માટીનો મહેકતો સાદ/પ્રકરણ ૮
અમાસની રાતે કોઈને કહ્યા વિના કૃષ્ણ, કૃતવર્મા અને સાત્યકિ દ્વારિકામાંથી નીકળી ગયા. ઋક્ષ લોકોની સીમા નજીક આવતાં જ કૃષ્ણે બંનેને સાવચેત કરી દીધા. કૃષ્ણની પાછળ પાછળ તેઓ નીચા નમતા, છોડવાનાં ઝુંડ પાછળ લપાતાછુપાતા આગળ વધ્યા. ચારે તરફ સૂમસામ શાંતિ હતી. સામે ગીચ વનરાઈ અગોચર ભયને છુપાવીને મૌન સાધી ખડી હતી. કૃષ્ણે ધીમેથી પૂછ્યું : “તમને સામેનાં વૃક્ષો પર કાંઈ દેખાય છે? પેલા ઊંચા પીપળાની ડાળી પર?” “ના, બધે અંધારું તોળાઈ રહ્યું છે.” કૃતવર્મા બોલ્યો. “એ પીપળાની જમણી બાજુની પેલા વ્યાધના તારાની નીચેની ડાળ જોઈ?” “હા, હા,” કૃતવર્મા અને સાત્યકિ આંખો ખેંચી બોલ્યા. “એ ડાળ પર બે ચકોર આંખો ચારે દિશામાં જોતી બેઠી છે.” “આપણને જોયા હશે?” કૃતવર્માનો શ્વાસ થંભી ગયો. ચારે તરફ એટલી નિસ્તબ્ધતા છવાઈ હતી કે સૂકાં પાદડાં પર પડતાં પગલાંનો અવાજ પણ પથ્થરતોડ લાગતો હતો. વેપારી કાપડનો તાકો ચીરે અને અવાજ થાય તેમ શાંતિ ચિરાતી હતી. કૃષ્ણ થોડે આગળ ગયા પછી પેટ સરસા ચાલવા લાગ્યા. કૃતવર્મા અને સાત્યકિ તેમને અનુસર્યા. હવે તેઓ જંગલની કિનારી પાસે આવી ગયા. દૂર એક ટેકરી પર તાપણું બળતું હતું. તેના ભડકા પિશાચની આંખ જેવા ઊંચાનીચા થતા હતા. કૃષ્ણે માહિતી આપી : “એ નાકાબારીનું થાણું છે. આપણે તેને ઘસાઈને જમણી તરફ જવું પડશે. સાવધાન રહેજો." ત્રણ જણ ગાઢ ઝાડીમાંથી ખુલ્લી જમીન પર આવી ગયા. એ જ ઘડીએ પવન ફૂંકાવા લાગ્યો. થોડી વાર પહેલાં જ્યાં સૂનકાર હતો ત્યાં કોઈ વેતાળ સપાટા બોલાવતો નીકળી પડ્યો. અંધકાર હવે સીસા જેવું આકાશ નહોતો રહ્યો. વૃક્ષો પણ રાક્ષસોની અડોલ કાયા જેવાં નહોતાં રહ્યાં. હવે અંધકાર વેગથી ધસતું વિકરાળ પ્રાણી બની ગયો. કાળો ધોધ બની ગયો. સૂસવતો સાપ બની ગયો. કૃષ્ણ જમીન પર સૂઈ ગયા. ધરતીને કાન અડાડી સાંભળવા લાગ્યા. એકદમ ઊભા થઈ કહ્યું : “દોડો! દોડો! કોઈ ઝાડ પર ચડી જઈએ જલદી.” ત્રણે દોડ્યા. નજીકના આંબલીના ઝાડ પર ચડી ગયા. કૃષ્ણે કહ્યું : "એક માદા અને બે બચ્ચાં દક્ષિણ તરફથી આવે છે. તેની પાછળ ભારે શરીરવાળું પ્રાણી પડ્યું છે.” “તમને ખબર કેમ પડી?” સાત્યકિએ પૂછ્યું. “એ શબરવિદ્યા છે. શબરો માત્ર તીરકામઠાંથી જ જંગલમાં પોતાની રક્ષા કરે છે? ના, જંગલમાં એમ જીવી શકાતું હોત તો શું જોઈએ? આપણે જંગલથી દૂર ગયા તેમ આવી શક્તિઓ પણ ગુમાવી બેઠા છીએ. સંસ્કૃતિએ સગવડ વધારી, સુખ વધાર્યું, પણ સાથે પ્રાણશક્તિ ક્ષીણ કરી, પરાધીનતા પણ વધારી. આ શબરવિદ્યા આપણી પાસે અત્યારે ન હોત તો—” કૃષ્ણ વાક્ય પૂરું કરે ત્યાં શ્વાસભેર છલંગો મારતી સાબર માદા આંબલી નીચે આવી ઊભી રહી. તેની સાથે બે બચ્ચાં હતાં. ભયભીત પણ સાવધ, ઘ્રાણથી દિશા માપતાં, પગથી ધરતી ખૂંદતાં. એક તીવ્ર નજર ચારે તરફ દોડાવી માદા છલંગ મારતી નાઠી. બચ્ચાં પાછળ કૂદકો