માણસાઈના દીવા/ઈતબાર
તે દિવસ બામણગામની સીમમાં ઊંધિયાની મહેફિલ હતી. દરબાર ગોપાળદાસ પોતાના સાથીઓને લઈ બોરસદ છાવણીમાંથી ઊંધિયું ખાવા બામણે ગયા હતા. મહારાજ પણ મંડળીમાં ભેળા હતા. ઊંધિયું ખવાય છે. સ્વાદ સ્વર્ગીય છે. લિજ્જત જામી પડી છે. એમાં કોઈક ખબર લાગ્યું કે, “પામોલ ગામના એક પાટીદારના છોકરાને પકડીને ખોડિયાએ પાંચસો રૂપિયા માગ્યા છે. એ પાંચસો જો વેળાસર નહીં પહોંચે, તો ખોડિયો છોકરાને મારી નાખશે!” ઊંધિયાનાં ફોડવાં હાથમાંથી મૂકીને મહારાજ ઊઠ્યા : ચાલી નીકળ્યા. પામોલને માર્ગે ખબર પડ્યા કે બધું પતી ગયું છે ને પાટીદારનો છોકરો હેમખેમ પાછો આવ્યો છે. પૂછપરછ કરી : “વારુ! ખોડિયો જ આ કરે છે?” “ના, છે એક સાથી : દેદરડાનો ભીખો.” “કેવડોક છે?” “એ પણ જુવાનજોધ છે.” એ જાણ્યા પછી સબૂરી રાખવાનું શક્ય નહોતું. અથાક પગ દેદરડાની વાટે ચાલી નીકળ્યા. ખેતરમાં ભીખો નહોતો; એનો બાપ હતો. બન્નેની વચ્ચે શી વાતો થઈ તે તો એ બે જ જાણે. પણ એ વાતના પરિણામે વળતે જ દિવસે વહેલા પ્રભાતે, બાપ પોતાના દીકરાને લઈને બોરસદ છાવણીમાં મહારાજ પાસે હાજર થયો. આ ભીખાને સંતાડવાની કે વડોદરે લઈ જઈ માફી આપવાની તો વાત નહોતી. પહેલું પગલું તો એક જ હતું : જુવાન ભીખાને લઈને મહારાજ ફોજદાર પાસે ગયા. કહ્યું કે, “આને કબજે લો.” કબજે લઈને ફોજદારે ભીખાને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે એને ‘લૉક–અપ'માં પૂરવા ફરમાન કર્યું. મહારાજ ભીખાને લૉક–અપ સુધી મૂકવા ગયા. મહારાજની આંખો એને કહેતી હતી કે, ‘ધીરજ ધરજે : મૂંઝાઈશ નહિ.' આગલી રાત સુધી વિકરાળ વાઘ–શો વસ્તીને રોળતો આ જુવાન એ આંખોના બોલ ઉકેલીને સબૂરી ધરી શક્યો. એની આંખો પણ ઉત્તર વાળી ચૂકી. મહારાજે ચાલવા માંડ્યું ત્યારે પાછળથી ભીખાએ સાદ દીધો : “જરા આવજો તો!” “કહે : શું છે?" મહારાજને બીક લાગી કે , જુવાન હમણાં તૂટી જશે કે શું? ત્યાં તો ભીખો જરી મોં મલકાવીને કહે કે, “બાપજી! પેલાને હાથ કરવો છે?” “કોને?” “કાવીઠાવાળા ખોડિઆને.” “હા.” “હું લાવી આપું.” “તું ક્યાંથી?” “અહીં નજીક છે : વાસણામાં એક પાટણવાડિયાને તંઈ. હીંડો આપણે જઈએ; તેડી લાવીએ.” “આવશે?” “બકરી જેવો દોરાયો આવશે.” “અલ્યા, જરીક વહેલું કહેવું હતું ને! હવે તો આ લૉક–અપમાંથી…શું થાય!” “હમણાં જઈને લઈ આવીએ…" દેદરડાવાળાના મોં પર ઉત્સાહ અને આશા તરવરી રહ્યાં. જુવાન ચહેરો લૉક–અપના સળિયા સોંસરો ચમક મારતો હતો. મહારાજને ચેન પડતું નથી. એક અમલદારના ઘર ભણી ઊપડતાં પગલાં વારે વારે થંભી રહે છે અને પાછાં પડે છે. આખરે એ બે પગ ચાલ્યા. અમલદાર પાસે જઈ માંગણી કરી : “આ કેદીને