મેઘાણીની સમગ્ર નવલિકા/નરક-નિવાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નરક-નિવાસ

[રાજા સોમક મરીને આકાશમાર્ગે સ્વર્ગમાં જાય છે. રસ્તામાં નરકપુરી આવે છે તે કાળનો આ પ્રસંગ છે.]

[નેપથ્યમાં]

ક્યાં જાવ છો, મહારાજ? સોમક: કોણ છે એ? કોણ બોલાવે છે મને? ઘનઘોર અંધારામાં કાંઈ યે દેખાતું નથી. હે દેવદૂત! પલવાર તારા વિમાનને આંહીં થંભાવ.

[નેપથ્યમાં]

હે નરપતિ નીચે આવો! નીચે ઊતરો, હે સ્વર્ગના મુસાફર! સોમક: કોણ છો તમે? ક્યાંથી બોલાવો છો?

[નેપથ્યમાં]

સાદ ન ઓળખ્યો, રાજા? મૃત્યુલોકનો હું તમારો પુરોહિત! સોમક: ગુરુદેવ! ગુરુદેવ, તમે આંહીં? આખા બ્રહ્માંડનાં આંસુ એકઠાં મળ્યાં હોય, એ આંસુની વરાળ બની હોય અને એ વરાળમાંથી જાણે સરજાયેલી હોય એવી આ દુનિયા લાગે છે. આંહીં સૂર્ય નથી, નથી ચંદ્ર કે નથી તારા. ભયંકર કોઈ સ્વપ્ન સમી ઘનઘોર ઉદાસી આકાશના હૃદયને જાણે ચાંપી ચુપચાપ ઊભી છે. આંહીં, આવા લોકમાં તમે કાં આવ્યા, પ્રભુ! પ્રેતો: સ્વર્ગને માર્ગે પડેલી આ દુનિયા. આનું નામ નરકપુરી. દૂર દૂર આંહીંથી સ્વર્ગના દીવા દેખાય છે. સ્વર્ગના મુસાફરો દિવસ-રાત આંહીં થઈને જ ચાલ્યા જાય છે. એના રથનાં પૈડાંનો ઘરઘરાટ અમારા કાનમાં અથડાય; અમારી આંખોમાં એ જોઈને ઝેર વરસે, અમારી નીંદ ક્યાંયે ઊડી જાય. નીચે નજર કરીએ તો ધરતીનાં લીલુડાં વન દેખાય; સાત-સાત સાગરનું નિરંતર સંગીત સંભળાય — હાય રે! સાગર ગાયા જ કરે છે. પુરોહિત: વિમાનમાંથી નીચે આવો, હે રાજા! પ્રેતો: આવો, આવો ને પલવાર અમારી પાસે રોકાઓ. અમ અભાગીની એટલી આજીજી છે, ઓ પુણ્યશાળી! તાજાં ચૂંટેલાં ફૂલ પર ઝાકળનાં બિન્દુ બાઝ્યાં હોય તેમ તમારે શરીરે પણ સંસારનાં આંસુ હજી ચોંટી રહ્યાં છે. પૃથ્વીનાં ફૂલોની, વૃક્ષોની ને માટીની સુવાસ હજુ તમારા દેહ પર મહેકી રહી છે; પ્યારાં સ્વજનોના સ્નેહની સુગંધ પણ હજુ તમારા શિરે મઘમઘે છે; ઋતુએ ઋતુના મધુરા રંગો પણ તમારા મોં પર હજુ રમી રહ્યા છે, હે રાજન્! સોમક: ગુરુદેવ! આ નરકમાં તમારો નિવાસ! પુરોહિત: તમારા કુમારને યજ્ઞમાં હોમાવ્યો, એ પાપની આ સજા મળી છે, મહારાજ! પ્રેતો: કહો, કહો એ કથની, રાજા! પાપની વાતો સાંભળવા હજુયે અમારાં હૈયાં તલપી ઊઠે છે. માનવીની વાણીમાં જ બોલજો. તમારા કંઠમાં હજુ સુખદુ:ખના ઝંકાર ઊઠે છે; તમારા સૂરોમાં હજુ માનવીના હૃદયની રાગરાગણી રણકે છે. કહો એ કથની. સોમક: હે છાયાશરીરધારીઓ! હું વિદેહનો રાજા હતો. મારું નામ સોમક. કૈં વર્ષો સુધી મેં હવનહોમ કર્યા, સાધુસંતોને સેવ્યા. વૃદ્ધ થયો ત્યારે મને એક