માડી મને સાંભરે રે/દીવામાના ઓરતા આવશે
દીવામાના ઓરતા આવશે
નીરવ પટેલ
૧૯૬૬માં ગામ છોડી શહેરમાં આવ્યો. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં દાખલ થયો. ને જાણે કે ભુલભુલામણીમાં પડી ગયો. બસ, ત્યારથી જ દીવામાને ભૂલી જવાની શરૂઆત થઈ હશે. પછીનાં વર્ષોમાં મા ધીમે ધીમે ભુલાતી ગઈ, ભુલાતી ગઈ ને એક દિવસ માને સદંતર ભૂલી ગયો. એટલી ભુલાઈ ગઈ કે જાણે માને મરી ગયે વર્ષો થઈ ગયાં ! ને બદલામાં શહેરની, શેરીની, રસ્તાની, ફિલ્મની કે નવલકથાઓની સ્રીઓ યાદીમાં ઊભરાવા લાગી. વર્ષો વીતતાં ગયાં, વીતતાં ગયાં ને ૧૯૭૫ની રાતોમાં–મધરાતોમાં મા અચાનક યાદ આવવા લાગી. માની એવી તીવ્ર યાદ આવી કે એને શોધવા સાત સમંદર પાર કે આઠમા આકાશ લગી જવું પડે તોય જાઉં. પણ મા એટલે આઘે નહિ, આટલામાં જ હતી. ગામડે, ગમાણે, ખેતરે, પાધરે, કૂવે-તળાવે, વાડે-વગડે, ઝાળ તળે, સૂરજ હેઠળ, વરસાદમાં, ટાઢમાં બસ, એટલામાં જ હતી મારા જનમથીય પહેલાંની. મને હજી એટલા જ, કદાચ એથી પણ વિશેષ વહાલથી યાદ કરી કરીને વાગોળતી હતી... થતું કે એકીદોટે ગામભેળો થઈ જાઉં, માના ખોળામાં જઈ પડું ને કહી દઉં કે મા, મને શહેર સદતું નથી, મને આ દુનિયા સદતી નથી, મને આ મનેખ સદતાં નથી, મને તારી કૂખમાં પાછો સંતાડી દે, મા. મને તારા જર્જરિત સાલ્લાની ખોઈમાં સૂતાં સૂતાં તડકા-છાંયાના તાણાવાણામાં નાચતાં મેઘધનુ જોઈ મલકવા દે, મા ! ૧૯૭૫માં માને મળ્યો ત્યારે આંધળી માના કાગળ જેવો એનો ચહેરો ડબક્...ડબક્ ચૂવતો હતો. ને હું જેમ વાંદરીનું બચ્ચું માની છાતીએ લપાઈ–ચોંટી જાય ને દુનિયાના ભયમાંથી ઊગરી જાય એમ વળગી રહ્યો. મારાં આંસુ જોઈને વલોવાઈ જતી મા માઝા મૂકીને રડવા લાગી : "ભાઈ, તમારી હાતર તો મનખો ધૂર થઈ જ્યો, પણ તમારા કરમે જ દખ લશ્યાં હશે.... અમે તો તમને ટાઢા ભાળીએ ત્યારે ટાઢાં થઈએ. જીવતરમાં નરી લ્હાય લાગી. (જ્યારથી ગામ છોડ્યું ત્યારથી મા મને ‘તમે’ અને હું એને ‘તું’ કહું છું !) મારી ગરીબ, રાંકડી, ભોળી લાચાર મા, મારાં દુઃખોની કલ્પના કરી કલ્પાંત કરી ઊઠે છે. બસ, ત્યારથી મા ફરી ક્યારેય ભુલાઈ નથી. અલબત્ત, મળવાનું તો મહિનાઓ પછી થાય છે. જેમ જેમ વર્ષો જાય છે તેમ તેમ માનો સુકાઈ ગયેલો, કંતાઈ ગયેલો, કાળોભઠ્ઠ ચહેરો આંખ આગળ ઓગળ્યા કરે છે. ને મારી આંખોમાં સદાય ઝળૂંબી રહેલાં વાદળોમાં માનો ચહેરો દ્રવી દ્રવીને વષી નીકળે છે. આ શહેરના રસ્તાઓ ઉપર કોઈ હાથલારી ખેંચતા જુવાનની મા, કોઈ સુધરાઈની વ્હીલબરો ખેંચતા ઓળગાણાની મા, કે કોઈ પણ મજૂરિયાની માના ચહેરા જેવો જ મારી માનો ચહેરો છે. પણ મા જુવાન હતી ત્યારે તો તાંબાવર્ણી હતી ને મારા ‘બા’ (અમારાં દશકોશી ગામોમાં અમારી કોમના ને મારી પેઢીના છોકરાઓ બાપુને ‘બા’ કહેતા અમારી કોમના ને મારી પેઢીના છોકરાઓ બાપુને ‘બા’ કહેતા હતા.) મારા જેવા જ કાળા. બા કુંડમાં ચામડાં ફેરવતા ત્યારે મા મજાકમાં કહેતી : "હવે તો રંગવાનાથ કામની ના રહી કાયા." માને ભૂલતો હતો ત્યારે ઘણું બધું ભૂલી જવાનો પ્રયત્ન કરતો હતો. માનો વેશ, માની બોલી, માનું જ ખાણું ને માના પિંડમાંથી ઘડાયેલું મારું ઋજુ આંતરમન. એ બધાં પ્રત્યે એવાં સૂગ ને ધિક્કાર કેળવ્યાં હતાં કે આજે અમે એકબીજાને પરદેશી જેવાં લાગીએ છીએ. સંસ્કૃતિકરણના શિષ્ટાચાર તથા પશ્ચિમીકરણની પરિભાષાએ મા-દીકરાના સંબંધનો સેતુ જ તોડી નાખ્યો. હવે અમે એકબીજાને કેવળ આંસુની ભાષામાં જ પામી શકીએ છીએ. જો હું મારી માની ગ્લૉસરી બનાવી શકું કે મારી અભણ મા આ વીસમી સદીના ઉત્તરાર્ધનો વિશ્વકોશ ઉકેલી શકે તો જ અમે ભાષાથી અભિવ્યક્ત થઈ શકીએ. આ સદીના કલ્ચરે મા-દીકરાને કેવાં વિખૂટાં પાડી દીધાં છે ! મને બરાબર યાદ છે, મારી જુવાની ૧૯૬૬થી ૧૯૭૫નાં દશકામાં, એટલે કે પચીસ વર્ષની વય થતાંમાં તો પૂરી થઈ ગઈ! ને મને ખબરેય ન પડી. કિશોરવયથી જુવાનીના આ ગાળામાં માની જીવનરીતિ મને પછાતપણાની દ્યોતક લાગતી હતી. માનું કલેજું ચિરાઈ જાય એ રીતે હું અમારી કુળદેવી તથા અન્ય દેવદેવી કે ભગવાનની ઠેકડી કરતો હતો. કૉલેજમાં જીન્સ પહેરેલી, ફટાફટ અંગ્રેજી ઝાડતી કોઈ છોકરીને જોઈ હું મારા ‘ઇન્ફીરિયર’ કલ્ચરને, ‘દેશી’ હેરિટેજને ને એમ મારી માની સંસ્કૃતિને બેશુમાર ગાળો ભાંડતો હતો. ને હવે એ જ માનાં વેણ, માનાં ગણાં, માનાં ઓઠાં, માની બોલી, માની વાતો, માના શબ્દપ્રયોગ–રૂઢિપ્રયોગ, માનાં ટોળટીખળ સઘળાંમાંથી મારી અસ્મિતા ઊભી કરવા, મારી આઇડેન્ટિટી રિફ્લેક્ટ કરવા દલિત કવિતા લખું છું. હવે મા ભરપૂર યાદ આવે છે. અને છતાં દલિત કવિતામાં કોઈ માતૃવંદના લખી શક્યો નથી. અહીં તહીં પંક્તિાોમાં માને કનડવાનો, માને ઉવેખવાનો, માને disown કરવાનો પશ્ચાત્તાપ ઊતરી પડે છે. મારા સંક્રાન્તિકાળનાં વર્ષોમાં જે દૂધમલ ચહેરાઓએ મારી માનો ધૂળિયો ચહેરો ભુલાવી દીધો એ તહોમતનામું મેં મારી જાત પર વારંવાર મૂક્યું છે :
માંજરીની મમતા જેવાં
મારાં બે બચ્ચાં લઈ
સાત ઘેર ફર્યો
પણ સાતેયમાં નીંભાડા સળગતા હતા
ને પ્રિય વસુમતી,
તમે મને પ્રસન્ન દામ્પત્યના કિલ્લોલની
કવિતા કરવાનું કહો છો !
