માડી મને સાંભરે રે/મા : સ્મૃતિમાં ફોરતી ધૂંધળી ફોરમ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૦.
મા : સ્મૃતિમાં ફોરતી ધૂંધળી ફોરમ

કિસન સોસા

બહુ આઘેની વાત છે. અમારું ફળિયું ત્યારે નાનકડા ગામડા જેવું હતું. સોરઠી ગામડું ગાર લીંપણવાળાં ખોરડાઓનું ઝૂમખું. ફળિયા વચ્ચે આઈ.પી. મિશનની પ્રાથમિક શાળાનું વિલાયતી ઢબનું આસમાની મકાન, મકાનની છતે, ગોખલે ઘટર...ઘૂ કરતાં પારેવાં...ફળિયાની પૂર્વદિશામાં સુરતનો ઐતિહાસિક જૂનો કોટ. કોટના પડછાયામાં વહી જતો સૂનો રસ્તો, રસ્તા પાસે વહેતી ખાડી, ખાડીને પેલે પાર કવિતાની પંક્તિ જેવી શેરીઓનું સુરત. ક્યારેક કોઈ નીરવ બપોરે એ શેરીઓમાં ક્યાંક બંધાયેલા કોઈ માંડવાના માઇક-માંથી કંઠ અને સૂરની મીઠી કૂંજલડીઓની કતાર ઊડતી અમારા મહોલ્લાના ભૂખરા અવકાશમાંથી પસાર થતી : "મેરે બચપન કે સાથી મૂઝે ભૂલ ન જાના..." ફળિયાનું મન ગહેકી ઊઠતું. ખાડી પાસેના રસ્તા પર અમારું ક્રીડાંગણ રહેતું. અડાબીડ ઊગેલી પીલુડીમાં ‘ઝૂલો’ ખાતા. બપોરે બજારમાં બકાલું વેચી, ખાલી ટોપલો માથે મૂકી, ગામ તરફ જતી કાછિયણ બાઈનો પડછાયો તડકે તગતગતો, ઝલમલતો ઓગળી જતો જોઈ રહેતા. હા, એ સમયે અંગ્રેજોના શાસનની કાળી ચાદર ખેંચાઈ ચૂકી હતી. પરંતુ અમારા ફળિયાનો તડકો ત્યારે ય ધૂંધળો, મ્લાન હતો. એક ધૂસર હવા છવાઈ રહેતી હતી શ્વાસોમાં. સાંજ ઢળતાં રાખોડી રંગનો સન્નાટો તંબુ તાણી ઊઠતો હતો અમારા અંતરમાં, ઘરમાં ખોરડે ખોરડે ફાનસની પીળી આંખ તગતગી ઊઠતી હતી. ‘અલ્લારખી’ના ઘર ઉપર ચિત્કારી ઊઠતું હતું ઘૂવડ. એવા ઊતરતા અંધારાના ડરામણા માહોલમાં અમારી ટાબરિયાઓની ટોળી "સાત તાળી" રમતી...હડિયાપટ્ટી બોલાવતી. થાકી મિશન સ્કૂલના લાકડાના દાદર પર બેસતી. તે વખતે એક ઝાંખીપાંખી આકૃતિ હાથમાં વાંસની પટ્ટી ઝાલી, મારા નામનો સાદ દેતી, મને ખોળતી સંભળાતી દેખાતી. અને હું દોસ્તારો વચ્ચેથી હડી કાઢતો ગરી જાતો મારા ખોરડામાં. ફાનસને અજવાળે ખોરડું વાળુ કરવા બેઠું ગરી જાતો મારા ખોરડામાં. ફાનસને અજવાળે ખોરડું વાળુ કરવા બેઠું હોય. થાળીમાંના શાકમાં જુવારનો રોટલો ભાંગી ‘ભાવ’કરી એક હાથમાં મ્હોમાં કોળિયો મૂકતો. હા, એ જ મારી માનો હાથ. બલોયાવાળો હેતાળ હાથ. વીતી ગયો