માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૬
બળરામ-રેવતી અંગે આશ્ચર્ય પામવાનું દ્વારિકાવાસીઓએ છોડી દીધું હતું. પણ કોઈ વાર એ બંને એવું અણધાર્યું કરી બેસતાં કે નગરજનો આંખો ફાડી જોઈ રહેતાં. રેવતીએ તે દિવસે એવું જ આશ્ચર્ય ઊભું કર્યું. દ્વારિકામાં રથોની આવજા ઘણી રહેતી. પણ સ્ત્રીઓ ઉઘાડા રથમાં બેઠી હોય એવું ન બનતું. સ્ત્રીઓ રથમાં બહાર નીકળે ત્યારે પડદા પાડી નાખવામાં આવતા. કોઈ વાર પડદો ઊંચકીને જોતું કુતૂહલ-પ્રેમી મુખ જોવા મળે, અથવા તો સુવર્ણ કંકણોથી ભર્યો હાથ કાંઈક બતાવવા બહાર નીકળે એટલું જ. બળરામ સાથે રેવતી ઘણી વાર ખુલ્લા ગાડામાં બેસી નીકળતી. એ દૃશ્ય હવે સામાન્ય થઈ ગયું હતું. પણ રેવતી પોતે સુવર્ણરથ દોડાવતી નીકળે એ કોઈની કલ્પનામાં નહોતું. તે દિવસે સવારના પહોરમાં દ્વારિકાને ચોરેચૌટે એક જ વાત થવા લાગી. રેવતી રથ દોડાવતી, અશ્વોને કુશળતાથી વાળતી કૃષ્ણને મહેલે આવી છે. શું હશે? કૃષ્ણના મહેલની એક પછી એક દોઢીમાંથી પસાર થતાં પહેલાં તો રસ્તાના કેટલાયે ઝરૂખા, ગવાક્ષ, ચંદનશાળામાંથી સુંદર ચહેરા તેની સામે તાકી રહ્યા હતા. રાહદારીઓને ઘડીભર કોઈ ચન્દ્રલોકમાંથી ટપકી પડ્યું હોય એવું લાગ્યું હતું. કૃષ્ણ પણ રેવતીને આમ આવેલી જોઈ આશ્ચર્ય પામ્યા. આદરસત્કાર કરી આસન આપી બોલ્યા : “બોલો, ભાભી, આમ અચાનક? શી આજ્ઞા છે?” “પહેલાં રુક્મિણીને બોલાવો, પછી કહું.” રેવતીએ કહ્યું. રુક્મિણી આવી. રેવતીએ તેને પોતાની બાજુમાં બેસાડતાં કહ્યું : “રુક્મા, આજથી મેં મારા લશ્કરની ભરતી શરૂ કરી છે. તેમાં તારું નામ પહેલું છે. બોલ, જોડાઈશ ને?” કૃષ્ણે વચ્ચે જ હસતાં હસતાં કહ્યું : “પણ ભાભી, કહો તો ખરાં કે આ ભરતી શા માટે કરો છો? કોની સામે યુદ્ધે ચડો છો? મારી સામે નહીં ને? તો તો અત્યારથી હાર કબૂલ કરું છું, માતાજી!” કૃષ્ણે હાથ જોડ્યા. રેવતી અને રુક્મિણી હસી પડ્યાં. પછી રેવતીએ ગંભીર થઈ કહ્યું : “હમણાં હમણાં મારું મન બહુ જ ઉદ્વિગ્ન રહ્યા કરે છે, ગોપાલ! મારા જીવને ક્યાંય જંપ વળતો નથી. જ્યાં જોઉં ત્યાં બે અપશુકન થાય છે : એક તો શસ્ત્રો લઈ ઘૂમતા જુવાનો જોઉં છું; બીજું શણગાર સજીને જતી યુવતીઓને જોઉં છું. આ બંને વચ્ચે જાણે હરીફાઈ ચાલી છે. દ્વારિકાની બજારમાં નવી નવી જાતનાં શસ્ત્રો ને શણગારોના ઢગલા થતા જાય છે. આ બધું જોઈ મારું હૃદય અમંગળ અમંગળ ભાખ્યા કરે છે.” રેવતીનો કંઠ રૂંધાયો. તે આગળ બોલી ન શકી. રુક્મિણીએ તેને પાણી લાવી પાયું. પાણી પી