મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/શારદા પરણી ગઈ!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શારદા પરણી ગઈ!
[૧]

મોટર જ્યારે ચબૂતરા પાસેથી પસાર થઈ ગઈ ત્યારે શાક લેવા મળેલાં ગામ લોકોમાંથી એક ભાઈ બોલી ઊઠ્યાં: “આવી, બા...પા! કો’ક બચાડા પિસ્તાલીસ વરસિયાની ચોરીનાં માટલાં ફૂટ્યાં સમજો, બાપા! બાપડાને બિલાડાનો અવતાર લઈ આખો ભવ ‘વ...ઉ! વ..ઉ!’ કરવું પડશે, બાપા!” “આજ કાંઈ પત્રિકાઉં વેંચાઈ છે ગામમાં?” બીજાએ મૂળાનાં પાંદડાં ઝોળીમાં પેસાડતાં પૂછ્યું. “એ બધો દારૂગોળો આ મોટરમાં હશે, અત્યારે નહિ, બરો...બર ટાંકણે જ ભડાકો કરશે આ રાજેશ્વરભાઈ!” “કોની? હેં, કોની — રાજેશ્વરભાઈની મોટર હતી?” એ સવાલ શાક-મારકીટની હાટડીએ હાટડીએ ફરી વળ્યો. તે પછી શાક લેવા આવેલાઓનાં નાનાંનાનાં વૃંદોમાંથી કંઈક અવનવા ઉદ્ગારો ઊઠ્યા જેમાંના કેટલાક તો માત્ર વિચિત્ર ભાવ દાખવનારા અવાજો જ હતા: “બાપો! બાપો! તાલ, માલ ને તાશેરો!” “આલા, આલા, આલા! ભાઈ ચાલીસિયા, તેરા કાલા!” “મારો વાલીડો! મકરાણી કાદુ જેમ ગામડાં માથે ત્રાટકતો ને એમ જ આ રાજેશરીઓ ત્રાટકે છે, હો કે!” “પણ આજનું ખોરડું ઠીક લાણમાં આવ્યું છે. ભારી ઉફાંદે ચડ્યા’તા બેટા!” “કોણ?” “પેલો વિભૂતિયો, અને એનાં તમામ વા’લાવાલેશરી. એની સગી બેનને સાચવી રાખે છે કોઈક પચીસ વર્ષના વિલાયતી સારુ. અને પેલી એની આશ્રિતને વટાવવા બેઠાં છે પિસ્તાલીસ વર્ષના ત્રીજવરની પાસે.” “ત્યારે તો, ચાલોચાલો, આપણેય રાજેશ્વરભાઈને બનતી મદદ કરીએ.” શાક-મારકીટ તરફથી ઘેર જતાં લોકોએ બજારમાં સહુને જાણ કરી દીધી પણ રાજેશ્વરભાઈની સહીવાળી પત્રિકા દુકાનેદુકાને આ આગમચ જ વહેંચાઈ ગઈ હતી. રાહદારીઓ એ પત્રિકા વાંચતાં વાંચતાં એકબીજાં જોડે, તેમ જ ગાયો-ભેંસો જોડે પણ, ભટકાતાં હતાં. કારણ કે પત્રિકાની ભાષા બહુ અસરકારક હતી. લોકો મોટા અવાજે કંઈક આવા શબ્દો વાંચતાં હતાં કે — અમારા લોહીને અક્ષરે લખાયેલી — અમે અમારું લોહી છાંટીશું દરેક યુવકનું લોહી ઊકળવું જોઈએ. આ લગ્ન નથી, લોહીનું વેચાણ છે. આમ ‘લોહી’ શબ્દ પત્રિકામાંથી બંદૂકની ગોળી-શો ઊછળતો હતો, અને ઉચ્ચ વર્ણના હિન્દુઓ, વનસ્પતિના આહારી હોવાથી, ‘લોહી’ શબ્દના ઉચ્ચારે ચમકી ઊઠતા હતા. તેઓને એમ જ લાગતું કે જાણે તેઓની નજર સમક્ષ જ કોઈ કપાઈ રહેલ છે. ગામના જુવાનિયાઓ જંગેશૂર હતા. તેમને શાંતિ ગમતી નહોતી. ‘યૌવનને શાંતિ કે સમતા હોઈ શકે નહિ’ એ રાજેશ્વરે આપેલો મુદ્રાલેખ જુવાનોએ પીધો હતો. તેના કેફથી ભરેલી જુવાનોની આંખોએ આજે પોતાની સામે એક સમરાંગણ જોયું — ને એ સમરાંગણમાં ‘લોહી’ની નદીઓ વહેતી કલ્પી. વિભૂતિના ઘર ઉપર ધસારો કરવાને માટે રાજેશ્વરના આદેશ માત્રની રાહ જોઈ ઊભેલા જુવાનો રણશિંગડાં ફૂંકતા હતા, અને રાજેશ્વરભાઈના ‘સેવા મંદિર’ના દરવાજા પાસેથી પસાર થઈ રહેલ પનિહારીઓને પત્રિકા આપતા હતા. પનિહારીઓ પૈકીની જે જે આનાકાની કરતી તેને તેને જુવાનો આ જ શબ્દો કહેતા કે “તમારી જ એક બહેનનાં લોહીમાંસનું આજે લિલામ...” સુગાઈને થૂંકતી પનિહારીઓ અધૂરે વાક્યે જ ત્યાંથી ચાલતી થતી. જુવાનો આ જુગજુગની પતિત અબળા જાતિની જડતા ઉપર હાસ્ય કરતા પાછા બ્યૂગલો બજાવતા.

