મિતાક્ષર/રાષ્ટ્રીય વિચ્છિન્નતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાષ્ટ્રીય વિચ્છિન્નતા*[1]


દરેક દેશને તેના સ્વરાજ્યની સાથે જ કેટલોક વારસો પણ મળ્યો હોય છે. આપણે ગમે તેટલું ઇચ્છીએ પણ આ વારસો કંઈ હમેશાં ગુણો અને સુકૃતિઓની સુગંધી છાબનો નથી હોતો; દોષો અને વિકૃતિઓનો પણ હોય છે. ઇષ્ટ વારસાને સમૃદ્ધ કરવો અને અનિષ્ટને નિર્મૂળ કરવો એમાં જ તો સ્વરાજ્યની કસોટી છે. આપણા દેશને ઐતિહાસિક રીતે કેટલીક વિચ્છિન્નતાઓનો વારસો મળ્યો છે. તેને નિર્મૂળ કરીને એકાત્મતાના પંથે આપણે જેટલા આગળ વધી શક્યા હોઈએ એટલે અંશે આપણા સ્વરાજ્યનું ભાવિ ઊજળું ગણાય; જેટલે અંશે એ વિકૃતિઓની આપણે હાથે વૃદ્ધિ થઈ હોય એટલે અંશે આપણું વર્તમાન દૂષિત અને ભાવિ કલુષિત હોવાનું. આજે એક ઊડતી નજર નાખતાં જ આપણી સામે જે ચિત્ર ખડું થઈ જાય છે એ અતિશય દૂષિત અને કલુષિત નથી શું? પહેલી જ નજરે જે દેખાય છે તે આ છેઃ ભારત અખંડ હતું તે વિભાજિત બન્યું છે—ભારત અને પાકિસ્તાન રૂપે. ભારતે આ અંગછેદન કાંઈ ઇચ્છીને સ્વીકારેલું નથી. ગાંધીજી એના પ્રખર વિરોધી હતા. પં. નેહરુ પણ મોટે ભાગે સંમત ન હતા. પરંતુ, એ અનિવાર્ય છે એવું સર્વ પ્રથમ સમજાયું હતું રાજાજી અને સરદાર પટેલને; અને અંતે સૌએ એમાં ઇચ્છા-અનિચ્છાએ, બલ્કે, અનિચ્છાએ સંમતિ આપી તે એમ સમજીને જ કે હવે બે સ્વતંત્ર દેશો તરીકે સારા પડોશીની જેમ રહી શકીશું. પરંતુ, પરિણામ સાવ જુદું જ આવ્યું છે. પાકિસ્તાનના મનમાં સૌથી વધુ કોઈનો દ્વેષ હોય તો તે ભારતનો છે. ભારતને નીચું પાડવાની ગણતરીએ જ તો તે એકેએક પેંતરો ભરે છે—અમેરિકા અને ચીનની મૈત્રી વધારે-ઘટાડે છે; અને વિશ્વભરમાં એને માટે ઝાંવાં નાખે છે. આના મૂળમાં એને ભારત સબળ સધ્ધર બને તેનો ભય છે. ભારતની શાંતિ અને મૈત્રીની નીતિને એ સમજી જ શકતું નથી; એટલું જ નહિ પણ એને એમાં ભારતનો દંભ દેખાય છે. બીજી બાજુ, ભારતની શાંતિ-નીતિને નિર્બળતા માનીને ભારતને દબાવવા-દબડાવવા તે તરેહ તરેહના નુસખા શોધે છે. અને ભારત સાથેના કાશ્મીર અંગેના ઝઘડાનો પોતાને ભાવતો ઉકેલ અશક્ય લાગતાં એણે ભારત સામે યુદ્ધ પણ આદરી જોયું ! હવે, તાશ્કંદ કરાર પછી પણ, એનો રાહ ઉશ્કેરણીઓ અને યુદ્ધની તૈયારીઓનો જ રહ્યો છે. બીજી વાત આના અનુસંધાનમાં જ વિચારવા જેવી છે તે એ કે— ભારતની અંદર રહેલા મુસ્લિમ નાગરિકોમાં સ્વરાજ પછી વીસમા વર્ષેય, રાષ્ટ્રીય એકાત્મતાની લાગણી વિકસી નથી. એમની દૃષ્ટિ હજી આજેય બહુતઃ ભારત બહારના ધાર્મિક કેન્દ્ર અને પાકિસ્તાન ભણી રહી છે. આ દેશને પોતાનો કરી તેમાંથી જ સાંસ્કારિક પ્રેરણા પ્રાપ્ત કરવાની