મુકામ/દેવપૂજા


દેવપૂજા

માનો એવો આગ્રહ કે દેવપૂજા તો રોજ થવી જ જોઈએ, એ પણ નરણે કોઠે. ગોખલામાં વાઘેશ્વરી અંબાની કાચમઢી તસવીર. એની આગળ લાકડાનું નાનું એવું સિંહાસન. એના ડાબા ખૂણાના લાકડાની ખીલી નીકળી ગયેલી તે ઉપરની વાડ જરાતરા હલ્યા કરે. વચ્ચોવચ્ચ તાંબાના થાળામાં મધુરંગી પથ્થરનું શિવલિંગ. શિવલિંગ ઉપર નાગની ફણા. જમણી બાજુ સિન્દૂરે ઓપતા આકડેશ્વર ગણપતિ. ડાબી બાજુ પિત્તળના લાલજી. એમને ન કોઈ પાઘ, ન કોઈ અંગરખું, ન તો જરકસી જામા, ન કોઈ મુગટ કે ન મળે માળા. એકદમ શિશુરૂપ. લાલાની આગળની પંક્તિમાં શાલિગ્રામ. એમની બાજુમાં ગૌગોટો. ગૌગોટાની પડખે ક્ષીરચક્ર. આ બધાંની આગળ દક્ષિણમુખ શંખ. એની પાસે, વળીને ત્રાંસું થઈ ગયેલું લક્ષ્મીયંત્ર. બંને બાજુ એક એક દીવો મૂકવાની જગ્યા. બધાંનાં સ્થાન નિશ્ચિત, ગોખલાની નીચે એક નાનકડું જૂનું ટેબલ. એના ઉપર ઓરસિયો અને ચંદનનું લાકડું. ચંદન રોજ ઘસાય એટલે ઓરસિયો પણ ઉપરથી ધોળો. ઘસી- ઉતારેલું ચંદન ભરવા આંગળી જેવડી સફેદ ચમકતી છીપ. પડખે તૈયાર દિવેટોનો ગોળ ડબ્બો, ઘીનું કરહલું, ઘોડા છાપ બાક્સનું ખોખું અને કોહિનૂર અગરબત્તીનું ભૂંગળું ભીંતને અડીને પડ્યાં રહે. પહેલાં તો મા પોતે દેવપૂજા કરતાં, એ કૈલાસવાસી થયાં પછી પિતાજીનો વારો આવ્યો. હું બાજુમાં બેઠો બેઠો જોયા કરું. પહેલાં તો પિતાજી કોઈ નાના બાળકને ઉપરથી તેડીને ઉતારતાં હોય એમ જાળવીકને સિંહાસન નીચે ઉતારે. પછી ગોખલામાં રહેલા ફોટાને સહેજ ભીના કરેલા કપડાથી સાફ કરે. ગઈ કાલે કરેલા કંકુ-ચાંદલાને ઘસી ઘસીને દૂર કરે. એ જ કપડાથી ગોખલો ઝાપટે. પછી ‘હે મહાદેવ!’ એમ બોલતાં નીચે બેસે ત્યારે એમના પગમાંથી, બેસતાં-ઊઠતાં ખાટલાની ઇસમાંથી આવે એવો અવાજ આવે. પિતાજીને દેખાવાનું ઓછું થયું એટલે સેવાપૂજાનું મને સોંપાયું. શરૂઆતમાં તો હું પણ એમની જેમ જ ભક્તિભાવથી દેવોને ઉતારું, તાંબાની તરભાણીમાં પ્રેમથી ધીમી ધારે અભિષેક કરું. ચોખ્ખા કપડાથી લૂછું. પછી ચંદન ઉતારું. ઓરસિયા પર ચંદન ઘસાય ત્યારે ખસરક લસરક...