માડી મને સાંભરે રે/માડી : મધમીઠું ગોઠીમડું

૮.
માડી : મધમીઠું ગોઠીમડું

દલપત ચૌહાણ

થોરની વાંકીચૂંકી વાડ ઠેકીને ખબ્બાક દઈ સૂરજ લેંડીચારમાં ભૂસકો મારે; ને માનો ટૌકો સંભળાય : "લે ઊઠ્ય ભઈ હવાર થઈ જ્યું, ઊઠ ભઈ ઊઠ." "ઊંહું...ઊં ના માડી મું નઈ ઊઠું બવ ઊંઘ..." અને નાનકડી ખાટલીમાં પાછો, પાસું ફરી ગોદડી મોઢે સુધી ઓઢી લેતો. બીજાં છોકરાં માને ‘બઈ’ અથવા ‘મા’ કહેતાં. હું માને કાયમ ‘માડી’ કહેતો.’ "લેં હેંડકન ભઈ, જવાનું સઅ્‌, મારી બેટી સન્‌અ, આજીયાં ફૂલી ફઈના સેતરે જવાનું સ્‌અ." મા જ્યારે હેતથી બોલાવતી હોય ત્યારે મને બેટાને બદલે બેટી કહીને બોલાવતી. મને ફોસલાવી કામ કઢાવવું હોય તો તે શબ્દનો પ્રયોગ એવા વહાલથી થતો કે હું ધીમે ધીમે ઓગળવા માંડતો. માની શબ્દની હલક ને સંબોધનની જે મીઠાશ હતી તે મીઠાશ પછી ક્યારેય બીજે ક્યાંય મળી નથી. બેટા કે બેટીનો ભેદ ત્યારે તો ખાસ સમજાતો નહીં, પણ ગમતું એટલે ગમતું જ. "લે ઉઠ ક્‌અ ઘેંહનો ડૂવો તૉહણીમઅ રાસ્યો સઅ્‌; લે ઉતા કર મારી બેટી સન્‌અ." મા હળવેથી ગોદડી ખેંચી લે. હું જાગી જાઉં. ખાટલીમાંથી ઊઠતાં જ આંખોમાં ખેતરના ચાસ દડબડવા લાગતા. માના પગલાની અંદર પગ મૂકતાં મૂકતાં "બોજ્યા"નો વહેળો ચાલ્યો આવતો, કોસનો ચેંચૂડાનો અવાજ ગલીપચીક કરતો, ખળખળ વહેતી નીકો કાનમાં ભરાઈ જતી. પીળાં પીળાં ફૂલના ભારથી લચેલા બાવળમાં થઈ ચળાઈ આવતાં સૂર્યનાં કિરણોથી ઘર ભર્યૂં ભર્યું લાગતું. "માડી; હું કૉમ બકાવસઅ્‌ ફૂલી ફઈના સેતરે ચ્યાં જવાનું સઅ્‌ ઈમની તો ઓઘલીઓ લણઈ જઈ, આજી તો નારસંગભાના સેતરે જવાનું સ્‌અ બોઈડીવાળામૂઅ." હું માને કોના ખેતરે લણવા જવાનું છે તે યાદ દેવડાવતો, મા હસી પડતી. જાણે પોતે ભૂલી ગઈ હોય ને મેં યાદ દેવડાવ્યું હોય એમ મોઢું ગંભીર રાખીને કહેતી : "અરર...ભઈ મું તો ભૂલી જઈ’તી, લે ઉતા કર, બુનો ન્‌અ બધાંય સેતરે પોંચી જ્યાં અસીં, જા ડૂવો તૉહણીમઅ સ્‌અ પીલે." "જા માર્‌અ નહીં પીવો." હું છણકો કરી રિસાતો, એની ઘેંસની વાતમાં હું ન ફસાતો એટલે મા હળવેથી વાતને બદલી નાખતી. "હારુ હારુ ના પીતો બસ; અમ્‌અ તો રાજીન્‌અ ? લેં હેંડ તન્‌અ વાટે વાત માંડે." "બકાવતી નઈ હોં ઓ....ઓ" હું પીગળતો, મા સાથે ખેતરે લણવા જવા તૈયાર થઈ જતો. મા પાણી ભરેલું મોરિયું માથે મૂકે, હાથમાં માટીનો કૂલડો રાખે, ઘરનું કટલું બંધ થાય, એક હાથની પહેલી આંગળી મારા તરફ લંબાવી દે અને આંગળીએ વળગી વગડો ચાલી નીકળતો. "માડી વાત... માંડન્‌અ..." હું વાર્તા કહેવડાવવા માટે જીદ કરતો. "ઓહો...ભઈ તું તો બવ્‌અ ઈયાદ રાખસઅ્‌ કાંઈ..." પછી મા સરસ મજાની જોડકણાંભરી વાત માંડે. બસ ઊભે મારગ હું સાંભળ્યા જ કરતો. "ચાંદો સૂરજ લડતા લડતા વાડયમ્‌અ પડ્યા, વાડી મન્‌અ વેલો આલ્યો, વેલો મીંતો ગાયન્‌અ નાસ્યો. ગાયી મન્‌અ દૂધ આલ્યું, દૂધ મી મોરન્‌અ પાયું. મોર્‌અ મન્‌અ પેંસુ આલ્યું..." અને આવજો ખેતર ઢૂકડું.

