માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૨૭

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૭

ઘણાં વર્ષો પછીનો એક દિવસ. બળરામ વિશાળ ખેતરમાં આંટા મારતા હતા. શોભાયાત્રાને આવી પહોંચવાનો સમય થઈ ગયો હતો. બળરામની નજર વારંવાર દૂરના માર્ગ પર મંડાતી હતી, પણ કોઈ નહોતું દેખાતું. હજુ તો ગઈ કાલે સવારે જ સોમક્ષેત્રમાં હળપૂજન કરી તે આવ્યા હતા. આ વેળા ઘણા ઓછા લોકોએ ઉત્સવમાં ભાગ લીધો હતો. પ્રકૃતિએ પણ પોતાનું પ્રસન્ન મુખ ફેરવી લીધું હતું. અકાળે વાદળ વરસી પડતાં, તોફાની પવન ફૂંકાતો. દરિયાનાં તોતિંગ મોજાંઓ ઊછળતાં. કોઈ વાર ધુમ્મસની એવી ચાદર વણાઈ જતી કે બાજુમાં ચાલતા બંધુનું મુખ પણ ઓળખી ન શકાય. આ સૃષ્ટિમાં પરિચિતતાની સાંકળનો એક એક અંકોડો તોડી નાખવા કુદરતે જાણે વજ્જર હથોડો ઉપાડ્યો હતો. આજનો દિવસ ભારે ને વસમો વીતતો. આવતી કાલ હળવી ને સોનાની ઊગશે એવી આશા નહોતી. હળચાલનના દિવસોમાં પ્રકૃતિનું આવું ભીષણ રૂપ ક્યારેય જોવા નહોતું મળ્યું. હળની પ્રતિષ્ઠા માટે બળરામ જિંદગીભર મથ્યા હતા અને હવે તો ઉષા તેમનો જમણો હાથ બની ગઈ હતી. ઉષાએ રાજ્યધુરા અને કૃષિ-મહોત્સવને ખેડૂતનાં ખળાં સુધી જોડી આપ્યાં. સોનાને આસને બેસતો રાજવી અને રાફડે ચડી દુહા લલકારતો ખેડૂત આ ઉત્સવમાં સમાન ભાવે વિહરતા થયા હતા. યાદવોએ શરૂ કરેલો કૃષિ-મહોત્સવ ભારતનાં બીજાં રાજ્યોમાં પણ ફેલાઈ ગયો હતો અને તેમાં મોટે ભાગે ઉષાના ઉત્સવનું અનુકરણ જોવા મળતું. આ કૃષિ-મહોત્સવ બળરામ સાથે એટલો વણાઈ ગયો હતો કે મુખ્ય હળચાલકનું નામ જ બળદેવ પડી ગયું હતું. ભારત અને તેના ઉપનિવેશોમાં હળની સાથે સાથે બળદેવની મહત્તા નવાં ખેતરો ખેડતી જતી હતી. અને ત્યાં જ આ ઝંઝાવાત! દૈવનાં આ કાળઝાળ ધાડાં! કદાચ આ માત્ર પ્રકૃતિનો કોપ નહોતો -યાદવોમાં વરસોથી ધૂંધવાઈ રહેલાં અતિલોભ, ઉદ્દંડતા અને અનાચારનો જ પડઘો હતો. “હજી કેમ કોઈ દેખાતું નથી?” જે માર્ગે આ દિવસે ઉત્સવની ધામધૂમ મચી રહેતી તે માર્ગ સૂનો પડ્યો હતો. ના, એ સૂનો નહોતો, તોફાની પવનના ઘોડા તેના પર ધડબડાટ કરતા ધસી આવતા હતા. માર્ગના કિનારા પર ઊંચી શિલાઓને દરિયો થપાટો મારતો હતો. દરિયાનાં ફીણ પોતાના અધિકારનું વર્તુળ નજીક અને વધુ નજીક દોરી પાછાં વળી જતાં હતાં. વિશાળ ખેતરનું પ્રવેશદ્વાર ડોલવા લાગ્યું. બળરામના સેવકો તેને ખોડવાના કામે લાગી ગયા. આરામગૃહના તંબૂઓ, રાવટીઓને ચીરી ચીરીને પવન તેમાંથી ધજાઓ બનાવવા અધીરો થતો હતો. પ્રેક્ષકો માટેની પાટલીઓ ઊછળકૂદ કરતી હતી. અહીંની દરેક ચીજ ડેરા-ડંડા ઉઠાવીને અલક્ષ્ય ભણી ચાલી નીકળવા ચીસ પાડતી હતી. પશુઓના માંડવામાંથી એવા આવજો આવતા હતા, - જાણે માનવીની મૈત્રીના ખીલા ઉખેડીને આ ગાય, બળદ, ઘોડાં ફરી વાર રાનેરી થઈ જવા માગતાં હતાં. “કોઈ આવશે જ નહીં?” કૃષિ-મંગલનું મુહૂર્ત વીતી ગયું. બળરામે ચારપાંચ માણસોને બોલાવી કહ્યું : “તમે સોમતીર્થમાં જઈ તપાસ કરી આવો. શું થયું છે?” એ માણસો સામે પવને, તોફાની ઝડીની પરવા કર્યા વિના જવા તૈયાર થઈ ગયા. બળરામે સૂચના આપી : “જુઓ, માર્ગમાં વચ્ચે બેત્રણ વહેળા આવે છે. કદાચ તેમાં ઘોડાપૂર આવ્યું હોય. તરવાનાં સાધનો સાથે લેતા જજો.” બળરામ એ માણસોને જતા જોઈ રહ્યા. તેમને થયું, અનેક કર્તવ્યોથી ઠાંસોઠાંસ ભરેલું જીવન એક ગાડું હતું. એ કદી સીધા, કદી વાંકા કેડા પર ચાલ્યું જતું હતું. આજે કોઈએ બધા જ ભારનો ઉલાળિયો કરી દીધો. હવે વાટ જોવા સિવાય કશું કરવાનું ન રહ્યું. એ વાટે પહેલો દીવો થયો : કૃષ્ણ ક્યાં હશે? શું કરતો હશે? કેમ નહીં આવ્યો હોય? અને દરેક પવન-ઝપાટા સામે ધૂણી ધૂણીને પ્રજળતી શિખા જેવો પ્રશ્ન : કૃષ્ણનું મોં તો જોવા મળશે ને? પહેલા સમાચાર મળ્યા ત્યારે બપોર થઈ ગયો હતો. પાંચ માણસો ગયા હતા તેમાંથી બે પાછા ફર્યા. તેમના ચહેરા પરથી લોહી ઊડી ગયું હતું. તોફાની પવનની સામે સીનો તાણીને ગયેલા આ બહાદુર માણસો પારેવાંની જેમ ફફડતા હતા. તેમની જીભ સિવાઈ ગઈ હતી. બળરામે પૂછ્યું : “શું છે? કેમ મૂંગા છો?” “પ્રભુ, ભારે થઈ,” એક બોલ્યો. સાથે બીજાની પણ વાચા ખૂલી : “કાળો કોપ થઈ ગયો, પ્રભુ!” “શું?" “પ્રભાસતીર્થમાં રમખાણ મચી ગયું. ભાઈઓ અંદરોઅંદર કપાઈ મર્યા.” “શું વાત કરો છો?” “હા, પ્રભુ! અમે સગી આંખે લોથો ઢળી પડેલી જોઈ ને!” “કૃષ્ણ ક્યાં છે? જોયો એને?” “કૃષ્ણ પ્રભુનાં દર્શન ન થયાં. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધને ઢળેલા જોયા. કહે છે, કૃષ્ણ પ્રભુ એક જ જીવતા રહ્યા છે. ક્યાં ગયા ખબર નથી.” બળરામે પ્રભાસ જવા માટે પગ ઉપાડ્યા. એ પળે, કોઈ પ્રેતોનું ટોળું હોય એવા દસબાર માણસો પ્રવેશદ્વાર પાસે આવી પહોંચ્યા. હાથ જોડી ધ્રૂજતા ઊભા રહ્યા. બળરામ નજીક આવ્યા એટલે સહુએ ભૂમિ પર પડી પ્રણામ કર્યાં. “કોણ છો તમે? શું કામ છે?” બળરામના કંઠમાં ઉતાવળ હતી. આગંતુકોને એટલાં વીતક કહેવાનાં હતાં કે જેનો પાર નહોતો. એક વૃદ્ધ આગળ આવ્યો. બોલ્યો : “પ્રભુ, મને ન ઓળખ્યો? હું તમારો કાયમનો ઓશિંગણ ભીલ કોદંડ. મારી વાડીને ઉજ્જડ કરી મૂકનાર