માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૨૨
વેદવ્યાસનો ખંડ માણસોથી ભરાઈ ગયો હતો. પરસાળમાં અને ચોગાનમાં પણ માણસો માતા નહોતા. વેદવ્યાસ સાથે શાસ્ત્રચર્ચા કરવા માટે બક દાલ્ભ્ય, વિદગ્ધ માહેન્દ્રી અને ચંડકૌશિક આવ્યા હતા. તેમની સાથે માત્ર શિષ્યો જ નહોતા, અંગરક્ષકો પણ હતા. પહેલવાની બાંધાના આ સેવકો જોતાં જ ભય પમાડે એવા હતા. વ્યાસની આસપાસ કોઈ અંગરક્ષક નહોતો. તેમના શિષ્યોમાં ઋગ્વેદના જ્ઞાતા પૈલ, યજુર્વેદમાં કુશળ વૈશંપાયન, અથર્વવેદ અને આંગિરસ મંત્રોમાં પ્રવીણ સુમંતુ અને ઇતિહાસ-પુરાણોના વિશેષજ્ઞ રોમહર્ષણ બેઠા હતા. જૈમિનીની ગેરહાજરી તીવ્રપણે ખટકતી હતી. ચંડકૌશિકે તેનું અપહરણ કરાવી તેને ગુમ કરી દીધા છે એવી શંકા હતી. વ્યાસના શિષ્યો એનો જવાબ માગવા અને જરૂર પડે તો જંગ મચાવવા તલસી રહ્યા હતા. પણ વ્યાસે તેમને વારી રાખ્યા હતા. આ મહા મુનિઓને સમજાવવામાં તે થાક્યા નહોતા. બક દાલ્ભ્ય મહાયાજ્ઞિક તરીકે પ્રસિદ્ધ હતો. પણ તેથી વધુ તે રાજાઓ પાસેથી દક્ષિણા પડાવવામાં હોશિયાર ગણાતો. જે રાજાઓ મનમાગી દક્ષિણાઓ ન આપે તેને બદનામ કરવાની તેની પાસે આગવી રીતો હતી. એક વાર ધૃતરાષ્ટ્રે તેને ખાલી હાથે કાઢી મૂક્યો હતો ત્યારે અવાકીર્ણ તીર્થમાં જઈ તેણે ધૃતરાષ્ટ્રને નામે મૃત પશુઓને યજ્ઞમાં હોમવા માંડ્યાં હતાં. રાજ્યસભાઓમાં ધૃતરાષ્ટ્રની હાંસી થવા લાગી. શરમના માર્યા તેણે હાથ જોડી બક દાલ્ભ્યને પુષ્કળ દક્ષિણા આપી શાંત કર્યો હતો. બક ધીમા, સ્પષ્ટ, મક્કમ અવાજે વાત કરતો. પણ તેનાં વાક્યો દ્વિઅર્થી રહેતાં અને સમજે તેને ધારદાર કટાક્ષથી વીંધી નાખતાં. વિદગ્ધ માહેન્દ્રી પ્રાચીન કથાઓનો મોટો જાણકાર ગણાતો. અનેક સ્થળે તે ઇન્દ્રધ્વજ રોપાવી ઈન્દ્રનો મહોત્સવ ઊજવતો હતો. લોકોમાં તેથી તેનું નામ માહેન્દ્રી પડી ગયું હતું. તેની પાસે જાદુભરી વાણી હતી અને લોકોને તે જીભને ટેરવે નચાવતો. અંગત વાતચીત કરતી વેળા પણ તેની વાણીમાં ભાષણની છટા આવી જતી. વાતના વિષય મુજબ તેની વાણી સૂર બદલાવતી. એક ક્ષણે ગળગળા થઈ જઈ બીજી જ ક્ષણે સિંહગર્જના કરતાં તેને કોઈ વિવેક અટકાવી નહોતો શકતો. કૃષ્ણનો તે