પડ્યું હતું. પણ એ કાંઈ થોડું ત્યાં સ્થિર રહેવાનું હતું! એકબે દિવસમાં જ તે અહીંથી ઊપડી જશે ત્યારે પાછળ શું રાખી જશે? મેશ બાઝેલા મંગાળાના પથ્થરો, રાખના ઢગલા, ભાંગેલાં પાત્રો, બિનજરૂરી ભંગાર! પાછળ ઊછળી આવતાં મોજાંનું આવી જ સામગ્રીથી તે સ્વાગત કરશે? કે પછી અત્યારે જે ભજનકીર્તન થાય છે, જે કથાવાર્તા ચાલે છે, જે હાસ-પરિહાસની મંડળી જામી છે તે અવશેષ રૂપે ક્યાંક રાખતા જશે? આવતાં મોજાંને અહીં ઉજ્જડ ટીંબાનો ખાલીપો એ વરતાવા નહીં દે. એક જાતની ભરપૂરતા આપી જશે અને નવતર મોજાંને હજુ કોરા રહેલા કિનારા ચીંધી બતાવશે. રાત પડી. પડાવમાં ઠેર ઠેર દીવા ચેતી ઊઠ્યા. યાત્રીઓનાં જુદાં જુદાં જૂથ અંધકાર વચ્ચે નક્ષત્રોની જેમ શોભવા લાગ્યાં. સોમનાથનું ઊંચું ને ઝળહળતું મંદિર આ નક્ષત્રમાળાના મેર સમું હતું. બળરામ મંદિરના એક ગવાક્ષમાં બેઠા હતા. મન વિચારે ચડ્યું : કૃષ્ણે આ બાર માળનું મંદિર બાંધ્યું છે. એક દિવસ તે ધરાશયી થઈ જશે. પણ આચાર્ય ભદ્રંકરે કહ્યું તેમ સોમતીર્થનું અમૃત શોષાઈ નહીં જાય, ફરી ધરતીનાં પડ ભેદી તે નવા જીવનમાં પાંગરી ઊઠશે. તો આ યાત્રાસંઘને પગલે પોતાને હાથે પણ એક સચલ તીર્થ નથી રચાતું? એક મંદિરનો ઘુમ્મટ નથી ચણાતો? પોતાના ધંધા, રોજગાર, ઘરબાર છોડી નીકળી પડેલા આ લોકો એવા ને એવા જ પાછા ફરશે? ચૈતન્યનું કોઈ સ્થાપત્ય સાથે મળી નહીં રચે? અને આ યાત્રામાં જે કાંઈ દર્શન મળ્યું તે પોતાના વારસોને જીવનની નમતી સાંજે આપી નહીં જાય? આ દીવાઓ બુઝાઈ જશે તે પહેલાં તેમના સ્પર્શથી તેઓ નવા દીવા ચેતાવશે અને ભાવિના પ્રવાહ પર તરતા મૂકશે. સોમનાથ માત્ર પથ્થર નહીં રહે, મનુષ્યના પ્રાણમાં તેનો જીર્ણોદ્ધાર થતો રહેશે. બળરામે યાત્રામાં બધી જાતની સુવિધા રાખી હતી પણ તેથી કાંઈ યાત્રા સુગમ નહોતી. પ્રભાસ છોડી સરસ્વતીનાં છિન્નભિન્ન તીર્થોમાં યાત્રીઓ પગલાં માંડતા ગયા તેમ તેમની સહનશીલતાની કસોટી થવા લાગી. કેટલાયે યુગ પહેલાં આ વિશાળ નદી બંને કાંઠા છલકાવતી વહેતી હશે. તેને કિનારે નગરો, આશ્રમો વસ્યાં હશે. વેપારીઓના કોલાહલ અને ઋષિઓના મંત્રગુંજારથી આ આખોયે પ્રદેશ જાગતો હશે. આજે એમાંનું કશું નહોતું. ધરતીના પેટાળમાંથી ઊભી થયેલી ઊથલપાથલે નદીની ધોરી નસ કાપી નાખી હતી. તેના કટકાઓ થઈ પડ્યા હતા. એ સાથે પુરાતન સંસ્કૃતિના વેરણછેરણ ટુકડાઓ જીવવા તરફડિયાં મારતા હતા. બળરામે તેના પર અમૃતજળ છાંટવા માંડ્યું. મંકણક મુનિનું સપ્ત સારસ્વત