મિતાક્ષર/ભક્તિ પ્રણાલીની અવિરત ધારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભક્તિપ્રણાલીની અવિરત ધારા
વૈદિકયુગથી મધ્યયુગના અંત સુધીની રૂપરેખા


ભક્તિપ્રણાલીનો પ્રારંભ વૈદિક યુગથી થઈ ચૂક્યો જણાય છે, એ વાત સાચી છે કે વેદમાં પ્રતિમા—મૂર્તિ કે સ્વરૂપપૂજાને સ્થાન ન હતું; પરંતુ સાથોસાથ એ વાત ન ભૂલવી જોઈએ કે વૈદિક યુગનો ઇશ્વર કેવળ નિરપેક્ષ ન હતો, સાપેક્ષ પણ હતો; કેવળ નિર્ગુણ ન હતો, સગુણ પણ હતો. અને એ યુગમાં પ્રભુપ્રાપ્તિનું સાધન કેવળ જ્ઞાન ન હતું; જ્ઞાન અને કર્મ (તપ, વ્રત, યજ્ઞ,) ઉપરાંત ઉપાસના, પ્રાર્થના સુધ્ધાં એનાં સાધનો સ્વીકારાયાં હતાં. ભગવાનની ભક્તિના એ યુગના ઉલ્લેખો જોતાં મધ્યયુગી ભક્તિના મહાપ્રવાહનાં મૂળ આપણને વેદોમાં પણ દેખાય છે. દૃષ્ટાંતરૂપે, વેદોનો એક મુખ્ય દેવ તે ઇંદ્ર. આ ઇંદ્રની આરાધના કેવળ યુદ્ધનેતા તરીકે જ નથી થઈ; ભક્તિભાવે પિતા અને માતા તરીકેય થયેલી છે. અને વરુણ એ તો વેદોનો સૌથી પ્રમુખ દેવ. વૈદિક ઋષિમુનિઓએ એને ‘દયા કરુણાના નિકેતન' રૂપે સ્તવ્યો છે; સાયુજ્યની હૃદયસ્પર્શી વિહ્વલ વાણીમાં ગાયો છે.— ‘તું મને તારી મૈત્રીનું પ્રદાન કરજે' કહી પ્રાર્થ્યો છે. તો વળી કૃષ્ણ અંગિરસ ઋષિએ તો પ્રેમભક્તિની ઉત્કટ ભાવના પણ પ્રગટ કરી છે: “જે રીતે પત્ની પતિનું આલિંગન કરે છે, એ રીતે અમારી મતિ ઇન્દ્રને આલિંગે છે.” સામ-વેદનો (સામ=ભક્તિ; વેદ=જ્ઞાન) સમય આવતાં આવતાં તો, ભક્તિનું માહાત્મ્ય વિશેષ સ્વરૂપે સ્વીકારાયું હતું. ભક્તિના પ્રવાહનો બીજો કાલખંડ તે બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદોનો. આ યુગમાં બ્રહ્માંડનાં સ્વરૂપોને સમજવા માટેનું આધ્યાત્મિક સંશોધન મુખ્ય લક્ષણ રહ્યું છે; અને એય ઘણે અંશે તત્ત્વજ્ઞાનથી ભરપૂર છે. પરંતુ ત્યારેય ભગવાનની કલ્પના અનેક વાર રસ-રૂપે રજૂ થઈ છે : “રસરૂપ પ્રભુને પ્રાપ્ત કરીને સાધક આનંદમય બની જાય છે.” એટલું જ નહિ પણ, જેને ભક્તિનું શ્રેષ્ઠ અંગ ગણવામાં આવે છે તે પ્રભુકૃપા— ઈશ્વરાનુગ્રહ વિષે કઠ અને મુંડક ઉપનિષદોમાં સારું એવું ભાથું ભરેલું હોવાનું વિદ્વાને જણાવે છે. એક ઉત્તમ દૃષ્ટાંત. આ રહ્યું— “આ આત્મા વેદાધ્યયન દ્વારા પ્રાપ્ય નથી; ન મેધા દ્વારા, ન શ્રવણ દ્વારા પ્રાપ્ય છે; “જે સાધક એ આત્માનું વરણ કરે છે તે આત્મા પોતાના સ્વરૂપને અભિવ્યક્ત કરે છે.” (કઠ ૨: ૨: ૨૩) એટલે કે કેવળ આત્મલાભને અર્થે પ્રાર્થના કરવાવાળા નિષ્કામ પુરુષને આત્મા દ્વારા જ આત્માની ઉપલબ્ધિ થાય છે; અર્થાત્ આત્માના અનુગ્રહ દ્વારા જ આત્મા ઉપલબ્ધ થાય છે. તથા “નિષ્કામ પુરુષ જગત્કર્તાના પ્રસાદથી પોતાના આત્માના મહિમાનું દર્શન કરે છે; અને શોકરહિત બની જાય છે.” (કઠ: ૧: ૨: ૧૦) શ્રીમદ્ ભાગવતની ભાવના જ જાણે મૂળરૂપે અહીં પ્રગટી છે. એટલું જ નહિ પણ ભક્તિ શબ્દ પણ આપણને ઉપનિષદયુગમાં પ્રાપ્ત થઈ ચૂક્યો છે, અને વૈષ્ણવધર્મી ગુરુશ્રદ્ધા પણ : “જે પુરુષને દેવતામાં ઉત્કૃષ્ટ ભક્તિ જાગે છે, તથા દેવતા જેવી ગુરુમાં પણ જેની ભક્તિ થાય છે, એ મહાત્માને આ કહેલો અર્થ સ્વત: પ્રકાશિત થાય છે.” આ બધા છતાં, એકંદર આપણે એ વાત સ્વીકારવી જોઈએ કે વૈદિક—ઉપનિષદીય કાળમાં, ભક્તિની સરખામણીમાં, જ્ઞાન તથા કર્મનું માહાત્મ્ય ઘણું વિશેષ હતું. વૈદિક યુગની આ આાછોતરી ભક્તિપ્રણાલીની નાનકડી ધારાને મહાનદ રૂપે વહેવડાવનાર તો ભાગવત ધર્મ હતો. આને આપણે ભક્તિનો ત્રીજો યુગ કહી શકીએ. આ યુગની બે લાક્ષણિકતાઓ છે— (૧) આ યુગથી અવતારવાદનો આરંભ થાય છે; અને ભગવાનની લીલાઓનાં આલેખનો ભક્તિનું પ્રમુખ સાહિત્ય બની જાય છે. (૨) પ્રભુની પ્રતિમા મૂર્તિ અને મંદિરોની સ્થાપના પણ આ યુગથી શરૂ થાય છે. કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે વૈદિક યુગની યજ્ઞસંસ્થાનું જ આ રૂપાંતર છે. યજ્ઞનાં બે લક્ષણો હતાં : હિંસા (બલિ— આહુતિ) (૨) પ્રચુર વિવિધ કર્મકાંડો, ક્રિયાકલાપો. ભાગવત ધર્મે મંદિરો અને પ્રતિમાની પ્રતિષ્ઠા કરીને હિંસક અને કર્મકાંડપ્રચુર યજ્ઞોને અહિંસક, સૌમ્ય, સાત્ત્વિકી પૂજાવિધિ (શંખ- કળશ, ઘંટા, ધૂપદીપ, પુષ્પ આદિ)ની પ્રતિષ્ઠા કરી છે. આ આખો વિકાસ એ સૂચવે છે કે ભક્તિના આ ત્રીજા કાંડમાં — નિરાકાર ભગવાન સાકાર બને છે. [1] અનંત વિભુ શાંત બને છે. સૂક્ષ્મ રૂપ સ્થૂળ બને છે. એટલે કે આ યુગમાં, નિરાકાર, અનંત અને સૂક્ષ્મ ભગવાનની સાધના માટે સાકાર, શાંત અને સ્થૂળ રૂપોનો સ્વીકાર થયો છે. બલ્કે એમ કહી શકાય કે, સ્થૂળ રૂપો દ્વારા માનવી સૂક્ષ્મ તરફ ગતિ કરી શકે એવી વિરાટ સામાજિક પરિપાટી પ્રથમ વાર આ યુગમાં તૈયાર થઈ. બીજી રીતે કહીએ તો, ‘જંગમ' એટલું જ માત્ર ચેતન શા માટે ? માનવીનાં સહેજ સાથી સમાં સ્થાવરમાંય જો ઇશ્વર ચેતન છે જ તો, સાધારણ માનવી સ્થાવરને ભગવાનની અભિવ્યક્તિ ગણી એની ભક્તિ શું કામ ન કરે? જોકે, અવ્યક્ત અને અરૂપનો એવો વ્યક્તબોધ સર્વ-સાધારણ પ્રાકૃતજનો માટે આવશ્યક છે એવું આ યુગમાં સ્વીકારાયું હોવા છતાં, રખેને વ્યક્ત અને રૂપની જ આરાધનામાં મૂળ હેતુ વીસરાઈ જાય એ ભય એ યુગના ચિંતકોના લક્ષ બહાર ન હતો એમ પણ જણાય છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં જ ચેતવણી અપાઈ ચૂકી છેઃ “મનુષ્ય મને સાકાર દેહધારી સમજે છે...” (૭–૨૪) “જે વ્યક્તિ સર્વ ભૂતોમાં વિદ્યમાન એવા મને ભૂલીને પોતાની મૂર્ખતાથી કેવળ પ્રતિમાની પૂજા કરે છે (તેવો મનુષ્ય) જાણે રાખમાં આહુતિ અર્પી રહ્યો છે!” આવી ભાગવત-ભક્તિની બે મુખ્ય ધારાઓ જોવા મળે છે : (૧) શૈવ ભક્તિ (૨) વિષ્ણુ ભક્તિ. અને વિષ્ણુ ભક્તિમાં બે મુખ્ય સ્વરૂપોની ભક્તિ છે (अ) રામભક્તિ. (आ) કૃષ્ણભક્તિ. [આપણે અહીં વૈષ્ણવ ભક્તિનો વિશેષ પરિચય લઈશું :],

