મુકામ/ચોકિયાત
ચોકિયાત
નંદાબાએ પરસાળ ઉપર જુવારના દાણા નાંખ્યા ને સામેના લીંબડે બેઠેલો મોર મોટા ફફડાટ સાથે નળિયાં ઉપર આવ્યો. છક્ છક્ અવાજ કરતો મોભારેથી નેવે અને એક નાનકડી ઉડાન સાથે સીધો જ પરસાળ ઉપર. ચાંચ નાંખે ને દાણા ફેલાતા જાય. થોડી વારમાં આખું ફળિયું દાણા દાણા થઈ ગયું. ડેલીમાંથી લપાતીછુપાતી આવતી હોય એમ બે ઢેલ આવી. મોરની કલગી ઉપર-નીચે આમતેમ થવા લાગી. ચપોચપ દાણા ઊપડવા લાગ્યા ને મોરના પગથી જમીન ઉપર ભાત રચાવા લાગી. નંદાબા તો દાણા નાંખીને સીધાં ખોડિયારમાના ઓરડે પૂજા કરવા ચાલ્યાં ગયાં. ભાણીબા મોર અને ઢેલને જોઈ રહ્યાં. એક ઢેલ મોરની નજીક આવી, એની પાંખમાં મોરે ચાંચ નાંખી કે તરત જ બીજી ઢેલે ડચ્ચ્ ડચ્ચ્ એવો અવાજ કર્યો અને મોર પીઠ ફેરવી ગયો, ચુપચાપ દાણા ચણવા લાગ્યો. દાણા ચણતાં ચણતાં એ વચ્ચે વચ્ચે ડોક આમતેમ કરી લેતો. પળ વાર થંભીને ઊંચે જુએ…થોડી વાર પીંછાં થથરાવે ને વળી પાછો ચણવા લાગી જાય. રસોડામાં મામીસાહેબ રોટલા ઘડી રહ્યાં હતાં એના ટપકારા સંભળાતા હતા. ભાણીબાને જાણે બીજું કંઈ કામ જ ન હોય એમ નિરાંતે માથું ઓળવા બેઠાં. એમણે ઓશરીના જેર ઉપર બેસીને વાળ છોડ્યા. લાંબા-વાંકડિયા વાળ નીચે લાદીમાં ગૂંચળું વળીને પડ્યા. બાજુમાં પડેલો કાંસકો હાથમાં લે અને વાળમાં મૂકે એ પહેલાં ખોંખારો સંભળાયો. કાકુભા એટલે કે મામાસાહેબ ઉતારેથી ઓરડા તરફ આવી રહ્યા હતા. ભાણીબાએ બંને હાથ ઊંચા કરીને વાળ ભેગા કરી લીધા ને ફટાફટ ઢીલો અંબોડો લઈ બાજુમાં ઊભાં રહી ગયાં. નીચી નજરે ભાણીબા સામે જોઈને કાકુભા અંદરના ઓરડે ગયા, મિજાગરાના ચઈડ...ચૂં... અવાજ સાથે કબાટ ઊઘડ્યો, કંઈક ખાંખાંખોળા ને કબાટ બંધ! કાકુભા કોઈને કંઈ પૂછ્યાગાછ્યા વિના પાછા ઉતારે ચાલ્યા ગયા. ભાણીબાને થયું કે, કહો ન કહો પણ આજ મામાસાહેબ કંઈક ઉચાટમાં છે એટલું નક્કી! અચાનક એમને ખ્યાલ આવ્યો કે મામાસાહેબને કદાચ મામીસાહેબનું કામ હતું પણ પોતાને જોઈને ઉતારે તો નહીં ચાલ્યા ગયા હોય? મામીસાહેબે છેલ્લો રોટલો ઘડીને તાવડીમાં નાંખ્યો એટલે ભાણીબાએ કહ્યું, મામીસા, આ રોટલો હું ઉતારી લઈશ. તમે જાવ, કદાચ મામાસાહેબને તમારું કામ છે… હાથ ધોઈને મામીસાહેબ ઓરડે આવ્યાં. ફરી એક ખોંખારો ને મામાસાહેબ પાછા ઓરડે….ફરી કબાટના મિજાગરાનો અવાજ! નંદાબા અને ભાણીબા બેય મામા-ફૈની બહેનો. બંને વાતે વળી. ભાણીબાએ કહ્યું, ‘નંદાબા! આ માગશરે તો તમે ચાલ્યાં. પછી હું અહીં એકલી પડી જઈશ!’ નંદાબા જરા કોઠાડાહ્યાં એટલે કહે કે, ‘આવતા માગશરે તો ભાણીબા તમેય અહીં નહીં હો… એયને મજાના જલસા કરતાં હશો તમારે સાસરે!’ ભાણીબાની આંખો ભીની થઈ ગઈ… એ મનોમન બોલ્યા કે ‘તમારું ઠેકાણું તો બહુ પહેલેથી નક્કી થઈ ગયેલું… મારું તો આ દુનિયામાં મામાસાહેબ અને મામીસાહેબ સિવાય છે કોણ? જનમ દેનારાં તો ગયાં મને અહીં મૂકીને મોટે ગામતરે! ને મામાસાહેબ તો તમારું આણું કરશે પછી વાંહે રહેશેય શું તે મારું કરે?’ નંદાબા એ વણકહેલા શબ્દો જાણે સાંભળી ગયાં હોય એમ હળવે રહીને કહે, ‘આપડી ઉપાધિનું ઈમાં કાંઈ નો હાલે… સઉસઉંનાં ભાગ્ય હોય છે ને?’ ઓરડે મામાસાહેબ અને મામીસા કંઈક ગુસપુસ કરી રહ્યાં હતા. મામીસાનો અવાજ સંભળાયો… ‘કંઈક તો કરવું પડશે ને? નો હોય તો વ્યાજવા લઈ આવો...હળવે હળવે બધું ભરશું...બે-પાંચ વરહે વ્યાજમાંથીય છૂટાં થઈ જાશું... જો આવતું વરહ સારું આવે તો... પણ કરીએ તો બેયનું હારે… અને હા, ભાણીબા તો નંદાબા કરતાંય છ-સાત મહિના મોટાં છે… એને ઓછું નો આવવા દેવાય.’ ભાણીબાનું નામ પડ્યું ને કાકુભાની આંખ આગળ બહેનબા અને બનેવીસાહેબના ચહેરા તરવરી રહ્યા. પળ વાર ડૂમો ભરાઈ ગયો. બચપણમાં બંને ભાઈ-બહેન એકબીજાંને કેવાં ચીડવતાં એ બધું યાદ આવી ગયું. કાકુભા જાણે કશુંક ગળી જતા હોય એમ થૂંક ઉતાર્યું, પણ બહેનબા અને બનેવીસાહેબની નનામીઓ મનમાંથી આઘી ખસતી નહોતી. ભાણીબાને મામાસાહેબને ત્યાં મૂકીને બંને જણ કાશીએ જાતરા કરવા ગયેલાં, જાતરા જાતરાને ઠેકાણે રહી ને અચાનક હોડી ઊંધી વળી ગઈ…… ઘડી વારમાં તો ખેલ ખલાસ! બનેવીસાહેબ જેવો તરવૈયો પણ ગંગામૈયાના આવેગ સામે લાચાર થઈ ગયો! હોડીમાં તો બીજાં ઘણાંય હતાં પણ આ બંનેનું ટાણું આવી ગયેલું! એ દિવસની સંધ્યાએ ગંગાના પ્રવાહમાં તરતા દીવાઓમાં બે દીવા ઓછા હતા એની જાણ તો છેક ચાર દિવસે થયેલી. ત્યારની ઘડી ને આજનો દી’! મામાસાહેબ અને મામીસાએ ભાણીબાને નંદાબાની જેમ જ આંખનું રતન માનીને ઉછેર્યાં. ઘરના નોકર દૂદાએ એકા ઉપરથી કૂદકો માર્યો. મોર અને ઢેલ ત્રણેય ઊડી ગયાં. દૂદાએ બળદને છુટ્ટો કર્યો કે તરત એ ગમાણ પાસે જઈને ઊભો રહી ગયો. એક્કા ઉપર મોટું પીપ આડું પાડીને ગોળ લોખંડની પટ્ટીઓથી ફિટ કરાવેલું. દૂદો દિવસમાં પાંચ-છ વાર એકો લઈને પાણી ભરવા કૂવે જાય. આખા ઘરનું પાણી એણે જ સારવાનું. કૂવો તો કાકુભાના ફળિયે જ હતો પણ એમાં પાણી ન રહ્યું એટલે ગામકૂવેથી