માડી મને સાંભરે રે/મા એક સ્રી છે, દેવહુમાની દીકરી છે
મા એક સ્રી છે, દેવહુમાની દીકરી છે
સાહિલ પરમાર
મેં સાગર નહોતો જોયો ત્યારે માને જોઈ હતી. મેં હિમાલય નથી જોયો, પણ માને જોઈ છે. હું અવકાશમાં નથી ગયો, પણ માના અંતરમાં વિહર્યો છું – ને મા છે એટલી અસીમ કે ઘણું બધું વણદેખ્યું, વણપ્રીછ્યું, વણસ્પર્શ્યું ને વણકથ્યું રહી જાય છે. મારી અઠ્ઠાવીસ વર્ષની ઉંમરના વ્યાપમાં ફેલાયેલું ચિત્ર છે, આછું-ઘેરું સંસ્મરણ છે, મારી ઝાંખી-સતેજ નજર સામે તટૂતી જતી ન ઘડાતી જતી પ્રતિમા છે. મારી આંખ સામે જ જીવતીજાગતી વ્યક્તિ અને છતાં ય મારા થકી થયેલું ખંડ ખંડ દર્શન છે મારી મા. એને હું અખંડ સ્વરૂપમાં પામી શક્યો નથી એમાં મારી લઘુતા કરતાં ય મોટું કારણ એની અસીમ વ્યાપક્તા છે. માને હું ધાવતો હતો એનું એક દૃશ્ય યોગાનુયોગે મારા સ્મરણપટમાં ચૂભી ગયેલું છે. માત્ર એક દૃશ્ય. આજે પણ હું ચારેકોરથી ઘેરાઈ જાઉં છું, મૂંઝાઈ જાઉં છું ત્યારે આસપાસનું જગત ભરનીંદરમાં હોય ને હું રૂમની લાઈટો બંધ કરી દઈ અંધકારમાં બેસી રહું છું. મારી એક આદત છે એ. ઘણાબધા વિચારોની ઘટમાળ વચ્ચે ય યાદ આવે છે એ દૃશ્ય. એ વેળાએ હું જાણે દોઢેક વર્ષનું બાળક હોઉં છું ને સ્તનપાનના એ દૃશ્યનું પાન મને એક નવું બળ આપે છે, નવું જોમ આપે છે, માની યાદ ભંગારમાંથી મારું નવસર્જન કરે છે. મા આટલી દૂબળી-પાતળી ને વૃદ્ધ ન હતી એ બરાબર યાદ છે મને. મારા બાપા કહેતા : "તારી મા ગોરી ન્અ રૂપાળી અતી. અમ જાણ્અ હંગાથ બા’ર જવા નેકળતા તાણ્અ તારી મા વાણિયણ જેવી લાગતી. અમન્અ જોઈન્અ અમે ‘ઢેડ’ સીએ એવો કોઈન્અ વિચાર ય ના આવઅ્." હું નવ-દશ વર્ષનો હોઈશ એ વખતે તે ત્યારેય માના શરીરમાં બહુ મોટો ફરક પડ્યો ન હતો. એના ચહેરા પર આછી આછી કરચલીઓ વળવાની શરૂઆત થઈ હશે ને તો ય એ વખતે ય ગોરી, રૂપાળી, મધ્યમ બાંધાની માને મેં જોઈ છે. એક બહુ દૂરનું દેખાય છે મને. એમાં દેખાય છે જેને મેં નજરોનજર જોઈ નથી એવી મારી મા – ઉમતા ગામના ઢેડવાડા પાસેના નાળાથી સ્હેજ દૂર આવેલા એક વડ નીચે રમતી એક બાળા. ઘાઘરી ને કબજો પહેરી એક હાથમાં સ્લેટ લઈ બીજા હાથે બાજરીના રોટલાનો ડૂચો ભરી મોંમાં નાખી અંત્યજ શાળા ભણી દોડતી એક છોકરી. પોતાની મોટી બેન અને મા સાથે બેસી ઓહના દીવાના ઉજાસે ફિરતા ફેરવી હીરવતી કે બોબીન ભરતી, જીર્ણ કાળી દીવાલો વચ્ચે ચૂલાના ઘુમરાતા ધુમાડામાં રોટલા ટીપતી કે ડુંગળી કાપતી, ઘર આગળ આવેલા તણઝા નીચે વાડામાં બેસી વાસણ ધસતી, માથે તબડકું મૂકી છાણ વીણી લાવી ખરવાયેલી દીવાલે છાણાં થાપતી, છાશનું માટલું માથે મૂકી છાશવારે જતી ને એમ કરતાં કરતાં કિશોરાવસ્થાનો ઉંબરો ચઢતી એક છોકરી – પંચમાં પુછાતા પંચાતિયા રત્ના હાજીની મગરુબ છોકરી. ને જેને ગામમાં ઘર નથી, સીમમાં ખેતર નથી, માથા પર માબાપનું છત્તર નથી એવા એક મીંઢળબંધા યુવક સાથે ‘પ્રભુતામાં પગલાં માંડવા’ ફેરા કરતી પીઠીરંગી એક કિશોરી. ને આણે આવેલા કાકાસસરાની પૂંઠે પૂંઠે વાળેલી લાજને પછવાડે મદભર પ્રભાતને આંખમાં આંજી ઊડતી એક યુવતી. ને ચાર દિવસ પછી આંજણ ઓસર્યા. હળવાશથી પતિનું માથું પંપાળતા કોમળ હાથને કઝાળ શબ્દોના ભાલા ભોંકાયા ને એણે હાથમાં લીધું દાતરડું અને જારબાજરી લણવા ખેતરે જવું શરૂ કર્યું. પતિ ઘેર બેસીને વણે એમાં રાતવેળા થોડી થોડી મદદ પણ કરવાની ને ખેતવૈતરું પણ કરવાનું અને પૈસા બધા (પતિના) કાકાકાકીને સોંપી દેવાના; લગ્નનું દેવું ને કરજનું દેવું, આણાંનું દેવું ને મોસાળાનો ભાગ, ખાવાનો ખર્ચો ને મોટા કર્યાનું ઋણ – આ બધા પેટે. એના પતિએ કારમી મજૂરી કૂટી. એના દીયરે આંબા સાચવવામાં ના ભાળી રાત કે ના જોયો દન. ને તો ય એક દિવસ એ બંનેના ધોતિયાં પણ કાઢી લઈને જાંગિયાભેર બેઉને તગેડી મુકાયા. બંને ભાઈ ક્યાં જાય ? અમદાવાદના રાજપુર વિસ્તારમાં એમના મામને ત્યાં રહ્યા ને મિલમાં ચઢ્યા. એ દરમિયાન એ (મા) પિયરમાં રહી ને જ્યારે પતિએ તેડાવી ત્યારે અમદાવાદ આવી. હાલ બી. જે. મેડિકલ કૉલેજની હૉસ્ટેલ છે ત્યાં વગડો હતો ત્યારે. ત્યાં છાપરું બાંધીને એ એના પતિ અને દીયર સાથે રહી. સ્વદેશી મિલમાં રીલિંગ ખાતામાં કામે ચઢી. ત્યાંથી શાંતિપુરની ચાલીમાં રહેવા ગયાં, જ્યાં કબજો પહેરતાં ય બાંયમાં ભરાઈ રહેલો વીંછી ચટકે. એની દેરાણી હજી આણે ફરતી ને એટલે દીયર ભેગો રહેતો. ખૂબ અળવીતરો એનો દીયર. ‘લડ નહીં તો લડનાર દે’ એનો જીવનમંત્ર જાણે ભૂતને ય ભાઇબંધ કહે, પલિતને ય પ્રીત કરે ને ચૂડેલને ય પોતાના નામની ચૂડીઓ પહેરાવે એવો. ફૂટડો ને વરણાગિયો. ધરમની બહેનો ય એને ખૂબ. એટલે એણે રઢ કરી : ‘શંકરભાઈ હોય તો હું આ ઘરમાં નહીં.’ એના પતિએ ય મા-બાપ નાની વયે ખોયેલાં. બે નાની બહેનો ય જાતે દફનાવેલી. એણે ભાઈનો પક્ષ લીધો ને પડ્યું ભંગાણ. એ એના ભાઇને ત્યાં સરસપુર જતી રહી. રિસામણાં ને તો ય જીવ તો પતિમાં. દોઢેક વરસ એમ વીત્યું ને એક દિવસ એ મિલમાંથી બારોબાર પતિ સાથે રિક્ષામાં હાલી નીકળી. ઘણાંએ મ્હેણાં માર્યા : ‘રાજીએ ભાઈનું નાક વાઢ્યું.’ પણ એણે પોતાનો સંસાર વ્હાલો કર્યો. ‘પિયરવાટ ભાંગી પણ એણે પોતાનો સંસાર સુધારી લીધો.’ ગમે એમ, પણ સ્રીની એ જ નિયતિ હશે ? ગાડી પાટે ચઢી ને પૂંઠે પૂંઠે જ કઠણાઈ દોડી આવી. મિલો પડી બંધ ને જીવવાની જથામણમાં જીવને પાછું ઉકરડા ભણી તણાવું પડ્યું. જૂનું સ્થળ ને જૂનો સંઘર્ષ. આંબા સાચવવાનું કામ મારા બાપા કરે ને મા સૂંડલામાં કેરીઓ ઉપાડી વેચવા નીકળે વડનગરની વાટે. એમ કાઢ્યા કેટલાક મહિના ને વળી પાછી મિલો ચાલુ થતાં મા ને બાપ બેઉએ સિપોરની સીમ છોડી. એ જ સ્થળ, એ જ સંઘર્ષ. મારા બે (મોટા) ભાઈ નાના હતા ત્યારે જ મરી પરવાર્યા. માને સંતાન થાય નહીં, ખૂબ બાધાઓ કરી ને માનતાઓ માની. તીરથ કર્યાં ને પૈસા બગાડ્યા. રેવા અને બાણગંગાનાં પાણી ભેગાં કરી માંડ્યા નવ લીંબુના પાઠ. છ–છ વરસ લગી માએ ટોપરું ને ચોખા ન ખાધાં. છ–છ વરસ લગી માએ પગને હાથની આંટી લગાવી અગવડભરી રીતે ખાધું. બાપાની બાવીસ વરસ પહેલાં દુનિયા છોડી ચૂકેલી મા, કહે છે કે સધી થઈ હતી. એને ઘરમાં વિધિ કરી માટલામાં બેસાડી ! યોગાનુયોગે માની ઇચ્છા ફળી. હું જન્મ્યો. મારો જન્મ એટલે એની સાધનાનો ઇતિહાસ. માંદલો માંદલો ય હું જન્મ્યો ને બેઉને દોડાવ્યાં ખૂબ. મને કંઈક થાય ને બેયના જીવ ઊંચા થઈ જાય. રાંધ્યાં ધાન રઝળે ને બે ય દોડે દવાખાને. મેઘલી મધરાત મંડાણી હોય માથે ને બેય દોડે ઈલમી કને. એમ કરતાં કરતાં હું ખાતો થયો. ઘરમાં બરણીમાંથી ઘી ન ખૂટે. સીંગચણાની જેમ બદામ ફાકવા મળે ને પાછો કાજુદ્રાક્ષનો મુખવાસ. બંનેએ ખૂબ જતું કર્યું છે મારા માટે. મારું શૈશવ એટલે એમના ત્યાગનો ઇતિહાસ. પછી અમે રહેવા ગયા માયાનગરમાં. મા અને કાખમાં ઘાલી બીજા હાથમાં ટિફિન ઝાલી દોડે ચૌદસી (સ્વદેશી મિલ) ભણી. મને ઘોડિયા ખાતે મૂકી દોડે રીલિંગ ખાતામાં. દર દોઢ બે કલાકના અંતરે મારી ખબર લેવા ન ધવડાવવા આવે. પછી તો મારાથી નાનો ભાઈ થયો. મા એને ધવડાવવા દોઢ બે કલાકના અંતરે આવતી. એક તરફ ઘોડિયા ખાતા સામેના બગીચામાં મોર પાંખો ફેલાવી નાચતો હોય ને બીજી તરફ મા લગભગ દોડમ્દોડ આવતી હોય આજે પણ હું એ દૃશ્ય યાદ કરું છું ને મેન કળાયેલ મોરલા કરતાં થનગનાટ દોડી આવતી માનું દૃશ્ય વધુ રળીયામણું, કલાત્મક દીસે છે. માને મહિનામાં માંડ દશ દિવસ બદલી મળતી. બદલી ન મળે ત્યારે એ અમને બંનેને લઈને ઘરે પાછી ફરતી. ટિફિન સવારમાં તૈયાર કરી દીધાં હોય એટલે ઘરે આવીને બાપાને દિવસપાળી હોય તો એ સવારે દશ વાગે એમનું ભાત આપવા પથરા મિલ (આર્યોદય જીનિંગ મિલ્સ)માં દોડતી. મારા બાપા જુવાનીમાં હતા ઘણા રંગીન. ક્યારેક તો મિલમાં ગયા ન હોય, દારૂ પીને ક્યાંય રખડતા હોય ને મા ભાત એમનું એમ લઈને પાછી પણ આવતી. બાપા ભજનના શોખીન હતા એટલે રાતપાલી હોય ને ક્યારેક ગુલ્લી મારીને ભજનમંડળીમાં ઘૂસી જાય કે પાઠમાં બેસી જાય. દિવસપાલી હોય ને આખી રાતનો ઉજાગરો કર્યો હોય ત્યારે કામે જવાનું માંડી પણ વાળતા. ઘણી વાર સળંગ બે-ચાર દિવસ ગાયબ પણ થઈ જતા. જો કે, માએ એ બધું સહન કરવું જોઈતું ન હતું ને છતાં સહન કર્યું છે. જ્યાં સુધી રંગીન મિજાજ, બેફિકરાઈ અને રખડપટ્ટીના ભોગ બનવાને લાગેવળગે છે ત્યાં સુધી ઘણી યે વાર માનો ચહેરો અને મારી પત્નીનો ચહેરો એક અને અભિન્ન લાગે છે. પછી તો માયાનગરમાં મકાનમાલિક સાથે લઢવાડ થઈને પથરા મિલની નવી ચાલીમાં એક ઓરડી રૂ. ૧૦૦૦/–માં વેચાતી લીધી. સાવ સખળડખળ જેવી ઓસરી, જૂનાં પાટિયાં ને કંતાનથી સજાવેલી એવી ઓરડી. મા અને બાપુએ એને વ્યવસ્થિત કરી, ઘર સજાવ્યું ન સજાવ્યું ને પાછી કઠણાઈ શરૂ થઈ ગઈ. ૧૯૬૮માં હું દશ વર્ષનો હતો ને પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે દમના દર્દી બની ચૂકેલા મારા બાપાએ અઢાર નંબરના સાંચા સાથેની પ્રીત તોડવી પડી. રિટાયર થતી વેળા એમને ગ્રેજ્યુટી અને ફંડ પેટે રૂ. ૨૫૦૦/– મળેલા, જેમાંથી રૂ. ૫૦૦/– મેમ્બરોએ પડાવ્યા. બે હજાર બચ્ચા જે એક વર્ષના દવાદારૂ, ખાધાખોરાકીમાં વપરાઈ ગયા. માને માંડ દશપંદર દિવસ બદલી મળે, ચાર સંતાન નેબે જણ એ. છ જણનું પૂરું કરવું ભારે પડવા માંડ્યું. ભૂખમરો ભરડો લેવા માંડ્યો. ફરી પાછું અમારે કેરભરેલા ને વેરભરેલા જેના વડલા છે અને મળમૃતરછાણથી ખરડાયેલાં જેનાં પગલાં છે એવા ગામડા ભણી ભાગવાની પરિસ્થિતિ ઊભી થઈ, પણ માએ હૈયે સખત હામ ભીડી. ભાંગી પડેલા મારા બાપાને એણે હૈયાધારણ દીધી. માએ દાખવેલી એ હિંમતે મને શ્રમ અને સહનશીલતાનો પ્રથમ પાઠ ભણાવ્યો – મને કાચી વયે સમજણો કર્યો. મારી કિશોરાવસ્થા એટલે મા (અને બાપા) એ આદરેલા સંઘર્ષમાં સહભાગીત્વનો ઇતિહાસ. પછી તો અમે ખાટલાનું આણ (સૂતરની અવળસવળ બેવડા વળ ચઢાવેલી દોરી) વણવાનો ધંધો શરૂ કર્યો. મા સવારે રાંધીને મિલમાં જાય, બદલી ન મળે તો (આર્યોદય સ્પિનિંગ મિલ્સની