લસરક ખસરક એવો અવાજ આવે. જરૂર મુજબ આચમનીથી ટીપું ટીપું પાણી ઉમેરતો જાઉં. ચંદન ઘસાઈ રહે એટલે હથેળીના નીચેના ભાગમાં લઈને છીપમાં ઉતારું. છીપમાં ચંદન અને પાણીનાં વળિયાં રચાય. અનામિકાથી કરેલા ચંદનના મોટા ચાંદલા ઉપર કંકુનો નાનો ચાંદલો કરું ત્યારે ભગવાનના અંગે પારિજાત ખીલી ઊઠે! એના ઉપર જૂઈનાં મહેક-મહેક ફૂલો ધરું. પછી દીવો ને અગરબત્તી. પૂજામાંથી ઊઠીને તરભાણીનું જળ તુલસીક્યારામાં રેડું. રોજ પૂજા કરતી વખતે એમ લાગે કે ભગવાન પ્રસન્ન થયા છે ને એમના આશીર્વાદ મારી ઉપર ઊતર્યા છે. પણ, પછી તો એવું થયું કે ભણવાને કારણે એક તો મને સમય હોય નહીં ને બીજું, રોજ આ એકની એક પ્ર-ક્રિ-યામાંથી મારો રસ ઊડતો ગયો. શ્રદ્ધા સ્થિર થવાને હજી વાર હતી. આખી તરભાણી પાણીથી ભરી લઉં. એક સાથે બધાં ભગવાનને ઝબકોળીને સ્વિમિંગપુલના સમૂહસ્નાનનો આનંદ કરાવું. ચંદન-ચાંદલા પણ જાવડભાવડ. ફૂલ પણ કોથમીર-ધાણાની જેમ વેરી દઉં. દરેક ભગવાનને એમનાં પ્રારબ્ધ પ્રમાણે પુષ્પ પ્રાપ્ત થાય! રોજ પૂજા પૂરી થાય ને મને અંદરથી એમ થયા કરે કે ભગવાન મારા પર પ્રસન્ન નથી થયા. પિતાજીને પણ લાગે કે દીકરાએ પૂજામાં વેઠ વાળી! એમને ઝાઝું બોલવાની ટેવ નહીં. પણ, ક્યારેક બોલી ઊઠે, ‘ભાઈ! દેવપૂજા આમ ન થાય...’ ભણ્યો ગણ્યો ને મને પાંખો આવી. સરકારી નોકરી મળી. વળી પાછી દેવપૂજા બાપુજીને શિરે. દર બે ત્રણ વર્ષે મારી બદલીઓ થયા કરે. હું ભલો ને મારું કામ ભલું. પણ, અમે એટલું નક્કી રાખેલું કે દર દિવાળીએ વતનમાં અચૂક જવું. એ બે ત્રણ દિવસ અમારે માટે સોનાના. બધાં જ ભેગાં હોઈએ એટલે આખું ઘર કલબલી ઊઠે. આ વખતે તો બંને ભાઈઓ પણ પરિવારને લઈને આવ્યા છે. બાપુજીને ને બાને તો છોકરાં એટલે શી વાત? આજે આ બનાવો ને કાલે તે બનાવો! એક વાર અમે પહોંચ્યાં ત્યારે ઓશરીમાં બેઠાં બેઠાં બા-બાપુજી ઢગલો એક શાકભાજી છુટ્ટાં પાડી રહ્યાં હતા. મેં કહ્યું કે- ‘તમે શું કામ આટલું બધું લઈ આવ્યા? હું આવીને લઈ આવત ને!’ ‘ભાઈ તને નો આવડે! આંય મને બધાં ઓળખતાં હોય એટલે શાક સારું આવે!’ અચાનક બા વચ્ચે બોલી ઊઠ્યાં: ‘તે તમને આખી શાકમારકિટ ઉપાડીને લાવવાનું કોણે કીધું હતું? રિક્ષા ય નો કરી! ઘરે આવ્યા ત્યારે તો હાહધમણ થઈ ગયેલા….’ મારી સામું જોઈને કહે - ‘ભાઈ, હવે તારા બાપુજીથી થતું નથી ને ખોટી હુડમત કર્યાં કરે છે!’ મૂળે બાપુજીના મનમાં એવું ખરું કે છોકરાંઓ આવ્યાં હોય ત્યારે શાકભાજી લાવવામાં સમય શું કામ બગાડવો? એય ને મજાનાં સાથે ન રહીએ? અમે જઈએ ત્યારે હું અચૂક પટારો ખોલાવું. અમારાં સંતાનો માટે પટારો એટલે નર્યું આશ્ચર્ય જ. પટારો ખોલતાં પહેલાં એના ઉપર રહેલી ચીજવસ્તુઓ હટાવવી પડે. છોકરાંઓને ધીરજ ન રહે એટલે ઉત્સુકતાથી બાજુમાં ઠેકડા ભરતાં રહે ને વસ્તુઓ એક પછી એક નીચે ઊતરતી જાય. સૌથી પહેલાં તાંબાની ગોળી ઉતારવાની. મા એમનાં લગ્ન વખતે પિયરથી દહીંથરાં ભરીને આણામાં લાવેલાં. ગોળીના પહોળી પટ્ટીના કાંઠા ઉપર નામ કોતરેલું: ‘મહાશંકર ઉમિયાશંકર રાવલ ગામ કોયબા.’ ગોળી ઉતારતી વખતે હું બોલ્યા વગર ન રહું કે ચાલો ત્યારે નાનાભાને અને એમના બાપુજીને ઉતારીએ! એ બંને નીચે આવે પછી વારો આવે મોટી તાંબાકૂંડીનો. તાંબાકૂંડી એવડી મોટી કે બે છોકરાંઓ એમાં બેસીને નાહી શકે. બે બાજુ મોટાં-મજબૂત કડાં. કડાં ઉપર માછલીઓની ભાતની કોતરણી. આ તાંબાકૂંડી દરબારમાંથી ભાને મળેલી. બે જણ વિના નીચે ન ઊતરે. એ પછી જાડા પતરાવાળી પેટી રાહ જોઇને જ બેઠી હોય. એમાં નાનીમોટી થાળીઓ, વાટકા, લોટાપ્યાલા ને એવું બધું પરચૂરણ પડ્યું હોય. મને ખબર છે એમાં મા-વારીનો એક ગોળમટોળ ડબ્બો પણ પડ્યો હશે. મા એમાં રાણીછાપ રૂપિયા રાખતાં. આ બધું ઊતરે પછી જ પટારો ખૂલે. તોરણના પાંદડા જેવા આકારના બે લટકણ પકડીને પટારાનું વજનદાર ઢાંકણું ઊંચકવાનું ને જાળવીને સામેની ભીંતે ટેકવી દેવાનું. ધ્યાન ન રહે ને જો ઢાંકણું છટકી પડે તો હાથ તોડી નાંખે! છોકરાંઓને તો દૂર જ રાખવાં પડે. પટારો ખૂલે એટલે બાપુજી મેદાનમાં આવે. મને કહે: ‘તું આઘો રહે.. છોકરાંઓને સંભાળ. હું બધું બતાવું છું. પોતે અંદર ઊંડા વળીલટકીને એક પછી એક વસ્તુ કાઢતા જાય ને મને આપતા જાય. હું ઓરડામાં મૂકતો રહું. સૌથી પહેલાં નીકળે તે રેશમી રજાઈઓ. એકદમ પોચી પોચી ને સુંવાળી. લાલ, લીલી ને ભૂરી. એકબીજીના કપડાની ગોટવાળી. છોકરાંઓની ઉત્સુકતા સમજીને એમને રાજી કરવા સૌથી પહેલાં કાઢે ટ્રેઈનનું એન્જિન. બાપુજી નાના હતા. ત્યારે ભા આફ્રિકાથી આ ટ્રેઈન લાવેલા. સાવ નાનકડી પણ અદ્દલ ટ્રેઈન. કોઈ વાતની કમી નહીં. નાનપણમાં અમે ભાઈઓ પણ એનાથી રમેલા. છોકરાંઓ એન્જિન જુએ કે તરત જ પૂછે: ‘ડબ્બા ક્યાં?’ બાપુજી જાદુગરની જેમ એક ડબ્બો કાઢે. પછી બીજો… ત્રીજો…ચોથો…અને છેલ્લે ગાર્ડનો ડબ્બો, બસ ટ્રેઈન પૂરી. હજી એક રહસ્ય, જે છેલ્લે નીકળે તે ટ્રેઇનના પાટા! છોકરાંઓ આટલું જુએ ત્યાં ભૂલી જાય કે હજી આગળ ઉપર કંઇક હશે. ટ્રેઈન પકડવામાં જ અટવાય! રસોડામાંથી બા આ દૃશ્ય જુએ એટલે અચૂક બોલે: ‘જોજો, તમારી કેડ્ય નો રઈ જાય! મોટાભાઈ મહેન્દ્રના દીકરા પપ્પુની આગેવાનીમાં છોકરાંઓને ટ્રેઈનના પાટે ચડાવીને હું બાપુજીને હટી જવા કહું છું. કેમકે હવે વધારે ઊંડે જવું પડે એમ છે. ઊંડાણમાં બધી પોથીઓ છે. ભાગવત, રામાયણ અને મહાભારત ઉપરાંત કેટલાંક હસ્તલિખિત સ્તોત્રો, ભગવદ્ ગીતા અને ઘર-ખેતરના દસ્તાવેજો છે એમાં. ઘરની પ્રત્યેક વ્યક્તિની એક એક જોડીનું એક મોટું પોટકું છે, સાંભરણ રૂપે. એ પોટકામાં આ વખતે અમારાં છોકરાઓનાં કપડાં ઉમેરાવાનાં છે. એમાં પહેલું વસ્ત્ર છે તે યોગીજી મહારાજે પોતે ઓઢેલો ને હાથોહાથ ભાને આપેલો તે ઉપરણો છે. હવે એનો ગેરુઓ જરા શ્યામ પડી ગયો હોય એવું લાગે છે. એની ઉપર બધા કાકા-દાદા-ભાઈઓ-ભત્રીજાઓનાં વસ્ત્રો સરસ રીતે ગડી વાળીને મુકાયાં છે. અમારી છેલ્લી પાંચ પેઢીની સુગંધ જાળવીને બેઠું છે એ પોટલું. એની આજુબાજુમાં પટારાની દીવાલે દીવાલે તસવીરો અને ચીતરેલી છબિઓ છે. ભાને ખુરશીમાં બેસાડીને એક સિંધી પેઈન્ટરે બનાવેલું તૈલચિત્ર પણ છે એમાં. અત્યારે એ બધું ખોલવાની મારી હિંમત નથી. જમીને આડા પડ્યા પછી કલાકેક વારે બાપુજી ઊભા થયા. કહે કે છોકરાંઓને હું આપણાં ખેતર દેખાડતો આવું. ફરી પાછા ક્યારે આવશે! ને અત્યારે જ તો આ બધું જોવાની એમની ઉંમર છે. આજુબાજુનાં ય બે-ચારને લીધાં અને નીકળી પડ્યા આખી ફોજ લઈને! મહેન્દ્રભાઈ આવે ત્યારથી ગામમાં ઘરે ઘરે ફરે ને બધા ગોઠિયાઓના ખરખબર લેવા નીકળી પડે. એમનો પગ ઘરમાં ઓછો ટકે. પાછા ઘેર આવે ત્યારે ચા-દૂધથી જ એમનું પેટ ભરાઈ ગયું હોય. ભાભીનું ઊંધું. એમને ઘર બહાર નીકળવું જ ન ગમે. આવે ત્યારથી રસોડું પકડી લે. સાડી પહેરવાની ભાભીની ઢબ બાને બહુ ગમે. કોઈ વાર કહે પણ ખરાં: ‘મારી મોટી તો અસલ પદમણી જ જોઈ લ્યો!’ અમારે નીકળવા આડે એકબે દિવસ જ રહ્યા હોય ત્યારે બાળગોપાળ લઈને નાનોભાઈ રાજેન્દ્ર આવે. જો કે એની નોકરી જ એવી એટલે કરે ય શું? આ વખતે થયું એવું કે શુક્રવારે સવારે જ બધાં પોતપોતાને ઠેકાણે જવા નીકળવાનાં હતાં ને બાપુજીએ ગુરુવારે સાંજે ધડાકો કર્યો. અમે ત્રણેય ભાઈઓ અને ઘરનાં બધાં જ બેઠાં હતાં. એમણે માથા પરની ઢીલી થઈ ગયેલી ચોટલી ખોલી નાંખી અને ફરી વાર વ્યવસ્થિત ગાંઠ લગાવતાં કહે કે-’એલા છોકરાંવ હવે શાંત થઈ જાવ! મારે એક અગત્યની વાત કરવી છે.’ વાતાવરણ એકદમ ભારઝલ્લું થઈ ગયું. ધીમેથી મહેન્દ્ર સામે જોઈને કહે કે – ‘જુઓ, હવે મારી ને તારી બાની ઉંમર થઈ. ખડ્યું પાન કહેવાઈએ.... મારી ઈચ્છા છે કે અમારી હયાતીમાં જ મઝિયારો વહેંચી દઈએ. કાલ ઊઠીને તમારાં કોઈનાં મનમાં દુઃખ ન રહે.’ આટલું સાંભળતાં તો બાની આંખો ડબડબવા માંડી. અમે ભાઈઓ પણ જરા ભાવુક થઈ ગયા. બાપાએ સહેજ ખોંખારા જેવું કર્યું અને હળવા છતાં સ્પષ્ટ અવાજે બોલવાનું શરૂ કર્યું : ‘આપણી વચ્ચે સંપ અને લાગણી જ એવાં છે કે આમાં કોઈ કાકામામાની મધ્યસ્થીની જરૂર જ નથી. હું એમ વિચારું છું કે આપણી પાસે વહેંચી શકાય એવી રોકડ રકમ તો છે જ નહીં. જે છે તે આ ઘર, ચાર ખેતર અને થોડુંક સોનું છે. તમને બધાંને ભાગે પડતું આપી દઉં તો પછી મારે ઉજાગરો ન રહે અને અમારું તો પેન્શનમાં ચાલે છે. ઘરમાં એવું છે કે હું ને તારી બા છીએ ત્યાં સુધી કંઈ કરવાપણું નથી. અમે બેમાંથી એકેય ન હોઈએ ત્યારે, આટલી બધી જમીન છે તે આ ઘર પાડીને તમે એક ઝુમખામાં ત્રણ ઘર બનાવી શકશો. જેને ન બનાવવું હોય એનો પ્લોટ ખુલ્લો પડ્યો રહે. ચારે ય ખેતરના માપમાં પાંચ-સાત ગૂંઠાનો જ તફાવત છે. તમે ઝીણી ઝીણી ગણતરી નો ગણો તો ત્રણેયને ભાગે એકેકું આવે. ચોથું રહે એ અમારી જીવાઈનું. ને અમે ન રહીએ ત્યારે ઈમાં નામ તો તમારું ત્રણેયનું, પણ ઈ મિલકત બેનના કાપડાની. એની ઊપજનિપજ બેનની. ઈ માગે કે નો માગે, તમારે ઈને મોકલી દેવાની. વહુઓનાં પિયરનું સોનું તો પેલ્લેથી જ હઉ હઉની પાંહે છે. આંય મારી પાંહે છે ઈ મઝિયારાનું ગણાય. ઇના ત્રણ હરખા ભાગ કરી લઈએ. વાલ જેટલું ય ભંગાવવું તોડાવવું નથી. જેને જે ઘાટ ગમે ઈ લઈ લ્યો. ને વધઘટ પોતેમેળે જ હમજી લ્યો તો? મૂળે તો તયણેયના ભાગમાં વીહ વીહ આવે એટલું જ ને?’ બાપુજી આટલું બોલતાં જાણે થાકી ગયા હતા. મહેન્દ્રભાઈના મનમાં કંઈક બીજું રમતું હતું. એ બા-બાપુજી આગળ કશુંય બોલે એવી હિંમત નહોતી. એટલે કહે કે - ‘પણ, બાપુજી! આમ ઉતાવળે ભાગ પાડવાની શી જરૂર છે? અત્યારે સહુ પોતપોતાની રીતે કમાય છે ને સ્વતંત્ર રીતે મજા કરે છે. પછી ગમે ત્યારે ભાગ પાડી શકાશે ને? અને હજી તો તમે બેઠાં જ છો તો…’ બાપુજીએ એમનું વાક્ય પૂરું થવા ન દીધું. વચ્ચેથી જ ઝીલી લીધું. ‘અમે બેઠાં છીએ એટલે જ તો....’ ભાઈ ઊભા થઈને ભાભી બેઠાં હતાં એ રૂમમાં ગયા. કંઇક મસલત કરીને થોડી વારે આવ્યા. એ દરમિયાન બાપુજીનો ચહેરો તંગ અને લાલઘૂમ. એમને જોઇને બા પણ ચિંતામાં આવી ગયાં. મારી પાસે આવીને કહે કે - ‘આ તારા બાપુજી અત્યારે ખોટી લપ લઈને બેઠા છે. માનતા જ નથી. પછી યે બધું તમારું જ છે ને? કરજો તમારી રીતે સમજીને! અમે ક્યાં ગાંઠે બાંધી જવાનાં છીએ?’ નાના રાજેન્દ્રને કે મારે તો આમેય કંઈ કહેવાનું હતું નહીં. કેમકે અમે ક્યારેય આંખના ઈશારે પણ આવી વાત કરી નહોતી. બાપુજી મોટાભાઈને રસોડામાં લઈ ગયા. શાંત અવાજે પણ જે ચર્ચાઓ થઈ તે બહુ સુખદ તો નહીં જ હોય. કેમકે પછીથી બાપુજીએ આવીને જાહેર કર્યું કે- ‘મોટાની ઈચ્છા હમણાં નથી તો જેમ ચાલે છે એમ જ ચાલવા દો. પછી જોઈશું આગળ ઉપર!’ બીજે દિવસે અમે બધાં જ નીકળી ગયાં. બા-બાપુજીએ પ્રેમથી અમને વિદાય આપી. પણ, એમ લાગ્યું કે બાપુજીનું મન જાણે કે થીજી ગયું છે. એમનું હાસ્ય સહજ નહોતું લાગતું. છેલ્લે અમે બધાં સાથે જમ્યાં પણ બાપુજીનો જીવ ઉભડક જ. એમનો સ્વભાવ જ એવો કે કોઈને કળાવા ન દે. બોલે તો નહીં જ. ‘આવજો’ કહીને મોટાભાઈ એમને પગે પડ્યા ત્યારે. છોકરાંઓ સામે આંગળી ચીંધીને એટલું જ કહ્યું કે- ‘મોટા! આ ત્રીજી પેઢી વચ્ચે મનમટાવ ન થાય એટલે મેં બધું મુલતવી રાખ્યું. બાકી તો ...’ અચાનક એક દિવસ અમને ત્રણેય ભાઈઓને અને બહેન નેહાને એકસરખો તાર ગયો. ‘કમ સૂન. યોર ફાધર ઈઝ સિરિયસ...’ છ કલાકમાં તો બધાં હાજર, દવાખાનામાં ય બધાં ખડે પગે. આઈ.સી.સી.યુ.માં એમને ઓક્સિજન પર રખાયા હતા. ‘બાયપાસનો ખર્ચ તો બહુ મોટો આવે..…’ ‘પણ, હું બેઠો છું ને! ક્યાં તમારે એકલાને….’ ‘અત્યારે મારે લોન ચાલે છે ને શહેરના ખર્ચા...’ રૂમની બહાર બહુ ધીમેથી બોલાયેલું પહેલું વાક્ય બાપુજી કોણ જાણે ક્યાંથી સાંભળી ગયા? અને બીજું-ત્રીજું વાક્ય તો એમણે સાંભળ્યું છતાં બીજા કાનમાંથી કાઢી જ નાંખ્યું હતું! એમણે કોઈને કશું જ કહ્યા વિના જાતને સંકેલવા માંડી અને બોલવાની મનાઈ છતાં, જેટલી રીતે કહેવાય એટલી રીતે કહીને ‘બાયપાસ’ની ના કહેતા રહ્યા. એમણે આંખો બંધ કરી લીધી હતી. બા સિવાયનું કોઈ જાય તો આંખ ન ખોલે તે ન જ ખોલે. ના છૂટકે આંખ ખોલવી પડે તો છત ઉપર જ તાક્યા કરે. કોઈની સામે નજર માંડે જ નહીં ને! બા સમજી ગયાં હતાં. બધાં સાંભળે એમ, પણ કોઈની યે સામે જોયા વિના બા બોલતાં હતાં: ‘એક વાર તારા બાપુજી કંઈ નક્કી કરે એમાં ભગવાનેય ફેરફાર કરી નો હકે!’ ત્રીજે દિવસે અમે સહુ શ્મશાનેથી પાછા આવ્યા ત્યારે બાએ છુટ્ટા મોંએ ઠૂંઠ્વો મૂક્યો. ‘આપડે આટલાં બધાં ભેગાં થઈને ય તમારા બાપુજીને હાચવી નો હક્યા...’ પછી તો સહુ કારજનાં વિધિવિધાનોમાં પડી ગયાં. બાએ કહ્યું કે - ‘તારા બાપુજીની પેટીમાં જે છે ઈમાંથી જ વાપરો. હમણાં તમારે કોઈને કંઈ કાઢવાનું રે’તું નથી!’ પંદર દિવસે બધું શાંતિથી પૂરું થયું. બાનો આગ્રહ એવો કે ‘અટાણે જ મઝિયારો વેંચી લેવો. ઈ પછી જ હઉ હઉનાં ઠેકાણે જાવું.’ બાપુજીની જગ્યાએ મહેન્દ્રભાઈ બેઠા હતા. મેં કહ્યું કે- ’અગાઉ બાપુજીએ કહેલું એમ જ કરીએ તો?’ નેહાના સાંભળતાં જ ભાઈ બોલ્યા – ‘બેનને તો ભગવાનની દયા છે. આપણાં બધાંનું ભેગું કરીએ તોય એની તોલે ન આવે! એને ક્યાં કંઈ જરૂર છે?’ નાનાથી આ સહન ન થયું. એ એકદમ બોલી પડ્યો: ‘એમ કહો ને ત્યારે! તે દિવસે આટલા વાંકે જ અટકી પડેલું બધું!’ બેન ઊભી થઈને અંદરના ઓરડામાં ચાલી ગઈ. હું એની પાછળ ગયો. એમ સમજાવવા કે તું દુ:ખ ન લગાડીશ. બધું સરખું થઈ રહેશે! મારા ખભે માથું મૂકીને એ રડી પડી. ‘ભાઈ! મારે કંઈ જોતું જ નથી, પણ એ કાયમ આવું જ કરે છે. આપણે નાના હતાં ત્યારે ય હું એને નો’તી ગમતી. શી ખબર શું વેર છે એને મારી હાર્યે?’ હું આશ્વાસન આપીને બહાર આવ્યો. કોઈએ મર્યાદા ન તોડી અને ત્રણ ભાગ થયા. બા સાવ મૂંગાંમંતર. બીજે દિવસે અલગ અલગ ત્રણ ઘોડાગાડીઓ આવીને શેરીમાં ઊભી રહી. સહુનો સામાન ભરાયો. નેહા મહિનોમાસ રોકાવાની હતી બા પાસે. ત્રણેય ભાઈઓ બાને પગે લાગવા ગયા ત્યારે કોઈ કંઈ બોલી શકતું નહોતું. છેવટે મેં મહેન્દ્રભાઈની સામે જોઈને કહ્યું- ‘તમને ખોટું ન લાગે ને હા કહો તો મારે એક વાત કરવી છે.’ સહુનાં મૌનને જ મેં સંમતિ માનીને કહ્યું: ‘મારી એવી ઈચ્છા છે કે મારા ભાગમાંથી એક રાતી પાઈ પણ મારે નથી જોઈતી. એને જોઈતું હોય કે ન જોઈતું હોય પણ મને મળેલું બધું હું નેહાબેનને અર્પણ કરું છું અને આમાં તમારું કોઈનું કંઈ નહીં ચાલે.’ બા માંડ માંડ બોલ્યાં : ‘તો ભાઈ! તું કંઈ લઈને નંઈ જા? આ તો વડવાઓનો પરસાદ..’ હું લઈ જઈશ ને.... દેવપૂજા !’