માડી મને સાંભરે રે/મા : પ્રેમ અને કરુણાની ગંગોત્રી
મા : પ્રેમ અને કરુણાની ગંગોત્રી
પ્રા. યશવંત વાઘેલા
પૂ. મોતીબહેનને અર્પણ
વ્હાલી માડી પ્રણય ઉદધિ આપ, ખાબોચિયું હું,
તારું હૈયું ગગન સરખું, સોયનું ટેરવું હું.
તું છે મોતી જગત પરનું એક સાચું જ મારું,
ઊર્મિગંગા તવ હૃદયની પાવને દિલ મારું.
તારી ગોદે સતત રમતો, યાદ હું કેમ ભૂલું,
પીધાં તારા ઉર ધબકતાં શ્વાસ સ્વાદો ન ભૂલું.
તેં મારેલી મુજ મુખ પરે ટાપલી યાદ આવે,
માડી મીઠાં સ્મરણ અમને જિંદગીમાં સતાવે.
તારા ક્રોધે પ્રણય લહરો રોજ મીઠું હસાવે,
ધૂનો, ગીતો, ભજન તુજના આજ કાવ્યો જગાવે.
માડી જો મેં તવ હૃદયને દુભવ્યું હોય કો ‘દિ’,
માફી દેજે મમ હૃદયને બાળ જેવું જ ‘મોતી’.
આશ્લેષોનો શિશુવય તણો કાલ ઝંખું જ આજે,
આશીર્વાદે તવ હૃદયના જિંદગી જાય આગે.
યશવંત વાઘેલા
‘લીલા ઉઘાડ’ કાવ્યસંગ્રહમાંથી (ફેબ્રુઆરી–૧૯૭૬)
અમદાવાદ જિલ્લાના વિરમગામના આલાભાઈ ખેતાભાઈ પરમાર જે દલિત સમાજમાં આ પરગણાનું એક મોટું માણસ, વીરમગામમાં આ કુટુંબ જાણે નાનું રજવાડું. સમૃદ્ધિની રેલમછેલ, આઝાદી પૂર્વે દલિતચેતનાનું આગવું સ્વાભિમાન. ત્રણ માળની ચાર મેડીઓનું ડેલું, ઘરે પીકર્સનાં કારખાનાં, ખેતીવાડી. ડેલી આગળ શણગારેલી બગી હોય, મોટું ભારખાનું (ખટારો), અંગ્રેજી ઢબની જીપ. સાધુ-બ્રાહ્મણો અને સ્નેહીઓનો મહેરામણ સતત ઊભરાતો હોય, સતત ભૂખ્યાંને ભોજન પીરસાતું હોય, કારણ ઉદારમતિયો સ્વભાવ. રાણીછાપ રૂપિયાના બાબુ, લક્ષ્મીનો અખૂટ ભંડાર. આંટાળી પાઘડી, વિશાળ ભાલપ્રદેશ ધરાવતો ચહેરો, મખમલી ઝભ્ભો, સોનેરી કોરવાળી ધોતી અને કાળો લાંબો શહેનશાહી કોટ, હાથમાં સોપારીના ઝાડની લાકડાની ચાંદીએ મઢેલી વાંકી લાકડી સાથે શણગારેલી બગીમાં રોડ પર આલા શેઠ નીકળે ત્યારે ‘આલાશેઠ – આલાશેઠ’ અનેક સદ્ગૃહસ્થોની આંખો તેમની સામે પ્રેમથી ઝૂકી જતી. આલાશેઠ અનેકને મદદ કરતા, દીન-દુખિયાંને વિશેષ. એક વાર આઝાદી પહેલાં અમદાવાદની એક જાણીતી હોટલમાં ચા-નાસ્તો અર્થે ગયેલા, હોટલમાલિકને કોઈએ કાન ભંભેર્યા ‘કોઈ ઢેડ છે !’ અને માલિક અને આલાશેઠ વચ્ચે તણખાઝર્યા, ‘મારી હોટલ તેં અભડાવી દીધી...! ?’ માલિકે કહ્યું. આલાબાપુએ સણસણતો જવાબ આપ્યો, ‘તારી હોટલની કિંમત કેટલી, બોલ, ચેક લખી દઉં.’ આઝાદી પૂર્વે દલિત સ્વાભિમાનનો અદ્ભુત રણકાર ! આ સમૃદ્ધ પરિવારમાં આલાબાપુના નાના બંધુ. ડાહ્યાભાઈ અને સોનીબેનની કૂખે મારાં મોતીબાનો જન્મ. જોકે આ તો આથમી ગયેલી પેઢીના એક સૂર્યના અસ્તની વાત છે, આજે તો પ્લાસ્ટીકના પીકર્સે કંઈક ચમાર શેઠીઆના ધંધા બંધ કરાવ્યા છે, છતાં પણ આજે દાદાની આ હવેલી અડીખમ ઊભી છે, આજે પણ આ પેઢીમાં સંસ્કારોની સુવાસ છે, પણ સમૃદ્ધિ નથી. ભારતીય સમાજમાં સ્રી હોવું એ તો ગુનો છે, પરંતુ દલિતસ્રી હોવું બેવડો ગુનો છે. આ સમાજે બાના પ્રારંભના લગ્નના પ્રથમ દશકામાં વિખવાદ કરાવ્યા, છતાં બાએ બાપુજીને ખાતર સતત ઝઝૂમીને ‘જીવતર પર થીંગડું નહીં દેવા’ નિર્ણય સાથે તેમના પારિવારિક વિરોધ સામે અડગ બનીને બાપુજી સાથે રહ્યાં. જોકે આજે પાંત્રીસ વર્ષે એક દુઃખાનુભવ સાથે કહે છે. ‘નોકરી તો હતી, એકલવાયું જીવી નાખ્યું હોત તો સારું થાત.’ —એક સ્રી અને દલિત સ્રી હોવાનો કેવો કરુણ અનુભવ ! મારાં મોતીબાનો સ્વભાવ દયાળુ, ધાર્મિક અને હંમેશાં માનવીય અભિગમથી દરેકને મદદ કરે તેવો, પરન્તુ અન્યાય થાય તો ઉગ્ર રીતે પ્રતિકાર કરે. હું પાંચ વર્ષનો હતો, ત્યારે કપડાં ધોવા અને સ્નાન માટે જાહેર બોરિંગ પર જવું પડતું. હું બાની સાથે એક સાંજે સ્નાન માટે ગયેલો, ત્યાં એક ગરાસણી માટલું લઈને નળ પર પાણી ભરવા આવી. મને કંઈ સ્પર્શાસ્પર્શનો ખ્યાલ નહીં. નળની પાણીની ધારામાં મેં આંગળી નાંખી અને ધબાક દઈને પીઠ પર આર્યસન્નારીનો ધબ્બો પડ્યો, હું બેવડ વળી ગયો, જોસજોસથી રડવા લાગ્યો, બાની નજર પડી. એકદમ ધોકો હાથમાં લઈને અસ્પૃશ્ય બનેલા એ માટલાને ફોડી નાંખ્યું. પણ ઝઘડો વધે તે પહેલાં કેટલીક દલિત માતાઓ અને બહેનો તેમજ સંસ્કારી બ્રાહ્મણ માતાઓએ જોરદાર બચાવ કર્યો. અસ્પૃશ્યતાએ એક હિન્દુ માટલાનો ભોગ લીધો. મારીબા શિક્ષિકા હોવાથી બધા ઓળખે, ઝઘડો પત્યો. હું ચોથા ધોરણમાં ડેડિયાસણ ગામમાં ભણતો, ત્યારે બા ગળાના ભયંકર રોગમાં સપડાયાં, તબિયત વધુ ખરાબ હોઈ વીરમગામ ખાનગી ઇસ્પિતાલમાં દાખલ કરેલાં, લગભગ છેલ્લી સ્થિતિ હતી. મને જાણે કે છેલ્લી વાર મળવા બોલાવ્યો, તેઓ બોલી જ શકતાં નન હતાં, હું બાના ખાટલે જઈ બેઠો. બા મારા માથા પર વાળમાં હાથ ફેરવતાં ચોધાર આંસુએ રડવા લાગ્યાં. મામા, દાદીમા, બાપુજી બધા મૌન હતા. બા બેહોશ બની ગયાં, છેવટે ડૉક્ટરે હાઈપાવર ઇન્જેક્શન આપ્યું, અને કુદરતી રીતે જ રાત્રે બે વાગે ગળામાંના બધા જ ફોલ્લા ફૂટી ગયા, બધું જ લોહી બહાર નીકળી ગયું. અમારી સૌની પ્રભુપ્રાર્થના ફળી... બા ધીમે ધીમે સ્વસ્થ બન્યાં, તેથી જ તો આ ક્ષણ સુધી અપૂર્વ માતૃવાત્સલ્યનો લહાવો મળ્યો છે. ઈ.સ. ૧૯૬૪માં બાને પી.ટી.સી.ની તાલીમ માટે એક વર્ષ ચિત્રાસણી (બનાસકાંઠા) જવાનું હતું, મારા પર જાણે આભ તૂટી પડ્યું. બા વગર જીવાય જ કેમ ? અમે ત્રણ ભાઈ-બહેન સતત રડતાં રહ્યાં. બાએ અમને ખૂબ સમજાવ્યાં, ‘બેટા. આ તો સરકારી હુકમ કહેવાય એટલે જવું જ પડે, એક વર્ષ તો હમણાં જતું રહેશે.’ પણ, મને તો સરકારને મળવાનું મન થયું. સરકાર એટલે કાળો લાંબો કોટ અને માથે ટોપી અને ચુસ્ત પાયજામો અને તે હુકમ કરે, તેવી કલ્પના હતી. (કંઈક પૂજ્ય નહેરુચાચાનો ખ્યાલ હતો.) મેં કહ્યું, ‘બા, હું સરકાર પાસે જઉં, તમને નહીં જવા દઉં.’ અને પાલવ પકડી બેસી ગયો, પણ બા રડતા હૈયે ચાલી નીકળ્યાં, મને સરકાર પર બહુ જ ખીજ ચડી. નાનપણમાં મારો સ્વભાવ ખૂબ જ જિદ્દી અને જક્કી. મને બા વાડકામાં દૂધ આપતાં, હું કહેતો ‘બઉ ગરમ છે, રકાબીમાં આલો.’ બા રકાબીમાં આપતાં. હું કહેતો ‘ગ્લાસમાં આલો’ બા ગ્લાસમાં આપતાં. હું કહેતો ‘લોટામાં આલો.’ બા લોટામાં આપતાં હું કહેતો ‘તપેલીમાં આલો.’ બા તપેલીમાં આપતાં. પાંચ-છ વાસણ તો હું હસતાં હસતાં બદલાવતો, બા પણ હસતાં હસતાં બદલી આપતાં, પણ છેલ્લે ‘મારે દૂધ નથી પીવું’ એવું પકડાઈ જતું, અને હું દૂધ પીતો જ નહીં. બા સવારે કૂતરાને આપી દેતાં. બાને હેરાન કરવામાં મને ઓર મજા આવતી. ઈ.સ. ૧૯૬૯માં અમદાવાદમાં મને એસ.એસ.સી. ભણવા માટે મૂક્યો, આ વખતે કોમી તોફાન થયું, આ બહેરામપુરા વિસ્તારમાં ખૂબ જ તોફાન થયું. બા–બાપુજીને અમારી ખૂબ જ ચિંતા થાય, પણ એકબીજાના સમાચાર આપવા લેવા શી રીતે ? હું એક સંબંધી સાથે ઘેર માંડલ જવા નીકળ્યો. એસ.ટીના હાઈવે પર સામેસામે ટોળાં નીકળ્યાં. હું ખૂબ જ ગભરાયો, બાને છેલ્લાં સ્મરી લીધાં. ત્યાં બાજુના સોસાયટીવાસીઓ મારા સંબંધીનો હાથ પકડીને કોટ કુદાવી દીધો, પણ હું રહી ગયો, છેવટે બે જણાએ મારા બે હાથ ખેંચીને કોટ ઉપર ચડાવીને સલામત સ્થળે મોકલી દીધો. કારણ કે બા–બાપુજીએ અમદાવાદ આવતાં આશીર્વાદ આપતાં કહેલું, ‘બેટા, ભણીગણીને સાહેબ થજે.’ આ આશીર્વાદથી જ કદાચ બચી ગયો. ફરી શાંતિ સ્થપાતાં હું ઘેર ગયો, ત્યારે બા આ સમાચાર જાણીને શું રડેલાં ! બી.એ.ના છેલ્લા વર્ષમાં ૧૯૭૪માં બાએ ત્રણ માસ સુધી મારા વાચન અર્થે સતત ઉજાગરા કરેલા, છતાં પણ બા સતત પ્રસન્ન જ રહેતાં. હું પ્રથમ ત્રણ વર્ષ સારા માર્કસ મેળવી શકેલો નહીં, બાને સતત મારી ચિંતા રહેતી, મારી ડિગ્રી પરીક્ષામાં સારા વર્ગ અર્થે બાએ સોળ સોમવારનાં વ્રત કરેલાં. બા ગરીબો પ્રત્યે દયાભાવ રાખીને જમાડતાં, આ બધો પુણ્યસંચય મારા માટે કરતાં. આમ છેલ્લા વર્ષે બાની સતત કાળજી અને મારી મહેનતના પરિણામે દ્વિતીયવર્ગમાં આવ્યો. બાની ખુશીનો પાર નહોતો. હું હવે ઘરમાં મોટો થઈ ગયો હતો, તેવું ઘરના બધા માનતા. મારા સગપણની વાત ચાલી, બાપુજી સામે પક્ષે વચનથી બંધાઈ ગયા, મારી સંપૂર્ણ અનિચ્છા. મારી વાત બા સમજી શક્યાં, પરન્તુ બાપુજી એકના બે ન થયા, આખરે–
‘અવસરો માડવે ટહુક્ય
મન કમનથી વરી લઈએ.’
