મારી લોકયાત્રા/૭. માણેકનાથનો પહાડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

૭.

માણેકનાથનો ડુંગર

વૈશાખ માસના પ્રથમ શનિવારની ઢળતી સાંજે અમે દાંતા તાલુકાના લોટોલ ગામ પાસે આવેલ માણેકનાથનો ડુંગર ચડી રહ્યા હતા. કાળમીંઢ શિલાઓથી આચ્છાદિત હોવાથી આદિવાસી પ્રદેશમાં ‘કાળા મગરા’ તરીકે ઓળખાતો આ પહાડ વિષે પચાવીને તપ કરતા નીલકંઠ મહાદેવ જેવો લાગતો હતો. વૈશાખના પ્રભાવ તળે પલાશ, સીમળો, શરણો, કણજો જેવાં વન્ય વૃક્ષોએ નવાં પર્ણો ધારણ કર્યાં હતાં અને પથ્થરોની કઠોરતા ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. વિકટ ચઢાણથી શ્રમિત થતા અમને ઝુંડમાંથી આવતી પવનની લહેરખી શાતા આપતી હતી. કે.ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્મામાં ભણતા પાંચમહુડા ગામના મારા ભીલ આદિવાસી વિદ્યાર્થીઓ પાબુ, ચંદુ અને કાળુ ગમારે મને માણેકનાથના હગ (બાધા-માનતા)માં આવવાનું આમંત્રણ આપ્યું હતું. શરણાઈ, ઝાલર, કુંડી અને માંદળ(મૃદંગ)ના કર્ણપ્રિય સૂરોની સંગતમાં માણેકનાથ અને દેવ-દેવીઓનાં ગીતો ગાતાં-ગાતાં સ્ત્રી-પુરુષો પહાડ ચડી રહ્યાં હતાં : મૉણેકનાથનો હગ રે, મૉમા કૉનેયું(3) લેઈ આલ.... કૅર(4)નો કૂઓ વેસે, મૉમા કૉનેયું લેઈ આલ.... [3. ભીલ સ્ત્રીનું મણકાનું ગજવે ટાંકવાનું આભૂષણ 4. ઘર] પાબુ અને ચંદુ મારી પાછળ રહી રસ્તો ચીંધતા હતા. માર્ગ બતાવવામાં મુશ્કેલી પડતી હોવાથી મેં કહ્યું, “તમે આગળ થાઓ, હું તમારી પાછળ પહાડ ચઢું છું.” “ગુરુ આગળ, અમે તમારી પાછળ. ગુરુની આગળ ના ચલાય.” કાળુ બોલ્યો. હું વિદ્યાર્થીના વિધાન પર વિચારતો ઊભો રહી ગયો. ડુંગરની મધ્યમાં એક મેદાન આવ્યું. વનરાજી વચ્ચે કોઈ ધર્મીએ કૂવો બંધાવ્યો હતો. ઊંચા ચઢાણની તીવ્ર તરસ ડુંગરના મીશ્ર જળે તૃપ્ત કરી. આ મેદાનમાં જ માણેકનાથની ગુફા આવેલી છે. વિશાળ મેદાન પછી ઊંચા શિખરનું સીધું ચડાણ આરંભાય છે. મધ્યમાં આવેલી વિશાળ ગુફામાં નાથસંપ્રદાયના સિદ્ધ માણેકનાથે તપ કરેલું આથી આ પહાડનું નામ માણેકનાથ પડ્યું છે. ભીલ સમાજ પર નાથ સંપ્રદાયની અસર છે એનું પ્રમાણ ભાદરવા માસમાં ઊજવાતી બીજ સમયે બોલાતા ગોરખનાથના