મેઘાણીની સમગ્ર નવલિકા 2/અલ્લામિયાંની ટાંક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અલ્લામિયાંની ટાંક

કેમ ચમકે છે, હેં! આજે મને ભેટતાં તેં મારું શરીર ચરબીએ છલકતું જોયું તેથી? હાં, હાં, તેં તો આપણે ત્રણ વર્ષ પર છેલ્લે ભેટેલા તે કરતાં પણ દૂબળો, હાડકાંનું માળખું જ બની ગયેલો દીનાનાથ કલ્પ્યો હતો, એમ ને? તે વખતે હું પચાસ-સો જણાની વચ્ચે તારી કને ઠૂઠવો મૂકી રોઈ પડ્યો હતો ને આજે લાલ ફૂલેલા ગાલે હસું છું તેથી શું તું વિચારમાં પડી ગયો છે, ભાઈ? આવા ફેરફારનું કારણ બીજું શું હોય? મેં એક ગાંઠ વાળી લીધી છે, યાર, અલ્લામિયાંને ઘેરથી હું એક શાપ લઈને જ આવ્યો છું, કે લગ્નનો પ્યાર બંદાના તકદીરમાં નથી. બાકીનું બધું જ છે. પૈસા છે — અને તે તો મેં ટપ્પાવાળાને બે રૂપિયાની નોટ આપી દીધી તે પરથી તું જોઈ શક્યો. તું ઠપકો આપે છે કે આઠ આનાનો જ દર છે ને હું શીદ દાનેશરી થયો! હું પૈસાવાળો થયો છું એમ તું નથી માનતો. પણ પૈસા એ આખરે શી ચીજ છે? એની કિંમતનું ભાન ભૂલી જવું એ જ એની છાકમછોળ માણવા બરોબર છે. મેં પૈસાની કિંમતનું ભાન ખોઈ નાખ્યું છે એટલે હું બાદશાહ બન્યો છું. એ અર્થમાં મારી કને પૈસો છે. એ જ અર્થમાં મારી પાસે સત્તા છે. હમણાં જ દિલ્હી જઈ આવ્યો. ઉતારો હતો એક આપણા હાકેમને ઘેર. સવારે ઊઠતાંની વાર જ સાહેબનો નોકર ગરમ પાણીનું પવાલું ભરીને મારે ઓરડે લાવ્યો. પૂછ્યું કે અલ્યા, આ શું? ગરમ પાણીને શું કરું? આ તો સિતમ ગરમીના દિવસો છે ને? એ કહે કે હજામત બનાવી લ્યો. કેમ ભાઈ? તો કહે કે તે વગર સાહેબ તમારી સાથે ચા પીવા નહિ બેસે. કહ્યું કે જા જા હવે, લઈ જા પવાલું પાછું. ને ગયો હું તો સીધો ચાના ટેબલ પર. ‘સાહેબ’ને સંભળાવ્યું, અલ્યા શું છે આ ફિશિયારી? હું બિલકુલ હજામત નહિ કરવાનો. ત્રીજે દહાડે કરું છું પણ હવે તો ચોથે જ કરીશ. તું કહેતો હોય તો આ ચાલ્યો બીજે રહેવા. વિલાયત જઈ આવ્યો છે તેથી ચાવળાઈ કરે છે! એક દહાડાની વધેલ દાઢી તેને શું ગોબરાઈ કહે છે? તો પછી તારા માથાના વાળનું શું કહે છે? બોલ્યો કે “દીનાનાથ, તારું એકનું તો કંઈ નહિ, દોસ્ત, પણ બીજા...” તુરત એને તડકાવીને કહ્યું: “બેસ બેસ હવે, ને ચા લાવ.” અરે, હજુ તો પરમને જ દહાડે સૂરતમાં સૂર્યાને ચૂપ કરી દીધી. બોલાવેલો જમવા. ગયો તો ખરો, પણ મારું ટિફિન બાકસ ભરીને લઈ ગયો. ટેબલ પર એની સાથે બેઠો, ને મારું ટિફિન ખોલીને ખાવા લાગ્યો. સૂર્યા તો સ્તબ્ધ! કહે કે આ શું? કહ્યું કે “બેસ હવે, તું મિત્ર ખરી, સબંધમાં ફરક નહિ પડે, બાકી તારે બંગલે જમે તે દીનાનાથ નહિ. તારો ભટ અક્કેક વડું મૂકી જાય, ચકલીને ખાવા જેવડી તમોએ ખાસ કરાવેલી વાડકીમાં ચાંગળું શાક પીરસી જાય, ફરી કોઈથી મગાય નહિ. માગીએ તો તળિયાઝાટક હોય, એમ શું હું ભૂખે મરું? અગાઉ કેટલી વાર તારા ભટે તને, તારાં બાને, તારાં ભાભીને ચાટ પાડ્યાં છે તે તો યાદ કર! પેલો બાસુંદીનો દિવસ યાદ કર! મિત્રોમાંનો એકેએક જાણે છે કે બાસુંદી દેખે છે ત્યારે દીનાનાથ બીજી કોઈ ચીજને અડકતો નથી. બાસુંદીથી જ પેટ ભરે છે. તે દિવસે ત્રણ વાર માગી, ભટ મને ભૂલવવા બીજુંત્રીજું લાવ્યો, ને છેવટે તને ભટે ચોખ્ખું પરખાવી દીધું હતું કે નહિ, કે બાસુંદી તો હતી તેટલી ત્રણેય વાડકીમાં પીરસી દીધી છે! ભટનો દોષ તો તમે શું મોઢાં લઈને કાઢી શકો? તમે સવારથી સૂપ, પાંઉ, મસકો, મુસંબીના રસનાં ટંબ્લર, ધૂડ રાખ ને પાપ પેટમાં ઓરનારાં, ચાર ટંક જમનારાં, રાતે કઈ ભૂખે વાળુ કરો એ બાસુંદીની એક વાડકી એક વડું વધી પડે તો ભટનો