બાબતમાં તે ઘણે અંશે કચવાટ અનુભવે છે. આપણે તો, સ્વરાજ્ય પૂર્વે એવું માન્યું હતું કે અંગ્રેજો આપણને—હિંદુ-મુસ્લિમોને––લડાવે છે; અંગ્રેજો જતાં બધું ઠીક થઈ જશે. પરંતુ, અંગ્રેજો જતાં સ્વરાજ્યની સાથે જ ઊભું થયેલું પાકિસ્તાનનું શૂળ તથા ભારતની અંદરના મુસ્લિમોની રાષ્ટ્રીય એકાત્મતા અંગેની ઊણપ –બંને હકીકતો કઠોર સ્વરૂપે ઊભી રહી છે. ત્રીજી વાત : સ્વરાજ્ય પૂર્વે અંગ્રેજોએ પોતાના હિત ખાતર, ભાગલા પાડીને રાજ કરવાની દૃષ્ટિથી જ, ભારતના મુંબઈ, મદ્રાસ જેવા કૃત્રિમ ઇલાકા રચેલા; તેમાં વિવિધ ભાષાભાષી પ્રજાઓનો ખીચડો કર્યો હતો. તેથી આપણે, સ્વરાજ પૂર્વે છેક ૧૯૨૦થી ભાષાવાર પ્રાદેશિક ઘટકોની નેમ સેવેલી; અને સ્વરાજ આવ્યા બાદ આપણે એ પ્રકારનાં ભાષાવાર રાજ્યો ઊભાં પણ કર્યાં, તેની પાછળ રાષ્ટ્રીય એકતાની જ દૃષ્ટિ હતી. ખુદ ગાંધીજીએ પણ સાચી લોકશાહી માટે આ અનિવાર્ય માન્યું હતું: પ્રજા પોતે રાજવહીવટમાં અને ન્યાય અદાલતમાં નિકટતાથી પોતાની ભાષામાં ભાગ લઈ શકે એને એમણે લોકરાજ્યનું એક મુખ્ય લક્ષણ ગણાવ્યું હતું. પરંતુ, પરિણામ આમાંય સાવ જુદું આવ્યું છે. આજે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે દ્વેષ છે. બંગાળ-બિહાર, બંગાળ-આસામ વચ્ચે વેર છેઃ મહારાષ્ટ્ર-મૈસૂર વચ્ચેનો ઝઘડો હદ વટાવી ગયો છે. વધુ વિગતોમાં ન ઊતરીએ તોય એટલું તો સ્પષ્ટ વરતાય છે કે પડોશી રાજ્યો(પ્રદેશો) વચ્ચેના ઝઘડાઓ દિન-બ-દિન એટલા વધી રહ્યા છે તે ઉગ્ર બની રહ્યા છે કે મૂળભૂત હેતુ જ નાશ પામ્યો છે ! પ્રાદેશિક લોકશાહીને નામે આજે તો રાજ્યો વચ્ચેના વિદ્વેષો બહેકી ઊઠ્યા છે! ઉપરાંત, ચોથી વાત : કેન્દ્ર અને પ્રદેશ રાજ્ય વચ્ચેના સંબંધો પણ વીફરી રહ્યા છે. પ્રદેશ-રાજ્યના સત્રપો કેન્દ્રની ઉપરવટ જવાની હામ ભીડી રહ્યા છે—આ ઘર્ષણો ક્યારે માઝા મૂકી દઈ આ દેશને ભયંકર આંતરવિગ્રહમાં હોમી દેશે એની ચિંતાનો પાર નથી. જોકે આ બંને બાબત વિષે એમ કહી શકાય કે જે બની રહ્યું છે તે તો આપણે ઇષ્ટ માનીને યોજેલી વ્યવસ્થાના પરિણામ રૂપ છે: એટલે આપણે એને શુભ વ્યવસ્થાની વિકૃતિ તરીકે ઓળખાવી શકીએ. પરંતુ, એક વધુ કદી કલ્પી કે વિચારી કે યોજી ન હતી એવી વાત પણ માથું ઊંચું કરી રહી છે તે પાંચમી વાત એ કે રાજ્ય રાજ્ય વચ્ચેની વિચ્છિન્નતાથીય આગળ વધીને, હવે તો, આપણે ગુજરાત અને સૌરાષ્ટ્રને અલગ કરવાની માગ સાંભળવા પામીએ છીએ ! અને હું નથી માનતો કે ભાષા, સંસ્કાર તથા ઇતિહાસની દૃષ્ટિએ જ વિચારનારાઓ માટે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધ્ધાંના થઈ ત્રણ ભાગલાનું સમર્થન કરનારી સામગ્રી રજૂ કરવી અશક્ય છે.