✽✽✽
સ્મશાનમાં સૂતાં સૂતાં
કાવડની રાહ જોતાં મારાં આંધળાં માબાપ
મને શાપ આપી શકતાં નથી
ને પ્રિય કલામતી,
તમે મને સુવર્ણમૃગની પાછળ દોડાવી
તમારી ૩૨ નંબરની કાંચળીની
કવિતા કરવાનું કહો છો !
✽✽✽
સહસ્ર વર્ષના સંઘર્ષ ને સાંસ્કૃતિક ક્રાન્તિથી
ભારતભરતના ઢેઢવાડા ખોદી કાઢી
લીલાં ધાન ઉગાડવાં છે
ને મારા લોહીપસીનાથી સીંચી
ડૂંડે ડૂંડે મોતી પકવવાં છે.
ને પ્રિય મૂઢમતી
તમે મને ૩૨ વર્ષમાં કરેલી
તમારા ઘાઘરાની પ્રદક્ષિણાની
કવિતા કરવાનું કહો છો !
મા કરતાંય ભોળા મારા બા—પણ બેયનાં અરમાન બહુ મોટાં હતાં. હું એકથી અગિયાર ધોરણ સુધી પહેલા નંબરે પાસ થયો. એક ચામડિયાનો છોકરો આટલો હોશિયાર છે એ વાતે ગામના ઉજળિયાત માસ્તરો મારી માને કહેતા : "દિવાળી, તારો દન વાળે એવો દીકરો જણ્યો છે તારી કૂખે. દાક્તર થશે, દાક્તર. એને ભણાવવામાં પાછીપાની ના કરતી. દેવાંકાંધાં તો એ મોટો થઈ વાળશે. ને મારાં મા અને બાએ તે દિ’થી મારી પાછળ પૈસા ખરચવામાં પાછું વાળીને જોયું નથી. એમને તો એક જ ધખના : દીકરો મોટો થઈ નાતમાં પુછાશે. સારી નોકરી કરશે ને ઘર પૈસેટકે આબાદ થશે. પણ માનાં, બાનાં અરમાન ધીમે ધીમે ઓસરવા લાગ્યાં. જાણે કોઈ કૂંડાળામાં પગ પડી ગયો, કોઈની નજર લાગી ગઈ કે કોઈએ કામણ-ટૂમણ કર્યાં કે કુળદેવી રૂઠી. બાળપણમાં મા-બાએ નક્કી કરેલાં લગ્ન એક બાળક થયા પછી મેં ફોક કર્યા. સમાજમાં આબરૂ ઝાંખી થઈ. ઓછું હોય એમ મા–બા–મોટાભાઈને પૂછ્યા વિના એક સવર્ણ છોકરી સાથે શહેરમાં લગ્ન કરી લીધાં. સૌનાં દિલ તૂટી ગયાં. સમાજમાં આબરૂના કાંકરા થઈ ગયાં. એક જ આશા કે મારો દીકરો સુખી થતો હોય તો એ ભલે જેમ ફાવે તેમ કરે. એ ભણેલો છે, કાંઈ ખોટું તો નહિ જ કરે. પણ મારું કે માનું સુખ ઝાઝું ટક્યું નહિ. નવા દામ્પત્યમાં ખટરાગ ઊભો થયો. એટલે સુધી કે એક બેબીને ભળાવીને મારી પત્નીએ એના કાચી ઉંમરના આશિકને લઈ "એકબીજા માટે મરી ફીટવાની ભાવના સાથે" રેલગાડી નીચે પડી આત્મહત્યા કરી લીધી. માને બે છોકરાં ભળાવી હું શહેરમાં રહ્યે રહ્યે નોકરી કરવા લાગ્યો. જીવને કાંઈ કળ વળે એ પહેલાં તો માની આજીજી આવી મળી : આંતરજ્ઞાતીય લગ્નથી ગયેલો સામાજિક મોભો