એક રૂપિયો દંડ કરનારાંઓ તમે, મને ફરી કદી જમવા તેડશો નહિ, ને તેડશો તે દા’ડે હું મારું ટિફિન બાકસ જ ભરીને લાવવાનો.” સૂર્યા કહે કે “એ તો અમારા ઘરની સિસ્ટમ!” મેં સામે કહ્યું કે “તે છો રહી, હું ક્યાં કહું છું કે સિસ્ટમ બદલો! મારી પણ આ સિસ્ટમ સમજી લો.” કબૂલ કરે છે સૂર્યા. સંબંધ સાચવે છે, લાગણી એવી ને એવી ધરાવે છે. મારી સત્તા સ્વીકારે છે. એ અર્થમાં મારી પાસે સત્તા છે, દોસ્ત! એ સત્તાને કદી છોડી નથી. વર્ષોથી પરઘેર રહું છું. પારકું લાગ્યું નથી. જેને જે દહાડે લાગ્યું તે દહાડે — અરે તે જ પળે – મેં એમનું ઘર ત્યજ્યું છે. ત્યજ્યું હતું તે એક રાત્રિએ. ‘નહિ, નહિ, બસ એ બિલકુલ નહિ બની શકે’ એવો બોલ પરશુરામના મોંમાંથી પડતાં વાર મેં રાતના અગિયારે એના ઘરમાંથી બૅગબિસ્તર ઉપાડ્યાં હતાં, સીધો ઉપલે માળ ગયો હતો, એ ઉપલા માળવાળાની સાથે નજીવી ઓળખાણ, વર્ષ એકથી પરશુરામના ઘરમાં વાસો એટલે પિછાને, જઈને કહ્યું કે આજની રાત અહીં કાઢવી છે. નવાઈ પામીને પૂછે છે કે કેમ? કહ્યું, “કંઈ નહિ, નીચે ઠીક નથી પડતું એટલે.” કહે કે સુખેથી રહો. જઈને પડ્યો, પણ જાણતો હતો કે અંજનીને પરશુરામે નીચે એક ખંડમાં પૂરી દઈ તાળું લગાવ્યું છે. અંજની ગ્રૅજ્યુએટ, ને પિતા મહાક્રાંતિકાર, માતા પણ નવયુગની નારી, બાપ નાગર, મા ક્ષત્રી, પૂરી દીધી પુત્રીને, કારણ કે મારી ને અંજનીની વચ્ચેનો પત્રવ્યવહારનો એક કકડો એમને હાથ આવી ગયો. અબ્રહ્મણ્યમ્! અબ્રહ્મણ્યમ્! સવારે જાગ્યો એમ તો શું કહું? જાગતો જ બેસી રહેલો. ઉપરની વિશાળ અગાશી માથા પર જાણે આખી રાત દબાતી રહી. છેલ્લા છ મહિનામાં એક પણ રાત અગાશી અમારી બેઉની રક્ષા કરતી અટકી નથી. અમે પણ એને અણજાણ રાખી નથી. ઘરનાં સૌ સૂઈ ગયા પછી અંજની જ પહેલ કરતી, અને પોતાની બાજુના રૂમમાંથી મને કાન ઝાલી અગાશીમાં ખેંચી જતી. બસ, આખા વિનાશનું રહસ્ય જ ત્યાં છે — એ કાન ઝાલવાની ક્રિયામાં. એ જ ક્રિયા જો હું કરી શક્યો હોત, તો આ દિવસ ન આવ્યો હોત. એ મારી રાહ જોતી એના ખંડમાં બેસી રહેતી. હું જઈને એનો કાન ઝાલું, એને ઊંઘતી ઉઠાવું, એને તમાચો કે હંટર ફટકારી આગળ કરું, એવો કોઈ લહાવો એનું નારીત્વ મૂંગું મૂંગું માગી રહ્યું હતું એની મને કમબખ્તને જ્યારે સાન આવી ત્યારે તો બાજી ગુમાવી બેઠો હતો. ઓહ! એની તાલાવેલી મારામાંથી કોઈ ‘કેવમૅન’ — ગુફાવાસી, રાની, જંગલી મર્દનું પુરુષાતન પ્રજ્જ્વલી ઊઠે તે માટેની હશે! પોતાને ભુજપાશમાં ભીડીને ઉઠાવી ચાલ્યો જનાર ધૃષ્ટ, નફ્ફટ અને લસલસતો દીનાનાથ એને જોઈતો હતો. પણ હું તો અંતની ઘડી સુધી કવિના કોઈ મૃદુલ ઊર્મિકાવ્ય-શો, પુષ્પ-શો, ભક્ત, પ્રેમગુલામ, નારીસન્માનક રહી ગયો. ધિક્! હવે અત્યારે ભુજાઓ ફાટે છે! હવે સમજાય છે કે એ છ મહિનામાં એક વાર, ઘરમાં કોઈ નહોતું ત્યારે, અંજની મારી પાસે હાથમાં એક ચામડાની શેડવાળો ચાબુક લઈને શા માટે આવી હતી અને શા માટે એણે મને કહ્યું હતું કે “ભલા થઈને મને આ ચાબુકે ચાબુકે ફટકારો. મને ફટકારો, ફટકારો ને, ઊઠો ને, બેઠા છો શું? નિર્બળ છો? ઊઠો, ફટકારો ચાબુક.” એને મેં ગાંડી ગણી. કોઈક રોગિયલ મનોગ્રંથિની ભોગ બનેલી માની. ‘માનસિક રોગ’ એ શબ્દે પણ કંઈ ઓછા વિભ્રમો જન્માવ્યા છે! એનો મંદવાડ એક જ હતો: ‘હી-મૅન’ને, મરદને, આક્રમણશીલ પૌરુષને પામવાનો વલવલાટ. એથી તો એણે મારા ઉપલા પડ સરીખા સત્તાશાળી ઉદ્ધત સીનાને સર્વાંગ સાચો સમજી મને શોધ્યો હતો; અને એથી જ તો, મારામાંથી જે એને મળતું નહોતું તેને લીધે એણે એક રૂપકને પકડ્યું હતું. એ કહેતી થઈ, કે