મેઘાણીની સમગ્ર નવલિકા/એક નવી યોજના
બેભાન ખોળિયા ઉપર ફટકાના પ્રહાર: આપણા કારાગારની કેવી અનિર્વચનીય અને અજોડ એ શિક્ષા છે! તમારો મત ગમે તે હો, ભાઈ નં. ૪૦૪૦, પણ ફાંસીની સજામાં એ નવીનતા તો નથી જ. આની તો ખૂબી જ ન્યારી છે. આનું તો દૃશ્ય જ રોમન સંસ્કૃતિના જાહોજલાલી કાળના પેલા ગુલામોના તમાશાને ય ઝાંખપમાં નાખે તેવું છે. અમારો રાજકેદી કહે છે કે સંસ્કારવંત રોમન પ્રજાની એ ઉત્સવઘેલી મેદની વચ્ચે, ઓ ભાઈ નં. ૪૦૪૦, તારા કરતાં તો ત્રણગણા વધુ હૃષ્ટપુષ્ટ, સુડોલ અને જોરાવર બબ્બે ગુલામોને ખૂનખાર દ્વંદ્વ ખેલવા સર્કસમાં ઉતારતા. ખાસ આ ઉત્સવને સારુ જ ખવરાવીપીવરાવી મદમસ્ત બનાવેલા એ બેઉ ગુલામ બાંધવો કેવા સરસ ઝનૂનથી લડતા! પોતાની વચ્ચે કશુંય અંગત વૈર ન હોવા છતાં કેવળ આ ઉત્સવને રસભર્યો બનાવવા સારુ એ બેઉ પોતાની વચ્ચે બનાવટી ઝનૂન ઊભું કરતા, ભાલે અને તરવારે એકબીજાનાં શરીરો ભેદતા. એ સામસામાં શસ્ત્રોની હુલ્યો પડે તેમાંથી લોહીના ફુવારા ઊછળતા, એ રાતા ફુવારા નિહાળી નિહાળીને હજારો રોમવાસીઓ કેવાં હર્ષાન્વિત થઈ થઈ તાળીઓ પાડતા! ખાસ કરીને કોમલાંગી રોમન સન્નારીઓ કેટલું બધું ઉત્સવ-સુખ આ શોણિત-ફુવારાઓ નીરખી નીરખીને પામતી હતી! પછી છેવટે જ્યારે એમાંના એકને લોહીલોહાણ કરીને નીચે પછાડી, એની છાતી પર પોતાનો પગ રોપીને બીજો વિજયવંત ગુલામ દમામભેર ઊભો રહેતો, હવે છેલ્લી શી વિધિ કરવાની છે તેની આજ્ઞા માગતો એ સુંદરીવૃંદ સામે નિહાળી રહેતો, અને સમસ્ત ઉત્સવની મહારાણી તરીકે ચૂંટાઈને સિંહાસન પર બિરાજેલ રોમન સુંદરી પોતાના હાથનો અંગૂઠો પૃથ્વી તરફ હુલાવી જ્યારે આખરી ‘જબ્બે’ની આજ્ઞા દેતી, અહાહાહા! તે વખતે એ શુભ ઈશારત નિહાળવા તલપાપડ થઈ રહેલી હજારો રોમન સુંદરીઓ કેવી ખુશખુશાલ બની જતી, દરેક સુંદરીના અંગૂઠા એ જ ઈશારત કરતા, તાલી-નાદ ઊઠતા, અને દૂરથી એ ઇશારત નીરખતાંની વારે જ પેલો વિજેતા હબસી પોતાના પગ તળે ચગદાયેલા જખમ-નીતરતા બાંધવને કલેજે કેવી કલામય છટાથી ખડગ પરોવી દેતો! એના વદન ઉપર એ વખતે શી સંસ્કારભરી વીરશ્રી ઝળહળી ઊઠતી! હજારો સંસ્કારવંત રોમવાસીઓના ‘શાબાશ! શાબાશ!’ ગજવતા સ્તુતિઘોષ એ વીરના હોઠ પર કેવું રમ્ય હાસ્ય અજવાળી દેતા! આટલાં બધાં સભ્ય સુંદર સંસ્કારશોભન સ્ત્રી-પુરુષોને સારુ પોતાના ક્ષુલ્લક જીવનની કુરબાની કરી તમાશો સર્જાવતો, પોતાના મોતને પુનિત માનતો, એક હરફ પણ બોલ્યા વિના ફક્ત ચકળવકળ આંખો તરફડાવી હજારો ગાઉ દૂરની પોતાના ગામપાદરની નદીને કોઈક કિનારે પોતાના વતનના ઝૂંપડાને આંગણે રમતાં પોતાનાં સીદકાં ભૂલકાંની તથા એ ભૂલકાંની હબસણ માની મીઠી યાદને પોતાની છાતીના લોહીમાં નવરાવતો એ પરાજિત હબસી જ્યારે પરલોકગમન કરતો, ત્યારે રોમન રાષ્ટ્રોત્સવની કેવી કમાલ સંસ્કારિતા વર્તી જતી, ઓ ભાઈ નં. ૪૦૪૦! ત્યારે મને એમ થાય છે, કે આ ફટકાની સજાને શા માટે આટલી બધી જેલોની અંદર છાને ખૂણે પતાવી દેવામાં આવે છે? શા માટે એને ઉત્સવના રૂપમાં નથી મૂકી દેતા? મને તો ખાતરી છે કે હજારો પ્રેક્ષકો ઊંચી ફી આપી આપીને પણ આ ફટકા–ઉત્સવ જોવા ટોળે વળશે. રોમન તમાશાની બે હબસીઓની સામસામી કાપાકાપી કરતાં તો ભાઈશ્રી નં. ૪૦૪૦ જેવાનું આ ઢીંઢાં-ભંજન કેટલું વધુ રસભર્યું થઈ પડશે! ખાસ જે વધુ ખેંચાણ આમાં રહેલું છે તે તો એ છે કે ફટકા ખાનારના તો હાથપગ જકડાયેલા હોય છે, વળી એ નખશિખ નગ્ન હોય છે, સોટી મારનાર વિજેતા ખૂબ કળા વાપરીને સોટી ચગાવતો આવે છે, એક પ્રકારનું શૌર્ય-નૃત્ય કરતો આવે છે, અને એની સોટીને ધાર યા અણી ન હોવા છતાંય સોટી ચામડું ચીરીને છેક અંદર ઊતરી જાય છે એ શું ઓછું અદ્ભુત છે! સર્વથી વધારે અલૌકિક, સુંદર અને યુગનવીન તો એ છે કે નં. ૪૦૪૦ને ઘોડી પર બેભાનીની મધુરી નીંદ આવી ગયા પછી પણ ફટકા પડ્યા કરે છે! આવું એક પણ રસતત્ત્વ હોય તો બતાવો મને પેલા રોમન તમાશાની અંદર! હું તો ખાતરી આપું છું કે લોકો આ ફટકા-ઉત્સવને માણવા ખૂબ ખેંચાઈ આવશે. સન્નારીઓ પણ અનેક આવશે. અને આપણે તે લોકોનાં હૃદયોને આઘાત ન પહોંચે તે સારુ પ્રથમથી જ એવી જાહેરાત કરશું કે આ મારની વેદના, ચીસાચીસ, લોહીનાં છાંટણાં, માંસના ચૂંથા, મૃત્યુ સમાન મૂર્છિત દશા, ઈત્યાદિ તમામ તમાશાને અંતે કેદી પાછો દૂધ, દવા અને સુંવાળી સારવાર પામે છે; આઠ દિવસે તો હતો તેવો ને તેવો ‘તગડો’ બની કામે ચડી જાય છે, આમાં સરવાળે તો કોઈને મરવું પડતું નથી; ફટકા ખાનાર તેમ જ મારનાર પાછા તમામ ખુન્નસ વીસરી જાય છે. એ રીતે આ તમાશો તો પેલા રોમન તમાશા કરતાં ખૂબ ખૂબ વિવિધતાભર્યો, પ્રેમમય ને દયામય છે. તેમ છતાંય તાત્કાલિક ઘાતકીપણાના એ દૃશ્યથી જો કદાપિ પ્રેક્ષકોનાં અંતર આકુળ બની જાય એવું લાગતું હોય, તો આ ફટકા-તમાશો ઊકલી ગયા પછી તરત જ ત્યાં સંગીતના જલસા, સિનેમા, નૃત્યની મહેફિલ વગેરે ગોઠવી શકાય. પીણાં અને નાસ્તો પણ પીરસી શકાય. શા માટે