મેઘાણીની સમગ્ર નવલિકા/માથાનું દાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
માથાનું દાન

કોશલ દેશના મહારાજની તોલે તો કોઈ ન આવે. દુ:ખીને એ શરણ દેનારા અને દીનના એ પિતામાતા: એવાં એનાં યશોગાન ગવાતાં. પ્રભાતે એનું નામ લઈને લોકો પાવન થતાં. કાશીનગરીની અંદર એક દિવસ ઉત્સવ થાય છે. દેવાલયોમાં ઘંટારવ બજે છે, લોકોનાં ટોળે ટોળાં ગીતો ગાય છે: ‘જય કોશલપતિ!’ સાંજને ટાણે સ્ત્રીઓએ પોતાનાં આંગણાંમાં દીપમાળ પ્રગટાવી છે. કાશીરાજ પૂછે છે: “આ બધી શી ધામધૂમ છે?” પ્રધાન કહે કે, “કોશલના ધણીનો આજે જન્મદિવસ છે.” “મારી પ્રજા કૌશલના સ્વામીને શા માટે સન્માન આપે?” “મહારાજ! પુણ્યશાળી રાજા માત્ર પોતાના મુલકમાં જ નહિ પણ જગત આખાના હૃદય ઉપર રાજ કરે છે. એની માલિકીને કોઈ માટીના સીમાડા ન અટકાવી શકે.” “એ...એ...મ!” કાશીરાજે દાંત ભાંસ્યા. ઈર્ષાથી એનું હૃદય સળગી ઊઠ્યું. ચૂપચાપ એક વાર કાશીની સેનાએ કોશલ ઉપર છાપો માર્યો. સેનાને મોખરે કાશીરાજ પોતે ચાલ્યા. સેના વિનાનો એ નાનો રાજા કોશલેશ્વર બીજું શું કરે? ખડગ ધરીને રણે ચડ્યો, હાર્યો, લજ્જા પામીને જંગલમાં ગયો. પોતાને નગર પાછા આવીને કાશીરાજ વિજયોત્સવની રાહ જોઈ ઊભા રહ્યા. ‘કોશલનું આખું રાજ મેં કબજે કર્યું છે. એની રિદ્ધિસિદ્ધિ મારી પ્રજા ભોગવશે. એ દેશના ઉચ્ચ હોદ્દાઓ ઉપર મારી રૈયતના માણસોને બેસાડીશ’ એવા વિચારોમાં કાશીરાજ હરખાતો સામૈયાની વાટ જોતો રહ્યો. પ્રજાએ હાહાકાર કરી મૂક્યો. ઘેરઘેર તે દિવસે શોક પળાયો. રાજાની ઈર્ષાનો ભડકો વધુ ભીષણ બન્યો. દેશેદેશમાં એણે પડો વજડાવ્યો કે “કોશલરાજાનું માથું કોઈ લાવી આપે તો એને સવામણ સોનું આપું.” દેશેદેશમાં ‘ધિક્કાર! ધિક્કાર!’ થઈ રહ્યું.

જંગલમાં એક ભિખારી ભટકતો હતો. એની પાસે આવીને એક મુસાફરે પૂછ્યું: “હે વનવાસી! કોશલ દેશનો રસ્તો કયો?” ભિખારીએ નિશ્વાસ નાખી કહ્યું: “હાય રે અભાગી દેશ! ભાઈ! એવું તે શું દુ:ખ પડ્યું છે કે તું બીજા સુખી મુલકો છોડીને દુ:ખી કોશલ દેશમાં જાય છે?” મુસાફર બોલ્યો: “હું ખાનદાન વણિક છું. ભરદરિયે મારાં બારે વહાણ ડૂબી ગયાં છે. મારે માથે કરજનું કલંક છે. મન ઘણું યે થાય છે આપઘાત કરવાનું. પણ કરજ ચૂક્વ્યા સિવાય કેમ મરાય! હે વનવાસી! એટલા માટે હું કોશલના ધણી પાસે જઈને મારી કથની કહીશ. એની મદદ લઈ ફરી વેપાર જમાવીશ. કમાઈને કરજ ચૂકવીશ.” એ સાંભળીને પેલા ભિખારીનું મોં જરાક મલકાયું. તુરત એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. એ બોલ્યા: “હે મુસાફર! તારો મનોરથ પૂરો થશે. મારી સાથે ચાલીશ?” બન્ને જણ ચાલ્યા. કાશીનગરમાં પહોંચ્યા. રાજસભામાં દાખલ થયા. એ જટાધારી ભિખારીના માં ઉપર કોઈ રાજકાંતિ ઝલકતી હતી. કાશીરાજની આંખો એ કંગાળ ચહેરા ઉપર ચોંટી. એણે પૂછ્યું: “કોણ છો? શા પ્રયોજને અહીં આવેલ છો?” ભિખારી કહે: “હે રાજન! સુખસમાચાર દેવા આવ્યો છું.” “શું?” “કોશલરાજનું માથું લાવનારને આપ શું દેશો?” “ક્યાં છે? ક્યાં છે? લાવ જલદી, સવા મણ સોનું આપું, અઢી મણ સોનું આપું, ક્યાં છે એ માથું?” “રાજાજી! અઢી મણ સોનું આ વણિકને જોખી આપો અને સુખેથી આ માથું વાઢી લો.” રાજા સ્તબ્ધ બનીને કોઈ પથ્થરની પ્રતિમા-શો આંખો ફાડી રહ્યો. “નથી ઓળખતા, કાશીરાજ? એટલામાં શું ભૂલી ગયા? ઝીણી નજરે નિહાળી લો, આ કોશલરાજનું જ મોઢું કે બીજા કોઈનું?” “કોશલના સ્વામી! હું આ શું જોઉં છું? આ તે સત્ય છે કે સ્વપ્ન?” “સ્વપ્ન નહિ, રાજા! સત્ય જ જુઓ છો. ચાલો, જલદી ખડગ ચલાવો. આ વણિકની આબરુ લૂંટાય છે!” ઘડીવાર તો કાશીરાજ અબોલ બની બેસી રહ્યા. પછી એણે મોં મલકાવી કહ્યું: “વાહ વાહ, કોશલપતિ! મારું આટઆટલું માનખંડન કર્યું ને હજુયે શું માથું દઈને મારા પર વિજય મેળવવાની આ જુક્તિ જમાવી છે કે! ના ના, હવે તો આપની એ બાજી હું ધૂળ મેળવીશ. આજના નવીન રણસંગ્રામમાં તો હું જ આપને હરાવીશ.” એટલું કહી એ જર્જરિત ભિખારીનાં મસ્તક પર કાશીરાજે મુગટ પહોરાવ્યો, એને પોતાની બાજુએ સિંહાસને બેસાર્યા; ને પછી ઊભા થઈ, સન્મુખ જઈ, અંજલિ જોડી કહ્યું: “હે કોશલરાજ! રાજ તો પાછું આપું છું, પણ વધારામાં મારું હૃદય પણ ભેટ ધરું છું; બદલામાં તમારું માથું લઉં છું; પણ ખડગની ધાર પર નહિ, મારા હૈયાની ધાર પર.”