જમાનો એ હાથ માથા પરથી સરી ગયે...! એ હાથ સાથે હતો ત્યારે કેટકેટલું સાથે હતું ! પિતાજી, કાકાઓ, મામાઓ... ખોરડું ભર્યું ભાદર્યું હતું. ઘર સામેની શાળામાં હું અને મારી મોટી બેન કડવીબેન અમે સાથે ‘કક્કડિયું’ ભણતાં. બપોરે રિસેસનો ઘંટ વાગતાં જ કંતાનના પાથરણા પરથી ઊઠી દોડતોક ઘરે પહોંચી જતો. વાડામાં ઊભો ઊભો મૂતરતો. ખોરડામાં ચૂલાના ઉંબાળે ‘સોનાના ચહેરાવાળી મા’ હાથમાં "આટાનો સૂરજ"–જારનો રોટલો–બે હથેળીઓ વચ્ચે તાલબદ્ધ ટીપી તાવડીમાં નાખતી હોય...ઓસરી પર બેઠાં આય–દાદીમા–પિંજરામાંના પોપટને પેરુ ખવડાવતાં હોય...ઢોલિયે બેઠા ટીખળી મામા મારા પિતાજીને ‘જાંબુવન્ત...જાંબુવન્ત...’ કહી પજવતા હોય... અને હું મા પાસે ઉભડક બેઠો ડચ ડચ બે બટકા ખાઈ ઊડતો પહોંચી જતો મારા શાળાના ઓરડામાં. એ વખતે શાળાના હેડમાસ્તર ‘કાળા માસ્તર’ હતા. સ્વ. ખોડાભાઈ કુંભાજી બારિયા. સીસમ જેવો વાન અને એવો જ કાળો ડગલો. કાળા માસ્તર ભલા ક્રિશ્ચિયન હતા. મિશનરીની શાળા હોવાથી શાળાના વાતાવરણમાં યેરૂશાલેમની હવા વહેતી રહેતી. રવિવારની રાતે શાળાના ચોગાનમાં સફેદ પડદો બંધાતો. ખ્રિસ્તી ભાઈઓના મહોલ્લા–મુગલીસરામાંથી પાદરી સાહેબ પધારતા. ક્યારેક ગોરા પાદરીસાહેબ પણ પધારતા ત્યારે અમે અહોભાવપૂર્વક જોઈ રહેતા. પડદા પર સ્લાઈડ મારફત બાઈબલના પ્રસંગો દર્શાવી લાકડી વડે એ પ્રસંગોની કથા, મર્મ, મહત્ત્વ સમજાવતા. કાર્યક્રમને અંતે પ્રભુ ઈસુના જીવનપ્રસંગો અંકિત રંગીન કાર્ડ વહેંચતાં. એ સમયે અમારી બાલપોથી એ રંગીન કાર્ડોથી ભરી ભરી રહેતી. આમ ખ્રિસ્તી મિશનરીના પ્રભાવ હેઠળ અમારો શૈક્ષણિક ઉછેર થયો. હિન્દુ ખોળિયાના અંતરમનમાં ઊંડે ઊંડે ઊતરતી ગઈ આ ખ્રિસ્તવાણી : ‘ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ." જો કે ઉંમર વધવાની સાથે બોજો પણ વધતો જ ગયો. આજે બોજથી લદાયેલા અવસાદગ્રસ્ત આયખાના ઉત્તરાર્ધમાં ઊભો પાછળ નજર કરું છું તો એ બધા જ ઈશ્વરો ક્યાંક અધવચ્ચે જ અટકી ઊભા રહી ગયા છે : પ્રાર્થના અટકી ગઈ, જંપી ગયા ઈશ્વર બધા; પથ્થરે પથ્થર થઈ થીજી ગયા ઈશ્વર બધા. કેવળ "અય મા, તેરી સૂરત સે અલગ ભગવાન કી સૂરત ક્યા હોગી ?" એ પંક્તિ મનમાં ઘૂમરાયા કરે છે પણ માનો ચહેરો શોધવો ક્યાં ?

