માડી મને સાંભરે રે/માતૃહૃદય ક્યાં ક્યાં ધબકતું નથી જોયું?
માતૃહૃદય ક્યાં ક્યાં ધબકતું નથી જોયું ?
પ્રવીણ ગઢવી
મા વિષેનો મારો ખ્યાલ પહેલેથી જ બહુ વ્યાપક રહ્યો છે. કેવળ જન્મ આપનારી માને જ મેં મા ગણી નથી પરંતુ ઘડતર કરનારી, મારા ગામ મોઢેરાની સાત ટેકરીઓવાળી સ્તનહૂંફાળી ધરતી. મારાં ખેતરોની કોલ્હાપુરી ગોળ જેવી માટી. પડખેથી ઘસાઈને વહી જતી ભાદ્રપદી, પુષ્પાવતી નદી, સૂર્યમંદિરના પાષાણસ્તંભો પર કંડારાયેલી અર્ધનગ્ન માતૃકામૂર્તિઓ. મારાં બાની બા જાબામા. સ્નેહમાં માતાને ભુલાવે તેવા નાયી જ્ઞાતિના હરગોવન મામા અને રેવા મામી, વઢિયારના રણની કાંધી પરથી ગાડું જોડી આવતાં મીરાંબાઈની આબેહૂબ પ્રતિકૃતિ સરખાં ફોઈ, અર ! ખુદ મારા પિતાજી, પડછંદ દેહધારી, ધમધમ ધરતી ધ્રૂજે તેવા, પણ મા જેવા અતિસ્નેહાળ, લાગણીભીના. કદાચ મારી બા ન હોત તો જરાય ખોટ સાલવા ન દે તેવા. મહોલ્લાનાં ડહીમા, મેનામા, અમથીમા, બબુ ભગતાણી, વર્ષોથી રોજ આંગણું વાળી જતી ઓખા ભંગીની નવી વહુ – એ સૌએ મને નિર્વ્યાજ પ્રેમ આપ્યો છે. રાજકુંવરની જેમ લાડકોડથી બોલાવ્યો છે. ઉછેર્યો છે. પણ પહેલાં જન્મ આપનારી મા વિષે. મારી માનું હું છેલ્લું સંતાન કહેવાઉં. સાત–આઠ પ્રસૂતિ પીડામાંથી એ પસાર થઈ હશે. અત્યારે તો અમે બે ભાઈ–એક બહેન છીએ. કુદરતે સ્વયંભૂ બનાવેલું નાનું કુટુંબ–સુખી કુટુંબ. બાળકનો જન્મ ત્રણ વાર થાય છે. ગર્ભમાં અવતરણ, પછી દેહાત્મા સહિત બાહ્યગર્ભ અવતરણ અને ત્રણેક વર્ષ થયા પછી સ્મૃતિ સુદૃઢ બનવા માંડે ત્યો જ ખરું અવતરણ આ વિશ્વમાં જાગૃતિની પહેલી પળ મને યાદ છે. જીવનની પ્રથમ સ્મૃતિ. આંગણામાં ઢાળેલા ખાટલામાં સૂતો છું. વૈશાખી રાતની ઝાકળથી રજાઈ ભીની ભીની છે. લીમડે મ્હોર, જળતરંગ શો શીતળ પવન. સ્વપ્ન જગતમાંથી આંખ ખોલું છું તો મારી માનો વિલાપ સંભળાય છે.’ ‘શું થયું ?’ ‘હંસા મરી ગઈ’ કંઈ સમજાતું નથી. મારી પછી જન્મેલી હંસા બાળમરણ પામી છે. પિતાજી ઘરે નથી. હંસાનો ચ્હેરો કે કશું યાદ નથી. ઘર પાછળના વાડામાં ખાડો ખોદી, મીઠું નાંખી દાટી હોવાનું કંઈક યાદ છે. આજેય વાડામાં જાઉં છું અને મને જે બાળસખી મળી હોત, એ હંસા યાદ આવે છે. માતાને ગમે તેટલાં સંતાન હોય, તેનો પ્રેમ સૌ માટે