માડી મને સાંભરે રે/મારા જેવી છે તારે મા?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૫.
મારા જેવી છે તમારે મા ?

જીવણ ઠાકોર

"બેટા ! તને વાગ્યું તો નથી ને ?" પૃથ્વીની ઉત્પત્તિથી લઈને આજે પણ દુનિયાની દરેક માતાનો આ જ પ્રશ્ન છે. દુનિયામાં કોઈ માતા એવી નહીં હોય જેણે આ પ્રશ્ન પોતાના પુત્રને પૂછ્યો ના હોય. હું અગિયાર વર્ષનો હતો ત્યારે ગામમાં ભવાઈ હતી. મોટાઓ કરતાં તો અમે છોકરાઓ વધારે ખુશ હતાં. પુરુષ સ્રીનાં કપડાં પહેરીને, ફરે, બોલે. ગાય ને નાચે એ જોવાનું અમને જબરું આકર્ષણ હતું. એ ભવાઈ મંડળીએ એક ખેલ નાખ્યો હતો. જેનું નામ કે પૂરી વિગત હાલ મને યાદ નથી. પરંતુ એનો એક પ્રસંગ આજે પણ યાદ છે. વિધવા વૃદ્ધ માને એકનો એક પુત્ર હતો. મા નગરશેઠને ત્યાં વાસણ ઘસતી, પાણી ભરતી, દળણાં દળતી ને ટાંપાંટૈયાં કરતી. ત્યાંથી બાર મહિને એક-બે કળશી દાણાં ને રોજ વધ્યુંઘટ્યું ખાવાનું મળતું. ને ઊતરેલાં કપડાં વાર–તહેવારે મળતાં. નગરશેઠનાં આ ઊતરેલા કપડાં પહેરીને પુત્ર ફૂલફટાક થઈ આખા ગામમાં ભટકતો. આ રખડેલ, આવારા પુત્ર એક વેશ્યાના સંપર્કમાં આવ્યો. એણે વેશ્યાને હાથ માગ્યો. વેશ્યાએ પણ બદલામાં એની માનું કાળજું માગ્યું. લંપટ, વાસનાંધ પુત્ર કરપીણ વિચારો કરતો ઘેર આવ્યો. રાત્રે નવ–દશ વાગે થાકીને લોથપોથ થઈ ગયેલી વૃદ્ધ મા હાંફતી હાંફતી ઘેર આવે છે. ને ઘરમાં પગ મૂકે છે ત્યારે તેનો લંપટ પુત્ર ખંજર હુલાવી દેતાં વાર નથી કરતો. મરેલી માને ખૂણામાં ઢસડી જઈને એનું કાળજું કાઢે છે. ને એ કાળજુ હાથમાં લઈને જાય છે વેશ્યાના ઘર તરફ. કાળજાના બદલે મળનારી વેશ્યાની મધુર પળોને વાગોળતા જતા વાસનાંધ પુત્રને ઠોકર વાગે છે. પુત્ર ઊથલી પડે છે, એના હાથમાંથી એની માનું કાળજું દૂર જઈ પડે છે. પુત્ર ઊભો થાય છે. અંગ ખંખેરતો કાળજા પાસે જાય છે, ને એને લળીને લેવા જાય છે, ત્યારે એની માનું પેલું કાળજું એને પૂછે છે "બેટા ! તને વાગ્યું તો નથી ને ? !" આ દિવસથી ભવાયાની ભૂંગળો મારા મનોજગતમાં માનું રાતુંચટ્ટક ચૂવતું જે કાળજું મૂક્યુ છે, તે હાલ પણ એમ ને એમ છે. કેટલીક વખત એ જ કાળજાએ મને પ્રેરણા આપી છે. મારા, મારા હોવાના દાવેદારો ભાગી છૂટ્યાં છે, ત્યારે એ જ કાળજાએ મારો હાથ ઝાલ્યો છે. એ રાતાચટ્ટાક કાળજા સિવાય આ જગતમાં મારો કોઈ ગુરુ નથી. મારી