મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/કલાધરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કલાધરી

[૧]

“આજે ન જા તો?”

પુરુષોત્તમદાસથી ચા પીતાં પીતાં આટલું જ પુછાઈ ગયું. પુછાતાંની વાર જ તનુમતીનો ચહેરો ઊતરી ગયો. એની આંખોમાંથી ઠલવાતાં આંસુએ કોઈ પણ કવિની કલમને એક ડઝન ઊર્મિગીતો ઠાલવી નાખવાની પ્રેરણા આપી હોત.

“ભલે;” એવી ઊંડી દુભામણથી ભરેલો, ટૂંકો જવાબ આપીને તનુમતી ચૂપ રહી.

પુરુષોત્તમદાસના ચાલ્યા જવા પછી કેટલીય વેળા તનુમતી રસોડાની પાળ ઉપર બેઠી રહી. તાજાં સ્નાન પછી વીખરાતા મૂકેલા એના વાળની લટો એની પીઠ તથા છાતી પર આષાઢી મેહના દોરિયા જેવી છવાઈ રહી.

આંસુનાં બિન્દુઓ રસોડાની લાદી પર ટપકેલાં નિહાળી નિહાળીને છેવટે જ્યારે એણે ઊંચે જોયું ત્યારે એણે મોં મલકાવીને મીઠો ચમકાટ દાખવ્યો: કોઈક ઊભું હતું.

“ક્યારના આવ્યા છો?” તનુમતીએ પૂછ્યું.

“પાંચેક મિનિટ થઈ હશે.” બારણામાં ઊભેલા કુમારભાઈએ પોતાના સ્વરમાં બની શકે તેટલી મીઠાશ મૂકી: “તમે આટલાં બધાં તન્મય શામાં હતાં? કંઈ બન્યું છે?”

“બનવાનું શું નવું હતું? જીવશું ત્યાં સુધી બન્યા જ કરશે એ તો.” કહેતાં કહેતાં આંસુની નવી વેલ નયનોમાં ઝલકી ઊઠી. કુમારભાઈએ પણ નયનો સજળ કરીને કહ્યું: “તનુમતીબહેન! તમારા દુ:ખમાંથી હું તો કલાની કારુણ્યભરી મૂર્તિ નિપજાવીશ.”

તનુમતીના મોં ઉપર ઉષા અને સંધ્યાના રંગો રેલાયા. એનાં ગાલ-કપાળ અને નાક-હોઠની રેખાઓએ કેટલા કેટલા આકારો રચ્યા. પોતે પોતાના પતિને મન પામર હતી, તો બીજી બાજુ એક કલાકારને કલ્પનાઓ સ્ફુરાવે એવી એક મુખમુદ્રા પોતાને મળી હતી તે એના જીવનનું પરમ આશ્વાસન હતું.

કુમારભાઈ હજુ બેઠા હતા ત્યાં જ ચંદ્રશેખર અને જનાર્દન પણ આવી લાગ્યા.

કુમારે અને ચંદ્રશેખરે ‘જય-જય’ કર્યા; પણ એ જય-બોલમાંથી સામસામી તલવારોનો અફળાટ-ધ્વનિ સંભળાયો.

ચંદ્રશેખર સંગીતપ્રેમી જુવાન હતો. આવીને તરત જ એણે કહ્યું: “તનુબહેન, કેમ ગળું ખરડાય છે આજે? પાછાં રડ્યાં છો કે?”

“ના રે ના...” બોલતાં બોલતાં તનુમતીએ આંસુઓની બીજી ઝાલક છાંટી.

“આમ કંઠને વેડફી નાખશો તો હું મારું સ્વપ્ન શી રીતે પૂરું કરી શકીશ, તનુબહેન? તમને કંઈ કદર જ નથી માણસના મનોરથની!”

“પણ હું તે હવે શું કરું, ભાઈ?” તનુમતીએ મીઠી અકળામણ બતાવી. આ ચિત્રકાર ને આ સંગીતભક્ત જુવાન બંને જુવાનોએ એના જીવનમાંથી એક સ્વપ્નમૂર્તિ સર્જવાના કોડ સેવ્યા હતા, તે વાત તનુમતી જાણતી હતી. એની દૃષ્ટિ બેઉ જણાની વચ્ચે દોર બાંધવા લાગી.