અલપ ને ઝલપ કંઈ ઉડુગણ રહે છે.
સમય યાદ રહેતો નથી, ક્ષણ રહે છે.

અતીતના ધુમ્મસમાં તણખાતી ક્ષણો વિચ્છિન્ન ઊડી ઊડી, રાખ થઈને ખરી પડે છે. માના ચહેરાનો કશો ચોક્કસ આકાર-ઘાટ ઊપસતો નથી. સ્મૃતિમાં ફાટેલાં મલીરમાંથી એક ધૂળિયું માથું ડોકાઈ રહ્યું છે પણ તે તો ઘણા સમય પછીનું. એ પહેલાંની માની ઝાંખી પાંખી સ્મૃતિ કંઈક આવી છે; મને આંગળીએ ઝાલી બજાર લેવા જતું મમતાનું મેઘધનુષ્ય...મા...! શૈશવમાં અળવીતરો ભારે તે દોડાદોડીમાં પગના અંગૂઠાનો નખ ઊખેડી બેઠો તેની વેદનાએ રાડારોળ કરતો હું અને હાંફળીફાંફળી દવાખાને લઈ જતી મા...હું ખાટલે બેઠો પાટી પર એકડો ઘૂંટતો હોઉં ને બાજુમાં બેઠી સીપર પર લોઢિયા વડે લીલાં મરચાંનો મસાલો વાટતી મા... માના આ બધાં ત્રુટક ત્રુટક ધૂંધળાં સ્વરૂપો સ્મૃતિમાં છે. તેમ છતાં માનું એક નિરાકાર સ્વરૂપ છે, જે મારા લોહીમાં રસાઈ ગયું છે. અસ્તિત્વના રેસાઓમાં વણાઈ ગયું છે. આજે ય શ્વાસમાં માનો પદરવ સંભળાય છે અને આંખોમાં એ જૂની એદરૂસ ચાલ સજીવ થઈ ઊઠે છે. આ એદરૂસ ચાલના માલિક ખુદાપરસ્ત પાક મુસ્લિમ ‘કાળા બાવા.’ સૈયદ અહમદ અલ એદરૂસ. સાચા સૈયદ. વર્ષો પૂર્વે હઝ પઢવા મક્કા-મદીના ગયા, પાછા વળતાં રસ્તામાં જ જહાજમાં જન્નતનશીન થયા. કાળાબાવાનું સમગ્ર વ્યક્તિત્વ ઓલિયા–પયગમ્બર જેવું હતું. તેમના ઘરે અમ્મા હતા તે ય મરી બીજી મા જેવાં. મારા પિતાજીને આ સમગ્ર સૈયદકુટુંબની સ્નેહ–સહાય. પૂરી રહેમ. એદરૂસ ચાલમાં બે મોટાં ખોરડાં ફાળવી આપ્યાં. તેમાં મારું બહોળું કુટુંબ વસતું. આજે ય ત્યાં જ, તેમાં જ વસીએ છીએ. મારા પિતાજી ધાર્મિક વૃત્તિના. સુરતના મેઘવાળ સમાજમાં ‘નથુ ભગત’ તરીકે સન્માન્ય. કડિયા–સુથારનું પરચૂરણ કામ કરતા. એદરૂસની મિલકત વાડી, કબ્રસ્તાન, ચાલ વગેરેનું ધ્યાન રાખતા. મરામત–બાગબાની કરતા. પિતાજીને ત્રણ ભાઈઓ : મોટા હીરાકાકા જૂનો માલ–સામાન વેચવાનો–ખરીદવાનો ધંધો કરતા. મેઘાકાકા અમારા વિસ્તારમાં જ ચાહની હોટલ ચલાવતા. ભીખાકાકા મોટરડ્રાઈવરની નોકરી કરતા. સંયુક્ત કુટુંબ. ઘરની આર્થિક સ્થિતિ એકંદરે ઠીક. કોઈ વાતની ખાસ તાણ નહિ. એવા હળવા દિવસોમાં એ સમયે મારા કુટુંબ પર ઝાંઝરકાનો –ધંધુકા પાસે આવેલું એક ગામ, જ્યાં મેઘવાળ સંત સવૈયાનાથતની સમાધિ અને ધાર્મિક સ્થાન આવેલાં છે–ભારે પ્રભાવ. એ સમયે સુરતના મેઘવાળોમાં ઝાંઝરકાના બાપુ – બાવા-મહંતોનો ઉતારો મારે ખોરડે રહેતો. સુરતના મેઘવાળોમાં ઝાંઝરકાના માહાત્મ્યના પ્રચાર-પ્રસારમાં મારા પિતાજીનો મહત્તમ ફાળો. બાપુની પધરામણી થતી ત્યારે સુરતના મેઘવાળોમાં હેર્ષોલ્લાસ–ઉત્સવનું વાતાવરણ છવાઈ જતું. ઘરની મોટી ઓસરી પર ઢોલિયો ઢળાતો. મુલાયમ ગાદલાં અને રેશમી ઓશીકાંઓ ગોઠવતાં. દૂરનાં ફળિયાઓમાંથી