મારતાં દોડ્યાં. પવનના સુસવાટામાં દાંત પરોવતું હોય એવું બિહામણું હાસ્ય સંભળાયું. કૃતવર્મા કૃષ્ણની નજીક ભરાયો. સાત્યકિના શરીરમાંથી કંપારી પસાર થઈ ગઈ. આવું હાસ્ય! કોનું હશે? પિશાચની હસ્તી હશે? ને એ આ તરફ આવતો હશે? અંધકારમાં આંખો તાણતાં પણ કાંઈ સૂઝે તેમ નહોતું. “એ સિંહનો છડીદાર, જરખ છે.” સાબરની દિશા સાંધી ખી ખી ખી કરતા જરખે દોટ મૂકી અને અંધકારનું હાડેહાડ ધ્રુજાવી મૂકતી ત્રાડ સંભળાઈ. વૃક્ષ નીચે જ સિંહ આવી ઊભો રહ્યો. સ્પષ્ટ દેખાતું નહોતું. પણ તારોડિયામાં જે આકૃતિ ઊપસી આવી તે મહાવીરોના હૃદયના પણ ધબકારા વધારી દે તેવી હતી. ક્ષણવાર બે સલગતી ઉલ્કા આ ત્રણેને દઝાડતી હોય એમ સિંહની આંખો ઉપર ઊઠી. ઘેરો ઘર્ઘરાટ સંભળાયો. પણ સાબરની ગંધ એટલી મોહક હતી કે સિંહ છલંગ મારતો રવાના થઈ ગયો. હવે વૃક્ષ પરથી ઊતરવું મુશ્કેલ બની ગયું. કૃષ્ણે કૃતવર્મા અને સાત્યકિને હડબડાવી કહ્યું : “પેલી ટેકરી આપણને બોલાવે છે, ચાલો!” મોટાં યુદ્ધો ખેલતા મહારથીઓને પણ આ અંધારી રાતનું જંગલ વધારે આકરું રણમેદાન લાગ્યું. તેઓ ટેકરી તો સલામત રીતે પસાર કરી ગયા, અને ટેકરી પાછળ વહેતી નદીના પટમાં આવી ચડ્યા. અંધારી રાત, અજાણી નદીનો પ્રવાહ અને ઊંચીનીચી ડરામણી શિલાઓ. કૃતવર્માએ પૂછયું : “નદી ઊંડી છે, વાસુદેવ, તરીને જવું પડશે? અંદર મગરો તો નહીં હોય ને?” સાત્યકિએ કછોટો ભીડતાં કહ્યું : “હવે મગર હોય કે મોત, જવું એટલે જવું.” કૃષ્ણે કહ્યું : “આપણે નદીને કિનારે કિનારે અરધો ગાઉ નીચાણમાં જઈશું. ત્યાં એક વાંઘામાં ઉતરાણ સહેલું છે.” રેતાળ પટમાં શિલાઓ વચ્ચે માર્ગ કાઢતા ત્રણે આગળ વધ્યા. પવન થોડો પડી ગયો હતો, પણ હવે ઠંડીએ તેની સાથે હાથ મિલાવ્યો હતો. નદીમાં પાણી પીવા આવતાં અને નાસી જતાં પ્રાણીઓનો અવાજ સંભળાતો હતો. નજીકમાં જ કોઈ ઘવાયેલા પ્રાણીની કરુણ ચીસો સંભળાઈ ને અંધકારમાં ડૂબી ગઈ. કૃષ્ણે કહ્યું : “કોઈ નીલ ગાયનું આયુષ્ય પૂરું થયું.” પછી કહ્યું : ‘આ વિસ્તારમાં દીપડાઓ ઘણા છે. તેમનાથી ખાસ સાવચેત રહેવા જેવું છે. રીંછ પણ છે. પણ એ શૂરવીરો છુપાઈને હુમલો નથી કરતા, અને દબાતે પગલે આવતા નથી. એ ઘેઘે કરતા દૂરથી આવે છે ત્યાં જ ઓળખાઈ જાય છે.” “આવી અંધારી રાતે?” કૃતવર્માએ પૂછ્યું. “આંખોને જરા તાલીમ આપી હોય તો.” કૃષ્ણે કહ્યું. સાત્યકિનું ધ્યાન ત્યારે વાદળાં વગરના આકાશમાં ઝળકતાં નક્ષત્રો પર હતું. સુવર્ણપુરીની દીપમાળાઓ તેને પહેલી વાર સાવ વામણી લાગી. તેણે કૃષ્ણને પૂછ્યું : “માધવ, આ અગાધ અંધાર, આ અનંત નક્ષત્રો, શું હશે આ બધું?” કૃષ્ણે હસીને કહ્યું : “જાંબવાનની પડછંદ કાયા, અને આપણાં આ પગલાં.” “અને તમારી દૃષ્ટિ પણ.” સાત્યકિએ ઉમેર્યું. કૃતવર્માની નજર એક શિલા પર મંડાઈ હતી. રીંછ હશે તો? આવી વધારે શિલાઓ માથું બહાર કાઢવા માંડી. નદીનો પટ અહીં સાંકડો થઈ ગયો