હાડોહાડ વિરોધી હતો. ગોકુળમાં કૃષ્ણે ઇન્દ્રપૂજા થતી અટકાવી ત્યારથી તેનો રોષ ભભૂકતો હતો. પણ કૃષ્ણના ભુજબળ પાસે પોતાની વાક્શક્તિ કામમાં આવે એવી નહોતી તે એ બરાબર જાણતો હતો. એટલે ક્યાંકે અપ્રત્યક્ષ સામનો કરવાને બદલે તે પરોક્ષ નિંદા કરી સંતોષ માનતો. ચંડકૌશિક તો તેના નામ પ્રમાણે ધગધગતો ગોળો હતો. મગધનો તે રાજપુરોહિત હતો. જરાસંધે ‘પુરુષવજ’ નામના બંદીખાનામાં જે રાજાઓને પૂર્યા હતા તેનો નરમેધ યજ્ઞ કરવાની તેની મહેચ્છા મનમાં જ રહી ગઈ હતી. કૃષ્ણે ભીમસેન દ્વારા જરાસંધનો વધ કરાવ્યો અને રાજાઓને મુક્ત કર્યા એ તેના જીવનની કારમી હતાશા હતી. પણ જરાસંધનો પુત્ર સહદેવ મગધની ગાદીએ આવ્યો ને તેને રાજપુરોહિત તરીકે ચાલુ રાખ્યો ત્યારે એ ફરીથી મહાયજ્ઞોનાં સ્વપ્નાં સેવવા લાગ્યો હતો; વ્યાસને તે પોતાના ઘોર શત્રુ માનતો હતો, અને તેમને તુચ્છકારવાની કોઈ પળ જતી નહોતો કરતો. વ્યાસની માનવતાને તે નામર્દાઈ ગણતો. વ્યાસની ઉદારતાને તે વેવલાઈમાં ખપાવતો. વ્યાસની તત્ત્વદૃષ્ટિને તે હવાઈ તરંગો ગણી હસી કાઢતો. જ્યાં કોઈ તર્કશુદ્ધ દલીલ કામ ન લાગે ત્યાં તે હીણા આક્ષેપોનો છૂટથી ઉપયોગ કરી શકતો. વેદવ્યાસ સાથે શાસ્ત્રચર્ચા કરવાને નિમિત્તે આ ત્રણે મહાનુભાવો પધાર્યા હતા, પણ તેમનો ઉદ્દેશ તો વ્યાસને નમાવવાનો હતો, વ્યાસને ફરી યજ્ઞના પુરસ્કર્તા રૂપે પાછા વાળવાનો હતો. તેમાં ક્રોધ અને કાકલૂદી, લાલચ અને ધમકીનો મસાલો તેઓ વાતમાં ને વાતમાં ભેળવતા હતા. જૈમિનીને શોધી લાવવાનું વચન પણ તેઓ આપી ચૂક્યા હતા. પણ વ્યાસે થોડા શબ્દોમાં તેમને ચુપ કરી દીધા હતા : “તમે જૈમિનીની ચિંતા કરવી રહેવા દો, મુનિજનો! જૈમિનીનું કોઈ કાંઈ બગાડી શકે એમ નથી. તેના કંઠને કોઈ પણ રૂંધી શકે એમ નથી. તમે થોડા દિવસોમાં જ જોશો કે એક જૈમિનીને બદલે હજાર હજાર જૈમિની માધવનું ગાન ગાતા નીકળી પડ્યા છે ને તેને કોઈ રોકી નહીં શકે. જૈમિનીને માન સહિત પાછા મોકલવામાં તમારું માન છે. જૈમિનીને કાંઈ થયું છે તો સમજી લેજો કે તમારા દિવસો ભરાઈ ગયા છે.” બળરામે આ જ પળે ખંડમાં પ્રવેશ કર્યો. તેમને જોઈ બક, વિદગ્ધ અને ચંડકૌશિક પહેલાં તો ડઘાઈ ગયા, પણ સ્વસ્થતા ધારણ કરી તેમણે બળરામને આવકાર આપ્યો. વ્યાસે તેમને પોતાની બાજુના આસન પર બેસાડ્યા. યજ્ઞભાવના વિષે પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવતાં વ્યાસ કહેવા લાગ્યા : “મહાનુભાવો, યજ્ઞનો હું વિરોધી નથી. યજ્ઞનો હું વિસ્તાર ઇચ્છું છું. માત્ર અગ્નિહોત્રમાં જ આપણો યજ્ઞ સમાયેલો નથી. આપણો તો બ્રહ્મયજ્ઞ છે. આપણે પહેલાં નરમેધ યજ્ઞો કરતા. એને સ્થાને નૃયજ્ઞ કરીએ. અતિથિની સેવામાં એ યજ્ઞ રહ્યો છે. આપણે ગોમેધ યજ્ઞ કરતા, પશુબલિને યજ્ઞમાં પ્રાધાન્ય આપતા. એને સ્થાને ભૂતયજ્ઞ કરીએ. સર્વ પશુઓને ચારો નાખી જિવાડીએ તે ભૂતયજ્ઞ. આપણા પૂર્વજોને આપણે કદી ન ભૂલીએ. તેમને કૃતજ્ઞતાની, ઋણની અંજલિ આપતા રહીએ એ થયો પિતૃયજ્ઞ. આવી યજ્ઞભાવના એ જ યજ્ઞનો પ્રાણ છે. કર્મકાંડનાં જાળાંઓમાં યજ્ઞ-નારાયણ બંદી બની ગયા છે, તેને મુક્ત કરીશું તો જ આપણે મુક્ત થઈશું. આ બ્રહ્મયજ્ઞ, નૃયજ્ઞ, ભૂતયજ્ઞ અને પિતૃયજ્ઞને આપણે મહાયજ્ઞ તરીકે આપણા જીવનમાં જોડી દઈએ અને ભારતવર્ષની સંસ્કૃતિની સીમા સાથે તેને વિસ્તારતા રહીએ. આ નૈમિષારણ્યની અંતર્વેદિમાંથી ફરી યજ્ઞના પ્રાણપુરુષ પ્રગટે એ માટે આપ સહુની હું સહાય માગું છું.” "વ્યાસદેવ”, બક દાલ્ભ્યે હોઠ પર જીભ ફેરવી કહ્યું : “આપની યજ્ઞભાવના ઉત્તમ છે, પણ આપ તો જાણો જ છો કે હવ્યવાહન અગ્નિ દેવતાઓના યજ્ઞભાગને વહન કરે છે. યજ્ઞકુંડમાંથી અગ્નિની જિહ્વાઓ જેમ ઊંચે ચડશે તેમ દેવતાઓ પ્રસન્ન થશે. દેવોને યજ્ઞભાગ નહીં મળે તો આપની ભૂતદયા કાંઈ કામ આવવાની નથી. યજ્ઞ વિના ભૂતસમુદાય નાશ પામશે તો યજ્ઞો ચલાવશે કોણ? મહાગુરુ, આપ ભૂલી જાઓ છો કે યજ્ઞો ભૂતો માટે નથી, ભૂતો યજ્ઞો માટે છે. આ મૂળ સત્ય આપ જેવા સમર્થ જ્ઞાની કેમ ભૂલી જાય છે?” વિદગ્ધ માહેન્દ્રીને થયું કે બકનું વ્યાખ્યાન લાંબું ચાલશે, અને તેના વ્યાખ્યાનમાં ઇન્દ્રનું તો નામ નથી. તે અધીર થઈ વચ્ચે પુકારી ઊઠ્યો : “અને વ્યાસમુનિ, દેવરાજ ઇન્દ્રને તો આપના યજ્ઞોમાં કેમ ક્યાંયે સ્થાન જ નથી? આપ ઈન્દ્ર કરતાં ઉપેન્દ્રને વધુ મહત્ત્વ આપવા માંડ્યા છો, એ અમારા ધ્યાન બહાર નથી. ઉપેન્દ્ર તો વિષ્ણુ રૂપે ઈન્દ્ર કરતાં પણ ઉચ્ચ પદ પામતા જાય છે ને શું? આપના શિષ્યો વામન-અવતારની ગાથા સુણાવવા લાગ્યા છે. વૈદિક ત્રિવિક્રમ ઉપેન્દ્રને ભલે ત્રણ પગલાંથી સ્વર્ગ, મૃત્યુ, પાતાળને માપતા બતાવો, પણ કૃપા કરી તેને વામન રૂપે માનવ બનાવવાનું રહેવા દો. આર્યધર્મનો આ દ્રોહ છે. દેવત્વથી પ્રકાશમાન ઉપેન્દ્ર હાડમાંસનું શરીર ધારણ કરી એક સ્ત્રીને પેટે ઊતરી આવે?” વિદગ્ધને લાગ્યું કે પોતાનો અવાજ કદાચ ફાટી જશે, એટલે ધીમા પડી વિનતિ કરતાં કહ્યું : “ભગવન્, આપ તો વેદના જ્ઞાતા છો, વેદવિદ્ છો. આપને કાંઈ કહેવાને હું યોગ્ય નથી. આપ પ્રાચીન ધર્મને તેના ગૌરવથી નીચે ન પાડો એવી યાચના કરવા હું તો આવ્યો છું.” વિદગ્ધે વાત કરતાં કરતાં એક ડૂસકું ભર્યું. તેની આ નરમાશ જોઈ ચંડકૌશિકનો પિત્તો ગયો. તે બરાડી ઊઠ્યો : “માહેન્દ્રી, આમ રોવા બેસવાનો આ સમય નથી.” પછી વેદવ્યાસ સામે ડોળા ઘૂરકાવી કહ્યું : “તમે – તમે જ આર્યત્વને રસાતાળ લઈ જવા બેઠા છો, દ્વૈપાયન! તમે પુરુષ સૂક્તનો ફરીથી અભ્યાસ કરો. તે પુરાણ પુરુષને હોમીને જ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘યત્ પુરુષેણ લહવિષા દેવા યજ્ઞમ્ અતન્વત’ - એ પુરુષને હવિ બનાવીને જ દેવોએ યજ્ઞનો પ્રારંભ કર્યો. હવે આ વેદમંત્રને જ તમે વેદબાહ્ય ગણવાની ધૃષ્ટતા કરશો? તમારી ભીરુતાથી નરમેધ ન થવો જોઈએ એવો ચિત્કાર કરશો? સાચો આર્યપુરુષ તો આશિષ્ઠ, દૃઢિષ્ટ, બલિષ્ઠ - આશાવાન, દૃઢ નિશ્ચયવાન, બળવાન હોય. તે માંદલી વાતો ન કરે. એ તો વીર હોય-‘ “ચંડકૌશિકની વાત સાચી છે,” બળરામે વચ્ચે કહ્યું. વેદવ્યાસ ચકિત થઈ ગયા. ચંડકૌશિકના ચહેરા પર અકલ્પિત આનંદ તરવરી ઊઠ્યો. તેના શિષ્યો ખુશખુશાલ થઈ ગયા. સહુ બળરામ હવે શું કહે છે તે સાંભળવા ઉત્સુક બની ગયા. બળરામ જેવો વીર આર્યત્વના આ યજ્ઞને બિરદાવી શકે એવા મનોભાવ ઘણાના ચહેરા પર વાંચી શકાતા હતા. બળરામે ચંડકૌશિકને સંબોધતાં કહ્યું : "કૌશિક, તમારી વાત સાથે હું સંમત છું. યજ્ઞનો ઉદ્ભવ પુરુષમેધથી જ થયો હતો અને નરમેધ થવો જોઈએ. પણ એ માટે સામાન્ય નર ન ચાલે. બત્રીસલક્ષણા નરને શોધી કાઢવો જોઈએ. અને અત્યારે તો એ મુશ્કેલી નડે તેમ નથી. તમારામાં બત્રીસે લક્ષણ દેખાઈ આવે છે. નરમેધનો પ્રારંભ તમારાથી જ કરી દઈએ.” ચંડકૌશિક પળવાર ઝાંખોઝપટ થઈ ગયો. તેના શિષ્યો મોં વકાસી રહ્યા. વ્યાસના શિષ્યોમાં હાસ્ય છવાઈ ગયું. પણ વ્યાસે સહુને શાંત પાડતાં કહ્યું : “રામ, એક તાત્ત્વિક પ્રશ્નને આપણે અંગત પ્રહારમાં ન લઈ જઈએ. યજ્ઞને નામે થતી મનુષ્યની હત્યા એટલી ઘૃણાસ્પદ છે કે આવી વાતનું સમર્થન સાંભળતાં જ ક્રોધ ચડે એ સ્વાભાવિક છે. પણ સંયમ રાખો, રામ! મારા મિત્રોને હું સત્ય સમજાવી શકીશ એવો મને વિશ્વાસ છે.” બળરામના ક્રોધથી જરાયે ડર્યા વિના ચંડકૌશિક ગરજી ઊઠ્યો : “જુઓ પારાશર્ય, તમને આ યુગના વેદવ્યાસ તરીકે અમે સ્થાપ્યા. પણ એ વેદધર્મનો તમારે હાથે જ ધ્વંસ થતો હોય ત્યારે અમે મૂંગા બેસી ન શકીએ. એક વામન બ્રાહ્મણને ઉપેન્દ્ર બનાવવાથી તમે અટક્યા નથી. આ બળરામની હાજરીમાં જ કહું છું કે તમે કૃષ્ણને ચડાવવામાં બાકી રાખી નથી. તમે તેને વિષ્ણુનો પૂર્ણ અવતાર કહો છો. આ સાચું? એક ગોવાળિયાને–” ચંડકૌશિક વાક્ય પૂરું કરે તે પહેલાં તેનો એક ઉદ્દંડ શિષ્ય બોલી ઊઠ્યો : “એક માછણના છોકરાને વળી બીજો કયો દેવ જડે?” આવો હીન ઉદ્ગાર સાંભળી સહુ ખળભળી ઊઠ્યા. વેદવ્યાસના શિષ્યો ઊભા થઈ ગયા. કોલાહલ મચી ગયો. આશ્રમમાં હથિયાર લઈ ફરવાનું અનુચિત ગણાતું એટલે બળરામ પાસે નિત્યની સંગાથી ગદા નહોતી, પણ પેલા હલકટ શિષ્યનું ગળું દબાવી દેવા તે ધસી ગયા. પણ વ્યાસ આડે ફર્યા. બંને હાથ ઊંચા કરી સહુને શાંત પાડ્યા. કહ્યું : “બેટા, એક માછણના છોકરા હોવાનું મને ગૌરવ છે અને એક ગોવાળમાં હું ભગવાન જોઈ શક્યો હોઈશ તો એ માતાએ આપેલી નિર્મળ આંખોને કારણે.” વિદગ્ધ માહેન્દ્રીને પોતાનું ઇતિહાસનું જ્ઞાન બતાવવાનો મોકો મળી ગયો. તેણે કહ્યું : “વ્યાસદેવ, આપની પહેલાં મહર્ષિ વાલ્મીકિએ મનુષ્યમાં દેવત્વ નિહાળી તેની ગાથા ગાઈ છે, પણ દાશરથિ રામમાં તેમણે આર્યત્વના સર્વ ગુણો દર્શાવ્યા છે. કૃષ્ણ વાસુદેવના ચરિત્રમાં અમને એથી ઘણું ઊલટું દેખાતું હોય તો ક્ષમા કરશો. આપે ગાયેલી યશોગાથામાં આર્ય સંસ્કારનો છાંટો નથી. આર્ય સંતાનોને તે વિમાર્ગે દોરી જાય તેમ છે. આર્યત્વને માટે