વૈષ્ણવ ભક્તિનો આ ત્રીજો યુગ અત્યંત સમૃદ્ધ છે. ભારતના સામાજિક-સાંસ્કારિક ઉત્થાનની દૃષ્ટિએ પણ અનન્ય છે. એનો આરંભ દક્ષિણ ભારતમાં તામિલનાડની ભૂમિ પર થયો જણાય છેઃ આઠમી શતાબ્દી દરમ્યાન આળવાર સંતો દ્વારા આખા દક્ષિણને ભક્તિરસની છોળોથી તરબોળ કરનારા આ સંતોની સંખ્યાનો પાર ન હતો. સ્ત્રી-પુરુષ, બ્રાહ્મણ, શુદ્ર[2] સૌ ભગવાનની દિવ્ય લીલાનાં ગીતો-પદો-ભજનો લલકારવામાં એકરૂપ હતાં, ભક્તિમાં ક્યાંય કશો ભેદભાવ ન હતો. આવા આળવાર આંદોલનના અગ્રણી બાર સંતો ગૌરવવિશેષ ગણાયા છે. એમનું જીવનવ્રત એક જ હતું. વિષ્ણુના વિશુદ્ધ પ્રેમમાં સદા સર્વથા લીન બની જાતે જીવવું, અને બીજાંઓને એમાં લીન કરવાં. આ સંતોની માતૃભાષા દ્રવિડ અને તમિળ હતી અને એમની ભક્તિ નૈસર્ગિક નિર્મળ ઝરણા સમી હતી. આ ભક્તિ-આંદોલનોને શાસ્ત્રીય પીઠબળ આપવાનું માન પણ દક્ષિણવાસી આચાર્યોને જ ભાગે જાય છે. તેમાં આદ્ય-આચાર્ય નાથમુનિ (અથવા રંગનાથ મુનિ ઈ. સ. ૮૨૪–૯૨૪ વચ્ચે) થયા હોવાનું જણાય છે. પરંતુ આ યુગમાં આચાર્ય શિરોમણિ જણાયેલા તે શ્રી રામાનુજ (ઈ. સ. ૧૦૧૭થી ૧૧૩૭ દરમ્યાન). તેમણે શંકરાચાર્યના માયાવાદી સંન્યાસરત અમોઘ જ્ઞાનયોગ સામે સંસારીઓને સહજગમ્ય એવી ભક્તિમાર્ગની ગંગા વહેવડાવી. શ્રી શંકરાચાયે કહ્યું હતું: વેદ-ઉપનિષદ જેવાનાં મહાવાક્યોનાં શ્રવણમાત્રથી ઉત્પન્ન થતું જ્ઞાન જ મુક્તિનું એકમાત્ર સાધન છે. ત્યારે, શ્રી રામાનુજે ભક્તિને જ એકમાત્ર સાધન ગણાવ્યું છે. જ્ઞાન તો ભક્તિનું સહાયકપદ છે. આ ભક્તિ તે દાસભાવે, સ્વામી-સેવક ભાવે. એ જ રીતે, શ્રી શંકરાચાર્યે કહ્યું હતું : જ્ઞાનલાભથી આ દેહમાં બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. અને ‘જીવન્મુક્તિ’ (સદેહે — જીવતાં મુક્તિ) પ્રાપ્ત થાય છે. શરીરપાત થયા પછી એ મુક્ત જીવ સચ્ચિદાનંદ બ્રહ્મનું રૂપ બની જાય છે. ત્યારે, શ્રી રામાનુજાચાર્યે કહ્યું : છતે દેહે મુક્તિ અસંભવ છે. દેહ પડ્યા પછી પણ મુક્તિ અસંભવ છે. દેહપાત પછીય જીવ જીવ જ રહે છે, એ કદી બ્રહ્મ બનતો નથી. એ વખતે બ્રહ્માનંદનો અનુભવ કરતા જીવ ક્લેશમુક્ત બની જાય છે. શ્રી શંકરાચાર્યે બ્રહ્મજિજ્ઞાસાની અધિકારી વ્યક્તિ એને જ ગણાવી છે જેને નિત્ય તથા અનિત્ય વસ્તુનું સારું જ્ઞાન હોય; ત્યારે શ્રી રામાનુજે કહ્યું છે: જે કર્મ તથા કર્મફળની અનિત્યતા જાણી લે છે, એ બ્રહ્મજિજ્ઞાસાની અધિકારી વ્યક્તિ છે. નિત્યાનિત્યનું જ્ઞાન તો બ્રહ્મજ્ઞાન પછીની ઘટના છે. આમ, જ્ઞાનમાર્ગી અને ભક્તિમાર્ગીઓના પંથ ખાસ્સા નિરાળા પડ્યા. ભક્તિ આંદોલનના હવે પછીના આખા વિકાસમાં બીજા અનેક પ્રકારના ભેદો જોવા મળે છે, પરંતુ એની સાધનાની મૂળભૂત શ્રદ્ધા વિષે એકવાક્યતા રહી છેઃ પ્રભુને ચરણે આત્મસમર્પણ સમી કોઈ મહાન સાધના નથી, ભક્તિ એટલે જ આત્મનિવેદન-પ્રપત્તિ-શરણાપન્ન સ્થિતિ, ઉપરાંત બીજી ઘણે અંશે એકવાક્યતા એ વાતમાં છે કે જીવને પોતાના સ્વામીભૂત ભગવતની પાસે પહોંચવા માટે “ગુરુ”ની આવશ્યકતા રહે છે. એટલે કે નારાયણનાં ચરણો સુધી પહોંચાડવાનું માધ્યમ આચાર્ય જ હોઈ શકે છે. બલ્કે આચાર્યપુરસ્કૃત જીવનો જ પ્રભુ સ્વીકાર કરે છે. (આ વિષે અપવાદો જરૂર છે. ) શ્રી રામાનુજ પછી થયા શ્રી મધ્વાચાર્ય (આશરે ઈ. સ. ૧૧૯૯-૧૨૫૭) એ પણ દક્ષિણ ભારતનું સંતાન. બલિ-હિંસાનું નિવારણ કરવા એમણે ‘પિષ્ટપશુ'(લોટનાં પશુરૂપો)ની આહુતિનો રસ્તો ચીંધ્યો. એમણેય રામભક્તિનાં મૂળ ઊંડાં નાખ્યાં. (આ આચાર્યશ્રીનો પ્રભાવ અનેક સદીઓ પછી, બંગાળામાં પડ્યો જણાય છે—ગૌડીય વૈષ્ણવ ચૈતન્ય સંપ્રદાયના ઉદયમાં.)