“કેમ, જનાર્દનભાઈ!” તનુમતીએ ત્રીજા જણને સંભાળ્યો: “તમે ક્યાંથી ભૂલા પડ્યા!”

“આ રસ્તે સદાય ભૂલો પડું એવું થાય છે!”

જનાર્દનનું આ બોલવું ચંદ્રશેખરને કે કુમારભાઈને રચ્યું નહિ તે જનાર્દને સ્પષ્ટ જોયું. ચંદ્રશેખરે કટાક્ષ કર્યો: “આજકાલ કવિતાના તો ચકલેચૌટે રેલા ચાલે છે રેલા, હો તનુબહેન!”

“જ્યાંથી ચિત્રકારની પીંછી પ્રેરણા મેળવે છે, ને સંગીતપ્રેમીના મનોરથો સંતોષાય છે, ત્યાં મારા જેવા રંક નાટ્યકારને મારી આકાંક્ષાઓ મૂર્ત કરવાનું પાત્ર જડે, એમાં તમને શી નવાઈ લાગી?” કહીને જનાર્દન તનુમતી તરફ વળ્યો: “તનુબહેન, મારા ‘ગુર્જરી’ નાટકમાં ગોવાલણનો પાઠ તમારા વિના હું કોઈને નથી સોંપવાનો, તે કરતાં તો બહેતર છે કે નાટક જ મારે બાળી નાખવું.”

“પણ શા માટે? મારા કરતાં કોઈ લાયક શું નથી મળતી?”

“લાયક હો યા ના હો — પણ મેં તો તમને જ મારી કલ્પના સમક્ષ રાખીને મેના ગુર્જરીનું પાત્ર આલેખ્યું છે; તમારા જ કંઠેથી પડતા હોય તેવા બોલ મેં ગૂંથ્યા છે. ઉપરાંત ગુર્જરીના વરની ભૂમિકા મેં મને જ અનુલક્ષીને આલેખી છે...”

કુમારભાઈ અને ચંદ્રશેખરના માથા પર જાણે વીજળી ત્રાટકી.

“અજબ નાટક!” કુમારભાઈથી ન સહેવાયું: “મેના ગુર્જરીનો વર શું મૂળ લોકકથામાં મોટા હોઠવાળો, ચીબા નાકવાળો ને ઠિંગુજી હતો!”

“જૂનો જમાનો, એટલે કજોડું જ હશે ને!” ચંદ્રશેખરે ટાપસી પૂરી.

તનુમતીએ પણ ખૂબ દાંત કાઢીને કહી દીધું: “તો તો, જનાર્દનભાઈ, મારો પાઠ જ હું ભૂલી જઈશ!”

“ના, એમ નથી;” જનાર્દને ખુલાસો કર્યો: “મૂળ લોકકથાને મેં એવું રૂપ આપ્યું છે કે ગુર્જરીનો પતિ અનાકર્ષક હતો તે કારણે જ ગુર્જરીને બહારના બાદશાહી લાલિત્યની મોહિની લાગી હતી. પણ પાછળથી ગુર્જરીને એ પતિના દિલાવરીભર્યા ને ક્ષમાશીલ શૂરાતન પ્રત્યે ભક્તિ ઊપજી, ને એના બાહ્ય મોહ મરી ગયા.”

“ત્યારે એ હિસાબે તો આપણું કજોડું નહીં થાય!”

“નહીં જ; ઊલટાનું ઔચિત્ય જળવાશે. ને જો આ બંને ભાઈઓને વાંધો ન હોય તો—”

બેઉની આંખો પ્રદીપ્ત બની.

“—તો હું તેઓની કનેથી આટલી સેવા માગું: કુમારભાઈ નાટકને દહાડે તનુમતીબહેનના શોભાશણગારનું કામ ઉઠાવવાનું કબૂલ કરી લ્યે; ને ચંદ્રશેખરભાઈ મેના ગુર્જરીનાં ગીતોમાં તનુમતીબહેનને તૈયાર કરે.”

એટલે કે આ રીતે એકસામટા ત્રણેય કલાકારોએ તનુમતીની ઈશ્વરી વિભૂતિઓમાંથી એક પરિપૂર્ણ સૌંદર્યનું સર્જન કરવાનો ધર્મ નક્કી કરી લીધો. કુમારભાઈનાં તથા શેખરનાં વાંકી છૂરી જેવાં બની ગયેલ નેણોએ કુમાશ ધારણ કરી લીધી.

પરંતુ સહુથી અગત્યનો મુદ્દો હંમેશાં પાછળથી જ સૂઝે છે, એ સત્ય બિલાડીની ડોકે ટોકરો બાંધવાના ઉંદરોની પરિષદના પ્રશ્ન જેટલું પ્રાચીન છે: તનુમતીબહેનના પતિ પુરુષોત્તમદાસભાઈ આ જાતનો પાઠ કરવાની પરવાનગી પોતાની સ્ત્રીને આપશે કે નહિ?

પુરુષોત્તમદાસભાઈની પાસે હા પડાવવા જવાની હિંમત કોણે કરવી?

પુરુષોત્તમદાસભાઈ તો કરિયાણાના વેપારી છે: એ તનુમતીબહેનની કલાધરતાને ક્યાંથી સમજી શકશે?

શિષ્ટ અને સંસ્કારી સમાજમાં સન્માનિત થવું એ માંડવીમાં સબડતા હિંગ-ધાણાજીરાના કીડાને ક્યાંથી ગમશે?

પુરુષોત્તમ નામ જ એટલું કલાહીન અને જુનવાણી હતું કે એના વારંવાર થતા ઉચ્ચારથી તનુમતીને અણગમો ઊપજતો. કુમાર, ચંદ્રશેખર અને જનાર્દનનાં નામ-કુસુમોની વચ્ચે પુરુષોત્તમ નામ માટીના ઢેફા જેવું ભાસ્યું. હમણાં હમણાં તો તનુમતીને પતિના શરીર પર ઓચિંતાની મેદ ચઢેલી જણાયાથી, ને વાળ વધુ સફેદ બન્યા દીઠાથી, દુ:ખ થયું હતું તે તો હતું જ; તે ઉપરાંત, પતિના કરિયાણા-જીવનમાં એક કલાધરીને પિંજરવાસી સારિકા બની રહેવું પડે છે તે ખ્યાલથી તનુમતીને અચાનક આઘાત થયો.

સંધ્યા ઊતરતી હતી. નોકર ઝાડુ કાઢવા આવ્યો, તેને તનુમતીએ તે દહાડે ચાલ્યા જવાનું કહી દીધું. ચારેય જણાં આ પુરુષોત્તમભાઈની પરવાનગી વિષેનો તોડ કાઢવા બેઠાં.

અનેક પ્રશ્નો છણાયા: કજોડે પડી ગયેલી કન્યાઓનો; સ્ત્રી-હૃદયને ન ઓળખી શકનાર બૂડથલ પુરુષોનો; ખુદ પોતાની પત્નીની જગપ્રસિદ્ધિ ઉપર પણ ખારે બળનાર પતિઓનો; સીધી દમદાટી દઈ સ્ત્રીને કબજે રાખનાર, તેમ જ ‘આમ ન કરો તો?’ ... ‘તેમ કરો તો કેવું સારું’ ... ‘મને તો આમ લાગે: પછી તમારી મરજી પ્રમાણે કરો...’ એવી એવી તરકીબો વડે બાયડી ઉપર શાસન ચલાવનાર ધણીઓનો; ખરાબ નામવાળા, ચડેલી ચરબીવાળા ને લબડવા લાગેલી ચહેરાની ચામડીવાળા ધણીઓનો... એવા એવા ઘણા પ્રશ્નો છેડાયા.

