મુકામ/વાત જાણે એમ સે ને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાત જાણે એમ સે ને…

બસવાળાએ મને રાજકોટ હાઈવે પર જસાપરના પાટિયે ઉતાર્યો ત્યારે બપોરના લગભગ સાડા બાર થવા જતા હતા. તડકો કહે મારું કામ! શહેર જેવું શહેર છોડીને પહેલી જ વખત હું આ દિશામાં આવ્યો હતો. તલાટીની પરીક્ષામાં જે પહેલા દસ આવ્યા એમાં આપણો નંબર હતો એનો આનંદ હતો, પણ પોસ્ટિંગ આવી કથોરી જગ્યાએ થશે એની તો ખબરે ય કોને હોય? એટલું વળી સારું હતું કે મારી પાસે સામાન ઝાઝો નહોતો. કપડાંની એક બેગ અને નાસ્તા તથા પરચૂરણ વસ્તુઓની એક થેલી, બસ બહુ થઈ ગયું. બાકીનું થઈ પડશે એમ ધારીને નીકળી પડ્યો. ઊતર્યો ત્યારે તો કોઈ બીજું પેસેન્જર દેખાયું નહોતું. હું એકલો જ હતો તે જસાપર તરફનો એરો જોઇને કાચે રસ્તે ચાલવા માંડ્યું. થોડીક વાર ચાલ્યો હોઈશ ત્યાં પાછળથી કોઈના પગલાંનો ખબડ ખબડ અવાજ સંભળાયો. પાછળ વળીને જોયું તો એક ભાઈ સંગાથ માટે ખેંચાતા હોય એમ ઉતાવળે ઉતાવળે આવતા હતા. એમના હાથમાં મૂળો હતો પાનસોંતો. એકદમ જાડો, લાંબો ને ચમકતો. વાડીમાંથી તાજો જ ખેંચી લાવ્યા હશે એવું લાગ્યું. મારી ગતિ થોડી ધીમી થઈ એટલામાં તેઓ છેક મારી પાસે આવી ગયા ને પૂછ્યું: ‘ચ્યાં, જહાપર જવું સે?’ ‘હા. આજે ગામમાં તલાટી હશે ને?’ ‘પમદાડે જ ઓડર આઇવો. ઈમની તો બડલી થઈ જઈ..’ ‘હું એમની જગ્યાએ ચાર્જ લેવા આવ્યો છું.’ મેં એકદમ ઠંડા અવાજે કહ્યું. આટલું સાંભળ્યું ન સાંભળ્યું ને એમણે મારા હાથમાંની બેગ ખેંચી અને પોતે ઉપાડી લીધી. હું ના…ના… કરતો રહ્યો પણ એ ભાઈ માન્યા જ નહીં. કહે કે - ‘તલાટીશ્યાહેબ સો તો…… તમને થોડું ઉપાડવા દેવાય?’ ‘અરે ભાઈ! મારો સામાન હું ન ઉપાડું તો કોણ ઉપાડે?’ પણ એ તો મારી એકેય વાત સાંભળવા જ તૈયાર નહોતા. છેવટે મેં હિંદ છોડી દીધી અને એમનું નામ પૂછ્યું, તો કહે : ‘નામ મોડાભાઈ. પણ, ગામ આખું મને મોડો જ કે’ સે... ‘એવું કેવું નામ?’ હાથમાં હતી એ બેગને ખભે ઊંચકતાં કહે કે – ‘વાત જાણ્યે એમ સે ને તલાટીશ્યાહેબ, કે હું જલમવામાં જ મોડો પડ્યો ‘તો……. બેય હુયાણિયું લગભગ હેમ્મત હારી જિયેલી…તાંણે આપડે પરગટ થ્યેલા અટ્લ્યે ગામે નામ પાડી દીધું મોડો!’ ‘પણ, એ તો હુલામણું નામ કહેવાય! સાચું નામ શું?’ ‘હાચું ય ઈ ને ખોટું ય ઈ. વાત જાણ્યે એમ સે ને તલાટીશ્યાહેબ, કે મને નિહાર્યે બેહાર્યો તાંણે માસ્તરે પુઈસું જ નંઈ ને પાધરું, બસ લખી જ નાંઈખું...મોડાભાઈ.’ ‘તે ઈ તો તરત સુધરાવી લેવાયને ભલા માણસ! મોડાભાઈ તે કંઈ નામ કે’વાય?’ ‘તે ઈમાં મારા બાપા મોડા પડ્યા! પસેં તો માસ્તર ક્યે કે હવે કંઈ નો થાય! તાંણનું રિયું ઈ રિયું… આમેય મોડા ને તેમેય મોડા!’ સામેથી એક સાઈકલ સવાર આવતો હતો. એને અમે એકદમ નજીક લાગ્યા એટલે રાડ પાડી, ‘આઘા યોઁ… એલા આઘા ર્યો… બરિક નથી કઉં સું...’ અમે બન્ને ખસી ગયા. જરાક જ આગળ જઈ ને એ માણસ દાંડા ઉપર ઊતરી પડ્યો. બેય પગ ખોડીને સાઈકલ ઊભી રાખી. મોડાભાઈએ પૂછ્યું: ‘જગલા, ક્યાં જા છો?’ ‘વાડીએ...’ ‘લે હાલ્ય તાંણે પાસો વળ્ય. પસેં જાજે વાડીયે. આ નવા તલાટીશ્યાહેબ સે...હાલ્ય, આ તારું ઠોચર્યું સાઈકલ પાસું લે! લઈ લે ઈમનો સામાન પાધરો પંચાયતે જ મેલી દેજે! એ..ય ને અમે હાલ્યા આવશ્યું ઘાએ ઘા. તું તારે જા...’ મોડાભાઈને પેલાની સંમતિની જરૂર નહોતી. સાઈકલનું કેરિયર ખેંચીને પોતે બેગ ચડાવી દીધી અને થેલી ભરાવી હેન્ડલમાં… અને કહે કે - ‘જા તું તારે મારી મૂક્ય... જોજે આ બેગડી પડી નો જાય… વાંહે એક હાથ રાખજે...ને તલાટીશ્યાહેબને કે’જે કે તમને શુટ્ટા કરવા નવા શ્યાહેબ આવી જિયા સે.. મોડો ઈમને લઈન આવે સે...’ હવે અમે બંને સાવ ખાલીહાથ હતા. બંને તો ન કહેવાય. કેમકે મોડાભાઈના હાથમાં મૂળો હતો. થોડી થોડી વારે કડડ…કડડ ચાવ્યા કરે. વાત કરતા જાય ને ખાતા જાય. મૂળાની રસદાર-તીખી સુગંધે મારા મોંમાં પણ પાણી લાવી દીધું. મને થયું કે બને ત્યાં સુધી એમની ભાષામાં વાત કરીએ તો એમને થોડું આત્મીય લાગે. એટલે મેં વાત શરૂ કરી : ‘તે મોડાભાઈ તમે કામ શું કરો? મતલબ કે કંઈ ધંધોધાપો…ખેતીબેતી...’ ‘વાત જાણ્યે એમ સે ને તલાટીશ્યાહેબ, કે થોડીક ખેતી રાખી સે. હંધુ ય ભાગવું દઈ દીધું સે… ને મારે પંચાયતમાં પહાયતાની નોકરી. હોપિસમાં તલાટીશ્યાહેબ કે સરપંચ હોય કે નો હોય… પણ હું તો હઉં જ.’ ‘તમે તો ખરા માણસ છો! ક્યારના ભેગા છો તોય બોલતા નથી કે હું પંચાયતનો માણસ છું!’ ‘અરે! તલાટીશ્યાહેબ, તમ્યે પૂસો તાંણ કહું ને…’ એણે સહેજ આંખ ઉલાળી. મને આ માણસ થોડો વિચિત્ર લાગ્યો. અજાણ્યો થઈને કશું જાણવા માગતો હશે કે શું? વળી વિચાર આવ્યો કે આમાં જાણવા જેવું છે પણ શું? મેં જોયું કે એમની જીભને કાબૂમાં રાખવાનું એમને માટે પણ અઘરું હતું. આખા ગામની માહિતી જીભની અણીએ. ગામની કેટલી વસતિ, કઈ નાતની કેટલી? સ્ત્રીઓ કેટલી, પુરુષો કેટલા ને બાળકો કેટલાં? કોની કેટલી જમીન, કેટલાં એકર ને કેટલા ગૂંઠા. ટેમ ટુ ટેમ વિઘોટી ભરે કે છે