મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/અમારા ગામનાં કૂતરાં
અમારા ગામનું નવું નામ ‘શ્વાનનગર’ પાડવાનો ગંભીર વિચાર એક વખત ચાલ્યો હતો. આ વાતને તમે હસવામાં ન ઉડાવી દેશો. પૂછો મારા ઉકરડાકાળના ભાઈબંધ ટભા મસાણિયાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં. હજુ તો જીવતો બેઠો છે. એ સાક્ષી પૂરશે કે, રાત્રે અમે બન્ને પલિતનાથની જગ્યામાંથી ગાંજો પીને પાછા ફરતા, ત્યારે ગામનાં ભસતાં કૂતરાંને અમે જવાબ દેતા કે, “રૈયત!” ‘રૈયત’ એવો શબ્દ સાંભળીને કૂતરાં ભસવું અટકાવી, પાછાં ગૂંચળાં વળી પડ્યાં રહેતાં. પોલીસ-ખાતાના રાત-ચોકિયાતોની આટલી બધી સાન જે ગામનાં કૂતરાંમાં આવી ગઈ હોય, તે ગામનું નામ ‘શ્વાનનગર’ પાડવાના પ્રસ્તાવને તમે મશ્કરી કાં માની લ્યો છો? એક શેઠિયાએ તો અમારા દરબાર સાહેબને રૂબરૂ મળી અરજ કરી હતી કે, “બાપુ, આ ગામમાં હવે પોલીસના આટલા મોટા બેડાની શી જરૂર છે? પોલીસનું કામ તો પોલીસના કરતાં પણ આપણાં કૂતરાં વધુ સારી રીતે બજાવે છે: ચોરને જો પોલીસેય નથી ટપારતા, તો કૂતરાં પણ ચોરને ભસતાં નથી; ને સજ્જનને જો પોલીસ સતાવી શકે છે, તો કૂતરાં પણ સજ્જનને કરડી લ્યે છે. “ઉપરાંત, પોલીસને ન નભાવવાનું બીજું પણ એક કારણ છે: કૂતરાં પોલીસને દેખીને જ રૂવે છે: ખાખી લૂગડું દેખતાંની વાર તેમના વિલાપ-સ્વર શરૂ થાય છે. પ્રત્યેક શેરીનાં કૂતરાં પોલીસના ચોકિયાતને સામી શેરી સુધી સહીસલામત પહોંચતા કરવાની પોતાની ફરજ એટલી તો વધુ પડતી રીતે સમજી ગયાં છે કે કૂતરાંને આખી રાત જંપ વળતો નથી. કૂતરાંનો એ અજંપો વસ્તીને પણ રાતોરાત જાગતી રાખનારો થઈ પડે છે. “આટલો બધો સંગીન બંદોબસ્ત રાખવાની તાલીમ જો કૂતરાંને આપોઆપ જડી રહે છે. તો આ શહેરમાં નાહક પોલીસનો ખરચો નભાવવાની રાજને શી જરૂર છે?” બાપુસાહેબને આ પ્રસ્તાવ પસંદ પડ્યો હશે તે તો તેમના મોં પર ફરકી રહેલ મધુર હાસ્ય પરથી જ પરખાઈ આવ્યું હતું. મારો ભાઈબંધ ટભો તો આજ પણ તમને એ વાતની તસલ્લી આપવા તૈયાર છે: એ રહ્યો ટભો મસાણિયો જૂનાગઢમાં. જીવતો છે હજુ. કૂતરાંનો મહિમા અમારા ગામમાં કંઈ ઠાલો મફતનો આટલો બધો નથી વધ્યો. કૂતરાંની સેવા-ચાકરી તો અમારા ફૂલા શેઠને હાજરાહજૂર