હું તો આકાશના ચંદ્રને વરી ચૂકી છું. ચંદ્ર પર કાગળો લખતી, ને ચંદ્ર તરફથી જવાબો આવ્યા સમજી પોતે જ પોતાના પર લખેલા કાગળોને ચૂમવા લાગી. એ રૂપક હતું — મર્દ માટેની જોવાતી વાટનું. હું એને માનસિક વિકૃતિનો મંદવાડ સમજી બેઠો. એ એક મંદવાડને મેં કાઢ્યો છે એવું જ્યાં મેં બે-ત્રણ મહિને આશ્વાસન મેળવ્યું ત્યાં તો એણે જાહેરાત કરી — એક કલ્પનાપુરુષની. એ બોલી ઊઠી કે “એ પુરુષ આવે છે — ચાલ્યો આવે છે — એ જ મને વરશે, એની જ હું બની જઈશ. તું નહિ, દીનાનાથ, તું નહિ. એ તો આવે છે, એ મારો મનનો માન્યો, મારો પ્રણયવીર ચાલ્યો આવે છે.” મેં કહ્યું: “અરે ઘેલી ન થા. અંજની! કોઈયે નથી આવતું.” પણ ઘેલી અંજની નહોતી, ઘેલો હું હતો. એ તો આખરે આવ્યો, સાચો બનીને આવ્યો, શૅરસટ્ટાનાં બજારમાંથી આવ્યો — સૉનેટના બાગમાંથી નહિ, રે મૂઢ! — અને તમાચા ઝૂડીને ઉપાડી ગયો અંજનીને. ચાબુકની વાત સાચી પડી. તું ભાઈ! આ બધો ધડમાથા વગરનો પ્રલાપ સમજતો નહિ. હવે કંઈ હું ગાંડો વિભ્રમિત નથી. એ તો તે વેળા હતો. આજે અલ્લામિયાંની મહેરબાની છે. ને તું જુએ છે, કે મારું શરીર લાલ ટમાટા જેવું છે, ને ઊંઘ તો એટલી અનુકૂળ છે કે તું કહે તો અબઘડી ઘસઘસાટ ગજાવી મૂકું. તું જાણતો નથી ને આખી વાત? તો હું કરું. ના, એ કહેતાં કહેતાં હું લાગણીવશ બની જઈશ એવી બીક રાખતો જ નહિ. તું જોઈ લે ને, આખર સુધી મારા સ્વરમાં કોઈ કમ્પારી જુએ, આંખમાં જળ જુએ, કે નાનકડોયે નિશ્વાસ જુએ, તો મને ફિટકાર દેજે. હું શું કહેતો હતો! હાં, સવારે હું ઉપલા માળ પરથી નીચે ઊતર્યો, પરશુરામની પાસે ગયો, મને જોતાંની વાર તો એમણે તત્કાળ ફરી કહ્યું: “નહિ નહિ, એ કદાપિ નહિ બને.” મેં કહ્યું: “પરશુભાઈ! કબૂલ કરું છું, મારો વાંક એટલો ખરો કે મેં તમને કોઈને કહ્યા વગર તમારા જ ઘરમાં રહ્યે રહ્યે આ પ્રસંગ બનવા દીધો. પણ દોષ મારો નહોતો, તમારી પુત્રીનો હતો. ખેર, પણ હવે તમને વાંધો શો છે?” “નહિ, નહિ, નહિ,” એ તાડૂકી ઊઠ્યા: “એ બની જ કેમ શકે? આખરે તો હું નાગર — ને મારી પુત્રી નાગરને જ પરણશે.” “હેં! આ કોણ બોલે છે! પરશુભાઈ બોલે છે! ક્રાન્તિના ધ્વજધારી...” “દલીલબાજી કરવી નથી.” એણે એ કહેતે કહેતે પોતાના પગની પાની પરથી એક મૂએલ ચામડી ઉખેડી કાઢી. “પણ, અરે પરશુભાઈ! તમે પોતે શું કાર્ય કર્યું છે?” “દલીલો મારે કરવી નથી.” દલીલો સિવાય જેણે જીવનભરમાં ભાગ્યે જ કશું કર્યું છે તેમના આ ફરીવારના શબ્દો: અને એણે ઉમેર્યું: “ને જુઓ, એનો જે કંઈ પત્રવ્યવહાર હોય તેનો નાશ કરી નાખજો. એને નુકસાન ન થાય તે જોવાનું છે. કહી રાખું છું.” બસ, અહીં મારાથી તપી જવાયું. મેં એની સન્મુખ દૃષ્ટિ તાકીને કહ્યું કે “બસ કરો, પરશુભાઈ, એ તમારો પ્રદેશ નથી. પત્રવ્યવહારનો માલિક હું છું. ને એનો સદુપયોગ- -દુરુપયોગ તો મારી એના પ્રત્યેની લાગણીથી નક્કી થશે, તમારી દમદાટીથી નહિ.” ઊઠી ગયો. આજે પાંચ વર્ષે તો એ પણ કબૂલ કરે છે કે દીનાનાથના હાથમાં અંજનીના કાગળો સલામત રહ્યા છે, સલામત જ રહેશે. અરે મૂર્ખ! તું શું કહેતો હતો? એ પત્રવ્યવહાર શું દૂરવાસી દેહોની લાલસાકૃતિઓ છે! ના, ના, એ કંઈક જુદી બાબત છે. કંઈ નહિ. જવા દો. મૂઉં એ તો બધું. મૂળ મુદ્દો તો આ રહ્યો છે: અંજનીને મારે જ ઉપાડી જવી જોઈતી હતી તેને બદલે એનાં માબાપ ઉપાડી ગયાં. અંજનીને જે મારામાંથી જોઈતું હતું તે એણે પોતાની અંદરથી મેળવ્યું. એને આબુના પહાડે નવલકથાઓમાંની સંકટગ્રસ્ત સુંદરીઓનો મિજાજ પાયો. પરશુભાઈએ બજારમાંથી તૈયાર માલ જેવો જે ન્યાતીલો જુવાન ત્યાં આબુ પર