મારી લોકયાત્રા/૨૪. ડાકણ.

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૨૪.

ડાકણ

હિંસક પશુ બનેલા મોહનાના કારમા ઘાને સમયસૂચકતા દાખવી મુખીએ બે હાથની પૂરી તાકાત ખરચી નિષ્ફળ બનાવ્યો, નહીંતર હોલીની જેમ ફફડતી લઘરવગર સ્ત્રીના માથાનાં બે ફાડિયાં થવાનાં હતાં. મુખી મોહનાને શાંત પાડી સમજાવી રહ્યો હતો, “મોહના, કરવાં-ક૨વાં(કડવાં) ગાદીએ રાળ (ગાદી નીચે દબાવ)નં મેંઠાં-મેંઠાં ખા. થારી (તારી) આઈના (માના) પિયરવાળા સરેતરું (ચડાઈ) લેઈન આવહેં તો કેંમનો ગે (જઈશ)?” મોહનાની કાળઝાળ બનેલી આંખોમાંથી આગ વરસી રહી હતી અને વિકૃત બનેલા તેના મુખમાંથી શબ્દોનાં તાતાં તીર વરસી રહ્યાં હતાં, “કાકા રાઝા, ઑણી (આ) આઈ તો નહીં પૉણ ડાકેંણ હેં, મા૨ એકના એક સૈયાન ખાઈ ઝાવાની હેં.” મોહનાનાં આવેશભર્યાં વેણ સાંભળી સવારમાં એકઠા થયેલા ટોળા પર જાણે કે હીમ પડ્યું અને ડાકણનો ભય તેમના સામૂહિક મનમાં વ્યાપી ગયો. મારા વિદ્યાર્થી પાબુએ કહેલી ‘ડાકણની વાત’ મને યાદ આવીઃ ડાકણ તેની શિષ્યાને વિદ્યા શીખવવા રાતે ઘોર જંગલમાં લઈ જાય. બંને પારસ પીપળે આવી નગ્ન થઈ વસ્ત્રો પીપળે મૂકીને ડાળે બેસે. ડાકણ મંત્ર ભણે અને પીપળો ઊડતો-ઊડતો રત્નાકર દરિયે આવે. ડાકણ મંત્ર બોલી બે મગર બહાર કાઢે. મંત્રના પ્રભાવથી મગરના માથે દીવા પ્રગટે. બંને મગર પર બેસે. ડાકણ મંત્ર શીખવતી શિષ્યાને મધ્ય દરિયે લાવે. ડાકણ, વિદ્યા શીખવવાની ગુરુદક્ષિણામાં શિષ્યાના વહાલા સ્વજનનું કાળજું ખાવાની માગણી કરે. શિષ્યા ગુરુની ઇચ્છા સંતોષવાનું કબૂલે. બાકી રહેલા મંત્રો શીખવતી ડાકણ શિષ્યાને લઈને કિનારે આવે. બંને પીપળા પર બેસે. પીપળો ઊડવા લાગે. મૂળ સ્થાને આવીને પ્રિય સ્વજનના કાળજાનો રસભોગ લેવાની રાત નક્કી કરે. નિયત રાતે બંને જંગલમાં જાય. શિષ્યાના મંત્ર-બળે સ્વજનનું કાળજું ચૂલા પર મૂકેલી હાંડલીમાં પડે અને કાળજાના સ્થાને સ્વજનના દેહમાં પીપળાના પાનનો ગોટો ગોઠવાય. ડાકણ માણસ મારવાનો માસ અને દિવસ નક્કી કરે. બંને અનાવૃત થઈ આનંદથી નૃત્ય કરતાં કાળજાનો ૨સભોગ માણે. પરંપરામાંથી પ્રાપ્ત આવી માન્યતાના લીધે પુરુષ બીમાર પડે તો ઘરમાં કોઈ સ્ત્રી વિદ્યા શીખેલી ડાકણ હશે અને તેના પ્રભાવ તળે માણસ બીમાર પડ્યો હશે એમ માનવામાં આવે. આ ડાકણ માતા, બહેન, દીકરી કે પત્ની – ઘરની કોઈ પણ સ્ત્રી હશે એવો સંશય સેવવામાં આવે અને કઈ સ્ત્રી ડાકણ છે એ નક્કી કરવા કાળી વિદ્યાના જાણકાર