હતો. ત્રણે સહેલાઈથી પાર કરી ગયા. ફરી ચડાણ શરૂ થયું. આછાપાંખા જંગલમાં એક કેડી મળી ગઈ. ઋક્ષ લોકો છૂટાછવાયા કસબાઓમાં વસતા હતા. બળતાં તાપણાં અને કૂતરાના અવાજથી વસ્તીનો ખ્યાલ આવી જતો. ત્રણે વીરો સાવધાન બની જતા. અંધકારની યાત્રા ખૂટશે જ નહીં એમ લાગતું હતું તે આખરે ખૂટી અને જોરશોરથી વાગતા નગારાના અવાજમાં ઘૂમરી ખાવા લાગી. આ નગારું નહોતું વાગતું, તેના પડછંદા નહોતા પડતા. પણ કાળમીંઢ ખડકો છાતી ઠોકીને એકબીજાને આહ્વાન કરતા હતા. કૃષ્ણે કહ્યું : “જાંબવાન રુદ્રનો મહાભક્ત છે. આ અમાસની રાત્રિએ તેનું નૃત્ય ચાલતું લાગે છે. આવો અપૂર્વ અવસર મળ્યો છે તો બરાબર જોવાનું ચૂકશો નહીં." કોઈ રંગમંચ પર જતા હોય એમ કૃષ્ણ પહાડ ચડવા માંડ્યા. આ તે કોઈ નૃત્ય જોવાનો અવસર છે! — કૃતવર્મા અને સાત્યકિ બન્નેને થયું. પહાડની ઊંચાઈ બહુ નહોતી પણ ચડાઈ આકરી હતી. લાંબો વળાંક લઈ ગુફાની ટોચ તરફ કૃષ્ણ ચડવા લાગ્યા. એને ગુફાને બદલે વિશ્વકર્માનો મંડપ ગણી શકાય. પવન, વર્ષા, વીજળીના ટાંકણાથી યુગો સુધી મહેનત લઈને આ પહાડી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અત્યંત સાવધાનીથી ત્રણે ઉપર ચડતા ગયા તેમ ગુફા, તેની આગળનું ચોગાન અને ચોગાનમાં બળતી મશાલો વચ્ચે નાચતા ઋક્ષ લોકો નજરે પડ્યા. કૃષ્ણ ઘડીભર થંભી નીરખી રહ્યા. ગુફા આગળના ચોગાનમાં ત્રીસેક સ્ત્રીપુરુષો ઉદ્દામ વેગથી ગોળાકારે ઘૂમતાં હતાં. પુરુષોના હાથમાં ભાલાં ચમકતાં હતાં, સ્ત્રીઓના હાથમાં રાનકરેણની ફૂલડાળખીઓ હતી. ઋક્ષોનાં કાળાં ઉઘાડાં શરીર પર મશાલોનું તરલ અજવાળું પડતું હતું અને તેમના નૃત્યને એક અપાર્થિવ ઝલક ને ગતિ આપતું હતું. સહુની વચ્ચે જાંબવાન તરી આવતો હતો. તેણે રીંછનું ચામડું કમરે વીંટાળ્યું હતું. તેના જમણા હાથમાં ભાલો હતો, ડાબા હાથમાં ડમરુ. નગારાનો ઘોષ વચ્ચે ધીમો પડતો, ત્યારે જાંબવાનનો ડમરુનાદ ઘેરો બની ઘૂમવા લાગતો. તે સાથે નૃત્યની ગતિ વધી જતી. માત્ર સ્ત્રીપુરુષોનું વૃન્દ જ નહોતું ઘૂમતું, સમગ્ર વાતાવરણ કોઈ માદક વેગમાં, તાનમાં, મસ્તીમાં ઘૂમતું હતું. અહીં પહાડની જડ શિલાઓ જાણે અચાનક પ્રાણ ધરી તાલબદ્ધ ઊછળતી, કૂદતી, ગર્જતી નાચવા લાગી હતી. કૃષ્ણને તેમની વચ્ચે કૂદી પડી નાચવાનું મન થઈ ગયું. પણ મનને કાબૂમાં લઈ તેમણે કહ્યું : “તમે આ પથ્થર આડે બેસીને હું હવે જે કરું તે જોતા રહો. હું પડી જાઉં તો જ મદદે આવજો.” નૃત્યની ગતિ જરા મંદ પડી કે તરત જ કૃષ્ણે નીચે દોટ મૂકી અને વર્તુળ વચ્ચે ઘૂસી જઈ ત્રાડ પાડી. જાંબવાન અને ઋક્ષ સ્ત્રીપુરુષો આ અચાનક હલ્લાથી ઘા ખાઈ ગયા. કૃતવર્મા અને સાત્યકિ છૂપી જગ્યાએ વીરાસન વાળી બેઠા. કૃષ્ણે જાંઘ ઠોકી જાંબવાનને પડકારતાં ઋક્ષ લોકોની બોલીમાં કહ્યું : “જાંબવાન, તેં રુદ્રને ઘણા બલિ ચડાવ્યા છે. આજ કાં તું બલિ બન, કે મને બનાવ. હું દ્વન્દ્વયુદ્ધ માગું છું.” કૃષ્ણ પર તૂટી પડવા માગતા પોતાના માણસોને જાંબવાને એક હાક મારી અટકાવ્યા. તે કૃષ્ણની સામે આવી ઊભો રહ્યો. આમ અણધાર્યા ટપકી પડેલા નરવીરને નીરખીને જોયો. પછી અટ્ટહાસ્ય કરી બોલ્યોઃ “બલિદાનને સમયે જ તને રુદ્રે મોકલ્યો લાગે છે. આવી જા!” કોઈ વાગ્યુદ્ધમાં પડ્યા વિના બંને ભુજાઓ થાબડી, ખભા ઠોકી સામસામે આવી ગયા. ઋક્ષોએ દૂર ખસી જઈ માર્ગ કરી આપ્યો. ચોગાનની કિનારી પાસે ઊભા રહી તેઓ કોઈ ભવ્ય રૌદ્ર સ્વપ્ન જોતા હોય એમ આ યુદ્ધ જોઈ રહ્યા. યુદ્ધના પ્રારંભમાં જ જાંબવાનને ખબર પડી ગઈ કે પ્રતિસ્પર્ધી કુસ્તીના દાવપેચમાં કુશળ છે. બળમાં પણ કાંઈ કમ નથી. મુક્કાનો પ્રહાર કરે છે ત્યારે હાડકાં પાંસળાં ખોખરાં કરી નાખે છે. ભયંકર યુદ્ધ જામ્યું. કૃતવર્મા અને સાત્યકિએ કૃષ્ણને ઘણાં રણમેદાનોમાં પરાક્રમ દાખવતા જોયા હતા. પણ રુદ્રની પ્રચંડમૂર્તિ જેવા જાંબવાન સામેનું આ યુદ્ધ રૂંવાડા ખડાં કરી દે તેવું હતું. સામસામે ચટ્ટાનો ટકરાય એમ બંને ટકરાતા હતા. પહાડી ધોધની જેમ ઊછળતા હતા. બેમાંથી એકેય મચક નહોતો આપતો. મીણ નહોતો ભણતો. આ મલ્લયુદ્ધ ચાલ્યા જ કરશે? બંનેના પડકારથી પાષાણ કંપતા હતા. અચાનક જાંબવાનની પકડમાં કૃષ્ણની કમર આવી ગઈ. તેણે બળ કરી તેમને ઉપાડીને પૃથ્વી પર પટક્યા. કમરમાં ગોઠણ ભરાવી તે કૃષ્ણને દબાવવા જાય ત્યાં અત્યંત ચપળતાથી કૃષ્ણ છટકી ગયા અને જાંબવાન સાવધ બને તે પહેલાં તેના લમણામાં મુક્કો લગાવ્યો. જાંબવાનને તમ્મર આવી ગયાં. તે સચેત બની સામો ધસી આવ્યો. પણ કૃષ્ણે પગમાં આંટી મારી તેને ધક્કો માર્યો. તે પોતાના જ વેગથી દૂર ઊભેલા ઋક્ષો વચ્ચે જઈ પડ્યો. જંગલનું કોઈ તોતિંગ વૃક્ષ પડે તેમ એ પટકાયો. ઋક્ષ યોદ્ધાઓ કૃષ્ણને ભાલાંથી વીંધી નાખવા ધસી આવ્યા. ત્યાં જાંબવાનની હાક સંભળાઈઃ “થોભો!” યોદ્ધાઓ અર્ધ ચન્દ્રકારે કૃષ્ણ સામે ભાલાં તાકી ઊભા રહ્યા. કૃતવર્મા, સાત્યકિના શ્વાસ અધ્ધર ચડી ગયા. કૂદી પડવું કે નહીં તેનો એ વિચાર કરતા હતા ત્યાં જાંબવાનનો ફરી અવાજ સંભળાયો : “હટો!" યોદ્ધાઓ ભાલાં ઊંચા કરી દૂર ખસી ગયા. જાંબવાન કૃષ્ણ પાસે આવ્યો. ટીકી ટીકીને જોઈ રહ્યો. મોઢું પહોળું કરી બોલ્યો : “તું કાળિયો યાદવ તો નહીં?” કૃષ્ણે માથું હલાવી હા પાડી. જાંબવાન ખુશ ખુશ થતો પોતાના લોકોને કહેવા લાગ્યો : “અરે, આ તો કાળિયો યાદવ છે, પ્રસેનનો ભાઈ. પ્રસેને તમને બધાને એના વિષે વાતો નથી કરી? લો, આ તો ત્યારે પેલો કાળિયો યાદવ જ.” ‘પ્રસેનનો ભાઈ’ એ શબ્દોએ કામણ કર્યું. ઋક્ષ લોકોના ચહેરા પર આનંદ છવાઈ ગયો. જાંબવાને કહ્યું : “તારી વીરતાની વાતો પ્રસેન પાસેથી ઘણી સાંભળી છે. આજે પારખું થઈ ગયું. શાબાશ!” કૃષ્ણે કહ્યું : “મારા બે ભાઈ પણ સાથે આવ્યા છે, તારી મહેમાનગીરી માણવા.” કૃષ્ણે તાળી પાડી ઇશારો કર્યો. કૃતવર્મા અને સાત્યકિ આવ્યા. મારામારીને બદલે