હાજર કર્યો હતો તેને અંજનીએ તરછોડી નાખીને કહી દીધું, “મુરખ થતો નહિ, ભાઈ, ચાલ્યો જજે ઝટ આબરૂભેર. હું તો એને — મારા દીનાનાથને — પરણી ચૂકી છું. તું મગતરું મને શું પરણવાનો હતો!” હું બેઠો બેઠો એક કરુણ ગીત ગણગણતો હતો. મારાં આંસુ ધારાબંધ ગાલ પર દડતાં હતાં. મારા મેજ પર એની છબી હતી, એક ત્રીજા જ સ્નેહીના ઘરની એ ઓરડી હતી. હું એકલો એકલો ગાતો ને રુદન કરતો હતો. અચાનક કોઈકે મારો કાન ઝાલ્યો. કોણ, અંજની? અહોહો! આવી? આટલો બધો સ્નેહ! એના ખોળામાં માથું નાખી દીધું. એ મારું માથું, ગરદન, હાથ વગેરે તપાસવા લાગી, ને પૂછ્યું, “ક્યાં વાગ્યું હતું? કેવુંક લાગેલું!” “વાગેલું? મને? શું?” “કાચ ને સળિયા?” “શાના?” “મારા ઓરડાની વેન્ટીલેટરના જ તો!” “એ શું?” “કેમ નહિ વળી? તમે કાચ તોડ્યો, સળિયા વાળતા હતા.” “ક્યારે? શું તું લવે છે, અંજની!” “તે રાત્રિએ, મને બાપુએ ઓરડામાં પૂરી દીધી, ને તમે મોડેથી બહાર વેન્ટીલેટર પર ચડ્યા, કાચ તોડ્યો, બારી ખોલી, સળિયાને વાળી નાખીને મને બહાર કાઢવા માર્ગ કરતા હતા — લોહીલુહાણ હતા — કેવા જબરા તમે! આટલું બધું કાંડાબળ છ મહિના ક્યાં છુપાવ્યું હતું! મને તો કદી એવું જોર કરી...” ‘જકડી નહોતી’ એ શબ્દો એની શરમમાં સમાઈ ગયા. ને મારી શરમે મને તો ગાભા જેવો કરી નાખ્યો. હા! હા! આ છોકરીની કલ્પના મારામાંથી મરદાનગીનો ઉઠાવ કરતી કરતી એ રાત્રિએ આવું સ્વરૂપ ઝંખતી બેઠી હશે બંદિની! હું એ ટાણે આ ઉદ્ભ્રાન્તિનો મર્મ ન સમજી શક્યો. મેં તો ઊલટી મારી સભ્યતાને જ પકડી રાખીને સત્ય કહી નાખ્યું: “ના રે ના, ગાંડી! હું તે એવું કરું કદી? હું તારા પર જબરદસ્તી વાપરું? મારે તો તને સૌની સંમતિથી જ મેળવવી છે, મારે બદમાશ બની તારો ભવ નથી બગાડવો!” “ઓહો!” અંજની પોતાનો પાંચ હજારનો હીરો પડી ગયો હોય પણ એ હીરો ચોરેલો હોઈને કહીયે ન શકાતું હોય એવો ભાવ ધારણ કરી રહીને મારા ગળા પરથી હાથ ઉઠાવી લેતી બોલી: “ત્યારે તો એ સ્વપ્નું!” “સ્વપ્નું જ તો!” મેં માન્યું કે એનો એક વધુ રોગ મેં મટાડ્યો. “બાપાજીએ તમને કંઈ સતાવ્યા તો નથી ને?” “નહિ રે, હું એવું કારણ આપું જ કેમ? તારું બગડી જાય ને!” “શું મારું બગડી જાય બગડી જાય કર્યા કરો છો!” એ ચિડાઈને કકળી ઊઠી: “મને આબુ પર શોધવા પણ ન આવ્યા?” “પણ આવું તો તારું બગડી...” “બસ લો, બહુ થયું. ઘણા સારા, સમજુ ને શાણા માણસ! ખેર, ચાલો, હું તો આવી પાછી!” તે વખતે નહિ પણ આજે અત્યારે હું એ શબ્દોનો નિગૂઢાર્થ સમજી શક્યો છું. એ પાછી આવવા બદલ કંઈક પસ્તાઈ હતી. એણે આબુ પર જે તોફાન મચાવ્યું હતું તે તો પેલી એની કલ્પનાના તૉરમાં. એના ઓરડાના વેન્ટીલેટરના કાચ તોડતો ને સળિયા મરડતો લોહીલુહાણ કલ્પનામૂર્તિ દીનાનાથ એને આબુ પર ઉત્તેજી રહેલો. અરે, એ વખતે આ ગમ પડી હોત તો હજુ પણ આ સર્વનાશ રોકી શકાયો હોત. કારણ કે અંજનીએ મને ફરી એક વાર, બે વાર, ત્રણ વાર તક આપી. અમારાં મિલન, આ ત્રીજે સ્થલે ચાલુ રહ્યાં. ફરી પાછા મહિના ગયા. વર્ષ ગયું. મેં પૂછ્યું “તું હવે ચોકીપહેરાથી મુક્ત છે?” “હા, બાપાજીને તો મેં આ ગજવીમાં જ મૂકી દીધા છે.” એમ કહેતે એણે બ્લાઉઝની ગજવી બતાવી. “શી રીતે?” “એમ કહીને કે એમ.એ.