મુકામ/ગગનપ્રસાદ વૈદ્યનું નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગગનપ્રસાદ વૈદ્યનું નિવેદન

હું ગગનપ્રસાદ મગનલાલ વૈદ્ય, ઉંમર વર્ષ અઠ્ઠાવન પૂરાં, મૂળ રહેવાસી જાફરાબાદ, પણ હાલના સંજોગોમાં કશું ઠામ-ઠેકાણું નહીં, આજે અહીં તો કાલે ક્યાં હોઈશ એની ખબર નથી. હું મારી શુદ્ધ બુદ્ધિથી, કોઈનાં કે કોઈ પણ જાતનાં શારીરિક કે માનસિક દબાણ વગર, જાતે-પોતે, પૂરી સબૂરી અને સભાનતાથી નીચે મુજબનું આ લખાણ લખી રહ્યો છું. મારી પત્ની નામે હંસા, જે સામાજિક દૃષ્ટિએ મારી પત્ની કહેવાય છે પણ ફક્ત કહેવાની જ પત્ની રહી છે. કેમકે છેલ્લાં કેટલાંક વર્ષોથી પત્ની તરીકે તો શું પણ એક સામાજિક તરીકેનો વ્યવહાર પણ અમારી વચ્ચે રહ્યો નથી. એમ કહો ને કે અમે કાયદેસર છુટ્ટાં નથી થયાં એટલું જ, પણ ઈશ્વર આજ્ઞાએ કહું છું કે આ સાર કે અસાર જે કહો તે સંસારમાં આ ગગનપ્રસાદ એકલો ને માત્ર એકલો જ છે. છેલ્લા પંદરવીસ દિવસથી અહીં હરિદ્વારમાં છું. આવી કડકડતી ટાઢમાં ય રોજ ગંગાસ્નાન કરું છું, એમ કરતાં ય જો પવિત્ર થવાતું હોય તો તેની કોશિશ કરું છું. આખો દિવસ ‘હર હર ગંગે, હર હર ગંગે’ કર્યા કરું છું. આમ તો આટલાં વર્ષોમાં હું ક્યારેય એકલો પડ્યો નથી. એકલો રહેવા ટેવાયેલો પણ નથી. એટલું નક્કી છે કે હવે પાછા ઘેર નથી જાવું. દેહ પડી જાય તે હક્ક વાત, પણ નથી જાવું તે નથી જ જાવું. સવારના સાડા ચારનો ઊઠ્યો છું પણ હજી જમવાનો કંઈ મેળ પડ્યો નથી. ભંડારાનું ખાઈ ખાઈને તબિયત બગડે એ કરતાં રૂમ પર ખીચડી રાંધી લેવી એમ વિચારું છું. હંસાનું એટલું ખરું કે ગમે તેવા સંજોગોમાં પણ એણે મને ભૂખ્યો રાખ્યો નથી. બાઝેબોલે તોય રસોડે હડતાલ ક્યારે ય નહીં. એક વાર તો ખરું થયેલું! હંસાએ રસોઈ બનાવી રાખેલી ને હું બહારથી આવ્યો એવો જ કોઈ વાતે ઝગડો થયો. મેં કીધું કે નથી ખાવું, તેલ લેવા જાય તારું રાંધેલું! તો એણે રીતસર નાના છોકરાને ખવરાવે એમ મને કોળિયા ભરાવેલા! ‘ના શું ખાવ! ખાવું જ પડશે, મેં કંઈ અમથી મજૂરી નથી કરી!’ પાડોશીઓ ય હસતાં હસતાં જોઈ રહેલાં! ખાતાં ખાતાં મને ય હસવું આવી ગયેલું! રાત્રે સૂતી વખતે પથારીની ચાદરમાં એકાદ સળ હોય તો ય એને ઊંઘ ન આવે. ને ટણી તો એની જ! લીધી વાત ન મૂકે તે ન જ મૂકે! આખો મહિનો એને કંઈ ને કંઈ વારવરતુલાં ચાલ્યા કરે. એની ધાર્મિક ભાવના ઘણી ઊંચી. વ્રત-ઉપવાસ હોય એટલે એની આજુબાજુ આપણને ફરકવા પણ ન દે. અડવા-કરવાની વાત તો જોજનો દૂર! એની ભેગા આપણે ય ઉપવાસ ખેંચવાના! દેહધર્મ નામની કોઈ વસ્તુ હોય એવો એને જાણે ખ્યાલ જ નહીં. જરાક નજીક જવાનું ઉપાસણ કરીએ તો એને આપણે કામુક અને હલકા પ્રકારના લાગીએ, મોટેભાગે તો હેવાન જ લાગીએ. એ પાછી કહે પણ ખરી કે, ‘તમને તો શરીર સિવાય બીજી કંઈ ખબર જ પડતી નથી ને!’ એક વાર અમે ખજુરાહો ફરવા ગયેલાં, તો એણે ફક્ત ભગવાનના વાઘા અને શણગારના જ વખાણ કર્યા. મેં કહ્યું, ‘આ મંદિરોમાં અંદર કરતાં બહારનું જ વધારે મહત્ત્વ છે!’ પણ એની ભક્તિનો પારો એટલો ઊંચે ચડી ગયેલો કે એ નીચો આવે એની રાહ જોઈએ તો બસ જ ઊપડી જાય! રસિકતા તો એના સ્વભાવમાં જ નહીં… મરજાદી ધરમની કંઠી નથી બાંધી એટલું જ, બાકી પૂરેપૂરી મરજાદી. આમ પાછી દેખાવે જરાય ઓછી આકર્ષક નહીં, એકદમ પેટીપેક લાગે. એમ સમજોને કે સરગવાની તંદુરસ્ત શિંગ જેવી! બધું સપ્રમાણ ને ભર્યુંભર્યું. સામે જુએ તોય પાણીપાણી થઈ જવાય! જુવાનીનું જાણે કે હોવું જોઈએ એટલું ય ભાન કે અભિમાન જેવું એને કશું જ નહીં. બસ આપણને લોભાવ્યા કરે. હું ઘણી વાર એને લોભાવવા કરતાં બોલાવવાનું રાખ તો સારું એમ કહેતો ત્યારે એ ખિજાઈ જતી. આપણે કોઈ મોટું પાપ કરી નાખ્યું હોય એમ તુચ્છકારથી જોઈ રહે. ક્યારેક તો એમ કહે કે ‘ગામમાં ઘણી ય બાઈયું લટકી જાવા તૈયાર છે. ત્યાં જાવ ને કરો તમારી અબળખાયું પૂરી!’ આવું આવું કહે ખરી, પણ આપણે જો ભૂલમાં ય કોઈ બાઈ સાથે જરાક પ્રેમથી વાત કરી તો આવી બન્યું જ જાણો. ‘ઈ તો છે જ અઢાર જગ બારી, પણ તમે ય ઇની હાર્યે શું હળવામળવા ગ્યા’તા?’ એમ કહીને વાતને આડા પાટે ન ચડાવી દે તો ઈનું નામ હંસા નહીં! જો કે પહેલાં તો હંસા આવી નહોતી. શરૂઆતમાં તો અમે બહુ જલસા કરતાં. ક્યાંય પણ હરવાફરવા જવાનું હોય તો હંસા સૌથી પહેલી તૈયાર. શરીરની ય કંઈ એને આવી ચીડ નહોતી. લગ્ન પછી લાંબા સમય સુધી કંઈ સંતાન ન થયું એટલે એ નાસીપાસ થઈ ગઈ. પછી તો આ ડૉક્ટર ને તે ડૉક્ટર. જાતભાતના ટેસ્ટો અને પ્રયોગો! છેવટે એવું નિદાન થયું કે એ મા બની જ નહીં શકે અને એનો સ્વભાવ બદલાયો. એણે પોતાનું મન ઠાકોરજીમાં વાળી લીધું. મોટી ભગતાણી થઈ ગઈ! પોતે કશું આપી શકતી નથી એવું તો એણે જ માની લીધેલું ને ઊભું