***

ખેતરે પહોંચીએ ત્યાં ઓઘલીના પૂળા લણાતા હોય. અવલબેન, મણિબેન, ચતુરભાઈ પૂળાની જુદી જુદી છાપરીઓ કરી ને કામમાં જોતરાઈ ગયાં હોય. જેઠાભાઈની હાજરી અમારી સાથે ન હોય, એ નારા ચોધરીના ઢોરોના વાડાને સાચવવા, સાફ કરવા જુદા જતા, છાણમાટી ભરતા. આખો દિવસ તે વૈતરાં કરવામાં પગ વાળીને બેસતા નહીં. બધાં ભાઈ બહેનો મારાથી મોટાં હતાં, બધાની મજૂરી-વેઠના બદલામાં ખળું પાકે ત્યારે ‘ઘરાક’ જે અનાજ આપે તેનાથી દિવસો ટૂંકાવવાના. મોટાં બેન શાંતાના લગ્ન થઈ ગયેલાં, તે સાસરે રહેતાં એટલે તેમની સ્મૃતિ ખાસ નહીંવત્‌, ન નાનો ભાઈ ચીમન મારા કરતાં દશ વર્ષ જેટલો નાનો એટલે મારા બાળપણના દિવસોનો એ સાક્ષી નથી. શાંતાબેન અલપઝલપ ગામ આવે, એ તો મહેમાન કહેવાય ને ! પિતાજી બિન્દાસથી જીવનારા જીવ. વણાટના ધંધામાં ફાવટ ન આવતાં અમદાવાદ ચાલ્યા ગયેલા. મિલમાં જતા પણ બચાવતા કાંઈ નહી. માએ મને બેત્રણ પૂળાઓને ભેગા ટોચેથી બાંધી પછી મૂળ બાજુએ ધરતી પર બેત્રણ દિશામાં ગોઠવી, શંકુ આકારની ઝૂંપડી બનાવી આપી. બધાંએ મોરિયામાંથી થોડું થોડું પાણી પીધું, સૂરજ તપતો જતો હતો. કામ હળવાશથી પણ અવિરત ચાલુ હતું. એક તરફ પૂળાના ઢગલા થતા જાય, ને વચ્ચે કણસલાંનો ઢગલો થતો જાય. થોડીક આડીઅવળી ઘરની વાત ચાલે ને હું મૂળ વાત પર આવી જતો. "માડી, વાત કાલ અધૂરી રાસીતીન્‌અ..." મા મલકીને મને રાજી રાખવા વારતા માંડે, કામ ચાલતું જાય વારતા કહેવાતી જાય. બધા માની વાતમાં હોંકારો ભણે. ડોસીમા અને તેના તંબૂડાની વાત, પરીઓ અને રાજકુમારની વાત, સોનબઈબેનની વાત, કેટલીક વાર્તાઓ મા ગઈને સંભળાવતી. એ બધામાં મને ગોઠીમડાં અને કાબરની વાત બહુ ગમતી. માની પાસે વાર્તાઓનો ખજાનો. માની વાર્તાઓના ખજાનામાંથી જાતજાતનાં ને ભાતભાતનાં રત્નો નીકળે. વાર્તાઓથી કંટાળીએ ત્યાં માને કંઈક યાદ આવતાં લણવાનું કામ પડતું મૂકીને ખેતરમાં આટો મારી આવે. વળતાં ફાંટ ભરીને મીઠાં મીઠાં ગોઠીમડાં લઈ આવે. પાક્કાં હોય તેવા ગોઠીમડાં મારા માટે પસંદ કરીને શબરીની જેમ ચાખી ચાખી ને મને ખાવા આપે. રખેને કોઈ ગોઠીમડું કડવું નીકળી જાય. મારા સિવાયનાં બાકીનાં ભાઈબહેનો ગોઠીમડાં માટે ઝૂંટાઝૂંટ ને લૂંટ ચલાવે. ગોઠીમડાંનો નાસ્તો કામમાં હળવાશ લાવે. પડછાયા પગમાં સંતાઈ પૂર્વ તરફ ફરવા માંડે એટલે બપોરાના રોટલા છૂટે. ડુંગળીનું શાક કે કઢી, બાજરી કે જારના રોટલા. મરચું કે એકલી છાશ કે લુખા રોટલા, એને જ તો ‘લન્ચ’ કહેવાય !