આમ ભાઈચારામાં વાતાવરણ પલટાઈ ગયું જોઈ તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. મણિની ચોરી કરવા આવ્યા હતા ને ત્યાં આ ખુલ્લંખુલ્લાં યુદ્ધ? અને આવા ભીષણ યુદ્ધને અંતે ભાઈબંધી! કૃષ્ણની કોઈ ચાલ તેમની સમજમાં નહોતી આવતી. બંને નજીક આવ્યા એટલે જાંબવાન તેમને સામે ચાલી ભેટ્યો. પછી તો ભારે ઉત્સાહ સાથે રુદ્રને પશુબલિ આપવામાં આવ્યો. માંસ, જંગલી ફળો અને મદ્યની મિજબાની જામી પડી. કૃતવર્મા અને સાત્યકિએ સારી પેઠે હાથ માર્યો. કૃષ્ણે થોડાં કેળાં ને મધ લીધું. જાંબવાને પૂછ્યું : “કેમ? કેમ તું કાંઈ ખાતો નથી કાળિયા યાદવ?” “હું રુદ્રની પૂજા આ રીતે કરું છું, થોડાં ફળ ખાઈને.” “તું રુદ્રને પૂજે છે?” “હા, રુદ્ર મારો ભગવાન છે. પણ તારી જેમ મારી પાસેથી બલિ નથી માગતો.” "શું વાત કરે છે, કાળિયા યાદવ? તું રુદ્રને બલિ નથી ચડાવતો અને છતાં રુદ્ર તારા પર પ્રસન્ન રહે છે?” “હા, સદાય પ્રસન્ન.” “તું રુદ્રને પ્રસન્ન કરવા શું કરે છે?” “બળવાન સાથે બાથ ભીડું છું, નબળાંને સતાવતો નથી, નબળાંનો ભોગ તો લેતો જ નથી.” જાંબવાન મોટેથી હસી પડ્યો, બોલ્યો : “એટલા માટે જ તું અહીં આવ્યો? તારી પૂજા કરવાની રીત મારે શીખવી પડશે.” રાત આમ જ વીતી. પછી નાચગાનથી થાકેલા અને મદ્યપાનથી ચકચૂર ઋક્ષો પોતપોતાની જગ્યાએ જઈ સૂવા લાગ્યા. કૃષ્ણ, કૃતવર્મા અને સાત્યકિ માટે પરાળ માથે મૃગચર્મ બિછાવીને ગુફામાં જ પથારી કરવામાં આવી. ત્રણે પથારીમાં પડ્યા ને ઘસઘસાટ ઊંઘી ગયા. જાગ્યા ત્યારે સૂર્ય માથે આવી ગયો હતો. ગુફાના અંદરના પેટાળ સુધી પ્રકાશની નદી દોડી આવી હતી અને તેના પ્રવાહમાં તો બીજાં દ્વાર પણ અંદર દેખાઈ આવતાં હતાં. આ ગુફા વિશ્વકર્માએ રચેલા માત્ર મંડપ જેવી જ નહોતી. માનવીએ તે રચનામાં હાથ મિલાવીને તેને ભુલભુલામણીયે બનાવી દીધી હતી. ભયની સામે કોઈ નાઠાબારી ન ઉઘાડે તો માનવી નહીં અને બરાબર ભયના ભમ્મરિયા કૂવામાં ન ઝંપલાવે તો તે માનવી નહીં. કૃતવર્માએ કૃષ્ણને પૂછ્યું : “વાસુદેવ, તમે તો કહેતા હતા ને કે આપણે મણિ ચોરવા જઈએ છીએ? તમે તો અહીં આવી દ્વંદ્વયુદ્ધ માંડ્યું!” કૃષ્ણે કહ્યું : “મારું તો એવું જ છે. કોઈ વસ્તુ ન કરી શકાય એવી લાગે એટલે કર્યા વિના રહેવાતું નથી. જાંબવાનની કાયા જોઈ ગઈ કાલે થયું, આની સામે તો લડી ન શકાય! એટલે પછી લડવા માટે કૂદી પડ્યો.” “પણ તમને આ લોકોની ભાષા ક્યાંથી આવડી? અને માર્ગની આટલી રજેરજ માહિતી?” “એક યાદવ જાણે, તે બીજો જાણી શકે છે. તમે કોઈ દિવસ પ્રસેન પાસેથી કાંઈ જાણવા પ્રયત્ન કર્યો છે? પણ શા માટે કરો? તમે બધાએ તો એને ગાંડિયો ગણી કાઢ્યો હતો. મારે મન તે આપણામાં સહુથી મેધાવી હતો." “હા, આપણે તેની ભાળ કાઢવી પડશે.” વચ્ચે સાત્યકિ બોલી ઊઠ્યો. પણ ત્યાં મણિ યાદ આવી જતાં ઉમેર્યું : “હવે મણિ મળશે કેવી રીતે?” “જાંબવાન પાસે