ભોપા(ભૂવા) ને આમંત્રવામાં આવે. મને લાગ્યું કે પરંપરિત આદિમ માનસમાંથી ઊભો થયેલો આ ડાકણ વિશેનો કાલ્પનિક ભય સાંપ્રત ભીલ સ્ત્રી-સમાજ માટે તો અભિશાપ બની જાય. અહીં આ કાલ્પનિક વારતા પ્રત્યક્ષ થતી લાગી અને આ પુરાકલ્પનકથા (પુરાકથા) પરંપરાથી ભીલ પુરુષ-સમાજના સામૂહિક માનસમાં ઊંડાં મૂળ નાખીને પડી છે તેનો ખ્યાલ આવ્યો. હિંસ્ર પ્રાણી બનીને વિવેક ગુમાવી બેઠેલો મોહનો ફરીને તેની મા ૫૨ ઘાત કરશે એવા ખ્યાલથી હાથમાંનો કુહાડો ઝૂંટવી લઈને રાજો મુખી કહેવા લાગ્યો, “મોહના, ભોપો પૂરા એરીન (દાણા જોઈને) નકી કરે તો સ (તો જ) અમે તો મૉનીએ કે થારી આઈ ડાકેંણ હેં. પરમો દન દિતવાર (રવિવાર) હેં. ખેંગાર નં કલા ભોપાન બોલાવહું નં પૉસ પસના (પંચના) હૉમે પૂસ એરાવહું. ભોપા કેં એ વાત સઈ (સાચી). નકર ઑણીના પિયરિયા તો રાઝેથાંનના હેં. સરેતરૂં આવે આપું તો નાહી ઝાહું. આપુનાં કેંર પાગહેં (ઘર ભાગશે) તો અગાં (ભલે) પૉણ આપુનાં અબોલાં ડલ્લાં (પાલતુ પશુ) એક નેં મેલેં. બત્તાં સ (બધાં જ) કાપી નૉખહેં.” રાજા મુખીએ મોહનાને જેમતેમ કરી શાંત પાડ્યો. ટોળું વિખરાયું અને મુખી નાઝુરીને પોતાના ઘેર લઈ ગયો. પાંચ પંચ નક્કી કરીને એમને સોંપી દીધી. મારે આજે આ ગામમાં એક સાધુને મળવાનું હતું. આ ઘટનાથી મારું દિલ ઉદાસ બની ગયું, ‘જો મુખીએ સમયસૂચકતા દાખવી ના હોત તો ભોળી સસલીની જેમ ભયથી ફફડતી સ્ત્રીનું શું થાત? અને પિયરની ચડાઈ સામે મોહનાના કુટુંબનું પણ ન જાણે શું-નું શું થાત?’ મનમાં આ ટળેલી ઘટનાના પરિણામ વિશે અનેક પ્રશ્નો જાગવા લાગ્યા. મને સાધુને મળવામાં કે સંશોધનમાં રસ રહ્યો નહીં અને ખેડબ્રહ્મા ભણી ચાલવા માંડ્યો. રસ્તે ચાલતાં મને ગણેર ગામમાં હોળી પ્રસંગે જોયેલો કાળું મુખ અને રાક્ષસી દાંતવાળો ડાકણનો વેશ યાદ આવ્યો. ડાકણના વેશનો સામાજિક સંદર્ભ માનસમાં સ્પષ્ટ થવા લાગ્યો. સમાજમાં વ્યાપ્ત ડાકણના ભયના કારણે ભીલોએ આ વેશનો અસબાબ બિહામણો બનાવ્યો છે તેનો ખ્યાલ આવ્યો. ઘેર આવ્યા પછી પણ વિચારો પીછો છોડતા નહોતા, ‘ભોપા દાણા જોઈને ડાકણ જાહેર કરશે તો તે સ્ત્રીનું શું થશે? ગ્રામજનો તેની સાથે કેવો વ્યવહાર કરશે?’ માનસમાં ભયાતુર સ્ત્રીનું દયાજનક ચિત્ર ઊપસવા લાગ્યું અને પૂરી રાત નિદ્રા વેરણ બની. રવિવાર સવારે ગામમાં પહોંચ્યો ત્યારે વારી ઢેલ વાગતો હતો અને ગ્રામજનો એકઠાં થયાં હતાં. વહેલી સવારે ભોપાએ પૂસ એરીને (દાણા જોઈને) નાઝુરીને ડાકણ જાહેર કરી હતી. લોકોના હાકાટા-પડકારા વચ્ચે ભોપા તેને કછોટો મરાવીને વડલે લઈ જઈ રહ્યા હતા. એક ભોપાના હાથમાં આખાં લાલ મરચાંનું પડીકું અને ખભે ગૂંછળું વાળેલી રાશ હતી. વડલા નીચે છાણાં સળગાવીને તાપણું કરી મરચાં નાખી ધુમાડો નાઝુરીને આપવા લાગ્યા. એક ભોપો આવેશમાં બરાડ્યો, “એમ તો ઑણી રૉડ ને મૉને. ઝોઈ હું રા હાં? ડગરા (પથ્થર) પર મેંરસું વાટીન ઝેંણું કરાં પેસ આઁખોમા પરાં (ભરો).” મને ધ્રાસકો પડ્યો અને રોમરોમમાં ભયની ધ્રુજારી વ્યાપી ગઈ. સ્ત્રીનો ધીમો વિલાપ ભારે આક્રંદમાં બદલાયો. સાહસ કરીને ભોપા પાસે ગયો. અને સ્ત્રીની આંખોમાં મરચું ન ભરવા રીતસર કરગરવા લાગ્યો. આ ગામ મારા માટે નવું હતું. આજુબાજુ એકઠા થયેલા લોકો પર મારી વિનંતીની કોઈ અસર ન થઈ. મને આગંતુકને જોઈને ક્રોધે ભરાયેલો ભોપો તાડૂક્યો, “થું (તું) ઑં (અહીં) કિમ આવો હેં? થનં (તને) કેંણે સાવળ (ચોખા) મેલા (મૂક્યા) હેં? ઝીવણું (જીવવું) એં (હોય) તો ઑંહો (અહીંથી) ઝાતો રે!” ભોપા દ્વારા સ્ત્રીની આંખોમાં મરચું ભરવાની વિધિ હું ન રોકી શક્યો. લોકોનો આવેશ મારા તરફ વધી રહ્યો હતો. એમના સાંનિધ્યમાં વધુ રોકાઈશ તો કદાચ લોકસમુદાય ઉગ્ર રૂપ ધા૨ણ ક૨શે. આમ પણ આ અમાનવીય પ્રત્યક્ષ દ્રશ્ય હૃદય સહન કરવા શક્તિમાન નહોતું. લોકસમૂહથી અળગો થઈ થોડે દૂર આવેલા જાંબુના ઝાડ નીચે ગયો. દ્વિધાગ્રસ્ત હું નહોતો બેસી શકતો કે નહોતો ઊભો રહી શકતો. આ પાશવી કૃત્યને રોકી શકતો નહોતો અને મન મને જંપવા દેતું નહોતું. સ્ત્રીની ચીસોની કોઈ અસર લોકસમુદાય પર ન થઈ. વેદનાથી પગ પછાડતી નાઝુરીની આંખોમાં મરચું ભરી પાટો બાંધી રાશથી પગ બાંધી ઊંધા માથે વડલાની ડાળે લટકાવી દીધી. ભોપા વડ નીચે મોલ્લું ઘાલવા લાગ્યા. એક ભોપો ઢોલ વગાડવા લાગ્યો. બીજા ભોપાની હથેળીમાં કાંસાનું તાંસળું ફરવા લાગ્યું, તેના પર દાંડીઓ પડવા લાગી અને ભયજનક સ્વરો વચ્ચે કરુણ ક્રંદન મારા આત્માને ચીરવા માંડ્યું. નાઝુરીને હીંચોળતાં ભોપાએ ડાકણની રેડી ગાવાનો આરંભ કર્યોઃ બાપો બાપો રે... મઝરોક (મધ્ય) રાતનાં પારોસણ પીપરી લેઈ સાલિયાં રે.... બાપો બાપો રે... પારોસણ પીપરી લેઈ ડાકેંણો સરગાં સરાવેં રે ઓ.... બાપો બાપો રે... સાંગી ઢોલ વાગે ને.... વીરવંતર ડાકેંણ કાંપે રે ઓ.. રેડીમાં ભોપા મનાવતા હતા, “ડાકેંણ આઈ, મોહનાના સૈયાન હાઝો કર.” યાતનાથી વલવલતી સ્ત્રી પાસે ભોપાએ આદેશેલાં જૂઠાં વચનો સ્વીકારવા સિવાય કોઈ બીજો ઉપાય નહોતો. નાઝુરી