બાજુમાં) ધૂળધોયામાંથી પોટલો ભરીને ઑઘરા ઉપાડતી આવે. એ વખતે ઑઘરા ન મળે તો બીજો ધક્કો ખાય. મા એક બાજુ ઑઘરાની ગૂંચો ઉકેલતી હોય, સાથે મારો નાનો ભાઈ ગૌતમ પણ જોતરાયો હોય, બાપા પાન મૂકતા જતા હોય ને હું વાંચતાં વાંચતાં રેંટિયો ચલાવતો જતો હોઉં. સવારના આઠથી રાતના દશ લગીનો આ ક્રમ રહેતો. અમારી શ્રમિક ચોકડી એ રીતે નવ–નવ વર્ષનો ખારોપાટ પાર કરી શકી. આ આખાયે સમયપટ દરમિયાન, મારે કહેવું જોઈએ કે, માએ બાવીસ બાવીસ વર્ષ લગી બદલી કામદાર તરીકે ધક્કા ખાધા. ક્યારેક ક્યારેક તો આખા મહિનામાં માત્ર બે દિવસ બદલી મળવા જેવી ક્રૂર મજાકો સહન કરી છે છેક ૧૯૭૮માં એ હકદાર થઈ ! ૨૪૦ દિવસ (વર્ષ માં મળેલા કામના) એ વર્ષમાં પૂરા થયા અને ફંડ કપાવો શરૂ થયો. ૧૯૮૦માં માને કાયમી પાસ મળ્યો, ‘શેઠિયાઓની રખાત’ તો નહીં કહી શકું કેમકે એ સરખામણી સ્રીઓ માટે અપમાનજનક એટલે ભદ્દી છે, પણ એટલું તો કહીશ કે હરહંમેશ શેઠિયાઓની તરફદાર રહેલ મજૂર મહાજન સંઘની નીતિએ માનું ખૂબ શોષણ કર્યું છે. કોઈ રજૂઆત નથી સાંભળી–બાવીસ બાવીસ વર્ષ લગી. શ્રીયુત્ ગાંધીનાં સત્ય અને અહિંસા પ્રત્યે મારામાં કેળવાયેલી પ્રચ્છન્ન ઘૃણાનું એક કારણ માનું આ આર્થિક શોષણ પણ છે. માનું લગ્નજીવન આમ વિષમ હતું. મારા બાપા ક્રોધી (શોર્ટ ટેમ્પર્ડ) અને તદ્દન અસહિષ્ણુ બની ગયેલા. એ ગાળોનો જીવતો–જાગતો કોશ હતા. દર ત્રીજે-ચોથે દિવસે એમને ઝઘડવાનું થતું. બે છેડા ભેગા કરવા માટે કરવો પડતો સખત પરિશ્રમ, દમની બીમારી અને તદ્જન્ય ખેંચતાણ કારણભૂત હતાં એમાં. વળી, બાપા વહેલા ભાંગી પડેલા એટલે લઘુતાગ્રંથિ હતી ને એ લઘુતાગ્રંથિ એમને આક્રમક બનાવતી. ઘણીયે વાર એ મારી માને સંભળાવી દેતા : ‘તું લાખ રૂપિયા કમાતી હોય તો ય મારે મન ખાખ છે’...પછી દશબારપંદર ગાળો આવે...અને પછી ઘર છોડી જવાનું ફરમાન આવે. મારે અને મારા બાપાને મોટે ભાગે બનતું નહીં. મારી મા પક્ષકાર બની મારો બચાવ કરતી એટલે એ ઉધડો લઈ નાખતા કે તેં છોકરાંઓને બગાડી મૂક્યાં છે. કેટલીયે વાર ચાલી આખી ભેગી થઈ જતી. જીભાજોડી કરીને કંટાળીને અંતે, મા સમસમીને રહી જતી. મારઝૂડ પણ સહન કરી લેતી. સામાન્ય સંજોગોમાં પ્રેમાળ હોય તેવો પુરુષ પણ જીવતરના સંઘર્ષમાં તૂટું તૂટું થતો હોય ત્યારે અસહિષ્ણુ બની સ્રીને કેટલો અન્યાય કરી બેસે છે અને બધાં અપમાન ગળી જઈને સ્રી એને કેવી રીતે ટકાવી રાખે છે એની પ્રતીતિ કરાવતાં દૃશ્યો આંતરેદા’ડે મને જોવા મળતાં. એક વાર તો રઘવાયા થયેલા બાપાએ માને હાથ પર (ડાબા હાથના પંજા પર) કુહાડી મારેલી, પણ હું જાણીશ તો બાપાને મારીશ એ બી કે મારી માએ એકાદ વર્ષ લગી મારાથી એમ કહીને છુપાવેલું કે એ તો ફાચરાં ચીરતાં વાગી ગયું છે. લાજ–શરમને છેવાડે મૂકીને, થોડી હિંમત કેળવીને એક પ્રસંગ ટાંકી દઉં. અમે બધાં એક જ ઓરડીમાં સૂતાં. શિયાળાની મધરાત હતી. ઓરડીમાં ઘોર અંધકાર હતો. અચાનક મારી આંખ ઊઘડી ગઈ. બાપાનો અવાજ સંભળાયો. બાપા ધીમે અવાજે માને કહેતા હતા. ‘અજી તો તું જવાન છઅ... આ જમાંનાની તો ડોસીઓન્અ ય ચેટલી ધખના હોય છઅ...મારાથી રવાય ઈમઅ નહીં.’ મા ‘ના...ના’ કરતી જ રહી. હું ગોદડું માથે નાખીને સૂતો રહ્યો ને ખાટલાના કિચૂડાટ પરથી પામી શક્યો કે બાપાએ મા સાથે પરાણે સમાગમ કર્યો છે. વદુ સમજણો થયા પછીની ભાષામાં વાત કરું તો બળાત્કાર કર્યો છે. મન મહદ્અંશે મારા બાપા તરફથી વારસામાં મળેલી મારી અતિશય કામુકતાનું પ્રમાણ જ ોતાં અને બાપા મને અવારનવાર વધારે પ્રમાણમાં સમાગમ નહીં કરવાની સલાહ આપતા તે પરથી મને લાગે છે કે આવો બળાત્કાર બાપાએ અસંખ્ય વાર કર્યો જ હશે ને આમ માનું જાતીય શોષણ થતું જ રહ્યું હશે. (એટલે, વ્યંજનાત્મક રીતે કહું તો જાતીય શોષણનો સવાલ છે ત્યાં લગી) મારી માનો અને મારી પત્નીનો ચહેરો ઘણીયે વાર એકમેકમાં ભળી જાય છે; અભીધાત્મક રીતે કહું તો બંને જાતીય શોષણનો લગભગ સરખો શિકાર થયેલાં છે.’ ને આમ છે છતાંય મારા બાપા તદ્દન નિર્દય હતા એમ તો હું નહીં કહી શકું. માએ ક્યારેય ઘણાં કાર્યો એમના પર લાદ્યાં નથી. ને તોય બાપા એને ફરજ સમજીને કરતા. માને મોડું થયું હોય તો સવારે રાંધી દેતા. ક્યારેય કચરાપોતું કરી દેતા. પોતાની ચા તો કાયમ જાતે જ અલગ બનાવીને પીતા. અમને નવડાવવા–ધોવડાવવાનું, અમારાં કપડાં ધોવાનું કામ તો એમનું જ. અમને ભણાવવાનું, વાર્તા, બોધકથા, કાવ્યો કહેવાનું કામ પણ એમનું જ હતું. પડોશીઓને અને મને પણ એમાં કશું અજુગતું ન લાગતું. એક એ દૃષ્ટિએ એનું દાંપત્યજીવન સુખી સુસંયોજિત હતું – અને મને ફેમિનીઝમનો જે પ્રારંભિક પાઠ શીખવા મળ્યો છે એના આ પ્રકારના દાંપત્યજીવનમાંથી મળ્યો છે. માની ગામઠી લહેકાવાળી બોલી હજી લગી મેં પ્રયોજી નથી, કેમ કે ભાષા શીખવવાના સુખદ પ્રસંગ માને ક્યારેય સાંપડ્યા નથી. મને કબીરની સાખીઓ; મીરાંના પદ, નરસિંહનાં ભજન; બ્રહ્માનંદની વાણી; રોહિદાસ, ત્રિકમ, રવિ, ભાણ, ખીમની કંડિકાઓ સંભળાવવાનું શ્રેય માને સાંપડ્યું નથી. (બાપાને સાંપડ્યું છે.) મા તો બિચારી એક મજૂરણ, ઘર, મિલ ને ધૂળધોયું એ જ એની દુનિયા. દલિત હોવાને લીધે, મજૂર હોવાને લીધે, સ્રી હોવાને લીધે એનાં interactions અતિ સીમિત હતાં. ને એટલે જ આટાપાટા ખેલતાં એને આવડે નહીં. કટ્ટર કાતિલતા એનામાં જરાય નહીં. કુટિલતા એ પારખી શકે નહીં. શહેરમાં ય એ ગામડું અકબંધ રાખીને જીવી છે. મા તરફથી મને કોઈ મહામૂલી મૂડી પ્રાપ્ત થઈ હોય તો એ છે માનું ભોળપણ, માની સરળતા, સહજ નિખાલતા અને સહનશીલતા (એવું વડીલો અને મિત્રો કહે છે.) બાળકોમાં સંસ્કારનું સિંચન તો સ્રી અને માત્ર સ્રી જ કરી શકે એવો પુરુષ આધિપત્યવાદી અભિગમ ધરાવતા પુરુષો અને સ્રીઓની એ માન્યતાનું ખંડન કરવા માટે મારી પાસે મારી માનું ઉદાહરણ હાથવગું છે. જો કે, આગળ નિરુપ્યું છે તેમ સંઘર્ષપૂર્ણ હોવા છતાંય માનું જીવન તદ્દન શુષ્ક, તદ્દન નીરસ જ હતું એવું પણ નથી. વનરાવનના મેળામાં કે પછી કાત્યોક (કાર્તિક પૂર્ણિમા–સિદ્ધપુર)ના મેળામાં પોતે કેવી રીતે મારી મા સાથે ફરેલા એની ઘણી વાતો મારા બાપા મને કહી ચૂક્યા છે, જેને માનું સમર્થન સાંપડ્યું છે. અસારવાનો મેળો કે ત્રણખૂણિયા બગીચા (હાજીપુરા ગાર્ડન પાસે) નો ેળો ઉલ્લાસપૂર્વક મ્હાલતી માને મેં જોઈ છે. લગ્ન પ્રસંગે ઉમંગથી મરચીના તાલમાં નાચતી, થાળી કે ઘડો હાથમાં રાખી નાચતી કે પછી વડીલોની મરજાદને નેવે મૂકી હાથમાં પ્યાલો લઈ દારૂડિયો ચઢાવતી માને પણ મેં જોઈ છે. માનો કંઠ ખૂબ મીઠો હતો, નોરતાં શરૂ થાય ને મા માનતાનો ગરબો લઈને નીકળે.
