મારી લોકયાત્રા/૧૮. ધરમનો ભાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૧૮.

ધરમનો ભાઈ

‘રાઠોરવારતા’ પૂરી ધ્વનિમુદ્રિત થઈ પણ ‘ભારથ’ના ઉત્તરાર્ધથી સાંકળીબહેન હોજરીના કૅન્સરથી પીડાવા લાગી. સાંકળીબહેનને ખેડબ્રહ્માની હૉસ્પિટલમાં લઈ આવ્યો. માંદગી લાંબી ચાલી. સગા ભાઈ-ભીખો અને તેનો મોટો ભાઈ સમય મળે અવારનવાર ખબર કાઢવા આવતા પણ હું નિયમિત સવાર-સાંજ જતો. નાથાભાઈને વાતે વાળી તેનું દુ:ખ હળવું કરતો. એક દિવસે રાતના ૧૧ વાગ્યા હતા. સાંકળીબહેને આંખો ખોલીને પૂછ્યું, “હેં પાઈ, માર પઝનાંની સૉપરી થાહેં કે?” (“શું ભાઈ, મારાં ભજનની ચોપડી થશે કે?”) મેં તેને આશ્વાસન આપ્યું, ‘હંઑં... બેનરી, થારી સૉપરી નખ્ખા બખની થાહેં !” (“હા...બહેન, તારી ચોપડી ઘણી જ સુંદ૨ થશે!”) મારાં વિધાનોથી દુઃખમાં પણ તેના મુખ ૫૨ સંતોષની એક વિરલ આભા પ્રસરી. મેં તેના મુખમાં ચમચીથી રેડીને દૂધ પાયું. નાથાભાઈને આશ્વાસન આપતાં કહ્યું, “આજે ઘણા દિવસ પછી મારી બહેન બોલી છે અને દૂધ પીધું છે. તેની તબિયત સુધરી રહી છે.” મને આ સમયે ખબર નહોતી કે આ અંત સમયે વધુ પ્રજ્વલિત થતો દીવો છે અને મારા હાથનું પીધેલું છેલ્લું મરણોન્મુખ દૂધ છે. રાતના બાર વાગે મારા ગાયત્રી સોસાયટીવાળા ઘરે જઈને સૂતો. કોઈ અગમ્ય કારણે મને નિદ્રા આવી નહીં. સવારે પાંચ વાગે ઝીણું રુદન કરતા નાથાભાઈએ મારું દ્વાર ખખડાવ્યું. દ્વાર ખોલતાં જ એણે મને વળગીને મરણ પોક મૂકી. ૨ડતા અવાજે માઠા સમાચાર આપ્યા, “પગવૉનપાઈ, થારી બેન તો ઉપર ઝાતી રેઈ.” આમ તો લોહી કે સમાજનો કોઈ સંબંધ નહોતો પણ મને લાગ્યું કે મારા જીવનનો મહત્ત્વનો અંશ સદા માટે ઊડી ગયો. સાંકળીબહેન સાથેની એક પછી એક અનેક સ્મૃતિઓ ચિત્તમાં ઊભરાવા લાગી. પણ અત્યારે મારે નાથાભાઈને સંભાળવાનો હતો. ખભે હાથ પસવારીને આશ્વાસન આપવા લાગ્યો, “નાથાભાઈ, તારે બાયલી (પત્ની) અતી તો મારે બેન અતી. દુઃખ તો મનેય ઝોરમા (ભારે) હેં. પૉણ કાસી ખાખ (શરીર)નો હું (શું) ભરોસો? આપુહી (આપણાથી) બનતા બત્તા ઉપાય કરા. ઉપરવાળાના કેંરહી (ઘ૨થી) દોરી તૂટી. એંણીનું આયખું એતરું સ (એટલું જ) અહેં. આપુના રણાનુબધ (ઋણાનુબંધ) ખૂટા." નાથાભાઈ કહેવા લાગ્યા, “ઉંય સાધ હું, (હું પણ સાધુ છું,) ઉંય ઝૉણું કે કાસી કાયાની માય્યા કાસી હેં, ઝૂઠી હેં. પૉણ અમાર નાત (ન્યાત) ગાંડી, એંણા કાયદા ઊંધા. બીમારીમા પિયરવાળાન આઝ૨ (હાજર) રાખવા પરેં. નકર (નહીંતર) એંણાંની દીકરી-બેનન હાહરીવાળાંએ (સાસરીવાળાંએ) મારી નોંખી હેં એવો દોહ (દોષ, આરોપ) મૂકે. સરેતરું (ચડાઈ) કરી ઘેંરાં તોરી નૉખેં. પાક બાળીન રડણપડણ (રમણભમણ) કરેં. આપુ તો ઑં (અહીં) હૈય (છીએ)નં હમેસાર (સમાચાર) મિળતાં સ માર કેં૨ (મારે ઘેર) પિયરવાળાંનું સરેતરું ઝાહેં. મારા કળબાની (મારા કુટુંબની) દસા (દશા) આવી!” ચરેતરાના ભયે નાથાભાઈ મન અને શરીરથી હારી ગયો હતો. મને બહેડિયા ગામનો સ્ત્રીને સર્પદંશથી મૃત્યુ પામ્યાનો અને ચરેતરું કર્યાનો પ્રસંગ યાદ આવ્યો. પણ મેં તેને આશ્વાસન આપતાં કહ્યું, “નાથાભાઈ, થારે (તારે) ડરવાની ઝરૂર નહીં. હૉકળીબહેનનો હાસો પાઈ (ભાઈ) તો ઉં હું (હું છું) ! પાઈ કરતાં ધરમપાઈ (ધર્મભાઈ) મોટો! ઉં તેના મૉત વેળાએ આઝર (હાજ૨) અતો. ઉં માર (મારી) બેનની લોથ (લાશ) લઈને તારી હારે (સાથે) આવું હું.” નાથાભાઈને લઈને હૉસ્પિટલમાં આવ્યો. આદિવાસી સ્ત્રી હોવાથી ચરેતરાના ભયે ડૉક્ટરે ડી.