કે નહીં? પિયતનો લાભ કેટલા ટકા જમીનને મળે છે? નાની નાની કેનાલો અને કુંડીઓ તો એમની આંગળીના વેઢે. તળાવ ગાળવા માટે કેટલી ગ્રાન્ટ આવી હતી ને એમાંથી કેટલી વપરાઈ ને કેટલી નહીં.. નિશાળના ઓરડામાં કોણે કેટલો ફાળો લખાવેલો ને ખરેખર આપ્યો કેટલો તે બધું મોડાભાઈની જીભ ઉપર આમતેમ ફર્યા કરે. તાલુકા પ્રમુખથી માંડીને મામલતદાર કે કોઈ પણ સરકારી મહેમાન આવે એટલે આ મોડાભાઈ લખેલી ને વણલખેલી સર્વ પ્રકારની સેવા કરે. વાતવાતમાં જાણ્યું કે એમને એક રોગ હતો, લોકોને નોકરીઓ અપાવવાનો. કોઈ અધિકારી કે રાજકારણીને ભલામણ કરવામાં ક્યારેય મોડા ન પડે. એમની ભલામણે કેટલાયને નાનીનાની નોકરીઓ અપાવી હશે! પાછો, કામ કર્યાનો કોઈ ભાર નહીં. ઉલટાનું એમ કહે કે ‘ઈમના નશીબનું હશે તે જડ્યું. આપડે જરાક જીભ હલાવી ઈમાં શું ગિયું?’ મેં ચાર્જ લીધો કે તરત જ જૂના તલાટી મહેતાસાહેબે કહ્યું કે – ‘હું ખાલી કરીને જઉં છું એ જ મકાન તમે રાખી લો. આનાથી સારું બીજું મકાન આ ગામમાં ભાડે નહીં મળે ને વર્ષોથી આમાં તલાટીઓ જ રહેતા આવ્યા છે. ભાડું રૂપિયા દોઢસો. હું આપતો’તો એ જ તમારે આપવાનું.’ એટલું બોલીને મહેતાસાહેબ લગભગ આદેશના અવાજમાં જ બોલ્યા: ‘એલા મોડા! તું બેચર પટલને કે’તો આવ. કાઢ જરા હડી કાઢ તો…’ એ ગયા પછી સહેજ કાન પાસે નજીક આવીને ધીમેથી મને કહે: ‘આ મોડો છે ને…?’ મને ધ્રાસકો પડ્યો. રખે ને એનાથી ચેતતા રહેવાનું કહે… મારા મનને વાંચી ગયા હોય એમ મહેતાસાહેબ કહે કે - ‘તમે ચિંતા ન કરો. પણ એ જરા, એ...વો છે! ‘એ...વો એટલે કે...વો?’ ‘તમે માગો એવી સેવા આપે!’ એમ કહીને એમની ઉંમરને ન શોભે એવું હસ્યા. પછી ઉમેર્યું: ‘પાછા તમે તો પરણ્યા ય નથી ને… એકલા રે’વાના એટલે થ્યું કે કહી દેવું સારું...’ ‘તો, તમે પણ એકલા જ રહેતા હતા ને? પરિવાર ક્યાં?’ ‘આ ગામ જ એવું કલોગું છે કે પરિવારને તો લવાય જ નહીં. પાછાં છોકરાંઓ શહેરમાં ભણે છે….’ પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા : પણ એક વાત ખરી કહેવી પડે. આખા ગામમાં આ મોડો એક જ એવો માણસ છે કે જેના ઉપર તમે ભરોસો મૂકી શકો. કોઈ વાર રેકર્ડ ન મળે કે કોઈ બાબતે મૂંઝવણ થાય તો આ મોડો જે કહેશે એ બરાબર જ હશે. વધારામાં કોઈ વાત એના પેટમાંથી બહાર નહીં જાય. ભરોંસો રાખજો તમતમારે…’ પેલી વાતને તો મેં બહુ ગણકારી નહીં, પણ ક્ષણેક વાર મારું લોહી ઊંચું થઈ ગયું. મનમાં થયું કે પહેલા દસમાં આવ્યો છું. તે કંઈક તો લાયકાત હશે