મેઘવાળબાપુના દર્શને આવતા. લાપસી અને દાળભાતની દેગો ચઢતી. ફળિયામાં પંગતો મંડાતી. પિતાજી ધર્મના નામે સંચિત અર્થનો ધુમાડો કરતા રહેતા. ભાવુક ભગતોના પાયલાગણ સ્વીકારતા બાપુ–પછી તેમના નામ લાલદાસ બાપુ હોય કે ભાણદાસ બાપુ શુદ્ધ ઘીનું સાત્ત્વિક ભોજન આરોગી, ઢોલિયે આડા પડતા. અમ નાનકડાં ભાઈબહેનો વચ્ચે બાપુને વીંઝણો ઢોળવાની સ્પર્ધા જામતી. પંખા વડે હવા નાખવાના ગૌરવમાં અમારા નાનકડા હાથ દુઃખી જતા પણ બાપુ ત્યારે ય અમને વીંઝણો ઢોળતા રોકવાની ગુસ્તાખી કરતા નહિ – એટલી એમની કૃપા ! એ દિવસોમાં આંગણે સૂતાં મારી ઊંઘ મધરાતે ઊડી જતી તો ઘરની ઓસરીમાં કિટસન લાઈટનો દૂધિયો શ્વાસ ચાલતો હોય, ચંદરવો બાંધેલા ઘરમાં હકડેઠઠ્ઠ ભગતો ‘સાહેબ’... ‘સાહેબ’....ના ઉદ્‌્‌ગારે હાર્મોનિયમ, દોક્કડ મંજીરાના સથવારે ભજનોની રમઝટ મચાવતા હોય. મા બાજુના ઘરના ખૂણે દિવસભરની દોડધામથી થાકી લોથ જંપી ગઈ હોય. અહીં એક પ્રસંગ સાંભરે છે : એક વાર બપોરે બાપુ સંગે સાધુઓની પંગત ભોજન લેવા બેઠી હતી. બાજુના ઘરમાંથી ગરમાગરમ ઘઉંની રોટલી પીરસાતી જતી હતી ત્યાં બાપુ મારી માને ઉદ્દેશી ઉદ્વેગથી તાડૂક્યા : બનુ, રોટલા જરા ‘ખડતાયેલા’ આવવા દ્યો ‘ખડતાયેલા !’ ખડતાયેલા એટલે કે કડક ! એ ક્ષણેથી આવા બાપુઓની ભોજનપ્રિયતા જોઈ તેમનું ભૌતિક વ્યક્તિત્વ આરપાર જોતાં શીખ્યો છું. આજે ઝાંઝરકાની ગાદી પર હટ્ટાકટ્ટા બળદેવ બાપુ બિરાજે છે. સુરત પધારે છે ક્યારેક પણ... તેમને અમારા કુટુંબની ઝાંઝરકાપ્રીતિ, અમારી ઓળખ નથી. અને એ સારું જ છે. ખેર, ઝાંઝરકાના પ્રભાવે પ્રજ્જવલિત એ દૌરમાં પિતા સાથે સામી દિવાળીએ ઝાંઝરકા જવાનું થયું હતું. ટ્રેનના એ આહ્‌લાદ અને સુખદ પ્રવાસનાં સ્મરણે આજે ય પુલકિત થઈ ઊઠું છું. નવા દિવસોનો રૂપેરી તડકો વાતાવરણમાં ઝગમગતો હતો. શિયાળુ પવનનો સુકુમાર સ્પર્શ રોમાંચિત કરતો વહેતો હતો. બારીમાંથી સરતાં વિશાળ, લણાયેલાં ખેતરો, ખેતરોમાં એકલદોકલ ફરતું શાહમૃગ, પાટાઓના ઢોળાવ પર ખડી ગયેલા ગુડઝનો આડો પડેલો કટાયેલો ડબ્બો, ભાદરનદીના નિર્મળનીતર્યા નીરમાં પગ ડબોળી પાર કરવાનો આનંદ વગેરે સામાન્ય ઘટનાદૃશ્યો પણ મારા મુગ્ધ બાળમાનસને અદ્‌ભુત લાગ્યાં હતાં. ધંધુકાના રેલવે પ્લૅટફૉર્મ પર ઊભા રહી, સાથેની ભગતમંડળીને પિતાજીએ આંગળી ચીંધી બતાવેલી દૂરના ક્ષિતિજમાં ઝાંઝરકાના મંદિરની ફરફરતી ધજા...ઘણા સમય પછી મારી કલમમાંથી – "ધજા કરીને મને બાંધી દીધો છે અહીં સુક્કાભસ જંગલને માથે" – એ ગીતકૃતિ થઈને જન્મી. દિવાળીની રાતે ઝાંઝરકામાં ભરાયેલા મેળામાં પિતાજી સાથે વિહરતાં મશીન વડે છૂંદણાં કોરતા માણસ પાસે જીદ કરી કોરાવેલું છુંદણું ‘જેય સવિયાણિ’ આજે ય મારા ડાબા હાથે વેરણછેરણ અક્ષરે પડ્યું છે :

