મુકામ/વલોપાત


વલોપાત

નિરંજનાએ મહિપતરામ પાસે અરીસો માંગ્યો. એને એમ કે પોતે તૈયાર થાય છે એટલે રામ આટલામાં જ હોવા જોઈએ! એ મહિપતરામને હમેશાં રામ કહીને જ બોલાવતી. એક વાર મહિપતરામે એને કહેલું ય ખરું - ‘નિરુ, તું મને ‘રામ’ કહેવાનું બંધ કરે તો સારું! નિરંજના પ્રેમથી છણકી ઊઠેલી. ‘મ...હિ....પ...ત...રા...મ.. આટલું બધું લાંબું તે કંઈ નામ હોય? હું તો તમને રામ જ કહેવાની! તમારાં ફૈબાએ કંઈ વિચાર ન કર્યો એમાં મારો શું વાંક? રામ… રામ…ને રામ, સાડી સત્તર વાર રામ બસ!’ એ વખતે મહિપતરામ હસી પડેલા. હસતાં હસતાં કહે: ‘એમાં શું છે નિરુ, કે આપોઆપ એક મર્યાદા આવી જાય એ નામને કારણે! રામ ક્યારેય બીજી સ્ત્રી સામે જોઈ શકે?’ ‘ઓહ્હો, એમ કહોને ત્યારે!’ એણે લટકો કરેલો. પણ પછી તો રામ પણ ટેવાઈ ગયા એ વાતને આજકાલ કરતાં સાડત્રીસ-આડત્રીસ વરસ વીતી ગયાં. રામે સાંભળ્યું નહીં, એટલે એણે જરા મોટેથી બૂમ પાડી... ‘રામ! તમે સાંભળો છો? જરા અરીસો આપજો તો...’ બહાર ગેલેરીમાં બેઠાં બેઠાં સુકાયેલા વૃક્ષની એક ડાળી ઉપરનાં પાન ગણી રહેલા મહિપતરામ ‘એ આવ્યો!’ કહેતાં ગેલેરીમાંથી અંદર આવ્યા. કોતરણીવાળા લાકડાના કબાટ ઉપરથી અરીસો તો લીધો, પણ નિરુને આપતાં જીવ ન ચાલ્યો. પાછો હતો ત્યાં જ મૂકીને કહે- ‘બધું બહુ સરસ... બરાબર છે નિરુ! લાવ આ બાજુના વાળ હું સરખા કરી આપું... મેલને અરીસાની માથાકૂટ, કંઈ નથી જોવું… હું તને જોઉં છું એટલું પૂરતું નથી? લે તું આ મારા ચહેરા સામે જો... બધું દેખાશે!’ મહિપતરામના ચહેરા ઉપર પરસેવો આવી ગયો. એમાં નિરુને પોતાનો તરડાઈ ગયેલો ચહેરો દેખાયો. રામે ડાબી બાજુથી બે…ચાર, બે…ચાર કરીને ધીમે ધીમે બધા વાળ ચપટીમાં લીધા. ધીરે રહીને પાછળની બાજુએ ગોઠવી દીધા. રામની આંખમાં ભેજ આવી ગયો. વર્ષો પહેલાં પરણીને આવી ત્યારે રામ ઘણી વાર એનું માથું ઓળી આપતા. પહેલાં ઊભું ઓળે, પછી બંને સાઈડ સરખી કરે ને પછી વાળના બરાબર ત્રણ ભાગ કરીને ચોટલો લઈ દેતા. નિરંજનાના લાંબા અને ઘટ્ટ વાળ તે ચોટલો ય ઝીપટા જેવો આવતો! અત્યારે એમનો તો હાથ ફરતો અટકી ગયો. અચાનક નિરંજના પૂછી બેઠી: ‘હેં રામ! હું બહુ કદરૂપી લાગુ છું? સાચું કહેજો...’ નિરુ, તું અને વળી કદરૂપી? મારી નિરુ તો સુંદર જ હોય! અને હવે સૌન્દર્ય દેખાડીને આપણે ક્યાં જગ જીતવા જાવું છે? મારી આંખોમાં તારું સૌન્દર્ય ભર્યું પડ્યું છે એટલું પૂરતું નથી?’ ‘ના, મને ખબર છે, મારો ચહેરો વિકરાળ થઈ ગયો છે! નહીંતર આપણી બકુનો ભાણિયો મારી પાસે આવ્યા વિના રહે?’ નિરંજનાનો અવાજ ધીમે ધીમે કરતાં ઊંડો ઊતરી ગયો. મહિપતરામ એને આશ્વાસન આપતા હોય એમ બરડા ઉપર હાથ ફેરવતા બોલ્યા, ‘એવું તો કંઈ નથી નિરુ, નાના બાળકને શું ખબર પડે? એને તો એટલી જ ખબર પડે કે બાની તબિયત ઠીક નથી....’ ‘અને એટલા માટે તો મેં તરત જ બકુને અને ભાણિયાને એના સાસરે મોકલી દીધાં!’ એ વાક્ય મહિપતરામ મનમાં જ ગળી ગયા. ‘તો પછી મને અરીસો કેમ ન આપ્યો?’ નિરંજના જીદપૂર્વક બોલી. ‘કારણ તો કંઈ નહીં નિરુ, પણ જોવામાં તારી આંખ જો ખેંચાય તો મુશ્કેલી વધે… બાકી મને શું વાંધો હોય? જો તારા વાળને તો મેં સરખા ગોઠવી આપ્યા કે નહીં?’ એમ કહીને મહિપતરામે નાનકડી જલેબી જેવડું વાળનું ગૂંચળું વાળીને નિરંજનાને માથે હાથ ફેરવ્યો. ધીરે રહીને એને પલંગમાં સૂવડાવી. એક જમાનો હતો, નિરંજનાના વાળ જોઈને લોકો કહેતા… ‘તું તો માથે નાંખવાના તેલની જાહેરાતમાં ચાલે એવી છે…!’ મહિપતરામે જોયું કે આજે નિરંજનાની ડાબી આંખ લગભગ લટકી પડી છે. એક આંખે આમતેમ જોયા કરે છે. એની ડોક જરાક આઘીપાછી થાય તો ય આંખ લટકણિયાની જેમ હલ્યા કરે છે. એમનાથી આ જોવાયું નહીં. પોતે છુટ્ટે મોંએ રડી પડશે એમ લાગ્યું એટલે એ ચુપચાપ પાછા હતા ત્યાં ગેલેરીમાં ખુરશી પર ગોઠવાઈ ગયા. એકાદ બે મિનિટ ગઈ અને નિરંજનાનો અવાજ આવ્યો... ‘રામ! તમે ચિંતા ન કરો. મને બધીયે ખબર છે. તમે ક્યાં સુધી આ બધું મારાથી છૂપું રાખશો? પણ, મારે આ એક આંખથી રિસાઈ ગયેલી બીજી આંખ જોવી છે...!’ ‘તારી બીજી આંખ તો હું છું નિરુ…મને જોઈ લે, એટલે તને બધું સમજાઈ જાશે...!’ મહિપતરામ મનમાં જ બબડ્યા. અંદર જવાની એમની હિંમત ચાલી નહીં. ઊભાઊભા જ વિચારે ચડી ગયા. વળી વળીને એક જ વાત એમને સતાવતી હતી. નિરુની આ દશા મેં કરી છે. મારા જ હાથે કરી છે.... નહીંતર નખમાંય રોગ નહોતો. એ ય ને મજાની કિલ્લોલ કરતી હતી! પહેલાં તો ઠીક કે મહિપતરામ મિલમાં નોકરીએ જતા. એમની નોકરીયે સારી એટલે ઘરની એમને ચિંતા