સ્વસ્થ થતાં રેવતીએ કહ્યું : “પણ નિરાશ થવાનું તો મારા સ્વભાવમાં નથી. મને થયું, અરે! આમ ભાવિનાં એંધાણથી ગભરાઈ જવાની શી જરૂર? ઊઠ, કાંઈક કરી છૂટ-" “પછી થયું, અમે માત્ર શણગાર સજીને ફરતી પૂતળીઓ તો નથી! અમારે પણ પ્રાણ છે. અમે અમારા પિતાઓને, બાંધવોને, પતિઓને, પુત્રોને માત્ર રડતી આંખે રણની વિદાય જ આપ્યા કરીશું? તેમનો હાથ પકડી કહી નહીં શકીએ કે, બેસો, બેસો, આ ગાંડપણ અમે આચરવા નહીં દઈએ? આ મોતની દોટમાં તો તમે માણસાઈ ખોઈ નાખો છો. અમે હવે એ કદાપિ થવા નહીં દઈએ. અમારો અવાજ ઊઠે તો શું એ નિષ્ફળ જશે? અમારી સંખ્યા તો અરધોઅરધ છે આ જગતમાં. અમારું કાંઈ નહીં ચાલે, એમ?” કૃષ્ણની આંખને ખૂણે એકાદ બિંદુ બાઝી ગયું. કૃષ્ણને માટે નવાઈ કહેવાય એવા મૃદુ સ્વરે તેમણે કહ્યું : “ભાભી, તમે જો એવું કરી શકો, જો એ થઈ શકે તો તમારા સૈન્યને છેક છેડે મને સ્થાન આપજો - એક અનુચર તરીકે.” રેવતીનું હૃદય કૃષ્ણ પ્રત્યેના સ્નેહથી ભરાઈ ગયું. તેના મનમાં સાથે જ પ્રશ્ન થયો કે આ કમળ જેવા માણસે કંસને માર્યો હશે? શિશુપાળને છેદી નાખ્યો હશે? માંધાતાઓ આ કમલનયનથી જ થરથરતા હશે? શા માટે? કૃષ્ણે એવા જ ભીના સ્વરે કહ્યું : “પણ ભાભી, મને તમારી જ એક બહેને પોતાના લાંબા વાળ બતાવી, આંસુથી ઊભરાતી આંખે કહ્યું હતું, ‘કેશવ, આ વાળને ભૂલશો નહીં’ - અને સ્વપ્નમાંયે તે વચનને હું ભૂલ્યો નથી. જે પિતા, બાંધવ, પતિ, પુત્રને તમે પાછા વાળવા માગો છો તેમનામાં મનુષ્યત્વનો અંશ રહ્યો હોય એમ મને લાગતું નથી. નહીં તો જગતના શ્રેષ્ઠ પુરુષોની સભા ભરાઈને બેઠી હોય ને એક સ્ત્રીનું આવું ઘોર અપમાન થઈ શકે, એમ?” કૃષ્ણનાં નેત્રો લાલ થઈ ગયાં, ભૃકુટિ ચડી ગઈ, વિશાળ ખંડમાં તે એક ખૂણેથી બીજે ખૂણે ટહેલવા લાગ્યા. રેવતી સ્તબ્ધ બની ગઈ. કૃષ્ણે તેની સામે આવી ઊભા રહી જતાં કહ્યું : “હુંયે સમજું છું ભાભી, પુરુષો જ્યારે પોતાનું મનુષ્યત્વ ગુમાવે છે ત્યારે સામે ચાલતા અન્યાય આગળ આંખો મીંચી દે છે; અને સ્ત્રીઓની વાત કરતાં હો તો, અન્યાયીના રત્નઝવેરાત આગળ તે આંખો નચાવે છે. પણ પોતાનું મનુષ્યત્વ, સ્ત્રીત્વ જાળવ્યું છે એવી નારીનાં આંસુ વહે છે, ત્યારે તેમાંથી દાવાનળ ફાટી નીકળે છે. મારી નજર સામે આવો દાવાનળ નિહાળું છું. અસંખ્ય ઘર બળીને રાખ થઈ જશે. પણ જુઓ છો. ને, એક તરફ પુરુષનું અંધત્વ છે, બીજી તરફ અપમાનિત નારીનાં આંસુ છે. એ બંનેને માર્ગ બતાવે એવી શક્તિ છે, પણ..." કૃષ્ણ વચ્ચે અટકી ગયા. રેવતી પુકારી ઊઠી : “ગોપાલ, એ શક્તિ કઈ છે? ક્યાં છે?" “એ શક્તિ અંધ પુરુષના ઘરમાં જ છે, પણ તે આંખે પાટા બાંધીને બેઠી છે. તમે તેના પાટા છોડાવી શકશો, ભાભી? એટલું કરી શકો તો નિશ્ચિત વિનાશ ભાખતા મારા જેવાને પણ ઉદ્ધારનું કિરણ મળે.” કૃષ્ણે નવા સમાચાર આપતાં કહ્યું : “રાજા વિરાટનો સંદેશો આવ્યો છે કે પાંડવો પ્રગટ થઈ ગયા છે. વિરાટનગરમાં જ છે. મારે ત્યાં જવું પડશે. સમાધાન માટે કૌરવસભામાં પણ જવું પડે. ત્યાં તમે જો ગાંધારીને આગળ કરી કૌરવોની આંખો ઉઘાડી શકો, ભાભી! માનવ-ઇતિહાસ તમને સદાય વંદન કરશે.” રેવતીને થયું કે અચાનક જ એક ગ્રામપ્રદેશમાંથી જગતના પ્રવાહોના કેન્દ્રમાં કૃષ્ણે તેને લાવી મૂકી. કેવડી મોટી જવાબદારી! કેટલું મોટું વિરાટ કાર્ય! કૃષ્ણ જે આસાનીથી સમ્રાટો અને સામાન્યો વચ્ચે વિહરતા એ જોઈ તેને અહોભાવ થઈ ગયો. માણસ જ્યાં સુધી પોતાને બીજાની પરિસ્થિતિમાં નથી મૂકતો ત્યાં સુધી બીજાનું ગજું પણ માપી શકતો નથી. રેવતીએ જરા અચકાતાં કહ્યું : “ગોપાલ, ઘણાં વરસોથી મેં રાજદરબારોમાં જવાનું છોડી દીધું છે. તેની રીતરસમોથી અજાણ છું. એક મહદ્ કાર્ય કરવા જાઉં ને ઊલટું નુકસાન પહોંચાડું એવું તો ક્યાંક ન બને? મેં અને બળરામે તો ઝૂંપડાં જગાડવાનું માથે લીધું હતું. ગામડાં જાગે તો રાજધાનીઓની અમને કશી જ પડી નથી. પણ મને વચ્ચે અમારી શક્તિનો, સ્ત્રીશક્તિનો વિચાર આવ્યો અને અહીં દોડી આવી. પણ તમે તો મને એ વિચાર સાથે જ ફંગોળી દો છો, સત્તામદથી ચમક-દમક થતા ગાંધારીના અંધારલોકમાં.” કૃષ્ણે માથું હલાવ્યું. “આ સઘળો અંધારલોક જ છે, ભાભી! તેમાં ઝૂંપડી ને રાજમહેલનો ભેદ નથી. માણસ અહંકાર ઓઢીને બેઠો છે ત્યાં સુધી પોતાની ઝૂંપડીને પકડી રાખવા માટે તે આખા ગામને આગ લગાડશે અને અહંકારના પાટા ઉખેડી નાખી ધર્મમય લોચન ખોલશે તો રાજમહેલ પણ તેના રાતવાસા માટેનો ઉતારો બની જશે.” કૃષ્ણ વાત કરતા હતા ત્યાં સેવકે આવી કહ્યું : “ભગવાન વેદવ્યાસ પધાર્યા છે.” કૃષ્ણના ચહેરા પર અવર્ણનીય આનંદ છવાઈ ગયો. રેવતી અને રુક્મિણીને પણ આ નામ પાછળ રહેલાં પરમ શાતાનાં આંદોલનો સ્પર્શી ગયાં. કૃષ્ણે કહ્યું : “રુક્મા, હું તેમને અહીં જ લઈ આવું, તું સ્વાગતની તૈયારી કર.” કૃષ્ણ ઝડપથી ગયા. રુક્મિણીએ પોતાને હાથે અર્ઘ્ય-મધુપર્કની તૈયારી કરવા માંડી. રેવતીએ સાગર પર દૃષ્ટિ પડે એ રીતે વેદવ્યાસનું આસન ગોઠવ્યું. થોડી વારે વેદવ્યાસ સાથે વાતો કરતાં કરતાં કૃષ્ણે ખંડમાં પ્રવેશ કર્યો. રેવતીએ આ પહેલાં વ્યાસને કેટલીક વાર જોયા