સંતના પેટે જનમવું ‘પાપ’ જેવું હોય છે;
આયખું સાદ્યન્ત કો’ અભિશાપ જેવું હોય છે.

ખેર. શૈશવનો એ રમ્ય પ્રહર, એ આનંદપ્રદ દૌર, ઉંમરની સાથે સાથે ઓગળતો ગયો. માથા પર ખોડિયાર માની માનતાની બાબરી વધતી ગઈ. સમયનું પોત પ્રકાશતું ગયું. ટૂંકા ગાળામાં જ ઘરના આધારસ્તંભ જેવા મારા બે કાકાઓ ઢળી પડ્યા. એક ક્ષયમાં, બીજા વ્યસનમાં. ડ્રાઇવર કાકા મૂળથી જ સ્વકેન્દ્રી, ધૂર્ત હતા. મા સાતે ઝઘડો કરી ઘર છોડી જતા રહ્યા. થોડો સમય સંન્યાસીવેશે ગોદાવરીને કાંઠે રહ્યાં. અમદાવાદ ગયા. ઉજળિયાત કોમની કોઈ બાઈ સાથે જાત છુપાવી લગ્ન કર્યાં. સંસારી થયા. જોતજોતામાં ભીખાકાકા ‘ભીખાજી દરબાર’ થઈ અમારા કુટુંબ કબીલામાંથી નીકળી ગયા... તે છેક એમના જીવનના અંત સુધી. આમ પડખા વગરના થઈ ગયેલા પિતાજી શહેરમાં પાઈપલાઈન નાખવાનું કામ ચાલતું હતું તેમાં ખાડા-ડોબરા-ખોદવાના કામમાં જોતરાયા. પરિસ્થિતિવશ મારી મા પણ કામમાં જોતરાઈ. ઘણી વાર રજાના દિવસે હું મા સાથે કામમાં જતો, નાની બેન કેસરને સાચવવા. શહેરમાં જ્યાં કામ ચાલતું હોય ત્યાં આજુબાજુના જૂના મકાનની અવાવરુ ઓસરી પર લૂગડાનું ઘોડિયું બંધાતું. કાથીની દોરીએ હું બેનીને હીંચવતો. સામેના રસ્તા પર ખોદાતા ખાડામાંથી માટી ભરેલું તગારું ઊંચકાતું, ઉલેચાતું. અલપઝલપ કળાતું માનું દુઃખિયારું ધૂળિયું મુખ... ... માનું નામ રતન હતું. એ રતન ધૂળે ધરબાતું જોતો હતો. એવા કઠણ કાળમાં માથે માનતાની જટા ઝુલાવતો હું ય મારી રીતે જીવન–સંઘર્ષમાં ઊતર્યો. મહોલ્લાના છોકરાઓની પ્રેરણાએ બે પૈસા મળે તેવાં પ્રામાણિક કામો કરવા લાગ્યો. કસબા જેવા સુરતમાં ત્યારે હારબંધ નવ છબિઘરો હતાં. એમાં રજૂ થતી ફિલ્મોની જાહેરાત કરવાની રીત પણ અનોખી હતી. બેન્ડવાળા સાથે જાહેરાતનાં પાટિયાં ખભે ઊંચકી છોકરાઓ શહેરમાં ફરતા. હું એ ‘બોર્ડ’માં જતો થયો. લગ્નસરા ચાલતી હોય ત્યારે ‘રસાલા’માં જતો. રસાલો એટલે વરઘોડા આગળ હાથમાં ઝંડો ઝાલી ફેન્સી ડ્રેસ પહેરી સમાંતર ચાલતા આઠ-દસ છોકરાઓ... રસાલામાં મને ઘણી મુશ્કેલી પડતી. માથા પર છોકરી જેવા વાળનો જથ્થો જેમતેમ ટોપીમાં ઘુસાડી ઊપડતો. શેરીમાંથી પસાર થતો વરઘોડો જોવા નીકળતા લોકોમાંથી કોઈ ને કોઈ ટાબરિયો ફૂટી નીકળતો ને મારી ફેન્સી ટોપી ઉછાળી દેતો. જટિયાં ઝૂલી પડતાં. અપમાન અને દુઃખની લાગણી થતી. રસાલાના ફેરા પૂરા કરી ઘેર પહોંચતો. મા મારી વાટ જોતી ખાટલામાં બેઠી જ હોય. ફાનસનો મોગરો સંકોરી મને ખાવાનું પીરસતી. મારી નાનકડી કમાણીનું પરચૂરણ ભાવપૂર્વક આંખે અડાડી ઓઢણાને છેડે બાંધતી, મારા માથે માયાળુ હાથ ફેરવતી. જો કે પિતાજીનો અભિગમ જુદો હતો. તેઓ મનોમન મારામાં પાંગરી રહેલી આવારગીને ઓળખી ગયા હતા. તેથી મારા ભણતર પ્રત્યે વધુ આગ્રહી, આક્રમક બન્યા હતા. પિતાજીના દાબે ઘરેથી ચોપડીઓ લઈ નીકળતો ખરો પણ જઈ ચડતો નદી કાંઠે. ભાઠાની રેતીમાં પુસ્તકો દાટી નદીના પાણીમાં ન્હાયા કરતો. સાંજે સ્કૂલ છૂટવાના સમયે ઘેર પહોંચતો. પિતાજી કળી જતા. ઘરની કથળેલી આર્થિક સ્થિતિ, નાનાં નાનાં છ સંતાનોની ઝાંઝું જીવી શક્યા નહીં. પિતાજી તૂટી ગયા. ક્ષય રોગ થયો. ઝાઝું જીવી શક્યા નહીં. પિતાજીની અંતવેળાનો એ પીડિત પ્રહર આજે ય મારું હૃદય ભીંજવે છે.

ફળિયું ઉદાસ શોકમય ઊભું છે ખોરડે;
અંતિમ વાણીએ ભગત બોલે છે : રામ... રામ...

મરણપથારીએ પિતાજી લગભગ કલાક સુધી ‘રામ... રામ’ રટતા રહ્યા. પછી ક્ષીણ થતા અવાજે ધીમે ધીમે ઊતરી ગયા અનંતમાં, પૃથ્વીના વિશાળ પટ પર એકલી રહી ગઈ હતી મા, ભયાંકિત ભારૂડાંઓ અમે માને વળગી પડ્યાં :

શીળી સફેદ છાંયનો વડલો ઢળી ગયો;
તડકે પડ્યાં તળાવ-શાં તરડાય નામ... ઠામ...