માતાના હૈયાએ મને ઘણું ઘણું શીખવ્યું છે. મારી ગુરુ, મારી મા જ છે. મારી મા પરણીને સાસરે આવી. એકાદ વરસ પછી માસિક બે રૂપિયાના ભાડેથી મકાન રાખીને મારા બાપે એમના સંસારનું ગાડું હાંક્યું. ત્યારે મારા દાદા પાસે માત્ર આબરૂ હતી. કારણ કે ચાલીસ રૂપિયા ને લટકામાં ચાર બાટલી દારૂના બદલામાં એમણે ચાલીસ વીઘા જમીન ડુબાડી દીધી હતી. તેથી નામ પૂરતાં બે વાસણ એક લોટો ને એક તાંસળું મારાં મા–બાપને આપ્યાં હતાં. અમને સાત જણને ઊછેર્યાં, પરણાવ્યાં ને આજે એક પાકા મકાનની બસો રૂપિયા ભાડાની આવક કરી છે. આ બધું અવેરતાં મારી માએ મારા બાપ સાથે ખભેખભો મિલાવીને પોતાની જાતને નિચોવી નાંખી છે. મારી મા એની જવાનીમાં મારા બાપ સાથે ઇંટોના ભઠ્ઠામાં કામે જતી. બાજરીના ટીક્કડ (રોટલા) વચ્ચે ડુંગળીનો દડો ને વાટેલું મરચું મૂકી, કપડાંમાં બાંધીને સાથે લઈ જતી. ચોમાસામાં ભઠ્ઠાનું કામ બંધ થઈ જતું ત્યારે આજુબાજુનાં ખેતરોમાંથી ઘાસ કાપીને, લાકડાં વીણીને એના ભાર માથે મૂકીને ઠેઠ કાલુપુર રાજમહેલ હોટલ આગળ વેચવા જતી. બે-અઢી મણના ભારના એક કે બે આના મળતા ત્યારે. ત્રણ ચાર વરસ પહેલાં મા સાથે રાજમહેલ હોટલ આગળથી નીકળવાનું થયું. સાત સાત રસ્તાનો ધોધમાર ટ્રાફિક જોઈ માની આંખમાં આંસુ આવી ગયાં, મા સૂનમૂન થઈ ગઈ. કારણ કે આ ચોકમાં જન્માષ્ટમીના દિવસે વરસો પહેલાં વરસો સુધી ગરબા ગાયા છે, ગવડાવ્યા છે, મારી માએ. અહીંયાં જ એક દિવસ પાન ખાવા તે મારા બાપથી રિસાઈ હતી. છેવટે મારા બાપે પાન ખવડાવીને મનાવી હતી. અહીં જ એણે લાકડાં, ઘાસ, શાક, ઘી, દૂધ, બોર ને કેરી, ક્યારેક ખુમારીથી, ક્યારેક લાચારીથી વેચ્યાં છે. એ બધું આજ મને એની આંખમાં દેખાય છે. રાજમહેલના ચોકમાં મળેલી, બનેલી સખીઓની મારી મા પાસે ફક્ત સ્મૃતિ છે. રોજ ઘરઆંગણે આવતી છ–સાત ગાયોને રોટલાનો ટુકડો ટુકડો નાંખતી મારી મા. અઠવાડિયે કબૂતર માટે કિલો જુવાર મંગાવતી મા. કારખાને લંગડા કે બીમાર કૂતરા માટે કપડામાં સાચવીને રોટલો લઈ જતી મારી માએ કદી વાંચ્યું નથી કે કબીર કહી ગયા છે. ‘દયા ધરમકા મૂલ. મૂંગા જીવ પર પ્રેમ વરસાવતી મારી માએ એક વખત મને નારાજ કરી નાંખ્યો હતો. થોડા સમય પહેલાં મેં ખુલ્લી ઓશરીમાં લોખંડની જાળી નાંખવી ને આજુબાજુ ચણતર કરાવી લીધું. ઘરનાં સૌ ખુશ હતાં. ત્યારે મા મૌન હતી. હું જાણી ગયો