તીર્થ, અરુંધતીનું બદરપાચન તીર્થ, મહામુનિ ગર્ગનું તીર્થ, ગર્ગસ્રોત - આવાં ઘણાં તીર્થસ્થળોએ બળરામે ડેરાતંબૂ નાખ્યા. વેદપાઠી બ્રાહ્મણો, નિર્ગ્રંથ શ્રમણો, અતિવર્ણાશ્રમી તાપસોને એકઠા કર્યા, જાણે સરસ્વતીનો સમયાગ ફરી શરૂ થયો. બળરામે ઠેર ઠેર એક જ વાત કહી : “મુનિજનો, સરસ્વતીને આપણા પૂર્વજો મહાર્ણવ કહેતા. એ હતો મીઠો મહેરામણ. હવે તો એ મીઠા જળના વિશાળ પ્રવાહને આપણે વહાવી શકીએ તેમ નથી, પણ આપણે માટે સરસ્વતી કાંઈ પાર્થિવ જળના પ્રવાહમાં થોડી સમાઈ ગઈ છે? સરસ્વતીનો પ્રવાહ આપણી આંતરિક ભૂમિ પર પણ વહે છે અને આપણે તેને લુપ્ત નહીં થવા દઈએ. આ જે વચ્ચે વચ્ચે સજળ પ્રદેશો રહ્યા છે, જે લીલી ઘટાઓ બચી છે ત્યાં આસન જમાવી આપણે સમગ્ર પ્રદેશને સરસ્વતીના વીણાઝંકારથી છલકાવી દઈએ. આવો, મિત્રો, આવો! આ મહાકાર્યમાં આપણે જોડાશું તો વિલુપ્ત સરસ્વતીનો ઘુઘવાટ આપણે સાંભળી શકીશું.” બળરામના આમંત્રણે એક માનવપ્રવાહ ખળભળી ઊઠ્યો. અહીં વસતા વેદજ્ઞોને બળરામે દાનદક્ષિણા આપ્યાં. ગ્રામીણોને ખેતી અને ગ્રામઉદ્યોગનાં ઓજારો આપ્યાં. ગોચરો ને બીડમાં ફરતા પશુપાલકોને બોલાવી ટાઢતડકા સામે રક્ષણ આપતી સામગ્રી આપી. કૃષ્ણના કોશાધ્યક્ષને લાગ્યું કે ખજાનાનું તળિયું જ તૂટવા માંડ્યું છે. રેવતીનું સ્ત્રીધન સરસ્વતીના પ્રવાહની જેમ લુપ્ત થવા માંડ્યું. પણ સહુથી મહત્ત્વના કાર્યની પૂર્તિ માટે ધન અને માનવશ્રમની જરૂર મરુભૂમિમાં ઊભી થઈ. બળરામને અચાનક એક દિશા મળી ગઈ અને મરુભૂમિમાં ઊભા ઊભા તે નંદનવનનાં સ્વપ્ન સેવવા લાગ્યા. મરુભૂમિમાં એક વેળા યાત્રીઓ માર્ગ ભૂલી ગયા. અફાટ વેરાન વધુ ને વધુ વિકરાળ બનવા માંડ્યું. સૂરજનાં કિરણો ભાલાની જેમ ભોકાતાં હતાં. રણરેતી આંખમાં ઊડીને આંધળાભીંત બનાવતી હતી અને સામેથી ફૂંકાતો પવન આ કાફલાને તિતરબિતર કરી દેવા જોર અજમાવતો હતો. ક્યાંક આશ્રયસ્થાન ન મળ્યું તો હવે શ્વેત હાડકાંનો ઢગલો બની રહેવાનું હતું. ભોમિયાઓ, રક્ષકો અને યાત્રીઓની હિંમત તૂટવા લાગી. બળરામે યાત્રા થંભાવી દીધી. ખોરાક અને પાણીનો કેટલો ભંડાર છે તેની તપાસ કરી. દરેકને માટે રોજનો ભાગ નક્કી કર્યો. આવતી વિપત્તિનો સામનો કરવા સહુને ભેટ બંધાવી. અને સામે દેખાતાં લલચામણાં ઝાંઝવાંને કેમ પાર કરવાં તેનો તે વિચાર કરવા લાગ્યા. બળરામનું અંતર વલોવાઈ જવા લાગ્યું. પોતે ક્યાંક ગંભીર ભૂલ તો નહોતી કરી? કૃષ્ણથી કાંઈક જુદું જ કરી બતાવવાના લોભે પોતાના સાથીઓને