કરેલું. બાકી એના પ્રત્યે આકર્ષણ તો કોને ન થાય? હું કલ્પના કરું છું કે હંસા વહેલી પાંચ વાગ્યાની ઊઠી હશે, એકવસ્ત્રે શૌચ કરવા ગઈ હશે, ‘ભેગાભેગી નાહી લઉં ત્યારે’ એમ મોટેથી બોલીને ભારતની જેટલી નદીઓનાં નામ આવડે છે ઈ બધાં ય એણે લીધાં હશે. મને ખાતરી છે કે ગઈ કાલનો ટુવાલ હજી તાર ઉપર જ સુકાતો હશે, એટલે એના સિવાય ભલે બીજું કોઈ સાંભળનારું ન હોય તોય પ્રમાણમાં ઠીક મોટેથી બોલી હશે : ‘એલા મારો રૂમાલ લાવજો તો!’ એક વાર તો હું હાચીન જ એનો છ બાય છ ઈંચનો ફૂલડાંવાળો રૂમાલ લઈને બાથરૂમના બાયણે ઊભો થઈ રહેલો; અને ઈ શું ભઠે ભરાણી! શું ભઠે ભરાણી! કોરોકટ ચણિયો આખેઆખો ભીનો થઈ ગયો ત્યાં સુધી શરીર લૂછેલું! એને એવો વિશ્વાસ કે શરીરની અને વધારામાં મગજની ગરમીથી પે’ર્યો પે’ર્યો જ સુકાઈ જશે.... જો કે હમણાં તો ઠાકોરજીને થાળ ધરાવતી હશે ને મોટી ભગતાણી થઈને ગીતડાં ગાતી હશે: ‘જમ્બા વહેલા આવજો.. જમ્બા વહેલા આવજો’ કે એવું કંઈક. મેં અનેક વાર કહ્યું હશે કે ‘જમ્બા’ નહીં ‘જમવા’ એમ કહેવાય! પણ એ તો ઠાકોરજીને જમ્બાડે જ છૂટકો કરે! ઠાકોરજીને ય થાતું હશે કે આની હાર્યે ક્યાંથી મારો પનારો પડ્યો? ભલું હશે તો એકલી એકલી બોલતી હશે કે ‘હવે ઘરે પાછા વિયા આવો, જોગ લેવાનું તમારું ગજું નહીં!’ પણ આપડે ક્યાં જોગ લેવો છે હેં? આપડે તો બસ એના પાંજરામાંથી છૂટ્યા એનો જ ઓચ્છવ! પેટમાં ગલૂડિયાં બોલે છે. હવે એનો ય કંઈક ઉપાય કરવો પડશે. ચાલો રામ ફરી એક વાર ભંડારામાં જઈ આવીએ! સેવ-ગાંઠિયા-બુંદી ને એવું બધું હશે, પણ પેટનો ખાડો તો ભરવો જ રહ્યો. ખાવાનો વાંધો નથી, પણ વચ્ચેવચ્ચે ‘જે…ય’ પોકારવાનો અને શલોકો સાંભળવાનો ભારે કંટાળો! એમ થાય કે આના કરતાં તો હંસાની ખીચડી વધારે સારી. કાલથી ધર્મશાળામાં કંઈક નવો જુગાડ કરવો પડશે. રાતે ય ઊંઘ નથી આવતી. વળી વળીને વિચાર આવે છે કે હંસાએ આટલો મોટો દાખડો ન કર્યો હોત તો સારું હતું. બન્યું એવું કે એ દિવસે નરહરિ આવવાનો હતો. મેં કહ્યું કે આપડે ઈમને કહીએ કે દીકરાને ય લેતાં આવજો ને જમીને જજો, હંસા વીફરી, આ ‘વીફરી’ શબ્દેય એનો છે. મને કહે : ‘એમના ઘેર જઈએ ત્યારે વિમળાને તો પાણી પાવામાં ય જોર આવે છે. તમારી ભાઈબંધી સાચી. એ તમારા લંગોટિયા ભાઈબંધ છે એ વાતેય સાચી, પણ મને એ બાઈ દીઠ્ઠે ડોળે ય નથી ગમતી ઈનું શું? મેં કહ્યું કે. ‘પણ.. તું સમજ તો ખરી, વિમળાભાભી ક્યાં એકલાં આવવાનાં છે? આ તો નરહરિ નવા વરસનું પંચાંગ આપવા આવવાનો છે તે નિરાંતે ભલે ને જમતો જાય. બે ભેગાં બીજાં ત્રણ!’ બસ એને એ દિવસે એવો વાંધો પડી ગયો કે એકની બે ન થઈ તે ન જ થઈ! નરહરિ આવે એ પહેલાં ઘરમાંથી બહાર નીકળી ગઈ. હમણાં શાક લઈને આવું છું એમ કહીને જતી રહી. જાય તો. ક્યાં જાય? હવેલીએ જઈને બેઠી હશે, પણ ઘરમાં ન રહી તે હકીકત છે. નરહરિ બિચારો આવીને ગયો, એક કપ ચા પણ પામ્યો નહીં. મને બહુ લાગી આવ્યું. આપણે ઘરધણી છતે એક ભાઈબંધને સાચવી પણ ન શકીએ એવું તે કેવું? અને એ ય તે આ હંસાડીને કારણે? હું કશું બોલી ન શક્યો પણ મનમાં એક ગાંઠ પડી ગઈ! વધારામાં એણે સહન ન થાય એવો આક્ષેપ કર્યો. ક્યાં બિચારી સાદી-સીધી વિમળાભાભી ને ક્યાં હું? આટલાં વરસના સંબંધ ઉપર પાણી ફેરવી દીધું! એટલું સારું કે નરહરિ આમાનું કશું જાણતો નથી. નહીંતર તો આ દુનિયામાં જીવવા જેવું જ ન રહેત! હંસાડીએ મને બે શબ્દ કહ્યા હોત તો કંઈક ખુલાસો ય થાત, પણ એણે તો સીધો આક્ષેપ જ કર્યો અને વિમળાભાભીને ન કહેવાનું બધું કહી દીધું. ભાભી તો લગભગ હેબતાઈ જ ગયેલાં. હંસા હવેલીએ ગઈ એ પછી ભાભીએ મને ફોન પર રડતાં રડતાં આખી વાત કરી. ‘હંસાબહેને મને શું એવી હલકી ધારી લીધી? ગગનભાઈ, તમે તો મારા મિત્ર જેવા દિયર છો. કાલ સવારે મને કંઈક થઈ જાય તો ય હું તમારા ભાઈબંધને અને મુન્નાને તમારા ભરોસે મૂકીને જઉં… અને આ હંસાબહેને તો ભારે કરી નાંખી! મારી તબિયત સામે ય ન જોયું? તે દિવસે તમે હોસ્પિટલમાં મારી ખબર પૂછવા આવ્યા ને તમે ઉમળકાથી મારે માથે હાથ ફેરવ્યો ત્યારથી એ શંકાની નજરે જ જોયા કરતાં હતાં એ વાતની મને ખબર છે પણ મેં તમને કે તમારા ભાઈબંધને ગંધ પણ આવવા દીધી નથી. મને એમ કે હળવે હળવે એમનો વહેમ નીકળી જશે..…’ મારી તો એવી દશા થઈ કે શું બોલું ને શું નો બોલું? તરત મને યાદ આવ્યું કે ભાભીની તબિયત ઘણા વખતથી નરમગરમ રહે છે પણ આજના બોલવા પરથી મામલો કંઈક વધારે ગંભીર લાગે છે. મેં પૂછ્યું: ‘કેમ શું થયું છે તમને?’ જવાબમાં એક ડૂસકું ને ફોન શાંત! જો કે ભાભીએ વાત પેટમાં જ રાખી ને મને પણ બધું ખંખેરી નાખવાનું કહ્યું. ઉપરથી કહે કે -’હંસાબહેનને સંતાન નથીને એ કારણે વહેમીલાં થઈ ગયાં છે. પણ દિલથી એ ખરાબ નથી. એવું બધું આપણે ભૂલી જવાનું... બીજું શું?’ પણ મારા મનમાંથી વાત જતી નથી. એમ થાય છે કે ધરતી મારગ દે તો સમાઈ જાઉં! એક બે વખત તો આપઘાતનો ય વિચાર આવી ગયો. મનમાં જાણે હંસા નામનું વલોણું ઘમ્મરઘમ્મ ફર્યા કરે છે. ચોવીસેય કલાક એક જ વિચાર… નથી રહેવું હવે આ ઘરમાં. કરે સાલીને જે તાયફા કરવા હોય તે! ભલે દિવસ-રાત પડી રહેતી હવેલીએ અને કર્યા કરે ઠાકોરજીની શેવાઓ! આપણે રામ તો એમ કરીને નીકળ્યા તે નીકળ્યા. રાત્રે ઊંઘ નથી આવતી. એવું તો નહીં કે હંસા સાવ યાદ નથી આવતી. એમ લાગે છે કે વિરહ કરતાં એની ટેવ વધારે પીડે છે. ઊંઘમાં હાથ ક્યાં મૂકવો એવો પ્રશ્ન થાય. ક્યારેક પગ ઊંધો નાખીએ ને પગ ભોંઠો પડે એવું ય થાય. અચાનક જ ખ્યાલ આવે કે હંસા નથી! જો કે અહીં નિરાંત ઘણી. કોઈનો ય કારણ વિનાનો ટકટકારો નહીં. ક્યારેક સ્વપ્નમાં રનવે પર વિમાન દોડે, જેવીતેવી ઉડાન ભરે ન ભરે ને પાછું ધબ્બ દઈને રનવે પર ઘૂમરીઓ ખાતુંખાતું શાંત થઈ જાય અને એકદમ ઝબકીને જાગી જવાય. હંસાને શું કે ઊંઘ ન આવે તો પહેલાં તો સારીપેઠ નાહી લે ને તોય એને ઊંઘ ન આવે તો ધીમે રાગે બેચાર ભજન ગાઈ નાંખે એટલે વાત પતી જાય. ભજનેય પાછાં ફિલ્મીગીતો પર આધારિત. અમુક વખત ઢાળ યાદ ના આવે તો પહેલાં ફિલ્મીગીતની પહેલી કડી ગાઈ લેવાની ને પછી તો એન્જિન પાછળ ભક્તિની આખેઆખી ગાડી… વગર પાટે દોડ્યા કરે! દોડતાં દોડતાં ક્યારે આંખ મળી જાય એની ખબર ન રહે! છેલ્લા કેટલાક દિવસથી ‘સોહં સોહં’નો નાદ કરતી વખતે જ ‘હંસા હંસા’ એમ કેમ સંભળાતું હશે? એ તો જો કે પહેલેથી જ કહેતી રહી છે કે ‘તમારો મારા વિના ઉદ્ધાર નથી!’ હું હસી પડું ને કહું કે- ‘થોડુક સુધારીને બોલ: વિના સહકાર નહીં ઉદ્ધાર’ એમ કહેવાય! એ મનમાં હસે પણ બહારથી ચીડ દાખવે. એકદમ એનામાં ભક્તાણીનો આવેશ ફરી વળે અને આપણને કંઈક એવી સંભળાવે કે - કંઈક સારું સાંભળવા ઊંચા થયેલા કાન લબડી પડે! ટૂંકમાં કોઈ વાતનો મેળ પડવા દે તો હંસા શાની? વિચારું છું કે એને આવું કેમ થઈ ગયું હશે? બધી વાતમાં કંઈ ને કંઈ વાંધો કાઢવાનો એટલે કાઢવાનો જ. સવારે મારે માટે ચા બનાવે એની કથા આખો દિવસ ચાલે. જે આવે એને કહે, ‘અમારે એમને બારેમાસ આદુવાળી જ ચા ફાવે. ઉનાળામાં ગરમ પડે એનો ય વિચાર ન કરે, પીતા જાય ને કહેતા જાય, હંસા! તારા જેવી ચા બીજું કોઈ બનાવી જ ન શકે ને!’ આટલા બધા દિવસથી અહીં છું. આધ્યાત્મિકતાનો કોઈ રંગ ચડ્યો નથી. અંદર એક સગડી સળગ્યા કરે છે. સતત એનો તાપ વેઠું છું. જીવન જેટલું સુંદર હશે એનાથી વધારે તો કપરું લાગે છે. વળીવળીને એક જ વિચાર આવે છે કે હંસાએ આવું કઈ રીતે ધારી લીધું હશે? વિમળાભાભી તો સાવ ભગવાનનું જ માણસ! અત્યારે એમના મનમાં શું નહીં ચાલતું હોય? પાછું નરહરિને કશું કહેવાનું નહીં અને હું રહ્યો અહીં. હંસા પાસે એમણે બિચારાંએ કેવી કેવી ચોખવટો કરી હશે? હંસાને સાચી વાત સમજાઈ હશે કે નહીં? સમજાઈ હશે તો એનો પસ્તાવો ક્યાં જઈને કરશે? થાય છે કે આજે તો એને મોબાઈલ મારી જ દઉં. આ મોબાઈલ મારવાનો શબ્દપ્રયોગ પણ હંસાનો! એમ કરતાં ય જો વાતનો કોઈ ઉકેલ આવે! વિમળાભાભી વિશેની એની ગેરસમજ દૂર થાય એટલે ઘણું, બાકી હવે મારું મન એનામાંથી ઊઠી ગયું છે એ નક્કી વાત છે. હરિહરનો સાદ પડે છે ને હું દોડી જાઉં છું ભંડારાની લાઈનમાં. લાંબી પરસાળ જેવી ધરમશાળા છે. સામસામે બે લાઈનોમાં જમવાવાળા બેઠાં છે. કોઈ સાધુ, કોઈ ગરીબ પરિવાર, યાત્રાળુઓ અને પચરંગી સમાજ. રુદ્રાક્ષની મોટામોટા મણકાવાળી માળાઓ, ક્યાંક કમંડળ, ઊભું મૂકેલું ત્રિશૂળ, કપાળ પરના ત્રિપુંડ, માથે બાંધેલા ભગવા ફેંટા અને એવું બધું ભગવુંભગવું મને ઘેરી વળે છે. આજે તો ભંડારામાં પાક્કું ભોજન છે ને કંઈ! સામે બેઠેલા એક સાધુની કાબરચીતરી દાઢી ઉપરથી દૂધપાકનો જાડો રેલો ઊતરી રહ્યો છે અને પૂળા જેવી મૂછ ઉપર ચોખાનો દાણો ચોંટી રહ્યો છે. અચાનક એમને ખ્યાલ આવ્યો ને ખભા પરના લાલ ગમછાથી લૂછી કાઢ્યું. મને હાશ થઈ! જેમના તરફથી આજનો ભંડારો છે એ પરિવાર બંને લાઈનની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. બધાં હાથ જોડી જોડીને ધીમે પગલે આવી રહ્યાં છે. એમનો એક નાનકડો દીકરો જમવા બેઠેલા દરેકને દસ દસની કડકડતી નોટ આપી રહ્યો છે. મારો વારો આવે એ પહેલાં ઊભા થઈ જવાનું મન થઈ આવે છે. પણ પછી મનમાં પ્રશ્ન થાય છે કે જમવાનો વાંધો નથી તો એમના ઉમંગ અને ભાવનાઓને ઠેશ પહોંચાડવાનો આપણને કયો અધિકાર? હું પ્રેમપૂર્વક દસની નોટ લઈ લઉં છું. સહજ ભાવે જ એ દીકરાના માથે હાથ ફેરવી લઉં છું. આ દૃશ્ય જોઈને એનાં દાદીમા ખુશ થઈ ગયાં. કહે કે ‘એને સાચા આશીર્વાદ આ મહારાજે આપ્યા!’ ત્યારે ખ્યાલ આવ્યો કે વધેલી દાઢીએ મને ગગનપ્રસાદમાંથી મહારાજ બનાવી દીધો છે! મોબાઈલ હાથમાં લઉં છું ને થાય છે કે હંસા સાથે વાતની શરૂઆત કઈ રીતે કરવી? એક તો એમ કે અહીં આવ્યા પછી એક વખત પણ મેં કોશિશે ય નથી કરી, તો સામે એણે પણ નથી જ કરી ને? નહીંતર મિસ્ડકોલ તો બોલે જ ને? કદાચ એને મારી જેમ છૂટકારાનો આનંદ પણ થયો હોય અને વાત કરવાની જરૂરે ય ઊભી ન થઈ હોય! ખબર નહીં કેમ, પણ આજ સવારથી બેચેનીનો અનુભવ વધી ગયો છે. સાચું પૂછો તો હરિદ્વારમાં મને કોઈ પણ પ્રકારનો આનંદ તો નથી જ આવ્યો, ઊલટું આવ્યો છું ત્યારથી ઊંડે ઊંડે સતત બળતરામાં જ બધો સમય ગયો છે. આંગળીઓ મોબાઈલના કી પેડ ઉપર ફરી વળે છે. ચાર-પાંચ રીંગ પછી કોઈ ફોન ઉપાડે છે. ‘હલ્લો...’ આ અવાજ હંસાનો તો નથી જ. હું પૂછું છું ‘કોણ બોલો છો?’ પૂછતાં પૂછતાં જ ખ્યાલ આવી ગયો કે આ તો પડોશીની દીકરી નીના! નીના કેમ છે બેટા! તું મજામાં? તારી આંટીને જરા ફોન આપજે તો!! એ છોકરી પણ ક્ષણભર માની ન શકી કે મારો ફોન છે. ‘અંકલનો ફોન. અંકલનો ફોન…’ બોલતાં એણે હંસાને ફોન પકડાવી દીધો. ‘હલ્લો હું બોલું છું!’ ‘હા બોલો!’ એટલું બોલતાંમાં તો એનો અવાજ જાણે ઢોળાઈ ગયો. ‘જલદી આવી જાવ…જલ્દી!’ અને એક ડૂસકું… વળી બીજું ડૂસકું એનું ગળું ભરાઈ આવ્યું. માંડ માંડ એ બોલી, આટલું બોલી : ‘વિમળાભાભીને..... દવાખાને... વાડીલાલમાં દાખલ કર્યાં છે તમને બહુ જ સંભારે છે... ચાર દિવસ પહેલાં તમારો જન્મદિવસ ગયો… બોલો એ ય એમને યાદ હતું!’ અને નેટવર્ક કપાઈ ગયું! મેં ફરી માથાકૂટ કરી જોઈ પણ વ્યર્થ! વહેલામાં વહેલી જે બસ મળી એમાં દિલ્હી આવ્યો, પછી જે ટ્રેઈન મળી એમાં નીકળી આવ્યો. સ્ટેશનેથી જ હંસાને કહ્યું કે ‘તું સીધી જ વાડીલાલ પહોંચ... હું ત્યાં જ આવું છું.’ એણે કહ્યું કે, ‘એ તો વાડીલાલમાં જ છે અને ભાભીની હવે ઘડીઓ ગણાય છે. જલદી પહોંચો.’ હું રિક્ષામાં વાડીલાલ પહોંચ્યો ત્યારે લોબીમાં બધાં એકઠાં થઈ ગયાં હતાં. ‘આ આવ્યા. આ આવ્યા...’ થયું ને મને હાથ પકડીને નરહરિ અંદર લઈ ગયો. ‘તારી ભાભીનો જીવ તારા નામે જ લટકી રહ્યો છે.’ હું પલંગ પાસે પહોંચ્યો ત્યારે એક-બે ડૉક્ટરો અને નર્સ નાડીના ધબકારા વગેરે ચેક કરી રહ્યાં હતાં. નરહરિએ વિમળાભાભીના કાન પાસે જઈને ધીમેકથી કહ્યું, ‘ગગન આવ્યો છે, ગ...ગઅન!’ એમણે હળવેથી હાથ ઊંચો કરવા જેવું કર્યું, સ્હેજ આંખો ખોલી. હોઠ ફફડ્યા, કંઈ સમજાતું નહોતું. મેં એમનો હાથ મારા હાથમાં લીધો. ‘ભાભી! હંસા વતી હું તમારી માફી માગું છું.’ મારાથી એક ડૂસકું નંખાઈ ગયું. મેં એમના કપાળે હાથ મૂક્યો અદ્દલ તે દિવસની જેમ અને એમનો શ્વાસ જાણે ઊંડા કૂવામાં કોસ જતો હોય એમ ઊતરવા લાગ્યો અને થોડી વારમાં કોસ કૂવામાં લાંબો થઈને પડે એમ એમણે દેહ છોડી દીધો! એક સાંજે હું અને હંસા ફળિયામાં બેઠાં હતાં. હંસાએ જ વાત છેડી: ‘આપણને બહુ મોડે મોડે, એટલે કે એમના અવસાન પછી જ ખબર પડી કે વિમળાભાભીની પહેલી માંદગી વખતે જ ફેફસાંનું કેન્સર અને તે પણ છેલ્લા તબકકાનું છે એવું નિદાન થયું હતું. પણ ભાભીએ સમ દઈને નરહરિને કહેલું કે, ‘ગગન-હંસાને આ વાતની ખબર પડવા ન દેશો. એ જાણશે તો સહન નહીં કરી શકે!’ હું ખાલીખાલી વહેમાઈ ને તમને બંનેને દુ:ખી કર્યાં, બને તો મને માફ કરી દેજો. ખબર નહીં કેમ પણ ગગન, મારો તમારા પ્રત્યેનો પ્રેમ જ એવો આંધળો કે કોઈ તમને ચાહે એ વાત જ હું કલ્પી શકતી નહોતી. પછી તો મને બધે પીળું જ દેખાતું… ન કહેવાનું ય કીધું હશે, પણ હવે એનો ધોખો કર્યે ય શું વળે? પણ એક છે કે હવે આપણે નરહરિભાઈને સાચવી લેવાના!’ મેં કહ્યું, એકલા નરહરિને નહીં.... મુન્નો ક્યાં જશે? ભાભી આપણને દીકરો ય આપતાં ગયાં છે ને?’ હું ગગનપ્રસાદ મગનલાલ વૈદ્ય, ઉંમર વર્ષ ઓગણસાઠ, મૂળ રહેવાસી જાફરાબાદ, પણ હાલ અમદાવાદ. મેં મારી શુદ્ધ બુદ્ધિથી, કોઈનાં કે કોઈ પણ જાતનાં શારીરિક કે માનસિક દબાણ વગર, જાતે-પોતે પૂરી સબૂરી અને સભાનતાથી આ લખાણ લખ્યું છે. મારી પત્ની નામે હંસા જે હવેલીવાળા ઠાકોરજી પછીના ક્રમે મને અપરંપાર ચાહે છે અને એટલે જ કોઈ મને ચાહે કે ચાહી શકે એવું વિચારી પણ શકતી નથી. હું એનો પ્રેમ માથે ચડાવું છું. જો કે એની આવી તીવ્ર ચાહનાને કારણે જ છેલ્લાં કેટલાંક વર્ષોથી પત્ની તરીકે તો શું પણ એક સામાજિક તરીકેનો ય વ્યવહાર અમારી વચ્ચે રહ્યો નથી. વિમળાભાભીએ મને એના સગ્ગા દિયર કરતાં ય વધારે ચાહ્યો હતો એમાં બેમત નથી. મારી સાથે એમની બહેનપણીની જેમ વાત કરતાં, પણ તનથી કે મનથી અમે અમારા સંબંધને અભડાવ્યો નથી. એમનો હાથ મારા હાથમાં હતો ને એ ગયાં. હું ઈચ્છું છું કે મારા અંત સમયે નરહરિના અને હંસાના હાથ મારા હાથમાં હોય!