સી. તૈયાર રાખ્યું હતું. નાથાભાઈને હૉસ્પિટલમાં રાખી હું જીપ લેવા બસ-સ્ટેન્ડ આવ્યો. આદિવાસીની લાશ હોવાથી ચરેતરું થવાના અને જીપનો નાશ કરવાના ભયે કોઈ જીપવાળો આવવા તૈયાર થયો નહીં. મારી મૂંઝવણ વચ્ચે એક જીપવાળો મારો વિદ્યાર્થી નીકળ્યો. બધી વિગત સમજાવી તેના હાથમાં ભાડા પેટે ૫૦૦ રૂપિયા મૂકી કહ્યું, “મારા પર ભરોસો રાખ. તારી જીપને જે કંઈ નુકસાન થશે તે હું ભરપાઈ કરીશ.” વિદ્યાર્થી બોલ્યો, “સાહેબ, લાશ ખેડવા ઉતારીને એક મિનિટ પણ રોકાઈશ નહીં.” મેં તેની વાત સ્વીકારી લીધી અને બંને જીપ લઈને હૉસ્પિટલમાં આવ્યા. બિલ ચૂકવી ઘેરથી લાવેલું ખાંપણ (કફન) મારી બહેનની લાશ પર ઓઢાડ્યું. નાથાભાઈ અને હું લાશ મૂકી જીપમાં ગોઠવાયા. ભયાતુર મને રસ્તામાં સમજાવતા હતા, “તમે મેંહાંણાંમા (સ્મશાનમાં) આગ મેલા વના (મેલ્યા વિના) પાસા માં ઝાઝો (પાછા ફરતા નહીં), નકર મારું ન મારા કળબાનું (કુટુંબનું) મોત આવહેં.” હું તેને આશ્વાસન આપતો હતો, “નાથાભાઈ, સિન્તા માં કરાં, મરણની બત્તી વિધિ પૂરી કરીન પેસ ખેર (ખેડબ્રહ્મા) પાસો આવોય (આવીશ).” નાથાભાઈની સાસરી ખેડવા ગામમાં જ હતી. તરાળ ફળામાં સાંકળીબહેનના ભાઈ ભીખા તરાળના આંગણામાં લાશ ઉતારી જીપ ખેડબ્રહ્મા તરફ ભાગી. બંનેએ મરણપોક મૂકી. કુટુંબીજનો એકઠાં થઈ ગયાં. મેં તેમને સમજાવતાં કહ્યું, “પાઈ, ઑમાં નાથાનો કોઈ દોહ (દોષ) નહીં. બાઈન કૅન્સર અતું. તમે તો ખબેંર ઝોઈન આવતા રેંતા. પૉણ બેનની બીમારીના ખાટલે પરી (પૂરી) રાત નં દન ઉં નં નાથો બેહી રેંતા (રહેતા). આપુની (આપણી) કોઈ કારી (કારીગીરી) સાલી નહીં. બેનની ઝીવાદોરી ખૂટી.” ભીખો બોલ્યો, “અમાર કરતાં તો થું બેનનો પારી (ભારે-મોટો) પાઈ (ભાઈ) અતો. ધરમનો હાગી (સાચો) પાઈ! બનેવી એખલો (એકલો) દવાખાંને ઑત (હોત) તો ઝુદી વાત થૉત (થાત). પૉણ સિન્તા માં કરઝે. અમેય મૉનવી હૈય. થુંય અમાર પાઈ હેં (તું પણ અમારો ભાઈ છે.). થારી સાક્ષી એ અમારી સાક્ષી. અમે નાથાના કળબા (કુટુંબ) ૫૨ સરેતરું ય નેં કરીએ નં લોથ (લાશ) બાળવાના પૈસા પોણ ગાયના રુદર (લોહી) બરાબર !” મરણનો વારી ઢોલ વાગતાં નાથાભાઈ ગમાર અને ભીખાભાઈ તરાળનાં કુટુંબીજનો ચિતાનું એક-એક લાકડું લઈને સહભાગી થયા. દુઃખમાં સાથ આપવાની ભીલ-સમાજની સમૂહ ભાવનાનાં દર્શન થયાં. સ્મશાનનો મરણોત્તર વિધિ પૂરો કરી રાતે ભીખાભાઈના ઘેર રોકાયો. બહેનનાં મીઠાં સ્મરણો વાગોળ્યાં. સવારે “ભાઈપા’ના નાતે તરાળ કુટુંબ સાથે નાથાભાઈના ઘેર જઈ બંને કુટુંબના સુમેળભર્યા વાતાવરણ વચ્ચે ધર્મબહેનની લૌકિક ક્રિયાઓ સંપન્ન કરી. મુખ-પરંપરાની આ વનની ગાતી કોયલ સમી એક સમર્થ સહાયક ગાયિકા કાયમ માટે ઊડી ગઈ. કપાયેલી એક પાંખ જેવા ‘ભારથ’ના મહાન ગાયક નાથાભાઈએ હિમાલયે હાડ ગાળવા જતા પાંડવો જેવી માનસિકતા સાથે ભારથના ઉત્તરાર્ધની અંતિમ પાંખડી તંબૂર ૫૨ ગાયા વિના જ કહીને પૂરી કરી!

***