મહારાષ્ટ્ર

ને જાણે દક્ષિણ ભારતનો આ પ્રવાહ ઉત્તર તરફ આગળ વધી રહ્યો હતો—મહારાષ્ટ્રમાં એનો ઉદય બારમી સદીથી સ્પષ્ટ વરતાય છે. મહારાષ્ટ્રમાં ભક્તિનો આદ્ય મહાપંથ તે મહાનુભાવ. એના આદ્ય પ્રણેતા શ્રી ગોવિંદ પ્રભુ (આશરે ઈ. સ. ૧૧૭૯–૧૨૮૫). પરંતુ એના પ્રખર પ્રચારક તે એમના શિષ્ય શ્રી ચક્રધર સ્વામી (આ ચક્રધર મૂળ ભરૂચ જિલ્લાના; વિદર્ભમાં જઈ વસેલા). શ્રીકૃષ્ણ અને દત્તાત્રય – બંને એમના ઉપાસ્ય દેવો. ચક્રધરે ચાતુંર્વર્ણ્યનો વિરોધ કર્યો હતો; ઈશ્વરની પ્રાપ્તિ માટે વેદોની કશી જરૂર નથી એવુંય કહી નાખ્યું હતું; અને તીર્થક્ષેત્ર તથા વ્રત-દાન આદિ પણ મુક્તિ માટે મિથ્યા છે કહી, દેવ-દેવીઓની પૂજાનો એમણે ઇનકાર કર્યો હતો; તથા સ્ત્રીઓ અને શુદ્રો સુધ્ધાંને સમાન ગણી તેઓને સંન્યાસની દીક્ષા આપીને તો તેમણે તત્કાલીન સમાજનો ભયંકર રોષ વહોરી લીધો હતો—અંતે વિરોધીઓ, એમનો વધ કરીને જ જંપ્યા હતા! આ પછીના, મહારાષ્ટ્રના બીજા પ્રભાવશાળી ભક્ત તે શ્રી જ્ઞાનદેવ (ઈ. સ. ૧૨૭૫–૧૨૯૬). માત્ર ૨૧ વર્ષની વયે એ સમાધિસ્થ બન્યા હતા. એમની ભક્તિની ભૂમિ તે પંઢરપુર, એમના ઇષ્ટદેવ તે શ્રીકૃષ્ણની બાલમૂર્તિ વિઠ્ઠલ. એમના ભાઈ નિવૃત્તિનાથ તથા સોપાનદેવ, અને એમની ભગિની મુક્તિબાઈ એક આખા પરિવારે મહારાષ્ટ્રને અદ્વૈતવાદી સગુણ-નિર્ગુણ સમન્વયી કૃષ્ણભક્તિનું તેજસ્વી રૂપ પ્રદાન કર્યું. જાણે મહારાષ્ટ્રમાં ભાગવત સંપ્રદાયનો સુવર્ણ યુગ ઊગ્યો. તેમના પિતા વિઠ્ઠલ પંતે બાળપણમાં જ ગૃહત્યાગ કરી પાછો ગૃહસ્થાશ્રમ શરૂ કરેલો હોવાથી સમાજે એમને ‘આરૂઢ પતિત' ગણી બહિષ્કૃત કર્યા હતા. એવા બહિષ્કૃત પિતાના સંતાન લેખે જ્ઞાનેશ્વરનેય સમાજે રંજાડવામાં બાકી ન રાખી. શૂદ્રોને જ યોગ્ય આચાર-ધર્મની એમને આજ્ઞા કરવામાં આવી. શ્રી જ્ઞાનદેવે સંન્યાસને સ્થાને ગૃહસ્થાશ્રમમાં જ નિષ્કામ કર્મનો બોધ આપ્યો. વૈદિક વર્ણધર્મનું સામાજિક સ્થાન સ્વીકારવા છતાં, ભક્તિ અને અધ્યાત્મના ક્ષેત્રે, સર્વની સમાનતા પ્રબોધી; અને વેદ કરતાંય ગીતાનું વિશેષ માહાત્મ્ય પ્રમાણી વેદ જ ગીતારૂપે પ્રગટ થયા છે એમ કહી—પોતે ‘જ્ઞાનેશ્વરી' (ગીતા) લખી સાચો જ્ઞાનભક્તિનો સમન્વય દાખવ્યો. પરંતુ એ જ દિવસોમાં જેઓ કુલહીનો હતા, કુલભ્રષ્ટો હતા, શૂદ્રો અને પતિતો હતા, સ્ત્રીઓ હતી—એ સૌને ભક્તિના મહાપંથે એકત્ર કરવાનો વિરાટ પુરુષાર્થ કર્યો શ્રી નામદેવે. તેઓ પણ શ્રી જ્ઞાનદેવના સમકાલીન હતા. તેઓ પોતે (શિંપી—દરજી) જાતિના હતા અને જાતિવ્યવસ્થાની જડતાના ભોગ બન્યા હતા. બ્રહ્મજ્ઞાન માટે તો એ અધિકારી ગણાયા જ ન હતા; પણ મંદિરમાંય તિરસ્કૃતની જેમ હડધૂત થતા રહ્યા હતા. પરંતુ શ્રી નામદેવની ભક્તિ આગળ બધા બંધ તૂટી ગયા. જોતજોતામાં, એમની ભક્તમંડળીમાં નરહરિ (સોની), સેનો (નાઈ ), ગોરો (કુંભાર), સાવતો (માળી), બંકો, ભાગુ અને ચોખો મહાભક્તો તરીકે ઝળહળી રહ્યા. એમની નૈષ્ઠિક ભક્તિએ અનેક ક્ષુદ્ર દેવદેવીઓની ઉપાસના, તીર્થ-વ્રત-દાન, યજ્ઞયાગાદિ, ભેદાભેદ, વિધિનિષેધ અને પક્ષાપક્ષીની સંકુચિત તાળાબંધી તોડી નાખી, વિઠ્ઠલ-ભક્તિનું બૃહદ્ દ્વાર ખોલી નાખ્યું. એ ભક્તિના પ્રેર્યા, શ્રી જ્ઞાનદેવ જેવા પરમજ્ઞાની સંતેય નામદેવના સાથી-સહયાત્રી બની ગયા! આમ, શ્રી નામદેવ મહારાષ્ટ્રના મહાન ભક્તિ સંપ્રદાય (વારકરી)ના આદ્ય પુરુષ બન્યા. આ પછી લાંબે ગાળે, એકનાથનો જન્મ થયો (ઈ. સ. ૧૫૩૨-૧૫૯૯). એમણે ભાગવતના એકાદશ સ્કંધની ટીકા લખી; ‘જ્ઞાનેશ્વરી’ ગીતાનું સંશોધન કર્યું : ભાવાર્થ રામાયણની રચના કરી; કીર્તન અને પ્રવચન દ્વારા, જ્ઞાન અને ભક્તિપૂર્ણ ભજનો દ્વારા, મહારાષ્ટ્રને ફરી એક વાર લોકધર્મ બક્ષ્યો. એ પછી આવે છે શ્રી તુકારામ(આશરે ઈ. સ. ૧૫૯૮- ૧૬૪૯). જન્મથી જ શુદ્ર ! ભયંકર અન્યાય-અત્યાચારોના ભોગ બનેલા આ સંતની ખુમારી પણ કેવી છે! ‘હું શુદ્રમાં જન્મ પામ્યો છું એથી જ હું દાંભિકતાથી દૂર છું...' અને એમનું આખું જીવન રાષ્ટ્રની પીડિત દશાથી દ્રવ્યા કર્યું; અને એમને માટે જનતાની સેવા જનાર્દનની સેવા બની ગઈ પરંતુ શૂદ્રને કાવ્યરચનાનો અધિકાર નથી; શુદ્રો જનભાષામાં વેદોનું રહસ્ય પ્રગટ કરે એનાથી મોટો અપરાધ કયો ? અને ભક્ત તુકારામની તમામ પોથીઓ નદીમાં પધરાવી દેવામાં આવી ! એની સામે તુકારામે શું કર્યું? ઉપવાસ–વ્રત આચર્યું. (કહેવાય છે કે તેરમે દિવસે ડૂબેલી પોથીઓ પાછી પ્રાપ્ત થઈ !) શ્રી તુકારામે ભક્તિમાં સદાચારી નીતિનું મહત્ત્વ આગળ ધર્યું. દાંભિકોની કઠોર ટીકા કરી; અને સંસારત્યાગ કર્યા વિના ભક્તિમાં સર્વ વર્ણના સમાન અધિકારની પુનઃસ્થાપના કરી. એમની મંડળીમાં સંતાજી (તેલી), નાવજી (માલી), ગવર શેઠ (વણિક), શિવબા (કાસાર) આદિ સર્વ જાતિનાં જ નહિ — રામેશ્વર (કર્મકાંડી), બદીણાબાઈ પાઠક (શાક્ત), ગવર શેઠ (લિંગાયત) અને કચેશ્વર બ્રહ્મે જેવા (શાસ્ત્રજ્ઞ) પણ હતા. એમણે તમામ વિચારધારાઓને સદાચારી વિઠ્ઠલભક્તિના ધાગે સાંધી લીધી. સામાજિક અને ધાર્મિક એકતાના આ ધ્વજધારીએ એ યુગની ભીત–વિહ્વલ ક્ષુબ્ધ જનતાને વીરતાનું, અભયનું, સામર્થ્યનું અમૃત પાયું. સ્વાભિમાનયુક્ત જીવનનો આદેશ આપ્યો — અને તેઓ યુગ-પ્રતિનિધિ સંત બની ગયા. શિવાજીના સ્વાતંત્ર્યયજ્ઞની ભૂમિકા તૈયાર કરવામાં સંત તુકારામનું અર્પણ અસાધારણ મહત્ત્વનું બન્યું.

બંગાળ

ત્યારે બંગાળમાં શી સ્થિતિ હતી? ભક્તિનો ભાવાવેશ કદાચ બીજા પ્રદેશો કરતાં અહીં ઊંચા સ્તર પર પહોંચી ગયો હતો. બંગાળમાં વૈષ્ણવ ધર્મનો શંખ ફૂંકનારા ભક્તો-સંતોમાં મુખ્ય હતા વજ્યાની અથવા તો સહજ્યાની યોગી-સિદ્ધો-ભક્તો. એમને મતે, સહજ-અવસ્થામાં મન અને પ્રાણનો સંચાર નથી; ‘ઉન્મની ભાવ’ની અવસ્થામાં મનનો સ્વાભાવિક–સહજ લય થઈ જાય છે. આવી નિર્વાણસ્થિતિ પ્રત્યેક વ્યક્તિ માટે નિજ—સહજ સ્વભાવ છે; એ જ તો સૌનું સાચું આંતરિક રૂપ છે; એ જ અંતિમ મહાસુખ—અંતિમ સાક્ષાત્કારની સ્થિતિ છે; પરમપદની પ્રાપ્તિ છે. ને એનો એકમાત્ર માર્ગ છે ગુરુનો ઉપદેશ. આ માર્ગ તંત્રમાર્ગ તરીકે પ્રસિદ્ધ છે. એને અવધૂતી માર્ગ પણ કહેવામાં આવે છે. પરંતુ અનેક સહજિયા વૈષ્ણવો તાંત્રિક ભક્તિને મહત્તા ન આપતાં રાગાનુગા પ્રેમભક્તિને જ પ્રાધાન્ય આપે છે. તે મુજબ, ‘રાગ’ (પ્રેમ)થી બંધન જન્મે છે. માટે મુક્તિ પણ ‘રાગ’માંથી જ પ્રગટે. એટલે મુક્તિનું મહાસાધન રાગ – પ્રેમ છે, વૈરાગ્ય નહિ. જે રાગ અશુદ્ધ તથા મિલન બનતાં સંસારમાં બંધનરૂપ બને છે, એ જ રાગ અકલુષિત તથા કામનારહિત બનતાં પોતાના શુદ્ધ સ્વરૂપમાં મોક્ષનું સાધન બને છે. ××× માણસ પોતે જ ભગવદંશ હોઈને સહજ રૂપે પ્રેમ ધારણ કરે છે. આ પ્રેમ દ્વારા તે પોતાના વ્યક્તિત્વને એટલું વ્યાપક બનાવી દે છે કે પ્રત્યેક જીવની સાથે પોતાની એકરૂપતા સ્થાપીને, તે દ્વારા, ભગવાનની સાથે પોતાની પૂર્ણ એકરૂપતા સાધી લે છે. આથી સહજિયા વૈષ્ણવો ‘પ્રત્યેક માનવી’માં સ્વરૂપભાવ જુએ છે: દરેક સ્ત્રીપુરુષે પોતાનામાં સ્વરૂપભાવનો અનુભવ કરીને પાર્થિવ પ્રેમને અપાર્થિવ રૂપમાં પરિણત કરી દેવો જોઈએ. (રૂપની અભિવ્યક્તિ એ સ્થૂળ, અશુદ્ધ, મલિન છે.) આ સંપ્રદાયમાં કેટલાક પરકીયા પ્રેમને ભક્તિના શ્રેષ્ઠ સાધન તરીકેય માને છે. પરંતુ આ પંથની વિશેષતા એ છે કે પુરુષે પોતાને સ્ત્રી માનીને પ્રભુરૂપી પુરુષની ઉપાસના કરવી રહે છે; એટલે કે પુરુષે પોતાની કામના તથા વાસનાને કાબૂમાં રાખી યૌન સંબંધનો સર્વથા ત્યાગ કરવો રહે છે. આવો પુરુષ કોમલ પ્રેમમય, જિતેન્દ્રિય તથા કામનારહિત બની જવાને કારણે સહજ-માનવ બની જાય છે. આથી સહજિયા સાધનાને જ માધુર્ય ભાવ કહેવામાં આવે છે. (જ્યારે ચૈતન્ય આદિ ગૌડીય વૈષ્ણવો મુખ્યતઃ માનવસ્વભાવ અનુસાર સખ્ય, દાસ્ય તથા વાત્સલ્ય ભાવને ઉપાસનામાં ઉપયુક્ત માને છે- અપવાદ રૂપે જ માધુર્યભાવ.) શ્રીમદ્ ભાગવતમાં આ ગોપીભાવનું વિશુદ્ધ રૂપ આલેખાયેલું જ છે. આડવારેમાંના કેટલાક ભક્તની દા. ત. ચાંડાલભક્તિ પણ ગોપીભાવની જ હોવાનું જણાય છે. પરમ પ્રસિદ્ધ ભક્ત કવિ ચંડીદાસે (પંદરમી સદીનો આરંભ) આ સહજભાવ મુક્ત મને ગાયો છે. બંગાળમાં બાઉલ ભજનિકોના સંપ્રદાયના મૂળમાં પણ પ્રેમને જ આનંદનું સાધન માનવામાં આવ્યું છે. બાઉલો તો મુક્તિની વાત જ ક્યાં કરે છે? એ તો પુષ્ટિમાર્ગી ભક્તોની જેમ ઊલટું કહે છેઃ ભગવાન અને ભક્ત બંને બંધાયેલા છે. તારે માટે વળી મુક્તિ કેવી ? ‘તારા-મારા' સદા બંધનમાં જ તો પરમ આનંદ છે! પરંતુ સમસ્ત બંગાળ અને મથુરા-વૃન્દાવન-વ્રજમંડળને ભક્તિરસમાં ઝબકોળી દેનાર કોઈ હોય તો તે શ્રી ચૈતન્ય(૧૪૮૫–૧૫૩૩) છે. સંકીર્તન એ જ એમનું આધ્યાત્મિક સાધન. સાધારણ પ્રાકૃત જનનેય અત્યંત સહજ એવું ! એટલે જ વિરાટ જનસમુદાયને એ ઘેલો બનાવી શક્યા — પાછળથી અવતાર લેખે એમની મૂર્તિની પૂજા પણ શરૂ થઈ ગઈ. એમનું અને એમના પછીય એમના અનુયાયી ગૌડીય વૈષ્ણવોનું અર્પણ ભક્તિ-સાહિત્યમાં ગુણવત્તા અને રસની દૃષ્ટિએ અનન્ય છે.

ઉત્તર અને પશ્ચિમ ભારત

ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત માટેય મધ્યયુગ અસાધારણ ભક્તિયુગ હતો. જેને પૂરા અર્થમાં આંદોલન કહી શકાય એવું ભક્તિઆંદોલન આ યુગનું લક્ષણ બની ગયું... દક્ષિણમાં શ્રીરામની ભક્તિનાં ઊંડાં મૂળિયાં આળવાર સંતોએ, રામાનુજ તથા મધ્વ સમા આચાર્યોએ રોપ્યાં હતાં. શ્રી રામાનુજના શિષ્ય શ્રી રાઘવાનંદ અને તેમના શિષ્ય શ્રી રામાનંદ (રામાનુજની ચૌદમી પેઢીએ,) નવા યુગના પુરસ્કર્તા બન્યા. શ્રી રામાનંદે તેમનાં પાછલાં વર્ષોમાં ઉત્તર ભારત—કાશીમાં વૈષ્ણવ સંપ્રદાયનો શંખ ફૂંક્યો. વૈષ્ણવ-મનાબ્જ་-ભાસ્કર' એમના મહતીય ગ્રંથ. એમના ઇષ્ટદેવ તે રામ-સીતા-લક્ષ્મણની દેવ-ત્રિમૂર્તિ. એમના મનેય મુક્તિનું એકમાત્ર સાધન તે ભક્તિ : ભગવાન રામચંદ્રમાં નિત્યસ્મરણપૂર્વક પરમ અનુરાગ ! એમના મુખ્ય શિષ્યોમાં આપણે માટે સુપરિચિત તે કબીર (૧૪૪૦-૧૫૧૮) (પીંજારો - વણકર), પીપો (રાજપૂત); સેનો (નાવી), ધનો (ભટ્ટ), રૈદાસ (ચમાર – ખાટકી) અને પદ્માવતી જેવી નારી! કબીર નિર્ગુણ ભક્તિના એક મહાન સંત કવિ થઈ ગયા. તે જ રીતે કબીરના શિષ્યોમાં એમનો પુત્ર કમાલ અને દાદુ, રજ્જબ વગેરે મુસ્લિમ ભક્તોની ગણના આગળ પડતી છે. અને તેમની અસર મલિક મહમદ જાયસી જેવા પ્રથમ પંક્તિના સૂફી ભક્ત કવિની વાણીમાંય અનુપ્રાણિત થયેલી જોવા મળે છે (૧૪૯૫–૧૫૯૨), જોકે એમના પછી રામભક્તિની પ્રખર પ્રેમધારા વહાવનાર તુલસીદાસજી (૧૫૩૨-૧૬૩૨ વચ્ચે)— તેમનું રામચરિત માનસ ભારતવનું બીજું ભાગવત બની ગયું. તો વળી, મૈથિલના પરમ ભક્ત કવિ વિદ્યાપતિએ (૧૩૫૧- ૧૪૨૦) રાધાકૃષ્ણના શૃંગાર પ્રેમની વિવિધ અવસ્થાઓ — આકુલતા, ઉત્કંઠા, મિલન, સંભોગ, વિરહપીડા, કામકાતરતા, ઉપાલંભ અને આત્મસમર્પણ આદિ અનુભૂતિઓ અને ચેષ્ટાઓનાં પદો-ગીતો દ્વારા ભક્તિ અને શૃંગારને એક નવા જ સ્તર પર પ્રતિષ્ઠિત કર્યાં — જેની અસર કબીર અને સુર બંને ઉપર ઊંડી વરતાય છે. ગુજરાતમાં આપણે માટે સુપરિચિત નરસિંહ, મીરાં, અખો અને દયારામે વહાવેલા ભક્તિ અને જ્ઞાનના પ્રવાહો આ ભારતીય પરંપરાનાં જ પુષ્પો છે—જેમાં મીરાંનું અર્પણ તો અનન્ય અદ્વિતીય છે.