નહિ? અમેરિકા દેશમાં ગોરાઓ સીદી-સીદણોને બજાર વચ્ચે જીવતાં બાળી નાખવાનો જલસો પૂરો કરીને પછી તરત જ કેવા ખાણીપીણી કરવા હોટેલોમાં ચાલ્યા જાય છે! મારી તો જિકર આટલી જ છે, ઓ ભાઈ નં. ૪૦૪૦, કે સંસ્કૃતિના ઇતિહાસમાં અજોડ અને જુક્તિમય આ ફટકા-ક્રીડાને દુનિયાનાં રાજશાસનની એક અમુલખ શોધ અને સિદ્ધિ તરીકે જલસાનું સ્થાન આપી સદા જીવતી રાખવી તથા તેમાંથી સહેજે સહેજે મળનારી લાખો રૂપિયાની આવક વડે થોડું વધુ લશ્કર ઊભું કરવું, કે જેથી અનેક બેકાર જુવાનોને રોટલી આપી શકાશે, તારા જેવા ફટકા ખાનારને પણ રૂપિયો–આઠ આનાનું મહેનતાણું આપી શકાશે, દાક્તર દાદાને પણ અહીં બે વર્ષ સુધી પ્રાઈવેટ પ્રૅક્ટિસ નથી તો તેનેય બક્ષિસ આપી શકાશે. આમ બધી બાજુથી વિચાર કરતાં આ ફટકાની મહેફિલ મને બહુ વહાલી ને ઉપયોગી લાગે છે. તેથી જ હું ફરી ફરી તેનાં ગુણગાન ગાયા કરું છું, અને મારા એંશી વર્ષના અનુભવમાંથી આવા તંગીના કાળમાં નાણાં રળવાની તરકીબ દેખાડું છું. માટે, હે ભાઈ નં. ૪૦૪૦! તું આમાં બાપડા દાક્તર દાદા ઉપર દાંત પીસતો ના. તું એ બાપડા મરેલાને શું મારવાનો હતો! તારા જેવાએ તો અક્કેક દિવસની ઢોંગલીલા વડે એની જુવાનીની ખુમારી હરી લીધી છે. તારી અને તારા ગોઠિયાઓની કરામતોમાં એ ગૂંચવાઈ ગયેલ છે. શરીરનાં અનેક સુંવાળાં અંગો ઉપર કયું ઘાસ અથવા કયા વેલાનાં પાંદડાં ઘસવાથી ભંભોલા ઊપડે તે તમે સહુ શીખી ગયા છો. એવા ઈલમો અજમાવીને તમે દાદા સામે તમારા લોહીલોહાણ સોજા દેખાડતા ઊભા રહો છો. તમારાં શરીરોની એ ઈલમો વડે કરેલી અવદશા દીઠી ન જાય તેવી હોય છે. એથી છેતરાઈ છેતરાઈને દાદાએ બાપડાએ તમને ઘણી ઘણી વાર રેંટ, ચક્કી કે સ્ટેશનપાટીનાં કામોમાંથી છૂટી અપાવી, ઘણા રોજ ઈસ્પિતાલના ખાટલા તમને ખુંદાવ્યા. પણ હવે તો દાદાની બુદ્ધિને તમે બરાબર અટવાવી દીધી છે. સાચી અને બનાવટી બીમારી વચ્ચેનો ભેદ એ પારખી શકતા નથી. તમે જઈને દયામણું મોં કરી ખડા રહો છો કે તરત જ દાદા તમારા ઉપર તરકટનો જ અંદેશો આણીને ત્રાડ પાડી ઊઠે છે: સૂકાં સાથે લીલાં પણ સળગે છે દાદાના એ કોપ-દાવાનળમાં. “લે જાઓ સાલાકો ચક્કીમેં, ઉઠા જાઓ રેંટપાટીમેં!” એવી દાદાની સિંહગર્જના ઊઠે છે. દાદા, હું તમારાં વારણાં લઉં છું. અનેકનાં આંસુઓથી ઘોળેલી મારી કંકાવટીમાંથી હું તમારે ભાલે ચાંદલો કરું છું. આશીર્વાદ આપું છું કે નં. ૪૦૪૦ જેવા અનેકને ફટકા-ઘોડી પર બંધાવવાનો તમે લહાવો પામો!