આમ શાથી બની રહ્યું છે? મને એવું લાગે છે કે મૂળભૂત કારણોના પૃથક્કરણમાં જ આપણા નેતાઓ હજી ગાથું ખાઈ રહ્યા છે. નિખાલસપણે કહું તો આપણા દેશમાં સ્વરાજ આવ્યું ત્યારથી રાષ્ટ્રીય એકતાના નામે જે ધૂમ પ્રયાસો થઈ રહ્યા છે એની મારા મન ઉપર કશી ઊંડી અસર થઈ નથી, દા. ત. રાષ્ટ્રીય એકાત્મતા પરિષદો. આ પ્રયાસો પાછળ એક એવી સમજણ રહેલી જણાય છે કે ભારતની એકતા-અખંડિતતાની આડે જો કંઈ ખાસ આવતું હોય તો તે ભારતની આંતરિક ભાષાકીય, સાહિત્યિક, સાંસ્કૃતિક ઇત્યાદિ વિભિન્નતાઓથી એકબીજા પ્રદેશની પ્રજા (ખાસ કરીને પડોશી પ્રજા) પરિચિત નથી. આના ઉપાય તરીકે એવું સૂચવવામાં આવે છે કે ગુજરાતી-મહારાષ્ટ્રી પ્રજા જો પરસ્પરની ભાષાથી, સાહિત્યથી, સાંસ્કારિક લક્ષણિકતાઓથી પરિચિત થાય તો તેને પરિણામે એક નવી મમતા જાગે; નવી એકતા પ્રગટે—તંદુરસ્ત રાષ્ટ્રીયતા જન્મે. આવા પ્રયાસોનો હું વિરોધી નથી. હજી હમણાં આવો સુભગ અવસર પ્રાપ્ત થયો હતો. મહારાષ્ટ્રથી આશરે ત્રીસ જેટલા વિવિધ ક્ષેત્રના નાગરિકો અમદાવાદમાં આવ્યા હતા. બે દિવસ એ બધા જુદાં જુદાં ગુજરાતી કુટુંબોમાં રહે એવી વ્યવસ્થા કરી હતી. તે. બધા આપણી વચ્ચે રહી, આપણી ભાષા, સાહિત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી પરિચિત થયા હતા, પ્રસન્ન થયા હતા. તે જ રીતે, વળતી પ્રવૃત્તિ તરીકે, આપણે ત્યાંથી આશરે ત્રીસ જણાં પૂનામાં મહારાષ્ટ્રી કુટુંબો વચ્ચે વહેંચાઈને બે દિવસ રહ્યાં હતાં; અને તેમની ભાષા, સાહિત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો, સંસ્થાઓ અને ઇતર સ્થળ-પ્રવૃત્તિઓથી પરિચિત થયાં હતાં. મારી પોતાની વાત કરું તો, તેમની કેટલીક સંસ્થાઓથી અને ખાસ કરીને ‘તમાશા' જેવા તેમના વિલક્ષણ સંસ્કાર કાર્યક્રમથી હું ખરેખર પ્રભાવિત થયો હતો. આવાં મિલનો–સહવાસો વધે એ સારું જ છે. પૂનામાં વધુ વ્યાપક કાર્યક્રમ વિચારાયો પણ હતો. પરંતુ, આપણે जे વિચ્છિન્નતાની વાત વિચારીએ છીએ तेना સંદર્ભમાં મને આ બધી પ્રવૃત્તિનું એવું ચાવીરૂપ મૂલ્ય દેખાતું નથી. હું તો જોઉં છું કે મુંબઈમાં અને વડોદરા જેવી નગરીમાં દાયકાઓ થયાં મહારાષ્ટ્રી અને ગુજરાતી પ્રજા એકસાથે વસે છે. એકબીજાની ભાષા, સાહિત્ય, સંસ્કારથી સુપરિચિત છે; અને આ ભિન્નતાને કારણે કદીય તેમની વચ્ચે કોઈ દ્વેષ-ઘર્ષણ જાગ્યાનું મેં જાણ્યું નથી. હજી સુધી બેમાંથી એકેયને એ વાત યાદ આપવાની જરૂર જણાઈ નથી કે આપણે બધા એક અખંડ ભારતના નાગરિક છીએ અને ભાષા-સાહિત્ય-સંસ્કાર આદિનું વૈવિધ્ય તો ભારતવર્ષ રૂપી શતદલ-કમલની વિલક્ષણતા છે. હકીકતે, આ વાત બંને પ્રજાઓ સ્વીકારે છે. આ જ વાત ભારતવર્ષના અન્ય ભાષાભાષીઓ માટેય એટલી જ સાચી છે. ભારતવર્ષ માટેની વફાદારીનો સવાલ નથી જ એમ હું નહિ કહું. જે પ્રજાઓ ભારતવર્ષના એક ભાગરૂપે વિકસી નથી એ પ્રજાએામાં આ સવાલ છે જ. દા. ત. નાગપ્રજા, મિઝો પ્રજા વગેરે સરહદો પરની કેટલીક પ્રજાઓ; તથા રાજકારણી સ્વાર્થોના પરિણામે મુસ્લિમ લીગ અને દ્રવિડ કળગમ જેવી સંસ્થાઓએ ઊભી કરેલી કેટલીક વિકૃતિઓ. પરંતુ, આ અપવાદો બાદ કરતાં, આટઆટલી વિચ્છિન્નતા છતાં, ૧૯૬૨માં ચીની આક્રમણ વખતે તથા ૧૯૬૨માં પાકિસ્તાની યુદ્ધ વખતે ભારતના લગભગ તમામ પ્રજા-સમૂહોએ ભારતના સંરક્ષણ અર્થે અદ્ભુત ઐકય પ્રગટ કર્યું નહોતું શું? એટલું જ શું કામ, હજી આજેય, ભારતની પ્રજાની ભારતની ધ્વજ અને બંધારણ માટેની, પાર્લમેન્ટ માટેની, સુપ્રીમ કોર્ટ માટેની, રાષ્ટ્રપતિ પ્રત્યેની, વફાદારી નષ્ટ થઈ ગઈ છે એવું કહી શકાય એમ નથી. હકીકતે, ભારત માટેની આ વક઼ાદારી અકબંધ છે. તો પછી, આમ છતાં, ભારત વિચ્છિન્ન છે— પડોશી પ્રજાઓ વચ્ચે જે ભયંકર હિંસક વિખવાદ જાગી ઊઠેલો આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ—એ શું છે? એવું શાથી છે? મૂળ શોધવા માટે આપણા ઇતિહાસ તરફ એક દૃષ્ટિપાત કરી લઈએ.

