માણસાઈના દીવા/संस्कृति—सुधारनो कीमती दस्तावेज

From Ekatra Wiki
Jump to navigation Jump to search


संस्कृति—सुधारनो कीमती दस्तावेज

મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોક્સેવક છે. હું લોકજીવન અને લોક હૃદયનો નમ્ર નિરીક્ષક છું અમારો સમાગમ ફક્ત એકાદ વર્ષ પર થઈ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને અમે એમની માંદગીને કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. હું ત્યારે અમદાવાદમાં એકાદ મહિનો રહ્યો હતો. મને એમની પાસે લઈ જવાનો સતત આગ્રહ ‘ભારતી સાહિત્ય સંઘ'ના સંચાલક મારા યુવાન સ્નેહી ભાઈ ઈશ્વરલાલ દવે કર્યા કરતા. એ કહે કે, ‘તમે મહારાજની વાતો તો સાંભળો; તમને રસ પડશે.' જાણતો હતો. ભાઈ રતિલાલ અદાણીએ હરિપુરા-મહાસભા વેળા ‘ફૂલછાબ'માં મહારાજનાં જે સંસ્મરણો આલેખેલાં, તેણે મને ઉત્કંઠિત કર્યો હતો. એક કરતાં વધુ કારાવાસમાં વારંવાર મહારાજની સાથે મહિનાઓ ગાળી એમની વાતો સાંભળી જે મિત્રો-સ્નેહીઓ બહાર આવતા તેઓ પણ કહ્યા જ કરતા કે, મહારાજની વાતો તારે સાંભળવા જેવી છે. હું એક તરફથી આકર્ષાતો હતો ને બીજી તરફથી ખચકાતો હતો. માર સંક્ષોભનું કારણ હતું : હું નર્યા સાહિત્યના ક્ષેત્રનો આદમી. એટલે લોકસેવાના આજીવન દીક્ષિત એક સત્પુરુષની સામે જઈ તેમના અંતરની પવિત્ર ગણેલી વાતો પ્રસિદ્ધિને ખાતર લખવા બેસવા અધિકારી નથી એવું લાગ્યા કરતું, કદાચ કોઈને આ લાઘવ-ગ્રંથિ લાગશે. એ જે હો તે. મારો સંકોચ એ એક હકીકત હતી. આખરે ભાઈ ઈશ્વરલાલની લાગણી ફાવી, ને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મારો ને મહારાજનો મેળાપ થયો. મારા પર એમની આંખ અમીભરી હતી તે તો હું જાણતો હતો. બેએક વાર મળેલા. એક વાર તો, અમદાવાદના છેલ્લા કોમી હુલ્લડ પછી, ‘ફુલછાબ કાર્ટુન કેસ' નામે જગબત્રીસીએ ચડેલા અમારા મુકદ્દમા દરમિયાન અદાલતની સામે જ આવેલ કોંગ્રેસ-કચેરીના ફૂટપાથ પર પોતે ઊભા હતા : પાતળી કાઠીની, અડીખમ, પરિભ્રમણે ને ટાઢતડકે ત્રાંબાવરણી બનાવી, ટીપીને કોઈ શિલ્પીએ ઘડી હોય તેવી એ માનવમૂર્તિ સ્વચ્છ પોતિયે, સ્વચ્છ બ્રાહ્મણ-બંડીએ ને પીળી ટોપીએ, ઉઘાડે મોટે પગે એવી શોભતી હતી કે મારા અંતરમાં એ હંમેશાંને માટે વસી ગઈ છે. હુલ્લડમાં હોમાયેલ નિર્દોષ જનોનાં મુડદાંને બાળીબાળીને પછી તાજું જ સ્નાન પરવારીને આવ્યાં હોય તેવા એ દેખાયા હતા. એ એકાદ મિનિટે જે મોંમલકાટભર્યા પોતે પર મારા પેલા ફૂટપાથ પરથી કરુણાર્દ્ર મીટ વરસાવી રહ્યા, તેમાં તો હું આજેય નાહી રહ્યો છું. એવા એમના