છોકરાઓને તમે નહોતા વાર્યા?” બળરામને યાદ આવ્યું. વરસો પહેલાં એ કૃષ્ણ સાથે બરડા પ્રદેશમાં ગયા હતા. આ ભીલનાં ફળઝાડ ઉખેડી નાખવા માટે યજ્ઞાચાર્યના શિષ્યોને સજા કરી હતી. આ ભીલની વાડીના ક્યારા તેમની પાસે છ માસ સુધી ખોદાવ્યા હતા. છોકરાઓ બરાબર કામ કરે છે કે નહીં એ જોવા માટે પણ તે આ ભીલની વાડીએ જઈ આવ્યા હતા. બળરામના પગ થંભી ગયા, પણ હૃદય તો પ્રભાસની વાટે પાંખો ફફડાવતું હતું. આવી બેહાલ સ્થિતિમાં પોતાને ત્યાં આવેલા માણસોની બે વાત પણ નહીં સાંભળી શકાય? છેક બરડા વિસ્તારમાંથી કઈ આશાનું માર્યું આ કુટુંબ આવાં તોફાન વચ્ચે આવ્યું હશે? અને આટલાં બધાં વર્ષો તેમણે બળરામનું નામ યાદ રાખ્યું હતું. તે યાદમાં કેટલો બધો વિશ્વાસ કર્યો હશે? અને બળરામ તેને મીઠો આવકાર પણ નહીં આપે? પાછા પોતે આવે ત્યાં સુધી રાહ જોવાનું બળરામ તેમને કહી શકે. પણ એ પાછા ફરશે જ એવી ખાતરી ખરી? બળરામે હળવેથી, હિંમત બંધાવતા સ્વરે પૂછ્યું : “આવો, આવો, તમારે શું જોઈએ? કેમ આવવું થયું?” “અમારું તો સંધુય ખેદાનમેદાન થઈ ગયું, બાપા! વાડીનો સોથ વળી ગયો. બળદિયા તણાઈ ગયા. માથે છાપરુંયે નો રહ્યું. ખાવા ધાન નથી. તમારે આશરે આવ્યા છૈયે. અમ જેવાને તમારા વિના કોણ સંઘરે? તમારાં વાસીદાં કરી બે કોળિયા પામીશું એવી ધરપત લઈ ઠેબાં ખાતાં આવ્યાં છૈયે, બાપા! કહો તો રોકાઈએ, કહો તો રસ્તે પડીએ.” બળરામે એક સેવકને સાદ પાડી બોલાવ્યો. ભલામણ કરતાં કહ્યું : “આ લોકોને આરામગૃહમાં લઈ જા. તેમને કોરાં વસ્ત્રો આપજે. ખાવા કરવાની વ્યવસ્થા કરજે.” “જી.” ભીલ કુટુંબ પેલા સેવક સાથે જતું હતું ત્યાં બળરામને કશુંક યાદ આવ્યું. ફરી કહ્યું : “અને જો, રાજઅતિથિની જેમ જ આ લોકોની સરભરા કરવાનું ચૂકતો નહીં. એમાં ખામી ન આવે.” “ભલે, પ્રભુ!” બળરામે કોદંડને કહ્યું : “હમણાં તમે આરામ કરો. તમારા કામની વ્યવસ્થા પછી થઈ રહેશે.” બળરામ, પ્રભાસ તરફના રસ્તા પર આગળ વધ્યા. પવનનું જોર ઓછું થયું હતું. આવું વાતાવરણ રહે તો પ્રભાસ પહોંચતાં વાર ન લાગે. બળરામે ઝડપ વધારી. કોઈ સામેથી આવતું દેખાયું. તેનું શરીર ચાલતું નહોતું. ઇચ્છાને બળે ઘસડાતું હતું. એમ લાગતું હતું કે રસ્તામાં તેણે ઘણી વાર પછાડ ખાધી હશે. ચહેરા પર બુકાની બાંધી હતી, પણ લાંબી દાઢી બહાર નીકળી આવતી હતી. આવનારે માથું ઊંચું કર્યું. બળરામ પર નજર પડી. તેણે દોટ મૂકવા પ્રયત્ન કર્યો પણ તે વચ્ચે જ ફસડાઈ પડ્યો. બળરામે પાસે જઈને તેને ઊભો કર્યો : “અરે, દારુક? તું?" “સત્યાનાશ! પ્રભુ, સત્યાનાશ!” બળરામના