કે માને જાળી નંખાવી તે ગમ્યું નથી. આમ બે દિવસ ગયા. ત્રીજા દિવસે મેં ખુલ્લી રહેલી જાળી બંધ કરી, સ્ટોપર ચડાવી પછી મા સામે જોઈ કહ્યું. "મા ! જો. જાળી બંધ કરવાથી ઘર કેવું બંધ પેટી જેવું થઈ જાય છે." મા. ક્ષણ બેક્ષણ મારી સામે જોઈ રહી, પછી ધીરેથી બોલી, "ભઈ !" કાળી બિલાડી ચ્યોં થઈને મંઈ આવશે ?" માનો પ્રશ્ન સાંભળીને હું ખિજાઈ ગયો. ને સ્હેજ મોટા અવાજે બોલ્યો. "હું એક પાંજરું લાવીશ. તું એમાં પોપટ જેમ કાળી બિલાડી પૂરી રાખજે." મારું બોલવું સાંભાળીને મારી પત્ની ને બાળકો હસી પડ્યાં. મા ને હું પણ. મા એના પિયરમાં ભેંસો ચરાવીને મોટી થઈ છે. અહીં રખિયાલમાં પણ મા ચાર ભેંસો રાખતી હતી. મારી મા સાવ નાદાન વયમાં મા બની હતી. ત્યારે એની કૂખે મારી મોટીબહેનનો જન્મ થયો હતો. સાવ નાની વયમાં જ માતા બનવાથી લજવાયેલી મારી માએ એની માતાની બાધા રાખી કે હવે મારે સંતાન નહીં થાય તો હું તને બકરો ચડાવીશ. મારો બાપ આ વાત જાણે નહીં. બીજી બાજુ મારા બાપે–પ્રથમ સંતાન પુત્રી થવાથી નારાજ થયેલા મારા બાપે એની માતાની બાધા રાખી કે હવે મારા ઘેર પુત્ર અવતરશે તો હું બકરો ચડાવીશ. આ વાત બાપા સિવાય કોઈ જાણે નહીં. ત્યાર પછીની ઘટનાઓ વિસ્તારભયથી નથી લખતો. પણ એક હકીકત છે કે મોટાબહેન ચારક વરસનાં થયાં ને મા મંદિરમાં આપણા રામની મૂર્તિ કંડારવા લાગી. નવમા મહિને પૂર્ણ મનુષ્યનો આકાર ધરી પૃથ્વી પર શ્વાસ લેવાના હતા. નવમો મહિનો પૂરો થયો. દશમો ય પૂરો થયો. ને એક દિવસ મા મંદિરમાં અગિયાર મહિના રહ્યા પછી મારો ને પૃથ્વીનો સ્પર્શ થયો. સંબંધ થયો. ગામડામાં ઉછરેલી, વગડામાં ફરેલી મારી માના રોમરોમમાં હિંમત ને નીરડતા વ્યાપેલાં છે. હું દશબાર વરસનો હતો ત્યારની એક ઘટના કંઈક આમ છે. સરસપુરમાં પરણાવેલા મારાં મોટાં ફોઈએ લફરું કરેલું. આ બાબતે મારાં નાનાં ફોઈએ મારી માના કાન ફૂંક્યા. એક દિવસ સાંજના મા મને લઈને સરસપુર ઊપડી. અમે નાનાં ફોઈના ઘર પાછળ ઊભાં રહ્યાં. થોડી વાર પછી નાના ફોઈએ બારીમાંથી ઇશારો કર્યો. ને મા મારો હાથ ખેંચતી ઝટપટ મોટાં ફોઈના ઘર તરફ ચાલવા લાગી. અમે મોટાં ફોઈના ઘેર પહોંચ્યાં ત્યારે એક વ્યકતિ ખાટલામાં બેઠી હતી. ફોઈ એને પાણીનો ગ્લાસ આપતાં હતાં. ઘરમાં પ્રવેશતાં જ મારી માએ પૂછ્યું. "રૂપા બા ! આ કુન સઅ્‌....?" મારાં મોટાં ફોઈ ગેં ગેં