હતા, પણ દરેક વખતે તેને થયું હતું કે આ માણસ ગયા વખત કરતાં બે વેંત વધ્યો છે. રેવતીને આવો અનુભવ થતાં દર વખતે આશ્ચર્ય થતું. ઉંમર સાથે તો વ્યાસનું શરીર વધુ જીર્ણ, વધુ જર્જર થતું ગયું હતું, પણ કોણ જાણે તેમને જોતાં શરીરનો ખ્યાલ પછી આવતો, પહેલાં તો એ શ્યામ શરીરમાં રહેલો તેજોપુરુષ નજરે ચડતો. અને એ તો દરેક વેળા વધુ ઊંચો, વધુ દેદીપ્યમાન, વધુ ભવ્ય લાગતો હતો. વ્યાસે રેવતી અને રુક્મિણીનાં વંદન ઝીલ્યાં. આસન પર બેઠા. કુશળક્ષેમ પૂછ્યા. મધુપર્ક લીધું. આ બધાં જ કાર્યમાં એક સ્વાભાવિકતા હતી, એક આત્મીયતા હતી. વ્યાસે કૃષ્ણને કહ્યું : "એટલા માટે તમારો સમય લેવા આવ્યો છું, યદુપતિ કે…” થોડી વાર અટકી, કૃષ્ણ સામે જોઈ રહી કહ્યું : “કે પછી તમને સમય નહીં મળે અને તમને આંખો ભરીને હું નિહાળી નહીં શકું.” વ્યાસનાં નયનોમાંથી નિર્મળ પ્રેમ ઝરતો હતો. કૃષ્ણનાં નેત્રોમાંથી એક વિદ્યુત્રેખા પસાર થઈ ગઈ. વ્યાસે બંને હાથ જોડી, માથું નમાવી વંદન કર્યાં. પછી કહ્યું : “નારાયણ, કાળ ભરાઈ ગયો છે તે હું જાણું છું. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. પાંડવો પ્રગટ થઈ ગયા. હવે રાજભાગ માગશે. મિથ્યાભિમાની દુર્યોધન માનશે નહીં. તમારે શિરે બધો જ ભાર આવી પડ્યો છે. જગતને બચાવજો એમ કહેવા તો નથી આવ્યો, નારાયણ, પણ જગતને કોઈ અભયનો, શાંતિનો, મુક્તિનો માર્ગ મળે એવી કૃપા કરજો.” કૃષ્ણે સ્વાભાવિક રહેવા પ્રયત્ન કર્યો પણ તેમના શરીરમાં કાંઈક અદ્ભુત ફેરફાર થતો હોય એમ દેખાઈ આવ્યું. મહેલને અડીને જ શિલાઓ પર અફળાતા સમુદ્રનું ગર્જન જાણે તેમના સ્વરમાં આવી ગયું. કૃષ્ણે કહ્યું : “ભગવન્ જ્યારે અતિશય વેગથી વીજળી તૂટી પડે છે, ત્યારે જ તેનો પ્રકાશ ઝળહળાટ કરી મૂકતો દિશાઓને અજવાળી દે છે. પ્રલયની ઘડી તે પ્રકાશની ઘડી પણ હોય છે. આવા વજ્રકડાકા વખતે જે કાને હાથ નથી દેતા, તે કોઈક મીઠો સૂર સાંભળી શકે છે, જેમની આંખો અંજાઈ નથી જતી, તે કાંઈક એવું જોઈ શકે છે જે જોવાથી આંખો ધન્ય બની જાય.” “એકેએક સામાન્ય જન સુધી એવું દર્શન લઈ જવાની મને હોંશ છે, નારાયણ, મારા જીવનની એ એકમાત્ર ઝંખના છે. સામાન્ય માનવને ભયમાંથી, શંકામાંથી, પશુતામાંથી જો જરા સરખોયે બહાર લાવી શકું! એ કેવી રીતે બની શકે?" “મનુષ્યની એક હઠ છે, ભગવન્, તે કહે છે, હું જેવો છું તેવો જ રહું અને મને સત્યનું દર્શન આપો, જીવનનું તેજ આપો. તેને પોતાને લેશમાત્ર પલટવું નથી અને જગતને પલટાવી નાખવું છે. તમે જુઓ છો