ને? તલાટી થઈને ય આ પસાયતાનું માનવાનું? આટલું જલદી જગત બદલાઈ શકે એની મને તો પહેલી વાર ખબર પડી. મહેતાસાહેબને અને એમના સરસામાનને જસાપર પાટિયે પહોંચાડીને મોડાભાઈ પાછા આવ્યા ત્યારે મારું ઘર ગોઠવાઈ ગયું હતું. મહેતાસાહેબ મૂકી ગયેલા એ પાણીનો ગોળો, બુઝારું ને લોટો-પ્યાલો, ત્રાંસી ઇંસનો ખાટલો, જો કે એનું પાગરણ મને બહુ ગંદુ લાગ્યું તો મોડાભાઈ ગાદલું, ગોદડું, ઓશિકું ને ઓઢવાનું બધું ય લઈ ગયા અને બેચર પટેલના ડામચિયામાંથી નવું નક્કોર કઢાવી લાવ્યા. ઓરડામાં સહેજ ગરમી લાગી તે ઓશરીમાં ખાટલો ઢાળ્યો. પહેલી જ રાત હતી, પણ સરસ ઊંઘ આવી. પડ્યા ભેગો જ સૂઈ ગયો. લીમડાએ આખી રાત પવન ઢોળ્યો હશે. કદાચ આટલું બધું એકસાથે ચાલ્યો એના થાકનું કારણ પણ હોય. સવારે ઊઠીને જોયું તો લીમડાના થડે ખીલીમાં, જાડા તારના આંકડિયાવાળું એક ડબલું ટીંગાતું હતું. અને નીચે વાપરવાના પાણીની એક કોઠી હતી. હું સમજી ગયો. આમાંથી ડબલું ભરીને સીમમાં જવાનું છે! હજી હું કંઈ વિચારું એ પહેલાં તો મોડાભાઈ હાજર! એમના હાથમાં ચાની કિટલી અને બે રકાબીઓ હતી. ચા-પાણી પીને હું મોડાભાઈએ ચીંધેલી કેડીએ થઈ ખેતરોમાં ચાલતો હતો. રસ્તે જતાં જે કોઈ મળે એ મને આમ જાણે નહીં, પણ એમના સુધી વાત પહોંચી ગયેલી, એટલે તરત જ ઓળખી પાડે. ‘અરે આ તો તલાટીશ્યાહેબ!’ એ બધું ખરું, પણ મને આમ જાજરૂ જવાને ટાણે આવી ઓળખાણો ન ગમે! નાનપણમાં આમ ખુલ્લામાં જ જતા, પણ એને તો વર્ષો થયાં; હવે કંઈ થોડી એવી આદત રહી હોય? પાછો આવ્યો ત્યારે મોડાભાઈએ કોઠીની બાજુમાં એક નળિયાના કટકામાં હાથ ધોવાનો સાબુ મૂકી દીધો હતો. તૈયાર થઈને બરાબર અગિયાર વાગ્યે ઑફિસમાં જવું હતું. મેં મોડાભાઈને પૂછ્યું: ‘જમવાનું શું કરીશું?’ ‘વાત જાણ્યે એમ સે ને તલાટીશ્યાહેબ, કે મે’તાશ્યાહેબનું ય હું રાંધતો હતો. તમારું ય રાંધી દઈશ…. બોલો ને શું ખાવું સે?’ કદાચ એની વાત સાવ સીધી હોય તો પણ મને એમાં બીજો અર્થ દેખાયો. એક ક્ષણ તો થયું કે જા નથી ખાવું તારા હાથનું! પણ, પાછી એ ય ખબર હતી કે આવડા નાના ગામમાં બીજું થઈ પણ શું શકે? એટલે કહ્યું કે - ‘સારું આજે તમે બનાવો, તમને જે ઠીક લાગે એ…. પછી આગળ ઉપર જોઈશું!’ એકદમ જ મોડાભાઈ બોલી પડ્યા: ‘વાત જાણ્યે એમ સે ને તલાટીશ્યાહેબ, કે મને આજ દિ’ હુધી કોઈએ મોડોભાઈ કીધો જ નથી. તમ્યે ય મોડો જ ક્યો તો વધારે અરઘે!’ મેં એકદમ રુક્ષ થઈને કહ્યું: ‘મને કોઈને તુંકારે બોલાવવાની આદત નથી.’ પછી મનમાં થયું કે એક પ્રકારનું અંતર જાળવવા માટે ય એને માનથી બોલાવવો એ જ ઠીક. આખો દિવસ ઑફિસના દફતરને અને કામને સમજવામાં ગયો. બેચર પટેલ સરપંચ, પણ એમણે તો ચોખ્ખું જ કીધું કે- ‘મારે હરામનો એક રૂપિયો ય જોતો નથી. ભગવાનની પૂરી દિયા સે… તમતમારે બધું કાયદા પરમાણે જ કરજો. ને મારું કામ હોય તાંણે બોલાવી લેવાનો.’ પછી જરા વજન દઈને બોલ્યા: ‘તમને જ્યમ ગાદલાં-ગોદડાં સોખ્ખાં ગમે સે ઇમ મને વહીવટેય સોખ્ખો જ ગમે…’ આ સાંભળીને હું થોડી વાર વિચારે ચડી ગયો. આ સરપંચ મને ચેતવણી આપે છે કે કટાક્ષ કરે છે? પહેલા શનિ-રવિમાં ઘેર ન ગયો. શુક્રવારે બપોરે મોડાભાઈ કહે કે – ‘વાત જાણ્યે એમ સે ને તલાટીશ્યાહેબ, કે તમારે શનિ-રવિમાં ઘરે નથી જાવું? મે’તાશ્યાહેબ તો શુકરવાર બપોર કેડ્યે હોય જ નહીં. કાયમને માટ્યે એવું જ ગણવાનું....આવે ઠેઠ સોમવારે કે મંગળવારે! પાસું, આંયાં કામેય ઓસું, ખરું કે નઈ?’ ચાર-પાંચ દિવસમાં તો જાણે હું અહીં વર્ષોથી ન રહેતો હોઉં? એવું લાગવા માંડ્યું. મને તો આ ગામમાં કંઈ તકલીફ જેવું જ ન લાગ્યું. સાંજે તળાવની પાળે બેસવા જાઉં. આથમતા સૂરજને તળાવના પ્રવાહમાં નિહાળું. પાળ ઉપરનાં વૃક્ષોના હલમલતા પડછાયા જોયા કરું. એક પછી એક મંદિરની આરતીઓ રણકે ને ધીરે ધીરે આખું ગામ થાંભલાનો આછો પીળો પ્રકાશ ઓઢી લે. પછી હું ઘેર જાઉં. મોડાભાઈએ રસોઈ તૈયાર કરી રાખી હોય. ક્યારેક મોડાભાઈનું બોલવાનું મનમાં શંકાકુશંકા કરાવે. પણ હું એને કંઈ ગણું નહીં. જેમકે ગઈ કાલે સવારે જ પૂછતા હતા: ‘શ્યાહેબ! રાતે એકલા ઊંઘ આવે સે કે નહીં? એકલું લાગતું હોય તો કે’જો મને હું હુવા આવીશ! મારે તો ઘરેય હુવું ને આંયાંય હુવું...’ ‘મને એકલા જ ફાવે… ઉલટું બીજું કોઈ હોય તો ઊંઘ ન આવે!’ આમ જુઓ તો આ મોડાભાઈ એટલે મારા માટે તો અલ્લાદ્દિનનો જિન જ જોઈ લ્યો. જે કામ ચીંધો એ થયું જ સમજો. ચારેબાજુ વાડીઓ એટલે શાકભાજીનો તો તૂટો જ નહીં અને લોકો એટલા બધા ઉદાર કે ન પૂછો વાત. માસ્તર કે તલાટીનું નામ પડે એટલે કોઈ પઈપૈસો લે જ નહીં! બારે મહિના બધું મફત…. તમે ના પાડો તો એ લોકોને માઠું લાગી જાય! દૂધનું ય એવું, રોજ અલગ અલગ ઘરેથી કળશ્યો આવી જ જાય. અઠવાડિયે દસ દિવસે ખીરું આવ્યું જ સમજો. મોડાભાઈ એની બળી બનાવી આપે. ખવાય એટલી ખાઈએ, બાકીની ગામનાં છોકરાંઓને ખવરાવી દઈએ… એક દિવસ ચિંતાજનક ઘટના બની ગઈ. તાલુકેથી બધી પંચાયત ઑફિસોને ટીવી ફાળવવામાં આવ્યાં. ડિલિવરી કરનાર કંપનીની