હશે તો જરૂર મળશે.” કૃષ્ણે કહ્યું. “મણિ તો મળશે, પણ પ્રસેન જેવો પ્રસેન આપણે ખોઈ બેઠા હોઈશું.” “કેમ, તમને એવું શાથી લાગ્યું?” કૃતવર્માએ પૂછ્યું. “પ્રસેન હોય તો રુદ્રના આવા નૃત્યગાન વખતે હાજર થયા વિના ન જ રહે. અને આપણને ખબર છે, દ્વારિકા તો તે નથી આવ્યો.” કૃષ્ણ બેઠા થઈને, આડા પડેલા કૃતવર્મા અને સાત્યકિ સાથે વાતો કરતા હતા ત્યાં ગુફાની અંદરના બારમાં આવી એક છોકરી ઊભી રહી. તેણે કમરે ઘૂંટણ સુધી લટકતું રીંછનું ચામડું પહેર્યું હતું. માથે જંગલી ફૂલોની માળા ઊંચા બાંધેલા વાળ પર વીંટાળી હતી. સીસમમાંથી કંડારેલી મૂર્તિની જેમ તે બારણામાં ઊભી રહી. કૃષ્ણ સામે નીરખીને જોઈ રહી. કૃષ્ણની નજર ગઈ. તેમને યાદ આવ્યું કે યુદ્ધ પૂરું થયા પછી આ છોકરી પોતાની સામે વારંવાર જોઈ રહી હતી. કૃષ્ણની નજર પડતાં તે મંદ હસી, નજીક આવી અને કૃષ્ણના ગળામાં પીળી કરેણનાં ફૂલોની માળા પહેરાવી ચાલી ગઈ. કૃતવર્મા અને સાત્યકિ બેઠા થઈ ગયા. આ વળી શું? કૃષ્ણ પણ કાંઈ સમજી ન શક્યા. ત્યાં જાંબવાને ગુફામાં પ્રવેશ કર્યો. કૃષ્ણ સામે આશ્ચર્યથી જોઈ બોલ્યો : “અરે, તને આ માળા કોણે પહેરાવી?” “એક છોકરી આવીને પહેરાવી ગઈ.” જાંબવાને હાક મારી કહ્યું : “બેટા જાંબવતી, અહીં આવ.” પેલી છોકરી આવી. તેની ચાલ પરથી જ જાંબવાન સમજી ગયો. કૃષ્ણના વાંસામાં ધબ્બો મારી બોલ્યો : “ઓત્તારી, કાળિયા યાદવ, આ છોકરીએ જ તને માળા પહેરાવી છે. ને! કૃષ્ણ મૂક હા ભણી, બંને સામે વારાફરતી જોવા લાગ્યા. જાંબવાને ગુફા ગજાવી મૂકતું હાસ્ય કરી કહ્યું : “કાળિયા યાદવ, આ છે મારી દીકરી જાંબવતી, તને એણે પસંદ કર્યો છે વરવા માટે.” કૃતવર્મા અને સાત્યકિ આ અકલ્પનીય ધડાકાથી ચક્કરમાં પડી ગયા. કૃષ્ણે પેલી છોકરી સામે જોઈ જાંબવાનને કહ્યું : “મારે કોઈ માળા પહેરાવવાની છે? હોય તો લાવો.” જાંબવાન જોર જોરથી હસવા લાગ્યો. જાંબવતી હસતી હસતી અંદર ચાલી ગઈ. કૃષ્ણે અવકાશ મળતાં જ પ્રસેન વિષે જાંબવાનને પૂછ્યું. કોઈ સ્વાભાવિક ઘટનાની વાત કરતો હોય એમ તેણે કહ્યું : “પ્રસેનને સિંહ ખાઈ ગયો. એ બુઢ્ઢો સિંહ, બોખો સિંહ, હું તેને ઓળખું છું. પ્રસેને તેના માટે સારું કામ કર્યું.” કૃષ્ણના ચહેરા પર વિષાદ છવાઈ ગયો. જાંબવાને તે જોઈ કહ્યું : “આવી અચ્છી વાતમાં નારાજ થઈ ગયો, યાદવ, આપણે એકબીજાના કામમાં આવીએ તેના જેવી અચ્છી વાત બીજી કોઈ નથી, કોઈ જ નથી. હું સિંહ કે સાબર પર તીર ફેંકતાં કહું છું, આજે તું મારા કામમાં આવજે, કાલે હું તારા કામમાં આવીશ. તું સિંહ છો ને આ જંગલમાં તારો કોળિયો બનતાં મને મોજ આવશે. તું સાબર છો ને, આ માટીમાં દટાઈ તારે માટે હું ઘાસ થઈ ઊગીશ. પ્રસેન બહુ સારી રીતે ખપમાં આવી ગયો. પેલો બુઢ્ઢો બહુ બીમાર, અશક્ત, અપંગ હતો.” કૃષ્ણના હોઠ પર કોઈ શબ્દ ન આવ્યો. થોડી વારે તેમણે પ્રસેન અને સ્યમંતક મણિ વિષે બધી