મારી નિશાળ આમ તો છૂટી જ ગઈ હતી. ફેક્ટરીમાં બોબીન ભરવાના કામે વળગ્યો. ફેક્ટરીમાંથી સાંજે ઘેર આવી આંગણામાં ખાટલો ઢાળી આડો પડતો. કંઈ ને કંઈ વાંચ્યા કરતો. પડોશના કઝીન રાજાભાઈ સાથે ‘ટારઝન’ની આખી સિરિઝ વાંચી, અનાયાસ-વાચનરસ કેળવાતો ગયો. પિતાએ ઘર સામેની ભીંત પર તુળસી બારમાસીના કૂંડાં ગોઠવ્યાં હતાં. કૂંડાના તુળસીમાં ચકલીઓ રમતી. સવારે આંગણામાં બારમાસીનાં ગુલાબી-શ્વેત ફૂલો ગરતાં. અકથ્ય અનુભૂતિ થતી. ચોમાસામાં બાજુની વાડીમાં ટહુકતી તરબોળ વનરાઈ, ખાબોચિયામાં પવનને સ્પર્શે તરંગાતું પાણી... વગેરે રોમાંચિત કરી દેતાં. કદાચ મારા કૈશોર્યના ખોળિયામાં સુષુપ્ત પડેલો કવિ જાગ્રત થઈ રહ્યો હશ ! એ સમયે અમારા વિસ્તારમાં "સિને મ્યુઝિક સર્કલ" નામક સંગીતપાર્ટી અસ્તિત્વમાં આવી. તે લોકોએ મારા તીણા-કોમળ કંઠે મને સાથે રાખ્યો. સંગીતપાર્ટી સાથે જતો. સ્ટેજ પરથી ‘તૂને હાય મેરે જખ્મે જિગર કો છૂ લિયા..." જેવા એ સમયનાં ફિલ્મી ગીતો ગાતો. દુર્ભાગ્યે સિને સર્કલના બે સાજિંદાઓ ભરયુવાન વયે કૅન્સર-ક્ષયમાં સપડાયા હતા. મારી માએ એ હકીકત જાણી કે તરત કંઈક અનિષ્ટ થવાના ભયે મને સંગીત પાર્ટીમાં જવાની બંધી ફરમાવી. પણ ફિલ્મનો અને સંગીતનો રંગ લાગી ચૂક્યો હતો. આખો વખત સિનેમારોડ પર રખડતો રહેતો. થિએટરોમાં કાચના બોક્ષમાં ગોઠવેલી ફિલ્મી તસવીરો જોયા કરતો. મા અમારું પેટ ભરવા તનતોડ શ્રમ કરતી રહેતી. એ જ અરસામાં માનાં ફેફસાંને પણ શાપિત ક્ષયે ગ્રસી લીધા. માને પોતાનું મૃત્યુ નિકટ લાગ્યું. કડવીબેનનું માગું આવ્યું કે તરત તે સ્વીકારી પરણાવી દીધી. પણ કડવીબેનનું મન સંસારમાં નહોતું. માંદી માની સેવાચાકરી કરતી રહેતી. આજે એ બધા પ્રસંગો યાદ કરું છું ત્યારે એક હકીકતનો રંજ મારું હૃદય કોરી ખાય છે, એક અક્ષમ્ય અપરાધભાવથી ખળભળી ઊઠું છું. માના જીવનનો એ છેલ્લો પ્રહર હતો. મરણપથારીએ ખાટલામાં સૂતેલી માના પગ પાસે, પાંગતે બેઠો હું, ફિલ્મ જોવા માટેના પાંચ આના માગતો, જીદ કરતો, માનો જીવ કનડતો હતો. કડવીબેન માના મૃત્યુને ઓળખી ગઈ હતી. તેણે મને ઘણો વાર્યો, ટપાર્યો પણ હું અપરાધી... રિસાઈ ઘરની બહાર નીકળી ગયો... પાછો વળ્યો ત્યારે રસ્તામાં જ જાણ્યું કે મારી માનો હેતાળ હાથ કાયમ માટે અમારા માથા પરથી સરી ગયો છે. હું, કડવીબેન, તેજુબેન, પાલજી, પ્રેમજી, કેસર અમારું નાનકડુ કુટુંબ ખરા અર્થમાં અનાથ થઈ ગયું :

એક ખોરડા તળે વસે બે ચાર પાંચ જણ;
એક ખોરડા તળે વસે બે ચારે પાંચ રણ.