તે કાળું કલંક છે. આપે કૃપા કરી તેનો પ્રચાર બંધ કરવો જોઈએ.” બક દાલ્ભ્યે કટાક્ષનો મમરો મૂક્યો : “મહર્ષિ વાલ્મીકિ ભીલ જાતિના ભૂષણ હતા એમ જાણવામાં છે.” ધીમે ધીમે ચર્ચાનું સ્વરૂપ વિતંડા, આક્ષેપ અને ગર્ભિત ધમકીમાં ફેરવાતું ગયું. બળરામને લાગ્યું કે વ્યાસની સમતા અને સલામતીની સામેવાળાને જરાયે કિંમત નથી. આ તો રેતીમાં ઘી રેડવા જેવું થાય છે. બળરામે ઊભા થઈ કહ્યું : “આચાર્યો, મને શાસ્ત્રોમાં ઝાઝી ગતાગમ નથી, પણ તમારી ચર્ચાનો અહીં કાંઈ નિવેડો આવે એમ મને લાગતું નથી, તેથી કહું છું. વ્યાસદેવની વાત તમને માન્ય ન હોય તો તમે તેનો છૂટથી વિરોધ કરજો. તમારી વાત લોકોને ગળે ઉતારવા માટે છડેચોક પ્રચાર કરજો. તમને એ માટે જે કાંઈ સહાય જોઈતી હશે તે હું આપીશ. બોલો, કબૂલ?” બળરામ જેવા સમર્થ પાસેથી આમ સામે ચાલીને મળતી સહાય લેવાનું કોણ ચૂકે? બળરામના મનમાં સ્ફુરેલા આ નવા ફણગાથી વેદવ્યાસના હોઠ પર સ્મિત ફરક્યું. તેમના શિષ્યોને અણગમો આવ્યો. વિરોધીઓએ બળરામની દરખાસ્ત સ્વીકારી લીધી. બળરામે પોતાની વાત પૂરી કરતાં કહ્યું : “તમે મારી વાત સ્વીકારી તેથી આનંદ, તમારા મતના પ્રચાર માટે મારા તરફથી બધી સામગ્રી મળી રહેશે. કૃષ્ણની વિરુદ્ધ પણ તમારે જે કહેવાનું હોય તે નિર્ભયતાથી કહેજો. અહીં રહેલા સહુની સાક્ષીએ મારું આ વચન છે. આ એક વાત. પણ મારે એક બીજીયે વાત કહેવાની છે.” સહુ એક શ્વાસે કાન માંડી રહ્યા. બળરામે એ જ રીતે, નરી હકીકત ઉચ્ચારતા હોય એવા સ્વરે કહ્યું : “બીજી વાત આ. તમે બધા અહીં એકઠા થયા છો ત્યારે આચાર્ય જૈમિની હાજર નથી એ જોઈ શકો છો ને? આચાર્ય જૈમિનીનું અપહરણ કરવામાં આવ્યું છે. કોણે કર્યું એ શોધી કાઢતાં મને વાર નહીં લાગે, અને જે અપરાધી હશે તેને મારા તરફથી દંડ મળશે. મારી સહાય ઉદાર છે, તેમ દંડ પણ એટલો જ કઠોર છે તે ન ભૂલશો. આચાર્ય જૈમિનીને જેણે પકડ્યા હોય તે સાંભળી લે. આવતી કાલે સૂર્યોદય પહેલાં જૈમિની આ આશ્રમમાં આવી જવા જોઈએ. આવું પગલું ભરશે તેને હું માફ કરી શકીશ. ભગવાન વ્યાસદેવની આજ્ઞાને માથે ચડાવી હું આટલો સમય શાંત રહ્યો છું. નહીં તો જૈમિનીની માફી માગતા મહાનુભાવોને