માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૩
દ્વારિકાની સત્તા ને સમૃદ્ધિ વધતી ગઈ તેમ તેના દુશ્મનો પણ વધતા ગયા. કૃષ્ણનો ઘણો સમય સંધિવિગ્રહની મંત્રણાઓ અને યુદ્ધમોરચા વચ્ચે પસાર થવા લાગ્યો. મહત્ત્વની મંત્રણામાં કે યુદ્ધવેળા બળરામ તેમની સાથે જ રહેતા. પણ દિવસે દિવસે તેમને લાગતું હતું કે કૃષ્ણથી પોતાનો માર્ગ ફંટાય છે. એક વાર બળરામે કહ્યું : “ભાઈ, આ રાજમુગટોને ઉડાડવાનો ધંધો બંધ કરી દે તો! તેં કેટલાને રોળી નાખ્યા! અને છતાં નવા ને નવા ફૂટતા જ જાય છે. આનો અંત ક્યારે?” “મોટા, તમે નવું વાવેતર કરો છો ત્યારે નીંદણ પણ કરતા રહો છો ને! કેટલાં કાંટા-ઝાંખરાં, કેટલાં ઘાસફૂસ ઉખેડી નાખ્યાં તેનો હિસાબ રાખો છો?” “ના રે, ચોખ્ખા ક્યારામાં એકાદું તરણું દેખું તો એનેય હાથથી ઉખેડતો જાઉં.” “મારું પણ એવું જ છે, મોટા. આ તો હજી પ્રાથમિક નીંદણ છે. ધાર્યા કરતાં ખેતર વધારે કજાડું થઈ ગયું છે. કદાચ એને આગ લગાડ્યા વિના નહીં ચાલે." બળરામ કૃષ્ણની સ્થિર દૃષ્ટિ સામે જોઈ રહ્યા. આખા ખેતરને જ આગ એટલે? આ અવારનવાર ભડકી ઊઠતાં યુદ્ધો કરતાં અનેક ગણું ભયાનક યુદ્ધ? મહાયુદ્ધ? અને આવું મહાયુદ્ધ પોતાની નજર સામે જોતાં કૃષ્ણના ચહેરા પર ત્રાસ તો નથી દેખાતો. કૃષ્ણ જેટલાં જ યુદ્ધો બળરામે ખેલ્યાં હતાં. પણ દરેક યુદ્ધ પૂરું થતાં ને યુદ્ધભૂમિમાંથી પાછા ફરતાં તેમને થયું હતું - હાશ પૂરું થયું, છૂટ્યા, હવે શાંતિ. પણ કૃષ્ણને કદાચ જ્યાં ઘમસાણ બરાબરનું જામ્યું હોય તેની વચાળે જ શાંતિ વળતી હશે? આ નીંદણનો છેડો જોવાનું તેને મન નહીં થતું હોય? બળરામે પૂછ્યું : “એક પ્રશ્ન પૂછું?” "પૂછો." “મારી ધરતીમાં તો આટલું ઘાસ વઢાઈ ગયું, આટલી જમીન ચોખ્ખી થઈ, આટલું વાવ્યું અને આટલો પાક ઊતર્યો તેની ગણતરી થઈ શકે છે. તારી ધરતીમાં આવું કાંઈ થાય છે?” “મારી અને તમારી ધરતીમાં એક ફેર છે, મોટા! તમારે ત્યાં પહેલાં વાવણી અને પછી નીંદામણ થાય છે, અને એ જોઈ શકાય છે. કારણ કે તમારી ખેતીની ગતિ ધીમી છે. સ્થૂળ છે. મારે ત્યાં વાવણી, નીંદામણ અને લણણી ત્રણે સાથે થતાં હોય છે. મારું નીંદામણ જેટલું સાફ તેટલી વાવણી ચોખ્ખી, અને એટલો જ ઉતારો કાંટોકાંટ. તમે સમજ્યાને, મોટા? ભાવિ ફસલની ફાંટ હું બાંધતો નથી.” કૃષ્ણની વાગ્મિતામાં તણાયા વિના બળરામમાં રહેલો ખેડૂત બોલી ઊઠ્યો : “તું ભલેને મોતીનાં ગાડાં ભરીને ખળામાં નાખતો હો, પણ અમને કેમ કાંઈ દેખાતું નથી? અમને તો દેખાય છે તારી કાળી મજૂરી, તારા પરસેવાનું પાણી અને ખળામાં જોઈએ છીએ તો મોતીના પાકને બદલે રાક્ષસોનાં માથાં પડ્યાં છે.” પછી બળરામ પોતાની વાત પર જ ખુશ થઈ મોટેથી હસી પડતા બોલ્યા : “અને તું પાછો ખેતરે