માની વિદાય પછી મોટીબેન છૂટાછેડા લઈ લીધા; એક દીકરી હતી તે ય વળી ગઈ. પછી સંસારમાં ક્યારે ય પગ માંડ્યો નહીં. અમારાં ભારૂડાંઓને સાચવી લીધાં. હું અપરિપક્વ માનસના ઘનઘોર આકાશ નીચેથી સમજણના સહેજ ઉઘાડમાં પ્રવેશ્યો ત્યારે બધું જ વહી ચૂક્યું હતું. નજર સામે રહી ગયો હતો જીવનનો સૂનો પ્રલંબ પંથ. એ પીડિત પંથ પર સુરત–મુંબઈ વચ્ચે રઝળપાટ કરતા રહેતા મારા બેરોજગાર સંત્રસ્ત તારુણ્યનો હાથ એક ડ્રાઇવર ભાયાતે ઝાલ્યો. સુરત સુધરાઈમાં ક્લિનર તરીકે નોકરી અપાવી, એ સમય દરમ્યાન સુધરાઈ મોગલાઈ ઇમારત પાસેની સડક-કાંઠે ઊભેલી એક મેડીની બારી ખૂલી. સદ્યસ્નાત સૌંદર્યની તાજી સુગન્ધે મનનું મોગલસરાઈ મહેંકી ઊઠ્યું. ધુમ્મસમાં ધીમે ધીમે સૂર્યોદય થતાં ગોપિત સૃષ્ટિ સ્ષષ્ટ થાય એમ મારા સમગ્ર અસ્તિત્વને ઉજાગર કરતો, મારી ઉજ્જડ મનોભુમિ પર એક સૌમ્ય, સુકુમાર ચહેરાનો ઉદય થયો ! બાવળવનમાં રખડીરઝળી ઉઝરડાયેલું જખ્મી જીવતર સપ્તરંગી નાતાલવૃક્ષના ઉદ્યાનમાં જાણે ભૂલું પડ્યું ! એ માયાળુ મુખાકૃતિ, સહાનુકંપાશીલ હૃદયનું નામ : સુર-સરલા-સરોજ ! સરુએ તેના ઘરની બારીમાંથી દિવસભર તડકે ક્લિનર તરીકે શ્રમ કરતા મને આત્મિક આંખે જોયો. સ્નેહસક્તિ હૃદયે ઓળખ્યો. સરુ લુડર્ઝ કૉન્વેન્ટ સ્કૂલની શાંત, એકાકી શિક્ષિકા હતી. સ્કૂલબસમાં આવતી જતી. નમતા પહોરે બારીમાં ઊભી ભીના વાળ હોળતી. સ્વપ્નિલ પાલવે ફરફરતી સડક પરથી પગપાળા પસાર થતી. તેના દર્શન માત્રે ઊર્મિતંત્ર ઝંકૃત થઈ ઊઠતું. હૃદયમાં લલિતમધુર ભાવોની ભરતી ચઢતી. સરુના પદરવે સુધરાઈના ખખડધજ ખટારાઓને હેન્ડલ લગાવી મારી કુમળી હથેળીમાં ફૂટી ગયેલા ફોલ્લાઓની વેદના હું વીસરી જતો. મારી સાથેનો સરુનો વ્યવહાર અત્યંત કાવ્યમય રહ્યો. મૌનના સંવાદે સંવાદિતા સધાતી ગઈ. સડક–કાંઠે ઊભેલી સરુની મેડીની એક બારી ઘણું આઘેનું જોઈ શકતી. સાંજે મિત્રો સાથે પુલ પર, બાગમાં લટાર મારી પાછો વળતો અને દૂરથી મારા આગમનને ઓળખી સરુની અંધારી, પ્રતીક્ષારત મેડીમાં દીવો ઝળહળી ઊઠતો. સડક પર વેરાઈ જતાં ચાંદરણાં, ટહુકી ઊઠતી બારી. મારે ટેરવે સ્પંદી ઊઠતો શબ્દ :

દૂર દ્વારેથી નયન રસ્તે બિછાવ્યા કોઈએ;
ઝગમગ્યું મારું જગત, દીપક જલાવ્યા કોઈએ.

આમ સરુની મેડીના દીવાના અજવાળે મારો શબ્દ વધુ જોતો થયો. તેને નવી દૃષ્ટિ, દિશા લાધી. પહેલાં મહદ્‌અંશે એકાદબે જ્ઞાતિપત્રો અને અધિકાંશ મારા પૂરતો સીમિત શબ્દ અફાટ આકાશમાં ઊડવા પાંખો ફફડાવવા લાગ્યો. સરુના પ્રેરકબળે જ મારો શબ્દ પેપરને પાને ચઢ્યો, સદ્‌સંજોગે ત્યાં મને સમભાવી સર્જકમિત્રો મળી ગયા. એ વખતના ગુજરાતના પ્રમુખ સાહિત્યિક વૃત્તપત્ર ‘ગુજરાત મિત્ર’ની સોમવારની પૂર્તિમાં નામી નવોદિત એકાદ, સાહિત્યિક ધોરણની, કાવ્યકૃતિ અચૂક પ્રગટ થતી. તેમાં મારી કૃતિ પ્રગટ થવા લાગી. જે સોમવારે મારી કવિતા પ્રગટ થતી, એ દિવસ સરુનો ઉત્સવદિવસ બની રહેતો. આમ સરુના "અસ્તિત્વહીન આકાશના સીમાવિહીન અવકાશ જેવા પ્રેમ" – ના અદીઠ ખેંચાણે હું શબ્દને, નોકરીને વળગી રહ્યો. મારી આવારગી પર તત્પૂરતું પૂર્ણવિરામ મુકાઈ ગયું, સરુ સ્વપ્ન નહોતી. મારા સમયના એક મૌગ્ધયસભર તબક્કાનું સત્ય હતી. જો કે હું પ્રથમથી જ સંકોચશીલ, અંતર્મુખ રહ્યો છું. મારી કૌટુંબિક સામાજિક આર્થિક...પરિસ્થિતિ જનિત લઘુતા, સાંસારિક જવાબદારીની ધુરાથી દૂર ભાગતો. તત્પરતા...શૌર્ય સાહસનો અભાવ... વગેરેને કારણે મધદરિયે જ રહી ગયું મારું વહાણ... નહિતર

"આને કો આ ચૂકા થા કિનારા ભી સામને
ખૂદ ઉસકે પાસ હી મેરી નૈયા ગઈ નહીં."