પ્રથમ, પુરાણ-યુગની વાત વિચારીએ. એ યુગમાં આજની સરખામણીએ સંપર્ક—વિજ્ઞાપનનાં સાધન નહિવત્ હતાં. તેથી પ્રજાસમૂહો એકબીજાથી ઘણા અલગ પડેલા હતા. ઉપરાંત બોલીઓ, ઇતિહાસ, વેશભૂષા અને રીતરિવાજોના ભેદોનો પાર ન હતો, છતાં આવી વિભિન્નતાવાળી પ્રજાઓને સાંકળનારું— cementing તત્ત્વ કયું હતું? ત્યારે જીવનનાં લગભગ બધાં જ પાસાંઓને પ્રેરનાર, દોરનાર કોઈ હોય તો તે ‘ધર્મ’ હતો — આર્ય સંસ્કૃતિ હતી. નિશ્ચિત આચારવિચારની પરિપાટી, તીર્થસ્થાનો તથા વેદ-વેદાંત, મહાભારત-રામાયણ પુરાણો આદિ ધર્મગ્રંથો દ્વારા તેણે આખા સમાજ પર પકડ જમાવી હતી. એ ધર્મકેન્દ્રિત સમાજમાં વૈચારિક वाहन તરીકેનું કામ બજાવનાર હતી સંસ્કૃત ભાષા. હકીકતે, સંસ્કૃત ભાષા કદીય આમપ્રજાની લોકભાષા બની ન હતી. એ ભાષા તે યુગના elite વર્ગની જ ભાષા હતી. પરંતુ ત્યારે elite અને mass વચ્ચે આજે છે એવો પાયાનો અંતરાય ન હતો; કેમ કે બંનેને સાંકળનારાં અને બાંધનારાં હતાં—તે સમયની નિશ્ચિત શ્રદ્ધા મુજબનાં સમાન ધર્મ અને સંસ્કારિતા. આમ છતાં, એ યુગની અંદર જે ઊણપો રહી અને આપણને વારસામાં મળી તે આજેય આપણી સામે વિચ્છિન્નતા રૂપે ઊભી જ છે. દા. ત. ઉચ્ચનીચ શ્રેણીબદ્ધ વર્ણવ્યવસ્થા. જતે દિવસે, તે સેંકડો જ્ઞાતિઓ રૂપે વધુ ને વધુ વિચ્છન્નતાને પોષનારી બની; અને આના જ એક ભાગ રૂપ અંતિમ સ્વરૂપે વિકૃત બનેલી સમસ્યા તે અસ્પૃશ્યતા. બીજી એક ઊણપ પણ આરંભના ઘડતરમાં જ મને રહી ગઈ જણાય છે : તે છે ‘દક્ષિણ’ ભારત અને ‘ઉત્તર' ભારત વચ્ચેની ખાડી. આમ તો, મેં આગળ કહ્યું તેમ, આખો ભારતવર્ષ આર્ય સંસ્કૃતિની ઘેરી છાયામાં આવ્યો હતો અને પાછળથી દક્ષિણ ભારતીય શંકરાચાર્ય-રામાનુજ-વલ્લભ જેવા શ્રેષ્ઠ આચાર્ય દ્વારા સદીઓ સુધી પ્રચંડ સાંસ્કૃતિક પુનર્જાગૃતિનો ઉન્મેષ વ્યાપ્યો હતો; દક્ષિણની અનાર્ય ભાષાઓ સુધ્ધાં સંસ્કૃત ભાષાના પ્રભાવ નીચે નવો જ અવતાર પામી સમૃદ્ધ બની હતી. આ બધા છતાં, ‘દક્ષિણ’ અને ‘ઉત્તર’ વચ્ચેનો એક પ્રકારનો અંતરાય રહી ગયેલો જણાય છે. મધ્યયુગનો વિચાર કરતાં જે એક વધુ સમસ્યા આગળ તરી આવે છે તે છે મુસ્લિમ પ્રજા પરત્વેની. ભારતની આ પૂર્વેની જો કાઈ મહાન સિદ્ધિ હોય તો તે અનેક વિદેશી જાતિને પોતાનામાં પચાવી લેવાની—આત્મસાત્ કરી લઈને તેમની વિચ્છન્નતાકારી વિભિન્નતાને નામશેષ બનાવી દેવાની; પરંતુ, મુસ્લિમ જાતિઓ આત્મસાત્ ન થઈ શકી એ હકીકત છે. કારણોમાં ઊંડા ન ઊતરીએ તોય એટલું તો જરૂર કહી શકીએ કે એ યુગના આરંભ સુધીમાં આર્ય સંસ્કૃતિ પોતે જ ઘણી બધી જડ અને સંકુચિત, નિષ્પ્રાણ અને શિથિલ બની ગઈ હતી. બીજી પ્રાણવાન જાતિને પોતાનામાં પચાવી શકવાની તેની વૃત્તિ જ ક્ષીણ થઈ ગઈ હતી અને શક્તિય