નું પતાવી લીધા પછી કહેશો તેમ જ કરીશ. નાગરને જ પરણીશ, પણ મારો મનપસંદ શોધી આપો. એ શોધે છે!” બસ, પાછી પેલા વિભ્રમોથી સાવ મુક્ત, શરદની મેઘમુક્ત ચાંદની-શી અંજનીની પ્રેમચર્યા વિસ્તરી રહી. રોજ આવે, કલાકો મારી જોડે ગાળે, ડાહી બનીને બોલે, કે તમે સાચું કહો છો, દીનાનાથ! બાપાજીને ને બાને મનાવી લઈ એમના આશીર્વાદ સાથે જ પરણવું — હા! એમની સહાનુભૂતિ વિના તો આપણે દુ:ખી બની જશું, આપણને ક્યાંય જંપ નહિ વળે, મારા પરનું એમનું વહાલ એટલું તીવ્ર છે કે એનાં હૈયાં ફાટી પડશે. ને તમે ખરું જ કહો છો, દીનાનાથ, ભાગેડુ લગ્નોએ આપણી સુશિક્ષિત દુનિયાની ઇજ્જતને હલકી પાડી છે, એવું નથી કરવું... વગેરે વગેરે મારી જ સલાહ-શિખામણોના એ શુકસારિકાની જેમ પાઠ પઢી ગઈ. એ જ્યારે આ મુદ્દાની રજૂઆત કરતી હતી ત્યારે મારી કહેલી દલીલોની અંદર પોતાની નવી પણ ઉમેરતી હતી. એના નવા મુદ્દા તો મને ચમત્કારી લાગ્યા. વાહ! કેવી વિશદ વિચારસરણી ચાલવા લાગી છે? વાહ રે, प्रिय शिष्ये! આવો બુદ્ધિનો સુમેળ સાધીને અમે સંસાર માંડશું એટલે તો જીવનવાટ અજવાળાઈ જશે. પણ આજે એટલું જ સ્વચ્છ જોઈ શકે છે દીનાનાથ, કે મૂરખ! એ તો પેલા માસ્તરો પરીક્ષામાં છોકરાઓને પૂછે છે તેના જેવી વાત હતી. પૂછે છે કે ‘નીચેનાં વાક્યો હકારાત્મક છે તેને નકારાત્મક કરો’. મારે પણ અંજનીની ‘હા’ને ‘ના’ અને ‘ના’ને ‘હા’ સમજવાની હતી. સૌ કોઈ પ્રેમીની સામે પ્રકૃતિનો એ પ્રશ્નપત્ર છે: નારીના નકારને હકારમાં ને હકારને નકારમાં સમજી લેજો. એ બોલે તેમાં પ્રશ્નાર્થને નિશ્ચયાત્મક અને નિશ્ચયાત્મકને પ્રશ્નાર્થ ગણી લેજો. નહિ તો બચ્ચાઓ! તમે ચોકડી જ મેળવીને પાછા જશો. મારો પરીક્ષાપત્ર લઈને હું આજે પરીક્ષાના તંબૂમાંથી બહાર આવ્યો છું, ઊભો છું, નિહાળું છું, મોટી ચોકડી મળી છે. કારણ કે જે એક પ્રશ્નમાં તો પાસ થવાનું અનિવાર્ય હતું તેમાં જ હું ઊડી ગયો. અંજની એ ‘હા સાચું, તમે કહો છો તે જ સાચું છે’ એમ કહ્યું તેને મારે નકારાત્મક રૂપમાં જ મૂકવાનું હતું. ખરી રીતે તો એ માગતી હતી કે ‘ઉપાડી જા, મને તારા ખંધોલા પર ઊંચકીને ચાલ્યો જા. અરે મારા ભરાવદાર શરીરથી ભડક નહિ, તારે ખંધોલે ચડ્યા ભેગી જ હું એક ચકલી જેટલી હળવીફૂલ બની જઈશ’. પણ એ તો આજે સમજાય છે. મનોવિજ્ઞાનનું મારું ભણતર છેક આજે જતું ઉપયોગમાં આવે છે. ભણતરની ખૂબી જ એ છે. બુદ્ધિને એ પરિપકવ બનાવે છે. અબુધતા અડબંગતા અને ઉદ્ભ્રાન્તતાએ જીવનમાં જે ભાગ ભજવવાનો છે તે ભણતરને માન્ય નથી. ખેર, પરશુભાઈના કિલ્લેબંધ કુટુંબમાં ઘા કાઢી આવનાર તરીકે મને એક નવી જ કીર્તિ મળી હતી. હું એક સીધો સાલસ માણસ, ગરીબનો પુત્ર, સુકોમળ કવિહૃદય ધરાવતો સંસ્કારી અને પૂર્વસંસારમાં અનન્ય આહુતિ આપનારો, કીર્તિ ઉપરાંત સહાનુકમ્પાનો પણ અધિકારી બન્યો હતો. કારણ કે પરશુભાઈના નાનકડા શરીર પરનો વિરાટ ઝભ્ભો મેં ચીરી નાખ્યો હતો. એની આદર્શવાદિતા અને ક્રાન્તિવીરતાનાં મોરપીંછડાંને ખેંચી કાઢી મેં મૂળ કાગડો ખુલ્લો કર્યો હતો. ને મેં જાણે કે ઢુંઢા રાક્ષસના ગઢકિલ્લામાંથી સુંદરી મેળવી હતી. આ વાતે મને નવા પ્રશંસકો, ભક્તો ને પૂજકો સંપડાવ્યા હતા. એમાં હતો એક રૂપજી, શૅરબજારનો એ જુવાન મને શોધતો એક દિવસ આવી પહોંચ્યો. મારી આરતી ઉતારતો હોય તેમ એ મને ધન્યવાદ દઈ ગયો. જૂની ઓળખાણ, પણ જૂજ જેવી. ભણતો ત્યારે કવિતાઓ કરી બતાવવા લાવતો, મેં જોઈને કહેલું કે “નકામાં શાહી-કાગળ શીદ બગાડે છે? તારામાં કવિપણાનો અંશ સરખોયે નથી. તારો અવાજ જાડો, આંખો રશ્મિહીન, મોં ડાઘા જેવું, શરીર કદાવર, આંગળાં બરછટ, તું આ દિશામાં ભૂલેચૂકેય ન જતો. જા જગતમાં, પૈસા રળ, પોબાર પડીશ. આશિષ છે.” એ આશિષો એને ફળેલી અને ત્યારથી એ મારો ચેલો બનેલો. કહેતો કે “દીનાનાથભાઈ, કવિતાની જોડે મારું તે જ દિવસથી તકદીર પ્રકાશ્યું. છતાં કવિઓની ચરણરજ છું. તમે તો હદ કરી છે, પૈસા માટે મૂંઝાતા નહિ. ધાર્યું