સરખો જ હોય. હંસા રહી હોત તો ય મને મળેલ પ્રેમ કંઈ ઓછો ન થાત. પૂર્ણમાંથી પૂર્ણ જાય તોયે પૂર્ણ જ રહે. બીજી સ્મૃતિ છે–શ્રાવણ માસ ભરપૂર વહ્યો જાય છે. આકાશ જાણે ફાટી પડ્યું છે. વરસાદ અટકતો નથી. ગામની સાત ટેકરીઓ વચ્ચે પાર વિનાના વહોળામાં પાણી જ પાણી. તોયે હલકી વરણનાં લોક સાથે કોથળાની શણટોપી પહેરી સોનું–ચાંદી શોધવા નીકળી પડ્યાં છે. પ્રાચીન નગર હતું મોઢેરા. પહેલાં સોનું–રૂપું–સિક્કા ખૂબ મળતા. કાચું માટીનું ઘર હતું. પાછળ રાવળિયાના વાસ. વરસાદ આવવાના પંદરેક દિવસ બાકી રહ્યા હોય અને બા બબુભગતાણીને બોલાવી લાવે દેશી નળિયાંનું ઘર સંચવા. સર્પદંશના કોપથી વિધવા થયેલાં. પિત્તળની રકાબીમાં ચા પીએ. ઘરના મોભે બેસી બીડી ચલમ પીએ. કબીરજીનાં પદો ગાય. હું સીડીએ ચઢી એમની સાથે જ બેસી રહું અને રામાયણ–મહાભારતની વાર્તા માંડું એટલે ખુશ થાય. એમના સંસર્ગથી હું પ્રેમલક્ષણા ભક્તિ પ્રતિ વળેલો. વાર્તા કહેવાનું પ્રોત્સાહન આપનારાં બબુ ભગતાણી તો સાપ પ્રત્યે ભયપ્રીત પણ એમણે સીંચ્યાં મારામાં. પણ વરસાદ આવે એટલે ઘરમાં ચોતરફ ચૂવા, ઘરમાં હોય એટલાં વાસણ ગોઠવીએ. ટપકતા ચૂવા નીચે. પિતાજી ગુસ્સાવાળા, લાકડી લઈ નળિયાં સરખાં કરે. બા નવું ઘર કરવા કકળાટ કરે. બાની એક માત્ર ઇચ્છા નવું–પાકું–સારું ઘર કરવાની. પિતાજી હતા શિક્ષક. વિદ્યાવ્યાસંગી. એમનું બધું ઇન્વેસ્ટમેન્ટ પુસ્તકોમાં. ઘરમાં કાચનું કબાટ પુસ્તકોથી ભરચક. બા બિચારી વરસતા વરસાદમાં પાછી રાવળવાસમાં જઈ બબુભગતાણીને બોલાવી લાવે. એ વળી ઘાઘરાનો કાછોટો વાળી ઉપર ચડે. થોડા ચૂવા બંધ થાય. પછીથી અમે કંઈક ઠીક ઘર કરાવ્યું. પણ મેડીવાળું મકાન કરવાની ઇચ્છા અધૂરી જ રહી બાની. હા, તો આવા શ્રાવણનો કોઈ દિવસ. મોઢેરાની ચોતરફ નદીઓમાં ઘોડાપૂર. પુલ–રસ્તા નહીં. લોકો છેક કટોસણ–બહુચરાજી ચાલતા જઈ ગાડી પકડતા. કલોલ–અમદાવાદ જવા મારા પિતાજી જેવા ભ્રમણશીલ, ફોજદારકાકા વગેરે જેવા ગણ્યાગાંઠ્યા એ જમાનામાં પ્રવાસ કરતા. બાકી તો આખા ગામમાંથી કોઈ ટ્રેનમાં બેઠેલું જ નહીં. મારા મોટા ભાઈ પ્રતાપભાઈને (પછીથી ગુજરી ગયા) એટલો આંધળો શોખ તે મોઢેરામાં ટ્રેનના પાટા નંખાવાના છે એવું જાણી ચાલતા છેક બહુચરાજી જોવા ગયેલા. આંગણામાં