સંપૂર્ણ અનિચ્છા સાથે લગ્ન કરવાં પડ્યાં, ઘરનું વાતાવરણ સતત પાંચ વર્ષ સુધી તંગ રહ્યું. હું ઘરમાં–જો બાપુજી બહાર હોય તો, હું બહાર–બાપુજી ઘરમાં હોય તો. સંતાકૂકડી જેવું ચાલતું. એમ.એ. ભણ્યા પછી બેરોજગાર અવસ્થામાં બા નાની બહેન શારદા કે ઉષા સાથે મારા માટે બીજા ઘેર ભોજન મોકલતાં. એક વાર બાપુજી ગુસ્સામાં મને મારવા દોડી આવ્યા, બા વચ્ચે પડ્યાં, તેમને વાગી ગયું, દાંત તૂટીને તાળવે લાગ્યો, લોહી બંધ થાય જ નહીં. આખરે વીરમગામ ઇસ્પિતાલમાં લઈ ગયા, ટાંકા આવ્યા, આખરે બાપુજીનું હૃદય પીગળ્યું. ઈ.સ. ૧૯૭૭માં મને પાર્ટ-ટાઈમ લેક્ચરરશીપ મળી, ઈડર અને પાટણ કૉલેજમાં. સતત બે વર્ષ દર અઠવાડિયે ચાર જિલ્લા ફરીને ઘેર જતો, ત્યારે બાને શ્વાસ હેઠો બેસતો, ત્યારે સતત સામાજિક સંઘર્ષ પછી મારા છૂટાછેડા થયા, સમાજના બે પિતાજીએ તેમની કહેવાતી વટ-વચન અને ઇજ્જત જાળવવા એક તદ્દન નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો. હું હવે સ્વતંત્ર હતો, એમ માનીને મેં મારા સ્નેહલગ્નનો પ્રસ્તાવ બા સમક્ષ મૂક્યો. બાએ સહર્ષ વધાવીને તેમની પ્રગતિશીલતાનો પરિચય કરાવ્યો. મેં સ્નેહલગ્ન કર્યાં, મનોરમા બલાત આદિવાસી યુવતી સાથે. બા–બાપુજીએ અમને હાર્દિક રીતે વધાવી લીધાં. દલિત સ્રીએ સમાજમાં સાસુને પગે પડવું પડે, બહારગામ કે યાત્રા–મુસાફરીથી આવે તો પગ ધોવા પડે, લાજ કાઢવી પડે, નાની-મોટી વડીલ સ્રીઓની લાજ કાઢવી પડે, હાથમાં ચંપલ પકડીને દૂર સુધી ગયા પછી જ પહેરવાં પડે, પાંચ પ્રસૂતિ સુધી તો સાસુની સામે વાત જ ન થાય, વાર-તહેવારે વડીલ સ્રીઓના પગ દાબવા–વંદન કરવા જવું પડે. ખાટલા પર કે ખુરશી પર વહુવારુથી બેસાય જ શાને ? પુરુષોની લાજ તો સ્રીઓએ અવશ્ય કાઢવી જ પડે... આ બધા જ ચુસ્ત સામાજિક નિયમો છતાં પણ બાએ મનોરમાને મન–હૃદયથી સ્વીકારી લીધી. આજે પણ દક્ષિણી પહેરવેશમાં મનોરમા બાના હૃદયમાં વહુ નહીં, દીકરી તરીકે સ્થાન પામી છે. મનોરમાના ઉદાત્ત સંસ્કારોએ અમારા ઘરમાં શાંતિસ્થિરતા અને પ્રેમના સુગંધીયુક્ત વાતાવરણને સ્થાપ્યું છે. આજે તો બા કન્યાશાળામાં આચાર્ય છે, વૃદ્ધાવસ્થાની વિશેષ અસર દેખાય છે, નિવૃત્તીની દિશામાં જ છે. છતાં પણ બાપુજીની સેવાઓમાંથી નિવૃત્તિ પછી અને સતત દશ વર્ષ મારી પાર્ટ-ટાઈમ લેક્ચરરની નોકરી લીધે–અમારા કુટુંબનો આર્થિક ભાર બા જ સતત વહન કરતાં રહ્યાં છે. આજ સુધી મને સતત આર્થિક મદદ કરતાં રહ્યાં છે. મારાં ત્રણ બાળકો સિદ્ધાર્થ તથાગત, અને કુ. તન્હા દાદીમાની આસપાસ સતત વાત્સલ્યરસ પીધા કરે છે, પ્રેમ અને કરુણાની ગંગોત્રી સમાન બા અમારા સૌને ક્ષેમકુશળની ખરેખર જીવાદોરી છે. સતત ત્યાગ અને સહનશીલતાની પ્રેમમૂતિ ! અમારી હાર્દિક વન્દના છે એ કરુણામૂર્તિને !
૦