વાત્સલ્યની પીઠિકા પર અમારું બેઉનું મળવું એમની માંદગીની સરકારી પથારી ઉપર થયું. મળવા તો કેટલાંય માણસો આવતાં; પણ પહેરેગીર પોલીસ ફરજને વશ હોઈને કમને પણ મુલાકાતીઓને ઝટ ઝટ ઉઠાડતો હતો. હુંયે એમાં અપવાદ નહોતો બનવા માગતો. પણ કોને ખબર ક્યાંથી—એક સાહિત્યકાર આવ્યો છે તે મહારાજની વાતોમાંથી જાહેર કશીક રસભરી પ્રસાદી પીરસવાનો છે તેવી કોઈક આંતરનિગૂઢ માન્યતાથી!—મારું થોડુંક વિશેષ રોકાણ એ સરકારી ચોકીદારો સહી લેતા. મહારાજે પોતાના અનુભવો પોતાની જાણે કહેવા નહોતા માંડ્યા. એમને પણ મારા જેવો જ સંકોચ થયો હશે કે, આ ‘સાક્ષર' ને ગામઠી વાતોમાં શો સાર જણાવાનો છે! પણ મારી પ્રકૃતિમાં એક લાભદાયી તત્ત્વ છે: હું એક રસધોયું શ્રોતા છું; સામાંની વાતોને સાંભળ્યા જ કરવાનો સ્વાદિયો છું, કાંઈક પ્રશ્ન પૂછીને મેં જ પ્રારંભ કર્યો હશે, ને પછી તો મહારાજની વાગ્ધારા ચાલ્યા જ કરી હતી. આટલી વાતો જો બીજા કોઈએ કરી હોય તો કદાચ કંટાળો નહિ, અણગમો પણ નહિ; તોય, કંઈ નહિ તો, વક્તામાં ‘હું'—हम्—છલકાઈ જતું હોવાની લાગણી થાય. તેને બદલે મહારાજ બોલે ત્યારે બોલતા ન જ અટકે તો કેવું સારું, અટકી જાય તે પૂર્વે કંઈક પ્રશ્ન-ટમકું મૂકીને એમને અવિરત બોલતા જ રખાય તો કેવી મજા, એવું મને થયા કર્યું. શાથી! એ કારણેથી કે—પોતે આ ઘટનાઓનું મુખ્ય અને કેન્દ્રસ્થ પાત્ર હોવાં છતાં પોતાની જાતને ગૌણપદે રાખીને અન્ય મનુષ્યોની જ ઊર્મિઓ, યાતનાઓ અને પ્રકૃતિ-તત્ત્વોનું આલેખન મહારાજ કર્યે જતા હતા. એમનો દૃષ્ટિદોર એ નીચલા થરનાં માનવોનું જ યથાદર્શન કરાવવાનો હતો. વેવલાઈથી વેગળું, ગુણદોષનાં પલ્લાં સરખાં રાખતું અને માનવ-પાત્રોનાં જ રૂપ-રેખા એકનિષ્ઠતાથી ઉપસાવે જતું એ વર્ણન હતું, એમાં પ્રચારલક્ષી નજર નહોતી, પણ વાસ્તવની જ વફાદારીભરી પિછાન હતી. પોતે કહે છે કે, “હું રાજકારણનો માણસ જ નથી. હું કોઈ ચૂંટણીઓમાં રસ લેતો નથી. કોંગ્રેસમાં તો હું ગાંધીજીને લીધે જ આવી પડ્યો છું. જે પુરુષ આખા દેશનું કલ્યાણ કરી રહેલ છે તેમને એ કલ્યાણકામમાં નમ્ર સહાય કરીએ તો જીવન સાર્થક થાય, એ દૃષ્ટિએ જ હું જાહેર કામમાં છું." ઉપરાંત, મહારાજ પોતે એક સિદ્ધહસ્ત વાર્તાકાર છે. એમનાં વાક્યો સંઘેડાઉતાર હોય છે, એમની કથનશૈલીને કલાના સર્વ ગુણ વરેલા છે. કથળતું કે ગોથાં ખાતું એક પણ વાક્ય મેં એમના કથનમાં જોયું નથી. સાંભળી લઈને હું જ્યારે ટાંચણ કરવા લાગ્યો ત્યારે એમનામાં એક ભય સંચરતો નિહાળ્યો. એ ભય આ વાતોની પ્રસિદ્ધિનો હતો એના કરતાં વિશેષ તો આ વાતો દ્વારા એમની પોતાની પ્રશસ્તિ થશે એ વિશે હતો, એક-બે વાર મને ટકોર પણ કરી કે, “મારી વાતો બીજા એક-બે ભાઈઓએ લખી છે, અને તેઓ બહાર પાડવાની ઈચ્છા ધરાવે છે; પણ મારા મૃત્યુ સુધી એ પ્રગટ ન જ થાય એવું મેં એમને કહ્યું છે.” મારા તરફથી મેં ચોખવટ કરી કે, “મારું પ્રધાન લક્ષ્ય હંમેશા એક વ્યક્તિના કીર્તિકથન નહિ કરવાનું છે. હું તો લોકજીવનનો નિરીક્ષક અને ગાયક છું. તમે કહી રહ્યા છો તે કથાઓમાં પણ હું તો તમારા કથનનાં પાત્ર માનવીઓની જ વિલક્ષણતાઓ ને પ્રકૃતિ તત્ત્વો પર નજર રાખી રહ્યો છું. હું જો આ કથાઓ આલેખું તો તેમાં મારું પ્રયોજન, તમે બેશક એક મુખ્ય પાત્ર તરીકે એમાં જેટલા અનિવાર્ય છો તેટલા પૂરતા જ તમને જાળવી લઈને, આ પ્રજાના જીવનને રજૂ કરવાનું છે, ને મેં આજ સુધી એ જ કર્યું છે. મારો રસ વ્યક્તિપૂજામાં નથી.” મારા સંકલ્પની પ્રમાણિકતા મહારાજના દિલમાં વસી ગઈ. મને આશા છે કે આ સમસ્ત આલેખનમાંથી મારો એ આશય સ્વચ્છ થશે. કથનમાં હું મહારાજની જ કહેણીને, શક્ય હતું તેટલા પ્રમાણમાં, વફાદાર રહ્યો છું. તળપદા ભાષા-પ્રયોગોને પણ મેં પકડવા યત્ન કર્યો છે. સંવાદો ને વાર્તાલાપો મહારાજનાં છે. મારી શિલ્પકલાને એમનાં ચિત્રોને માથે લાદી ન દેવાય તેની કાળજી રાખી છે. ‘ઊર્મિ' માસિકમાં આઠેક મહિનાથી આ પ્રસંગો પ્રગટ થાય છે. કેટલાય સાહિત્યકાર-બંધુઓના પ્રશસ્તિપૂર્ણ કાગળ આવ્યાં છે. અન્ય વાચકોની તારીફ પણ મારા સુધી પહોંચી છે. એમાં એવો પણ એક સૂર ઉઠ્યો છે કે, ‘સૌરાષ્ટ્રની રસધાર' અને ‘બહારવટિયા'માં જે જમાવટ થઈ છે તે એમાં નથી. નથીસ્તો! પ્રયોજન જ એ જમાવટથી વેગળા રહેવાનું હતું. મેં ધાર્યું હોત તો આ પ્રસંગોને ભભકાવવાની કંઈ મુશ્કેલી નહોતી. પણ તો એનું દસ્તાવેજી મૂલ્ય ન રહેત ને! તો એ મારી પોતાની કૃતિઓ ગણાઈને મારે માટે થોડાં વધુ વખાણ મેળવી આપત; પણ મારા મુખ્ય ધ્યેયને મારી જ નાખત. મારું મુખ્ય ધ્યેય આને દસ્તાવેજની મહત્તા આપવાનું છે. એ દસ્તાવેજ જ છે — બનેલી ઘટનાનો; લોકમાનસનો, જનતાના મનોવિશ્લેષણોનો અને જનતાની ભાષાનો લેખકે કેવળ માધ્યમરૂપે જ પોતાની મર્યાદાનું પાલન કર્યું છે. માનસશાસ્ત્રનાં, માનવવંશશાસ્ત્રનાં, જાતિઓ અને કોમોનાં અભ્યાસ-અવલોકનનું જેઓને કંઈ મૂલ્ય હોય તેવાંઓને આ મહારાજની કહેલી કથાઓ સાદર કરું છું. ગુજરાતનાં જે ખમીરવંતાં સંતાનો ચોર લૂંટારા ને ખૂનીઓમાં ખાનામાં પડીને સરકારી જેલ અગર પોલીસ કચેરીને રજિસ્ટરે પુરાઈ રહેલ છે, તેમનામાં વસેલી માણસાઈનો આ દસ્તાવેજી પરિચય છે. માણસાઈના દીવા જીવતા માનવોમાંથી કેમ અને ક્યારે ને કેવી રીતે