મારી લોકયાત્રા/પરિશિષ્ટ ૫ : જીવન અને કાર્ય : ટૂંકો આલેખ - હસુ યાજ્ઞિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પરિશિષ્ટ-પ

જીવન અને કાર્ય : ટૂંકો આલેખ

ખેડબ્રહ્માના આદિવાસી કંઠસ્થ સાહિત્યને ૧૫૦૦ જેટલી કૅસેટ્સમાં ધ્વનિમુદ્રિત કરી, તે સાહિત્યનું ૪૫ જેટલા ગ્રંથોમાં સંપાદન કરવાનું ડૉ. ભગવાનદાસ કુબેરદાસ પટેલનું કાર્ય ગુજરાત કે ભારત ઉપરાંત વિશ્વક્ષેત્રે પણ નોંધપાત્ર છે. એમનો જન્મ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના જામળા ગામમાં ખેડૂત-કુટુંબમાં ૧૯ નવેમ્બર, ૧૯૪૩માં મેનાબહેનની કૂખે થયો. ઈ. સ. ૧૯૬૭માં હિન્દી-ગુજરાતી સાથે બી.એ., ઈ. સ. ૧૯૭૦માં હિંદી-ભૂગોળ સાથે બી. એડ્., ઈ. સ. ૧૯૭૨માં હિંદી-સંસ્કૃત સાથે એમ.એ. અને ઈ. સ. ૧૯૮૪માં ‘ભીલોમાં ગવાતા અરેલા' પર એમ. ફિલ. તથા ઈ. સ. ૧૯૯૦માં ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ' ૫૨ પીએચ.ડી. થયા. ઈ. સ. ૧૯૭૦થી ૧૯૯૪ સુધી ખેડબ્રહ્મામાં શિક્ષક તરીકે કાર્ય કર્યું. ૧૯૯૫થી ૨૦૦૧ સુધી દર્પણ અકાદમી, અમદાવાદના ક્ષેત્રીય નિયામક (ખેડબ્રહ્મા આદિવાસી વિસ્તાર) તરીકે કર્મશીલ બની સામાજિક કાર્યો કર્યાં. ૨૦૦૨થી ૫ વર્ષ આદિવાસી અકાદમી, તેજગઢના માનદ નિયામકના પદે રહી, સાહિત્યિક-સામાજિક પ્રવૃત્તિઓ કરી. ઈ. સ. ૧૯૬૩માં તારાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને ડૉ. જિજ્ઞાસા અને ડૉ. જાગૃતિ એમ બે પુત્રીઓ તથા પુત્ર અમિત એમ ત્રણ સંતાનો થયાં. કૃષિકાર પરિવારનો એક ભાષાશિક્ષક આદિવાસીમાં ભળ્યો અને પ્રેમાદરપૂર્ણ વિશ્વાસ સંપાદિત કરી, એ લોકોની મૌખિક પરંપરાનું સમગ્રરૂપમાં શાસ્ત્રીય સંપાદન કરી શક્યો, એની પાછળ એક સૂચક ઘટના બનેલી. ભગવાનદાસે ભીલ યુવક-યુવતીઓને મસ્તીથી ઝૂમતાં અને ગાતાં સાંભળ્યાં અને આદિવાસી ભીલી ભાષાના જાણકાર પાસેથી પ્રેમગીતની એક પંક્તિ જળૂકો મેલી દેઝે’લા, એણે જળૂકે નં જળૂકે પાસી આવું'લા!” અર્થાત્ ‘હે પ્રિયતમ, તું દર્પણ મૂકી દેજે, તેના પરાવર્તિત કિ૨ણે હું તારી પાસે પાછી આવીશ !' સાંભળી અભિભૂત થયા. એમને લાગ્યું કે એમના એક ગીતમાં આવું-આટલું સામર્થ્ય હોય તો એમની બોલીને શીખીને પણ આદિવાસી સાહિત્ય સમજવું જોઈએ. આ ભાષા-બોલી શીખવી, આદિવાસીઓમાં ભળવું