મનમાં ફાળ પડી. આંખે અંધારાં આવી ગયાં. થયું : નેત્રો જે નીલજ્યોતિને જોવા માટે ઝંખતાં હતાં તે બુઝાઈ ગઈ. દારુક વધુ બોલી ન શક્યો. એ ઢગલો થઈ પડ્યો. કેટલાક સેવકો બળરામને એકલા જવા દેવા નહોતા માગતા. પણ એમ કહેવાની તેમની હિંમત નહોતી. બળરામથી થોડે અંતરે તેઓ ચુપચાપ ચાલ્યા આવતા હતા. દારુકને પડતો જોઈ તેઓ દોડી આવ્યા. સહુએ મળી તેને ઊંચકી લીધો. બળરામ મનને અંકુશ મારી ચાલવા લાગ્યા. દારુકને સહુ નિવાસસ્થાને લાવ્યા. દારુક સ્વસ્થ થયો એટલે તેણે બળરામને માંડીને વાત કરી : “પ્રભુ, તમે હળપૂજન કરીને ગયા, પછી થોડી વારે ઉદ્ધવે શ્રીકૃષ્ણ પ્રભુની રજા માગી. એમનું મન આ સ્થળેથી ઊઠી ગયું. શ્રીહરિએ તેમને બાથમાં ભીડી આશિષ આપ્યા. કહ્યું કે ઉદ્ધવ, એકાકી વિચરજે ભાઈ, શું વન, શું વસતિ. તારે માટે તો બધી જગ્યા પૂર્ણ હશે, બધી વસ્તુઓ પ્રસન્નતાથી ભરપૂર હશે. તું ખુશીથી જા! સર્વત્ર આનંદનો મેઘ થઈ વરસતો રહેજે. “ઉદ્ધવ ગયા. કૃષ્ણ પ્રભુ ક્યાંય સુધી તેમને જતા જોઈ રહ્યા. આગમનાં એંધાણ તે વાંચી ગયા હશે ને! ઉષાદેવીને બોલાવીને કહ્યું : સહુ સ્ત્રીઓ અને બાળકો રથ જોડાવી દ્વારિકા ભણી રવાના થઈ જાઓ! ઉષાદેવી તો ચમકી ઊઠ્યાં. શું? શું કહ્યું પ્રભુ? અમને ઉત્સવમાં ભાગ લેવા નહીં દો? એ પહેલાં જ રવાના કરી દેશો? અમારો કાંઈ અપરાધ? પણ કૃષ્ણ પ્રભુએ એમને સમજાવી દીધાં. કહ્યું : ઉત્સવ તો થશે પણ તમારી ધારણા પ્રમાણે નહીં થાય. તમારો કશો અપરાધ નથી એટલે તો તમને વિદાય લેવાનું કહું છું. હવામાન તોફાની થાય તે પહેલાં તમારે બાળકોને લઈ સલામત સ્થાને પહોંચી જવું જોઈએ. ત્યારે તો કાંઈ તોફાનનાં ખાસ ચિહ્નો નહોતાં. પણ કૃષ્ણપ્રભુનાં વચનો માની ઉષાદેવી સ્ત્રીઓ અને બાળકોને લઈ દ્વારિકા જવા રવાના થઈ ગયાં. “બપોરે ભોજનના સમયે જ મામલો બગડ્યો. જુઓ તો પ્રભુ! ભારતયુદ્ધમાં પાંડવોના પક્ષે રહી લડનાર સાત્યકિ બચી ગયો હતો તો કૌરવપક્ષેથી કૃતવર્મા બચી ગયેલો. એ બંને અંગારા જ અહીં આગ લગાડવા ભેળા થઈ ગયા. એ ન હોત તો કદાચ આપણું યાદવોનું ઘર સળગી ન ઊઠત.” “હં. પછી શું થયું?” દારુક હૈયાવરાળ ઠાલવવા જતો હતો તેને મૂળ વાત પર લાવી બળરામે પૂછ્યું. દારુક શ્વાસ લેવા થોભ્યો. થોડું પાણી પીધું. પછી આગળ વાત કરી : “હવે સાત્યકિ અને કૃતવર્મા બેય જમવાની પંગતમાં પાસે આવી ગયા. સાત્યકિના મનમાં વેર તો સળગતું હતું અને એની જીભ કે દી’ વશમાં હતી? તેણે લાગલું જ કૃતવર્માને તુચ્છકારથી સંભળાવ્યું : “અલ્યા હાર્દિક્ય, નરાધમ, આ વીરોની પંગતમાં વળી તું ક્યાં બેઠો? નિદ્રાવશ પાંડવ પુત્રોને મારનાર પાતકી, તું તો યાદવકુળનું કલંક છો કલંક, ઊઠ, રાક્ષસોમાં તારું સ્થાન ગોતી કાઢ.” “કૃતવર્મા પણ ક્યાં ગાંજ્યો જાય તેમ હતો. તેણે સાત્યકિનું અઘોર કર્મ સંભારી કહ્યું : “અને અલ્યા સત્યા, ચાંડાલ, તું કયે મોઢે ધર્મની વાત કરે છે? ભૂરિશ્રવાના બાહુઓ કપાઈ ગયા હતા, તે રણભૂમિમાં અનશન લઈ બેઠો હતો ત્યારે કોણે તેનું માથું વાઢી લીધું હતું? કયો ક્ષત્રિય બચ્ચો આવું ઘાતકી કૃત્ય કરે? યાદવોના કુળમાં તું તો કાળો નાગ છો.’ “બસ થયું. સાત્યકિએ ઊભા થઈ કૃતવર્માનો વધ કર્યો. કૃતવર્માના બંધુઓએ મળી સાત્યકિની હત્યા કરી. સાત્યકિને બચાવવા પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ દોડ્યા તો તેઓ પણ કપાઈ ગયા. એક બાજુ ભોજ અને અંધક તો બીજી બાજુ વૃષ્ણિઓ અને કુક્કુરો વચ્ચે કાપાકાપી ચાલી. કૃષ્ણ પ્રભુ સમજાવવા ગયા. પણ આ મદોન્મત્ત યાદવો કોઈનું માને? પ્રભુની પણ તેમણે અવજ્ઞા કરી. પછી તો કુપિત થઈ કૃષ્ણ પ્રભુએ સુદર્શન ચક્ર હાથમાં લીધું. એકેક યાદવનો શિરચ્છેદ કરવા લાગ્યા. જે યોદ્ધા યમરાજને પણ મ્હાત કરે તેમને તેમણે ધૂળમાં રગદોળી નાખ્યા. ભગવાનનું આવું ભીષણ સ્વરૂપ તો ભારતયુદ્ધ વખતે પણ મેં નહોતું જોયું.” કુલસંહારની આ કથા બળરામ વધુ સાંભળી ન શક્યા. દારુક વળી લાંબા વર્ણનમાં પડી જાય એ પહેલાં તેમણે પૂછ્યું : “દારુક, કૃષ્ણ ક્યાં છે? તેણે કાંઈ સંદેશ આપ્યો છે?” “હા, દેવ! કૃષ્ણપ્રભુએ કહ્યું છે કે આચાર્ય ભદ્રંકરને મળી તે અહીં આવી પહોંચશે. તેમની તપાસ માટે ન નીકળશો. એ વહેલામોડા પણ પોતે જ આવી પહોંચશે.” “સારું, તમે જાઓ, આરામ કરો!” બળરામ એકલા પડ્યા. પ્રલયના સૂર્ય સરખું સુદર્શન ચક્ર તેમની નજર સામે ફરવા લાગ્યું. બળરામના અંગેઅંગને આ ચક્ર દઝાડવા લાગ્યું. આ ઉગ્ર જ્વાળાઓ એ જ શું જગતનું અંતિમ સત્ય? કેટલા ઉત્સાહથી, કેટલા ઉલ્લાસથી જીવનનાં ગીતો ગાયાં, બીજ વાવ્યાં, લીલા મોલ હર્યાભર્યા કર્યા તે અંતે આ કાલાગ્નિ માટે? બળરામને અસુખ થવા માંડ્યું. પીડા અસહ્ય લાગવા માંડી. ગળું શોષાઈ જવા લાગ્યું. તે સેવકોને બોલાવવા માટે બૂમ પાડવા ગયા પણ વાચા જ હરાઈ ગઈ. બળરામ પૂતળાની જેમ આંખો ફાડી બેસી રહ્યા. સામે સુદર્શન ફરતું ફરતું નજીક આવવા માંડ્યું. સૂર્ય હમણાં જ ફાટી પડશે અને પોતે સૂર્યના મુખમાં હોમાઈ જશે એમ બળરામને લાગ્યું. ત્યાં અપાર્થિવ સુગંધથી ઓરડો મહેક મહેક થઈ ઊઠ્યો. બળરામના તપેલાં અંગો પર ચંદનનાં છાંટણાં થયાં.