મારી હકીકત/સર્જક-પરિચય
દવે નર્મદાશંકર લાલશંકર (જ. ૨૪ ઑગષ્ટ ૧૮૩૩ – અવ. ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૬) એટલે ગુજરાતી સાહિત્યમાં ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા કવિ નર્મદ.
અંગ્રેજી ભાષા-સાહિત્યના સંસ્કારો ઝીલીને એમણે ઉત્સાહથી અને ખંતથી કવિતા, નિબંધ, આત્મકથા, કોશ… એમ નવાં નવાં ક્ષેત્રે પહેલ કરી. સુધારક વિચારકના સાચા આવેશ અને સક્રિયતાથી ‘ડાંડિયો’ સામયિક ચલાવ્યું. અંગ્રેજોની પરંપરામાં હતી એવી Clubs જેવી વિચાર-મંડળીઓ રચીને એમણે નવા વિચારનાં, સુધારાનાં ભાષણો કર્યાં. સામાજિક-ધાર્મિક પાખંડીઓ સામે બળવો કર્યો. આજે પણ એમનાં એ બધાં છપાયેલાં લખાણો વાંચતાં એમાં એમનો અવાજ સાંભળી શકાય – એટલું જીવંત છે એમનું ગદ્ય-સાહિત્ય!
પરંતુ, ‘જય જય ગરવી ગુજરાત’ લખનાર આ કવિ સતત નવી લઢણની અનેક કાવ્યકૃતિઓ લખીને ‘કવિ નર્મદ’ તરીકે વધુ ખ્યાત થયા.
વ્યવસાયે શિક્ષક ને સાધારણ સ્થિતિના આ કવિ આખું જીવન સ્વમાનભેર જીવ્યા. જે સત્ય લાગ્યું તે સ્પષ્ટ કહેવાને લીધે એમને નુકસાન પણ વેઠવું પડ્યું પણ સુધારક-પત્રકારધર્મ અને કવિધર્મ એમણે કદી પણ ન છોડયાં.