ઊંટ ઝોંકાર્યું છે. હું ચોધાર રડું છું. બાને કદાચ એની બાની ગંભીર માંદગી સારુ મારા મોસાળ પાનસર જવાનું થયું છે. ચાલતા જવાય નહીં એટલે ઊંટ બોલાવ્યું છે. ઊંટ રહી રહીને હોઠના ફડાકા બોલાવે છે. મેં હઠ પકડી છે. મોટી બહેને પકડી રાખ્યો છે. મને ઉમંગ છે ઊંટસવારીનો. બાની આંખમાં આંસુ છે. એનું કહેવું છે આઠ-દશ ગાઉની ઊંટ પરની થાય તારાથી, માંદો પડીશ. પણ માને કોણ ? આખરે ઊંટ ચાલતું થાય છે. ઊંટસવારીનો વસવસો મને આજ સુધી રહ્યો, બા મને લઈ ગઈ હોત તો શ્રાવણની ભીની હરિયાળી લહલહતી સીમ ઊંટની ઊંચાઈથી મેં માણી હોત. મારી બા છાશ આપવામાં ખૂબ ઉદાર હતી. પટેલોેને ત્યાં પણ દૂઝણાં હોય. પણ પટલાણીઓ પાણીથી યે પાતળી છાશ બનાવે અને પાછી આપવામાં ય જીવની પાતળી. ઘર પછવાડે રાવળ, વાઘરી, ઠાકરડા, ભંગીઓની વસ્તી. ત્યારે ય બિચારાં રોટલો, મરચું, છાશ પર જીવતાં. આજે તો છાશ પણ ના રહી. અમારે ત્યાં આંતરે દિવસે વારો હોય. બા રોજ પરોડે ચાર વાગ્યે ઊઠે. ભેંસોને ચાર નીરે. દોહે. પછી મોભે વલોણું બાંધી વલોવે. મોટાભાઈ કે બહેન દોરડાં ઝાલવામાં સાથ આપે. છાશના ખટમીઠા છમછમ અવાજ પાસે ખાટલો ઢાળી હું સૂતો હોઉં. હું અને પિતાજી ઊંઘણશી. મને જગાડવા બા કકળાટ કરે તો પિતાજી બાને ઠપકો આપે. તે કારણે–વ્હેલા સૂઈ વ્હેલા ઊઠે તે વીર – એ કદીએ આપણે વીર થયા નહીં. હજીય રાતના રાજા. સૂર્યવંશી રહ્યા. વારો ન હોય તે દિવસે બા દળવા બેસે. ઘંટીના એ મધુરા માલકોંસ તો હવે સ્વપ્નમય થયા. સરસ નીંદર આવતી એ મધુલયમાં. પિતાજીને પણ ઘંટીના મધુરા સ્વર આલાપ મધ્યે અર્ધજાગ્રત રહેવું ખૂબ ગમતું. એક માટે આનંદ તે બીજા માટે કાળી મજૂરી. સ્રીઓ અને શ્રમિકો માટે તો એ સનાતન સત્ય છે. બા માખણ ઉતારી તપેલું ચૂલે ચઢાવે. ઘી તાવે–તપેલામાં વધેલું કીટું મેન બહુ ભાવે. ગઈ રાતનો કડક શેકેલો રોટલો અને કીટું–વ્હેલી સવારે મારી પ્રિય વાનગી હતી. છાશ બનતી હોય, ત્યા ઓખા ભંગીની વહુ આંગણું વાળવા આવે. એના માટે હંમેશા બે મોટાં તપેલાં છાશ રિઝર્વ રહે. ખૂબ પ્રેમથી ઉદાર દિલે બા એને છાશ આપતી. એ આખો મોલ્લો વાળી પછી સૂર્ય રાશવા થાય ત્યારે ફરી આવે. સાથે એની દીકરી ચંપા હોય, ચંપા ફૂલ જેવી ગોરી હતી. સ્હેજ મોટી થયા પછી એણે