*

પરંતુ આ યુગની કૃષ્ણભક્તિનું મહદ્ કેન્દ્ર તે તો વ્રજ-ભૂમિ; એની ભાષા તે વ્રજબોલી; આચાર્ય નિમ્બાર્ક એના પુરસ્કર્તા. દક્ષિણ ભારતમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા; અને ઉત્તર ભારતમાં વિશેષે કરીને મથુરા-મંડલમાં યમુના તીરે ધ્રુવક્ષેત્રે રહી કૃષ્ણભક્તિના રોપ ઉછેર્યા હતા. એ પછી વ્રજભૂમિને પ્રેમભક્તિથી અભિષિક્ત કરી દેનાર પ્રગટ્યા ચૈતન્ય પ્રભુ. તે આપણે જોઈ ગયા. આ આખી ભૂમિકાને એક અભિનવ સ્તર ઉપર લઈ જવાના પુરુષાર્થનો યશ જાય છે આચાર્ય શ્રી વલ્લભને ફાળે. એમણે પૃથગ્જનને ભાગવત ધર્મમાં પરિપ્લાવિત કર્યો, એમણે ભાગવતભાવનાને લોકભાવનામાં ઓતપ્રોત કરી. શ્રીવલ્લભ પોતાના દર્શનને શુદ્ધાદ્વૈત કહે છે; અને તેમનો સંપ્રદાય પુષ્ટિમાર્ગ. આચાર્યશ્રીની દૃષ્ટિએ ભક્તિની શ્રેષ્ઠ કક્ષા તે પુષ્ટિમાર્ગની શ્રેષ્ઠ કક્ષા છે. તેમાં ઇષ્ટદેવ પાસેથી મોક્ષફળની અપેક્ષા નથી. તેમાં કર્મ અને જ્ઞાન એકેની અનિવાર્યતા નથી. એ તો ફળરહિત, સાધનરહિત ભક્તિપંથ છે. એમાં ઈશ્વરને ચરણે આત્મસમર્પણ, ઈશ્વરનો અનુગ્રહ, કેવળ-કૃપાની જ ઝંખના રહે છે. આ રીતે, ‘પુષ્ટિ ભક્તિ' સાધનનિરપેક્ષ છે. એમના મતે, ઇશ્વરના અવતારનું પ્રયોજન દુષ્ટજનનું દલન અને સાધુજનનું પરિત્રાણ માત્ર નથી, એ તો બીજાં સાધનો દ્વારાય શક્ય છે. અવતાર-ધારણનું પ્રયોજન તો માનવીને સાધન-નિરપેક્ષ મુક્તિતનું દાન આપવા પૂરતું જ છે. સાધક માટે કોઈ સાધનાની અપેક્ષા રહેતી નથી. ભગવાન પોતે જ પોતાના લીલાવિલાસથી, પોતાના અનુગ્રહથી મુક્તિ પ્રદાન કરે છે. અલબત્ત, કર્મ અને જ્ઞાનનો અહીં ઇનકાર નથી, તથા નવધાભક્તિનોય ઇનકાર નથી. પરંતુ એ બધી સાધન-ભક્તિ છે; સાચા પુષ્ટિજીવ માટે કોઈ પણ ભાવે ભગવાનનું ભજન એ જ એકમાત્ર સાધન બસ છે. આ માનસી ભક્તિ તનુજા અને વિત્તની ભક્તિથી શ્રેષ્ઠતર છે; સાધનની અપેક્ષાવાળી ‘મર્યાદિકી પ્રપત્તિ' કરતાં ‘પુષ્ટિ પ્રપત્તિ’ ઉચ્ચતર છે. ભગવાનને મળવાની આતુરતા, વિયોગમાં નિરંતર વ્યાકુલતા એ જ ભક્તની પરમ તૃપ્તિ—પ્રાપ્તિ છે. શ્રીકૃષ્ણના પદારવિંદમાં, સર્વથા, સર્વાત્મના, સર્વભાવે સમર્પણની વૃત્તિ – દેશ, કાળ, જાતિ, વર્ણ કે અન્ય તમામ ભેદ વિના સૌને માટે સદાકાળ શક્ય છે. આચાર્યશ્રી વલ્લભની આ પુષ્ટિભક્તિ સુરદાસ, પરમાનંદદાસ, દયારામ, કેશવ ભટ્ટ, નાભાજી આદિ ભક્ત કવિ-પંડિતોને પ્રેરણા આપવા સમર્થ નીવડી છે; તે અકબરયુગના રત્નસમા સંગીતકાર તાનસેન તથા ટોડરમલ, બિરબલ આદિ રાજનીતિજ્ઞોને પણ પ્રભાવિત કરી શકી છે; એટલું જ નહિ, હિંદુ ધર્મની તમામ જાતિઓ અને સ્ત્રીઓ ઉપરાંત વિધર્મી મુસ્લિમ રાજકર્તાઓથી માંડી સામાન્ય મુસ્લિમજનને આકર્ષી પોતાનામાં એકરૂપ બનાવવા સમર્થ નીવડી છે, એ જેવું તેવું પ્રદાન નથી.