ફળી છે. સારા પ્રતાપ કૂતરાંના કે અમારા શહેરની દેદીપ્યમાન હવેલી ફૂલા શેઠે બંધાવી. પગ પૂજીએ કૂતરાંના કે ફૂલા શેઠે ગામની પાંજરાપોળને, ગામનાં ઠાકર-મંદિરોને, પાઠશાળાને, પુસ્તકાલયને, અવેડાને, પારેવાંની છત્રીને — સર્વને નિહાલ કરી આપ્યાં. અમારી બજારમાં બીડીઓ વાળતો ફૂલિયો રાત પડે ત્યારે કૂતરાંના રોટલાની પેટી ફેરવતો. થોડાક દિવસમાં તો પેટીના ખખડાટ બજારને એક નાકેથી બીજા નાકા સુધી સંભળાતા થયેલા. એ પૈસામાંથી ફૂલિયો લોટ લાવીને હાથે રોટલા ઘડતો. એ રોટલા એણે ફક્ત પાંચ જ કૂતરીને ખવરાવ્યા. છ મહિને પાંચનાં ચાલીસ થયાં. એ ચાલીસેયના આશીર્વાદ લઈને ફૂલિયો મલાયા ગયો તે દસ જ વર્ષમાં તો લખેશરી થઈને, ‘ફૂલચંદ અમીચંદ શેઠ: મલાયાવાળા’ એવા નામે, પાછો આવ્યો. “આટલી બધી માયા, ફૂલા, તું કેમ કરીને કમાયો?” એવું પૂછવા અમારા વડીલો એકાન્તમાં ફૂલા શેઠને મળ્યા હતા. “મને બીજી તો કશી ગતાગમ નથી;” ફૂલો જવાબ આપતો: “પગ ધોઈને પીઉં આ કૂતરાંના: મને તો એની ચાકરી ફળી છે.” બસ, તે દિવસથી અમારા ગામના વેપારી વાણિયાઓને કોઠે આશાના દીવડા ચેતાયા છે: તે દિવસથી તેમણે દેરાસરમાં જવું તેમ જ પર્યુષણના પર્વમાં ઘી બોલાવવું પણ કમતી કરી નાખ્યું છે: તે દિવસથી ઘેરઘેર કૂતરાંને ગરમાગરમ શેરો કરીને ખવરાવવાનું શરૂ થયું છે. શેરાનો ભોગ ધરવામાં સહુથી વધુ મહિમા અમારા ગામના કૂતરા તૈમુરલંગનો છે. અમે એને ‘તૈમુરલંગ’ કહીએ છીએ, કારણ કે એ કૂતરાનો એક ટાંગો ભાંગી ગયો છે, તેમ જ ત્રણ ટાંગે ઠેકતો ઠેકતો પણ એ પોતાની પાસે આવનાર હરકોઈને — ખાસ કરીને પોતાને શેરો ધરવા આવનારને — યુદ્ધનું આહ્વાન આપે છે! પ્રત્યેક સાચા મહાયોગીની જે પ્રકૃતિ હોય, તે જ તૈમુરલંગની છે: યોગી પોતાને અન્નપ્રાશન કરાવવા આવનારનું પણ ગાળોથી જ સ્વાગત કરે છે. તૈમુરલંગ એક ઓલિયા ફકીરની ભૂમિકાએ પહોંચેલો જણાય છે. શ્વાન-પૂજાનો અને શ્વાન-ભક્તિનો એવો તો પાકો રંગ અમારી વણિક પ્રજાને ચડી ગયો છે કે તેઓના સંઘ-બળનો તાપ અમારા પોલીસ-ખાતા પછી અમારા ન્યાય-ખાતા પર પણ પડ્યો છે. કૂતરાંની સંખ્યાને હદ બહાર વધારી મૂકે એવો તો ઘીના ફળફળતા માનભોગનો સ્વાભાવિક પ્રતાપ છે. આટલી બુલંદ સંખ્યા કૂતરાંની; તેમાં ઉમેરીએ કૂતરા–ભક્ત વણિક ઇત્યાદિ કોમોની સંખ્યા: બેઉનો સરવાળો બીજી વસ્તીના કરતાં ચડી જવા લાગ્યો, એટલે વાણિયાઓની સાથોસાથ કૂતરાંનાં રક્ષણની જવાબદારી પણ અમારા મુન્સફો પર આવી પડી. એ જવાબદારી અમારાં ન્યાય-મંદિરોએ બેધડક બજાવી છે. તેના દાખલા તો અનેક મોજૂદ છે. અમારા મોના મિસ્ત્રીએ ઘરની ઘોડાગાડી વસાવી તે દિવસથી જ ગામનાં કૂતરાંની અને કૂતરાં-પ્રેમી મહાજનની આંખો લાલ બની હતી. ગાડાંગડેરાં બજારમાં નીકળે તેને તો અમારાં કૂતરાં સામે જોવા જેટલુંય મહત્ત્વ નહોતાં આપતાં: ગાડાવાળો બહુ બહુ હોકારો કરે ત્યારે સૂતેલાં કૂતરાં કેવળ ત્રીજા ભાગની જ આંખ ત્રાંસી કરીને પાછાં આરામમાં લય પામી જાય. પણ મોના મિસ્ત્રીની ઘોડાગાડીના ઘૂઘરાએ અમારા તૈમુરલંગનો જે તેજોવધ કર્યો, તે તેજોવધ ન તૈમુરલંગથી સહેવાયો કે ન અમારા મહાજન પુત્રોથી સહેવાયો... ત્રણ પગે ઠેકીને તૈમુરલંગ જ્યારે ઊઠ્યો, ત્યારે એણે ફક્ત નાની-શી કરુણ બૂમ નાખી હતી. બૂમ! કરુણ બૂમ!! તૈમુરલંગની કરુણ બૂમ!!! દુકાનદારો બધાં કામકાજ પડતાં મૂકીને સ્તબ્ધ બની ગયા. તેઓએ મોના મિસ્ત્રીની ઘોડાગાડીને એક પછી એક શ્વાન-મોરચો વટાવતી આગળ ચાલી જતી દીઠી. “જોઈ શું રહ્યા છો?” એક દુકાનદારે બીજાને કહ્યું. “મા’જનનું નાક કપાય છે...” બીજાએ ત્રીજાને કહ્યું. “આમ તો આવતી કાલ્ય આંહીં હત્યાનો સુમાર નહીં રહે.” “આપણામાંથી પાણી જ ગયું ને!” ચોથાએ મુસલમાનોનો દાખલો દીધો: “ઈવડા ઈ લોકોની એક બકરીને ચેપવા તો જાય મોનો!” “કૂતરાંના નિસાપા ગામની આબાદીને ખાઈ જશે — ખાઈ...” “ગભરુ બાપડા પશુને પીલી નાખ્યું તોપણ મોનાને એટલુંય ભાન છે કે ગાડી ઊભી રાખે!” “એની તો આંખ્યો જ ઓડે ગઈ છે.” તમામ ચર્ચાના પરિણામરૂપે મહાજનના આગેવાનો મુન્સફ પાસે ગયા, અને મુન્સફે તેઓની ફરિયાદ દફતર પર લીધી. મોના મિસ્ત્રીનો ગાડીવાન ફલજી નામે એક સપાઈ હતો. ગામડામાં ખેડ કરતાં કરતાં બાયડી મરી જવાથી એની ખેડ ભાંગી ગઈ હતી. એટલે જ ફલજી સાંતીડાનું બળતણ બનાવીને મોના મિસ્ત્રીની ડેલી પર નોકર થયો હતો. અમે એક વાર એના છોકરાને નદીમાં, ગામથી એક ગાઉ પરના ઘૂનામાં, એક માછલું ઝાલતો જોયેલો, ત્યારે ઠીક ઠીક ટીપેલો. ઉપરાંત, એક વાર એ છોકરો બીજે ગામથી ટ્રંકમાં