છૂંદાણાં ટંકાવેલાં. ગાલ અને હડપચી ઉપર. વગડાઉ જાંબલી ફૂલ જેવાં. મારા માટે ગુંદાં લેતી આવતી. થોડો છેટે ઢગલો કરે. કોઈનું ધ્યાન ન હોય તો આપણે છાંટપાણીમાં માનતા નહીં. ગુંદા સીધાં ગૂંજામાં. ઓખાભંગીની વહુ અને ચંપાએ જ જાણે મને અછૂતપ્રેમી બનાવ્યો. મારા પિતાજી તો સ્હેજ પણ આભડછેટમાં ન માનતા. હરિજનવાસમાં જઈ છોકરાં પકડી લાવી નિશાળે ભણવા લઈ જતા. આજે ય હરિજનભાઈઓ – કાનજીભાઈ, જીવણ, હરજી એમને પ્રેમથી યાદ કરે. બામાં પણ બ્રાહ્મણો જેવું ખાસ નહીં પણ બ્રાહ્મણો વચ્ચે રહીએ એટલે થોડું સાચવવું પડે. એટલે ઓખાભંગીની વહુને છાશ આપતાં કે સાડલા આપતાં સ્હેજ અધ્ધરથી આપે. હજી ત્રીસ વર્ષ થયાં. તોયે આ ભંગીની વહુ આંગણું વાળે છે. બા કાયમ એને વઉ કહી બોલાવે. હમણાં મેં બાને પૂછ્યું કે એનું નામ શું ? તો કે નામ તો નથી આવડતું. ત્રીસ–ચાળીસ વર્ષથી રોજેરોજ આંગણું વાળનારી અનામી રહે છતાંય આત્મીયજન બની રહે, એ કેવું અદ્ભુત છતાં દુઃખદ ! બા એટલે મૂક શ્રમમૂર્તિ, માંડ છાશવારો પતે ત્યાં બે ગાઉ દૂર ખેતરોમાંથી લીલી ચાર લેવા ઊપડે. ખરા બપોરે પાછી આવી રોટલા ઘડે. ગરમ ગરમ મધમધતી કઢી બનાવે. બપોરે સ્હેજ આડેપડખે થાય. ત્યારે ભજનની ચોપડીઓ વાંચે અને ભજન ગાય. સાવ અભણ પણ જાતે વાંચતાં શીખેલી. લખતાં ન શિખાયું એનો વસવસો રહ્યો. આખો દિવસ ભેંસની સેવામાં જ પગનાં તોરણ કરે. રાત્રે વાળુ કરી બહાર આડાં પડીએ ત્યારે બા પાસે હું વાર્તા કહેવડાવું. પિતાજી ફાનસના અજવાળે વાંચતા હોય. જગદેવ પરમારની વાત બા શરૂ કરે. બુંદેલ ખંડની કોઈ વાવનું વર્ણન કરે ન કરે અને એની વાચા પર ઘેન ચડે. આખા દિવસની થાકેલી બિચારી. કોઈ દિવસ એ વાર્તા પૂરી થઈ નથી. મારે જેમ લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો હજી પૂરો થયો નથી. નિદ્રામયમાં સમય ઓગળે જાય છે. બુંદેલખંડની ભૂમિ હજીય મારા માટે રહસ્યમય સ્વપ્નમય રહી છે. ઝંખના છે ક્યારેક ઘોડે ચઢી ત્યાં જવાની. વાવના ગોખમાં પૂતળી બની ગયેલી. રાજકુંવરીને સજીવન કરવાની. બાને ન જાણે કેમ. વીંછીથી આડવેર. આકાશમાં વૃશ્ચિક નક્ષત્ર જોઉં છું ને બા યાદ આવે. બિચારીએ અસહ્ય પીડા વેઠી છે. સાતઆઠ વાર વીંછીની યાતના અને પ્રસૂતિની પીડા. લીલી ચારનો ભારો