તે નરકની જ્વાળામાં હોમી નહોતા દેતા? આ કુરુક્ષેત્ર નહોતું ખડક્યું પોતે? પણ આમાં તો નિર્દોષોની હત્યા હતી. કોને પાપે? આ વૃદ્ધ, અપંગ, અસહાયને સાથે લીધા, આટલા મોટા સમુદાયને ભેળો કર્યો - એ ન કર્યું હોત તો ન ચાલત? પોતાની ઉદારતા આ બધાનો ભોગ લેતી હતી કે પોતાનો અતિ આત્મવિશ્વાસ? દુર્યોધનની જાંઘ ઠોકીને વાત કરવાની ટેવ યાદ આવી ગઈ. બળરામ થથરી ઊઠ્યા. રણનું વાતાવરણ આગ ઓકતા તક્ષકની જેમ ભરડો લઈ રહ્યું હતું. બળરામે પાછળ ફરી જોયું. એક મૂંગા રુદનની જેમ કાફલો થંભી ગયો હતો. તંબૂઓ, રાવટીઓ, માફાઓ નીચે પશુઓ ને મનુષ્યો રક્ષણ શોધતાં હતાં. ઉદ્ધવ સહુમાં ઉત્સાહ સીંચતા હતા, જ્ઞાનની વાતો કરતા અહીંતહીં ફરતા હતા. અક્રૂરના કંઠેથી ભક્તિનાં સ્તોત્રો ઝરતાં હતાં. ક્યાંક વેદમંત્રો ગુંજતા હતા. ક્યાંક જુદા જુદા દેવોની ધૂન બોલાતી હતી. પણ અત્યારે એ કેટલાંક કામ લાગશે? બળરામે સામેની ક્ષિતિજ પર નજર નાખી. ભીષણકાય પિશાચની મંડળી ચકર ચકર ઊંચે ચડતી હતી. રણના કુટિલ વાયરાઓ ખડખડ ખડખડ હસતા તેમને આ નિરાધાર કાફલો બતાવતા હતા. આવો, આવો, આ રહ્યો તમારો ઊના ઊના રગતનો ભોગ. નાચો, છૂંદો, કચડો, પીંખો, દાળોવાટો કરી કોળિયા ભરો આ માંસલોચાના. પછી તમારી સંગાથે હાહાહીહી કરતાં આ કંકાલો નાચી ઊઠશે. દૂર આકાશમાં ભૂરી ભૂરી કાળઝાળ જટાઓ ધૂણવા લાગી. બળરામને કોઈએ મૂઠ મારી હોય એમ તેમની નજર ક્ષિતિજ પર ખોડાઈ ગઈ. અચાનક તમાચા ખાતા લાલચોળ ગાલને શીતળ લહરી સ્પર્શી ગઈ. રેવતી જ હોય. બીજું કોણ? બોલી : “રામ, તમને એમ કે આપણે પુણ્યને પંથે ચડ્યાં એટલે પડકાર આવે જ નહીં, કાં? હવે શું કરશો?” બળરામને કશું ન સૂઝ્યું. રેવતીએ થોડી રાહ જોઈ કહ્યું : “ગમે તેવો બળવાન શત્રુ હોત, તમે ગદા લઈ ધસી જાત. પણ આ તો કુદરતનો કોપ; શું કરશો, રામ?” રેવતીનો સ્વર મજાકમાં હસુંહસું થઈ રહ્યો હતો. પછી જરા ગંભીરતા ધારણ કરી કહ્યું : “રામ, જ્યાં હાથ ઉગામી ન શકાય ત્યાં હાથ જોડતાં આવડે? કાળઝાળ રેતવંટોળને કહી શકો કે આવો બંધુ, તમારી સાથે હું હસતે મુખે ચાલી નીકળીશ. ફક્ત ધ્યાન રાખજો આ દુર્બળોનું, અપંગોનું, અસહાય વૃદ્ધોનું-?" બળરામને વાચા આવી : “એવું બને, રેવતી! એવું બની શકે?” રેવતીએ કહ્યું : “હા બની શકે. અને તમે તૈયાર થાઓ તો એ પહેલાં પણ ઘણું બની શકે.” પોતાના પ્રાણને ભોગે પણ કોઈ બચી જતું હોય તો તો બળરામને મન એ અપૂર્વ ઉત્સવ. રેવતીના વચનમાં વિશ્વાસ મૂકવા ન મૂકવાની વાત નહોતી. એ વચનને જાતે પારખી લેવાની ઘડી પાસે જ હતી. આ વિષમ પરિસ્થિતિમાં પણ બળરામને હસવું આવી ગયું. રેવતી કેવી વિચિત્ર વાત કરતી હતી કે આ સૃષ્ટિમાં કશું વિચિત્ર નહોતું! પણ પેલા અમાનુષી બંધુ સાથે બળરામ વાર્તાલાપ કરે તે પહેલાં એક અણધારી ઘટના બની. બળરામ આશ્ચર્યચકિત નેત્રે જોઈ રહ્યા. એક ઊંચો, પડછંદ અને અઘોરી આદમી. જાણે રણરેતીનો થાંભલો દેહ ધરીને ચાલ્યો આવતો હતો. માથા પર સાપના ફીંડલા જેવી જટા, શરીર પર એકમાત્ર લાંબો આલખલો. કમરે ચારપાંચ આંટા લઈ કસીને બાંધેલું ઊનનું દોરડું, ખભે ઝોળી, એક હાથમાં તુંબીપાત્ર અને બીજામાં લાંબો ચીપિયો. એ આદમી મોટી મોટી ડાંફો ભરતો આવતો હતો. માથે સળગતો સૂરજ તેને મન કાંઈ વિસાતમાં નહોતો. નજીક આવી બળરામ સામે જોઈ તેણે બૂમ મારી : “ઓ બળભદ્ર! ઓળખાણ પડે છે કે?” બળરામ ઓળખી ન શક્યા. અટકળ કરવા લાગ્યા. એ અટકળની દોરી અધવચ્ચે જ કાપી નાખી આગંતુકે કહ્યું : “હું ઉત્તંક. તમને એક વાર હું મળ્યો છું. ઋષિમંડળી જ્યારે પ્રભાસક્ષેત્રમાં તમારી ખેતી જોવા આવેલી ત્યારે હું સાથે હતો.” અરે, આ તો મુનિ ઉત્તંક. બળરામને યાદ આવ્યું. મરુભૂમિના પર્યટક મુનિ. તેમની ગુરુભક્તિ જાણીતી હતી. ગુરુપત્નીની ઇચ્છા પૂરી કરવા માટે તે રાક્ષસ અને નરભક્ષક બનેલા રાજા સૌદાસને ત્યાં જઈ મણિમય કુંડલ લાવ્યા હતા. નાગ લોકોમાં પણ મુનિનો ભારે પ્રભાવ હતો. આ મુનિ અત્યારે અહીં ક્યાંથી? બરાબર સમયસર જ આવી પહોંચ્યા હતા. ઉત્તુંકે કહ્યું : “તમે અહીં થોભી ગયા તે સારું કર્યું. નહીં તો પેલું સામેનું મેદાન જોયું? પોલાણવાળી રેતીનું એ બનેલું છે. એક વાર તેના પર પગ મૂકનાર બહાર નીકળી શકતો નથી. તમારો કાફલો જીવતી સમાધિ લેતાં બચી ગયો." બળરામ અને પાસે ઊભેલા યાત્રીઓ એ મેદાન તરફ જોવા લાગ્યા. શાંતિની ચાદર પથરાઈને પડી હતી, પણ તેની અંદર કેવી ખતરનાક છલના હતી! કોઈએ પૂછ્યું : “મુનિ, એ કાંઈ કળણ નથી લાગતું. છતાં માણસ એમાં ગરક થઈ જાય?" “ખાતરી કરવી હોય તો કરી આવો. પણ પાછા આવશો શી રીતે?” મુનિએ સુક્કોભઠ્ઠ જવાબ આપ્યો. પછી સમજ પાડતાં કહ્યું : “મારી તો આ ભૂમિ રજેરજ માપેલી છે. એ મેદાન ઝીણી ગોળ રેતીનું બનેલું છે. ઉપરથી ભીનાશ ઊડી ગઈ છે. પણ છે એ સુક્કું કળણ. નીચેના થરમાં ત્યાં ચોક્કસ પાણી હોવું જોઈએ. પોલાણમાં માનવી ઊતરતો જાય એમ ચારે તરફથી સરતી રેતી તેના પર ફરી વળે; અને બચવાનાં તરફડિયાં મારે તો વહેલો ગાયબ થઈ જાય.” પછી વળી ધારદાર આંખો