બાળક સાંપડ્યો. એની પ્રીતિના પાશમાં હું પડ્યો. સૂર્ય સદા પૃથ્વીની સામે જ નિહાળતો ફરે તેમ હું યે મારા એ કુમારની સામે જ જોતો રહ્યો. કમળપત્ર જેમ ઝાકળના કણને જાળવીને ઝીલી રાખે, તેમ હું યે મારા એ બાળકને જતનથી જાળવતો હતો. હું રાજધર્મ ચૂક્યો, ક્ષત્રિયધર્મ ચૂક્યો, એ સર્વ ચૂક્યો. વસુંધરા અપમાન પામી. રાજલક્ષ્મી મારાથી મોં ફેરવી બેઠી. કચેરીમાં એક દિવસ હું કામ કરતો હતો, ત્યાં રણવાસમાંથી મેં મારા બાળકની બૂમ સાંભળી. ગાદી છોડીને હું દોડતો અંદર પહોંચ્યો. કામકાજ મેં રખડતાં મેલ્યાં. પુરોહિત: એ જ સમયે હું રાજપુરોહિત, હાથમાં આચમની લઈને દરબારમાં દાખલ થયો. જતાં જતાં રાજાજી મને યે ઠેલતા ગયા. મારા હાથમાંથી અર્ઘ્ય ઢોળાયું. મારું — બ્રાહ્મણનું — અભિમાન સળગી ઊઠ્યું. પલવારમાં તો શરમિંદે મોંયે રાજા પાછા આવ્યા. મેં પૂછ્યું: ‘બોલો, રાજા! એવી તે શી આફત ઊતરી કે તમે બ્રાહ્મણને તરછોડ્યો, રાજકાજ રખડાવ્યાં, પિડાતાં પ્રજાજનોની દાદ ન સાંભળી, પરદેશના રાજદૂતોને આદરમાન ન દીધાં, સામંતોને આસન ન આપ્યાં, પ્રધાનો સાથે વાત ન કરી, મહેમાનો કે સજ્જનોને સત્કાર્યા નહિ — અને એક પામર બાળકને રડતો સાંભળી, રઘવાયા બની, રણવાસમાં દોડ્યા ગયા? ધિક્કાર છે! તમારી મોહાંધ દશાથી ક્ષત્રિયનાં માથાં નીચાં નમે છે. એક બાળકના મોહપાશમાં તમને બંદીવાન બનેલા જોઈને દુશ્મનો દાંત કાઢે છે; બંધુજનો બીકથી બોલતા નથી, પણ એકાંતમાં આંસુ સારે છે, રાજા!’ સોમક: બ્રાહ્મણનો એ ફિટકાર સાંભળીને સભા સ્તબ્ધ બની. આતુર અને ભયભીત નજરે બધા મારી સામે નિહાળી રહ્યાં. પલવાર તો મારું લોહી તપી આવ્યું. બીજી પળે હું શરમાયો; ગુરુને ચરણે નમીને હું બોલ્યો કે ‘ક્ષમા કરો, મહારાજ! હું શું કરું? મારે એક જ સંતાન છે. મારો જીવ જંપતો નથી; પળે પળે પ્રાણ ફફડી ઊઠે છે; એટલે જ આજે મોહમાં પડીને મેં અપરાધ કર્યો છે. પણ સાક્ષી રહેજો, સહુ સભાજનો! આજ પછી કદી હું રાજધર્મ નહિ ચૂકું, ક્ષત્રિયના ગૌરવને લગારે ખંડિત નહિ કરું.’ પુરોહિત: આનંદથી સભા ચુપચાપ બની; પણ મારા અંતરમાં તો ઝેરની જ્વાળા સળગતી જ રહી. હું બોલ્યો: ‘વધુ પુત્રો જોઈએ, રાજા? એનો ઈલાજ મારી પાસે છે. પણ એ તો છે મહા વિકટ કામ. તમારી તાકાત નથી.’ ત્યાં તો ગર્વથી રાજા બોલ્યા: ‘હું ક્ષત્રિયબચ્ચો છું. તમારે ચરણે હાથ મેલીને પ્રતિજ્ઞા કરું છું કે હું એ કામ કરીશ.’ એ સાંભળીને હસતે મોંયે મેં કહ્યું: ‘સાંભળો ત્યારે: હું યજ્ઞ કરું, ને હે રાજા, તમને સ્વહસ્તે એમાં તમારા એ કુમારનું બલિદાન દેજો! એ બલિદાનનો ધુમાડો સૂંઘતાં જ રાણીઓને ગર્ભ રહેવાનો.’ એ સાંભળીને રાજાએ ચુપચાપ માથું નીચે ઢાળ્યું. સભાજનોએ કકળાટ કરી મેલ્યો, બ્રાહ્મણોએ મને ધિક્કાર દીધો. પરંતુ રાજાએ ધીરે સ્વરે કહ્યું કે ‘ક્ષત્રિયનું વચન છે, ગુરુદેવ! એમ જ કરીશ.’ પછી તો ચોમેર સ્ત્રીઓના વિલાપ ચાલ્યા, પ્રજાજનોના ફિટકાર સંભળાયા. સેના આખી વિફરી બેઠી; તો યે એકલા રાજાજી તો અચળ જ રહ્યા. યજ્ઞનો અગ્નિ ભભૂકી ઊઠ્યો. બલિદાનનો સમય આવી પહોંચ્યો. પણ આસપાસ કોઈ ન મળે. રણવાસમાંથી કુમારને કોણ લઈ આવે? નોકરોએ ના પાડી, પ્રધાનો ચૂપ રહ્યા, દ્વારપાળોની આંખોમાં આંસુ આવ્યાં, ને સેના બધી ચાલી ગઈ. પણ હું, મોહનાં બંધનોને છેદનારો હું, બધાં શાસ્ત્રોનો જાણનારો હું, પ્રીતિનાં બંધનોને મિથ્યા માનનારો હું — હું પોતે રણવાસમાં પહોંચ્યો. એકાદ ફૂલને સો સો ડાળીઓ વીંટળાયેલી હોય, તેવી રીતે એ કુમારને ઘેરીને સો-સો રાજમાતાઓ ભયભીત અને ચિંતાતુર બની બેઠેલી હતી. મને જોતાં તો બાળક હસ્યો, ને નાના બે હાથ લંબાવ્યા; કાલી કાલી ભાંગીતૂટી બોલીમાં જાણે કાલાવાલા કરતો હોય ને! ‘લઈ જાઓ, આ માતાઓને બંદીખાનેથી મને બહાર ઉપાડી જાઓ; મારું નાનું હૃદય રમવા માટે તલસી રહ્યું છે.’ હસીને હું બોલ્યો: ‘આવ મારી સાથે, બેટા! મમતાનાં આ કઠિન બંધનો ભેદીને તને હમણાં રમવા ઉપાડી જાઉં.’ એટલું કહીને બળજબરીથી માતાઓના ખોળામાંથી એ હસતા કુમારને મેં ઝૂંટવી લીધો. રાણીઓ મારા પગમાં પડી, મારો માર્ગ રોક્યો, મહા આક્રંદ કરી મૂક્યું. હું તો ઝપાટાબંધ ચાલ્યો આવ્યો. જ્વાળાઓ સળગી ઊઠી. રાજા તો પથ્થરની પૂતળી સમા ઊભા રહેલા. એ કમ્પતી ને ઝળહળતી જ્વાળાઓને જોઈ બાળક નાચવા લાગ્યો, કલકલ હાસ્ય કરવા લાગ્યો; બાહુ લંબાવી જાણે અંદર ઝંપલાવવા આતુર બન્યો. રણવાસની અંદરથી રુદનના સ્વરો ઊઠ્યા, ને બ્રાહ્મણો શાપ દેતા દેતા નગર છોડી ચાલી નીકળ્યા. હું બોલ્યો: ‘હે રાજા! હું મંત્ર ભણું છું; ચાલો, હોમી દો આને અગ્નિની અંદર.’ સોમક: ચુપ રહો, ચુપ રહો, વધુ વાત કરશો મા હવે! પ્રેતો: થંભી જા; થંભી જા; ધિક્કાર છે તને, ઓ બ્રાહ્મણ! અમે તો ઘોર પાપી છીએ, પરંતુ, રે પુરોહિત! તારી જોડી તો જમલોકમાં યે જડે નહિ. તારે એકલાને માટે નોખી જ નરક કાં ન સરજાઈ? દેવદૂત: મહારાજ! નિરર્થક આ નરકમાં રોકાઈને વિના પાપે પાપીની વેદના શાને સહી રહ્યા છો? પધારો વિમાનમાં, બંધ કરો ભયંકર વાતો. સોમક: વિમાનને લઈ જાઓ, દેવદૂત! મારી ગતિ તો, રે બ્રાહ્મણ, આંહીં નરકમાં, તારી સાથે જ શોભે! ક્ષત્રિયના મદમાં મત્ત બનીને મારા પોતાના કર્તવ્યની ત્રુટિને ટાળવા ખાતર મારા નિરપરાધી