પાર પાડજો, આ લો.” થોકડી ભરીને લીલી નોટો મૂકી ગયો. ફરી આવ્યો — ફરી ફરી આવ્યો — એક વાર અંજની હતી ને એ આવ્યો. ઓળખાણ કરાવી: “આ મારો મિત્ર રૂપજી.” અંજની તો વારે વારે નાક જ લૂછતી રહી. એ બેઠો ત્યાં સુધીમાં સાતેક વાર એ બહાનાં કરી બહાર જઈ આવી. ને એના ગયા પછી કહે, “બાપ રે! કેવો ગંધાતો હતો! પસીના શું આવા થતા હશે! માણસનાં શરીરોમાં આટલી સખત ખાટી સોડમ!” પાસે ગુલાબ પડેલાં. લઈ લઈને પોતે સૂંઘતી અને મારે નાકે પણ દબાવતી રહી. મારા આખા મોં પર એણે ગુલાબો લસરાવવા માંડ્યાં. મેં કહ્યું, “તું એવી તો પોપલી વેવલી અમીરીમાં ઊછરી છે, અંજની, કે તારી જમાત બહાર બધે પસીનાની જ દુર્ગંધ અનુભવે છે. આપણી એ એક આદત જ છે. પણ તું ભંગીઓમાં સેવાકાર્ય કરવા જનારી થઈને....” “હા, ભંગીઓની દુર્ગંધ સહી શકું છું, અરે એ તો લાગતી પણ નથી. પણ આવા લોકો — જેઓ અહીં આપણાં દીવાનખાનાં સુધી પહોંચનારાઓ છે, પૈસાવાળા છે, સારાં ઘરોમાં રહે છે, અપ-ટુ-ડેટ કપડાં પહેરે છે, તેમની બાશ શી રીતે સહેવાય?” “બસ કર, બાઈ! તારી વિચિત્રતાઓ ને ધૂનોની કંઈ હદ નથી. પણ એ મારો જૂનો ચેલો છે, અને મદદ કરનારો છે, ભણેલોગણેલો આબરૂદાર માણસ છે.” “ગમે તે હો, મને તો ભૈસા’બ! દીઠોય ન ગમ્યો. ત્રાસ પામી ગઈ.” “હશે, એ તો આવી ચડેલો. ભોળો છે બાપડો. આપણે આંગળી ચીંધીએ ત્યાં પૈસા વાપરે, કહીએ તે કરે.” “મૂકો એની વાત. ગુલાબોની સામે બેઠાં છીએ. ગુલાબી જ વાતો કરીએ. આજે તો અજબ સુગંધી ગુલાબ મળી ગયાં રસ્તે.” — તે પછીના બેએક કલાક અમે ગુલાબમય બની ગયાં. ફરી એક દિવસ પાછો રૂપજી આવી જ અણધારી રીતે ભટકાઈ ગયો. એના ગયા પછી મેં અંજનીની માફી માગી: “મેં બોલાવ્યો નહોતો. એને બાપડાને પણ ક્યાંથી ખબર કે તું અત્યારે અહીં હો! બધો અકસ્માત જ બન્યો છે. સોગન ખાઉં છું.” “ઠીક, મને ચીડવવી જ હતી એમ સીધું કહેવું નથી.” “નહિ, તારે ખોળે માથું.” એમ કહી મેં માથું એના ખોળામાં ઢાળી દીધું. થોડી વારે એની આંખોમાંથી મારે ગાલે ટીપાં પડ્યાં. “પણ શું છે? કહે તો ખરી?” “ના, કશું નથી.” હું જાણું જ તો. મારા પરનું વહાલ, ખોળે માથું ઢાળીને સૂતેલા સંપૂર્ણ સમર્પિત માનવી પરનું વહાલ. રે નાદાન! તું શું ધૂળ જાણતો હતો? આજે તો દીવા જેવું દેખું છું, આ શરણાગતિ — આ આત્મસમર્પણ જ એને રડાવતું હતું. એને જોઈતો હતો ‘હી-મૅન’: મરદ. માંડ માંડ એ રૂપજીની હાજરીને સહી લેતી થઈ. ત્રણેક મહિને તો માંડ એની સાથે બે શબ્દો બોલતી બનાવી. છતાં પેલો ન દેખે તેમ મારી સામે જોઈ હોઠ મરડી કેટલી ઉગ્ર નફરત બતાવે! હું સ્મિત કરીને મૂંગી ક્ષમા માગતો હોઉં તેવા માર્દવ સાથે અંજલીની શાંત રાખવા મથતો. એવા દિવસોય વીત્યા. ને પછી તો અંજની રૂપજીની રૂબરૂમાં જ વિદાય લેતી કહી ગઈ કે પોતે બુધવારે બપોરે ત્રણ વાગ્યે આવશે. રૂપજી બુધવારે બે વાગ્યે આવ્યો. અઢી વાગ્યે એણે કાંડા-ઘડિયાળ જોયું. મેં કહ્યું “અરે કંઈ નહિ, બેસને!” “ના, જવું છે.” “પણ અરધા જ કલાકમાં અંજની આવશે. મળીને જ જજે ને?” ના કહીને ત્રણમાં દસ કમ હતી ત્યાં ચાલ્યો ગયો. અંજની એને નજીકમાં જ ક્યાંક ભટકાઈ હશે ને! સમજી ગયો હોવો જ જોઈએ કે પોતે અંજનીને ગમતો નથી. આ બધી તો મારી તે દિવસની સમજણ, હાં કે ભાઈ! આજની સમજણ જુદી છે. વળી પાછાં બેઉ જણાં કોઈક દિવસ મારી પાસે ભટકાઈ જાય, વળી કોઈક દિવસ રૂપજી વહેલો ઊઠી જાય ને પંદર-પચીસ મિનિટે અંજની આવી પહોંચે. હું માનું કે બાપડાને ખબર પણ પડતી નથી કે અંજની ક્યારે આવનાર છે છતાં ઊઠી જ જાય છે અને પછી અરધા કલાકે-ક્લાકે અંજની આવી