[૨]

આ બ્યૂગલના પડઘા અને આ પત્રિકાઓના થોકડા વિભૂતિને ઘેર પણ પહોંચી ગયા. થોડીવાર થઈ ત્યાં તો વિભૂતિ જે શાળામાં શિક્ષક હતો તે શાળાની જુવાન કન્યાઓ કેસરિયા રંગની સાડીઓ પહેરીને નાના નાના વાવટા ઉડાડતી આવી પહોંચી. તેઓ જે ગાન ગાતી હતી તેમાં આવા કશાક શબ્દો હતા:

અટકાવીશું!
અટકાવીશું!

લોહીનાં લિલામ અટકાવીશું
બીજું જોડકણું:

વિભૂતિભાઈ!
તમે ભાઈ કે કસાઈ!
ઊઠો, માંડવડે લાય:
આંહી ગાવડી કપાય—
હાય! હાય! હાય! હાય!

કન્યાઓ આખરે થાકીને ચૂપ થઈ. કેટલીક તો રડતી પણ હતી. તેઓએ પૂછ્યું: “વિભૂતિભાઈ, અમારે શારદાબહેનને જોવાં છે.” વિભૂતિ જવાબ આપે તે પહેલાં જ ત્યાં બેઠેલ એક પુરુષે કહ્યું: “શારદાને અત્યારે ફુરસદ નથી.” “ફુરસદ નથી! એવું જૂઠું શીદ બોલો છો?” આગેવાન કન્યાએ રોષ બતાવ્યો: “કહોને કે મળવા નથી દેવાં!” “બિચારી પારેવડીને પૂરી રાખી છે;” બીજી કન્યાએ ભેદાતે કંઠે કહ્યું. ત્રીજીએ ઉમેર્યું: “શારદાબહેન આંહીં ઘરમાં છે કે કેમ તે વાતનો જ મને તો હવે વહેમ છે.” “ક્યાં ઉપાડી ગયા છો?” ચોથીથી ન રહેવાયું. “બહેનો!” પેલા અજાણ્યા પુરુષે ઉત્તર દીધો: “મને બીક છે કે હવે પાંચમી કોઈ એમ જ બોલશે કે શારદાને મારીને ભોંમાં તો ભંડારી નથી નાખી ને! માટે, ચાલો, હું તમને શારદા કને લઈ જાઉં.” કન્યાઓના ટોળાને મકાનની અંદર લઈ જતા એ પુરુષનાં કપડામાંથી અત્તરની સુગંધ મહેકતી હતી: એનો લેબાસ રેશમનો હતો: પગમાં સુંદર ચંપલ હતાં, ને મોંમાં મીઠી તમાકુવાળી સિગારેટ સળગતી હતી. “હવે અહીં અટકો;” એણે સહુને એક ખાલી ઓરડામાં ખડાં કર્યાં: “ને ચૂપચાપ એક વાર આ બારીમાંથી તમારી બહેનપણીને નિહાળો. કોઈ બોલશો નહિ.” કન્યાઓએ ત્યાં ઊભાંઊભાં જોયું કે દૂરના એ ખંડમાં એક શારદા હતી, ને બીજી હતી હીરા. હીરા વિભૂતિની સગી બહેન, ને શારદા એની દૂર દૂરની, માબાપવિહોણી, નિરાધાર, આશ્રિત બહેન. આ શારદા! જોનારી કન્યાઓ વિસ્મયમાં પડી ગઈ. ખાદીનાં જાડાં કપડાં વિના કશાંને ન અડકનારી શારદા તે વખતે રેશમના શણગારો સજી રહી છે: બુટ્ટાદાર પીળા રેશમની સાડીના સળ પાડતી શારદા પોતાના દેહ આખાને સમાવી લેનાર એક કબાટજડિત આયના સામે મલપતી ઊભી છે: એના અંબોડામાં ગુલાબની વેણી છે, હીરાજડિત ચીપિયા છે: ટ્રંકો ને ટ્રંકો ખુલ્લી પડી છે: અક્કેક ટ્રંકમાંથી જુદી જુદી વસ્તુ, કોઈમાંથી તેલ, કોઈમાંથી