નહિવત્ રહી હતી. બીજી બાજુ, મુસ્લિમ પ્રજાની પણ કેટલીક વિશેષતા હતી, જે આત્મસાત્ થવામાં આડરૂપ હતી. દાદા ધર્માધિકારી જેને creedal કહે છે તેવી એ જાતિ હતી. ભારતમાં આવ્યા પછીય તેની ધર્મશ્રદ્ધાનાં, જાતિ-નિષ્ઠાનાં કેન્દ્ર ભારત બહાર જ રહ્યાં હતાં; સાથોસાથ, આંતરિક આચારવ્યવહારની દૃષ્ટિએ વિચારતાં તે તત્કાલીન ઉચ્ચનીચ શ્રેણીવિભક્ત હિંદુ સમાજ કરતાં વધુ લોકશાહી રીતરસમવાળી હતી. તો બીજી બાજુ, તે ધર્મ અને તલવારના સહિયારા બળ ઉપર ઊભી થયેલી ઝનૂની પ્રજા હતી. ટૂંકમાં, ઇસ્લામી પ્રજાને એકાત્મ કરવાની પ્રક્રિયા તો દૂર રહી, પરંતુ હિંદુ વર્ણોમાંની નીચી ગણાતી અનેક જાતિઓ અને કોમો ઊલટી તેમાં ભળી ગઈ એ આપણે ક્યાં નથી જાણતા? રાષ્ટ્રીય એકાત્મીકરણની આ ત્રણે ઊણપો જેવી તેવી નથી. નોંધવા જેવી હકીકત તો એ છે કે, આ મધ્યયુગમાં એકાત્મતાનું પ્રચંડ આંદોલન જગવનારા સંતભક્ત-કવિઓમાં હિંદુ-મુસ્લિમ-અસ્પૃશ્યો સુધ્ધાં હતા. બલ્કે, નીચી ગણાતી કોમો અને જ્ઞાતિઓની સંખ્યા ઘણી વધારે હતી. અને ભક્તિના ક્ષેત્રે તો ‘સર્વની સમાનતા'નું પરમ મૂલ્ય પણ સ્થાપિત થયું જ હતું. આ સંતભક્ત-કવિઓએ વ્રજભાષા તથા પ્રાદેશિક ભાષાઓના માધ્યમ દ્વારા સડી રહેલા સમાજને નવા પ્રાણ આપવા ભગીરથ પુરુષાર્થ ખેડ્યો હતો; અને ધર્મ તથા સંસ્કારક્ષેત્રની એકાત્મતા સ્થાપવામાં ઘણો મોટો ફાળો આપ્યો હતો. અહીં એ વાત યાદ રાખવી જરૂરી છે કે આ યુગમાં જે કંઈ એકાત્મતા સધાઈ તે કંઈ વ્રજભાષા કે દેશી ભાષાને આભારી ન હતી. આ ભાષાઓ તો, અગાઉના યુગની સંસ્કૃત ભાષાની જેમ, નવા ધાર્મિક-સાંસ્કૃતિક ઐકય-આંદોલનની वाहक માત્ર હતી. ટૂંકમાં, જેમ પુરાણયુગમાં ધર્મ-કેન્દ્રિત સમાજ છતાં કેટલીક પાયાની તરાડો (ઉચ્ચનીચ શ્રેણીગત વર્ણવ્યવસ્થા અને અસ્પૃશ્યતા તથા ‘દક્ષિણ’ ‘ઉત્તર' વચ્ચેનો અંતરાય) રહી ગઈ.... તે જ રીતે, મધ્યયુગમાં સંત-ભક્ત સાધકોના મહાન પુરુષાર્થ દ્વારા ધર્મ અને ભક્તિના ક્ષેત્રે નવી એકાત્મતા પ્રગટી હોવા છતાં, વ્યાપક સમાજ જીવનમાં એ કારગત ન નીવડી. પરિણામે, ઉચ્ચ-નીચ શ્રેણીગત ન્યાતિઓ વધી, તથા અસ્પૃશ્યતાનું દૂષણ પણ વધુ ઘેરું બન્યું હતું— વિચ્છિન્નતા જ વધી હતી. અને તેમાં વળી ઉમેરાઈ નવીસમસ્યા — મુસ્લિમ પ્રજાની ! આ પછી, જે બન્યું તે વધુ ખતરનાક છે. અંગ્રેજોએ તેમના વધુ વિકસિત જ્ઞાનવિજ્ઞાનના અસબાબ સાથે ભારત પર વર્ચસ્ જમાવ્યું ત્યારે એક અણધારી, અપૂર્વ સમસ્યા ઊભી થઈ ગઈ. અગ્રેજોએ પશ્ચિમી જ્ઞાનવિજ્ઞાનની દિશા આપણે માટે ઉઘાડી નાખી. પશ્ચિમી ઇતિહાસ, સાહિત્ય અને શિક્ષણના પરિચયે અનેક વિભાવનાઓ(concepts), અનેક નવી અનુભૂતિઓ(experiences) આપણે પ્રથમ વાર પામ્યાઃ દા. ત. વર્તમાન