આ જ સ્થળે, આ જ પળે તમે જોઈ શકત. હવે વ્યાસદેવની આજ્ઞા પણ મારે માટે ભાર બની રહી છે. માટે જૈમિનીને સન્માન સાથે પાછા લાવતાં વાર ન લગાડશો. આટલી આજની મુખ્ય વાત. હવે કેટલીક કાયમી વાત કરી લઉં.” બળરામ થોડી ક્ષણ થોભ્યા. ચંડકૌશિક દેખીતી રીતે જ ઢીલો પડી ગયો હતો. તેના કદાવર સાથીઓ વારંવાર બારણા ભણી જોવા લાગ્યા હતા. બકના મનમાં હજી બળરામના પડકાર કરતાં તેમની ઉદારતાનું પાસું નમતું હતું, એટલે તેમને કેવી રીતે પ્રસન્ન કરી વધુ દક્ષિણા મેળવી શકાય તેની એ ગણતરી કરતો હતો. વિદગ્ધ અહીંથી હેમખેમ લઈ જવા માટે મહેન્દ્રને આર્તભાવે પ્રાર્થના કરતો હતો. બંનેને તેમના મનોરાજ્યમાંથી બહાર કાઢતાં બળરામના શબ્દો નોબતની જેમ વાગી ઊઠ્યા : “હવે કાયમ યાદ રાખવા જેવી વાત. મેં સાંભળ્યું છે કે વ્યાસદેવના શિષ્યો જ્યારે શ્લોકો ગાતા નીકળે છે, કથાકીર્તન કરે છે ત્યારે તેમના પર દંડાપ્રહાર થાય છે, તેમનું યજ્ઞોપવીત તોડી નાખવામાં આવે છે, તેમની માધુકરી ઝૂંટવી લેવામાં આવે છે. હવેથી જો આમ થયું છે તો યાદ રાખજો-” બળરામ ગદા ઉઠાવતા હોય એમ પોતાની ભુજા ઉઠાવી બોલ્યા : “વ્યાસદેવના એક પણ શિષ્યને જે હેરાન કરશે તેનું માથું સલામત નથી. મારી ગદાથી તેનું માથું ભાંગી ન નાખું તો મારું નામ બળરામ નહીં.” ચંડકૌશિક પણ બળરામનું રૌદ્ર સ્વરૂપ જોઈ ધ્રૂજી ઊઠ્યો. તેના કદાવર સેવકો પહેલી તકે બારણા ભણી નાઠા. ઓરડામાં, પરસાળમાં, ચોગાનમાં ભાગાભાગ ને ધમાલ મચી ગઈ. સભામાં ભંગાણ પડ્યું. થોડી વારમાં તો ખંડ ખાલી થઈ ગયો. બળરામ અતિથિગૃહની પરસાળમાં બેઠા હતા. સામે જ મંદાર વૃક્ષ ચમકતાં લાલ કિરમજી રંગના ફૂલોથી લચી પડ્યું હતું. ક્યાંયે પાંદડાંનું નામનિશાન નહોતું. એક જ્વાળામાં વૃક્ષ લપેટાઈ ગયું હતું, અને છતાં સોહામણું લાગતું હતું. બળરામે વૃક્ષ પરથી નજર હટાવી. વેદવ્યાસને આવતા જોયા. ઊભા થઈ આસન આપ્યું, પણ વ્યાસે ઊભા રહીને જ વાત કરી. “રામ, જે સંદેશો સાંભળવા મન આતુર હતું તે આવી ગયો. ભારત યુદ્ધ પૂરું થયું. પાંડવો વિજયી થયા. કૌરવોમાં એક દુર્યોધન બચ્યો છે ને ક્યાંક પાણીના ધરામાં આશ્રય લઈ રહ્યો છે. કૃષ્ણ સહિત પાંડવો તેની શોધમાં