વિલાપ કરતી હતી, “ઑંણાનું દુ:ખ એ મારું દુખ. મોહનો માર સૈયો હૈં નં ઑંણાનો સૈયો માર એકનો એક પોતરો (પૌત્ર) હેં. ઉં આઈ હું (હું મા છું). આઈ થઈન પોતરાન કિમ ખાય? ઉંયે મૉનવી હું. મૉનવી મૉનવીન નેં ખાય. ઑણાનું દુઃખ માર માથે.” લાચાર નાઝુરીની કાકલૂદીની કોઈ અસ૨ ભોપા પર થઈ નહીં. બીજો ભોપો બરાડ્યો, “ઑણીની ડાકેંણ વધ્યા પુલાવાં (ભુલાવો). પેસ (પછી) વરલાહી (વડલાથી) સોરાં. તાપણામા આગ બાળાં નં તીર ઊનું કર. પેસ કપાળમા ડૉમ(ડામ)ની નેંસાણી (નિશાની) કરાં.” આ વરવું દૃશ્ય મારી સન્મુખ ન ભજવાય એમ ઇચ્છતો હતો. મારા કાન ભોપાના શબ્દો સહી ગયા પણ આંખો આ દશ્ય સહન નહીં કરે. ચરણો ખેડબ્રહ્મા ભણી વળ્યા. ઊભા પંથે વિચારોનું તુમુલ યુદ્ધ ચાલ્યું. મન વારંવાર કહી રહ્યું હતું, ભાદરવા માસમાં આવતા મહામાર્ગી બીજના પવિત્ર પાટ ઉત્તમ. ધોમ ધખતા વૈશાખમાં પંદર દિવસ ચાલતો ગોરનો લોકોત્સવ પણ ભલો. અરે, જેની મેલી વિધિમાં પાડાનો ભોગ આપવામાં આવે છે એ કૉબરિયો પાટ પણ સારો! પણ ભીલ સમાજની આ ડાકણપ્રથા, પરંપરિત વેરભાવના અને નિર્દોષ માણસો અને પ્રાણીઓના ભોગ લેતાં ચરેતરાં ધડમૂળથી ખોટાં. લોકસાહિત્ય સંશોધનના ભોગે પણ ડાકણપ્રથા બંધ થવી જ જોઈએ. પરંપરિત વેરભાવના અને ચરેતરાની ધાર પણ બુઠ્ઠી થવી જોઈએ. ભોપો દાણા જોઈને કાકતાલીય (કાગડાનું બેસવું અને ડાળનું ભાંગવું) ન્યાય કરી ગમે તે નિર્દોષ સ્ત્રીને ડાકણ(7) જાહેર કરે અને પૂરો સમાજ એને યાતના આપવા સહકાર આપે એ તો કેમ ચાલે?” [7. ડાકણ વિશે વધુ માહિતી માટે જુઓ પુસ્તક, ‘અરવલ્લી પહાડની આસ્થા', ભગવાનદાસ પટેલ, પ્રકરણ-૨, રેડી માટે પૃ. ૧૩૪ થી ૧૪૪.]

૧૯૮૬-૮૭માં આ વિસ્તારમાં પડેલા કારમા દુષ્કાળ સમયે મરતાં માણસો અને પશુઓને બચાવવા માનવકલ્યાણ ટ્રસ્ટ(ખેડબ્રહ્મા)ના સહયોગથી આદરેલા અભિયાનમાં પાણી સુકાવાથી ફાજલ પડેલી જમીન આદિવાસી ખેડૂતોને સરકારી રાહે અપાવીને લોકસાહિત્યના ગહન સંશોધનમાં ડૂબી ગયેલો મારામાંનો કર્મશીલ(8) ડાકણ જાહેર કરેલી નિર્દોષ સ્ત્રીની ઘટેલી આ વ૨વી ઘટનાથી(9) જાગ્રત થઈ પુનઃ આળસ મરડીને સક્રિય થવા લાગ્યો.

8. કર્મશીલ તરીકેના કાર્ય માટે જુઓ પરિશિષ્ટ-૧ કર્મશીલની દિશામાં પ્રયાણ, પરિશિષ્ટ-૨ લોકપ્રતિષ્ઠાન અને પરિશિષ્ટ-૩ આદિવાસી અકાદમી. 9. લોકલાગણી દુભાય નહીં અને લોકનું ગૌરવ જળવાય એવા હેતુથી અહીં ડાકણ અંગે ઘટેલી ઘટનાનું ગામ અને સહભાગી માણસોનાં સાચાં નામ આપવામાં આવ્યાં નથી.

***