"અસો માસો શરદ પૂનમની રાત જો,
ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમઅ..." કે
"મા પાવા તે ગઢથી ઊતર્યાં મા કાળી રે,
વસાવ્યું ચાંપાનેર પાવાગઢવાળી રે"
...લાઉસ્પીકરના ઘોંઘાટ કે રોશનીની ઝાકમઝોળ વિનાના એ દિવસોમાં રેતનો ઢગલો કરી, તેના પર ગરબો મૂકી મા ગાતાં ગાતાં ગરબે ઘૂમતી ને બીજી સ્રીઓ એને અનુસરતી હોય, એ ય મેં નિહાલેલું છે. અને આઠમની (જનમાષ્ટમી) રાતે. ‘નાગણીઓનો રાફડો કેસરિયા લાલ, છોડો અમારા નાગનઅ્ રોમનઅ્ કે’જો કેસરિયાલાલ,’ આલાપતી કે પછી ‘રોંણીદેવકીના કોંન આજ મારા મેમોંન’ એય ઠેક લઈને ગાય, વળી પાછી રોકાય (પાછળનું સ્રીવૃંદ પણ રોકાય)ને દોહો લલકારતી હોય એમ લલકારે : ‘પિત્તળ લોટા જળઅ્ ભર્યા નઅ્ દાંતણ ડોળસે કુણઅ્’ અને વળી પાછો લયમાં પલટો લાવી પગની ગતિ એકાએક તેજ કરે : ‘દાતણ ડોળસે મારો કાન, આજ મારા મેમોંન.’ ગામઠી ગીત અને નૃત્યનું જબરજસ્ત સંયોજન મને મામાં જોવા મળ્યું છે. અને વળી, મા વીછુંડો ચઢાવે :
અરરરઅ્ માડી રે...
છાણાં વીણવા જઈ’તી, મા વીંછુડો;
હમ્બો હમ્બો વીંછુડો
કૈડ્યો મા વીંછુડો, હમ્બો હમ્બો વીંછુડો"
બસ એ વખતે તો એવા નર્તનમાંથી, એના ધ્રૂજતા કંઠમાંથી એની એકએક હિલચાલ, હિલ્લોળ છટા ને અદામાંથી એક અજીબ સી તડપન જોવા મળતી. મા એ વખતે તડપનનું મૂર્ત રૂપ બની રહેતી. માના વીંછુડાના નર્તન (નૃત્યની સાદી, કંઈક અંશે બરછટ – unskiled ને છતાં ય નૈસર્ગિક – natural કલાત્મક અભિવ્યક્તિ) હજીયે ભૂલી શકાતાં નથી. લગ્નટાણે ‘તાવણ તાવ્યા છે તેલે વાટકડે કડકડ્યા રે’ કે પછી ‘પીઠી પીઠી ચોળો રે પીઠીરાણી’ ગીતો ગાઈ પોતાના નણદોઈઓ જોડે પીઠી રમતી, કે પછી માડીજાયા મંડપડે આય, હું યે સંતોષણ બેનડી’ જેવાં શિષ્ટતાનો છડેચોક ભંગ કરતાં,
‘તારી બેનીને મારો વીરો ક્યાં ગયાં
એ તો ડુંગર પર ચઢ ગયા
વાયરા વાશે ને ડુંગરા ડોલશે’, કે
‘એ તો પડી ઘોડા હેઠ એને મઈના રયા પેટ
મારો ભલ્લો ઘોડો રે,
કાગળનો ઘોડો ઘાસ ખાવા જાય મારો ભલ્લો ઘોડો રે’, કે
‘ચોં જઈ’તી બિચારી બાપડી
બાર બાપાંની તેર ધણિયોંની
ચપટી ચોખા યે મળશે’ જેવાં ફટાણાંઓ દરિયાનાં બેફામ હિલ્લોળતાં મોજાં જેવા હિલ્લોળે ચઢેલા કંઠથી ગાતી માને સાંભળવાનો–જોવાનો લ્હાવો ય મને મળ્યો છે. ને મૃત્યુ ટાણે "મોચીડો લાયો મોજડી રે, તેં તો પ્હેરી ના જોંણી, હાયે મનવા હાયે હાયે’ કે પછી ‘લીલી લીલી લેંબડાની ડાળ મરઘો બોલ્યો માઝમરાતનો’ જેવા મરશિયાઓ દર્દભર્યા સૂરે વિલાપતી માને પણ મેં સાંભળી છે. મારી કવિતામાં ક્યારેક આવતો લોકલય એ રીતે મા પાસેથી મને સાંપડ્યો છે અને એટલા, માત્ર એટલા જ અર્થમાં મારામાં એ સંસ્કારોનું આડકતરું સિંચન મા દ્વારા થયું છે. માએ એનાં પાંચ સંતાનોમાં ખૂબ જ ભેદ રાખ્યો છે એ પણ મારે કહેવું જોઈએ. નાનપણમાં જ્યારે હું સહજ ઉત્સુકતાથી બાળભેરુઓ, સમવયસ્કો સાથે સજાતીય સંબંધોમાં જોતરાયો હતો ત્યારે પણ માએ મને માર્યો ન હતો, સમજાવીને આત છોડાવેલી. પ્રિ. સાયન્સમાંથી પાછા ફર્યા પછી હું મિલમાં જતો ને ચરસ ફૂંકતો થયો ત્યારે પણ માએ માત્ર સમજાવટથી કામ લીધેલું. એસ.