અત્તર, કોઈમાંથી હાથની બંગડી ને કોઈમાંથી એરિંગ શારદા પોતાના શરીરે સજી રહી છે. અને શારદાની આ સમૃદ્ધિ સામે લોલુપ, લાચાર, ગરજવાન મોં વકાસીને હીરા નીરખી રહી છે. હીરા કાકલૂદી કરે છે: “શારદાબેન! ઓ શારદાબેન! મને એ એક એરિંગ આપશો?” “લે...!” એમ કહેતી શારદાએ અંગૂઠો દેખાડ્યો. “બાપુ છો ને! ભાઈશા’બ છો ને!” “હં...! મને તું ટગવતી હતી આટલાં વર્ષો સુધી! બબ્બે આનાનાં ખોટાં એરિંગ પણ તારે માટે મામી લાવતાં; ને મને?... ભૂલી ગઈ? ભૂલી ગઈ એ બધું?” “હવે એમ શું કરો છો, શારદાબેન! તમારે શી ખામી આવી જવાની છે!” “આ લે! તારા જેવું કોણ થાય!” કહીને શારદાએ હીરા તરફ એક સાચા નંગનું એરિંગ ફેંક્યું. એક ભિખારીના કંગાલ ભાવથી હીરાએ એરિંગ ઉપાડી લીધું, ને એ શારદાને પગે બાઝી પડી. “લે, હવે છોડ, હીરા!” શારદાએ પગ સંકોરતાં સંકોરતાં રુવાબ છાંટ્યો: “મારે પાછાં એમની જોડે મોટરમાં જવું છે છબી પડાવવા.” “મને નહિ લઈ જાઓ, હેં શારદાબેન!” “ક્યાં? છબી પડાવવા? અમારી જોડે! તેં ને વિભૂતિભાઈએ ને મામીએ તે વર્ષે જોડે બેસીને છબી પડાવી ત્યારે મને અંદર બેસવા દીધી હતી? મને જોડે લઈ જઈને પછી બહાર રડતી ઊભી રાખી હતી — યાદ છે? ને પછી હું બહુ રડી, એટલે ટીકુને તેડીને મને એક ચાકરડીની પેઠે ફોટામાં તમારી સહુની પછવાડે ઊભી રાખેલી — યાદ છે?” હીરા નીચે જોઈ ગઈ. શારદાએ કહ્યું: “તારે મોટરમાં આવવું હોય તો, ચાલ, ઝટ તૈયાર થા. પણ, ગાંડી, ફોટામાં તે વર વહુની જોડે તારાથી બેસાય! તું ઊભીઊભી જોજે: અમે ફોટો પડાવશું.” પેલા ખંડમાંથી આ અંદરનો તમાશો જોતી વિદ્યાલયની કન્યાઓ સ્તબ્ધ બની હતી. શારદાને ચોધાર આંસુડે રુદન કરતી નિહાળવાનું સ્વપ્ન ભાંગી ગયું. અહીં તો શારદાના જોબનનું સરોવર છોળો દેતું હતું. ટ્રંકેટ્રંકને જતનથી તાળાં વાસીને અંગના અનેક મરોડો કરતી શારદાએ સોનાની ચેઇનમાં પરોવેલી ચાવીઓના ઝૂડાને સોનાના આંકડિયા વતી પોતાની કમ્મરે લટકાવ્યો. હીરા તરફ તિરસ્કારભર્યા કૃપાકટાક્ષ ફેંકતી ફેંકતી ને નવનવી ચીજો માટેની હીરાની કાકલૂદીઓ સાંભળતી, એ બહાર નીકળતી હતી. વચ્ચે જ હીરાની બા એને મળ્યાં. હીરાએ કહ્યું: “બા, શારદાબેનને કહો ને મને એમનું પેલું એક બ્લાઉઝ આપે!” બાએ હીરાને કહ્યું: “શારદા! મારી શારદી તો બહુ મોટા દિલની છે. એને હવે શી ખોટ છે! આપશે આપશે! કેમ નહિ. શારદા!” શારદાએ આજે પહેલી જ વાર કોઈ યોદ્ધાનો વિજય-મદ અનુભવ્યો: મામી — આ ખુદ મામી — જેમણે મને આજ સુધી હરેક શુભ અવસરે કે સુખને પ્રસંગે તારવવામાં, તરછોડવામાં, પોતાની હીરાથી હેઠી પાડવામાં પાછું વાળી જોયું નથી, તે જ મામીના મોંમાં આજે ‘મારી શારદા’! વિદ્યાલયની બહેનપણીઓને તો શારદા ભેટી જ પડી. બીજી કશી પૂછપરછ થાય તે પહેલાં તો શારદાના મોંમાંથી ટપ ટપ રસભર્યા ઉદ્ગારો છૂટ્યા: “આ જોયાં મારાં એરિંગ...? “આ બાજુબંધ તમને કેવા લાગે છે?... “આ લૉકેટમાં મારે એમની નાનકડી છબી પડાવીને મૂકવી છે... “આ કાંડા-ઘડિયાળ તો એમણે મને બે વર્ષ પહેલાં ભેટ આપેલું. હવે તો એ કહે છે કે જૂનું થયું, બદલાવી નાખ. આ જૂનું તો હવે હીરા માંગે છે. છોને હીરા પહેરતી! એને બિચારીને કોઈ નહિ લઈ આપે.” કન્યાઓ બધી દિગ્મૂઢ ઊભી હતી. ધીરેધીરે એ બધી પણ નજીક આવી. શારદાનાં એરિંગો, લૉકેટ, હાર અને બૂટાદાર સાડી ઉપર અનેક હાથો કુમાશથી ફરવા લાગ્યા. બહાર મોટરનું યંત્ર ચાલુ થયું. “હું અત્યારે તો નહિ બેસી શકું;” શારદાએ સહુની ક્ષમા માગી: “જુઓ, મોટર મારી રાહ જુએ છે ને અમારે ફોટો પડાવવાનો છે અત્યારે. ચાલો ત્યારે... પછી નિરાંતે મળશું.” કપડાંના ઘેરદાર ઘુમરાટથી ઓરડાની હવાને કંપાયમાન અને મહેકમહેક કરતી શારદા બહાર નીકળી ત્યારે એણે જુદો જ તમાશો જોયો: બે-ત્રણ મોટરગાડીઓ ઊભી હતી. જુવાનોના હાથમાં પત્રિકા, બ્યૂગલો અને વાવટા હતા. રાજેશ્વર પોતાના હોઠ પીસીને, છટાદાર અદબ ભીડીને બેઠો હતો. રાજ્યની પોલીસના ઉપરી અધિકારી પણ યુનિફૉર્મ ધારણ કરીને કમ્મરે તમંચો ટિંગાડતા આવી પહોંચ્યા હતા. સુગંધી તમાકુની સિગારેટ પીતા પેલા આધેડ પુરુષની જોડે રાજેશ્વરને વાતો થતી હતી. રાજેશ્વરે કહ્યું: “આપની ઉંમર આજે પિસ્તાલીસ વર્ષ, બે માસ અને સાડા-ત્રણ પહોરની છે. અમે આપની જન્મકુંડળી મેળવી લીધી છે. આપ આ બાબતનો ઇન્કાર નહિ કરી શકો.” “કેમ નહિ કરી શકું?” “કેવી રીતે!” “એ જન્મકુંડળી તો બનાવટી છે.” “તો આપનું સ્કૂલ સર્ટિફિકેટ પણ શું ખોટું!” “હા જ તો; અમે સ્કૂલમાં પણ ઉમ્મર ખોટી લખાવેલી...” “આપની ઉમ્મર કેટલી?” “પૂરાં સાઠ વર્ષની.” “મશ્કરીની આ વાત નથી, આપ આ બહેનની જોડે લગ્ન નહિ કરી શકો.” “મારી જોડે કરવાં કે તમારી જોડે તે તો એ તમારાં બહેનને જ પૂછોને!” “આપ તો પાંચ વર્ષ પછી મરી જાઓ એવી ધારણા છે.” “તો પછી આપને ‘ચાન્સ’ રહેશે ને!” “આ માણસ બિનજવાબદાર છે. ક્યાં છે શારદાબહેન?” “આ રહી હું...” શારદા બહાર આવી. “બહેન, તમે...