માણસાઈના દીવા/૨. ‘મર્માળાં માનવી’ ક્યાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨. ‘મર્માળાં માનવી’ ક્યાં

બદલપુરથી લઈને અમારી મુસાફરી પાંચ-સાત ગાઉ સુધી કાંઠે કાંઠે જ ચાલી. મહીસાગરનાં તટવાસી ગામોની અને મહીની વચ્ચે માઈલ દોઢ-દોઢ માઈલ સુધીની ધરતી ખોદાઈ ગઈ છે, પૃથ્વીની સપાટીથી પાંચેક માથોડાં પેટાળમાં ત્યાં ગાડા-મારગો ચાલે છે. દસ-વીસ વર્ષ પર આ મહીકાંઠે અકબંધ ગામડાં ઊભાં હશે, તેને મહી તરફ ધસતાં ચોમાસુ જળપ્રવાહોએ ચૂંથી નાખ્યાં છે ને આજે એ છૂટા પડેલા ગામ-ટુકડા અક્કેક ઊંચે ટેકરે એવી રીતે ઊભા છે કે એકબીજાને જાણે કદી આંખનીય ઓળખાણ નહોતી! ભાલાનો ટેકરો : એક હાલાનો ટેકરો : જુદા જુદા નિવાસીઓનાં નામના ટેકરા : વચ્ચે પાંચેક માથોડાં ઊંડાં ખોદાણો. એ પાંચ માથોડાં ઊંડું પૃથ્વી-દળ તદ્દન માટીનું જ બનેલું છે. ત્રણ હાથ ઊંડે ખોદીએ ને ‘ટેપ'નો કાળમીંઢ આવી ઊભો રહે એવી મારી સોરઠી ધરતીથી ઊલટા જ પ્રકારની આ નર્યા કાંપની જ બનેલી રસાળ કંઠાળ પૃથ્વી છે. એ પૃથ્વીનું આ સેંકડૉ એકરોનું ખોદાણ એટલે કેટલો વિનાશ! એકેક વીઘું જ્યાં આજે રૂ. પાંચ-પાંચ હજારના ભાવનું બોલાય છે, તે જ પ્રદેશમાં આવો ધરતી-વિનાશ! શું એ વિનાશ કોઈ ઈજનેરી ઉપચારે ન રોકી શકાયો હતો? મને કહેવામાં આવ્યું છે કે આવો ઉગાર તદ્દન શક્ય અને સરળ હતો : મહીમાં વહેવા જતાં વર્ષા-નીરને પૃથ્વીનું પેટ ખોદવું ન પડે તે રીતે મારગ કરી આપી શક્યા હોત.