આજે ય એ નિર્ણાયક ડિસેમ્બર મને યાદ છે. સહુ પર ‘નાતાલ મુબારક’ પાઠવવા ગ્રિટિંગ્સ કાર્ડ ખરીદ્યું હતું. કોણ જાણે કેમ પણ એ વર્ષે સહુ પર ગ્રિટિંગ્સ મોકલી શક્યો નહિ. અને ત્યારે સુધરાઈમાંથી સદ્ય રૂપાંતરિત થયેલી મહાનગરપાલિકાના પ્રથમ કમિશ્નર શ્રી બી.જી. ખાબડે સાહેબ પર મોકલી દીધું. સરુ સાદગીપૂર્વક લગ્ન કરી કાયમ માટે સુરત છોડી ગઈ. મને શ્રી બી.જી. ખાબડેે ક્લિનરમાંથી ઊંચકી લઈ મહાનગરપાલિકાના પ્રિન્ટિંગ પ્રેસમાં ગોઠવી દીધો. એક સ્વપ્નમય, લલિત પ્રહર સમાપ્ત થયો. આજેય ક્યારેક પાછળ નજર કરું છું તો મારા આજ સુધીના વેરાન વ્યક્ત–મધ્યામાં સરુના આત્મિક સાન્નિધ્યનો સાંવેદનિક સમય–ખંડ રણદ્વીપ જેવો લીલોછમ લહેરાતો દેખાય છે. જીવનના રેતાળ પટ પર અમીટ મુદ્રા અંકિત કરી ગયો છે, એ સમય... ખરે, સહુની વિદાય સાથે, ભરતી ઊતરી ગયા પછી ખરબચડા ખડકો ઊપસી આવે એમ આયખા આખાની એકલતા ઊપસી આવી. માના મૃત્યુની ક્ષણથી મોટી બહેનના મનમાં મારા માટે નફરતની ગાંઠ બંધાઈ ગઈ હતી, તે ઉત્તરત્તર વધુ દૃઢ થતી ગઈ. એનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો મારી એક કૈકેયી જેવી કાકીએ. બહેનને હાથ પર રાખી પોતાનો ઉલ્લુ સીધો કરવા લાગી. સિફતપૂર્વક જીવનની દોડમાં અમને ખૂબ પાછળ ધકેલી દીધાં. મારા જ ઘરમાં હું બેઘર જેવો થઈ ગયો, હૃદયમાં વિદ્રોહની આગ ભભૂકી ઊઠી. દારૂના રવાડે ચઢી ગયો. શહેરના ગેરકાયદે દારૂના અડ્ડાઓ પર થોડી રાતો સુધી રખડતો–લથડતો રહ્યો એવામાં છૂટાછેડા લીધેલી એક ભૂતપૂર્વ મનચાહી મેઘવાળ યુવતી સાથે મારું કુંવારા દોરે નાતરું-લગ્ન કરવાની નોબત વાગી. કડવીબહેન સમેત મારું ‘સોસા કુટુંબ’ ચોંકી ઊઠ્યું. મુંબઈ લઈ જઈ મને રાતોરાત એક ગરીબ ઘરની કન્યા સાથે પરણાવી દીધો. આજે જીવનના આ ઉત્તરાર્ધમાં સહેજ ઠરીઠામ થયાનો ભાસ થાય છે, પણ...

કંઈ કેટલીય રાતને આંસુથી ધોઈ મેં;
ત્યારે જરીક આટલું મોંસૂઝણું થયું.

અને એ મોંસૂઝણાના ધૂંધળા ઉજાસમાં જોઉં છું, મારાં ચાર બાળકો પૂર્વી, રક્ષા, હિતેશ અને કાર્તિક ...અનાગતથી અજાણ એવા માસૂમ ચહેરાઓ ! એમા કાર્તિક તો હજી એકડો ઘૂંટી રહ્યો છે. વનમાં પ્રવેશી ચૂકેલા આધારહીન પિતાના ભાખોડિયા ભરતા સંતાનનું શું હોઈ શકે ભવિષ્ય ? એ પ્રશ્નની ઊધઈ રાતદિવસ હૃદય કોરી ખાય છે. મોટી બહેન દમના વ્યાધિથી પિડાઈ રહી છે. મા એકાદ દાયકો, થોડો વધુ સમય ટકી ગઈ હોત તો કદાચ આ સંભવિત કરુણાંતિકામાંથી ઊગરી શકાયું હોત ? ન જાને આજે તો અંધારામાં હાથ ફંફોસું છું ક્યાંયથી જડતો નથી કોઈ નક્કર ટેકો. અંતરભીનો આધાર. નોકરીનો ભાંગ્યો-તૂટ્યો સહારો છે, પણ તે ય કેટલાં વર્ષ ?

વિવૃત્તિ તારીખ સુધી જાય છે થાકી નજર;
ને મને એના પછીનું વિશ્વ દેખાતું નથી.