મૂકીને માંસ વેચાતું લઈ આવેલો, ત્યારે પણ મહાજનનાં મન ઉચક થયાં હતાં અને આ સપાઈ ફલજીએ પાઘડી ઉતારી હતી ત્યારે જ એને દંડથી જતો કર્યો હતો. આવા એક ભરાડી સપાઈને નોકરીમાં રાખનાર મોનો મિસ્ત્રી આખા ગામનું નાક તો વાઢતો જ હતો; તેમાં પાછો આ તૈમુરલંગનો કિસ્સો બન્યો. “મોનો તો ખાટકી છે — ખાટકી!” એવા અભિપ્રાયો અમે મહાજનને મોંએથી ઝીલીને છેક બાયડી વર્ગમાં પણ પહોંચાડી દીધા. મારો ભાઈબંધ ટભો ન્યાતનાં નોતરાં દેવા ઘેર ઘેર જતો, તદુપરાંત ન્યાતના જમણવારમાં શાક અને કઢી કરનાર રસોયા તરીકે સહુનો માનેતો હતો; એટલે મોના મિસ્ત્રીનો ધજાગરો બાંધવામાં ટભાની મહેનત વહેલી ફળી ગઈ, ટભાના હાથની બનાવેલી મીઠા લીમડાવાળી કઢીના સબડકામાં જે સ્વાદ હતો, તે જ સ્વાદ સહુ કોઈને ટભા-મુખથી પિરસાતી આ મોનાની વાતમાં પણ આવ્યો. “હવે મૂકોને વાત, મારી બાઈયું!” મારાં એક ભાભુમાથી આટલું જ બોલાઈ ગયું: “કૂતરાંનો વસ્તાર આટલો બધો વધારી મૂક્યો છે તેમાં શી સારી વાત છે? આ નત્ય ઊઠીને કૂતરાંના મેલાં ઊસરડ્યા જ કરવાનાં!” મારાં ભાભુમાને આ બોલ બહુ ભારી પડી ગયા. દેવ-ઠેકાણે પૂજાતાં કૂતરાંની આવડી મોટી ગિલા કોણ ચલાવી લ્યે? મા’જન જેવું મા’જન બેઠું હોય જે ગામમાં, એ ગામની એક વાણિયણના માથામાં શું આટલી બધી રાઈ! એ ન ચલાવી લેવાય. તે જ દિવસથી ભાભુમાને ‘હત્યારી’, ‘ખાટકણ’, ‘ડાકણ’, ‘શ્વાન-ભરખણ’ વગેરે શબ્દોનાં આળ ચડતાં થયાં. મુકદ્દમો ચાલવાના દિવસ સુધી મોનો મિસ્ત્રી મક્કમ રહ્યો. એણે એના ગાડીવાનને કહ્યું: “ફલજી, તું ડરીશ મા; હું તારો પૂરેપૂરો બચાવ કરવાનો છું.” પણ એક... બે ને ત્રણ મુદતો પડી, ત્યાં મોનો ઢીલો પડી ગયો. ગામ લોક એને પીંખવા લાગ્યું. ગામની બજારે ગાડી કાઢવી મોનાને મુશ્કેલ બની ગઈ. મહાજનનો તાપ અસહ્ય હતો. મોનાની સાયબી નિસ્તેજ બની; એની હિંમત ખૂટી ગઈ. મોનાએ મહાજનના આગેવાનો આગળ છાનુંમાનું ‘મીનો’ કહ્યું. “હાં, તો બરાબર...” મહાજનના શેઠિયાઓએ મોનાની સામે અમીની આંખો ઠેરવી: “તો પછી હાંઉ: તું વચ્ચેથી ખસી જા, મોના! અમે ફલજીને તો આરપાર કાઢવા જ માગીએ છીએ.” પછી મોનો સમજુ બનીને ખસી ગયો. એણે પણ ઉઘાડેછોગે હાકલ કરી કે, ‘કૂતરું ચેપાણું હોય તો તો મહાજનથી કેમ ચલાવી લેવાય? બાપડાં કૂતરાંનો ધણીધોરી કોણ? એણે ગામનું શું બગાડ્યું છે? કૂતરાંનું લોહી હળવું શાને માટે? એ તો સારું થયું કે તૈમુરલંગ ચપળ હતો, એટલે ઝપાટામાંથી બચી ગયો; પણ કોઈ બાપડી ગાભણી કૂતરી ગાડીની હડફેટમાં આવી ગઈ હોત, તો ત્યાં ને ત્યાં એનો ગાભ જ ઢગલો થઈ જાતને! માટે જે કોઈ માણસ આવી ગફલતનો કરવાવાળો હોય — પછી એ મારો નોકર ફલજી હોય, કે બાપુ સાહેબનો કોચમેન રહેમતખાં હોય — એનો તો ન્યાય તોળાવો જ જોઈએ. કૂતરાં તો મૂંગાં જાનવર છે: એ ક્યાં જઈ ન્યાય મેળવશે?” પછી ફલજીનો દંડ થયો. દંડ કૉર્ટ ખાતે જમા ન કરતાં કૂતરાંપ્રેમી ન્યાયમૂર્તિએ દંડ એ તૈમુરલંગ વગેરે કૂતરાં-કુટુંબને શેરા ખવરાવવા ખાતે મહાજનને જ અપાવ્યો. તે પછીથી અમારા ગામમાં કૂતરાંની સ્થિતિ સુધરતી જ આવે છે, ને અમે સૌ એવી આશાએ શેરા ખવરાવ્યા જ કરીએ છીએ કે કૂતરાંની આંતરડીની દુવાથી કોઈક દિવસ પણ અમારી સર્વની સ્થિતિ ફૂલા શેઠ જેવી ફાલી નીકળશે. કૂતરાંના રાતભરના કકળાટ અમને કોઈને ઊંઘ નથી આવવા દેતા, તો તેથી હિંમત હારી જવા જેવું શું છે? કૂતરાંના ભસવાથી વસ્તીના ઊંઘતાં છોકરાં ઝબકી ડરી જાય છે એવી દલીલ આજના જમાનામાં કામ આવે નહીં: આપણાં વણિકોનાં છોકરાંએ તો નાનપણથી જ કઠણ છાતીનાં બનતાં શીખવું જોઈએ. કૂતરાંનો તો પાડ માનીએ કે આખી રાત આપણને જાગતા રાખી અનેક ચોરીઓના ત્રાસમાંથી આપણને બચાવે છે. કાઠિયાવાડનાં કેટકેટલાં શહેરો-કસ્બાઓ તેમ જ ગામડાંઓ અત્યારે કૂતરાંના કટક વડે આબાદાન બની રહેલ છે! ભલે ફૂલા શેઠની પેઠે નવું નાણું અપાવવામાં કૂતરાં ન ફળ્યાં હોય; પણ જે જૂનું નાણું છે, તેની તો આખી રાત ચોકી કરવાનો આપણો ધર્મ કૂતરાંએ જ જાગ્રત રખાવ્યો છે ને! કૂતરાંના પાળનાર રાજાઓ પ્રત્યે કેટલાંક છાપાં મહાજનોની લાગણી ઉશ્કેરવા મથી રહેલ છે; પણ મહાજને પોતાનું કાળજું છાપાંવાળાને ખવરાવી દેવાનું નથી. (અગાઉ આપણે એમ કહેતાં કે અલ્યા, તારું કાળજું કૂતરાં ખાઈ ગયાં છે! હવે એવી ભાષા અપમાનસૂચક કહેવાય.) એવા રાજાઓ સદૈવ આબાદાન રહ્યા છે તે બતાવી આપે છે કે કૂતરાંની ભક્તિ કૂતરાંના દેવ દત્તાત્રય વ્યર્થ જવા દેતા નથી. ફલજી સપાઈ કૂતરાને દુભવ્યા પછી કદી સુખી થયો નથી એ વાત ન માનતા હો, તો