નીકળ્યા છે. એક છેલ્લું દ્વન્દ્વયુદ્ધ અને કૌરવ વૃક્ષ ભસ્મીભૂત થઈ જશે." બળરામે કાંઈ પૂછ્યું નહીં. અડોલ શિલા બની ઊભા રહ્યા. વ્યાસે વળી કહ્યું : “તમારે અહીંથી જવું પડશે, રામ. ત્યારે મારી એક થાપણ તમને ભળાવું છું. કોઈ લાલચને વશ થઈ વેચી ન મારે અને ભયને તાબે થઈ બાળી ન મૂકે એવા હાથમાં મારી આ મૂડી સોંપવા માગું છું. સ્વીકારશો?” “ભગવન્, તમે જે કાંઈ આપશો તે મારે માથે ચડાવીશ.” “તો લો, રામ!” એક પોથી બળરામના હાથમાં આપતાં વેદવ્યાસે કહ્યું : “આમાં વૃન્દાવન લીલાના શ્લોક છે. મારા દીર્ઘ જીવનની અસલી કમાણી. અહીં તે સલામત નથી. અહીંનું કાંઈ જ સલામત નથી. મને હતું, તમારા કાર્યમાં સહાય કરવા આખું નૈમિષારણ્ય ઊમટી પડશે. પણ અહીંયે ગૃહદાહ લાગી ગયો છે. કદાચ આપણો પ્રિય ભારત દેશ હવે કાળી રાતમાં સપડાઈ જશે. આ રાત કેટલી લાંબી ચાલશે તે કોણ કહી શકે? આ કાળી, લાંબી, હિમઠંડી રાતમાં આ શ્લોકો કોડિયાને જલતું રાખશે, તમે એને સાચવજો, રામ!” “ભગવન્, એ વિષે નચિંત રહેશો.” વેદવ્યાસે જવા માટે પગ ઉપાડ્યા. થોડે સુધી ગયા. પણ કાંઈક યાદ આવ્યું હોય એમ પાછા ફરી બોલ્યા : “હા, રામ! એ કહેતાં તો ભૂલી જ ગયો. એ લોકો જૈમિનીને આશ્રમને ઝાંપે મૂકી ગયા. હજુ એ ચાલી શકે એવી સ્થિતિમાં નથી. કદાચ હવે ચાલી શકશે કે નહીં તેની શંકા છે. જૈમિનીના ઘૂંટણ ભાંગી નાખવામાં આવ્યા છે.” વેદવ્યાસના ચહેરા પર વેદના છવાઈ ગઈ. એ અંતરમાં વધુ ઊંડા ઊતરી ગયા. પછી સહજ સ્મિત ફરકાવી બોલ્યા : “કદાચ જે રસ્તે અમે ચાલવા માગીએ છીએ ત્યાં પગથી નહીં ચાલી શકાતું હોય, પ્રાણથી ચાલવાનું હશે.” પછી બળરામના ખભા પર હાથ મૂકી કહ્યું : “—અને રામ, મારા શિષ્યોએ તમારી લાગણી માટે આભાર માન્યો છે, પણ તમારા રક્ષણનો અસ્વીકાર કર્યો છે. બ્રાહ્મણો કોઈની ઢાલ નીચે જીવતા થશે ત્યારે અહીં કોઈને માટે જીવવા જેવું નહીં રહે.” આટલું કહી વેદવ્યાસ અટકી ગયા. અંતે કહ્યું : “વાસુદેવને મળો ત્યારે મારા નમસ્કાર પાઠવજો. કહેજો સદાય સાથે છો, સદાય રહેજો.” બળરામ વેદવ્યાસને જતા જોઈ રહ્યા. મંદાર વૃક્ષની લાલ આભા વચ્ચે એક શ્યામ ઉજ્જ્વળ કાયા દૂર દૂર સુધી પ્રકાશી રહી.