ફેં ફેં કરવા માંડ્યા ને માના હાથમાં ધોકેણું ચડી ગયું. પછી તો પેલાને ફેંટ પકડીને મારી માએ આઠથી દસ ધોકેણાં જમાવી દીધાં. પેલો ભાગી ગયો પછી ફોઈને પણ બે ધોકેણાં જમાવી દીધાં. મારા નાનાકાકા (અવસાન ૧૯૬૪) માથાભારે હતા. દારૂ ગાળવો, વેચવો ને પીવો. પીધા પછી એકબે જણને મારવા. આંતરા દિવસે પોલીસની રેડ આવે જ. એક દિવસ કાકાનો પાંચ માટલાં દારૂ ઘરમાંથી પકડાયો. પાંચે માટલાં એક બાજુ સાચવીને મૂક્યાં. પછી પોલીસ કાગળિયા તૈયાર કરતા હતા ત્યારે જ મારી મા ખેતરમાંથી ચાર (ઘાસ)નો ભારો લઈને ઘેર આવી. ફળિયાનું દૃશ્ય જોઈને જ મારી મા સમજી ગઈ કે માલ (દારૂ) પકડાઈ ગયો છે. માએ તરત લાંબો ઘૂંઘટો તાણી લીધો. ને ઝડપી ચાલે આગળ વધી પોલીસ સહિત હાજર રહેલા કોઈ કંઈ સમજે તે પહેલાં ચારનો ભારો (આશરે અઢી ત્રણ મણ વજનનો) દારૂના માટલાં પર નાખ્યો. પાંચે પાંચ માટલાંનો ભુક્કો બોલી ગયો. ફોજદાર મારી માને ગાળો દેતો મારવા ધસ્યો. મારી મા ફોજદારને બાથે પડી ગઈ. તરત મારા કાકાએ કૂદકો માર્યો ને એક પોલીસવાળાને પછાડ્યો. પછી તો ધમાચકડી મચી ગઈ. છેવટે માર ખાઈને પોલીસ ભાગી ગઈ. બીજા દિવસ પી.આઈ.ની રૂબરૂ સમાધાન પણ થઈ ગયું. આજે પણ મારી ચાલીશ વરસની ઉંમરે હું માના ખોળામાં માથું રાખીને સૂતા સૂતા માના મુખે એની વાતો સાંભળું છું ત્યારે મને નવાઈ લાગે છે. હું માને કહું છું કે આ વાત તો તેં આજે જ કરી. ત્યારે મા હસીને કહે કે ‘ભઈ ! આવું બધું ચ્યો યાદ રાખીએ ? આ તો કો’ક દન હોંભળી જાય તો કઈએ.’ મારી મા અને મારી પત્ની એકબીજાને સમજી શક્યાં છે અથવા તો એક-બીજાને અનુકૂળ થવાની રીત અપનાવી લીધી છે. નહીંતર આટલા વરસ આમ સાથે ના રહી શકે. સંસાર છે પ્રશ્નો જાગવાના જ. અમારે પણ જાગે છે. ક્યારેક મનદુઃખ પણ થાય છે. એકબે દિવસના મૌન પછી ગૂંચ ઊકલી જાય છે. જેમાં મારી મા ને પુષ્પાનો ફાળો વધુ જ હોય છે. આપણા રામ ભણતા ભણતા સાતમા ધોરણમાં લફરું કરી બેઠા. નિશાળ છોડવી પડી. બાપાએ કરિયાણાની દુકાન કરી આપી. દુકાનમાં પહેલા વરસે આઠ હજારની, બીજા વરસે બાર હજારની મા-બાપને ઓઢાડી. સટ્ટો, સિનેમા, સિગારેટ ને શરાબના માર્ગે બીજું શું થાય ? બાપે કાન પકડીને મૂકી દીધો મિલમાં મને. એક પણ શબ્દ કહ્યા વિના મિલમાં ૫ંદર વરસ વટથી નોકરી કરી. બધું મજામાં ચાલતું હતું. ને ધબ અંધારું ધબ થઈ ગયું. મિલ બંધ થઈ ગઈ. મારા બાપને આશા હતી, મિલ ચાલશે. મિલ ના ચાલી. મને હિંમત આપતો આપતો બાપ પાંચ–છ મહિના પછી તૂટી પડ્યો. અટકે આવ્યો. બાપ પથારીવશ થયો, દવા ને સગાંના ખર્ચા ચાલુ થયા. પી.એફ.નાં નાણાં પગ કરી ગયાં. લગભગ બે વર્ષની બીમારી પછી ૧૨–૧૧–૮૪ના દિવસે મારા પૂજ્ય બાપુ મારી માને વિધવા કરીને ચલ્યા ગયા. મારા શાનદાર મિત્રોમાંથી આજ સુધી કોઈ જોવા નથી મળ્યો (આ કલમના સોગંદ). મિલ બંધ થયા પછી જે તાલી મિત્રો મળે છે તે ય મારી પાસે ચા પીવાની આશા રાખે છે. ઘણા મિત્રો છે મારા. ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, કારખાનાવાળા શેઠ, ને કોન્ટ્રાક્ટરો, બૅંકોના ઑફિસર, જે ધારે તો મારા માટે ઘણું કરી શકે એમ છે. એ આવતા નથી હું જતો નથી. મારી પાસે મારું સ્વમાન છે. જીવું છું માત્ર મરવાની ખુમારી સાથે. ટૂંકમાં આ જે મિત્રો મને ઘેરી વળતા હતા તેમને આજ ત્રણ ત્રણ વરસથી હું ભૂખે મરું છું તોય એક દિવસ મળવાનો સમય નથી મળ્યો. ત્યારે મારી મા મારી પડખે ઊભી છે. જે દિવસથી મારી મિલ બંધ થઈ તે અઠવાડિયેથી મારી મા એક કારખાનામાં કામે જાય છે. ને એના આ ચાર સંતાનોના બાપ એવા છોકરા (મને) ને આજે ખવડાવે છે. મને આશ્વાસન આપે છે કે બેટા ગભરાઈશ નહીં હું છું, ખાવાનું હું કમાઈ લાવીશ. તારાં સંતાનોના અવસર વખતે એક–બે મકાન વેચીને અવસર કરશું. આવી છે મારી મા ! શકરી મા. જેણે મને મિત્રતા રોપતાં અને લોપતાં શીખવ્યું છે, મારા બાપના અવસાન પછી હાથ જોડીને, કરગરીને કામે નહીં. જવા મેં સમજાવી મારી માને કે મા ! ના જઈશ હવે કામે. થોડે થોડે બધું વેચીશું ને ખાઈશું. પણ ના માની. ક્યાંથી માને ? એ જાણે છે છોકરો બેકાર છે. ને આજ પણ એ કામે જાય છે. (અમે ઘેર ભરતગૂંથણ કરીએ છીએ. એમાં આઠ માણસનું ઘર તો ના જ ચાલે ને !) આ વાંચનારે જાણી લેવું જોઈએ કે આ–દેશના જે કરોડો નાગરિકો ગરીબીની રેખા નીચે જીવે છે, એને જિવાડનાર આ મજૂર–મહાજનો કે લોકશાહીની લંગોટી પહેરી હાથમાં માઈક ઝાલી ફરતો નેતાઓ નથી. પરંતુ મારી મા જેવી જનેતાઓ છે. સમજ્યા ? કંગાલો ને કંકાલોને જિવાડનાર નેતા નહીં, જનેતા છે. મારી માએ ચાર–પાંચ છોકરીઓ જોયા પછી અમદાવાદમાંથી જ એક પ્રેમની પૂતળી પસંદ કરી મારા માટે. ને પૂરા હરખથી મને એની સાથે મારી માએ પરણાવ્યો. આજ તેવીસ વરસથી એ પ્રેમની પૂતળી સાથે મારું