પૂછો મારા ભાઈબંધ ટભાને: એ રહ્યો ટભો જૂનાગઢમાં! બળબળતે ઉનાળે કૂવામાં તારોડિયો તબકતો હોય એટલાં જ જળ જ્યારે જડતાં, ત્યારે અમે મહાજન તરફથી પાણીની ટાંકીઓ બળદ-ગાડીઓ ઉપર ચાલુ કરી હતી. અમે એક ગાઉ છેટેના નવાણનું પાણી ભરી ભરી ગામને ઘેરઘેર ટાંકીઓ ફેરવતાં. એક ટાંકીને માથે હું બેસતો, ને બીજીને માથે ટભલો. શ્રીમંત ગરીબનો કોઈ પણ તફાવત કર્યા વિના અમે સહુને પાણીનાં વાસણ ભરી આપતા ગામમાં ઘૂમતા હતા. એમાં પહેલે જ દિવસે ફલજી સપાઈનો છોકરો માટલું લઈને દોડ્યો આવે. ટભાને મેં કહ્યું કે, “ટભા, હમણાં કશું કહેતો નહીં: ટળવળવા દેજે ખૂબ!” વારે વારે એ છોકરો માટલું ધરવા જાય... ને વારેવારે હું હોશિયાર રહીને ટાંકીની સૂંઢ બીજાના વાસણમાં ઠાલવી દઉં: એને ખબર તો ન જ પડવા દઉં કે હું જાણીબૂઝીને એનો વારો નથી આવવા દેતો. એમ તો હું ને ટભો બેઉ બડા ચકોર છીએ! પછી તો એ છોકરો રોઈ પડ્યો. મેં કહ્યું: “કાં, ભા; એમાં મુંડકો કેમ બનછ! તને કોઈએ કાંઈ કહ્યું? ગાળભેળ દીધી!” ડોકું હલાવીને એણે તો આંસુડાં ખેરવાં જ માંડ્યાં. પછી એ કહે કે, “હું, મારી બોન ને મારા બાપ — ત્રણેય જણાં તાવમાં પડેલાં છીએ: પાણી ભરીને લાવનારું કોઈ નથી. એક ઘડો આપોને, તો ત્રણ દી પોગાડશું. અમારે વધુ ઢોળીને શું કરવું છે? તાવલેલાં છીએ એટલે ખાતાંપીતાંય નથી ને ખાતાંપીતાં નથી એટલે કાંઈ વધુ પાણી પીવા જોશે પણ નહિ. વાસ્તે આપો, ભાઈશા’બ!” પણ પછી તો મેં ચોખ્ખું કહી દીધું કે, “ભાઈ, પુણ્યશાળીઓને પ્રથમ પહોંચાડી દેવા દે; પછી તારો વારો...” ત્યાં તો લાલભાઈ શેઠના ઘોડાને દોરીને એનો નોકર લઈ આવ્યો, એટલે બાકીનું બધું જ પાણી અમે શેઠના ઘોડાની બાલદીમાં ઠાલવી દીધું, ઘોડો ચસકાવી જ ગયો. સૂંઢ ખંખેરીને મેં ફલજીના છોકરાને બતાવી: “જો, ભાઈ: છે પાણી! હોય તો હું ને મારો ભાઈબંધ ટભો કાંઈ ના પાડીએ?” “ના શા સાટુ પાડીએ, ભા!” ટભાએ પણ ટાપશી પૂરી, ને અમે ટાંકીઓ હંકારીને ગામમાં ચાલ્યા ગયા. બજારમાં અમને અજાયબી જ એ થતી કે આ કૂતરાં તો જો — કૂતરાં! કેટલાં સમજણાં! મહાજનની ટાંકીને જરીકે રોકે છે? ઊઠીને કેવાં મારગ આપે છે! “હા;” ટભાએ કહ્યું: “અને એને પુણ્યે તો આટલુંયે પાણી મળે છે આ કાળે ઉનાળે.”