***

આમેય હું બાળપણથી ખૂબ તોફાની, કેટલાંક અળવીતરાં મને યાદ, તો કેટલાંક તોફાનો માએ વર્ણવી સંભળાવેલાં. માના મુખે વર્ણનો સાંભળવાં ખૂબ જ ગમે. ઝીણામાં ઝીણી વિગત એવા રસથી રજૂ કરે કે જાણે કુચાવાળી છાશનું તાંસળું મોઢે માંડ્યું હોય એમ ઘટક ઘટક ઘૂંટડા ભરતાં કોઠામાં ઠંડક પહોંચે. કોઈક વાર ઘેર મહેમાન આવે તેમનાં છોકરાં ધીંગામસ્તી કરે ને, મહેમાન છોકરાઓને ઠપકો આપે તો મા તેમને હળવેથી વારે, સાથે સાથે મારી ફરિયાદ એના શબ્દોમાં સરી પડે. "અસે બુન, આ તો નયડાં કેવાય, બધાંય અરખાં. આ અમારો નેનો દલજી જુવોન્‌અ ચેવો ડાયો ડમરો લાગસઅ્‌, એતો એવી અવળઈ કર ક્‌અ આખો વાહ માથઅ લે. કોઈનું ફોડ્‌અ, કોઈનું કાંઈ, અજાર કજિયા લાવઅ." અમે સમજાવતાં બાળકોનો પક્ષ લે. પિતાજીના ટાંટિયા ઘરમાં ન ટકે. આજે અમદાવાદ તો કાલે મંડાલી. અમારું ગામ અમદાવાદથી એકસો ગાઉ જેટલું દૂર, તોય બે વાર તો ચાલતા અમદાવાદ ગયેલા. પહેલા તો દલિતોને ગાડીઓમાં કોણ બેસવા દે ? પછી ‘હરિજનો માટે’ ખાસ અલાયદા ડબ્બાની વ્યવસ્થા થયેલી ને આખરે આઝાદીએ બધું ભેગું કર્યું. પિતાજી ધૂળાભાઈ ત્રણ ભાઈઓમાં સૌથી મોટા. ગલાકાકા અને દાનાકાકા દાદી સાથે અલગ રહેતા. ગલાકાકા યુવાનવયે જ મૃત્યુ પામેલા એટલે એમને મળવાનું સદ્‌ભાગ્ય મને પ્રાપ્ત નહીં થયેલું. પિતાજી પાંચ ચોપડી ભણેલા, ‘માસ્તર’ની નોકરી માટે ઓફર થયેલ પરંતુ નોકરી ન સ્વીકારી. માથે બાંધણીનો સાફો, ચૈડવાળાં બૂટ પહેરે, ભણતર ને બુદ્ધિનોય નશો, આખું ગામ એમને પૂછે, બધા માન સાચવે. તોય દલિત હોવાને નાતે કેટલીય વાર અપમાનો થયાનું એમને કચકચાવીને યાદ; ગામ સામે સામી બાંધેલી, કોઈ પળે કૂંડાળામાં પગ પડ્યો ને દારૂના રવાડે ચઢ્યા તે ચઢ્યા. માનું નામ મોંઘી ને રંગ સ્હેજ શ્યામલ. ચહેરો ઘાટીલો. સરસ મજાનો સાંભળવો ગમે તેવો અવાજ. મા ઊછરી હતી ખૂબ સુખી કુટુંબમાં. હિંમતવાન પણ ખરી, પોતાની ઇચ્છાથી નિર્ણય લેવામાંથી કોઈ તેને ડગાવી શકતું નહીં. માનાં લગ્ન નાનપણમાં થયેલાં. જ્યાં સુધી કન્યાનું આણું વળાવવામાં ન આવે ત્યાં સુધી પતિનું નામ પણ ન લેવાય એવો રૂઢિચુસ્ત સમય. ઉંમર થતાં તેઓ મેળે મળતાં. એક વાર તેઓ વનરાવનના મેળામાં ભેટી ગયાં. વાતમાંથી વાત વંઠી, પિતાજીએ કહ્યું : "લેં હેંડ અવ્‌એ ઘેર, આણું આણું ચ્યાં હુદી કરવું." ને માને વાત ગળે ઊતરી કે તરત જ કોઈને કહ્યા વગર મેળામાંથી બારોબાર ચાલી નીકળી સાસરે જવા. ને આવજો ને ઉસે રજો, વ્હેલું આવ્‌અ મંડ્યાલી. માની હિંમતે તો આંજણા કોમની હાટાની ચાર કન્યાઓ સલવાઈ હતી તેય પિયરવાટ છોડી વનરાવનના મેળેથી ચાલી નીકળેલી સાસરે. એ દિવસોમાં આખાય પંથકમાં દેકારો થઈ ગયો હતો. મા દુઃખણાય રડે નહીં, એકદમ અડીખમ. ગુસ્સો આવે તો કપાળ કૂટે, કોઈને દોષ ન દે, બાપા જ્યારે દારૂ પીને આવે ત્યારે તેમની સાથે રૂસણાં લે, મરી જવાની ધમકી આપે, પણ પથ્થર ઉપર પાણી. ઘરમાં જ્યારે દારૂ અંગે વાત ચર્ચાય ત્યારે ખૂબ ગંભીર થઈ જતી, તેના ચહેરા પર લાલાશ તરી આવતી, આંખમાં ન સમજાય તેવા ભાવ સાથે કહેતી : "આ તમારો બાપ દારૂ પીવસઅ્‌ ઈક્‌અ તમે ઈમનઅ દસી કરો સો. એ ચ્યમ પીવઅ સઅ્‌ એ ખબેર સઅ્‌ ? આજી મના મિયોરનઅ હઠાજીએ માર્યો, હઠાજીની હામું કોઈનાથી બોલાય નઈ, અનઅ બોલઅ તો આડકાં રંગાઈ જાંય. તમારો બાપ ઈનઅ ચોરામઅ જઈનઅ ગાળ્યો બોલી આયો – દારૂ પીનઅ. એ સ્‌અ તે વાહમઅ હારૂ સ્‌અ, નકર આ ગામવાળા ઈમની માનઅ રાખ્‌અ એવા સ્‌અ, કોક મે’માન પરુણું આવ તાણય ઈમની કનઅ મનેખ તો બેહવું જોવનઅ." એમ એનો ગુસ્સો અમે બધા ચૂપચાપ સાંભળતા. અમારું ગામ ગાયકવાડ મહારાજના રાજ્યમાં આવેલું. એટલે સાત વર્ષે ગામની શાળામાં મારું નામ લખાવવામાં આવ્યું, નિશાળનું મકાન ટેકરા ઉપર, રસ્તો સરસ મજાની મ્હેદીની નેળમાં થઈબે પસાર થાય. વાસનાં ઘણાંખરાં બાળકો બેત્રણ ચોપડી પૂરી કરી પેંડારિયાં થઈ ગયાં હતાં, બે–ચાર ભણતાં. મારા મોટાભાઈ પહેલું ધોરણ ભણતા. મને નિશાળે જવાની હોંશ હતી, એક હાથે માની આંગળી પકડી એક હાથે તફતર પકડી હોંશે હોંશે નિશાળે જવા નીકળ્યા. મ્હેંદીની નેળ પસાર કરી શાળાની ઓસરી પાસે પહોંચ્યા. સામે છગનલાલ માસ્તર મળ્યા. એમની ધાક જબરી, છગનલાલ માસ્તર પસાર થતા હોય તો બાળકોનો કફર્યુ હોય એવું દૃશ્ય સર્જાઈ જાય. માસ્તરે અમને જોયા એટલે તે એક આંખ દેખાય તેવા ઘૂંઘટમાં આખો ચહેરો છૂપાવી મા એક તરફ ઊભી રહી. હું માનો હાથ પકડી તેની દેખાતી આંખ સામે જોતો રહ્યો. મા આંખથી ઇશારો કરે કે ‘આગળ વધ’ સામે ઊભેલા માસ્તરને જોઈ મારા પગ પાછા પડે. છેવટે