વાત કરી. પોતાનું આગમન શા માટે થયું છે, તે પણ કહ્યું. જાંબવાને તરત જ કહ્યું : “હા, હા. પ્રસેન એક ચળકતો પથ્થર લાવ્યો તો હતો, પણ એ તો છોકરાંને રમવા આપી ગયો છે. જાંબવતીને ખબર હશે.” જાંબવાને બૂમ મારી કહ્યું : “અરે બેટા, તને ખબર છે પેલા ચળકતા પથ્થરની? પ્રસેન લાવ્યો હતો તે?” જાંબવતીએ કહ્યું : “એવા તો ઘણા પથ્થર પડ્યા છે છોકરીઓના સમૂહવાસમાં લઈ આવું?” “ના રે, એ બધા તું અહીં ક્યાં લાવીશ? આ તારા વરને ત્યાં લઈ જા. બધા પથ્થર બતાવજે. તેનો હશે તે ઓળખી લેશે.” પછી કૃષ્ણને પૂછ્યું : “પણ આવા માલ વગરના પથ્થર માટે તેં આટલું સાહસ ખેડ્યું?” “અમારે ત્યાં વસ્તુ જેમ માલ વગરની તેમ તેનું મૂલ્ય વધુ ગણાય છે.” કૃષ્ણે જવાબ આપ્યો. જાંબવાનને એટલું હસવું આવ્યું કે તેની આંખોમાં પાણી આવી ગયાં. કૃષ્ણ જાંબવતી સાથે ગયા. વાટમાં પૂછ્યું : “હું તો દ્વારિકાનગરીમાં જઈશ. ત્યાં તો પહાડ, જંગલ, ઝરણાં કે વનપંખી નહીં હોય. તને ગમશે, જાંબવતી?” “તું હોઈશ ત્યાં મને ગમશે.” “પણ મારે તો વારંવાર બહાર જવું પડશે.” “તારી સાથે આવીશ, નહીં તો તારી વાટ જોઈશ.” કૃષ્ણે જોયું કે આ જંગલની કન્યામાં કૃત્રિમ લજ્જા નથી, તેમ પ્રેમને નામે ઓળખાતો ઉન્માદ પણ નથી. કૃષ્ણે તેને પૂછ્યું : “તેં મને શા માટે પસંદ કર્યો?” “તું ગમી ગયો એટલે.” પછી કૃષ્ણનો હાથ પકડી રસ્તા વચ્ચે ઊભી રહી જઈ બોલી : “તમારા લોકોમાં બહુ પૂછવાની ટેવ હોય છે?” કૃષ્ણ પછી એક શબ્દ બોલી ન શક્યા. ચૂપચાપ ભર્યા આનંદથી તે જાંબવતી સાથે ચાલવા લાગ્યા. કન્યાઓના સમૂહવાસમાં ટોપલા ભરીને રંગબેરંગી પથ્થરો, શૃંખલાં, છીપલાં અને ચળકતા પથ્થર પડ્યા હતા. તેમાંથી સ્યમંતક મણિ મળી ગયો. કૃષ્ણે મનોમન કહ્યું : કોઈ વાર દ્વારિકાની રાજરાણીઓને અહીં લઈ આવીશ, અને આ બધું બતાવીશ — જાંબવતીની નજરે. કૃષ્ણે જાંબવતી સાથે દ્વારિકામાં પ્રવેશ કર્યો. કૃતવર્મા અને સાત્યકિએ યાદવસભામાં કૃષ્ણની પરાક્રમગાથા વર્ણવી બતાવી. પ્રસેનના મૃત્યુની માહિતી આપી. સભામાં આનંદ અને અફસોસ વ્યાપી ગયાં. ભરી સભામાં સત્રાજિતને મણિ પાછો આપવામાં આવ્યો. સત્રાજિત શરમનો માર્યો અરધો થઈ ગયો. તેણે વિનતિ કરી : “વાસુદેવ, આ મણિ તમે જ રાખો. તમે જીવને જોખમે તે પાછો લાવ્યા છો. એ તમારો જ છે. મારાં હીન વચનો માટે મને માફ કરશો.” કૃષ્ણે કહ્યું : “તમે એ મણિ રાખો, સત્રાજિત, પણ હવે તેનું પ્રદર્શન કદી ન કરશો. તમારી પાસે મેં મણિ માગ્યો ત્યારે મારા મનમાં દ્વારિકાનું હિત જ હતું. આજે પણ દ્વારિકાનું જ હિત મારે હૈયે છે. આ હીરા, મોતી, માણેકથી યાદવોનાં ઘર ઊભરાય છે. ભલે ઊભરાય. પણ યાદવોનું જિગર તેનાથી મોટું હોય એમ હું માગું છું.” યાદવનાયકો એકબીજા સામે જોવા લાગ્યા. તેમનાં વસ્ત્રો, આભૂષણો, ચંદનલેપમાંથી લાલસાની દુર્ગંધ આવતી હતી. સુગંધી દ્રવ્યોથી આખું વાતાવરણ મઘમઘતું