ઊંચકી ભેંસને નાખવા જતી હોય અને વીંછી ચટકાવે. કાળી ચીસો નીકળી જાય. છેલ્લો વીંછી ટચલી આંગળીએ કરડેલો. અમારી બાજુમાં સોની રહેતા. ખરા અર્થમાં અલ–કેમી રાસાયણિક ભૂવા હતા. મંત્ર–તંત્ર અને કીમિયાગર હતા. થોડું ઘણું વૈદું પણ કરતા. મને તાવ આવતો એટલે સંધ્યાકાળે ઘરપછવાડેની પીપર નીચે બેસાડી સાવરણી જમીન પર પછાડતા જાય અને કંઈક મંત્રોચ્ચાર કરતા જાય. કાળીચૌદશની રાત એટલે એમનો સાધના દિવસ. બાની આંગળીએ તેજાબનું પોતું બાંધેલું. કેટલી પીડા સહન કરી છે બાએ ? આંગળી એમણે ગુમાવી. મારાં ભૂમિકા–આસવ માટે બાની એ બૂઠી આંગળી આજે વિસ્મયનું પ્રતીક બની ગઈ છે. ફક્ત પચીસ વર્ષ પહેલાં મારું ગામ મોઢેરા કેટલું અંતરિયાળ ગામ હતું, તેની કલ્પના આવે છે. મારા ઘડતર પર બા કરતાં બાપુજીની છાપ વધારે. અમદાવાદ ભણવા મૂક્યો માધ્યમિક શાળામાં. ત્યારે બાએ ખોટા લાગણીવેડા બતાવ્યા નથી. ઘણી માતાઓની અતિશય ભાવુકતાએ ઘણા યુવાનોને પાંગળા–પાંખ વિનાના બનાવ્યા છે. બાએ જે કંઈ સહન કર્યું, એ ભીતર જ રાખ્યું છે. આજે ય વહુઓની પ્રશંસા પામે એવાં સાસુ છે. ન કોઈ ખટપટ, ન કોઈ ખટખટ, એ ભલાં ને એમની ભજનો ની ચોપડી. ઘરમાં હોય તો એમની હાજરી પણ ન વર્તાય. કૉલેજકાળના એ સમયમાં મને મેલેરિયાએ ખૂબ પીડ્યો છે. વૅકેશનમાં ઘરે જાઉં અને મેલેરિયામાં પટકાઉં. બા બિચારી ખડેપગે સેવામાં રહે. એના નસીબમાં કાયમ સેવા જ રહી. પહેલાં મોટાભાઈ પ્રતાપભાઈએ ખૂબ પીડ્યાં. રમત રમતમાં આંખમાં બાણ વાગવાથી આંખ ગયેલી. ઘણી દવાઓ છતાં. તેની અસર જ્ઞાનતંતુઓ પર થઈ અને વાઈનું દરદ વળગ્યું. એ ગુજરી ગયા અને બાએ માંડ પગ વાળ્યો ત્યાં પિતાજી નિવૃત્ત થઈ પાર્કીન્શનની મહાવ્યાધિમાં ઝલાયા. તદ્દન અપંગ. એમની સેવામાં પણ રાતદિવસ બાએ કદી જીવ બાળ્યો નથી. કદી જીવનથી હતાશ થઈ નથી. મેલેરિયાથી ત્રાસી હું ખૂટી જતો. તો બા જીવનદીપમાં વાટ સંકોરતી. મારાં બાની બા–જાબામા–ગોરાં રૂપાળાં અને પ્રતિભાવાન હતાં. બાના બાપુ મેં જોયેલા નહીં. પણ એ ઘોડા–બંદૂકો ખેલનારા સાહસવીર હતા. જાબામા એટલે મધમીઠી રસોઈ અને અવનવી રસતરબોળ દંતકથાઓનાં રસમૂર્તિ. હું ઘણુંખરું મોસાળ–પાનસરમાં ખૂબ રહેતો. હરગોવન મામા ગામમાંથી ઘેર આવે કે વગડેથી ઘેર આવે તો કદી ખાલી