રાષ્ટ્રભાવના—Nation State, રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય, વ્યક્તિસ્વાતંત્ર્ય, લોકશાહી વગેરે. વળી અંગ્રેજોએ ભૌગેલિક રીતે(પ્રાદેશિક ઐકયના ધોરણે નહિ) ભારતની એકતા સ્થાપી; રાજવહીવટી રીતે એકસૂત્રતા સ્થાપી, એકંદરે અંગ્રેજો નવી રાજકીય-રાષ્ટ્રીય અસ્મિતાને માટે કારણરૂપ બન્યા. આ યુગમાં આ નવી વિભાવના અને પ્રેરણાનું वाहन હતું અંગ્રેજી ભાષા અને અંગ્રેજી ભણનારા elite વર્ગ દ્વારા આખા ભારતની એક નવી image ઊભીય થવા પામી. જેમ પુરાણ યુગમાં સંસ્કૃત ભાષા નાનકડા elite વર્ગની જ ભાષા હતી; પરંતુ એ તે યુગનાં ધર્મ-સંસ્કૃતિનું શ્રેષ્ઠ વાહન બની શકી હતી, તે જ રીતે, અર્વાચીન જ્ઞાનવિજ્ઞાન યુગમાં અગ્રેજી ભાષા એક નૂતન મર્યાદિત એકાત્મતાનું સાધન બની શકી. પરંતુ, અંગ્રેજી ભાષાના દોષને કારણે નહિ, બીજી જ મૂળભૂત ક્ષતિને કારણે, વ્યાપક પ્રજાકીય એકાત્મતા ન સાધી શકાઈ. આ મૂળભૂત ક્ષતિ તે એ પુરાણયુગમાં સમસ્ત પ્રજાને જોડનારી—cementing શક્તિ ધર્મની હતી. તે પરિસ્થિતિ અદ્યતન યુગમાં સાવ પલટાઈ ગઈ હતી. પ્રજાના જીવન ઉપર રાજકીય અને અર્થકીય પરિબળોની પકડ આવી ગઈ હતી. આથી અંગ્રેજ યુગમાં અંગ્રેજી ભાષા દ્વારા elite વર્ગની એકતા સાધવાનું એક મહત્ત્વનું કામ પાર પડ્યું. પરંતુ, પ્રજાથી એ વર્ગ ઊલટો અળગો પડ્યો. આથી આખી પ્રજાને અંગ્રેજો સામેના સ્વાતંત્ર્યયુદ્ધમાં દોરવા માટે, અંગ્રેજી ભાષાનું એ વાહન નિષ્ફળ બન્યું. અને ગાંધીજીએ પ્રજાકીય આંદોલનના વાહન તરીકે વળી હિંદી-હિંદુસ્તાની ભાષાની પ્રતિષ્ઠા કરી. હું આગળ કહી ગયો તેમ, અંગ્રેજોએ પ્રાદેશિક કૃત્રિમ ઇલાકા રચ્યા હતા. દા. ત. બંગાળ, મદ્રાસ, મુંબઈ—જેમાં પચરંગી ભાષાભાષી-સંસ્કારિતાવાળી વસ્તીને જોડી દેવામાં આવી હતી; બીજું, અંગ્રેજોએ અંગ્રેજી ભણેલા નવા વર્ગને વહીવટમાં નોકરીઓ આપી પોતાના હાથા તરીકે પ્રજાની સામે તેનો ઉપયોગ કર્યો હતો; ત્રીજું, અંગ્રેજોએ મુસ્લિમો તથા પછાત જાતિઓ અને અસ્પૃશ્યોને અલગ અધિકારો આપી અલગ મતદાન અને અલગ પ્રતિનિધિત્વ આપીને સ્વરાજ માટે ઝૂઝતી પ્રજાની સામે તેમને પોતાના હાથા બનાવવા કોશિશ કરી હતી. ધાર્મિક લાગણીઓ ઉશ્કેરી કોમી હુલ્લડો સુધ્ધાં કરાવી શકાયાં હતાં. ટૂંકમાં, અંગ્રેજોની ભાગલા પાડીને રાજ કરવાની આ નીતિ હતી. એની સામે ગાંધીજીએ વિદેશી સત્તા સામેની રાષ્ટ્રવ્યાપી લડત ઊભી કરી દઈ, આખી પ્રજાને એક કરવા હિંદી-હિંદુસ્તાની ભાષાને તેનું વાહન બનાવી, એક નવી જ એકાત્મતા સરજી હતી. અહીં પણ નોંધવા જેવી હકીકત હોય તો તે એ છે કે હિંદી-હિંદુસ્તાની ભાષાને કારણે આ નવી લોકએકતા સ્થપાઈ હતી એમ માનવું ભૂલભરેલું છે. આ એકતા તો પરદેશી