દરેક પ્રશ્નમાં તનુમતીએ પોતાના દુ:ખી જીવનનું પ્રતિબિમ્બ દીઠું.

ક્યાં એક બાજુ લલિતકલાના ક્ષેત્રમાં નવી પગલીઓ પાડવાની કુદરતી શક્તિઓ ને ક્યાં આ કરિયાણાના કોથળા જોડે જકડાયેલું જીવન!

બળવો! બળવો!! બળવો!!!

તનુમતીનાં લમણાંમાં ‘બળવો’ શબ્દના ઘણ ઝીંકાયા. એ પ્રત્યેક પ્રહારમાંથી તિખારા ઝર્યા.

પતિની સામે બંડ કરીને પણ કલાના ક્ષેત્રમાં ઝંપલાવવાનું હવે કર્તવ્ય છે — એવાં આ આંદોલનો સળગાવીને પછી ત્રણેય કલાકારો વીખરાયા.

[૨]

“આજે તો બહુ જ ભૂખ લાગી છે.”

“પણ મને શી ખબર કે તમે વહેલા ભૂખ્યા થશો? કહીને ગયા હોત તો મેં પાંચ વાગ્યામાં તૈયાર કરી રાખ્યું હોત.”

તનુમતી હમણાં રડી પડશે એવી બીકે પતિ બીજા ઓરડામાં ચાલ્યો ગયો.

“માડી રે... કેટલો જલદી ગુસ્સો કરે છે!”

એટલું વાક્ય પતિએ સાંભળ્યું.

‘બહુ ભૂખ લાગી છે’ એમ કહેવામાં રસોઈ તૈયાર ન થવાની ફરિયાદ નહોતી, પણ પત્નીનું મન પ્રસન્ન કરવાની ધારણા હતી.

તનુમતીને લાગ્યું કે આજે વહેલા આવવામાં નક્કી પતિનો શક્તિ આશય હશે.

જમાડતાં જમાડતાં તનુમતીએ વાત કાઢી:

“હેં, તમે મને ચિત્ર ને સંગીત શીખવા આપો છો તે તો ફક્ત તમારી પૂતળી શણગારવા માટે ને?”

“શા માટે ન શણગારું?” પતિને કલાની ભાષા આવડતી નહોતી, સમજાતી નહોતી.

“મારો એ હક છે તેમ તો નથી ને?”

“મને તો બીજી કંઈ ગમ નથી પડતી; પણ તું રીઝે તે મને ગમે છે.”

“તો મારે આ નવી વાતનું શું કરવું?”

“કઈ વાતનું?”

“મેના ગુર્જરીના નાટકમાં ઊતરવાનું...”

“વેપારી વર્ગમાં આપણી ટીકા થશે... હેં—હેં—હેં—” પતિએ એટલું કહેતાં કહેતાં ભાતમાંથી એક કાંકરી ચૂંટી. થાળીમાં કાંકરીનો ઘસારો થયો.

તનુમતીનાં નેત્રો ભીંજાયાં: “મેં એવું શું કાળું કામ કરી નાખ્યું છે? વેપારીઓ શા માટે મારી પાછળ લાગ્યા છે? હું વેપારીને ત્યાં પરણવા કરતાં આપઘાત કરીને મરી કાં ન ગઈ?”

“ના, ના, હું એવું નથી કહેતો. ભલે ટીકા થાય. તમે તમારે જજો.”

“તમે ક્યાં ઉમળકાથી કહો છો? માથેથી આફત ઉતારતા હો એવી રીતે બોલો છો.”

પોતાનો સ્વર પલટાવવો એ પુરુષોત્તમ શેઠને માટે કઠિન હતું. વ્યાપારી દુનિયામાં ઊથલપાથલે એના ચહેરા પર એક જ રંગ ચડાવી દીધો હતો ને એના કંઠમાં એકધારો સૂર ઘૂંટી દીધો હતો. હર્ષ-શોકની ઊર્મિઓ એને મુખે કે કંઠે કળાતી નહોતી. ઘરાકો જોડે સમતા તથા મીઠપથી કામ લેવાની શરૂઆતની બનાવટી પ્રથાએ હવે એ સમતાને તથા મીઠપને એનાં લોહીમાંસની અંદર વણી નાખી હતી. એટલે એણે તો ફરીથી પણ એ-ના એ નીરસ અવાજે ઉચ્ચાર્યું: “ખરેખર, તમને જેમ ગમે તેમ કરો.”

