માણસાઈના દીવા/૪. મર્દ જીવરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪. મર્દ જીવરામ


બદલપરમાં અમે દધીચ બ્રાહ્મણ ખેડૂત શ્રી ફુલાશંકરભાઈને ઘેર ઊતર્યા હતા. આ પંથકમાં દધીચોની જ વસ્તી છે. દધીચ બ્રાહ્મણો ખેડુ છે. ખેડુની પ્રકૃતિમાં જે ઓછાબોલાપણું, જે બાહ્ય વિવેકનો અભાવ, જે આંતરિક સૌજન્ય અને જે આતિથ્યની નિરાડંબરી ભાવના હોય છે તે આ દધીચોમાંયે છે. પણ દધીચોમાં જે ઠંડી તાકાત — જે ‘गूढं हि दाहात्मकमस्ति तेजः' — હોય છે, અને નિગૂઢ ચકમક-તેજ અન્ય તેજની સાથે અફળાતાં પોતાનાં અંદરથી જે દાહ — જે દાવાનલ — પ્રગટાવે છે, તેની વાત તો મેં દહેવાણના દધીચોને વિશે સાંભળી રાખી હતી. એ કથાને હું દહેવાણના માર્ગે તાજી કરતો હતો. બાબર દેવા અને બીજા ત્રણ બહારવટિયા મળી ચારની ટોળીઓએ જ્યારે આ ખેડા જિલ્લાને ચૂંથી નાખ્યો હતો ત્યારે પાંચમી તરફથી સરકારે આ પ્રદેશના તારાજ બનતાં લોકો પર માથાદીઠ ‘પ્યુનિટિવ ટેક્સ' નાખ્યો હતો. લોકોએ એ કરને ‘હૈડિયા વેરો' એવા શબ્દે ઓળખ્યો. સરદાર વલ્લભભાઈએ એ વેરા સામે ‘ના-કર'નો સત્યાગ્રહ ઉપાડ્યો. ઠેર ઠેર સ્વયંસેવકોની છાવણીઓ પડી. આ મહીકાંઠો મહારાજે હાથમાં લીધો. સ્વયંસેવકો હતા : પત્રિકાઓ કાઢવાના સંચા ન મળે. જાતે પત્રિકા લખી ગામેગામ જઈ વંચી બતાવવાની. ગામોગામ જઈ ઝાંપામાં પેસતાં જ મહારાજ લોકોને કહેવા લાગે : “હું તમને કહેવા આવ્યો છું — હૈડિયા વેરો ના ભરાય. નહીં તો આપણે ચોરડાકુઓને આશરો આપ્યો છે એ પુરવાર થયું ગણાય, આપણું નાક કપાય : એ કેમ સહેવાય?” ‘સાચું છે : એ કેમ સહેવાય? એથી તો છો બીજું બધું જાય!' એવા પ્રતિધ્વનિ પડ્યા. ‘હૈડિયા વેરો દેશો નહીં! — દેશો નહીં! — દેશો નહીં!' એ ગુરુમંત્ર તેજના લિસોટા પાડતો ગામેગામ ચાલ્યો ગયો.