એસ.સી.માં હતો ત્યારે ચાલીની એક છોકરીને મારા પ્રત્યે અતિશય પ્રેમ થઈ ગયેલો. એની ઇચ્છા શારીરિક સબંધની હતી ને હું એનાથી અતડો રહેતો. બાપુએ એક વાર એ જોઈ કહેલું, ‘બેટા, કશો વાંધો નહીં, પ્રેમ તો કરાય.’ પણ મા એના સંભવિત સ્ફોટક પરિણામોથી ખૂબ ડરતી ને એટલે એણે રડતાં રડતાં મને સમજાવેલો. હું ઑફિસેથી ઘરે ન આવું તો મા ચિંતા કરતી. હંમેશા હું જમી લઉં પછી જ જમતી. મારા બીજા ભાઈઓની એણે એટલી દરકાર લીધી નથી. એમને ઉગ્ર વચનો પણ કહ્યાં છે, પણ માએ મને ક્યારેય ઠપકો દીધો નથી કે ઉગ્ર વચનો સાંભળ્યા નથી, એણે બાકીનાં મારાં ભાઈ-બહેનો કરતાં મારી અતિશય ફિકર કરી છે, જે મને સમજણા થયા પછી તો ક્યારેક ગમ્યું નથી. મેં એનું એ તરફ ઘણી વાર ધ્યાન દોર્યું છે ને તો ય મા એની એ મર્યાદા આજ લગી દૂર કરી શકી નથી. ૧૯૭૭માં મારાં લગ્ન થયાં ત્યારે માનો હરખ માતો ન હતો. માને એમ હતું કે હવે તો ઘરકામનો બોજ એના માથેથી ઊતરશે. ૧૯૭૯માં અને ૧૯૮૦માં મારે અને મારાં પત્નીને ઝઘડવાનું થયું. ને બંને વખત મારી પત્ની રિસાઈને આઠ–આઠ મહિના પિયરમાં રહી. ૧૯૮૧માં એને તેડી લાવ્યા પછી હું અને મારાં પત્ની ૧૯૮૩નાં અંત સુધી સંયુક્ત કુટુંબમાં જ રહેતાં. પણ મા અને પત્ની વચ્ચેના ઝઘડાઓએ ઘરનું વાતાવરણ કલુષિત કરી મેલ્યું ને છેવટે મારે અલગ રહેવા જવું પડ્યું. જો કે એમાં મારા પત્નીના અક્કડ વલણનો જેટલો દોષ હતો એટલો જ, કદાચ એથીયે વિશેષ દોષ મારા આંતરબાહ્ય મન પર લદાયેલી પુરુષચેતનાનો પણ હતો જ (ને જ્યાં સુધી પુરુષચેતનાની વ્યાપ્તિનો પ્રશ્ન છે ત્યાં સુધી મારી માનો ચહેરો અને મારી પત્નીનો ચહેરો કંઈક અંશે એકરૂપ છે ને મારી દીકરીઓના ચહેરા એમાં ભળી ન જાય એ માટે એમના ઉછેરમાં હું અત્યારથી જ સચિંત ને પ્રયત્નશીલ છું). મારા પત્ની હજીય કબૂલે છે કે મામાં સામે પગલે ઝઘડવાનું આ તત્ત્વ આયાતી છે ને એ બાપના મૃત્યુ પછી માશીના સંપર્કથી આવ્યું છે. હું અલગ રહેવા જઈશ એવી કલ્પના પણ માએ નહીં કરેલી કદી. ને એ દિવસે મા ૧૯૮૦ના ઑગસ્ટની સોળમીએ વિધવા થઈ ત્યારે ય નહોતી રોઈ એટલું રોઈ ‘ગણપતે મને દગો દીધો’ એવું મિત્ર પાસેથી મેં સાંભળેલું એનું વાક્ય એને કેટલો ઊંડો આઘાત પહોંચ્યો હશે એની પ્રતીતિ કરાવી જાય છે. એ પછી તો દોઢ વર્ષ એની મિલ બંધ રહી. હું પુરુષ હતો તોય મા અને ભાઈબહેનો પ્રત્યેની લાગણીને લીધે પૂરતી મદદ ન કરી શકવાને કારણે, સતત મનોમંથનને કારણે એ સમયગાળામાં આઠવાર હાઈપર ટેન્શન, લો બી. પી. નો ભોગ બન્યો. પણ મા તો એવી ને એવી અડીખમ રહી. ગજબ એની તાકાત ! મને થયેલું હાઈપર ટેન્શન સ્કિત્ઝોફ્રેરનિયામાં