મારા હાથમાં દફતર જોઈને માસ્તર અમારી નજીક આવ્યા ને મને સવાલ કર્યો : "નિશાળે આવ્યો છે ? કેવા છો’લ્યા ? કોના છોકરો તું ?" સવાલોની ઝડી વરસી. હું મૂંઝાઈ ગયો. દોડીને માની પાછળ છુપાઈ જવાની ઇચ્છા થઈ. ગભરાટ છૂટ્યો. છતાં હિંમત રાખી માસ્તર સામે જોતો ઊભો રહ્યો. હું તેમની સામે ટગર ટગર જોતો રહ્યો, જાણે સવાલો જ ન સમજાયા હોય એમ. માસ્તરે માને સવાલ કર્યો : "એનું નામ નિશાળમાં લખાવ્યું છે કે નહીં ? કોનો છોકરો છે ? કેવાં છો તમે ?" "ઈના બાપે બે દાડા પેલાં ઈનું નામ લખાયું સઅ. મું ઈનઅ મેલવા આઈ સું ઈનું નામ દલજી સઅ, ઈનો ભઈ આંય પેલીમઅ ભણ સ્‌અ. "માએ મથરાવટીમાં ગોટમોટ છુપાવેલા ચહેરાને ખોલ્યા વગર સાડલાને દાંત વચ્ચે દબાવી રાખીને જવાબ આપ્યો. માસ્તર વાત સાંભળતાં સાંભળતાં દૂર જોતા રહ્યા. તેમને કદાચ અમારું આગમન ન ગમ્યું હોય. એકાએક તેમને કંઈક યાદ આવતાં બોલ્યા : "તમે ઢેડ સો ? વણકોર ને ? છોકરાનું નામ શું કહ્યું ? એના બાપનું નામ શું ?" "સોકરાનું નામ દલજી, ઈના બાપનું નૉમ તો ?" મા જરા થોથવાઈ. પછી વિચારી કરીને કહ્યું : "પુંજાભાના મોટા સોકરા ઈના બાપા થાય !" "હં...તારું નામ લખાવેલું છે." માસ્તર મારી તરફ ફર્યા. "જો આગળના બારનેથી અંદર જતો નહીં, પાછળના બારણેથી તારે અંદર જવાનું અને બહાર પણ ! ભૂલેચૂકે કોઈને અડી ના જવાય એની ખબર રાખવાની, જોયું પેલું બારણું ? પેલ્લા ત્રણ જણા બેઠા ત્યાં જા. બેસ." માસ્તરે બારણાની પૂરી વિગત આપતાં મને સમજાવ્યું. "યાદ રાખજે આગળના બારણેથી આગળ ગયો તો ચૌદમું રતન તૈયાર છે !" મારો ઉત્સાહ તો સાવ હાડ ગાળી ગયો. ફરીથી માની સામે ઓશિયાળી નજરે જોયું. માની આંગળી પકડી શાળાના પાછલા બારણે ગયો, ભારે હૃદયે શાળાનો ઉંબર ઓળંગી વર્ગમાં ઘૂસ્યો. ને મારી કોમના સહાધ્યાયીઓ સાથે બેઠેલ મારા મોટાભાઈ પાસે જઈને બેઠો. એ દિવસે પહેલી વાર પાક્કો અનુભવ થયો કે હું "બીજાઓ" જેવો માણસ નથી. સૌની સાથે હળીભળી શકતો નથી. મારી પાસે બોલી નથી. તોફાન નથી. બસ એ મૂંઝાતું હૃદય છે. આખો દિવસ હું ચૂપચાપ બેસી રહ્યો. થેલીમાંથી પાટી કાઢી નહીં, પેન કાઢી નહીં. પણ હૃદયના મધ્યભાગમાં એક શબ્દ કોતરાયો હું અછૂત છું. એ રાત વેરણ બની. ઊંઘ ન આવી તે ન આવી.