હાથે ન આવે. ગ્રીષ્મમાં તો કેરી અચૂક. શિયાળામાં બોર, ચોમાસામાં જાંબુ, જામફળ. જાબામાની બપોરેબનતી કઢીનો વઘાર એની સુવાસ એનો સ્વાદ–ભૂલ્યો ભુલાતો નથી. બાજરીનો રોટલો બનાવે તો જાણે નકશીદાર ઈરાની રકાબી જોઈ લો. રાત પડે ને આકાશમાં તારલા ટમટમે. જાબામાની સોડમાં હું ભરાયો હોઉં અને પછી અમારા વાર્તાઅશ્વ ઊપડે. તારકનગરો વીંધતો વીંધતો બુંદેલખંડની દિશામાં, વાવમાં આરસની પૂતળી જેવી રાજકુંવરી. મનસાગરાની ચકમકતી તલવાર અને કંઈ એવી કેટલીય રસસૃષ્ટિ. મારો શબ્દ પ્રત્યે અનુરાગ. વાર્તાતત્ત્વ, મીથ આ બધુંય જાબામાને સાદર સમર્પણ છે. તદ્દન અભણ હતાં, પણ તોયે. સાક્ષર. એમણે મોઢે કહેલી વાર્તાઓ મેં જયમલ્લ પરમાર, મેઘાણી રાયચુરા વગેરેના સંગ્રહોમાંથી પછી વાંચી, મારી ખરી બા–આત્મા–કોન્સ્યસના ઘડતરની બા તો જાબામા જ હતાં. મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી હું રહ્યો છું. એમના મૃત શરીરની માયા પણ મેં મહાપરાણે છોડેલી. બા મૃત્યુ પામ્યાં તે આખી રાત હું બાળક હોવા છતાં મૃતશરીર પાસે જાગતો બેસી રહેલો. પાનસરથી મહેસાણા સુધી એમની સાથે ટ્રેનનો પ્રવાસ કરવો એ એક લહાવો હતો. હજી આજેય થાય છે લાવ લોકલ ટ્રેનમાં જાઉં અને આંબલીયાસણ, જગુદન, ઝૂલાસણ, સ્ટેશનોથી જાંબુ, જામફળ, બોર ચણું માટીના કપમાં ચા પીઉં અને મધુરા બાળવિશ્વમાંથી પસાર થાઉં. પણ આદ્યસ્નેહમૂર્તિ એવાં જાબામા ક્યાં ? હરગોવન મામા આમ તો હતા અમારા ભાડુઆત, પણ વર્ષોથી ઘરોબો. બાને સગી બહેનથી વિશેષ અને અમને સગાં ભાણિયાંથી વિશેષ રાખે. જાતે નાયી પણ કડપ ગરાશિયાને શરમાવે એવો. ખૂબ વટવાળા. ગામમાં કોઈની દેન નથી કે જાબામાના ખેતરના આંબેથી કેરી પાડે. કદાચ સગા મામા હોત તો વિવા-વેવારમાં કંઈ ને કંઈ મનદુઃખ રહ્યાં હોત. પણ હરગોવન મામાના કારણે મોસાળ કેરીથી યે મીઠું બની રહ્યું. રેવા મામી અંધારિયા ઓરડાની સ્નેહાર્દ્રમૂર્તિ. અમે જઈએ તે ઘેલાં ઘેલાં થઈ જાય. રસોઈ સારી નહીં. પણ શું કરું અને શું ખવરાવું એમ થાય. દુઃખ વેઠવામાં અને આનંદ આપવામાં એમનું બરોબરિયું કોઈ કદી મને જોવા મળ્યું નથી. મારાં સગાં ફૂઈ જીવાં ફૂઈ. પણ બિચ્ચારાં સંસારની માયાજાળમાં એવાં ફસાયેલાં કે ભાગ્યે જ કોઈ વાર મોઢેરા