માણસાઈના દીવા/૫. લક્ષ્મી સ્વપ્નામાં આવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫. લક્ષ્મી સ્વપ્નામાં આવી

ઉપમા કેટલી સંપૂર્ણપણે બંધબેસતી છે. એનો વિચાર કરી લઉં તે પૂર્વે તો ગામ આવ્યું. કહે કે, “આ ઝારોળા—બહારવટિયા બાબર દેવાની બહેનનું ગામ : જે બહેન એની સાથે લૂંટમાં જોડાતી ને જેને બાબરે શક પરથી ગોળીએ ઠાર મારેલી. ચાલો અંદર.” ગામને પરવાડે જ આવેલા પાટાણવાડિયાના ફળિયામાં લઈ ગયા. ભેંસો છાણમાં રગદોળાતી પડી છે. (કાંઠાના પ્રદેશમાં જાહેર ચરિયાણ નથી. ભેંસો લગભગ ઘર-ખીલે જ બાંધી રહે છે.) વાસીદાં પડ્યાં છે. વચ્ચે એક ખાટલો છે. “મહારાજ આયા! મહારાજ ચ્યોંથી! અહાહા ચેટલાં વર્ષે આયા! જેલમાં હતા? મહારાજ (એટલે ગાંધીજી) ક્યાં સે? જેલમેં? અલ્યા, ગોદડું લાય તો!" “ના, અમે બેસશું નહિ," “ચ્યમ વારુ?" “આમ કાંઠામાં જવું છે." “ઓ તારીની! રોકાશો નહિ? દૂધ પણ નહિ? અરેરેરે! આમ તે અવાય! લો તારે, પધારજો ફરી વહેલા વહેલા! એ પધારજો, મહારાજ! એ, જેજે, મહારાજ!” બહાર નીકળીને મહારાજ કહે : “આ મારાં યજમાનો. આમને ત્યાં જ હું ઉતરું ને તમે જે પેલી જોઈ તેવી ગોદડીમાં સૂઈ રહું. એમની પરસાળ દીઠીને, તેમા એકાદ ઠેકાણે મંગાળો પેટાવી તપેલીમાં ખીચડી પકાવી ખાઈ લઉં. આજે તો હું ઘણાં વર્ષે અહીં આવું છું. પણ આંહીં હું કામ કરતો ત્યારે રાત ને દિન હીંડ્યા જ કરતો. વચ્ચે દરેક ગામે આ લોકોના દરેક ફળીમાં જઈ, બાળબચ્ચા ને સ્ત્રીઓના ખબર અંતર પૂછી હું બીજે ગામ ચાલી નીકળતો. પેલો હતો તે બાબરનો બનેવી. એણે બૈરીને કાઢી મૂકી હતી; કારણ કે એ રઝળુ હતી.” મહારાજના આ શબ્દો કાન સાંભળતા હતા, ત્યારે કલ્પના પાછળ જતી હતી—પેલી ગંદામાં ગંદી ગોદડી ભણી. એ મચ્છરોને જીવાતોથી ભરેલાં ફળિયાં ભણી. મહારાજનું એ બિછાનું. રસોડું ને બેઠકગૃહ. એક ટંક બે મૂઠી ખીચડી અહી રાંધી લઈને વગર ઘીએ—કોઈ વારતો વગર નીમકે ને હળદરે—ચોવીસ કલાકમાં એક ટંકનો આહાર. એક જ ટંકનું જળપાન, બસ, પછી ચલો–ચલો–ચલો! તાપમાં, ટાઢમાં, વૃષ્ટિમાં , પ્રકાશમાં કે અંધકારમાં—નિરંતર ચાલ્યા જ કરવાનું ગમતું. કહે કે, “ખરો આનંદ મને વધુમાં વધુ અંધારી રાત્રીએ ચાલવામાં પડે, કોઈ દેખે નહિ: સંપૂર્ણ એકલતા. ચાલતે ચાલતે આંખો ઊંઘતી હોય છતાં પગ તો ચાલ્યા જ કરતા હોય. હું કદીએ ભૂલો પડું નહિ! ગમે તેવા વિકટ મહિ–કોતરોમાં પણ મારા પગ સાચે રસ્તે ચાલ્યા કરે; એટલે જ લોકોને કહું છું કે માણસના પગને આંખો હોય છે.”