અંગ્રેજી સત્તા સામેના સ્વાતંત્ર્યસંગ્રામના રાષ્ટ્રવ્યાપી આંદોલનને આભારી હતી. હિંદી-હિંદુસ્તાની માત્ર તેનું वाहन હતી. પરંતુ નવાઈ લાગે ને આઘાત લાગે એવી વાત કહું? ગાંધીજીના જ આ સ્વાતંત્ર્ય યુગ દરમ્યાન ખુદ કૉંગ્રેસની જ છત્રછાયામાં વિચ્છિન્નતાનો ભોરિંગ ફૂંકાડા મારતો હતો. આ હકીકત ગમે તેટલી અણગમતી હોવા છતાં દુર્લક્ષ થઈ શકે એમ નથી. ખાસ કરીને દક્ષિણના પ્રદેશો : મદ્રાસમાં તેલુગુ બ્રાહ્મણો અને કમ્મા તથા રેડ્ડી કોમો, કર્ણાટકમાં બ્રાહ્મણો સામે લિંગાયત (નિજલિંગપ્પા) અને વોક્કાલિગ (હનુંમંતૈયા), મહારાષ્ટ્રમાં ચિત્પાવન બ્રાહ્મણો સામે મરાઠા (ચવાણ વગેરે) તથા મહાર, અને તામિલનાડમાં બ્રાહ્મણો (રાજાજી) સામે નાદર (કામરાજ) અને દ્રવિડિસ્તાનીઓના મોરચાઓએ કોમવાદ અને પ્રદેશવાદનાં જે વિષ ઘોળ્યાં હતાં એથી ગાંધીજી અને પં. નેહરુ સુધ્ધાં કેવા અકળાઈ ત્રાહિ ત્રાહિ પોકારી ઊઠયા હતા! નેહરુના શબ્દોમાં આ વિખવાદ બે સ્વતંત્ર દેશો વચ્ચેના યુદ્ધ જેવો જ હતો !

ટૂંકમાં, આપણને આપણા વારસામાં જ અનેક દૂષિત તત્ત્વો લાધ્યાં છે. પરંતુ સ્વરાજ્યના આ બે દાયકા દરમ્યાન તો આપણે ક્યાંના ક્યાં પહોંચી ગયા છીએ ! બે રાજ્યો વચ્ચેના અને બે પ્રદેશો (ગુજરાત-સૌરાષ્ટ્ર) વચ્ચેના વિખવાદનેય ટપી જાય એવાં ઝેર જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે પહોંચી ગયાં છે : વલસાડ જિલ્લો બને કે નવસારી એના ઉપર કોંગ્રેસીઓ અંદર અંદર એવી રીતે લડી રહ્યા છે કે કૉંગ્રેસનું જ પતન થાય! આ થઈ જિલ્લાની વાત. પરંતુ વિખવાદ એનાથીય આગળ વધ્યો છે— હું મારા જ પ્રદેશની વાત કહું તો હિંમતનગર અને મોડાસા તાલુકાઓ વચ્ચે કેમ જાણે બાપે માર્યા વેર દેખાય છે! અને આપણે જરા વધુ ઊંડાણથી જોઈએ તો જેને આપણે ભારતની લોકશાહીનાં મૂળિયાં (grass roots) લેખ્યાં છે તે ગ્રામપંચાયતો સુધી ઝેર—ઉપરથી નીચે—પહોંચી ગયું છે. મેં ‘ઉપરથી નીચે' કહ્યું ને? હા, એમ જ છે : કેન્દ્ર અને રાજ્યકક્ષાનું સ્વાર્થ—સત્તાનું ઝેર ‘ઉપરથી નીચે’ ચૂતું છેક પ્રજાજીવન સુધી પહોંચી ગયું છે. ગ્રામસ્વરાજને નામે ગ્રામપંચાયતો રચીને આપણે તેમને સાચી લોકશક્તિ તરીકે વિકસવા દેવાને બદલે ભ્રષ્ટ કરી દીધી છે. સ્વરાજ્યનાં આ ઓગણીસ-વીસ વર્ષમાં તો આપણે અપાર વિચ્છિન્નતાને આરે પહેાંચી ગયા છીએ. પહેલાં હિંદુ-મુસ્લિમોનાં રમખાણો થતાં, હવે ગુજરાતી-મરાઠીઓનાં રમખાણો થાય (મુંબઈમાં જેમણે એનો અનુભવ કર્યો છે તેમને આ અતિશયોક્તિ નહિ લાગે). હવે જિલ્લા, તાલુકા અને પંચાયતો વચ્ચેનાં રમખાણોનો વારો આવી ગયો છે. એકાત્મતા જાણે એક સ્વપ્ન બની ગઈ છે, કારણ સ્પષ્ટ છે : આપણા આજના યુગમાં સમાજ અને વ્યક્તિના