આવે. કાકાની દીકરી એવી ફૂઈઓ ઘણી. અમારા નજીકનાં પિતરાઈ કુટુંબો લગભગ નિર્વંશ ગયાં. મારા ઘર પડખેનો વાડો પુરાણા કિલ્લા જેવો છે. કંઈ કેટલાંય ઘર પડી ગયેલાંની નિશાનીઓ છે. પણ આ દૂરની બહેનોને બાપુજી સગી બહેન જેમ સાચવતા. ઉનાળે સૌ ખેતીકામમાંથી નવરાં પડે એટલે દર વર્ષ કોઈ ને કોઈ ફોઈ આવે અને દસ-પંદર દિવસ રહી જાય. એક ફોઈ ફોરાં પતંગિયા જેવાં. છીંકણી ઘસતાં જાય અને આખા મહોલ્લાંમાં લ્હેરાતાં જાય. બીજાં એક ફોઈ વઢિયારથી આવતાં. ભારે પડછંદ શરીર. વિધવા, કાળું મલીર ઓઢે. નિઃસંતાન હતાં. રાણુબા નામ. કંઠ કોયલને શરમાવે તેવો. હૂબહૂ મીરાંબાઈ જાણે. બાપુજી ઘરમાં તંબૂર રાખતા. રાણુફોઈ તંબૂર લઈ બેસે, ફાનસના અજવાળે આંગણામાં સૌ ટોળે વળ્યું હોય. રાણું ફોઈ મીઠી હલકે મીરંબાઈનું ભજન ઉપાડે. ‘સાંઢવાલા સાઢ શણગારજે મારે જાવું સો સો રે કોશ...’ વૈશાખીનો રાત્રિવાયુ ફૂંકાતો હોય. લીમડો જટાજાળ જોગીની જેમ વીંઝાતો હોય. રાણુબા પવનઊંટ પર જાણે સવાર થઈ સિંધ હૈદરાબાદનું રણ વીંધતાં હોય. રસરૂપગંધની જેમ મારી સૂરની ઇંદ્રિય પણ ખૂબ સેન્સીટીવ–તેજ બની રાણુફૂઈના મીઠા કંઠને માણતાં માણતાં. મોઢેરામાં ઉનાળામાં લોક નવરું હોય. પણ દિવસે તો આકાશમાંથી આગ વરસતી હોય એટલે સૌ કોઈ બપોરે તો ઊંડા અંધારિયા ઓરડામાં. તો કોઈ ભેંસના ઢાળિયામાં, તો કોઈ લીમડા નીચે, બાવળ નીચે એમ આડેપડખે થયાં હોય. સાંજ પડે. સૂરજ ઢળે અને રણની દિશામાં ઠંડો પણ તોફાની વાયરો વીંઝાવો શરૂ થાય તે આખી રાત જાણે દરિયાઈ તોફન ચાલે. લીમડાના સઢ લીરા લીરા થઈ જાય અને આંગણામાં કાચીપાકી લીંબોળીઓનો ઢગલો પથરાયો હોય. એમાંય અજવાળી રાત હોય એટલે મહોલ્લાનાં છોકરાં સંતાકૂકડી, હૂતુતુ, અંતકડી રમતાં હોય. બા, ડહીમા, અમથીમા, મેનામા, અને મહોલ્લાની બીજી નવી-જૂની વહુઓ એમ ટોળું આંગણામાં વળ્યું હોય. કપાસ ખૂબ થતો ત્યારે કાલાં ફોલાતાં હોય. ડહીમા વક્રોક્તિમાં ઇનામ મેળવે તો મારી બા મીમીક્રીમાં ઇનામ મેળવે તેવાં. કોઈની ફિલમ ઊતરતી હોય. હાસ્યના ફૂવારા ઊડતા હોય. ઘડીમાં અંતકડીની અંતહિન સ્પર્ધા... તો ઘડીમાં ભજનો. આ ડાયરામાં હું કોઈ નવી આવેલી વહુના ખોળામાં ઘૂસી ગયો હોઉં. માવડિયો મારું ઉપનામ. સ્હેજ મોટો થઈ મહેંદી મૂકતાં શીખ્યો. ઘણી