હતું અને છતાં ક્યાંક અદોદળું, ગેગેલું, કીડાથી ખદબદતું શબ — આ સભા વચ્ચે જ પડ્યું હતું. કૃષ્ણે પ્રેમથી ભરી ભરી કરુણાનું જળ છાંટતાં કહ્યું : “બંધુઓ, સ્યમંતક મણિ તો દ્વારિકામાં પાછો આવ્યો છે, પણ આપણો પ્રસેન પાછો નથી ફરી શક્યો, એનો ભારે અફસોસ છે. આજે પ્રસેન હોત તો આ મણિ કરતાં ક્યાંયે વધારે પ્રકાશ તમને એ બતાવી શકત. આપણા જુવાનોમાં આવા પથ્થરનો ઝગમગાટ નહીં પણ પ્રસેનના પ્રાણનો વૈભવ ફેલાય એ મારી ઝંખના છે.” પ્રસેન વિષે સભામાં વાતો ચાલી. સત્રાજિતનું મન વ્યથાથી ઊભરાઈ જતું હતું. ભાઈનું મૃત્યુ અને કૃષ્ણનો દ્રોહ એ બન્ને વચ્ચે તેનું હૃદય ચિરાઈ જતું હતું. ભાઈ તો ગયો. કૃષ્ણને પ્રસન્ન કરવા એ શું કરી શકે? તેણે ફરી ઊભા થઈ કહ્યું : “વાસુદેવ, મારી એક વિનતિ સ્વીકારશો?” સહુના કાન સત્રાજિત ભણી મંડાયા. “મારી એક વિનતિ માન્ય રાખો, વાસુદેવ, મારી કન્યા સત્યભામાનું તમે પાણિગ્રહણ કરશો તો મારા અંતરને શાંતિ થશે.” આખી સભામાં આનંદનું મોજું ફરી વળ્યું. માણસની એક આંખમાં મૃત્યુનો ઓછાયો વસે છે તો બીજી આંખમાં જીવનનો ઉજાસ. સત્યભામાનું નામ સાંભળતાં કાળી રાતમાં જાણે એક દીપશિખા પસાર થઈ ગઈ. સુંદરતા અને તેજસ્વિતા તો સત્યભામાના નામ સાથે વણાઈ ગઈ હતી. અને કૃષ્ણ! કદાચ સત્યભામાનું આટલું બધું સૌન્દર્ય ને તેજ આ નીલઘન આકાશ રામું વ્યક્તિત્વ જ ઝીલી શકે. યાદવોએ હર્ષના પોકાર કરી સત્રાજિતની આ વાતને વધાવી લીધી. કૃષ્ણનાં સત્યભામા સાથે લગ્ન થયાં. અને પછી તો યમુનાતીરની તપસ્વિની કાલિન્દી, અવન્તીના રાજાઓ વિન્દ ને અનુવિન્દની બહેન મિત્રવિન્દા, કોસલ દેશના રાજાની કન્યા સત્યા, ફોઈ શ્રુતકીર્તિની દીકરી ભદ્રા, મદ્રદેશના રાજાની પુત્રી લક્ષ્મણા સાથે કૃષ્ણે લગ્ન કર્યાં. આમ અષ્ટ પટરાણીઓથી કૃષ્ણનું અંતઃપુર ગહેકવા ને ગાજવીજ કરવા લાગ્યું. કૃષ્ણનાં લગ્નની વાત નીકળતાં એક વાર બલરામે કહ્યું હતું : “રેવતી, આપણો નાનકો લડાઈમાં કે લગ્નમાં ના પાડવાનું સમજ્યો જ નથી." કૃષ્ણે હસીને જવાબ આપ્યો હતો : “મોટા, આ જગતની અષ્ટ દિશાઓ છે ને, એ મારી અષ્ટ પટરાણી છે. હું માત્ર વ્યક્તિ સાથે જ લગ્નનો સંબંધ નથી જોડતો, એ વ્યક્તિના પ્રદેશ સાથે, સમાજ સાથે, સંસ્કૃતિ સાથે પણ હું સંબંધ બાંધું છું.” પછી રેવતી તરફ જોઈ પ્રફુલ્લ કંઠે કહ્યું : “અને ભાભી, હવે કોઈ દિશા બાકી રહી હોય, કોઈ પ્રદેશ બાકી રહ્યો હોય, એ પાતાળ હોય કે સ્વર્ગ, માત્ર તેમાં કોઈ સારું ઠેકાણું હોય તો બતાવજો. આપણને વરરાજા બનીને જવામાં વાંધો નથી.” રેવતી હસી પડી, પછી ખોટી ગંભીરતા ધારણ કરી બળરામને કહ્યું : “રામ, આપણે ગોપાલ માટે હવે કોઈ અપ્સરા કે નાગકન્યા લાવવી પડશે. એના કોડ આપણે પૂરા કરવા જોઈએ.” પછી કૃષ્ણ સામે જોઈ કહ્યું : “અને અમને કેટલી ભાષાનાં લગ્નગીતો - ને ભેળાં ફટાણાં સાંભળવા મળશે! એ કાંઈ ઓછો લાભ છે!”