***

અમદાવાદથી એક પત્ર અને થોડાક પૈસા પિતાજીએ મોકલાવ્યા છે ને અમને બોલાવ્યાં છે, એ વાતે ઘરમાં ઉત્સાહનું વારતાવરણ પેદા કરી દીધું. મારે, ચતુરભાઈ અને માએ અમદાવાદ જવાનું નક્કી થયું. જેઠાભાઈ તો પિતાજી સાથે અમદાવાદમાં એક ચાલીમાં રહેતા હતા. જવાના દિવસે અમે વ્હેલાં ઊઠ્યાં. વહેલી પરોઢમાં અમે એક મોટા પોટલા સાથે નીકળ્યાં. મારા જીવનની પહેલી મુસાફરી હતી. મા એકબે વાર અમદાવાદ જઈ આવેલ. મેં જીદ કરેલી પણ જવા મળેલ નહીં. આજ અનાયાસ અમે પછી ત્રણ એકલાં અમદાવાદ જવાનાં હતાં. મા એક સ્થળે જઈ આવે કબૂતરની જેમ ક્યારેય રસ્તો ભૂલે નહીં, એટલે નિરાંત હતી. છતાં અમદાવાદના સરનામાવાળી ચિઠ્ઠી અમે સાથે રાખી હતી. ચાલતાં ચાલતાં છ ગાઉનો પંથ કાપી અમે બપોર સુધીમાં સિદ્ધપુર પહોંચ્યાં. આમ તો આ શહેર મારું પરિચિત. ‘કાતોક’ના મેળામાં સરસ્વતીના નીરમાં છબછબિયાંનો આનંદ હજીયે સ્પર્શ બનીને શરીરમાં સંતાઈને બેઠો છે. રેલવેસ્ટેશનેથી અમદાવાદની ટિકિટો કાઢવવામાં આવી. ગાડીની રાહ જોતાં અમે સ્ટેશનમાં બેઠાં. ઘેરથી લાવેલા રોટલા ને ગોળ ખાધાં. પાણી...પાણી તો રેલવેસ્ટેશનમાં ય બ્રાહ્મણિયા પરબ, અછૂતોથી ત્યાંનું પાણી પણ માગી શકાય નહીં. તોય તરસના માર્યા હિંમત કરી પાણી માગ્યું. દૂર ઊભા ઊભા ખોબો ધરીને, મળ્યું ય ખરું. પણ બીજાઓને પ્યાલામાં પાણી પીતાં ભાળી અજંપાનું લખલખું પસાર થયું શરીર આરપાર. ટકોરા પડ્યા ને દૂરથી ગાડીની ‘વિસલ’ ધસી આવી. અમે બેઠેલાં હતાં, એકાએક હડપ દઈને ઊભાં થઈ ગયાં. માએ પોટલું માથે લીધું, મારો હાથ પકડી લીધો. બીજો હાથ મોટાભાઈએ પકડી લીધો. કંઈક ગભરાટ ને કંઈક ઉત્તેજનામાં ગાડી આવવાની દિશામાં અમે જોતાં રહ્યાં, પૃથ્વી ધ્રૂજતી રહી, ધમધમાટ કરતી ગાડી આવી. કાળૂમેંશ એન્જિન દેખાયું. ગાડી ધીમે ધીમે અમારી આગળથી પસાર થવા માંડી, માએ અમારા હાથ છોડાવી બે હાથ જોડી એન્જિનને પ્રણામ કર્યા. અમે બે ભાઈ ગાડી જોતા રહ્યા. ‘ભલુમ્‌ કરજો કાળીમા અમનઅ હાજાહમ લેઈ જજો." ને તરત અમારી તરફ ફરીને કહ્યું.’ "ભઈ કાળીમાના રથન્‌અ પજે લાગો, બે આથ જોડો. બોલો ભલુમ કરજો કાળીમા" માની શ્રદ્ધાય અડગ અને અદ્‌ભુત હતી. અમારી કુળદેવી પણ મહાકાળી એટલે હેમખેમ પહોંચી જઈશું એમ મા શ્રદ્ધાપૂર્વક માનતી. અમે બન્ને ભાઈઓએ ગાડીને હાથ જોડ્યા. એક ડબ્બામાં અમે ખાલી જગ્યા જોઈને ચઢી ગયાં. સંકોચાતાં એક ખૂણામાં બેઠાં. રખે ને કોઈને અડી