ને, આજે કેટકેટલા વૈદ્યો પોતાનાં ઔષધો લઈને નીકળી પડ્યા છે! અને સામાન્ય જનના બધા જ રોગ પોતાની દવા વિના જવાના નથી એમ તે બધા છાતી ઠોકીને કહે છે અને વૈદ્યરાજનો સહુથી મોટો રોગ તેણે શોધી કાઢેલા રામબાણ ઇલાજમાં જ હોય છે. આજે પોતાના રોગ સામે જોવાની કોને ફુરસદ છે?" “માનો કે કોઈને ફુરસદ મળી, તો એ પોતાનો રોગ પારખી શકશે? પોતાનો રોગ દૂર કરી શકશે? મારી આ હમેશની શોધ રહી છે, નારાયણ! જાણું છું, વૈદ્યો નારાયણો હરિ:’ - પણ એ વૈદ્યનું તો ક્યાંયે સરનામું નથી મળતું. મારામાં રહેલા આ સનાતન રોગીએ ત્યારે શું કરવું? રોગને, શોકને, મરણને વશ થઈ જતા માનવીનો પ્રશ્ન તો છે જ મહારાજ, પણ તેની સામે આચરવામાં આવતાં અન્યાય, જૂઠ, અત્યાચારનો પણ મોટો સવાલ છે. માનવી આ મૃત્યુલોકમાં જ આનંદથી જીવી શકશે?” વેદવ્યાસની વાણીમાં ઉત્તેજના આવી ગઈ. આ જગતના અત્યંત દીનહીન દુઃખી માનવીના હૃદય સાથે હૃદય મિલાવીને તે વાત કરવા લાગ્યા. વળી કહ્યું : “મન તો એવું લોભી બની ગયું છે કે અમૃતનો ભંડાર આ ધરા પર આવ્યો છે તેને ઘેર ઘેર જઈને લૂંટાવતો ફરું! મારા શિષ્યો મને શું કહે છે, ખબર છે હરિ?” “શું કહે છે?” કૃષ્ણે પૂછ્યું. "કહે છે, તમારી લેખિની અટકવાનું જ ભૂલી ગઈ લાગે છે. તમારી વાણીને ક્યાંયે વિરામ કેમ નથી? ત્યારે કહું છું, અરે, એક એવા ગતિમાનને જોયો છે કે તેની પાછળ પાછળ મારી લેખિની ભમે છે. તેનાં ચાલ, ચાલ, ચાલ કરતાં ચરણ થંભે ત્યારે મારી લેખિનીને અટકાવું ને?” રેવતી અને રુક્મિણીના મુખ પર હાસ્ય ફરકી ગયું. કૃષ્ણે મુક્ત મને હસી પડતાં તેમને સંબોધી કહ્યું : “જોયું ને ભાભી, રુક્મા, તેંયે જોયું ને? ભગવાન વ્યાસદેવ પ્રશ્ન કરતા જાય છે, અને એ પ્રશ્નમાં જ પાછો જવાબ વણતા જાય છે.” પછી વેદવ્યાસ સામે જોઈ કહ્યું : “ભગવન્, તમે તો ત્રિભુવનને પ્રત્યક્ષ જોઈ શકો છો. મૃત્યુલોક બીજે કોઈ સ્થળે તો નથી. જ્યાં જેની દૃષ્ટિ અટકી ગઈ ત્યાં તેનો મૃત્યુલોક. જ્યાં જેનાં ચરણ અટકી ગયાં ત્યાં તેની સ્મશાનભૂમિ. કોઈ દેહમાં અટકી બેસે છે, કોઈ દેશમાં, કોઈ કામમાં, કોઈ અર્થમાં, કોઈ રાજકારણમાં, કોઈ વિચારમાં -મુક્તિનો ઝંડો રોપે છે અને એ ઝંડો જ તેમનું ખાંપણ બની જાય છે.” “આ ઝંડો ક્યાંયે ફરકતો નહીં રહે?" "કેમ નહીં રહે? જે ચરણ ચાલવાનું ભૂલ્યાં નથી તેમની સાથે એ સદાય ફરકતો આવશે. એ ચરણ હશે અનામી, એકાકી, અપ્રમત્ત. કોઈ સંઘની નામના અને સંઘનો નશો ત્યાં નહીં હોય. અને એની ઝડપ બહાર નહીં હોય, અંદર હશે. ભગવન્, તેના