કન્યાઓ નવવધૂઓના હસ્તસ્પર્શનો લ્હાવો મને મળ્યો છે. ડહીમા રસ્તો રોકીને ઓટલે બેઠાં છીંકણી ઘસતાં હોય કે પિત્તળની નાનકડી–ખલમાં ગોળમગફળી ખાંડતાં હોય અને જતાં-આવતાં તમામ છોકરાંથી માંડી ડોકરાં સૌને રોકે. તુંકારાથી બોલાવે. મશ્કરી જેનું નામ. દરેકની ખોડખાંપણ કાઢે. દલપતરામના ઊંટ જેવાં. પ્રહલાદજી કાકા સરપંચ હતા. પણ ડહીમા કિંગ-મેકર, મુત્સદ્દી, ખટપટનાં ખેલંદાં. પરમો હરિજન ઓટલે ઊભા ઢીંચણે બેઠો હોય અને ડહીમા ચાણક્યકુશળ સોગઠી ખેલતાં હોય. લોક કહેતું ડહીમા નામની આભડછેડ રાખે છે. પરમો તો ગરજ પડે રસોડે બેસી ચવાણું ખાય. વાત સાચી. ડહીમા સ્વતંત્ર મિજાજનાં, બ્રાહ્મણ પણ ચોખલિયાં નહીં. અમારે ત્યાં ખાય-પીએ. કુટુંબ જેવો ઘરોબો એમણે રાખ્યો છે. અમથીમા એટલે વિઠાભૂઆનાં વિધવા. લાંબું જીવીને હમણાં ગુજરી ગયાં. જીવનાં ભોળાં. ડહીમા માટે મજાકમશ્કરીનું માત્ર. બા અમથીમાના અવાજની પેરોડી કરે. તો ડહીમા અમથીમાની નાની અમથી ભોળી ભૂલમાંથી કેરી કેચર બનાવે. હાસ્યનો આનંદ હું અમથીમા–ડહીમા પાસેથી પામતાં શીખ્યો. શ્રાવણ માસ પુનશ્ચઃ પુનશ્ચઃ સ્મરણીય. રાંધણછઠ્ઠ, શીતળાસાતમ જેવો તહેવાર હોય. આકાશ ગોરંભાયેલું. હવામાં વરસાદની મંદ મંદ સુગંધિત ભીનાશ અને મહોલ્લાનું મહિલામંડળ પુષ્પાવતી નદીએ ન્હાવા ઊપડે. સાથે ઢેબરાં, ગોળ, મરચાં–અથાણાં એવું બધું લીધું હોય. સદ્યસ્નાતા પુષ્પાવતીના શાંત, મંદ વહેતા જળમાં અમે તોફાન મચાવી મૂકીએ. એ રમ્ય લીલોતરી. વહેતી નદી અને કન્યકાઓનો સંગ–કવિ થવા એટલું સિંચન બસ નથી ? નીતરતે કેશ, ભીને વાળ. ધરોની પૂજા થાય એટલું સિંચન બસ નથી ? નીતરતે કેશ, ભીને વાળ. ધરોની પૂજા થાય અને પછી નાસ્તો. બાળવયે માણેલી એ ટચૂકડી પિક્નિકોનો બોરમીઠો સ્વાદ હજીય મમળાવ્યા કરું છું. ડહીમાને કોઈનાં છોકરાં તેડવાં ન ગમે. એટલે કેડમાં બે-પાંચ ભંઠિયાં ભરાવી લે. અને જેવું કોઈનું છોકરું તેડવા જાય. કે રાડ પાડે. ‘લે વહુ, તારું છોરું તો રહેતું જ નથી’ હળવે રહીને ચૂંટલી ભરવામાં પણ ડહીમા કુશળ. આ સૌએ માતૃપ્રેમ આપ્યો છે મને. શબ્દ પ્રત્યે અનુરાગ સિંચવ્યો છે મહોલ્લાના માતૃસમૂહે. હવે આ બધા પ્રણયને માતૃવંદના ગણો કે બાળસ્મરણ વંદના ગણો. તમારી પર છોડું છું.
૦