જીવનના કેન્દ્રમાં ધર્મ (રૂઢ અર્થમાં નહિ) વ્યાપક મૂલ્યધારક તત્ત્વ રહ્યો નથી. બલ્કે, સૌથી વધુ વિઘાતક અને વિભાજક એવું રાજકીય અને અર્થકીય સત્તાકારણે આપણા વ્યક્તિ અને સમાજજીવનને ભરડો લઈ બેસી ગયું છે. ગાંધીજી એ વાત સમજી ગયા હતા કે હવેના યુગમાં રાજકારણને અવગણવાથી ચાલવાનું નથી. એથી જ તો, એમના જેવા અને ટિળક મહારાજ જેવા આધ્યાત્મિક પુરુષોએ રાજકારણમાં ઝંપલાવ્યુ હતું તે એમ સ્પષ્ટ કહીને કે, પરદેશી હકૂમત નીચે પડેલી પ્રજા માટે કોઈ પણ દિશાની પ્રગતિ શક્ય નથી. સ્વરાજ્ય એ તો માનવીના અને રાષ્ટ્રના વિકાસની પ્રથમ શરત છે, અને ગાંધીજીએ રાજકારણના શુદ્ધીકરણ ઉપર લક્ષ પરોવ્યું હતું — રાજકારણને ભ્રષ્ટ સત્તાકારણ બનતું રોકવા તેમણે સતત સંઘર્ષ ખેડ્યો હતો. તેમના અંતિમ વસિયતનામાથી આપણે સૌ જાણકાર છીએ જ. અંગ્રેજ યુગમાં વાહનવ્યવહાર અને ઉદ્યોગ-વ્યાપાર તથા શિક્ષણના કારણે અસ્પૃશ્યતાની આભડછેટ ઓછી થઈ હતી; ખાવાપીવાનાં બંધનો શિથિલ થયાં હતાં— જન્મના જોર પર ટકેલી જ્ઞાતિવ્યવસ્થાની ઇમારત હાલી ઊઠી હતી... પરંતુ સ્વરાજ જેમ જેમ પાસે આવતું ગયું તેમ તેમ એનો ઊલટો લાભ લેવાની હરીફાઈ પણ વધી; અને જે પ્રદેશ-વર્ગ-વર્ણ-જૂથ વર્ચસ ધરાવતાં હોય તેમની સામે જાગ્રત થતા વર્ગો-વર્ણો-પ્રદેશોનો મોરચો મંડાતો થયો. સ્વરાજ આવતાં તે આર્થિક અને રાજકીય લાભોની વહેંચણીની હુંસાતુંસીનો પાર રહ્યો નથી. આજે જ્યારે ન્યાત, જાત, કોમ, સંપ્રદાય અને ભાષા તથા પ્રદેશનાં સંકુચિત વર્તુળોમાંથી બહાર નીકળીને અદ્યતન રાષ્ટ્રીય અસ્મિતા અને એકાત્મતા પૂર્ણ કરવાનો અવસર આવ્યો છે ત્યારે જ ઘસાઈ રહેલાં ન્યાત, કોમ, સંપ્રદાય, ભાષા અને પ્રદેશોનાં સંકુચિત પછાત હિતોનો ઉપયોગ કરીને તેમને પોષી-ઉશ્કેરીને તમામ રાજકીય પક્ષો સત્તા માટેના ગજગ્રાહ ખેલી રહ્યા છે—ચૂંટણીના પવિત્ર મતાધિકારને સૌથી વધુ ભ્રષ્ટ બનાવી લોકશાહીની ઈમારતને જ લૂણો લગાડી રહ્યા નથી શું? મારી દૃષ્ટિએ તો, રાજકારણી ભ્રષ્ટતા એટલે કે સત્તાકારણ આપણી આજની ઘેરી વ્યાપક વિચ્છિન્નતાનું મુખ્ય કારણ છે. આ कारण સ્વીકારીએ તો આજની વિચ્છિન્નતાનું मारण સ્પષ્ટ છે : ગાંધીજી મથતા હતા તે—spiritualize, moralize, humanize the politics. જ્યાં રાજકારણ જીવનનું કેન્દ્ર બન્યું હોય ત્યાં તેનાથી નાસવાથી અથવા તેના સિવાયની બીજી બધી બાબતો પાછળ પડવાથી કશું વળવાનું નથી— રાજકારણને સત્તાકારણના પાશમાંથી છોડવવામાં જ તરણોપાય છે.

-વિશ્વમાનવ : સપ્ટે.-ઑક્ટો. ૧૯૬૬


  1. *પૂનામાં ‘આંતર ભારતી' સંમેલનમાં (તા. ૭–૮–'૬૬) તથા ભાવનગરમાં સાહિત્ય સભાના ઉપક્રમે યોજાયેલ સભામાં (તા.૧૩–૯–.૬૬) પ્રગટ કરેલા વિચારો સંકલિત રૂપે.