માણસાઈના દીવા/૧. ‘કોણ ચોર! કોણ શાહુકાર!’ની લીલાભૂમિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧. ‘કોણ ચોર! કોણ શાહુકાર!’ની લીલાભૂમિ


સામું ગામ આવતાં આવતાં દમ નીકળી જાય એવા કાઠિયાવાડના ગાઉઓથી ઊલટા આ ચરોતર-મહીકાંઠાના ગુજરાતી ગાઉઓ છે. દોઢ-દોઢ માઈલનો ગાઉ અને નજીક નજીક વનરાઈની ઓથે ઊભેલાં ગામડાં. ઠેકાણે ઠેકાણે ‘કૂક! કૂક! કૂક!' અવાજ કરતાં એન્જિનો ચાલે, પાણીના પંપો દિવસરાત કૂવાઓને ઉલેચ્યા કરે : અધ-અધ વીઘેય ખેડુ નિહાલ થાય. કોંઠી, રાયણ અને સીતાફળી જેવાં ઝાડે તો જેનાં ખેતરોની વાડ બંધાય, એવી એ ચારુતરા વસુંધરા : અને પછી એને સાંપડે ધોધમાર ‘ક્રૂડ ઑઈલ'નું સાધન : શા માટે સોનું ન પાકે? એમ તો સૌરાષ્ટ્રમાંયે પાકે. પણ ઉદ્યમી ખેડૂતોને ‘ક્રૂડ' કોણ આપે? વધુ અનાજ વાવો, મારા બાપો! નહીં વાવો તો બરાડા ફાડશું — પણ વાવો! બળદો નામનાં બે હાડપિંજરોને પાછલા પગે પૈયામાં ઢસરડતા ઢસરડતા વધુ અનાજ વાવો!