સદાય ઘરછોડ્યા મારગે તે મનુષ્યને માત્ર ટકાવી જ નહીં રાખે, ઊંચે પણ ચડાવશે.” “મારી શ્રદ્ધાને તમે બળવતી કરી, નારાયણ!” વ્યાસે માથું નમાવ્યું. કૃષ્ણના હોઠ પર તોફાની બાળક જેવો વિનોદ તરી આવ્યો, કહ્યું : “અને મારી શ્રદ્ધાને બળવાન બનાવી આ મારાં ભાભી રેવતીએ. જેની વાણી સદાય ચાલે છે, અટકવાનું નામ નથી લેતી એ શક્તિને એ જગાડવા માગે છે. એ શક્તિ જાગે તો શું ન થાય? એ શક્તિ કેટલી મહાન છે, તેનો મને અચ્છો પરિચય છે. જુઓ છો ને ભગવન્, મારા ઘરમાં જ એની કેટલી બહુમતી છે!” કાળાં વાદળ પાછળથી ફૂટી નીકળતાં કિરણોની જેમ સહુનું હાસ્ય ઊછળી પડ્યું. મહાવિનાશનો ઓથાર પળવાર તો જાણે અવસ્તુની જેમ ઊડી ગયો. પણ રેવતીના અંતરમાં રહી રહીને ઊઠતા દર્દની જેમ ફરી શૂળ ભોંકાવા લાગી. આ વેળા તો વધુ તીવ્રતાથી. આવા સમર્થ પુરુષો હોવા છતાં અઘોર હત્યાકાંડ નહીં અટકાવી શકાય? આ દર્શનની વાતો મજાની લાગે છે પણ તેથી શું? મા વિનાના ચીસો પાડતા બાળકને તે કેટલીક કામ લાગે? બાળક અણસમજુ છે, અનાડી છે, અસહાય છે. તેની ચીસો ગમે તેવા અજ્ઞાનમાંથી નીકળતી હોય, પણ તેને કાંઈક ભાન આવે ત્યાં સુધી બેસી તો ન રહેવાય. તેની ધૂળ ખંખેરી, તેને ખંધોલે લઈ આંસુ લૂછવાં ન જોઈએ? રેવતીની વ્યથા તેના મોં પર તરી આવી. તેની અણબોલી વ્યથા જોઈ કૃષ્ણે કહ્યું : “ભગવન્, મારાં ભાભીને સિદ્ધાંતની ચર્ચામાં રસ નથી. એ બારામાં તેમનો સ્વભાવ મોટા ભાઈ જેવો જ છે. મહાસંહારને અટકાવવા માટે આજે તે સ્ત્રી-શક્તિને જગાડવાની વાત લઈ આવ્યાં છે. મેં કહ્યું, આજે જો તમે એક જ સ્ત્રીને જગાડી શકો તો સંહારનાં વાદળ વિખેરાઈ જાય. એ છે ગાંધારી. ગાંધારીના પાટા તો કોઈ સ્ત્રી જ છોડાવી શકે, અને એ માટે ભાભીને હું હસ્તિનાપુર જવાનું કહું છું.” વેદવ્યાસે હર્ષમાં આવી જઈ કહ્યું : “તમે ગુરુચાવી બતાવી દીધી, નારાયણ, ગાંધારી ધારે તો મોહગ્રસ્ત ધૃતરાષ્ટ્ર અને દુર્મતિ દુર્યોધનને રસ્તા પર લાવી શકે તેમ છે. ગાંધારીમાં એ તેજ છે. તે ધૃતરાષ્ટ્રને ઘણી વાર સમજાવે છે. દુર્યોધનને ઠપકો પણ આપે છે. પણ એ બધું કેવું છે તે જાણે છે, રેવતી?” વ્યાસે રેવતી સામે જોઈ કહ્યું : "સ્ત્રી પોતાની એક મર્યાદા માનીને બેઠી છે. એ મર્યાદા તોડીને આગળ વધવાની તેનામાં હિંમત નથી. ગાંધારીના પાટા આવી મનની મર્યાદા છે. તે જાણે છે કે ખોટું થાય છે, મહા અનર્થનાં મૂળ નખાય છે, પણ તે માને છે કે સ્ત્રીથી તો પતિને સલાહ અપાય, તેથી આગળ વધે તો અધર્મ ગણાય. સ્ત્રી તો પતિના કાર્યમાં