રહેતી નહીં. બકુ એકની એક અને નિરંજનાનો ઉછેર પણ સારો. નિરંજના ઘર એવી રીતે સંભાળે કે મહિપતરામને કશું જોવાપણું જ નહીં. એ ભલા ને એમની નોકરી ભલી! આટલાં વરસ વીત્યાં. છેલ્લાં ચારેક વર્ષથી રિટાયર્ડ થયા તોય જલસા કરતા હતા. એમાંય બકુને સાસરે વળાવ્યા પછી તો ઘણા વખતથી ઘરમાંય બીજું કોઈ નહીં. લડવા માટેય નિરુ ને પ્રેમ કરવા માટેય નિરુ! નિરંજનાનું વિશ્વ મહિપતરામમાં પૂરું થાય ત્યારે મહિપતરામની દુનિયા નિરંજનામાં શરૂ થાય. નિરુ રોટલી વણે ને રામ ચોડવે, રામ થાળી લૂછે ને નિરુ પીરસે, નિરુ કપડાં ધોવે ને રામ સૂકવે, નિરુ આમ કરે તો રામ તેમ કરે... આખો દિવસ જાણે એકબીજાની હાજરી ભરે! મહિપતરામને એટલો જ અફસોસ કે નિરુનો દાંત કઢાવવા ડૉક્ટર પાસે ગયાં હોત તો કંઈ નહોતું. આમ તો એનો દાંત ખખડી જ ગયેલો. ઘણા વખતથી હલતો હતો. ડખડખી ગયેલા એ દાંત વિશે રોજ વાત થાય… ડૉક્ટર પાસે જવાનું રોજ નક્કી થાય પણ નિરુને ડૉક્ટરની બહુ જ બીક! એમાં ને એમાં સમય વીતતો ગયો ને દાંત વધારે ને વધારે હલતો રહ્યો. એક દિવસ મહિપતરામે કહ્યું, ‘મોં ખોલ જોઉં…!’ નિરુએ મોં ઉઘાડ્યું. મહિપતરામે જોતજોતાંમાં - વાતચીત કરતાંકરતાં જ ખચ્ચ દઈને એ દાંત ખેંચી કાઢ્યો. ‘લે હવે તારે કાયમની નિરાંત! જા તો, જરા કોગળા કરી લે તો!’ મહિપતરામે પોતાની આવડત ઉપર ખુશી વ્યક્ત કરી અને હોંશે હોંશે જઈને કચરાની ડોલમાં દાંત નાંખી આવ્યા. મોમાં પાણી ભરેલું તે ઉં…ઉં…ઉં કરતી નિરંજના કંઈક બોલવા ગઈ પણ મહિપતરામ કશું સમજ્યા નહીં, એટલે એણે ઝડપથી કોગળા કરી નાંખ્યા. પછી હસતાં હસતાં કહે કે, ‘દાંત સામેના નળિયે નાંખ્યો હોત તો નવો આવત ને! તમે તો જઈને કચરામાં..’. ‘નિરુ, આ ઉંમર દાંત આવવાની નહીં, દાંત કાઢવા-કઢાવવાની છે મતલબ સમજી કે નહીં? હસવાની ઉંમર...!’ નિરુનો આગળનો દાંત કાઢતાં શું કાઢ્યો, પણ બીજા દિવસથી નિરંજનાને પારાવાર પીડા ઊપડી. આખું મોં સૂજી આવ્યું. ન ખવાય ન પીવાય! સાંજે જ બંને જણ ડૉક્ટર પાસે ગયાં. ડૉક્ટરે દવા લખી આપી. ચાર દિવસનો કોર્સ પતે પછી બતાવવા આવજો એમ કહ્યું. ચારેય દિવસ નિરંજનાએ બરાબર દવા લીધેલી, પણ એક આનીય ફેર નહોતો પડ્યો. સોજો ઊતરે નહીં ને ડાબી આંખ તો લાલઘૂમ! આમેય નિરંજનાની આંખો ઊપસેલી