મંત્રો ૫૨થી મળે છે. ઈડરના પ્રસિદ્ધ રાજા ગુહાદિત્યનો જન્મ આ ગુફામાં થયો હતો એવું લિખિત ઇતિહાસ કહે છે. આ સંશોધકને આ ગુફાની આજુબાજુથી પાષાણયુગનાં ઓજારો પ્રાપ્ત થયાં છે જે પાંચથી સાત હજાર વર્ષ પહેલાંના પ્રાગૈતિહાસિક કાળ પર પ્રકાશ પાડે છે. માણેકનાથની ગુફા પાસે પહોંચ્યા ત્યારે રાત ચોર પગલે પ્રવેશી રહી હતી. તારા એક પછી એક પ્રગટી આકાશમાં પોતાનું સ્થાન સ્થાપી રહ્યા હતા. મો૨ના ટહુકા પહાડને ભરી દેતા હતા. માણેકનાથની ગુફા આવતાં જ શ્રમિત લોકના હોઠ પર ગીતોની વસંત બેઠી અને કંઠ કોયલની જેમ કૂજવા લાગ્યા. શરણાઈ, કુંડી, મૃદંગ અને ઝાલરના સ્વરો ગીતોમાં સંગીત પૂરવા લાગ્યા અને શ્રદ્ધાળુ બનેલાં સામૂહિક હૃદયો નૃત્યના ઠેકા સાથે હિલ્લોળે ચડ્યાં. અનેક ગામના લોકો રવિવારે સવારે હગ છોડવા આવ્યા હતા. દરેક ગામનું અલગ નૃત્યવર્તુળ રચાયું હતું. દેવ-દેવીઓ ૫૨ની પરમ શ્રદ્ધા સાથે પ્રત્યેકના હોઠ પર નૃત્યગીતો ફૂલની માફક ફોરતાં હતાં. એક બાજુ ધોયેલી શિલા પર મકાઈનો લોટ મસળી, થેપીને રોટલા બનતા હતા. પાતળી શિલાનું કલેડું ત્રણ પથ્થર ગોઠવી બનાવેલા ચૂલા પર મૂકી કાચા રોટલા શેકાતા હતા. લોટોલ ગામમાંથી લાવેલી હાંલ્લીમાં અડદની દાળ ઊકળતી હતી. તો બીજી બાજુ નૃત્યગીતોનો લય-હિલ્લોળ માણેકનાથના શિખરને આંબતો હતો. રોટલા અને દાળ તૈયાર થયાં અને બાજુમાં ઊભેલા પલાશ(ખાખરા)ના વૃક્ષ પરથી પાન તોડીને પતરાળાં ને પડિયા બનાવતાં પાબુ બોલ્યો, “અમારો સાધુ તો પાન તોડતાં પહેલાં ઝાડની માફી માગતો મંતર બોલે.” ચંદુએ એક પડિયામાં દાળ કાઢી અને કાળુએ પતરાળામાં રોટલો મૂકી મને જમવા આમંત્ર્યો મેં કહ્યું, “આપણે સાથે જમવા બેસીએ.” પાબુ બોલ્યો, “સાયેબ, અમા૨ (અમારે) તો પૉમણા (મહેમાન) પહેલા જમે, વધે તો અમે જમીએ. ના વધે તો ભૂખ્યા રહીએ.” હું જમવા બેઠો. ચાલવાના શ્રમથી લાગેલી ભૂખ, પાબુ-ચંદુ-કાળુનો નિર્વ્યાજ સ્નેહ અને પ્રકૃતિના સાંનિધ્યે સાદા ભોજનમાં અઢળક મીઠાશ ઉમેરી હતી. મને જમાડ્યા પછી જ તેમના ગામવાળા સાથે જમવા બેઠા. તળેટીના લોટોલ ગામમાંથી પૈસા આપીને તેઓ હાંડલી, દાળ, લોટ અને મસાલો ખરીદી લાવ્યા હતા. મેં પૈસા આપવાનો આગ્રહ કર્યો. ચંદુના મુખ ૫૨ રોષ પ્રગટ્યો, “પૉમણાના પૈસા ન લેવાય. એમાંયે તમે તો અમારા ગુરુજી. બીજના ગુરુ(બીજમાર્ગી ધાર્મિક ગુરુ)ને તો અમે લગ્નમાં ધોતિયું પહેરાવીએ." હું મનોમન વિચારવા લાગ્યો, કોણ ચેલો ને કોણ ગુરુ? વૃક્ષનું પાન તોડતાં પણ દુ:ખ થાય અને માફી માગે. મહેમાનના પૈસા ના લેવાય. લગ્નમાં ધોતિયાના રૂપમાં ગુરુદક્ષિણા આપે. મને લાગ્યું કે ભણવા જેવું તો આમની પાસે છે. એમનો શિક્ષક હોવા છતાં આવા ઉમદા માનવીય ગુણો તો મારામાં પણ નથી. ખેતરમાં કામ કરવા જવાના કારણે વર્ગકામ ન લાવ્યા હોય તો વર્ગ વચ્ચે જેમનું અપમાન કરતો, તમાચો મારતો, મોડા પડ્યા હોય તો પૂરો તાસ ઊભા રહેવાની સજા કરતો (મને એ સમયે ખબર નહોતી કે કોઈ વાર બસભાડાના પૈસા ના હોય તો ૧૫ કિલોમીટર ચાલીને ભણવા આવતા) તેઓ અત્યારે રાની પશુઓથી ઘેરાયેલા અજાણ્યા પહાડી પ્રદેશમાં રાત્રિના સમયે અદકેરા સ્નેહથી જમાડતા હતા અને મને સાચવતા હતા. અડધું ઓઢેલા મુગ્ધાના મુખ જેવો સાતમનો ચંદ્ર ખીલ્યો હતો. ગીતો અને નૃત્યોની રમઝટ વચ્ચે પોતાની જાતને ન રોકી શકતા તેઓ મને એક શિલા પર આસન આપી વૃંદમાં ભળી ગયા. ઘૂંટાયેલા કંઠમાંથી જન્મતાં ગીતોના અર્થ પામવા અસમર્થ હતો પણ લય-ઢાળ-ઠેકા પ્રકૃતિના સાંનિધ્યમાં અકથ્ય આનંદ આપતા હતા. મોડી રાતે અમે સાથે વિશાળ સપાટ શિલા ૫૨ સૂતા. પ્રત્યેક ગામ પોતાના પરિવાર સાથે અલગ-અલગ શિલા પર સૂતું હતું. કૉલેજકાળમાં લિખિત વૈયક્તિક, સાહિત્ય વાંચ્યું હતું, એ ચિત્તમાં તાજું થવા લાગ્યું. ‘ઉત્તર રામચરિતમ્'નો, શંબૂકનો વધ કરી, પંચવટી પ્રદેશમાં સીતાની સખી વનદેવતા વાસંતી સાથે ફરતા રામનો પ્રસંગ યાદ આવ્યો. વનપ્રદેશમાં વિહાર કરાવતી વાસંતી વિરહી રામને જ્યાં યૌવનની ઉત્કટ ક્ષણો માણી હતી તે શિલાએ સીતા સાથે એમની પથારી હતી ત્યાં દોરી જાય છે : નીરન્ધ બાલકદલીવનમધ્યવર્તિ કાન્તાસખસ્ય શયનીય શિલાતલં તે | બાલ કદલીઓના ગીચ વનના મધ્યભાગમાં રહેલી શિલાની પાટ પ્રિયતમા સહિત તમારી પથારી હતી. નગરીય અને રાજન્ય સંસ્કૃતિથી ત્રસ્ત યુવરાજ રામ અને રાજકુમારી સીતા અનેક વર્ષો સુધી આ રીતે શિલા ૫૨ સૂતાં હશે. આદિવાસીની