*

ભાગવત ધર્મની આ ભક્તિધારા બારમીથી સત્તરમી સદી દરમ્યાન જે સવિશેષ સ્વરૂપે પ્રગટ થઈ છે એનું રહસ્ય ભારતની સામાજિક-સાંસ્કૃતિક પાર્શ્વભૂમિમાં છે. હિંદુ ધર્મના પાયા સમાન ગણાતી, શાસ્ત્રવિહિત ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા ઉપર આવડો મોડો અને આટલો પ્રચંડ પ્રહાર, આટલો એકધારો અને આટલો પરિણામદાયી, શી રીતે શક્ય બન્યો? ભક્તિનું આવું સૌમ્ય છતાં ઉદ્દામ ઉદ્ધારક સાર્વજનીન રૂપ શાથી શક્ય બન્યું ? એનું એક અતિ મહત્ત્વનું કારણ તે ભારતના ઇતિહાસમાં જ રહેલું છે —અગિયારમી સદીથી ભારતવર્ષની પ્રાચીન સુદૃઢ સમાજવ્યવસ્થા ઉપર આવેલી એક કટોકટીમાં રહેલું છે, ભક્તિયુગનું ઐતિહાસિક રહસ્ય સમજવા માટે આ પાર્શ્વભૂમિકામાં ડોકિયું કરી લઈએ. ગુપ્તોના સુવર્ણ યુગ પછી ભારતનો પ્રમુખ આર્યધર્મ જડતા-રૂઢિગ્રસ્તતા અને વર્ણશ્રેણીના ઉચ્ચનીચ ભેદોનાં બંધનોમાં ગૂંગળાઈ રહ્યો હતો—હિંદુ ધર્મમાં જ નહિ, એક વખતના ક્રાંતિકારી ગણાતા બૌદ્ધ ધર્મમાંય ભયંકર સડો ઘર ઘાલી બેઠો હતો. ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા એક સમયે સામાજિક શ્રમવિભાગને અનુલક્ષી, સામાજિક સંઘર્ષને હળવો રાખી, સામાજિક સમતુલા સાચવવાની ચાવીરૂપ હતી. પરંતુ ધીમે ધીમે કરતાં તે સર્વથા વિકૃત બની ગઈ. બ્રાહ્મણો જ તમામ જ્ઞાન, શાસ્ત્રો, સંસ્કૃત ભાષા, સદ્ગુણો અને સત્તાના ઇજારદાર બની ગયા; અન્ય વર્ણો પ્રત્યે અપમાનિત તિરસ્કૃત વલણ દાખવતા થઈ ગયા; અને ઉપલા ત્રણ વર્ણોનું શૂદ્રો પ્રત્યેનું વલણ તે ભયંકર અમાનવી અત્યાચારી હદે પહોંચી ગયું; સ્ત્રીઓનું સ્થાન પણ એક દાસી અને ઉપભોગના સાધન સમું થવા લાગ્યું; શાસ્ત્રને નામે વ્યવહાર-ધર્મની પરિપાટી દરેક વર્ગ માટે જડ બની ગઈ; એમાં ક્ષતિ કરનારા સૌ બહિષ્કૃત થઈ સામાજિક અત્યાચારોના ભોગ બન્યા. બીજી બાજુ, ભારત અહારથી આવી રહેલી ટોળીઓને પોતાની અંદર આત્મસાત્ કરી લેવાનું સત્ત્વ (આગળના યુગમાં હતું તેવું) હવે રહ્યું ન હતું. એટલે બહિષ્કૃતો અને આગંતુકોના નાનાવિધ વાડાઓ વધી રહ્યા હતા. બૌદ્ધો, શાક્તો, શૈવો તથા બંગાળામાંના ડોમ, હાડી અને પંજાબમાંના નાથ, નિરંજન, પાશુપતો વગેરેના વિશાળ સમુદાયો વેદ ધર્મની બહાર ફેંકાઈ ગયા હતા, અથવા બહારના જ ગણાતા રહ્યા હતા. તે એટલી હદે કે ‘વેદપ્રણીત’ કરતાં ‘વેદબાહ્ય આચારભ્રષ્ટો’ની સંખ્યા વધી રહી હતી. અસંખ્ય વર્ણો ‘હલકા’ અને તિરસ્કૃત ગણાવાને કારણે વ્યાપક સમાજજીવનના વિકાસમાં જ બાધા પેદા થઈ ચૂકી હતી. આમ, એક બાજુ વર્ણાશ્રમ ધર્મ દમનનું સાધન બન્યો હતો; તો બીજી બાજુ, ઉપલા વર્ગો (બ્રાહ્મણ, ક્ષત્રિય) એશઆરામમાં પડ્યા હતા; અને પંથ-પંથની વચ્ચે, રાજ્ય-રાજ્યની વચ્ચે વિદ્વેષનો અગ્નિ ધુમાઈ રહ્યો હતો. સમસ્ત જીવનના આવા કટોકટીના પ્રસંગે ભારતવર્ષની ધાર્મિક-સાંસ્કૃતિક-સામાજિક પરિપાટીથી અને પ્રણાલીથી સર્વથા ભિન્ન એવી બહારથી ઇસ્લામી શક્તિનું બેવડું ‘આક્રમણ' શરૂ થયું. આરંભમાં(આઠમી સદીમાં) જૂજ ફકીરો, સંતો-સૂફીઓએ ભારતમાં પ્રવેશ કર્યો હતો; એ બધા ઇસ્લામ ધર્મી હતા; તેમાંય સૂફી-ભક્તો-કવિઓ તો પ્રેમ-ભક્તિ પંથના પુરસ્કર્તા હતા; વળી, આમેય, ઇસ્લામમાં વર્ણભેદો હતા જ નહિ. જોકે એ ધર્મની બહારના સૌ કાફરો ગણાતા; પરંતુ એ ધર્મની અંદરના સૌ સમાન હતા;— નમાજ, પાઠ, તીર્થ, ભોજન, લગ્ન, આદિ વ્યવહારોમાં રાજા કે રંક સૌને સમાન અધિકારો હતા; સમાન સ્થાન હતું. આ રીતે, ધાર્મિક-સાંસ્કૃતિક ક્ષેત્રે ઇસ્લામ ધર્મી સૂફી ભક્તિપંથી કવિઓના સમાગમની અસર ભારતીય ધર્મભાવના, અને ખાસ તો, વર્ણવ્યવહાર ઉપર સર્જાયેલ હતી જ. પરંતુ આ કેવળ સાંસ્કૃતિક આગમનથી પત્યું નહિ. જોતજોતામાં તો, ખરેખરું ભયાવહ આક્રમણ તૂટી પડ્યું. વિદેશી મુસ્લિમ રાજ્યકર્તાઓ ભારત પર આવી પડ્યા. (ઈ. સ. ૧૦૦૦થી) ઘોરી અને ગઝનવીઓએ ફરી ફરી ઉપરાઉપરી આક્રમણો કરી ભારતીય સ્વાધીનતાને ખંડિત કરી. નગરો અને ધર્મસ્થાનો ધરાશાયી કર્યાં, લૂંટયાં, મૂર્તિઓનો નાશ કર્યો; અઢળક સંપત્તિ અને સ્થાપત્યો લૂંટી સાથે લઈ પોતાને વતન પાછા ફર્યાં.... પરંતુ વાત આટલે જ ન અટકી. આ પછી (૧૨૦૬થી ૧૫૨૬) ખિલજી, તઘલખ, સૈયદ અને લોદી વંશીઓએ ભારત પર આક્રમણ કરી, સત્તા કબજે કરી, સત્તાનાં કેન્દ્રો ઊભાં કર્યાં. અને ભારતીય ધર્મના ઉદ્ધ્વંસની અને ઇસ્લામી ધર્મના વિસ્તારની કારવાઈઓ ક્રૂર હાથે ચલાવ્યે રાખી. સત્તાના બળે, ભારતના સમસ્ત ધાર્મિક-સાંસ્કૃતિક પાયા ઉપર પ્રહારો ઝીંક્યા: મંદિરો અને મૂર્તિઓનો ઘાણ વાળ્યો; ધર્મ-તીર્થસ્થાનો ભ્રષ્ટ કર્યાં; હિંદુઓને વટલાવ્યા; દેવળો-મંદિરો નવાં સ્થાપવા સામે, જૂનાનો જર્ણોદ્ધાર કરવા સામેય પ્રતિબંધો મૂક્યા; આર્થિક રીતેય બિન-ઇસ્લામીઓને રંજાડ્યા (જજીયાવેરો); તથા સામાજિક જીવનમાંય દખલ કરી. અમુક અસ્ત્ર-વસ્ત્ર તથા આભૂષણો વગેરે ઉપર નિયંત્રણ નાખ્યાં; અને રાજ્યનાં મુખ્ય સ્થાનો પરથી હઠાવીય દીધા. બીજી બાજુ, જેમણે ઇસ્લામ ધર્મને સ્વીકાર કર્યો, એમને માટે બધા રસ્તા ખુલ્લા થઈ ગયા. એ સૌ સુરક્ષિત બની ગયા ! પરિણામ શું આવ્યું? આપણે ત્યાં શું બન્યું? સુરક્ષા, સત્તા, સુખસગવડની લાલસામાં સૌથી ઉપરના વર્ગો (બ્રાહ્મણો, રાજવીઓ અને શ્રીમંતો)ના સમૂહોના સમૂહો ધર્મપરિવર્તન કરી, સ્વાર્થમાં આંધળા બની, ભયથી કંપી ઊઠી, દીનતા અને લાચારી સ્વીકારી, સરકારી દફતરોમાં અને સુરક્ષિત સત્તાસ્થાનોમાં ગોઠવાઈ ગયા. બીજી બાજુ? વર્ણધર્મના વર્ચસ્વ નીચે ગૂંગળાઈ રહેલી અને હડધૂત થયેલી હલકી ગણાયેલ જાતિઓ-જૂથો-સમૂહોએ ‘સૌની ધાર્મિક સમાનતા' જાહેર કરનારા ઇસ્લામ ધર્મને રાજીખુશીથી (કે ના છૂટકે) અપનાવી લઈ સૈકાંઓથી પ્રવર્તતા દમનમાંથી છુટકારો મેળવ્યો ! પરિણામ, સ્વાભાવિક રીતે જ, એ આવ્યું કે હિંદુ ધર્મના પાયા ખખડી ઊઠ્યા—બાહ્ય ઇમારત કડડભૂસ તૂટવા લાગી. ભારતને માટે આ ઘટના સર્વથા અભિનવ હતી. સવાલ સીધો આવી ઊભો રહ્યો હતો હિંદુધર્મ-સંસ્કાર ટકશે કે ખતમ થશે? આજ સુધી, ‘હિંદુ' શબ્દ કોઈએ વાપર્યો ન હતો, કોઈએ સાંભળ્યો ન હતો.[3] અને આજ સુધી, આર્ય ધર્મની કોરીકટ વ્યાખ્યા કોઈએ કરી ન હતી. આજ પૂર્વે, ભારત બહારથી અનેક પ્રજાઓ ભારતમાં આવી હતી. આર્યો પછી ગ્રીક, શક, કુશાન, હૂણ, સિથિયન અને. ગુજ્જરો આદિ ટોળીઓ આ ભૂમિમાં પ્રવેશી, આ ભૂમિના સંસ્કાર-સમાજમાં જ સમાઈ ગઈ હતી. આર્યોના એક યા બીજા વર્ણોમાં એ ઓતપ્રોત થઈ ગઈ હતી. સંપૂર્ણ રીતે ભારતીય બની, ભારતની પરંપરાને અપનાવી, સહિયારા પુરુષાર્થમાં એકરૂપ બની ગઈ હતી. એમનો ધર્મ, એમના સંસ્કાર, એમનો આચાર—એમનું બધું જ ભારતીય ધર્મ-આચાર કે સંસ્કારની જ એક વિશેષતા–વિવિધતા રૂપે સ્થાન પામ્યું હતું. પરંતુ ઇસ્લામી આક્રમણનું રૂપ જુદું રહ્યું; અને એથી સમસ્યાઓ પણ વધુ ગંભીર અને જટિલ બની ઊઠી : હિંદુ ધર્મ-સંસ્કાર ટકશે કે ખતમ થશે? ધર્મ અને સંસ્કારના સંરક્ષણનો માર્ગ શો? એ સવાલ આવી ઊભો.