મંગાવવું પડતું. નંદાબાએ દૂદાને જોયો કે તરત બાપુ સામે જોઈને બોલ્યાં, ‘બાપુ! તમને કહી કહીને થાકી, આ કૂવો દહ-પંદર હાથ ઊંડો ઉતરાવો તો પાણીની બલા ટળે! પણ તમે તો આખો દી’ ડાયરામાંથી જ ઊંચા નથી આવતા! પાણીની બહુ તાણ્ય પડે છે... નહાવું-ધોવું કેમ? આ તો ઠીક છે કે દૂદો છે… નહિતર... માથે બાંધેલું ફાળિયું ઠીક કરતાં બાપુએ વાતાવરણને થોડું હળવું કરવાનો પ્રયત્ન કર્યો. હસતાં હસતાં કહે કે - ‘નવાય જ નહીં, નાય ઈ નરકે જાય...!’ નંદાબા અને ભાણીબા ખખડી પડ્યાં. ‘તમે કહેતા હશો તો હું નરકે જઈશ! પણ નાહ્યા વિના તો નંઈ જ ચાલે!’ મામીસાહેબે અંદરથી ટહુકો કર્યો. કાકુભાને ખ્યાલ પણ ન રહ્યો ને અચાનક બોલી પડ્યા, ‘હા, હવે તો કૂવા જ ઊંડા કરવાના છે ને!’ એ ઊભાં થઈને વળી ઉતારા તરફ ચાલી નીકળ્યા. આજે એમની દોડધામ વધી પડી હતી. ઉતારેથી ઓરડે ને ઓરડેથી ઉતારે! વાત જાણે એમ હતી કે માગશરમાં આણું કરીને નંદાબાને વળાવવાનાં હતાં. મામીસાહેબનો આગ્રહ એવો કે ‘બેયનું હાર્યે જ કરવું. ભાણીબાનું તો આમેય કોણ કરવાવાળું છે? આમ જુઓ તો બહેનબાના સાસરિયે ક્યાં મેલ્યો મારગેય હતો? પણ ભાયાતુંએ બધું પડાવી લીધું…આટલાં વરસ વીતી ગયાં પણ ભાણીબાનો કોઈએ ગંધબરોડોય ન લીધો! વળી, મારી દીકરી નંદાબાને આણે વળાવું ને ભાણીબાનું ન કરું તો લોક વાતું કરે… લોક તો મૂઆં જે કહે ઈ, પણ નંદાબાના આત્માને કેટલું દુઃખ પહોંચે?’ ધીરે ધીરે કરતાં જેમ ફળિયાના કૂવાનાં પાણી ઊંડી ઊતરતાં ગયાં એમ જ કાકુભાનું ઘર ઘસાતું ગયેલું. એક પછી એક બધું પગ કરી જવા લાગ્યું. છેલ્લે એક વાડી ને આ ડેલીબંધ મકાન બચેલાં. દીકરીઓને તો ગમેતેમ કરીને વળાવી દેવાય, પણ પછી શું? કાકુભાથી કંઈ મજૂરી તો થાય એમ નહોતી. મજૂરી માટે શરીર અને આબરૂ એકેય રજા આપે નહીં! બેય માણસ અંદરથી કોચવાતાં જાય ને મારગ ફંફોસતાં રહે... આવી પીડા કહેવીય કોને? જ્યાં વાત નાંખો ત્યાં ઉકેલ આવવાને ઠેકાણે હાંસી થાય! નંદાબાના સાસરેથી કહેણ ઉપર કહેણ આવે ને કાકુભાની હરફર વધી જાય. અમથા અમથા વલોવાયા કરે... બેય દીકરીઓ અને મામીસાહેબ ખોખારા ઉપરથી કાકુભાની પરિસ્થિતિ વરતી જાય. એકબીજાંને સહુ લાચાર નજરે જોયાં કરે.... કાકુભા કોઈ દિવસ નહીં ને આજે ઊભા પગે રોંઢો કરવા બેઠા. મનમાં ચાલતી ગડમથલ છૂપી રહે એમ નહોતી. ડૂચા વાળતા હોય એમ રોંઢો કરીને તરત ચાલતા થયા. હાથમાં લીધી લાકડી ને વાડી તરફ પગ ઉપાડ્યા. એમને જતા જોઈને ઘોડીએ હણહણાટ કર્યો, કાકુભાએ હણહણાટ સાંભળ્યો ન સાંભળ્યો કરીને ચાલવા માંડ્યું. આખે રસ્તે વિચારતા રહ્યા, ભાણીબાનું આણુંય હારોહાર થઈ જાય તો રંગ રહી જાય! પણ વાસ્તવિકતા એ હતી કે એમનું આણું તો થઈ જાય પણ એ પછી પોતાના જીવતરનો રંગ ઊપટી જાય…! કાકુભાએ જોયું કે મોટાભાગનાં જીંડવાંમાંથી કપાસ બહાર આવવા મથી રહ્યો છે. લચી રહેલા કપાસને વીણીને ઠેકાણે પાડવાનો સમય પાકી આવ્યો છે. થોડાંઘણાં જીંડવાં બાકી છે એય બે-ચાર દિવસમાં ઊઘડી જશે. આ વખતે જો છેલ્લી ઘડીએ ભાવ બેસી ન જાય તો નાંખી દેતાંય પચાસેક હજાર તો ઊપજે જ. એ વાડીના કૂવે ગયા. એમના પગરવને કારણે એક કબૂતર ફડફડાટ કરતું ઊડ્યું ને સામેની પીંપર ઉપર જઈને બેઠું. કાકુભાને થયું કે પાછળ ને પાછળ બીજું કબૂતર ઊડશે જ, પણ એમ ન થયું. એ બીજું કબૂતર કૂવામાંના ગોખલામાં જ બેસી રહ્યું. નંદાબા અને ભાણીબાના ચહેરા તરવરી રહ્યા. એ ઇચ્છતા હતા કે બંને કબૂતર ઊડી જાય પણ કાકુભાનો કાબૂ જાણે જાત ઉપર ન રહ્યો. એમણે અચાનક તાળીઓ પાડી અને મોટેથી હાંકોટો કર્યો. કૂવામાં બેઠેલા કબૂતરે ઊડવાનો પ્રયાસ કર્યો પણ કોણ જાણે કેમ એ એક ગોખલામાંથી ઊડીને સામેના બીજા ગોખલામાં જઈ બેઠું! કાકુભા જાણે જીદે ચડી ગયા. એમણે જોરજોરથી હાંકોટા કર્યા તાલીઓ પાડી… છેવટે કબૂતરે હતું એટલું જોર કર્યું ને જોરદાર ફફડાટ સાથે એ કૂવાની બહાર નીકળ્યું ને ઊડી ગયું… કરિયાવરની ગડમથલમાં પડેલા કાકુભાને હૈયે ઉચાટ ફરી વળ્યો. વિચાર્યું કે આ વખતે અનોપચંદ શેઠને કહીએ તોય પૈસા મળે એમ નથી. આગળનો હિસાબ જ એટલો બધો ખેંચાતો આવે છે કે... બહેનબા અને બનેવીસાહેબની ગેરહાજરીમાં લોક તો ઠીક, કે બે દિવસ વાત કરીને બીજા રવાડે ચડી જાય, પણ વેવાઈને શું જવાબ દેવો? એમનું મગજ ચકરાવે ચડી ગયું. ઘડીભર લાગ્યું કે પોતે કૂવામાં ફંગોળાઈ જશે કે શું? એમણે પ્રયત્નપૂર્વક પોતાની જાતને ત્યાંથી ખસેડી લીધી, ફાટફાટ થતા કપાસ ઉપર ઠેરવી. પણ, એમને એ કપાસ ને એની પાછળ કરેલી મહેનત પોતાની ન લાગી. લચી પડેલા એક જીંડવામાંથી એમણે થોડો કપાસ ખેંચ્યો. બેય હાથની આંગળીઓથી તાણા છુટ્ટા કરતા જાય ને પાછા ભેગા કરતા જાય. કપાસ તૂનતાં તૂનતાં ખ્યાલ આવ્યો કે ધારણા કરતાં વધારે સારો પાક ઊતર્યો છે. ભાવેય ઠીક આવશે...! પોતાના હાથમાં રહેલા કપાસમાંથી એમણે દિવેટ વણી. પીપળ નીચે આવેલી સુરધનની દેરી તરફ પગ વાળ્યા. જોડા કાઢીને કુંડીના પાણીથી પગ ધોયા. દેરી આગળ બેસી પડ્યા ને બોલ્યા, ‘હે દાદા! તું કરે એ ખરું!’ હાથ લંબાવીને જુએ છે તો ડાબલીમાં ઘી સાવ થોડું જ બચ્યું હતું. ડાબલીમાં આંગળી ગોળ ગોળ ઘસી. આંગળીની ગરમીથી જ ઘી ઓગાળ્યું. જેમતેમ દિવેટ બોળી અને કોડિયામાં મૂકી. ખિસ્સામાંથી લાઈટર કાઢીને દીવો પ્રગટાવ્યો. ફાળિયું ઉતારીને પગે લાગ્યા. આખી વાડીને આંખમાં ભરી લેવી હોય એમ નજર ફેરવી, મનમાં કશોક સંકલ્પ કરીને પગ ઉપાડ્યા.
ગામ આખામાં વાહ વાહ થઈ ગઈ. લોક વાતો કરે કે કાકુભાએ પ્રસંગ બહુ સારો કર્યો. બેય દીકરીયુંનાં ખાંડાં વળાવ્યાં… ભરોટાં ભરીને કરિયાવર દીધો! પાછો વળી વિવેકેય કેવો કે નંદાબા કરતાં ભાણીબાને બે તોલા ને અગિયાર જોડ વધુ! દરબારગઢની હાર્યે વહવાયાંય પેટ ભરીને જમ્યાં. બે દી’ તો ગામ જાણે રંગે ચડ્યું’તું… કાકુભાના ઉમંગમાં બાકી કહેવાપણું નહીં! બેય દીકરીઓ સાસરે ગઈ. ઘર તો જાણે સાવ સૂનો માળો! ચરકલડીઓના ચિચિયારા હવામાં ઓગળી ગયા. કાકુભા આખો દિવસ બસ ઉતારે જ પડ્યા રહે… ઓરડે આવવાનું તો સાવ ભૂલી જ ગયા. આ બાજુ ઠકરાણાંય ખોબે આંસુડે રડતાં રહે.. જાણે ઘરમાં બીજું કોઈ છે જ નહીં! વાસણકૂસણથી માંડીને નાના વાછડા સહિત બધાંય મૂંગામંતર! એકલો દૂદો તે વળી બાનું મનોરંજન કરી કરીને કેટલુંક કરે? દૂદાએ જાણી જોઈને પૂછ્યું. ‘બા, તમે હા કહેતાં હો તો હું નંદાબાને સાસરે એકાદ આંટો દઈ આવું?’ નો જવાય, દૂદા! હજી હમણાં તો દીકરી વળાવ્યાં છે, તું જા તો અવળો અરથ થાય... એમનાં સાસરિયાંને લાગે કે અમે તને ચર્યા જોવા મોકલ્યો છે!’ ‘પણ બા, કપાહ ભેળાં થ્યેલાં ટમેટાંનો પાર નથી. હું ટમેટાંનું પોટલું દેતો આવું ને નંદાબાનું મોઢુંય જોતો આવું!’ ઠકરાણાંને એ વિચાર ઠીક લાગ્યો. કહે કે, ‘કાલ વાડીએ જાજે ને ટમેટાંની બે ફાંટ ભરતો આવજે! ભાણીબાય નંદાબાથી આઘાં નથી. બે ગાઉ વધારે... એક ફાંટ ત્યાંય દેતો આવજે…’ આછો ખોંખારો સંભળાયો ને એ બંનેને ખાતરી થઈ ગઈ કે એમની વાત કાકુભા સાંભળી ગયા છે. કોઈ દી’ નહીં ને આજે એ જેર ઉપર જ બેસી પડ્યા. દૂદાને બે અડાળી ચા લાવવાનું કહ્યું. દૂદો અંદર રસોડે ગયો ને ઠકરાણાંનો અવાજ સંભળાયો.... ‘કંઈ ચંત્યામાં છો? આંયા અંદર પધારો…’ કાકુભાને જાણે આશ્વાસનનો આશરો જ જોતો હોય એમ ઓરડામાં ગયા. ઢોલિયે બેઠા. નેણ ઉપરના વાળ સરખા કરતાં તૂટક તૂટક પણ ગંભીર અવાજે બોલ્યા, ‘કાલ્ય દૂદાને વાડીએ નો મોકલતાં!’ ઠકરાણાં પકડાઈ ગયાં હોય એમ હળવે હસીને કહે, ‘દૂદો કહેતો હતો કે...’ ‘હા, પણ ઈને ના પાડજો… હમણાં નથી જાવાનું! થોડાક દી’ જાવા દ્યો, પછી જવાશે... જાવાના દી’ ઘણા છે!’ ‘પણ મારે કે તમારે થોડું જાવું છે?’ દૂદાને જાવામાં શો બાધ? ઈ એની આંખે બેય દીકરીયુંને જોઈ આવે ને સમાચાર લેતો આવે ઈય ઘણું!… તે મેં કીધું કે વાડીએથી કાલ્ય થોડાંક ટમેટાં....’ કાકુભાએ છતમાંથી નીચે પડતા ચાંદરણા સામે જોયું. હળવો ખોંખારો ખાધો ને પછી હળવેથી બોલ્યા... ‘હવે આપડી વાડી આપડી નથી રઈ! કપાહ ને ટમેટાં ભેળી જ ખાબધાબ દઈ દીધી અનોપચંદ શેઠને! ત્યારે તો રંગેચંગે પરસંગ કર્યા ને!’ ઠકરાણાં તો જાણે ભીંતમાં જ જડાઈ ગયાં હોય એમ સ્થિર થઈ ગયાં. એમનો આત્મા રડતો હતો પણ આંખમાં એક આંસુ ય ન દેખાયું. એકદમ એ કાકુંભા પાસે આવીને બેસી પડ્યાં. નીચી નજરે મૂંગાં મૂંગાં બેઠેલાં ઠકરાણાંની પીઠ ઉપર બાપુ હાથ પસવારતા રહ્યા. દૂદાએ કાચની રકાબીઓ ખખડાવી ત્યારે બેયને ખબર પડી. એમણે જરા પણ હાલ્યાચાલ્યા વિના ઠકરાણાંનો વાંસો પસવારવાનું ચાલુ રાખ્યું અને દૂદાને કહ્યું, ‘તુંય અહીં બેસ, તું ક્યાં પારકો છો?’ દૂદાએ કીટલીમાંથી બંને રકાબીમાં ચા કાઢી. કાકુભાએ એને ત્રીજી રકાબી લઈ આવવા કહ્યું... દૂદો ગયો એવો જ આવ્યો... ‘તું અહીં બેસીને અમારી ભેળો ચા પી!’ સઈડ સઈડ અવાજ સાથે દૂદાએ ચા પીવાની શરૂઆત કરી. કાકુભાનો ખોંખારો બહાર આવતાં આવતાં જ જાણે અટકી ગયો. દૂદો ને ઠકરાણાં બંને સ્થિર નજરે જોઈ રહ્યાં. ‘વાત જાણે એમ છે કે આપડે વાડી કાઢી નાંખી! અનોપચંદ શેઠને દઈ દીધી….ખાબધાબ! એટલે હવે કપાહ કે ટમેટાં ઉપર આપડો હક નો લાગે..’ ઠકરાણાં હળવે સાદે બોલ્યાં, ‘થઈ રિયું! એક આ વાડી હતી તે મનમાં થડકો નહોતો! તમારાથી તો મજૂરીય થાય ઈમ નથી… શું કરશું? હવે તો ઉપરવાળો જ ધણી...! ખરું કરે ખોડિયાર!’ કાકુભાએ ઠકરાણાંને ધરપત આપતાં કહ્યું, ‘એમ કંઈ સાવ એવુંયે નથી! આપડે રોજ વાડીએ તો જાવું જ પડવાનું… વાડીએ ગ્યા વિના રોટલોય શેં ગળે ઊતરે? વાડીએ તો રોજ જાવાનું… ન્યાં જ રે’વાનું… શેઠે મને નોકરી જ વાડીની દઈ દીધી!’ કહે કે, ‘કાકુભા, તમે જ આજથી એના ચોકિયાત!’ એક ઊંડો શ્વાસ લઈને કાકુભા બોલ્યા, ‘વાડી શેઠની ને આપડે જ ચોકિયાત! એટલે નંઈ ચિંતા ખાતરની કે નંઈ ઉપાધિ પાણીની… એયને બસ પીંપરના ટાઢે છાંયડે હિલ્લોળા મારવાના...’ આખા ઓરડામાં ચોકિયાત શબ્દ ગૂંજી રહ્યો. દૂદો સહેજ પણ અવાજ ન થાય એમ રકાબીઓ ભેગી કરીને કિટલી લઈને ચાલતો થયો...