દાંપત્યજીવન સરળ રીતે વહે છે. સહે પણ કરકર વિના. મારી માના પ્રતાપે, મારી માની ચકોર નજરના પ્રતાપે, અમારા દામપત્યજીવનમાં બાળકોના પ્રશ્ને કયારેક અબોલા ખખડે છે કે તરત મારી મા પકડી પાડે છે. પ્રથમ મારી પત્ની પુષ્પાની ઊલટતપાસ આરંભે છે પછી મારી. અમને બન્નેને ઠપકો આપે છે. ને અમારાં બાળકોને ખાલીખાલી ધબ્બો ધબ્બો મારે છે ને વાતાવરણને હળવું કરી નાંખે છે. હમણાં બાબાનું પેન્ટ ફાટી ગયું હતું. મારી પત્નીએ પેન્ટને ત્રણ–ચાર ઇંચનું થીગડું મારી દીધું. મારી માએ જોયું, બોલી નહીં, બીજા દિવસે કારખાનાના શેઠ પાસથી બસો રૂપિયા ઉપાડ કરી લાવી, મને આપ્યા ને કહ્યું, ‘જો બેટા, છોકરાં ઓલે પાટલૂનનું લૂગડું લઈ આવ.’ ‘પણ મા’ મને બોલવા જ ના દીધો, મારી વાત કાપીને મા બોલી. ‘તારું માર કશુંય હોંભળવું નથી, અમે તમને થીંગડાવાળાં નથી પેરાવ્યાં. હું જીવું છું તો હુદી તો નઈ પેરવા દઉં થીંગડાવાળું લૂગડું.’ મારી પાંચ બેહનો ઓછી હોય તેમ મારી માએ એની સાથે કામ કરતી કેટલીય મારવાડણોને દીકરીઓ બનાવી છે. વારતહેવારે એ દીકરીઓ અમારે ત્યાં આવે છે. ત્યારે મને જોઈને મારી માને પૂછે છે, માડી ! થારો આવરો મોટો આખા આદમી જેવો છોરો કૉમે ની જાતો ?’ ‘ઈની તો મિલ બંધ શને મૂઈ’ મા કહે છે. ત્યારે મારવાડણ પૂછે છે. ‘છોરો કોંય કૉમ નીં કરે તો ઈનો ટેમ કીમનો જાતો હોય ?’ ત્યારે મરકતા મુકે ગૌરવભેર મારી મા એ મારવાડણોનો કહે છે. ‘ભઈ તો કવિતાઓ–વારતાઓ કરે છે. ભઈના નોમના છાપા ચોપડિયું છપાય સ. ભઈ તો કવિ સ.’ આ કહેતી વખતે મારી માના મોં પર જે તેજ છવાય છે એને કહેવા માટે મારી પાસે શબ્દો નથી. એ તેજ જોઈને હું ધન્ય થઈ જાઉં છું. મારી માને ગૌરવ છે એક કવિની મા હોવાનું. એનો છોકરો કંઈ બીજાની જેમ જેવોતેવો છોકરો નથી. કવિ છે કવિ. ક્યારેક ક્યારેક સામયિકમાં આવેલી મારી રચનાને મારાં બાળકો, મારી માને વાંચી સંભળાવતાં હોય છે. મા લાંબા પગ કરીને કાન માંડીને સાંભળે છે. ને હું એમને જોયા કરું છું. આવું નસીબ–સદ્‌ભાગ્ય કેટલાને મળતું હશે ? કારતક માસમાં બાપના મર્યા પછી, વૈશાખમાં એક બહેનના ભાણિયાનો મામેરાનો અવસર આવ્યો. બધી બહેનોમાં પ્રથમ ને બાપના મર્યા પછી પણ આ પ્રથમ પ્રસંગ હતો. મારી માની ઇચ્છા હતી, ભાણિયાને દાગીનો ભેટમાં આપવાની. મેં ઘડિયાળની વાત કરી ને મા નારાજ થઈ ગઈ. મેં માને