જવાબદારી હતી કે એન્ટેના સહિતનું બધું ફિટિંગ એ લોકો કરી આપે. જ્યારે કંપનીના માણસો આવ્યા ત્યારે મોડાભાઈ પણ વગર કહ્યું જ એમની સાથે છાપરે ચડ્યા. નળિયાં ઉપર પગ એવો તો જાળવીને મૂકે કે નળિયું ફૂટે નહીં. નટબોલ્ટનું ફિટિંગ કરતાં કરતાં અચાનક કંઈક થયું ને મોડાભાઈનું બેલેન્સ ગયું. કોઈને કંઈ સમજાય એ પહેલાં જ પૂળાની જેમ નીચે પટકાયા. અવાજ સાંભળીને દોડતો હું બહાર આવ્યો. દેખાય એવી તૂટફૂટ તો નહોતી થઈ, પણ બેભાન થઈ ગયા હતા. થોડુંક પાણી છાંટ્યું, ગાલ થપથપાવ્યા પણ બધું નકામું. કંપનીની ગાડી તૈયાર જ હતી. બધાએ ભેગા થઈને મોડાભાઈને ગાડીમાં નાંખ્યા ને અમે સીધા જ રાજકોટ સરકારી દવાખાને! ગામના પણ બે-ત્રણ જણા સાથે આવ્યા હતા. ડૉક્ટર ગઢવીસાહેબે બધી તપાસ કરી અને કહ્યું કે કશું જ ચિંતા જેવું નથી. થોડા કલાકોમાં બધું ઠીક થઈ જશે. એ આખી રાત હું મોડાભાઈનો હાથ પકડીને બેસી રહ્યો. દવા મિશ્રિત ગ્લુકોઝના બાટલા ચડતા હતા, થોડી થોડી વારે મને વિચાર આવે આ એ જ હાથ છે જે રોજ મને ભાવતી રસોઈ બનાવે છે. રોજ પીવાનું પાણી ભરી આપે છે. કપડાં ધોઈ આપે છે. મારી પથારી કરી આપે છે… આ કરી આપે છે…તે કરી આપે છે! પળ એક વાર તો એમ લાગ્યું કે આ હાથ, આ આંગળાં મોડાભાઈનાં છે કે મારાં છે? આટલા વખતમાં મેં એમને પહેલી જ વાર સ્પર્શ કર્યો અને તે પણ આવા સંજોગોમાં ધીરે ધીરે કરતાં એ સ્પર્શ સ્વજનના સ્પર્શમાં ફેરવાયો અને મોડાભાઈએ આંખ ખોલી. ન સમજાય એવું કશુંક આછું આછું બબડ્યા. છોભીલું હસ્યા. મારા હાથમાં એમનો હાથ જોઈને કંઈક ક્ષોભ સાથે એમણે હાથ ખેંચી લીધો. પછી સહેજ ધ્રૂજતા હોઠે પૂછ્યું: ‘આપડે ચ્યાં શવી? મને આંયાં સું કામ લાવ્યા સો?’ ‘મોડાભાઈ! તમે ટીવીવાળા સાથે ઑફિસના છાપરે નહોતા ચડ્યા? ત્યાંથી તમે પડી ગયા. અત્યારે આપણે રાજકોટમાં છીએ. આ દવાખાનું છે. ચિંતા કરવા જેવું કંઈ નથી. બધું સારું થઈ જશે. વગેરે વગેરે…’ મેં બધી વાત નિરાંતે એમને સમજાય એમ કરી. પણ એમને આ કોઈ વાતની સ્મૃતિ જ નહોતી. ડૉકટરે કહ્યું કે આવું તો થાય. મોટી પછડાટ વાગે એટલે દર્દી ઓટોમેટિક ટ્રોમામાં ચાલ્યો જાય. બીજે દિવસે તો મોડાભાઈને રજા મળી જવાની હતી. પણ ડૉકટરે કહ્યું કે વધુ એકાદ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખીએ. કદાચ કોઈ બ્લડક્લોટ હોય તો ય ક્લિયર થઈ જાય. મારે પણ ફરજિયાત રહેવું જ પડ્યું. રાત્રે સૂતી વખતે મોડાભાઈ ભાવુક બની ગયા. કોઈ સંદર્ભ વિના જ જાણે લવરીએ ચડી