પાછો વાળવાનો એક જ ઉપાય હતો. નાતની કોઈ ગરીબ વિધવા-ત્યકતા, બે-પાંચ ચોપડી ભણી હોય તેવી આવે તો ઘરે સચવાય ને બાળકોય. માનું મન રાખવું જોઈએ—આમેય જિંદગીમાં હવે શું બચ્ચું હતું ! વળી કોઈ દંતકથા સાચી પડવાની હશે : કે ચોથું જ ચોક પૂરે. બાપ રે, માનો જીવ કેવો વલવલતો હશે ! એના રાંકના રતન જેવા દીકરાના શા હાલ ! એક દિવસ મારી ત્રીજા નંબરની પત્ની એને પિયર ગઈ. એની બાના દસ તોલા સોનાના દાગીના ભોંયમાંથી ગોડીને કોઈ સાગરીત સાથે છૂ થઈ ગઈ ! ને મારો સંસાર ત્રીજી વાર ભાગ્યો. ને માનું હૃદય એમ જ ભાંગતું રહ્યું. દરમિયાનાં દલિત સાહિત્ય વિકસી રહ્યું હતું. એમાં જીવ પરોવતો હતો. નાતનાં ઘણાંબધાં મહેણાંટોણાં વચ્ચે માંડ માંડ જીવતી માને કાને ક્યારેક મારે વિશે એક-બે સારાં વેણ પણ સાંભળવા મળતાં. ને બાને ગંભીર ટાઢક થતી. પણ નળની પૂંઠે જેમ કાળ પડ્યો હોય એમ મેં આ વખતે તો માનું કાળજું જ વધેરી કાઢ્યું. ચમારથી વન-અપ ગણાતી વણકર નાતની એક છોકરી સાથે ફરીથી લગ્ન કરી લીધું ! એના પ્રત્યાઘાતો તો આંતરજ્ઞાતીય લગ્નથી પણ વિશેષ. સમાજમાંથી મારું કુટુંબ સાવ જ હડધૂત. મારું નામ પડે ત્યાં લોકો થૂં કે. માનું હૈયું વહેરાઈ જાય, પણ ફરિયાદનો એક હરફ નહિ. મા શહેરમાં આવે ત્યારે મારા બે બાળકો—જ્યોતિર્-ઋચા તથા મારી પત્ની ભેગાં થઈ માને જૂની વાતો ઉખેળવા, એકાદ ઓઠું માંડવા કહીએ. માને મેં પૂછ્યું : "મા, મને મોટો કરતાં કોઈ દુઃખ પડ્યાં હોય એની વાત કરો ને !" ને મા મોટા નિઃશ્વાસ સાથે કહે : "દખ, ના ભઈ, દખ તો કશાંય નહિ. હા, વૈતરાં કરવામાં આશ નથી રાખી. રાત-મધરાત આંખ ફરકી જાય એટલે ઊઠું. પલાળેલા જવને ખાયણામાં ખાડું. એના ગોળા ઘંટીમાં દળું. એક હાથે ઘંટી ફેરવું ને પગના અંગૂઠે બાંધેલી દોરીથી તમારી ખોઈને હીંચકો નાખું ને બીજા હાથે ઘંટીમાં જવ ઓતરી જાઉં. ભરભાંખળું થાય એ પહેલાં તો બોધો ઢેઢ દા’ડિયાં કાઢે. કંકુમા (મારાં દાદીમા, એટલે કે મારી માની સાસુ) મલક આખામાંથી મારી હાતર દા’ડિયું ખોળી લાવે. તમારી ખોઈ આંબાડાળે બાંધું ત્યાં લગીમાં તો દા’ડિયાં અધવારે પહોંચી ગયાં હોય ! રોતી રોતી દાતરડું વેંઝું. વચ્ચે વચ્ચે ચાર