મંત્રી, સચિવ માત્ર. નિર્ણય તો પતિ લઈ શકે. અને પતિએ નિર્ણય લીધા પછી તેને અનુસરવું એ જ તેનું કર્તવ્ય. પુત્રને તે શિખામણ આપે. પણ પુત્ર રાજા હોય તો નિર્ણયનું સૂત્ર હંમેશાં રાજાના હાથમાં રહે. આજકાલના નહીં, ગાંધારીના પાટા તો યુગો જૂના છે. બેટા, તું તેને હટાવી શકીશ?” રેવતીની નજર સામે તેનું કાર્ય સ્પષ્ટ થવા લાગ્યું. તેણે કહ્યું : “ભગવન્, હું પ્રયત્ન કરીશ.” “મને તો ક્યાં ધર્મ રહ્યો છે ને ક્યાં અધર્મ તેની કોઈ વાર સમજ પડતી નથી.” વ્યાસે કહ્યું : “અહીં દુષ્ટ પુત્ર માની શિખામણ માનતો નથી. બીજી બાજુ માતાએ માત્ર અજાણપણે કહી દીધું કે, ‘પાંચે ભાઈઓ સાથે મળીને ભોજન કરો’ - અને આને ‘માતાની આજ્ઞા’ માની પાંચે જણ એક સ્ત્રીને પરણી ગયા. એ સ્ત્રીએ પણ આજ્ઞા સ્વીકારી લીધી. નારાયણ, તમે તો ત્યારે હતા. તમને દુર્યોધનનો અધર્મ, તો પાંડવોનો આ ધર્મ ભાસે છે?" “મારી પાસેથી કેવો જવાબ મળશે તેનાથી તમે અજ્ઞાત નથી. અધર્મ તો છોડવો જ પડે છે, પણ ધર્મની આસક્તિયે છોડવી પડે છે. ધર્મમાં માણસની બુદ્ધિ સ્થિર થઈ જાય છે ત્યારે કોઈ વાર તેના જીવનમાં ઊર્ધ્વનો એક ધક્કો આવે છે, ભગવન્, એ ધર્માતીત શક્તિનો ધક્કો છે એમ અંતરાત્મા થોડું થોડું જાણી જાય છે. પણ બહારથી અધર્મ લાગતા કાર્યમાં તેનું અંતર સહેજે જોડાતું નથી. મનુષ્યના, સમાજના, નીતિના ધર્મથી પર આ મહાધર્મનો સાદ પડતાં ધર્માત્મા મૂંઝાય છે, ડરે છે, ગભરાય છે, પાછો પડે છે. પણ ભગવન્, તેનું એ મહાધર્મ આગળ કાંઈ જ ચાલતું નથી. તેને આગળ પગલું ભરવું પડે છે. “આ દુર્યોધન અને યુધિષ્ઠિરના દાખલામાં જ જુઓ, ભગવન્, દુર્યોધનને તો પોતાના આચરણમાં ક્યાંયે આશંકા, ક્ષોભ, સંભ્રમ, સંકોચ થતાં નથી. એકલા મહાત્મા યુધિષ્ઠિર પગલે પગલે ખંચકાઈને ઊભા રહી જાય છે. કયો ધર્મ? કયો અધર્મ? — તેનો વિવેક તેમનો પીછો છોડતો નથી. આવા માનવીને જ્યારે કાંઈ દેખાતું નથી, ત્યારે જેને સર્વ કાંઈ દેખાય છે તે એનો હાથ પકડી આગળ દોરી જાય છે. કદાચ આમાં દેખીતો અધર્મ હશે, પણ આ અધર્મ હોય તોયે સર્વનો મંગળકારી છે.” કૃષ્ણે આટલું કહી માર્મિક સ્મિત કરતાં કહ્યું : “તમે આ જાણો છો, ભગવન્, એટલે તો ધર્મની સીધી આંકેલી લીટી પર ક્યાં ચાલો છો?” કૃષ્ણ અને વેદવ્યાસ બંને સામે રેવતી જોઈ રહી. બંને તેને સરખા જ અકળ લાગ્યા. જતી વખતે વેદવ્યાસે તેને માથે હાથ મૂકી કહ્યું : “ભદ્રે, એક ઉન્નત ઝંખના એ ઉત્તમ કાર્ય જેટલી જ મહત્ત્વની છે. એ બીજાના નહીં, તો આપણા પડદા તો હટાવે જ છે.”