ગયા : ‘વાત જાણ્યે એમ સે ને તલાટીશ્યાહેબ, કે મારે નાનપણથી જ માબાપ નંઈ. મોટો ભઈ હતો પણ કરંટ લાઈગો ઈમાં હતો નો’તો થઈ જ્યો…. ભાભીએ કોઈ દિ’ મને પોતાનો માઈનો જ નંઈ ને! આ તો પંચાયતની નોકરી તે હું નભી જ્યો. નકર તો ઈમ માનોને, હું ગાંડો જ થઈ જ્યો હોત… નાત્યમાં ય કોઈ, આગળ પડીન કરનારું નંઈ…તે હપકણ કુંણ કરાવે? ઈમાં ને ઈમાં હઉ તલાટીશ્યાહેબોએ મને રોટલાની જેમ બેય કોરથી ફાવે એમ શેક્યો…….પેટ અને પેટની હેઠેનું શું નો કરાવે માણહ પાંહે? ગામને તો કોઈ દિ’ અણહારેય આબ્બા નો દીધો...બધા શ્યાહેબો હવારે તો ફૂલફટાક! જે જાય ઈ આવનારાને ભલામણ કરતા જાય... મે’તાશ્યાહેબે કદાક સે ને તમને મારું કંઈ મોળુંધોળું કીધું હોય તો… તમને મારા ગણીન કઉં સું.... શ્યાહેબ હું ચ્યાં એવો હતો..મને એવો કરી મેલ્યો... આવનારાયે… કરી મેલ્યો… શ્યાહેબોએ કરી મેલ્યો……’ અને એકદમ એમનો શ્વાસ ઘુંટાવા માંડ્યો. આંખો ચકળવકળ થવા સાથે ઊંડી ઊતરવા લાગી. હું એમને કહું છું: ‘અત્યારે બધું ભૂલી જાવ મોડાભાઈ! બધું ભૂલી જાવ… હું તમને ઓળખું છું ને! અત્યારે આપણે તમારી તબિયત જ જોવાની… એમનો આખો દેહ ઊંચોનીચો થવા લાગ્યો. મને લાગ્યું કે મોડાભાઈ અમળાઈ રહ્યા છે...આખું શરીર પરસેવે રેબઝેબ. અવાજને બદલે ઊંહકારા નીકળવા માંડ્યા. મોઢું ફીણ ફીણ થઈ ગયું. હું લગભગ દોડતો જઈને નર્સને બોલાવી આવ્યો. એણે ગઢવીસાહેબને ફોન કર્યો પણ ઘેર કોઈ હોય તો ઉપાડે ને? એ તો ફેમિલી સાથે થિયેટરમાં ગયેલા. પણ નર્સ હોશિયાર લાગી. તરત જ એણે જીવ બચાવવાનું ઇન્જેક્શન આપ્યું. પછી તો... નર્સ જાણે મોડાભાઈની છાતી ઉપર ચડી બેઠી અને પમ્પિંગ શરૂ કર્યું. બ્લડપ્રેશર માપતી જાય ને પમ્પિંગ કરતી જાય…….દસેક મિનિટની મહેનત પછી મોડાભાઈના ધબકારા નિયમિત થયા. થોડી વાર પછી ભાનમાં ય આવ્યા. સાવ સાચી વાત તો એ કે તેઓ મૃત્યુને મહાત કરીને પાછા આવ્યા હતા. આ ઘટના પછી મેં જોયું કે એમનું બોલવાનું ઘણું ઓછું થઈ ગયું હતું. આખો દિવસ બાંકડે બેઠા રહે. કામ બધું દોડી દોડીને કરે, પણ એમનું મન જાણે શાંત થઈ ગયું હતું. જાણે ઈ મોડાભાઈ જ નહીં! ક્યારેક અમે બે બેઠા હોઈએ ત્યારે ઓશિંગણભાવે મને કહે: ‘વાત જાણ્યે એમ સે ને તલાટીશ્યાહેબ, કે તમ્યે નો હોત તો હું ચ્યારુંનો ધામમાં જતો રિયો હોત! પણ, તમારી સેવા કરવાની લખી હશ્કે તે બચી જ્યો…શ્યાહેબ મને તો રોજ રાત પડી નથી કે ભૂખ્યા વરુનાં સપનાં આઇવાં નથી….હવારે ઊઠું તાંણેય ઈની બાશ આવે...’ હું કહું કે - ‘મોડાભાઈ! એવું બધું યાદ નહીં કરવાનું……. મારી તો સલાહ છે કે કોઈ સારું પાત્ર મળતું હોય તો, નાતજાત જોયા વિના ઘર કરી લ્યો, જિંદગી જીવવા જેવી લાગશે!’ એક રીતે મને આ જસાપર ફળ્યું હતું. કામ ન હોય ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા કરું. પાક્કા દોઢ વરસની મહેનત ફળી. કદાચ એમાં મોડાભાઈની સેવા ઉપરાંત શુભ ભાવનાઓ ય ભળી હશે. પરિણામ આવ્યું ત્યારે ખબર પડી કે આપણે મામલતદારમાં ય પહેલાં દસમાં જ છીએ. ગામને તો ઉત્સવ જેવું થઈ ગયું. ‘આપડા તલાટીશ્યાહેબ તો મામલતદાર થાવાના!’ પણ મોડાભાઈ નિરાશ થઈ ગયા. ‘નવા તલાટી એવા શબ્દો કાને પડે ને એમનું ભમવા માંડે. એ તો ઇચ્છતા હતા કે હું જિંદગીભર અહીંથી જાઉં જ નહીં. પણ બે મહિના પછી ભાવનગરનો ઓર્ડર આવ્યો. મારી જગ્યાએ સોખડાથી સેંધાજી ઠાકોર આવવાના છે. એ આવે એની હું રાહ જોઉં છું. મોટેભાગે તો આ સોમવારે આવી જ જશે. બપોરે હું જમીને આડો પડ્યો ત્યારે મોડાભાઈ તૂટક તૂટક અવાજે કહે ‘વાત જાણે એમ સે ને તલાટીશ્યાહેબ કે આ ઠાકોરશ્યાહેબને અમથું પૂશી લેજ્યો ને કે..’ એમનો અવાજ અને શરીર બંને ધ્રૂજતાં હતાં. ‘અરે ભલા માણસ એવું તો કોઈને કેમ પૂછાય? તમે ખોટા બીઓ છો…. દુનિયામાં બધા કંઈ એકસરખા ન હોય! અને હું કંઈ મહેતાસાહેબની જેમ થોડો તમારો ચાર્જ સોંપીને જવાનો છું? એટલો ય ભરોંસો નથી? ખોટી ઉપાધિ ન કરો...’ મેં ઘણું ચોખ્ખું સમજાવ્યું પણ એમની અંદરનો ડર એમને સમજવા દેતો નહોતો. એ સસલીની જેમ ફફડતા હતા… એકદમ છુટ્ટે મોંએ રડી પડ્યા. કોઈ આશ્વાસન કામ લાગે એમ નહોતું. મેં એમને થાકી જાય ત્યાં સુધી રડવા દીધા. છેવટે એ ક્ષણ આવી. મોડાભાઈ મને જસાપરના પાટિયે મૂકવા આવ્યા. બસને હજી વાર હતી. એમણે મારી બેગના હેન્ડલને કચકચાવીને પકડી રાખ્યું હતું. મેં જોયું કે એમના હોઠે કંપ હતો પણ શબ્દ નીકળતો નહોતો. મેં કહ્યું કે – ‘જાવ... સામે પાણીની પરબ છે ત્યાંથી પાણી પીતા આવો ને એક ગ્લાસ ભરતા ય આવો.’ એ પાણી ભરીને આવ્યા ત્યારે બસ આવી ગઈ હતી. પાણી પીને હું બસમાં બેઠો ત્યારે મોડાભાઈ મૂંગાં હિબકે રડ્યા. હળવેથી એમનો અવાજ ઊઘડ્યો: ‘વાત જાણ્યે એમ સે ને તલાટીશ્યાહેબ, કે તમારા જેવા શ્યાહેબ ચંઈ નો જડે હો… માયા રાખો સો એવી ન એવી રાખજ્યો... ચ્યારેક આની કોર્ય આવી સડો તાંણ મને ઇયાદ કરજ્યો… એ બોલતા જ રહ્યા ને કંડક્ટરે બે ઘંટડી મારી. બસ ઊપડી ને મારા મનમાં ધ્રાસકો પડ્યો : સાંજે મોડો જમશે? શું જમશે?