અને એમનાં રંગદર્શી લોકગીતો ઉપરાંત ગુપ્ત મંત્રો અને સુદીર્ઘ લોકાખ્યાનોના પાઠ મેળવવા, એ કેટલું મુશ્કેલ છે તે તો આ ક્ષેત્રમાં કાર્ય કરનાર જ સમજી શકે! પરંતુ પોતાની અંતરંગ ગૂઢ શક્તિ અને એ માટેની લગનીને કારણે ભગવાનદાસ પૂર્ણ સફળ બન્યા. શાળાનું કામ પૂર્ણ કરી, ૧૭ માઈલનો ડુંગરાળ પ્રવાસ કરી, કેવળ ચણા-દાળિયા ૫૨ આખી રાત ખેંચી કાઢીને એમણે ઈ. સ. ૧૯૮૦થી ૨૦૦૨ સુધી કુલ ૨૨ વર્ષ ક્ષેત્રકાર્ય કર્યું અને ભીલોના સામાજિક-ધાર્મિક પર્વની કંઠસ્થ રચનાઓ ૧૫૦૦ શ્રાવ્ય અને ૫૦ દૃશ્યશ્રાવ્ય કૅસેટ્સમાં ઉતારી લીધી. પ્રાગૈતિહાસિક કાળની સોએક માનવવસાહતો એમણે શોધી અને ૧પ૦૦ પાષાણ ઓજારો, ૧૧૦ વસાહતો, ૧૬ પાષાણ સમાધિઓ અને ૫ ચિત્રગુફાઓ શોધ્યાં. સિત્તેર હજાર વર્ષ પૂર્વેના માનવજીવન અને પ્રાચીન સંસ્કૃતિઓ પરનું સંશોધન ‘ખેડબ્રહ્મા તાલુકાની પ્રાગૈતિહાસિક સંસ્કૃતિઓ' (ઈ. સ. ૧૯૯૨) શીર્ષકે ગ્રંથરૂપ પામ્યું. ભગવાનદાસનો આદિવાસી ક્ષેત્રનો અભ્યાસ વંધ્ય નથી રહ્યો. આદિવાસીઓ અને એમની સંસ્કૃતિના સંપર્ક-અભ્યાસને કર્મનિષ્ઠ બની કામે લગાડ્યો છે. ઈ. સ. ૧૯૯૫થી ૨૦૦૧માં એમણે આદિવાસીઓનો સંબંધ-અનુબંધ સામાન્ય ધારા સાથે બંધાય તે માટે આદિવાસી સાહિત્ય અને સ્વકીય સર્જકતા, બંનેનો સમન્વય કરી આ સમાજ દારૂ જેવા વ્યસનોથી, વેરભાવના અને લૂંટફાટથી, ડાકણ જેવી અંધશ્રદ્ધાથી મુક્ત બને, શિક્ષણનો પ્રચાર-પ્રસાર થાય, તે માટે કાર્ય કર્યું. આ પ્રકારના લોકશિક્ષણ માટે તેમણે આદિવાસી સાહિત્યની કથાઓ અને નાટ્યરૂપોનો વિનિયોગ કર્યો તે સાથે જ સ્વકીય સર્જકતા કામે લગાડી ‘ઊલટી ગંગા’, ‘એક પેસ એતરું’ ‘જેસલ-તોરલ’, ‘ભણતર તીજી આંખ’ જેવાં નાટકો લખ્યાં અને આદિવાસીઓ પાસે જ ભજવાવ્યાં. આને પરિણામે દારૂ છોડ્યો હોય અને અંધશ્રદ્ધાને તિલાંજલિ આપી હોય એવા ‘લાલ પાઘડીવાળા’ સુશિક્ષિત સુધારક આદિવાસીઓનો કર્મનિષ્ઠ વર્ગ અસ્તિત્વમાં આવ્યો. શિક્ષક તરીકે નિવૃત્ત થયા પછી પાંચ વર્ષ માટે એમણે તેજગઢમાં સ્થપાયેલી ગુજરાતની પ્રથમ અને એકમાત્ર આદિવાસી એકૅડેમીમાં માનદ નિયામક તરીકે સેવા આપી. ભગવાનદાસે સંપાદિત કરેલા આદિવાસી સાહિત્યમાં ગીતો, ગીતકથાઓ, કથાગીતો, લોકાખ્યાનો, લોકમહાકાવ્યો, લોકકથાઓ, પુરાકથાઓ અને ગુપ્ત તંત્ર-મંત્રનો સમાવેશ થાય છે. એમણે