ન જવાય તેની તકેદારી મા રાખતી. પણ અમને આનંદ હતો. બીજી વાતો અમે થોડીક વારમાં જ ભૂલી ગયા. ગાડીની ગતિમાં, અવનવાં દૃશ્યોમાં અંધકાર ક્યારે સરકી આવ્યો તેની ખબર ન પડી. બીજી ક્ષણે અમે વીજળીના દીવાઓથી ઝગમગતા અમદાવાદમાં પહોંચી ગયાં. અમે ગાડીમાંથી ઊતર્યાં. પ્રથમ વાર જ વીજળીના દીવાઓ જોતાં આંખો અંજાઈ જતી હતી. જીવનનો આ રંગ પહેલી વાર ઉલ્લાસ ભરતો હતો. બબ્બે બત્તીવાળી મોટરો જોતાં કંઈ ગભરાટ–કુતૂહલથી જીવ વરાતો ન હતો. ઘોડા સાથેની ગાડી અજાયબી હતી. ને અજાયબીમાંય અજાયબી માધુબાગ પાણીની ટાંકી. એને જોતાં ડોક લાંબી થઈ જતી હતી. પગલાંમાં ઉત્સવ ભેરવી સારંગપુરનો પુલ માની આંગળી અને ભાઈનો હાથ પકડી પાર કર્યો. મોડી રાતના ચાલીવાળા ઘેર પહોંચ્યા. અને એ માડીની આંગળીને સહારે શહેરમાં આવેલો નાનકડો છોકરો સમયના વહેણ સાથે જનઅરણ્યનાં કળણમાં એવો તો ખૂંપતો ગયો કે... માડી જીવી ત્યાં સુધી મંડાલી ન છોડ્યું. અભાવ અને ઓછપના દિવસોમાંય ક્યારેય ઊંહકારો કર્યો નથી. પિતાજીના મોટા ગામતરા પછી બરાર એક વર્ષે તે અમદાવાદ બીમાર થઈને આવી. એને શારદાબેન હૉસ્પિટલમાં દાખલ કરી. માને એક રાતે મળવા ગયો. અમને કોઈનેય ખબર ન હતી કે એ છેલ્લી રાત હશે. મને જોતાં જ એ હળવેથી બોલી : "કુણ ભઈ, દલજી ક્‌અ !" "હા માડી." મેં માનો હાથ હાથમાં લીધો. થોડી વાર કોઈ ના બોલ્યું. પછી જાણે ઊંડાણમાંથી અવાજ આવતો હોય એમ માએ પૂછ્યું, "બેટી બાયણું વાસ્યું ક્‌અ ?" "હા માડી" મારાથી સહજ ભાવે જ બોલાઈ ગયું. "તાણ તો ભઈ દીવો રા’ કરો !" હું તેની સામે ચૂપચાપ જોતો રહ્યો. માએ આંખો બંધ કરી. રોજ રાતે સૂતાં પહેલાં મા જે પંક્તિઓ બોલતી તે પંક્તિઓ હૃદયમાંથી ગળાઈને હોઠ પર આવી : "અટલી વાસી કટલી વાસી, દીવો કર્યો રાણો : અમે અમાર્‌અ પોઢી જ્યાં, અવ્‌અ પરભુ તમે તમાર્‌અ જાંણો..." મોટાભાઈ મા સાથે રહ્યા ને હું ઘેર આવ્યો. માએ એ રાતે દેહ છોડ્યો. હવે એ સ્મૃતિએ જળવાઈ રહી છે; કોતરાઇને હૃદયના ખૂણેખૂણે. ક્યારેક શહેરની સડકો પર ફરતાં ફરતાં વગડો–રંકલાંનો ટેકરો–બોજ્યાનો વ્હેળો ધસી આવે–ને કૂણી કૂણી સરકતી સફેદ રેતી પર માનાં પગલાંની છાપ ઊપસી આવે ત્યારે એ પગલામાં પગ મૂકીને ચાલવાનો પ્રયત્ન થઈ જાય છે. પૂર્વના મધમીઠા પવન સાથે હજીય માનો સ્વર ગોરંભાય છે... "લેં હેંડ ભઈ, લણવા જવાનું સઅ્‌...મારી બેટી સન્‌અ." (હા માડી ! સમાજમાંથી ઘણુંબધું લણવાનું બાકી છે.)