તમે...” રાજેશ્વર શારદાના રસ-છલકતા દીદારથી ઓઝપાયો. “શું, ભાઈ? મેં તમારું શું બગાડ્યું છે?” “તમે ફસાયેલાં છો; અમે તમને બચાવવા આવી પહોંચ્યાં છીએ.” “ભાઈ, તમે ભૂલો છો. મને કોઈએ નથી ફસાવી. આ લગ્ન મેં મારી દેખતી આંખે જ કર્યું છે.” “બહેન, તમારી આંખ ભૂલી છે.” “છતાં તમારી આંખે દોરાવા હું તૈયાર નથી.” “બહેન, આ લગ્ન કજોડું છે.” “કશો વાંધો નહિ; મને ગમે છે ને મેં કર્યું છે. હું કાયદેસર ઉમ્મરલાયક છું.” “બહેન, તમે વર કરતાં ઘર ઉપર જ વધુ મોહાયાં છો. તમારી બુદ્ધિનો કસ થયો છે.” “ભાઈ, હવે વધુઘટુ બોલવાની જરૂર નથી. તમારી કોઈની બહેનદીકરીના ઉપર હું શોક્ય બનીને તો નથી જતી ને?” “તમે કેળવણી લજવી!” કહીને રાજેશ્વર પોલીસ અમલદાર તરફ ફર્યા, ને બોલ્યા: “આ બાઈને મતિવિભ્રમ થયો છે. એને આ લોકની અસરમાંથી નિકાલીને આઠ દિવસ અમારા ‘સેવા-મંદિર’માં રખાવો.” “એ અમારા અધિકારની વાત નથી;” કહીને પોલીસ અધિકારી ઊઠ્યા: “બાઈ કાયદેસર ઉમરલાયક છે.” “ત્યારે તો અમે હવે અમારા અધિકારને જોરે જ આ લોહીનાં લિલામ અટકાવીશું.” એટલું કહીને રાજેશ્વરે વિભૂતિ તરફ આંખો માંડી: “તે નવા યુગની કન્યાઓ કને લગ્નનાં ભાષણો આરડ્યાં, તારી બહેનોને નવું ભણતર ભણાવ્યું; શારદાએ નિબંધો લખ્યા અને સ્ત્રી-પરિષદોમાં ઠરાવો મૂક્યા: તે બધું...” “તે બધું તમે સહુએ પઢાવેલું ને ભજવેલું નાટક.” વિભૂતિએ પોતાની ચુપકીદી તોડી: “રાજેશ્વર, તારે શું જોઈએ છે?” “તારી બહેનનું યોગ્ય લગ્ન.” “એટલે કે, ભાઈ, તમે જેને પસંદગી આપો તે લગ્ન ને?” શારદા બે ડગલાં આગળ આવી: “ને તમારી મરજી વિરુદ્ધનું લગ્ન મને પરણનારને મીઠું લાગતું હોય તો પણ, તમારી મરજી નથી માટે, મારે ન પરણવું એમ ને? એટલે કે જૂના કાળની ન્યાતોનાં મહાજનો તોડીને એને ઠેકાણે હવે તમે તમારી જોહુકમીને સ્થાપવા માગો છો એમ ને? કૃપા કરીને પધારો. હવે અમારે ફોટો પડાવવા જવાનું મોડું થાય છે. જુઓ, સાંજ પડી ગઈ છે. ચાલો!” કહીને શારદાએ એના પિસ્તાલીસ વર્ષના પતિનો હાથ ઝાલ્યો. પતિએ મોટર ભણી જતાં જતાં રાજેશ્વરને કહ્યું: “શારદાને જલદી વહેલું વૈધવ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરાવજો ને!”