બાળકને મેં પિતાએ અગ્નિમાં હોમ્યો! મારા નિંદકોને મારું શૂરાતન બતાવવા ખાતર મેં માનવધર્મને, રાજધર્મને, રે — મારા પિતૃધર્મને બાળી ખાખ કીધો! જીવ્યો ત્યાં સુધી તો એ પાપની જ્વાળામાં સળગતો રહ્યો — હજુ યે, હજુ યે, એ જ્વાળા હૈયાને નિરંતર દઝાડી રહી છે. હાય રે, બેટા! અગ્નિને તેં બાપનું દીધેલું રમકડું માન્યું; બાપને ભરોસે તેં બે હાથ લંબાવ્યા; ત્યારે પછી એ ભડકાની અંદર અકસ્માત્ તારી આંખોમાંથી કેવો ઠપકો, કેવી તાજુબી ને કેવો ભય ભભૂકી ઊઠેલાં? હે નરક! તારા અગ્નિમાં એવો તાપ ક્યાં છે, જે મારા અંતરના તાપની તોલે આવે? હું સ્વર્ગે જાઉં? ના, ના! મારાં પાપ દેવતા ભૂલી શકે; પણ મારાથી શે ભુલાય એ બાળકની છેલ્લી નજર, એ છેલ્લું અભિમાન! દિવસરાત નરકના અગ્નિમાં હું સળગ્યા જ કરું તો યે, રે બેટા, તારી એ પલવારની વેદનાનું, બાપની સામે જોઈ રહેલી એ ગરીબ નજરનું, ને પિતાએ કરેલા એ વિશ્વાસઘાતનું વેર નહિ વળી રહે! [ધર્મરાજ આવે છે] ધર્મરાજ: પધારો, રાજન્! જલદી પધારો! સ્વર્ગના વાસીઓ તમારી વાટ જુએ છે. સોમક: સ્વર્ગમાં મારું આસન ન હોય, હે ધર્મરાજ! વિના અપરાધે મેં મારા બાળકને હણ્યો છે. ધર્મરાજ: અંતરના અનુતાપથી એનું પ્રાયશ્ચિત્ય થઈ ચૂક્યું છે, રાજા! એ પાપનો ભાર ભસ્મ થઈ ગયો છે. નરકવાસ તો આ બ્રાહ્મણને માટે છે — જેણે જ્ઞાનના ગુમાનમાં, લગારે પરિતાપ પામ્યા વિના, પારકાના બાળકને માતાના ખોળામાંથી ઝૂંટવીને હણી નાખ્યો છે. ચાલો, પ્રભુ! પુરોહિત: જશો ના, ચાલ્યા જશો ના, મહારાજ! ઈર્ષાના ભડકામાં મને બળતો મેલીને અમરલોકમાં એકલા ચાલ્યા જશો ના! નવી વેદના પ્રગટાવશો ના! મારે માટે બીજું નરક બનાવશો ના, કૃપાળુ! રહો, આંહીં જ રહો! સોમક: તારી સાથે જ હું રહીશ, હે હતભાગી! નરકના આ પ્રચંડ અગ્નિમાં આપણે બન્ને મળી યુગયુગાન્તર સુધી યજ્ઞ કર્યા કરશું. હે ધર્મપતિ! આ પુરોહિતનાં પાપ ખવાઈ જાય ત્યાં સુધી આ નરકમાં જ મારું નિર્માણ કરો. એની સાથે જ મને રહેવા દો. ધર્મરાજ: સુખેથી આંહીં રહો. મહિપતિ! નરક પણ ગૌરવવંતું બનાવો. અગ્નિનો દાહ તમારા લલાટનું તિલક બની જાઓ, અને નરકની જ્વાલા તમારું સિંહાસન બની જાઓ. પ્રેતો: જય હો પુન્યફળના ત્યાગીનો! જય હો નિરપરાધી નરકવાસીનો! જય હો મહાવૈરાગનો! આંહીં રહીને, હે પુણ્યશાળી! પાપીનાં અંતરમાં ગૌરવ પ્રગટાવજો. નરકનો ઉદ્ધાર કરજો, શત્રુને મિત્ર બનાવી જુગજુગ સુધી એક દુ:ખાસને બેઠા રહેજો, વાદળાંની સાથે ઝળહળતો સૂર્ય દેખાય તેમ તમારી મૂર્તિ પણ વેદનાના શિખર પર સદાય પ્રકાશી રહેજો. એ જ્યોત કદી યે બુઝાશો નહિ!