મારી જોડે મોકલો. કાવીઠાવાળો હાથ–વેંતમાં છે : લઈ આવું.” અમલદાર—એક બચ્ચરવાળ બ્રાહ્મણ—પ્રથમ તો આ માગણી સામે હસ્યો : “ન્યાયની કોર્ટમાં નોંધાઈ ચૂકેલ કેદીને છોડવાની વાત કરો છો! બને કદી!” “બનાડો." મહારાજનો આગ્રહ વધ્યો. “મારી લાંબી નોકરી જતી કરું? હું પોતે ભયંકર જોખમ વહોરું? આ શું બોલો છો?” “માણસની કસોટી કોઈક જ વાર આવે છે.” “પણ—પણ—પણ…” “સાહેબ, વિચાર તો કરો : એ ખોડિઓ ભયંકર બહારવટિયો બનશે. કંઈકનાં લોહી પીશે, કંઈકને લૂંટશે; એમાંથી વસ્તીને ઉગારવા માટે એક વાર જોખમ ખેડો.” “પણ મારાં બાળબચ્ચાં…!” “જાણું છું, એ વિચારે ધ્રૂજું છું. છતાં માગું છું.” અમલદારની તે રાત્રીની ઊંઘ ઊડી ગઈ. એનું મન પોતાનાં સૂતેલા બાળબચ્ચાં અને મહારાજ—એ બેની વચ્ચે લોલકની જેમ ઝૂલતું રહ્યું કેદીને—લૂંટના કેદીને—લૉક–અપમાંથી કાઢું, એ જ ગુનો મને હાથકડી પહેરાવવા માટે પૂરતો થશે; અને આ કેદી જો આ મહારાજને હાથતાળી દઈ નાસી જાય, તો તો મારી જે ગતિ થાય તેની… કલ્પનામાત્રથી અમલદારની ખોપરી ચક્કરે ચઢી : નહિ, નહિ, નહિ! શા માટે જોખમ વહોરું! કઈ આશાએ? કઈ ખાતરી પર? આ લોકસેવક શું મારાં છોકરાંને ઉગારવાનો હતો! એને તો જેલ સહજ છે. અને કોઈના પેટમાં ચણ્ય પૂરવાની નથી : એ તો બેજવાબદાર છે. પણ હું—હું ગરીબ નોકરિયાત—હું જઈને કોનું શરણું લઈશ? મારા ઉપરી, મારું ખાતું—અરે, આ સેવકો પોતે જ પાછળથી મને મૂરખો કહેશે. લોલકે સામી બાજુએ ઝૂલો ખાધો : પણ આ માણસ—આ મહારાજ—એ મને થાપ દે ખરા? એના જેવો આદમી મને અકલ્યાણમાં હડસેલે ખરો? એ તો જીવનને હોડમાં મૂકનાર મરદ છે. એના જેવા પવિત્ર પુરુષ પર એકાદ વાર ઈતબાર મૂક્યો હોય તો! અરે જીવ! અમલદારી તો ઘણાં વર્ષ કરી. એક વાર આ જીવન મરણના ખેલ પણ ખેલી લેવા જેવા નથી? જિંદગીને આરે જતાં કો‘ દન અંતરજામી બોલશે કે, ‘શાબાશ છે, બામણ! ખાતાની ટૂકડો રોટલીને ખાતર તો અનેક કૂડ-પ્રપંચો આચરેલ છે, તેની સામે આટલી મરદાઈ ભલી કરી!' એમ ને એમ સવાર પડ્યું. ગડમથલ શમી નહિ. રોટલો ભાવ્યો નહિ. બપોર થયા કચેરીનું કામ કરવું ફાવ્યું નહિ. સાંજ પડી. મહારાજે ફરી વાર દેખા દીધી. બોલવાનું તો કશું બાકી નહોતું; હવે તો આચરવાની જ પળ આવી પહોંચી હતી. અંધકારના પડદા પડ્યા. લૉક–અપના તાળામાં ચૂપચાપ ચાવી ફરી, વગર અવાજે બારણું ઊઘડ્યું. જુવાન ભીખાને બહાર કાઢવામાં આવ્યો; અને મહારાજના હાથમાં એને સોંપતાં અમલદારે એટલું જ કહ્યું : “મારું સર્વસ્વ—મારાં માલમિલકત, બાળબચ્ચાં અને જિંદગી—તમને સોપું છું.” સોંપનાર પોતાના ઘરને બારણેથી જોઈ રહ્યો : બે આકૃતિઓ રાત્રિના અંધકાર–કાજળમાં આસ્તે આસ્તે ઓળગતી જતી હતી.