પરિણમ્યું. બીજા શબ્દોમાં કહું તો અતિશય લાગણીશીલતાના પ્રવાહમાં તણાઈને મનોશારીરિક રીતે હું તદ્દન તૂટી પડ્યો; ભાંગી પડ્યો. એક મિત્રના કહેવા મુજબ મારી હાલત જ્યારે બે સ્રીઓ વચ્ચે ઝૂલતા દેવદાસ જેવી હતી ને બીજા મિત્રના કહેવા મુજબ મારી હાલત ચક્રવ્યૂહમાં ફસયેલા આકળવિકળ અભિમન્યુ જેવી હતી, ત્યારે ય હું ઑફિસથી ભાગીને સીધો મા પાસે પહોંચી ગયો હતો. ૧૯૮૭નું લગભગ આ વર્ષ સ્કિત્ઝોફ્રેનિયામાં વિતાવ્યું. ડૉ. જી. કે. વણકરની સારવાર ઉપરાંત મારાં પત્નીની સીધેસીધી સારસંભાળ, મારી એક સ્રીમિત્રનું દૂર દૂરથી યે સાંપડેલું માનસિક સાહચર્ય અને એવા કપરા સંજોગોમાંય સ્કિત્ઝોફ્રેનિયાની પકડમાંથી (મહદ્અંશે) બહાર નીકળી શક્યો. મા ક્યારે ય હાઈપર ટેન્શન, સ્કિત્ઝોફ્રેનિયા કે એવા માનસિક રોગનો ભોગ નથી બની એ બાબત એની મજબૂત સંકલ્પશક્તિની પરિચાયક છે. મારું યૌવન એટલે અડીખમ ઊભેલી માની અજેયતાની સાહેદીનો ઇતિહાસ. અને આજે, એના બે દીકરા તો જન્મીને હેરાનગતિ કરાવીને થોડા સમયમાં ગુજરી ચૂક્યા છે...હાલ હયાત દીકરાઓમાં જે કુટુંબનો આધાર છે, જે વધારે કમાણી કરી શકે એમ છે, સારા હોદ્દા પર વિરાજી બીજા ભાઈઓને થાળે પાડી શકે એમ છે એવો સૌથી મોટો દીકરો તો કવિતાના કામણમાં ફસયો છે; સંઘર્ષના સાણસામાં સપડાયો છે; સમાનતા, સ્વતંત્રતા ને ક્રાંતિની વાતોમાં તણાયો છે. પોતાનાં પત્ની–બાળકો સાથે અલગ થઈને તે રહે છે ત્યાંય, ત્રણ ત્રણ દીકરીઓના બાપ બનવા છતાં ય ઝઘડા હજી શમ્યા નથી; હજીયે ગમે ત્યારે એનું કુટુંબજીવન પડી ભાંગે એવી એને (માને) ભીતિ છે. એ ગમે ત્યારે કુંટબની જંજાળ ફગાવી દે ને એકલરામ (એના શબ્દોમાં બાવો) બની જાય એવો અલેલટપ્પુ ને અર્ધગાંડો છે એની એને ચિંતા છે. એક દીકરીની મા બની ચૂકેલી એની એકની એક દીકરીના લગ્નજીવનમાં આગ લાગી ચૂકી છે ને છેલ્લા સાડાત્રણ વર્ષથી તે ઘેર બેઠી છે. કોર્ટમાં કેસ ચાલે છે. બીજા ત્રણ દીકરાઓ થાળે પડશે કે કેમ એ ભયનો ઓથાર એના હૈયા પર ઝળૂંબ્યા કરે છે. મિલ ચાલુ થઈ છે ને તો ય મહિનામાં દસેક તો રજાઓ આવે છે. ઓછી આવક નેમાથે દેવાના ભારને લીધે દા’ડા ટૂંકા કરવાની હજાર હજાર બળતરાઓ વચ્ચે; દીકરાદીકરીનાં જીવતર થાળે પડવાની વિટંબણાઓ વચ્ચે; માત્ર પોતાની જ આવકના આધાર પર; પતિના છત્ર વિના; બીજાં સગાંવહાલાંઓની ઓથ વિના પચાસમા વર્ષે જ વૃદ્ધ થવા આવેલી એ હજી યે ઝઝૂમે છે...હજી યે જીવે છે... જાણે અકબંધ જીવે છે... ક્યારેક તૂટી જાય છે ને ઘડાય છે, સગાંવહાલાંઓના કહેવા મુજબ ‘જનમથી જ દુખિયારી, બાળોતિયાંની બળેલી એ સ્રી... ભાંગીને ભુક્કો થઈ જાય છે ને ફરી સર્જાય છે એ સ્રી...દેવહુમાની દીકરી... એટલે જ; અંતે હું એટલું કહીશ કે માને હજીય હું પૂરેપૂરી સમજી શક્યો નથી. સમજી શક્યો છું આટલું જ – કે; મા એક સ્રી છે, દેવહુમાની દીકરી છે.
૦