સંપાદિત કરેલાં ગીતોની કુલ સંખ્યા હજારેક થવા જાય છે. ભીલોના જીવન અને ઋતુચક્ર સાથે વણાયેલાં આદિવાસીઓનાં ગીતોના સંચયોમાં (લીલા મોરિયા (૧૯૮૩), ૨. ફૂલરાંની લાડી (૧૯૮૩), ૩. ભીલ લોકોત્સવ : ગોર (૧૯૯૪), ૪. ભીલોના હગ અને વતામણાં (૧૯૯૫), ૫. ભીલોનાં હોળીગીતો (૧૯૯૯) અને ૬. ‘મોતીસરાનાં ગીતો’નો સમાવેશ થાય છે. પુરાકથા અને ધાર્મિક વિધિનાં ગીતોમાં ગોપીચંદ-ભરથરીની વારતા (૨૦૦૫), જગદેવ પરમારની વારતા (૨૦૦૫), રામદેવની વારતા (૨૦૦૫), ‘દેવરાની વારતા’(૨૦૦૫) અને ‘કૉબરિયા ઠાકોરની વારતા' (૨૦૦૫)નો સમાવેશ થાય છે. ‘લીલા મોરિયા’, પ્રણયરાગ અને વિરહવેદનાનાં ૧૦૨ ગીતોનો સંગ્રહ છે. ભીલોમાં લગ્નપૂર્વ પ્રેમ સમાજમાન્ય સ્વીકૃત પરંપરા છે; પરંતુ હાંડીએ ચડીને રંધાયેલી ખીચડી કોઈના ભાણામાં પડે ત્યાર પછી પિ૨સાઈ છે તેની જ છે, એવું ચુસ્ત બંધન છે. ઘણીવા૨ એવું બને કે પસંદ કરેલા ગોઠિયા સાથે લગ્ન ન થાય! આ કારણે જ ભીલોના સાહિત્યમાં વિરહ-ગીતોનું પ્રમાણ મોટું છે અને ગીતોમાં દાંપત્ય-જીવન લગભગ ગેરહાજર છે! છતાં મિલન અને વિરહના ભાવ અહીં પ્રશિષ્ટ લિખિત સાહિત્યથી ક્યાંક તદ્દન જુદા, નવા, તાજા અને મર્મસ્પર્શી છે. ગાનાર વૃંદ આ ગીત કોણે કયા સંદર્ભે રચ્યું તે જાણતું હોય છે. આપણે લોકપ્રવાહની કંઠસ્થ રચનાઓનું કર્તૃત્વ ‘લોક’ ૫ર મૂકીએ છીએ ત્યારે લોકવિદ્યાકીય અભ્યાસની દૃષ્ટિએ મહત્ત્વની નોંધનીય બાબત એ છે કે ગાનાર લોક અને આદિવાસી વૃંદ કોઈ નવું, તાજું ગીત ગાતું હોય છે ત્યારે ગીતના રચનારને અને ગીત રચવાના કારણ સંદર્ભાદિને જાણતું હોય છે. એ ભગવાનદાસે નામો સાથે સ્પષ્ટ કર્યું છે. ભીલોનાં ગીતોનો સંસ્કૃત-પ્રાકૃતાદિ મુક્તકો અને કવિસમયો સાથેનો અનુબંધ પણ જાણવા જેવો છે. સંસ્કૃત-પ્રાકૃતાદિમાં માન્યતા છે કે નાયિકાના રાગયુક્ત પદપ્રહારે અશોક પુષ્પિત થાય છે. અહીં એક નાયિકા કહે છે; ‘આપુ બેઠાં એતણ રોઈરો ફૂલેંણો રે!” અર્થાત્ ‘આપણે આની નીચે બેઠાં એટલે જ રોહિડો પુષ્પિત થયો !’ ‘ફૂલરાંની લાડી’ ૧૦૩ લગ્નગીતોનો સંચય છે. ‘ભીલોના હગ અને વતામણાં' બાધા-માનતાનાં ગીતોનો તથા ગીતકથાઓનો સંચય છે. અન્યને પરણેલી જો ગોઠિયા સાથેનો સંબંધ ચાલુ રાખે તો પતિ પોતાની પત્નીના પૂર્વ પ્રેમીનું ખૂન કરે છે ને તેની પછી ગીતકથા રચાય છે. હોળી તો આદિવાસીઓનો મોટામાં મોટો ઉત્સવ. આદિવાસીઓનું સમાજજીવન પ્રકૃતિની સાથે જોડાયેલું છે. ફાગણ સુદ પાંચમથી છેક પૂનમ સુધી ઢમસળીઆ ઢોલ સાથે હોળીનાં ગીતો ગવાય છે અને ઝરખું, કાથોડી વગેરેના વેશની સાથે સનૃત્ય ગવાતાં ૪૧ ગીતોનો સંચય ‘ભીલોનાં હોળીગીતો’માં છે. બીજા પ્રકારમાં કથા, કથાગીત, ગીતકથા, પઝન(ભજન)વારતા વગેરેનો સમાવેશ થાય છે. ‘અરવલ્લીલોકની વહીવાતો'(૧૯૯૨)માં આસો અને કારતક માસમાં કહેવાતી પુરાકથાઓ મળે છે. ગદ્યના વિશિષ્ટ લય, કથાની કહેણી અને પુરાકથાકીય અભ્યાસની અખૂટ સામગ્રી અહીં મળે છે. ‘ડુંગરી ભીલોના દેવિયાવાળાના અરેલા : નવલાખ દેવીઓ અને કરમીરો’ (૧૯૮૭) પણ પ્રાચીનતમ પુરાકથાઓનું દસ્તાવેજીકરણ છે. ‘અરવલ્લી પહાડની આસ્થા.’ (૧૯૮૪) ગુપ્ત લોકવિદ્યાનું દસ્તાવેજીકરણ છે. સિક્રેટલોરની કોઈને ક્યારેય નથી મળી એવી સામગ્રી ભગવાનદાસે ભીલો પાસેથી મેળવી છે. ગુજરાતમાં વીસમી સદીના અંતિમ દશકમાં વિવિધ જાતિજ્ઞાતિની પાટપૂજાની કથાઓ, એનાં વિધિવિધાન, મંત્રો અને ભજનો પર નવું તાજું સારું કામ થયું, ભગવાનદાસે ‘તોળીરાણીની વારતા’(૧૯૯૨), ‘રૂપારૉણીની વારતા’ (૨૦૦૨) આપ્યાં. આથી લોકસાહિત્યની આ કથાઓના અનેક લુપ્ત અને શિથિલ કથાઅંશો પૂર્ણ રૂપમાં ધ્યાનમાં આવ્યા અને આ પ્રકારની કથાઓ પણ બે જાતિ વચ્ચેના સંઘર્ષ અને સમન્વયનું લિખિત દસ્તાવેજી રૂપ આપે છે, તે તથ્ય પ્રગટ થયું.' મેઘાણીએ આપેલી ઓઢા-હોથલની કથામાં આવતા એકલમલ્લના કથાનકનું પણ કથાચુસ્ત રૂપ ભગવાનદાસે આપેલી ચામુંડાકથામાં મળે છે. લોકસાહિત્ય, બારોટી સાહિત્ય અને આદિવાસી સાહિત્ય વચ્ચેનો જે અનુબંધ છે, તે ભગવાનદાસનાં કથાસંપાદનો સુસ્પષ્ટ કરી આપે છે. ‘રૉમ-સીતામાની વારતા’ (૧૯૯૫) અને ‘ભીલોનું ભારથ' (૧૯૯૭), જેમનાં અંગ્રેજી-હિંદીમાં ભાષાંતર પણ થયાં છે, ભીલોમાં પ્રચલિત રામકથા અને પાંડવકથાનું સમર્થ દસ્તાવેજીકરણ છે. ભીલી સંસ્કૃતિના અસલી ચહેરાની ઓળખ આ કથાઓમાં છે. ભીલી રામાયણમાં સીતાની અગ્નિપરીક્ષા નથી. ભીલી ભારથ પણ પ્રચિલત મહાભારતથી વિવિધ સ્થાને જુદું પડે છે. ડૉ. ભોળાભાઈ પટેલ લખે છે : ‘હોમરને કે કાલિદાસને પણ અદેખાઈ આવે એવી ઉપમા આ ભીલી મહાકાવ્યમાં ચમકી જાય છે.’