પડે. કોઈ કોઈ વાર અંજની બેઠી હોય ને હાજર થાય. મતલબ કે એ બધાં મિલનોને હું અકસ્માતો જ ગણતો. પછી તો સિનેમાની બે બે ટિકિટો પણ એ મને આપી જતો. અંજની કહે કે “આ તે શું અપમાન કરે છે? શું આપણને પૈસા નથી મળતા તે દાન કરે છે? એનામાં વિવેક તો હોવો જોઈએ ને!” “શાનો વિવેક?” “કેમ, શાનો વિવેક? આપણને પોતે લઈ જવાં જોઈએ પિક્ચરમાં.” એ બાપડો એ પછી લઈ જવા લાગ્યો. ઓચિંતો એક સારા પિક્ચરની ટિકિટ લઈને ઊભો રહ્યો. મેં કહ્યું કે “પણ અંજની તો અત્યારે યુનિવર્સિટીમાં હશે.” “તો ચાલો, લેતા જઈએ.” “હું તો ન આવી શકું લેવા.” “તો હું તેડી લાવું.” હું થોથવાઈ રહ્યો. આને જોતાં જ પેલી ઊંટને દેખી ભેંસ ભડકે તેમ ભડકે છે તો આની સાથે બસ કે ગાડીમાં શે આવશે? મારા તો હોશ જ પાછળથી ખાટા કરી નાખશે ને? “ખેર, જા ભાઈ, જો જોઉં, આવે છે?” આવી તો ખરી, પણ છણકા કરતી. ત્રણ જણાંએ થિયેટરમાં બેઠક લીધી, ત્યારે ‘રો’માં હું પહેલો પેઠો. મારી પાછળ રૂપજી ને તેની પાછળ અંજની. પણ એ રીતે અંજની શાની બેસે? મને વચ્ચે બોલાવી લીધો. રૂપજી બાપડો છેલ્લો ગયો, ને અંજનીએ મારી એકલાની સાથે જ વાતો કર્યે રાખી. બહાર આવ્યા પછી, રૂપજીના ચાલ્યા ગયા પછી મેં અંજનીને મૃદુ ઠપકો આપ્યો: “કર્ટસી [સભ્યતા], અંજની! કર્ટસી પણ નહિ? એ લાવ્યો, ને અકસ્માત્ એ આપણી બેઉની વચ્ચે હતો, તો પછી એમ જ બેસી જવું જોઈએ ના!” “એમ કે!” એનો કંઠ કંપ્યો. “શું થયું વળી?” “તમે – તમે કેમ આટલું ભાન ન રાખી શક્યા? મને કેમ ‘રો’માં પહેલી ન પેસવા દીધી? આજે, આ વર્ષો ‘કર્ટસી’નાં ચાલે છે કે ‘કૉર્ટશિપ’નાં? પરણ્યાં પછી મને ઠીક પડે તેની સાથે બેસારજો ને!” કેટલી બધી વિગતભરી સ્નેહજાગૃતિ! હું તો છક થઈ ગયો. કહ્યું, “સાચું.” “ના, હું તો જેમ તમે રાજી રહો તેમ કરીશ, પણ કર્ટસીને ખાતર નહિ, તમારે ખાતર.” ‘મારે ખાતર’ એણે તે પછીનાં પિક્ચર-ગમનોમાં પ્રથમ અમારી બેઉની વચ્ચે બેસવા માંડ્યું, ને પછી કોઈ કોઈ વાર રૂપજીને વચ્ચે રાખીને બેસવાની ગોઠવણ સ્વયમેવ ચલાવી. ને ડાહીડમરી બની રૂપજીની જોડે જ એણે પિક્ચરની ખૂબીઓ ચર્ચવા માંડી. વચ્ચે વચ્ચે મારી તરફ ફરીને ટકોર કરે કે “જડસુ છે. કશું સમજતો જ નથી.” હું એના હાથ દાબી વારુ, “ધીરે, મૂર્ખ! ધીરે!” “છો સાંભળતો!” એ વધુ બરાડતી. દરમ્યાન હું રૂપજીને જોતો તો ખરે જ એ જડસો દેખાતો. શરીર પહેલવાનનું, અક્કલ ઊંટની. ભલો બાપડો. આ હા હા! કાતિલ ભલો! જાલિમ ભલો! દરદનું ઓસડ દા’ડા: દહાડા જતા ગયા ને રૂપજીની રીતભાતને અંજની પચાવતી થઈ. પણ જડસુ ખરોક ની, તે એક વાર એ પિક્ચરમાંથી અમને દૂધ કોલ્ડ્રિંક પીવા લઈ ગયો. અંજની કહે, “નથી પીવું.” રૂપજીએ પૂછ્યું, કેમ?” “ના, કંઈ નહિ. નથી પીવું.” રૂપજી કહે, “પીવું પડશે.” “પડશે એટલે?” “એટલે પડશે.” “નહિ તો?” “માથે રેડીશ.” “એટલું બધું?” “અલબત્ત.” સીન થઈ ગયો બેઉ વચ્ચે. હું ગભરાયો. મેં અંજનીને કહ્યું: “આ તે શું! એની ઇચ્છા છે તો પી લે.” “નહિ પીઉં.” “તો આ લો!” કહીને સાચેસાચ રૂપજીએ આખો ગ્લાસ અંજનીની ઉપર ઢોળી દીધો. ને હું તો ધડકી ઊઠ્યો. ભયંકર રમખાણ મચી જશે! પણ કંઈ ન બન્યું. અંજનીએ કંઈ અદ્ભુત સંયમ દાખવ્યો. પણ આ તો તે વેળાની મારી માન્યતા, આજની નહિ, આજની માન્યતા વળી બીજી શી, એમ પૂછે છે તું, ભાઈ? લે કહું: અંજનીને એ જોઈતું હતું. એવી કોઈ અદમ્ય લાલસા એને જલાવતી હતી. જેમ પેલો ચાબુક, તેમ જ આ ગ્લાસ. કોઈ ફટકારે? કોઈ રગદોળી નાખે? કોઈ પોતાની અનિચ્છાને નકારાત્મક સ્વરૂપમાં મૂકી આપે? અહો! એ વખતની અંજનીને યાદ કરું છું તો પહેલી