અધોગતિને પામે છે, અને અકસ્માત્ એ રામ થઈ જવા આવેલા દીવામાં તેલ પૂરનારો કોઈક પણ સાચો પુરુષ ભેટી જતાં દીવા કેવા સતેજ બને છે, તેની એક સળંગ કથા આ જૂજવા પ્રસંગોમાંથી વણાઈ રહે છે. મારા લેખક-જીવનમાં તો આ એક મોટી વધાઈનો પ્રસંગ છે. આજ સુધી સૌરાષ્ટ્રનાં જ માનવીઓની ધિંગી ધિંગી, અણઘડ આકારની વીરતા, ખાનદાની, નાદાની ને કોમળતાના પ્રદેશો ઢૂંઢતો હતો. ગુજરાત સુધી પહોંચવાની આશા નહોતી. જનતાનાં જીવન-પડોમાંથી જન્મ્યા વગર કે એ પડોનાં જ પાણી પીધાં વગર, એની હવાનો પ્રાણવાયુ લીધા વગર કે એની માટીમાં આળોટ્યા વગર એ જનતાની પિછાન શક્ય નથી હોતી. મારા સૌરાષ્ટ્રના કાર્યક્ષેત્રની બહાર જઈને અન્ય કોઈ જનસમૂહની ધરતીમાં રોપાવાનો મારે બહુ સંભવ નહોતો. પણ મને મહારાજ ભેટ્યા. મહીકાંઠાની જનતાના સકળ પ્રાણતત્ત્વોમાંથી ઘડાયેલા એ પુરુષ ન ભેટ્યા હોત, એને બદલે કોઈક બીજાએ વાતો કરી હોત, તો હું આજે અનુભવી રહ્યો છું તેવી મીઠી આત્મસાતતા આ ગુજરાતી પાટણવાડિયા-બારૈયાનાં જીવન જોડે ન અનુભવી શક્યો હોત; પરિણામે એમને વિષે લખી પણ ન શક્યો હોત. બીજું તો ઠીક, પણ એમની ભાષાની તાકાત પણ મને કોણ પકડાવત? લખાઈને ‘ઊર્મિ' માં પ્રગટ થતી ગઈ તેમ તેમ આ વાતો મહારાજની નજરે પણ પડતી ગઈ. એમને એક વિસ્મય થયું કે, ખરેખર શું આ પ્રસંગો સાહિત્યની સૃષ્ટિમાં સ્થાન પામી શકે તેવા છે? અમને બે-ચાર જણને એમણે પૂછ્યું યે ખરું કે, શું સાહિત્યનાં પ્રેમીજનો આ લખાણનો આદર કરે છે? અમે એમને એક કરતાં વધુ વાર ખાતરી આપી કે આ વાતોમાં સાહિત્યના ઉચ્ચ ગુણો પડેલા જ છે. કદાચ આ સંશય એમનામાંથી પૂરેપૂરો ન પણ ટળ્યો હોય. પણ મારો મુદ્દો જુદો છે. મહારાજ જેવા સંસ્કારસંપન્ન, સંસ્કૃત જ્ઞાન ધરાવતા, ભાષાના સ્વામીનેયે જો આપણી ‘દુનિયા'ને વિષે આવા સંશયો સતાવતા હોય તો આપણી દુનિયાની સંકીર્ણતાનો અદ્યાપિ પર્યંત પૂરો લોપ થયો નથી એ સાચું કે નહિ? આ પુસ્તક શ્રી વલ્લભભાઈ પટેલને અર્પણ કરવાની સ્ફુરણા મને એકાએક થઈ હતી. પણ એમની નિકટનો આત્મજન હોવાનો દાવો હું કરી શકું તેમ નહિ, એટલે એમની પરવાનગી માગવાની મારી ફરજ લાગી. એ પરવાનગી એમણે પ્રસન્ન હૃદયે આપી છે તે માટે હું એમનો ઋણી છું. ‘૩૦ ના સંગ્રામમાં હું જાણે કે ભૂલો પડીને કારાગૃહમાં ડોકિયું કરવા ગયેલો, તે વેળા બેએક મહિના પોતે પણ સાબરમતી જેલમાં અમારી વચ્ચે હતા. મારા પ્રત્યેનું એમનું તે કાળનું વાત્સલ્ય મારા હૃદયમાં જે સ્થાન કરી ચૂક્યું છે, તેને મારી એકાદી ચોપડીમાં અંકિત કરવાનો લોભ જતો કરી શક્યો નથી. રાણપુર, ૧૯૪૫ ઝવેરચંદ મેઘાણી