(૨) પ્રશિષ્ટ મહાકાવ્ય, અર્ધ-સાહિત્યિક મહાકાવ્ય અને લોકમહાકાવ્યના પારસ્પરિક અનુબંધના અભ્યાસની દૃષ્ટિએ ‘રાઠોરવા૨તા’ (૧૯૯૨) અને ‘ડુંગરી ભીલોનો ગુજરાંનો અરેલો' (૧૯૯૩), લોકવિદ્યાકીય ક્ષેત્રની અદ્ભુત તેમજ અભૂતપૂર્વ ઘટના છે. ભીલોમાં કહેવાય છે : વેર તો ઊધેઈ પણ ખાતી નથી ! આવાં વેર અને એમાંથી જન્મતા સર્વનાશની કથા ‘રાઘે૨વા૨તા’ છે. વેરીનું માથું વાઢી, મૃતકની સમાધિ પર રુધિરાભિષેક કરી આ કથા ગવાય છે તે ડૉ. હ. ચૂ. ભાયાણી(૩) કહે છે તેમ રાજસ્થાની પાબૂજી-કથાનું ભીલી રૂપાંતર છે. કથા તરીકે આ કૃતિ એટલી રોચક છે કે ડૉ. શિરીષ પંચાલ લખે છે તેમ(૪) ‘રાઠોરવારતા આપણને સદીઓથી ચાલી આવેલી રામાયણ-મહાભારત-કથાસરિત્સાગરની પરંપરા યાદ અપાવે. ચટાકેદાર, મનોરંજનાત્મક, ‘પછી શું થયું' પૂછવાનું હંમેશાં મન થયા કરે, એવી આ રાઠોરવારતા જગપ્રસિદ્ધ રોમાન્સની હરોળમાં આવી શકે એવી છે. આ કથાનું ડૉ. નીલા શાહે કરેલું ‘ભીલોનું ભારથ'નું અંગ્રેજી ભાષાંતર (અત્યારે તો ૨૩ ભારતીય ભાષાઓમાં ભાષાંતર થઈ રહ્યું છે.) તથા ડૉ. ગણેશ દેવીએ તૈયાર કરેલી આદિવાસી સાહિત્યની ઍન્થૉલૉજી – ‘Painted words' અને મોઇઝ રસીવાલાએ તૈયાર કરેલી ભીલી સાહિત્યની ફ્રેન્ચ એન્થોલૉજી પેગવીન અને ભારતીય ભાષા સંસ્થાન, મૈસૂર દ્વારા પ્રકાશિત થતાં આંતરરાષ્ટ્રીય અભ્યાસની સ્તરે પહોંચ્યું છે. ‘ગુજરાંનો અરેલો'માં પ્રો. જશવંત શેખડીવાળા કહે છે(૫) તેમ ભીલોના સાંસ્કૃતિક જીવનનું અભિન્ન અંગ છે. દારૂ અને સ્ત્રીને કારણે થતાં યુદ્ધ અને વંશનાશની વ્યથાની આ કથા છે. અઢારમી સદીથી લોકમહાકાવ્યના કંઠપાઠની પરંપરા વિશ્વમાં લુપ્ત થઈ છે, એવી ભ્રમણાનું ભગવાનદાસ પટેલે પંદર દિવસ સુધી ચાલતી આ કથાનું, વીસમી સદીના અંત ભાગે ધ્વનિમુદ્રણ અને સંપાદન કરીને, નિરસન કર્યું છે. લિટલ ટ્રેડિશનમાં પણ એક વીરગાથા લોકમહાકાવ્યોનું રૂપ કેવી રીતે લે અને ધાર્મિક વિધિ સાથે સંકળાતી કથાનો પાઠ નિયતશાબ્દી કેવી રીતે બને ને સ્થિર થાય, એનું જીવતું-જાગતું દૃષ્ટાંત પણ આ કથા પૂરું પાડે છે.(૬) કથાઓ કેવળ કાળનિર્ગમક મનોરંજન નથી; પરંતુ ‘તોળી-રાણી'ના સંદર્ભે પ્રો. લાભશંકર ઠાકર કહે છે તેમ ‘ઊંડા આધ્યાત્મિક (મેટાફિઝિકલ) વિષયની એક રસળતી છતાં શાંત રસમાં પરિણમતી વારતા છે.’