સમજાવી કે આ પ્રથમ ભાણિયાને જે આપીશું તે બાકીની ચાર બેનોના ભાણિયાને આપવું પડશે. બે વર્ષ પછી મારાં બાળકોનો અવસર આવશે. મિલ મારી બંધ છે. મા માની ગઈ ને સોનાના દાગીનાના બદલે એક ઘડિયાળ મંજૂર થઈ ગઈ. મામેરું લઈને જવાનું હતું તે જ દિવસે છાપાં રાતાચોળ રંગ રાઇફલ–પિસ્તોલની ગોળીઓથી ઊભરાતાં આવ્યાં, દરિયાપુર–કાળુપુરમાં માર્યા ગયેલા, પી. એસ. આઈ. એમ. ટી રાણાની નનામી ઊંચકીને. પ્રથમ નક્કી કરેલ મેટાડોરવાળો પાણીમાં બેસી ગયો. ને બીજો કોઈ તૈયાર ન થયો. મારી મા ચિંતાતુર હતી. હું રઘવાયો રઘવાયો ફરતો હતો. માંડ માંડ પાંચ રિક્ષાવાળાને તૈયાર કર્યા. ને ફફડતા હૈયે લગ્ન માણવા ઊપડ્યા. રખિયાલથી નીકળતાં જ હાથીભાઈ પાસે જ ‘અમદાવાદ બંધ’ લખનાર ટોળાંએ રિક્ષાઓને ઘેરી લીધી. કાળજા ફફડી ઊઠ્યાં. ત્યાંથી રિક્ષા ઊપડી, જમાલપુરમાં ફરી ટોળાંઓએ ઘેર્યા. લખાણ ભૂંસાઈ ગયું. ને પહોંચી ગયા હેમખેમ બોપલ ગામે. ત્યાં લોકો અમદાવાદ–રાણા...દરિયાપુર વિષે પૂછ્યા કરે. ને અમે કહીએ ઝટપટ બધું પતાવો તરત પાછા જવું છે. ધડાધડ ફડાફડ મામેરું ભરાઈ ગયું. મામેરિયા જમી રહ્યાં કે તરત ચાર રિક્ષાઓ વળતી રવાના કરી દીધી. ત્યાર બાદ ભાણિયાને પીઠી થઈ. મેં ત્રણસોની ઘડિયાળ આપીને ભાણિયાને પાટેથી ઉતાર્યો. જાનમાં જવાના તો હોશ નહોતા. સૌને રામ રામ કરી રિક્ષા મારી મૂકી અમદાવાદ તરફ. ટાઉનહોલ આગળ જ પુલના છેડે બે રિક્ષાઓ રોડ વચ્ચે આડીઅવળી પડેલી, ને ડ્રાઇવરો બાથંબાથ આવી ગયેલા. એ જોઈને છાતી વચ્ચોવચ ઊની ફાળ પડી. ડ્રાઇવરે આંખ મીંચી ને રિક્ષા દોડાવી મૂકી. ને નીકળી ગયા હેમખેમ. જમાલપુરમાં પ્રવેશ્યા ને એક ટોળું સામે જોયું. છાતી ધકધક થવા માંડી. રિક્ષાની ઝડપ થઈ ગયું. જાન હથેળી પર લઈને. અમારી રિક્ષા ઘેર પહોંચી ગઈ. આગળ આવેલી ચાર રિક્ષાને થોડું વીત્યું હતું. તેથી મા ચિંતાતુર હતી. અમારી રિક્ષા જોઈ, મને ઊતરતો જોઈને મા ભાવવિભોર થઈ ગઈ. હુંય હર્ષ ને ઊતાવળથી ઘરમાં જતો હતો ત્યારે ઉંબરાની ઠેસ વાગી ને સીધો મારી મા પર ઊથલી પડ્યો. માએ ઝીલી લીધો એની છાતી વચ્ચોવચ. મને મારા બચપણનું સ્મરણ થઈ આવ્યું. મારી આંખમાં હર્ષનાં આંસુ હતાં. ને મોં જાણે માના ધાવણથી ફીણ ફીણ થઈ ગયું હતું. હું તો ઠેઠ ઘોડિયામાં ઝૂલતો હતો, ત્યારે મારી શકરી મા મને પૂછતી હતી. "બેટા ! તને વાગ્યું તો નથી ને ?"