માંડી પૂછ્યું : “ખાતરી કરવી છે? જરા જોઈ લો, મન હોય તો.” મુનિની લૂખી નજર પાછળ ઊંડે ઊંડે ભીનાશ તરતી હતી. વળી કહ્યું : “ભૈયા, હું ન આવ્યો હોત તો તમારી એ જ વલે થાત. તપસ્વી મૈત્રેયે મને તમારી વાત નાગધન્વા ક્ષેત્રમાં કરી હતી. ત્યાંથી તમારી ભાળ કાઢતો કાઢતો હું અહીં આવી પહોંચ્યો.” બળરામે મુનિ ઉત્તંકનો આભાર માની કહ્યું : “મુનિ, હવે સંઘને રણની પાર ઉતારવાનો ભાર તમારા પર. અમને વિનશન તીર્થ સુધી લઈ જાઓ.” “બળભદ્ર, આ પ્રદેશના આભીર લોકો મારા યજમાનો છે. આભીર રાજા મિહિરનો કિલ્લો અહીંથી બે યોજન દૂર છે. તેનું આતિથ્ય સ્વીકાર્યા વિના તમે નહીં જઈ શકો.” મુનિ ઉત્તંકની વાતમાં ‘આમ થાય ને આમ ન થાય’નું ઢોલક નહોતું વાગતું. તેમના લોખંડી પગ સીધી દિશામાં ચાલવા ટેવાયેલા હતા. મુનિએ ફરી કહ્યું : “પણ મિહિરના કિલ્લામાં પહોંચતાં પહેલાં આશ્રયસ્થાન શોધવું પડશે. તમે બધા થાકી ગયા છો ને તોફાન ગાજતું આવે છે. મારી પાછળ પાછળ બધા ચાલ્યા આવો.” ઉત્તકે સહજપણે આગેવાની લઈ લીધી. યાત્રીઓના હૃદયમાં આશા ઊગી, ઉત્સાહ ફેલાયો, પગમાં નવું જોર આવ્યું અને તેમણે એક બીજું અચરજ જોયું. દાંત ભીંસીને દોડ્યા આવતા તોફાની વાયરાએ દિશા બદલી, અંધાધૂંધ રેતીના ડમ્મર દૂરથી સલામ કરતા આથમણે વળી ગયા. ઉત્તંકની પાછળ ચાલતાં થોડે દૂર સૂકી નદીનો પટ આવ્યો. પ્રાચીન લીલપને પ્રાણપણે વળગી રહેનારી થુવેરની ઝાડી નજરે પડી. ઊંચી ઊંચી ભેખડો ભગ્ન હવેલીઓની જેમ આદરસત્કાર માટે ઊભી હતી. આ જળપ્રવાહની જાહોજલાલી ચાલી ગઈ હતી પણ અસલી ખાનદાની નહોતી ખૂટી. યાત્રીઓને હૈયે હાશ વળી, પહેલાં તો પશુઓને છાંયે બાંધી નીરણખાણ ધર્યું. વૃદ્ધો અને અપંગોને સારી જગ્યા શોધી, સાફ કરી બેસાડ્યા. પછી ભાતાં છૂટ્યાં, પાણીનાં માટલાં મોકળાં થયાં. યાત્રીઓ ખાઈપી વાતે વળગ્યા, આરામ્યા અને સૂરજ નમવાની રાહ જોતા બેઠા. રેગિસ્તાનના રઝળુ ઊંટટોળાની જેમ વંટોળિયા દૂર દૂર સરી ગયા. સૂર્યનું લાલચટક બિંબ રણના સપાટ ભાલ પર સિંદૂરવર્ણી આડ કરતું ઝૂકી રહ્યું. ઉત્તંકે હાથ જોડી સ્તુતિ કરી : ‘સ્વસ્તિ: ન: પૂષા વિશ્વવેદા: – સંપૂર્ણ વિશ્વના જ્ઞાતા અને પોષક સૂર્યનારાયણ અમારું કલ્યાણ કરો!” બળરામે પણ મનોમન વંદના કરી. થયું, અહીં અંધ પ્રકૃતિનું અને અકસ્માતોનું રાજ્ય નથી. ક્યાંક જીવનને ઉજાળતો પ્રકાશ છે, જીવનને પોષતું અભયવચન છે. રાતદિવસ વેરાનમાં રખડતા આ મુનિ તેનું દર્શન કરતા હશે. રેવતી એની જ ઝાંખી કરાવી ગઈ.