(૭) તે અન્ય કથાઓને પણ લાગુ પડે છે. સંપાદિત થયેલી લગભગ પ્રત્યેક કથા ભીલોના લગ્ન અને અંત્યેષ્ઠિ જેવા જીવનચક્રના સંસ્કાર સાથે અથવા પાટપૂજા જેવા કોઈ વિધિવિધાન સાથે સંકળાયેલી છે. ભીલોની લગ્નવિધિ સાથે અનેક ગીતકથાઓ સંકળાયેલી છે તેમાં ‘ઢોલા-મારુણી’ (૨૦૦૧), ખૂતાંનો રાઝવી અને દેવોલ ગુઝરણ’ (૨૦૦0), તથા ‘હોનોલ હોટી’ (૨૦૦૨)નો સમાવેશ થાય છે. મરણોત્તર વિધિ તથા હૂરો માંડી સમાધિ રચાય ત્યારે ગવાતી કથાઓમાં ‘જગદેવ પ૨મા૨’ (૨૦૦૫), ‘હપિયાદે’(૨૦૦૨), ‘સોનલ સોઢી', ‘હંસદેવ’ (૨૦૦૫), ‘લાલુ અરિદા' (૨૦૦૩), ‘હાલદે હોળંગી' (૨૦૦૨) કહેવાય અને ગવાય છે. રામદેવ-પંથ અને નાથપંથ સાથે સંકળાયેલી કથાઓ ‘ગોપીચંદ-ભરથરી’ (૨૦૦૫), ‘રામદેવ’ (૨૦૦૫), ‘ગોરખવાણી અને કબી૨વાણી' (૨૦૦૫) પણ ભગવાનદાસે સંપાદિત કરી છે. આ બંનેની વાણીઓના અભ્યાસ માટે તેમજ ગુજરાતના ગ્રામીણ કંઠપ્રવાહના સ્રોતમાં મળતી તેની કથાઓના શિથિલ કે લુપ્ત અંશ જાણવામાં આ સંપાદનો અનિવાર્ય ઉપયોગનાં છે.(૮) પોતાના આ ક્ષેત્રના અભ્યાસને અંકે કરતા ભગવનદાસે જે કેટલાક સંચયો આપ્યા તેમાં ‘આદિવાસી ઓળખ’ (૧૯૯૯), ‘ડુંગરી ભીલ આદિવાસીઓ', (૧૯૯૨) ‘શોધસંપદા’ (૨૦૦૭) મુખ્ય છે, ભગવાનદાસ આ ક્ષેત્રમાં શાથી જોડાયા અને કોઈને પણ નહોતી મળી એટલી સામગ્રી અને એટલી સિદ્ધિ એમને કેમ મળ્યાં એનો, તથા એમનામાં રહેલી સર્જકતાનો હિસાબ ‘મારી લોકયાત્રા’ (૨૦૦૬) (હવે ‘આનંદયાત્રા’, ૨૦૧૪ પણ) આપે છે. લેખકે એમાં પોતાના શૈશવકાળનો જે સ્મરણલેખ આપ્યો છે, તે તેમની માનવીય સંવેદના કેટલી સાચુકલી અને ઉત્કટ છે, તે દર્શાવે છે. અહીં લેખક પોતે લોક સાથે કેમ જોડાયા તે આલેખે છે, તેમાં ‘યાત્રા’ સૂચક બની છે : મેઘાણી જેવા આ ક્ષેત્રના ધુરંધરને પૂરા વાંચ્યા-વિચાર્યા પહેલાં જ આત્માની જ કોઈ આજ્ઞા માથે ચડાવી ભગવાનદાસ ભીલમય બની ગયા. કોઈ એક જ ક્ષેત્રમાં, કોઈ પણ સંસ્થાની પ્રત્યક્ષ સહાય વગર કોઈ વ્યક્તિ આત્મદબાણે ને સૂઝે આવું-આટલું કામ કરે ને નસીબદાર ડૂબકી મારનારની જેમ પ્રત્યેક ગોતામાં-ડૂબકીમાં મહામૂલું મોતી શોધી લાવે તેને રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના ને ઍવૉર્ડ્ઝ મળે, એ સાહજિક છે. રાષ્ટ્રીય સ્તરે મળેલા ઍવૉર્ડ્ઝમાં ભાષાસન્માન (૧૯૯૮), કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી, રામવૃક્ષ બેનીપુરી જન્મશતાબ્દી સન્માન પાણિપત (૨૦૦૨), ભારત એક્સેલન્સ અવૉર્ડ (૨૦૦૨) દિલ્હી, વનવાસી કલાસાહિત્ય (૨૦૦૨), અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, ટાગોર લિટરેચર અવૉર્ડ (૨૦૦૯), કોરિયા અને સાહિત્ય અકાદમી દિલ્હી અને રાજ્યકક્ષાએ મળેલા ધ ટ્રાઇબલ લિટરેચર ઍન્ડ લેંગ્વેજ, ભાષા સંશોધન કેન્દ્ર, વડોદરા (૧૯૯૦), શ્રી મેઘાણી ઍવૉર્ડ(૨૦૧૧), યુનિ. રાજકોટ વગેરેનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય કક્ષાએ તેમને ફેલોશિપ મળી છે તેમાં માનવસંસાધન વિકાસ મંત્રાલય અને કે. કે. બિરલા ફાઉન્ડેશન- દિલ્હીનો સમાવેશ થાય છે. રાજ્યકક્ષાએ નયનસૂર્યાનંદ લોકપ્રતિષ્ઠાન, મુંબઈ અને એસ.સી. જોશી ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા ફેલોશિપ મળી છે. વિવિધ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લીધો, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, બેલ્જિયમ, હૉલૅન્ડ, સ્પેન, જોર્ડન, ઇઝરાયલ, ચેકોસ્લોવેકિયા વગેરેમાં આદિવાસી કલાકારો સાથે સનિદર્શન વ્યાખ્યાનો યોજ્યાં. એડવાઇઝરી બોર્ડના સભ્ય, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી (૨૦૦૩થી)ના રહ્યા છે. ૧૯૯૭, ૧૯૯૮, ૨૦૧૦, ૨૦૧૨માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન વિભાગના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ડૉ. બળવંત જાની યોગ્ય જ કહે છે; “ભગવાનદાસના કામ જેવું અને જેટલું કામ અન્ય પ્રાંતમાં કોઈએ કર્યું હશે કે કેમ એ અંગે મને શંકા છે.”(૯) આગળ એમણે યોગ્ય જ લખ્યું છે : “વિદ્વત્તાનો, નખશિખ જાણકારીનો કોઈ મોભો માથે રાખ્યા વગર એક શિક્ષક જ્ઞાનોપાસના, સંનિષ્ઠા અને નિર્ભેળ વિદ્યાપ્રીતિથી સાહિત્ય-સંશોધનક્ષેત્રે ક્રિયાશીલ રહીને કેવાં સ્થાન-માન પ્રાપ્ત કરી શકે એનું વિશ્વ સમક્ષ મૂકવા માટેનું ઉદાહરણ છે ‘ભગવાનદાસ.' એ રીતે ભગવાનદાસ પટેલ એ ગુજરાતનું ભારતને – વિશ્વને પ્રદાન છે.”(૧૦) – હસુ યાજ્ઞિક

સંદર્ભ ૧. વનસ્વર, સં. ડૉ. બળવંત જાની, ગુજ.સા.અ. ગાંધીનગર, ૨૦૦૫, પૃ. ૩૦૦ ૨. એજન, પૃ. ૫૫૩ ૩. એજન પૃ. ૧૮૮ ૪. એજન પૃ. ૧૫૮ ૫. એજન પૃ. ૨૪૧ ૬. એજન પૃ. ૧૯૫ ૭. એજન પૃ. ૫૭૦ ૮. એજન પૃ. ૪૧૦-૪૬૯ ૯. એજન પૃ. ૧૦ ૧૦. એજન પૃ. ૨૬

***