તનુમતીને પોતાનો પરાજય થયો લાગ્યો. પતિ વાંધો લઈ ઊઠશે, રોષ કરશે, શંકાઓના પ્રહારો મારશે, ને તેની સામે હું બળવો કરીશ એવી ગણતરી કામ ન લાગી.

‘તમને ગમે તેમ કરો’ એ વાક્ય પોતાને ખટકવા લાગ્યું: આવા પતિને ઉદાર બનવાનો શો હક છે? એ કેવી કદરૂપી ઉદારતા છે! કેમ જાણે એ મમતાની સખાવત કરતો હોય! મને ગમે તેવું કરવાની મંજૂરી આપવાનો આવા પુરુષને શા માટે હક મળ્યો?

વળતા જ દિવસથી નિયમિત ‘રિહર્સલ’ શરૂ થઈ ગઈ. વહેલી રસોઈ ઢાંકી રાખી એ ચાલી જતી. ધણી પોતાને ટાણે આવીને પોતાની મેળે જમી લેતો.

રિહર્સલ સંધ્યાકાળ સુધી ચાલતી. બે-ત્રણ વાર અસૂર થઈ જતાં પતિ એને તેડી લાવવા ગાડી કરીને ગયો હતો. પાછાં વળતી વેળા વાટમાં તનુમતી રિસાયલી રહેતી.

નાટકના દિવસે તનુમતી જ્યારે જવા નીકળી ત્યારે પતિએ પૂછ્યું:

“મારા માટે ટિકિટ લીધી છે ને? પાંચ રૂપિયાની લીધી છે ને? મારે નજીકમાં બેસીને જોવું છે.”

“ના, મેં નથી લીધી તમારી ટિકિટ.”

“કંઈ નહિ. સાંજે મળશે તો ખરી ને? અમે દસ-બાર જણા આવીશું; બીજા ભાઈઓને પણ તમારું કામ જોવાનું ખૂબ દિલ છે. હું આવીને જ ટિકિટો લઈ લઈશ. તું તારે જા.”

તનુમતી થોડી વાર થંભી. પછી એણે પતિને કહ્યું: “એક વાત કહું?”

“કહે ને!”

“તમે નાટકમાં ન આવશો...”

“કેમ?”

“તમને દેખીશ તો હું મારો પાઠ ભૂલી જઈશ. મારાથી પાઠ થઈ જ નહિ શકે.”

પછી એ ક્યારે ગઈ તેનું ભાન પુરુષોત્તમને નહોતું રહ્યું. દુકાન તરફ એ ચાલ્યો ત્યારે મોટરની હડફેટે આવતો બચી ગયો.

સાંજે પ્રદીપો ચેતાયા ત્યારે —

કુમારભાઈનાં રંગ-પીંછી થકી કંડારેલાં વાંકાં કાળાં ભમ્મરોએ પાટણની પટોળીમાંથી તનુમતીના વદનને રૂપ રૂપ કરી મૂક્યું. ચંદ્રશેખરે એના કંઠમાં પંદર દિવસથી પૂરેલી મેના ટહુકી ઊઠી. અણગમતા અને કદરૂપા પતિના ઔદાર્ય સામે ઢળી પડીને આંસુ સારતી મેના ગુર્જરીના છેલ્લા દૃશ્યે તો પ્રેક્ષકોની છાતી ભેદી નાખી.

ત્રણેય કલાકારો તનુમતીને મોટરમાં લઈને ઘેર મૂકવા જતા હતા. મોટર ફરતી ચિકાર દુનિયા વાહ-વાહ બોલતી હતી.

“તનુમતી! શહેરની અજોડ કલાધરી તનુમતી!” યુવાનોને સ્વપ્નો આવવા લાગ્યાં.