અને લાંબી. ધ્યાન દઈને કોઈની સામે જુએ તોય સામે વાળાને લાગે કે એ ડોળા કાઢે છે! બકુ નાની હતી ત્યારે ઘણી વાર કહેતી કે મમ્મી અમથી અમથી ડોળા કાઢીને બીક બતાવે છે! એમાં વળી આ સોજો… એક પછી એક ડૉક્ટર બદલ્યા. કોઈ કહે કે આઈ સ્પેશ્યાલિસ્ટ પાસે જાવ તો વળી કોઈ ન્યૂરો પાસે ધકેલે! ખબર પૂછવા જે કોઈ આવે તે નુસખા બતાવતા જાય. નિરંજનાનું એક સુખ. સાંભળે બધાનું પણ એને જે ઠીક ન લાગે તે ન જ કરે. કોઈ કહે કે- ‘તાજી કોથમીરનો રસ કાઢીને આંખમાં ટીપાં પાડો, પછી જુઓ કમાલ!’ કોઈ નવું ખબર કાઢવા આવે ને કહે કે – ‘સફેદ આકડાનો અર્ક બહુ સારો! આકડો આમેય પવિત્ર બહુ!’ વળી કોઈ કહે કે - ‘સાબરશિંગું ઘસીને આંખમાં આંજો તો તરત સારું થઈ જાય!’ મહિપતરામ અકળાયા. કહે કે- ‘હું ક્યાં સાબર મારવા જાઉં?’ એ કોઈનીય સલાહ સાંભળવા તૈયાર નહોતા. નિરુ કહે- ‘આપણે ક્યાં એ બધું કરવું છે? તમે ધીરજ રાખોને! કેટલું સાંભળવું..… કોનું સાંભળવું... અને શું કરવું એ તો આપણા હાથની વાત છે ને?’ મહિપતરામ સેવા કરતા જાય પણ મનમાં ને મનમાં રહેંસાયા કરે. એમના મનમાં સતત એક રટ્ણા ચાલે કે આ બધું પોતાને કારણે થયું છે. અરેરે! મને ક્યાંથી આવું સાહસ સૂઝ્યું? પોતે જો દાંતનું અડપલું ન કર્યું હોત તો... ‘રામ..., એ રા...મ!’ અંદરથી અવાજ આવ્યો ને મહિપતરામે ગેલેરી છોડી. અંદર જઈને નિરુના પગ પાસે બેસી પડ્યા. નિરુએ જમણી આંખનો ડોળો રામ ઉપર ઠેરવ્યો. હળવે રહીને વાત છેડી. ‘રામ! તમે સાંભળો છો?’ મહિપતરામે ઊંચું જોવું એટલે નિરંજનાએ એમનો હાથ પકડી લીધો અને પલંગમાં પોતાની પાસે બેસવા કહ્યું... મારે તમને એક વાત કરવી છે… રામ! યાદ છે તમને મારી આંખો બહુ ગમતી....’ ‘મને તો હજીયે તારી આંખો ગમે છે. નિરુ..!’ ‘આંખો નહીં, આંખ કહો! રામ, એક આંખ લબડી પડી હોય એ કોઈને ગમે? આંખ તો એકાબીજાની સખીઓ, શોભે તો જોડ્યમાં જ શોભે! હવે મારામાં ગમવા જેવું શું બચ્યું છે? કહો જોઈએ? આ તો તમારો પ્રેમ...’ ‘તું કંઇક વાત કરતી હતી નિરુ!’ મહિપતરામે યાદ કરાવ્યું. ‘કંઈ નહીં, એ તો એમ જ… તમને મારી આંખો બહુ ગમે છે ને એટલે...’ મહિપતરામનો વલોપાત વધી ગયો. એ વિચારે ચડી ગયા. દાંત પાડવામાં જ આંખની કોઈ નસ ખેંચાઈ ગઈ હશે ને આ બિચારીની આવી દશા થઈ... આંખનું કેન્સર એ હદે વકરી ગયેલું કે ડૉક્ટરે ઓપરેશનની ના કહી. કહ્યું કે એમને ઘેર જ રાખો. બિનજરૂરી ખર્ચા નહીં કરો તો ચાલશે…પેઈન કિલર આપ્યા કરવાની એટલે એમને રાહત રહે. બને એટલો… એમ નહીં, પણ એકલો આરામ જ! જેટલા દિવસ કાઢે એટલા પીડા વિનાના જાય એટલું જ જોવાનું! મહિપતરામનું મગજ તણાવથી ધમધમવા લાગ્યું. એમને થયું કે જઈને નિરુના પગ પકડી લે અને કહી દે- ‘નિરુ મને માફ કર. ભલે મારો ઈરાદો નહોતો, પણ મારે કારણે જ તું આવડા મોટા રોગમાં લપેટાઈ ગઈ…મારે કારણે જ… અને હવે તો તું કેટલા દિવસની મહેમાન!’ નિરુ વિના પોતાનું શું થશે એની કલ્પના મહિપતરામ કરી ન શક્યા. પોતાને જ જવાબદાર સમજીને જીવ કોચવતા ઊભા રહ્યા. એમણે નિરુ સામે ધ્યાનથી જોયું. એક ક્ષણ હેબતાઈ ગયા. સાચે જ નિરુ કોઈ હોરર ફિલ્મના પાત્ર જેવી બિહામણી લાગતી હતી. જો એમને પોતાને પણ ઘડીભર ડર લાગી જતો હોય તો બકુના ભાણિયાનો શું વાંક? એમણે નિરુની પડખે પડેલા સફેદ રૂમાલથી એની આંખો ઢાંકી દીધી. ઊભા થઈને રસોડા તરફ ગયા. પાણી પીધું ને હાથ લાગ્યું તે છાપું લઈને બેસી ગયા. એમની નજર છાપા ઉપર ફરતી હતી, પણ જીવ તો નિરુમાં જ ભમતો રહ્યો. વળી વળીને એક જ વાત એમને કોરી ખાતી હતી, એમણે પોતે જ નિરુની આ દશા કરી છે. પણ નિરુને કહેવું શી રીતે? અચાનક ફોનની ઘંટડી રણકી. મહિપતરામ છાપું મૂકીને બીજા રૂમમાં ગયા. સામેથી ચિંતાતુર અવાજે મમ્મીની ખબર પુછાતી હતી. મહિપતરામ નિરુને ન સંભળાય એવા ધીમા સ્વરે વાત કરતા હતા. ‘બેટા! બને તો બે-ત્રણ દિવસમાં જ આવી જા. ભાણિયાને ન લાવતી. જેટલો સમય મળે એટલો…એની સાથે રહી શકાય એ રીતે. બાકી કોઈ ભરોંસો નથી. એ તૂટક તૂટક અવાજે બોલતા રહ્યા ને આ બાજુ નિરંજનાથી ન રહેવાયું... એ હળવે હળવે ઊભી થઈ. બધું ચક્કર ચક્કર ભમતું હતું. ભીંતના ટેકે ટેકે કબાટ સુધી પહોંચી ગઈ. કબાટના મોટા કાચમાં એણે પોતાની જાત જોઈ અને એના મન ઉપર વીજળી પડી. નિરુને પોતાની જાત ઉપર વરવરાટી થઈ આવી. ‘અરે! નિરંજના તું? આટલી ભયાનક?’ એ પોતાને ન જોઈ શકી. રામને ખબર ન પડે એમ પથારીમાં પડી. એને થયું કે ‘મારો ચહેરો જોઈને જો હું જ છળી ગઈ તો મારા રામનું શું થતું હશે?’ બાજુના રૂમમાં પરિસ્થિતિ કંઈક પલટાઈ છે એની ગંધ મહિપતરામને આવી ગઈ. એમણે ફોન પરની વાત ટુંકાવી અને દોડતા આવ્યા નિરુ પાસે. નિરુનું ફેફરી ગયેલું મોં ખુલ્લું હતું, એમાં પડી ગયેલા દાંતની જગ્યા સ્પષ્ટ વરતાતી હતી. જમણી આંખ પણ જાણે ફાટી રહી હતી… ઉપરની સફેદ છત અને નિરુની આંખો... બંનેનો રંગ અને વિસ્તાર એક થતો જતો હતો. નિરંજનાની આંખે કૂંડાળાં વળવા લાગ્યાં. જીવ જાણે આખા શરીરમાંથી સમેટાઈને કાળજામાં આવી ગયો. એનો અંતરાત્મા કકળી ઊઠ્યોઃ ‘રામ! તમને મારી આંખો ગમે છે ને? જિંદગીભર તમે એ આંખોના છાંયડે બેસીને જાતભાતનાં સ્વપ્નો જોતા રહ્યા… ખરું ને? પણ એમાં કોઈકે ક્યારેક ભાગ પડાવ્યો હતો… રામ… આ બેય આંખો તમારા એકલાની નહોતી! એમાં બીજા કોઈનાં પણ સ્વપ્ન હતાં એમાં અન્ય કોઈની પણ છાયા પડી હતી! કદાચ એટલે જ તો આમ લૂંટાઈ ગઈ!’ નિરુના મોંમાંથી શબ્દોને બદલે ઉંહકારા નીકળતા હતા. કદાચ એ લવરીએ ચડી ગઈ હતી… એને થયું કે- ‘આટલાં વર્ષે રામને દુ:ખી નથી કરવા, જે વાત એમણે નથી જાણી ને સુખી છે એ વાત જણાવીને નાહક…’ નિરંજનાની આંખમાં સબાકો આવ્યો. એને થયું કે- ‘એક વાર સાચ્યું કહી દઉં! તમે તો હમેશાં રામ જ રહ્યા. પણ તમને ગમતી આ મારી આંખોએ જીવનમાં એક વાર તમારી સાથે દગો કર્યો છે… તમે દાંત ખેંચ્યો એ કારણે કેન્સર નથી થયું. આ તો ભીતરનું આંખો વાટે બહાર આવ્યું છે. રામ! તમારા મનને ન પીડશો. હું મારે કારણે...’ ક્યાંય સુધી એના હોઠ ફ્ફડતા રહ્યા. પણ મહિપતરામને કશી સમજ ન પડી કે એ શું કહેવા માંગે છે! મહિપતરામે નિરંજનાના ખુલ્લા મોંમાં બે ચમચી પાણી મૂક્યું. નિરંજના બબડતી હોય એમ હોઠ હલાવવા લાગી. માંડ માંડ શબ્દો નીકળ્યા... ‘તમે... મારા...રામ!’ મહિપતરામનો હાથ નિરંજનાના કપાળ ઉપર થંભી ગયો. નિરંજનાની છાતી ઉછળવા લાગી. એનો શ્વાસ જોરથી ચાલવા લાગ્યો. એકાએક એના ચહેરાનું થોડુંઘણું હતું એ નૂરેય ઊડવા લાગ્યું. રામના હાથમાં એનો એક હાથ હતો એ એમ જ રહ્યો ને બીજો હાથ પલંગની ધારેથી નીચે લબડી પડ્યો. નિરુના રામે કપાળ ઉપરથી પોતાની હથેળી સરકાવી અને એની ઉઘાડી રહી ગયેલી એક આંખનું પોપચું બંધ કર્યું. ઊભા થઈને એમણે લાકડાના કબાટ ઉપરથી અરીસો ઊઠાવ્યો. એમાં નિરુના શાંત સરોવર જેવા ચહેરાનું પ્રતિબિંબ ઝિલાયું...!