જેમ સાંનિધ્યમાં રહેવાથી પ્રકૃતિએ જ કષ્ટ સહેવાનું બળ પૂર્યું હશે. એમણે પણ પ્રકૃતિના વૈભવને મન ભરીને માણ્યો હશે. મો૨ના ટહુકાર શમી ગયા હતા પણ વાઘ-ચિત્તાની દહાડનો આરંભ થયો હતો. અમે શિલા પર સૂતા વાતો કરતા હતા. મેં સહજ ભાવે કાળુને પૂછ્યું, “તમને વાઘ-ચિત્તાની બીક ના લાગે?” “સાહેબ, અમે તો એમની સાથે જ મોટા થયેલા. વાઘ માનવીનું લોહી ના ચાખે ત્યાં સુધી એની બીક નહીં. એ એના રસ્તે; આપણે આપણા રસ્તે.” મારી સ્મૃતિમાં થોડા સમય પહેલાં ગવાયેલાં ગીત-નૃત્યો સજીવ થવા માંડ્યાં. કહ્યું, “ગીતોના અર્થ ના સમજાયા, પણ તમે લયબદ્ધ નૃત્ય કરો છો એ મેં માણ્યું.” પાબુ બોલ્યો, “સાહેબ, એક વેળાનું ખાઈએ નહીં તો ચાલે પણ નાચીએ-ગાઈએ નહીં તો મરી જઈએ. ઠંડીમાં કપડાં ન હોય તો નાચીને ગરમી મેળવીએ અને રાત પસાર કરીએ. અમારી તો ગાતાં-નાચતાં જિંદગી પૂરી થાય.” નગરની શાળામાં મૌન બની જતા મારા વિદ્યાર્થીઓને પ્રકૃતિના અંકમાં વાચા ફૂટી હતી. પોતાની વાતો કહેવા હોડમાં ઊતર્યા હતા. ચંદુ કહે, “અમારે તો છોકરી હોય કે છોકરો, જન્મતાંની સાથે આઈ (માતા) ઈલો (હાલરડું) ગાય અને છોકરું સાંભળે. નાચતાં-નાચતાં ચાલતાં શીખે અને પછી ગાવા માંડે. બીજાંને જોઈને અમને પણ નાચવા-ગાવાનું શૂર ચડે.” કાળુ બોલ્યો, “સાહેબ, અમારી વાત કરું. ગોઠિયાનાં ગીતો, લગનનાં ગીતો, મેળાનાં ગીતો, હોળીનાં ગીતો, હગનાં ગીતો, દિવાળીના અરેલા, બીજનાં ભજનો, સાંગોનાં ભજનો – બધું જ અમારા કંઠમાં. પ્રથમ વરસાદમાં ધરતી ૫૨ લીલું ઘાસ ઊગે એમ ઋતુ પ્રમાણે અમારા હોઠો પર ગીત ઊગે. સો, પાંચસો, હજાર ગીત અમને આવડે.” ચંદુ બોલ્યો, “અમે તો ગાઈએ-નાચીએ અને વાંજિત્ર પણ વગાડીએ. વાંસળી, ઢોલ, ઘોડાલિયું, માંદળ, ઝાલર, સાંગ – બધું જ આવડે. અમને તો ખેતીનું કામ પણ આવડે.” ચંદ્ર નમી ચૂક્યો હતો અને શિલા ૫૨ સૂતો-સૂતો મારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ રચી ભણેલું ચિત્તમાં વાગોળતો હતો. ગીત-નૃત્યો તો આમની જીવનઊર્જા છે. વાચિક, આંગિક અને સંગીતકળાના તો તેઓ ધનવાન છે. સભ્ય સંસ્કૃતિના વાઘા પહેરીને બેઠા છીએ એવા અમે તો આ કળામાં સાવ કંગાળ છીએ! બ્રાહ્મમુહૂર્તમાં પહાડે પુનઃ જીવન ધર્યું. એ સમયે વૈશાખ માસમાં પણ ઝરણાં વહેતાં હતાં. જેમણે હગ ચઢાવવાના હતા તેઓ ઝરણામાં નાહીને શિલાના બનાવેલા કલેડા પર ઘઉંના રોટલા શેકી, ગોળ અને ઘી ભેળવી ચૂરમું બનાવવા લાગ્યાં. પ્રાતઃકાળે પક્ષીઓના કૂજન વચ્ચે જંગલી ફૂલોથી મઘમઘતા પહાડ પર પુનઃ દેવ-દેવીઓનાં ગીતોની વસંત બેઠી હર્ષોલ્લાસ સાથે ગીતો ગાતાં-ગાતાં સ્ત્રી-પુરુષો બાળકોને તેડી હગ ચડાવવા માણેકનાથની ગુફામાં પ્રવેશ્યાં. માણેકનાથની મૂર્તિ સન્મુખ ઘીનો દીવો કરી, શ્રીફળ વધેરી, ટોપરાની શેષનો હોમ કરી એક વિશેષ ધાર્મિક વાતાવ૨ણ વચ્ચે ચૂરમું ચડાવી દેવને ‘કાલાવાલા’ કરી માનતા પૂરી કરી. બહાર આવી હગની માનતાથી સંતાનપ્રાપ્તિ કે બીમારી દૂર થઈ હોય એવાં બાળકોને નવાં વસ્ત્રો અને સોના-રૂપાનાં ઘરેણાંથી શણગારીને કોમળ કિરણોમ પંક્તિમાં બેસાડ્યાં. સુવર્ણ-૨જતનાં આભૂષણોનાં દર્શનથી આદિવાસીઓની તત્કાલીન સમૃદ્ધિનો ખ્યાલ આવ્યો. પરિણીત પ્રત્યેક દીકરી, બહેન અને ફોઈએ દીકરાને ધોતિયું અને દીકરીને સાડલો ઓઢાડીને આશીર્વાદ આપ્યા. બદલામાં સંતાનના બાપે પ્રત્યેકને એક એક પોલકાનું કાપડ ભેટ આપ્યું. અંતે ટોપરા અને ચૂરમાનો પ્રસાદ આરોગી, ધ્વજાનાં દર્શન કરી, શરણાઈ, કુંડી, મૃદંગ અને ઝાલરના સૂરો વચ્ચે ગીતો ગાતાં-ગાતાં લોક પોતાના ગામ તરફ વિખરાવા લાગ્યાં. માણેકનાથનો પહાડ ઊતરતાં પાબુ નવી માહિતી આપવા લાગ્યો, “તોરણિયા ગામમાં ગોર (ગૌરી, શિવગૌરીનો વૈશાખ માસમાં પંદર દિવસ ચાલતો લોકોત્સવ) જગવી છે. માણેકનાથ અને ગોર અમારાં ચોખ્ખાં દેવ- દેવી. તેના સ્થાનકે દારૂ ના પિવાય. ગોઠિયાનાં ગીતો(પ્રેમી-પ્રેમિકાનાં પ્રણય વિષયક ગીતો) ના ગવાય. પણ ગોરના ઉત્સવમાં સ્થાનકથી દૂર દારૂ પીવાની અને ગોઠિયાનાં ગીતો ગાવાની છૂટ. ગામનાં ગામ - હજારો લોકો લથડતા પગે ઢોલે નાચશે અને ગોઠિયાનાં અને ગોરનાં ગીતો ગાશે. આપણે આવતા શનિવારની રાતે તોરણિયાની ગોરમાં જઈશું.” મેં કહ્યું, “અવાડિયા સુધી રાહ શા માટે જોવાની? સોમવારની રાત આરામ કરીને મંગળવારે જઈશું.” મારા વિદ્યાર્થીઓએ વાતો દ્વારા ગોરનો ઉત્સવ જોવા મને લાલાયિત કરી મૂક્યો હતો.

***