કાઢતી જઉં. બપોર થાય કે પટલાણી માટલીમાંથી કાઢેલી ઊંડી કલાડીના બે બાજરીના રોટલા ને માંહી કઢી આલે. ગામ આખું ફરીને ચાર વેચી ચાર પૈસા–સૉ પૈસા આવે. ઘેર જઈએ તો તમારા બા ને હું બધાં વાસનાં ચામડિયાં માંહ્યલાના ચરામાં આવળ કાપવા જઈએ. ચરામાં અમીને રાખેલા સંધી પાછળ પડે. માથે ભારા, ને પૂંઠે તમારી ફાંટ, ને દોડીએ. બેચાર વિસામા કરીએ ત્યારે ઘેર અવાય. ઘેર આવીએ કે ઝૂડાઝૂડ. મોગરી લઈ આવળની છાલ કાઢવા કૂટાકૂટ કરીએ. સાંજ પડે કે તમારા બા કુંડમાં ચામડાં ફેરવવા જાય. કુંડમાં પંદર-વીસ બેડાં પાણી જોઈએ. કૂવે પાણી ખેંચીએ ને ફૈડકો મારતાં બેડું રેડીને વળી પાછાં. રાતે પાકાં ચામડાંના ભારા બાંધીએ. વળી ભરભાંખળું થાય ન થાય કે માથે બબ્બે મણના ભારા લઈ મરજાપર-માધુપરની ભણી. દખ તો કાંઈ ઓછાં પડ્યાં ! તમારા બાને માથે ટાલ પડી જઈ ને મારી કેડ વળી જઈ ! ને તોય જાણો છો તમે એક વાર શું કીધું’તું ? ‘તારા દૂધના પૈસા પાછા માગી લે !’ ભઈ, તમારા બા એક ઓઠું માંડતા’તા : શહેરમાં છોકરો મોટી નોકરી કરતો’તો. એક દહાડો બાપના મનમાં થયું કે લાવ, મારા છોકરાની ખબર લઈ આવું. જાત જાતનું ખાવાનું લઈ એક પોટલી બાંધી, મેલાઘેલા લૂગડે બાપ તો અથડાતો–કુટાતો શહેરમાં ભાઈની ઑફિસે પહોંચ્યો. દીકરાએ બાપને જોઈને પોતાના મોભાને બટ્ટો લાગશે એમ જાણી પટાવાળાને કહ્યું એ તો મારો નોકર છે. એને કહો કે સાહેબ નથી. એ વેણ સાંભળી બાપ તો જીભ કરડી ત્યાં જ મૂઓ. " આ ઓઠું સાંભળી અમે બેઉ રડી પડ્યાં. પાણી માગવા માટે પણ પત્નીનો મૂડ જોઈ એને વિનંતીપૂર્વક અથવા બીતાં બીતાં કહેવું પડે છે. વારે વારે સૉરી કે થેંક્સ જેવા શબ્દોથી એના મહત્ત્વનું રેકગ્નિશન આપવું પડે છે. એક મા જ હતી કે જેનો પ્રેમ taken for granted હતો. માએ એના વહાલનો કદી બદલો માગ્યો નથી અને મેં નફ્ફટે કદી વાળ્યો નથી. હજી માને દેશી વણાટનો એકાદ સાલ્લોય ખરીદી આપ્યો નથી. ઝાંઝરકા, રેવાજી કે રામદેજીની જાત્રાએ હજી લઈ જવાયાં નથી. મોતિયો ઉતાર્યા પછી એમનાં ચશ્માંનો કાચ એમને જચતો નથી. હજી એ બદલાવવો બાકી છે. ગામડે જતાં જતાં માએ કહેલું : બેટા, જગતમાં જાવ, પણ દીવામાના ઓરતા આવશે.
૦