અલબત્ત, ત્યારેય ચુસ્તધર્મી જડભરતોએ ધર્મરક્ષાને નામે વધુ ને વધુ સંકુચિત વાડાઓ ઊભા કરી, વધુ કઠોર જડ બંધનો- નીતિ નિયમો, આચારો ઊભા કરીને ઊલટો જ રસ્તો લીધો ! બીજો ઉપાય જ્ઞાનમાર્ગનો–શ્રી શંકરાચાર્યે, અને કર્મમાર્ગનો શ્રી કુમારિલ ભટ્ટે અજમાવી જોયો હતો. પરંતુ સર્વસાધારણ પૃથગ્જન માટે એ બંને અશક્યવત્ બન્યા હતા. પ્રજાનો આત્મા કોક રાજમાર્ગની ખોજમાં જ હતો. [4]

*

આવી હીનદીન દશા અને છિન્નભિન્નતા તથા અંધાધૂંધી અને કસોટીના કાળે, જે કોઈએ મૃતપ્રાય ભારતવર્ષને નવપ્રાણિત કરવાનું સાહસ કર્યું હોય, એ માટે અભિનવ અજોડ પુરુષાર્થ કર્યો હોય, તો તેનું ગૌરવ અને શ્રેય ભાગવતધર્મી વૈષ્ણવ આચાર્યો-સંત-ભક્ત-કવિઓને છે. ભક્તિ આંદોલનના આ ધુરંધરોએ સાચા ધર્મની રક્ષા તો કરી જ; પણ સાથોસાથ સમસ્ત સામાજિક-સાંસ્કૃતિક- સાહિત્યિક પુનરુત્થાનની મશાલ પણ પેટાવી.

કોઈએ નિર્ગુણ ધારાના અગ્રણી બની, તો કોઈએ સગુણ ધારાનો આશ્રય લઈ, કાર્ય તો એક જ કર્યું. કેટલાકે હિંદુ જાતિના બાહ્યાચારની શુષ્કતાને સાચા જ્ઞાન દ્વારા સ્થાપિત અને શાસ્ત્રોની સંગતિ-સંમતિ દ્વારા સ્થાપિત કરીને હિંદુ પ્રણાલીમાં આવશ્યક ફેરફારો કરવાના ‘સુધારાનો પંથ' પકડ્યો; તો બીજાએ પૌરાણિક અવતારોનો આધાર લઈ, બાહ્યચારની શુષ્કતાને કેવળ પ્રેમભક્તિના પૂરમાં ડુબાડી દઈ, ‘ભક્તો પંથમાં સૌની સમાનતા'નો વિદ્રોહી વીરતાભર્યો માર્ગ અપનાવ્યો. ઇતિહાસમાં એ વાત અવિસ્મરણીય રહેશે કે જ્યારે ઉપલા વર્ગના અને વર્ણના પ્રતિષ્ઠિતો વિદેશી વિધર્મી સત્તા સાથે હાથ મિલાવી સ્વાર્થ-સાધના કરી રહ્યા હતા ત્યારે, અસંખ્ય ભક્તો-સંતો- કવિઓએ (ખાસ કરીને નીચલા વર્ગના ગણાય એમણે !) અસાધારણ જોખમો, અત્યાચાર અને મોત સુધ્ધાંને આવકારી લઈ વિષમ પરિસ્થિતિનું ચિત્ર આલેખ્યું હતું; અન્યાય અને અનાચાર, દંભ અને વિલાસ સામે નિર્ભયપણે, નિષ્ઠાપૂર્વક પડકાર ફેંક્યો હતો; અને આર્યધર્મની ઊખડી રહેલી ઇમારતના પાયામાં સાચા માનુષી ધર્મની પુનઃસ્થાપના કરી સમસ્ત જનસમુદાયોને ધૈર્ય, હિંમત, વીરતા અને આસ્થાને પંથે દોરી હતી. તેમણે સંસ્કૃત ભાષા અને સંસ્કૃત સાહિત્યમાં સીમિત રહેલું બ્રહ્મજ્ઞાન જ્યારે જનબોધથી બહાર બની ગયું હતું ત્યારે એ જ વૈદિક વારસો, નવે રૂપે, લોકવાણી અને લોકભાષામાં ધરી દઈને સંત-ભક્ત-સમુદાયે સામાજિક ક્રાંતિનું એક મહાન લોકભોગ્ય સાધન તૈયાર કર્યું હતું. હવે કોઈ સંસ્કૃતજ્ઞ મહાપંડિતને જ બ્રહ્મજ્ઞાનનો ઇજારો રહેતો નહિ. ધર્મજ્ઞાનનો અર્થ સૌ ભક્તો-સંતો-કવિઓએ પોતાની રીતે પ્રગટ કરી ઇજારાશાહીને જ નાબૂદ કરી દીધી ! આમ, પ્રાકૃત (લોકભાષા), અગર અપભ્રંશમાં ધર્મનું રહસ્ય અને નવનીત પ્રજાના હાથમાં ધરી દઈને, તથા ભક્તિપંથમાં ઉચ્ચ-નીચ, જાતિ-વિજાતિ, ધર્મી-અધર્મી-વિધર્મી, જ્ઞાની-અજ્ઞાની, સ્ત્રી-પુરુષ, સાધુ-ગૃહસ્થી, પાપી-પુણ્યશાળી, એવા સાંસારિક ભેદોને ભક્તિના રસાયણમાં ઓગાળી નાખીને, ભક્તિ-રસમાં સૌને તન્મય, એકસમાન, એકમય બનાવી દઈને, મધ્યયુગી આચાર્યો-સંતો-ભક્તો એક પ્રચંડ સામાજિક લોકશાહી ક્રાંતિ જ કરી ગયા છે, એ વિષે શંકાને સ્થાન નથી.

વડોદરા, ૨૪–૯–’૬૪
વિશ્વમાનવ : જાન્યુ.-ફેબ્રુ. ૧૯૬૫'


  1. ૧. ‘ભગવાનના અનુગ્રહથી જ ભક્તની કામનાવલ્લરી પુષ્પિત તથા ફલિત થાય છે.’
  2. ૨. આ આળવાર સંતોમાં એક અસ્પૃશ્ય ચાંડાલ સ્ત્રી હતી. ઘણાખરા ડોમ આદિ હલકી જાતિનાં હતાં.
  3. ૩. ‘મધ્યકાલીન ધર્મસાધના' : હજારીપ્રસાદ દ્વિવેદી કહે છે કે હિંદુ શબ્દ જ મુસ્લિમોએ બનાવેલો છે.
  4. ૪. શ્રી વલ્લભાચાર્ય પરિસ્થિતિની ગંભીરતા અને ઉકેલ રજૂ કરતાં લખે છે: “દેશ મ્લેચ્છોથી આક્રાંત છે; મ્લેચ્છોથી કચડાયેલો દેશ પાપનો આલય બની ગયેલ છે. તીર્થોની દશા શી વર્ણવી જાય? ગંગાદિ સમસ્ત ઉત્તમ તીર્થો યવનોના આક્રમણોથી પીડિત છે. આને કારણે એ તીર્થોનું આધિદૈવિક રૂપ નષ્ટ થઇ ગયું છે.” “અશિક્ષા તથા અજ્ઞાનને કારણે, અર્થ ન સમજવાને લીધે વેદોના મંત્રો નષ્ટ થઈ રહ્યા છે...” “આવી દશામાં શૂદ્રો તથા સ્ત્રીઓની મુક્તિ. ભલા, આ વેદાધ્યયન નિરત દુર્ગમ માર્ગોથી શી રીતે થઈ શકે ? એમને માટે કોઈ સીધો રાજમાર્ગ હોવો જોઈએ. જેનાથી નિરાશ્રય તથા નિ:સહાય લોક સમસ્ત બંધનોથી મુક્ત થઈ શકે. x x x આ માર્ગ તે જ અનુગ્રહ માર્ગ — ‘કૃષ્ણ એ જ ગતિર્મમ’”