જાય છે ત્યાં નવાં માથાં ઊગી નીકળ્યાં જ હોય છે. આનું શું?” કૃષ્ણ પણ બળરામની સાથે હસી પડ્યા, પછી કહ્યું : “તમે જ કહો છો મોટા, ખેતી તો જીવનભરનું કામ છે, શું કરું? મારું દાતરડું તમે દેખી શકો છો. મારા દૂધે ભરેલા દાણા તમને નથી દેખાતા?" કૃષ્ણે ઊભા થઈ બળરામનો હાથ પોતાના હાથમાં લીધો. એ હાથમાં એવી તો ઉષ્મા હતી કે બળરામનું હૃદય આનંદથી સભર બની ગયું. કૃષ્ણે જાણે ન દેખી શકાય પણ સ્પષ્ટ અનુભવી શકાય એવું કાંઈક પોતાના હાથમાં આપ્યું. બળરામે આવો સુખદ, સઘન અનુભવ કર્યો, પણ કૃષ્ણે કાંઈ આપ્યું તો નહોતું. બળરામ પૂછી ઊઠ્યા : “નાનુ, તેં મને કાંઈ આપ્યું?” “હા, મારા ખેતરમાંથી પામ્યો છું તે બધું.” બળરામની નજર સામે એક પછી એક પ્રસંગો તરવરવા લાગ્યા. કૃષ્ણની સાથે ખભો મિલાવીને તેમણે કેટકેટલાં સંકટોનો સામનો કર્યો હતો! કૃષ્ણે સામે ચાલીને ક્યાંયે રણક્ષેત્ર ઊભું નહોતું કર્યું, અને પડકાર આવ્યો ત્યારે પાછી પાની નહોતી કરી. કોઈ દિવસ બીજાઓને પોતાની પહેલાં ઓરી દેવાની તેને વૃત્તિ નહોતી થઈ, બીજાઓની આફતોને માથે ઝીલી તે આગળ ધસી ગયો હતો. વ્રજવાસીઓ, યાદવો, દેશપરદેશના સામાન્ય જનો તેને આટલો બધો શા માટે ચાહતા હતા? બળરામને માટે આ સદાનું રહસ્ય હતું. આજે કૃષ્ણના હાથે જ એ મળી ગયું હોય એમ લાગ્યું. કૃષ્ણને બધા ચાહે છે. કારણ, કૃષ્ણ બધાને ચાહે છે. યુદ્ધોની પાછળ દબાતા, રિબાતા, પિસાઈ મરતા માનવી તરફ લંબાયેલો આ હાથ છે. ગમે તેવો ભય આવી પડતાં પણ આ હાથ પાછો નહીં ખેંચાઈ જાય તેની લોકોને ખાતરી છે. બળરામે કૃષ્ણનો હાથ પોતાના હાથમાં લઈ હળવેથી દાબ્યો. એ વધુ કાંઈ કહી ન શક્યા. દ્વારિકા આવ્યા પછી કૃષ્ણના જેવા જ પ્રેમથી ભરેલો એક હાથ બળરામના હાથમાં આવ્યો. કૃષ્ણનો હાથ સુરક્ષાનો, ચક્રધારીનો સમર્થ હાથ હતો. આ હતો, કેવળ નીતર્યા સ્નેહનો કોમળ હાથ. એ હાથ રેવતીનો હતો. ભારતનાં રાજકુળોમાં રેવતીનાં રૂપ અને ગર્વની કથા વહેતી હતી. બળરામે પણ તે સાંભળી હતી. પણ કૃષ્ણની જેમ તે સ્ત્રીઓનાં રૂપ-ગુણ પારખવાની કળામાં કુશળ નહોતા. એ બાબતમાં તેમને રસેય નહોતો. રાજવંશોમાં કહેવાતું કે રેવતીનો પિતા રાજા રેવત તો સીધો બ્રહ્માનો વંશજ છે, અને બ્રહ્માને પૂછીને જ તેની પુત્રીનાં લગ્ન કરશે. પછી કોઈ આ વાતમાં ઉમેરતું : “અને બ્રહ્માની ઘડી એટલે તો આપણા ચાર જુગની ચોકડી. બ્રહ્માજી ઝોકું ખાઈ, માથું ધુણાવી જવાબ આપશે ત્યાં તો આજના બધા જ રાજકુમારો મરી ચૂક્યા હશે. રેવતી કુંવારી જ રહી જશે.” ઘણા રાજકુમારો રેવતીનો હાથ ગ્રહણ કરવા તૈયાર હતા, પણ રેવતીના મનમાં કોઈ નહોતો વસતો. વીરતામાં, વિદ્યામાં, રૂપમાં, કળામાં શોભી ઊઠે એવા રાજકુમારો રેવતીનું માગું નાખવા આવ્યા હતા ને નિરાશ થઈ પાછા ગયા હતા. રેવતીના સૌન્દર્યથી બળી મરતી રાજરાણીઓ કહેતી : એને મનુષ્ય નહીં, કોઈ દેવ જોઈતો હશે. અને રેવતીએ જ્યારે બળરામ સાથે લગ્ન કર્યાં ત્યારે તેઓ તાળી દઈ ઠઠ્ઠા કરવા લાગી. ગોતી ગોતીને છેવટે ભરવાડ ગોત્યો! કૃષ્ણની વાત જુદી હતી. એ ગોવાળિયો હોવા છતાં ભલભલા રાજાઓને ગોઠણ હેઠ રાખનારો હતો. તેની ચાલ ને ચાતુરીમાં તો દેવાંગનાઓ પણ લોભાઈ જાય. પણ બળરામ! એ તે કોઈ રાજકુમારીને લાયક ગણાય? મગજનો તોરી, મિજાજનો તુમાખી અને વાણીનો તીખો આ અણઘડ આદમી રેવતી જેવી રેવતીને કેમ ગમી ગયો હશે? રેવતીના ગર્વથી જે ઘવાયા હતા તેમણે કટાક્ષ વહેતો કર્યો : એ તો બળરામે રેવતીના ગળામાં હળ ભેરવ્યું અને તેને પોતાના જેવડી બનાવી દીધી. રેવતી ખરેખર બળરામને કોઈ શસ્ત્રધારી નહીં પણ હળધારી તરીકે જોઈ મુગ્ધ બની ગઈ હતી. રેવતીના પિતા રાજા રેવત અને યાદવોનો સંબંધ સારો હતો. યાદવો અનેક વાર રેવતાચળ પર પર્યટને આવતા. એક વાર રેવતી અને બળરામ ગિરનાર પર ચડતાં હતાં ત્યારે ગિરનારી શિખરો પર કાળાં વાદળ ઝળૂંબી રહ્યાં હતાં. બળરામે નીચા નમી વાદળને પ્રણામ કર્યાં. રેવતી પ્રશ્નાર્થભરી નજરે આ જોઈ રહી. બળરામે કહ્યું : “આકાશનાં એ જલધર છે, હું પૃથ્વીનો હલધર છું. અમારો સંબંધ અખંડ રહેશે ત્યાં સુધી પૃથ્વી રસહીન નહીં થાય.” રેવતીએ ઘણી વાર જોયું હતું કે મોટા માણસો સાથેના વહેવારમાં તોછડો જણાતો આ આદમી પ્રકૃતિનું કોઈ તત્ત્વ જોતાં અત્યંત કોમળ બની જતો. કમળની દાંડલીની જેમ તે જારનાં ભોથાંને હાથમાં રમાડતો. રેવતી ક્યારે બળરામના પ્રેમમાં પડી ગઈ એની તેને ખબર પણ ન પડી. રેવતીની આંખો વાંચીને બળરામે કહ્યું : “રેવતી, તને પામીને હું તો ધન્ય બની જઈશ, પણ તને હું શું આપી શકીશ તેની મને ખબર નથી. હું તો નેસડામાંથી રાજમહેલમાં આવી ચડેલો જીવ છું. પણ મારું મન હજી એક ગોચરમાંથી બીજા ગોચરમાં ભટક્યા કરે છે. છતાં ક્યાંક મૂળ નાખવાનું મને મન છે. થાય છે કે ક્યાંક ઝાડવું થઈ ઊગી નીકળું, ક્યાંક લીલી ઘટા ફેલાવું.” “મારા મનમાં એક ધૂંધળું ચિત્ર ક્યારનું રમ્યા કરે છે, બળરામ. તમે તેને સ્પષ્ટ જ નથી કર્યું, પ્રાણવાન પણ કર્યું છે. મેં ઘણી વાર મને પીપળાઓની ઘટા વચ્ચે કોસ ચલાવતી જોઈ છે. પણ અહીં તો એવી કલ્પનાથી જ કુટુંબીઓ ભડકી ઊઠે છે. તમારા ખેતરમાં મને તમે દહાડિયા તરીકે રાખો તોયે ગમે.” બળરામ રેવતીની સાથે હસી પડ્યા. કહ્યું : “તને ખબર છે, રેવતી, આજકાલ દહાડિયા બહુ મોંઘા થઈ ગયા છે. મારો ભાઈ શસ્ત્રસરંજામના ડુંગર ખડકવા માંડ્યો છે. સ્ત્રીઓ માલ સારવાના કામમાંથી નવરી નથી થતી, જવાનિયાને હડેકહોમ કરવાનો ચસકો લાગ્યો છે. આમાં મારા ખેતરનો ભાવ કોણ પૂછે? તું જો આવી જા-” બળરામને વચ્ચે જ અટકાવી રેવતીએ કહ્યું : “હું આવીશ, અને બનશે તો આપણે માત્ર આનર્તમાં જ નહીં પણ મથુરા, કુરુપાંચાલ, મગધ ને પાંડ્યમાં પણ એવા લીલા ટુકડાઓ સર્જીશું, જેમાં આ જવાનોને સ્થિર થવાનું મન થાય, જેમાં આજે યુદ્ધસામગ્રી સારતી યુવતીઓ નિરાંતે છીપર પર બેસીને વહેતા ધોરિયામાં પોતાના પગ ધોઈ શકે." બળરામ-રેવતીનાં લગ્ન એ આશ્ચર્યકારક ઘટના હતી. પણ એથી વધુ આશ્ચર્યકારક તો દ્વારિકા છોડીને બંને ખેતરમાં રહેવા ગયાં એ હતું. સુવર્ણ ઘૂઘરીઓથી રણકતા રથે ચડી યાદવનાયકો અશ્વોને ઉછાળતા ધસી આવતા ત્યારે કોઈ વાર બળરામ તેમને ગાડું ચલાવતા સામે મળતા. યાદવોને પોતાના વેગીલા રથ ધીમા કરવા પડતા. એક યાદવ અગ્રણીનું માન રાખ્યા વિના છૂટકો નહોતો. બળરામના સ્વભાવને પણ એ બરાબર પિછાણતા હતા. બળરામને રસ્તાની ધૂળ ઊડે કે તેમના બળદો ભડકે તો શું થાય એની યાદવોને ખબર હતી. બળરામના ગાડાની ઊંધ પાસે એક ગદા સદાયે પડી રહેતી. એ કોઈનું સગપણ રાખે એવી નહોતી. યાદવો એક બાજુએ ઊભા રહી, નમીને તેમને માન આપતા, માર્ગ કરી આપતા અને પાછળથી મશ્કરી કરતા. કોઈ માથાભારે યાદવ બળરામને સંભળાવ્યા વિના પણ ન રહેતો. બળરામના ગાડા પાસે પોતાનો રથ ઊભો રાખી કૃતવર્માએ એક વાર કહ્યું હતું : “વૃષ્ણિરાજ, તમને તો કાંઈ નથી, પણ તમારું વર્તન જોઈને અમારાં માથાં શરમથી નમી પડે છે. હવે આવું રગશિયું છોડીને કંઈક માભામાં આવો તો સારું.” બળરામે તેને જવાબ આપ્યો : “મારાથી શરમાતો હો તો શરમાવાનું થોડું ઓછું કરી નાખજે. પણ તારો આંધળો ને ઘરડો બાપ મથુરાની ગલીઓમાં ભીખ માગતો ફરે છે તેને તો જરા તારા રથમાં તેડી લાવ! પછી મને જે કહેવું હોય તે કહેવા આવજે.” કૃતવર્મા આ જવાબ સાંભળી સણસણી ઊઠ્યો. બીજું કોઈ હોત તો તેણે તલવાર ખેંચી હોત. પણ આ તો સામે બળરામ હતા. અને બળરામની બાજુમાં તેમની ગદા પડી હતી. કૃતવર્માએ કાંઈ પણ બોલ્યા વિના પોતાનો રથ દોડાવી મૂક્યો. જે દિવસે આ પ્રસંગ બન્યો તે દિવસની સાંજે એક કૌતુક થયું. કૃતવર્માના મહેલ પાસે આવીને બળરામે ગાડું ઊભું રાખ્યું. પોતાની વાડીમાં પાકેલાં જામફળનો ટોપલો કૃતવર્માને ત્યાં ઉતાર્યો. કૃતવર્મા તે લેવા તૈયાર ન થયો. ક્રોધમાં ધૂંઆપૂંઆ થતો તે ના પાડ્યા કરતો હતો. બળરામનું માન જાળવી વાત કરવાનો માંડ માંડ પ્રયત્ન કરતો હતો ત્યાં કૃતવર્માની પત્ની બહાર આવી, કમરે હાથ દઈ બોલી : “શું કહો છો? મોટા ભાઈનો હાથ પાછો ઠેલવો છે, એમ! હું બેઠી છું ત્યાં સુધી એ કોઈ કાળે નહીં બને. મોટા છે ને પાછા પોતાના છે એટલે બે વેણ સંભળાવે, એમાં ખાટુંમોળું શું થઈ ગયું? ઉપાડો ટોપલો, મૂકો અંદર.” કૃતવર્માએ કચવાતે મને ટોપલો ઘરમાં લઈ લીધો. “જીવતી રહે વહુ!” આટલું કહી બળરામે ગાડું હાંકી મેલ્યું.