[૩]

રાજેશ્વરે આ લગ્નની શક્ય હતી તેટલી તમામ ફજેતી કરી લીધી, છતાં લગ્ન થયું તો થયું, પણ શારદાના ખાસ આગ્રહથી માંડવાના શણગારો, દીવારોશની, વાજિંત્રો ને જલસાઓ, વરઘોડો ને મહેફિલ વગેરે તમામ લહાવા લૂંટાયા. વર-વધૂ ક્ષેમકુશળ પોતાને ગામ ચાલ્યાં. જતાંજતાં સ્ટેશન ઉપર શારદાએ સહુ લોકોના દેખતાં હીરાને બોલાવી, પોતાનું જૂનું કાંડા-ઘડિયાળ કાઢ્યું, ને હીરાને કાંડે બાંધતાં બાંધતાં કહ્યું: “યાદ છે ને? મામીએ તને બે આનાનું ખોટું જાપાની ઘડિયાળ લઈ આપેલું, તે મેં મારા હાથ પર બાંધેલું ત્યારે તેં આવીને એ ઝૂંટવી લીધેલું; ને મામી બોલેલાં કે એક તો આશ્રિત, અને વળી વાતવાતમાં હીરાનો વાદ! યાદ છે ને?” કાંડા-ઘડિયાળ બંધાઈ રહ્યું, ને શારદા પોતાના વિજયના વાવટા સરીખો રૂમાલ ફરકાવતી આગગાડીના પાટાના વાંકમાં અદૃશ્ય બની. “મોઈ!!!” હીરાની બા સ્ટેશન પર સ્તબ્ધ બની રહ્યાં: “એને તો વેર વાળવું હતું વેર! વાળ્યું બરાબરનું.” “બા!” વિભૂતિએ પોતાની વાત કહી: “બહુ બહુ દબાવવી પડેલી અભિલાષાઓએ બહાર નીકળવાનો માર્ગ શોધ્યો.”

“આપણા કાળા વાવટાની કશી જ કારી ન ફાવી. કેટલી નફ્ફટ!” ગામના જુવાનોએ નિ:શ્વાસ નાખ્યો. “આ દેવેન્દ્રે નકામો રાજેશ્વરને ચડાવ્યો.” એક જુવાને બીજા એક જુવાન પ્રત્યે આંગળી ચીંધી. દેવેન્દ્રે દાઝથી સળગતાં કહ્યું: “આખરે તો સ્ત્રી ખરી ને! એને સાયબી જોઈતી’તી.” “હા, અને દેવેન્દ્ર શારદાને એમ આગ્રહ કરતો’તો કે તારે સાયબી નહિ પણ સુંદરતા જ સ્વીકારવી જોઈએ!” બીજાએ કટાક્ષ કર્યો. “અ...હો!” બીજા જુવાનો દેવેન્દ્રની દાઝનો ભેદ સમજ્યા: “ત્યારે તો આ દિવ્ય સૌંદર્ય કેવળ પેલી દિવ્ય સાયબીનું હરીફ જ હતું, કેમ!” એમ કરતાં કરતાં સ્ટેશન ખાલી પડ્યું; ને રાજેશ્વર પણ જ્યારે પોતાની મોટરકારમાં ઢગલો થઈને પડ્યો. ત્યારે અરણ્યને માર્ગે એને મનોમંથન શરૂ થયું: આ પણ પેલી જુનવાણી જાલિમીનું જ પુનરાવર્તન નથી શું? ‘સમાજ’ — ‘સમાજ’ને નામે આ મારી નવી આપખુદી નહોતી શું? મેં શરૂઆત કરી ‘સ્ત્રીની સ્વતંત્ર પસંદગીનું લગ્ન’ એ શબ્દો વડે; ને હું આજે આવી ઊભો છું ‘મારી પસંદગીનું લગ્ન સ્ત્રીએ કરવાનું છે...’ એ શબ્દો ઉપર! ન જોયો એનો જીવન-ઇતિહાસ: ન ઊકેલ્યું એનું લાગણીતંત્ર: ન પિછાની મને ચડાવનારાઓની છૂપી મનેચ્છા ને પછી તો વળગી રહ્યો કેવળ મારા અંગત વિજયની જ વાતને! મને સાચેસાચું શું ખટકે છે? શારદાનો મેં માનેલો વિનાશ? કે મારો તેજોવધ! રાજેશ્વરની મોટરકારના ધૂળ-ગોટાને પોતાનાં કપડાં પરથી ખંખેરતા લોકો ફરી પાછાં શાકભાજી ખરીદતાં બોલ્યાં કે, “આ વખતે આને કાંઈક ચાંપી દીધું લાગે છે પેલા પિસ્તાલીસિયાએ!” એકાદ વર્ષ પછી રાજેશ્વરે પોતાના પર આવેલો એક કાગળ વાંચીને મોં મલકાવ્યું. એમાં લખ્યું હતું: તમારા નાના ભાણેજને રમાડવા તો આવી જાઓ એક વખત! લિ. સેવક
પિસ્તાલીસિયો.