પ્રેમ-હુતાશણીમાં રંગાયાની તૃપ્તિએ ભર્યું ભર્યું એનું મોં તરવરે છે. અથવા તો, ભાઈ! આમ પણ શક્ય છે: કે એણે એક આપત્તિ તરી, ને મારી પરીક્ષા લીધી, કે આ મને બચાવે છે કે નહિ? હું ન બચાવી શક્યો. મારે ઠપકો રૂપજીને આપવો જોઈતો હતો. મેં આપ્યો અંજનીને. બસ, એણે મારામાં પોતાનો રક્ષણહાર ન નિહાળ્યો. એ ગઈ આક્રમણકારને, ‘હી-મૅન’ને, ‘કેવ-મૅન’ને, પોતે જેને માગતી હતી તેને: સોટાને, સૉનેટને નહિ. લાંબી વાત ટૂંકી કરું. મહિના ગયા. એ માંદગીમાંથી ઊઠી હતી. ઝડપે શરીર પાછું પાંગરી ઊઠ્યું. બે મહિને મળી, પણ કેવી લાવણ્યભરી! મીણની મૂર્તિ, અડકીશ તો રખે ઓગળી જશે. સર્વ કોમળતા નિતારીને એને પંપાળી, લગાર પણ સતાવણી ન થવી જોઈએ, હાં કે! એવું માર્દવ ધારણ કરજો મારા હાથ. પાંચ કલાક. કસમ ખાવાની કોઈ જરૂર નથી, મિત્ર, પૂરા પાંચ કલાક એ મારા ખોળામાં ને હું એના ખોળામાં: પછી એ ઊઠી અને એક ક્ષણ ઊભી રહી. “થોડુંક કહેવું છે.” “ઓહો! હજુ રહી ગયું? કહે.” “હું રૂપજી સાથે પરણીશ.” ફરી પાછું ગાંડપણનું ફિટ કે શું? — હું હસ્યો. એણે કહ્યું: “હસવાની વાત નથી.” “ત્યારે શું છે એ?” “પ્રેમ.” “ક્યારનો?” “પહેલો દીઠો ત્યારનો.” “પસીનો ગંધાયો હતો ને?” “એ ગંધ જ ઘસડી ગઈ છે.” “નહોતો ગમતો ને?” “ગમાનું જ એ ઉગ્ર રૂપાન્તર હતું.” “થિયેટરમાં?” “ગમતો હતો.” “વિભ્રમ નથી ને?” “ના, આગલા સર્વ વિભ્રમોનો અંત આવ્યો છે. હું હવે સાફ રસ્તા પર છું.” “વારુ!” — કહ્યું, પણ હું તમ્મર અનુભવતો હતો. “રહે તો થોડી વાર!” કહીને હું પાંચેક મિનિટ ચૂપ રહ્યો. પછી મારી કળ વળી. મારા હોઠેથી આ શબ્દો સર્યા: “અંજની! પાંચ-પાંચ વર્ષ પછી?” “ઇલાજ નથી.” “પણ થોડો કાળ તો અટકી જા. તારી લાગણીઓને તપાસ. પછી હું આડો નહિ આવું. પણ તું થોડો સમય—” “અશક્ય છે.” “કારણ?” “એના વિના રહી નહિ શકું.” “પણ છે શું?” “એની પાસે ગયા વગર ઇલાજ નથી.” “કેમ, વારુ?” “એણે મને ત્રણ થપાટો ચોડી દીધી છે. ‘ટાયરન્ટ’ છે. મારા પર ધાક બેસી ગઈ છે. ગયા વિના રહી નહિ શકું.” વાહ! ત્રણ થપાટો! ચાબુક! સૉનેટ નહિ પણ સોટા માગતી હતી આ સ્ત્રી: મારી પ્રત્યેક સમસ્યાનો ઉત્તર મળી ગયો. અંજનીને રોગ નહોતો, માનસિક માંદલાઈ નહોતી. કોઈક કબજે કરનાર ‘ટાયરન્ટ’ જોઈતો હતો. એ નિર્દોષ હતી. મેં કહ્યું કે “સુખેથી. રજા આપું છું. જા, પણ કહી રાખું છું કે પાંચ-પંદર દહાડે કદાચ તારી શરીર-ભૂખ તૃપ્તિ પામી જાય, તને એના પર અણગમો આવે, તું ન રહી શકે, અથવા એ ન રાખી શકે, તો તું ચાલી આવજે. તારે માટે મારા જીવનમાં એ જ સ્થાન હશે. કદાચ તારા પેટમાં બાળક હોય તોપણ ચાલી આવજે. હું પરણીશ, પ્રસૂતિ કરાવીશ, ને બાળકને મારું જ સમજીશ. જા. સુખી થા.” એ ગઈ. આજે તો એને બે બાળકો છે. પાછી નથી આવી. નહિ આવે. વર્ષ થઈ ગયાં ચાર, દોસ્ત! પૂરાં ચાર. ને પરશુભાઈ કોઈને મોંએ કહેતા હતા પણ ખરા, કે આવી ખબર હોત તો હું દીનાનાથને ધક્કો ન મારત. મેં કહ્યું કે મૂરખ! તું ધક્કો મારનાર પણ કોણ? ને તું મારા ભાગ્યનો વિધાતા પણ કોણ? તું વળી પ્રસન્ન હોત તો શું નિહાલ કરી દેવાનો હતો? આ લલાટ પર દેખ, અલ્લામિયાંની મારેલ ટાંક છે, કે દીનાનાથને બીજું જે જોઈએ તે મળે, ન મળે એક લગ્નનું સુખ! એ લેખ મેં ઉકેલ્યો, ચાર વર્ષની મહેનતે ઉકેલ્યો. ને ઉકેલ્યા પછી જો આ મારું શરીર! લાલ ઘોલર છે ના? ને નીંદ તો તું કહે ત્યાં ખેંચું. જાગરણ તું કહે તેટલાં ખેંચું. ઘેવર જમાડ કે ભૂખ્યો રાખ દીનાનાથને, દીનાનાથ રાતો રાણ જ રહેશે. અલ્લામિયાંની મારેલ ટાંક વાંચી છે દીનાનાથે. ચાલ, હવે કામ પર બેસીએ.