મેઘાણીની સમગ્ર નવલિકા 2/ગંગા! તને શું થાય છે?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગંગા! તને શું થાય છે?
[૧]

ત્રવાડીનો ખાંચો એની સંકડાશ માટે જાણીતો છે. દિવસે દિવસે એ વધુ સંકડાતો જાય છે. તુળજાશંકર અંતકાળિયાને વૈદું અને ધનેશ્વરકાકાને લાલ મિલ પડખેની હૉટલ કામધેનુઓ શાં થઈ પડ્યાં હોવાથી તેઓએ હમણાં જ નવી મેડીઓ ચણાવી છે. રાતોરાત પાયો લેવરાવીને ખાંચાની બબ્બે હાથ જમીન દબાવી કાઢી છે. મ્યુનિસિપાલિટીના દાંતોમાં દઈને આ મર્દાઈ કરી છે. દરેક વાતમાં છાતી જોઈએ, ભાઈ, છાતી! એ બન્ને નવાં મકાનોની વચ્ચે એક જૂનું. જીર્ણ ખોરડું જાણે કે ભીંસાઈને ચેપાતું ચેપાતું ઊભેલું છે. માગશર માસના સવારની પહેલી તડકી માંડ-માંડ જાણે હાંફતી-હાંફતી એ ખોરડાના ઓટલા ઉપર ઊતરતી હતી, અને રાજારામનાં ડોશી કંકુમા પોતાના દીકરાનાં ત્રણ નાગાંપૂગાં છોકરાંને એ તડકીમાં તપાવતાં બેઠાં હતાં. તુળજાશંકર અને ધનેશ્વરનાં બાળકો શિયાળાના અંગે ખાસ બનાવેલ અડદિયા પાકનો અક્કેકો લાડુ લઈને પોતપોતાની મેડીઓની પરશાળમાં ઊભાં ઊભાં ખાતાં હતાં. પણ તેથી શું થઈ ગયું? નીચે બેઠેલાં રાજારામનાં ભૂલકાંને શરીરે લૂખસની જે મીઠી-મીઠી ખૂજલી ઊપડતી હતી, તે શું કાંઈ ઓછી લહેરની વસ્તુઓ હતી! ડોશી પણ પોતાના માથાના મૂંડા ઉપર અને તામ્રવરણા, કરચલિયાળા હાથ પગ ઉપર ખણી-ખણીને લોહીના ટશિયા કાઢી રહ્યાં હતાં. મેડી પર ઊભેલાં બાળકોને પોતાના હાથનો અડદિયો ચૂપચાપ ખાઈ લેવામાં પૂરી મજા નહોતી પડતી, એટલે તેઓ નીચેનાં છોકરાંને, “જો, મારે અડદિયો! તારે છે કાંઈ?’ એમ ટગાવીને નવો સ્વાદ નિપજાવી રહ્યાં હતાં. ખજવાળતાં-ખજવાળતાં એ છોકરાં પેલા આકાશના ચાંદા જેટલા અપ્રાપ્ય અડદિયા સામે હાથ લંબાવી, કેમ જાણે તે લાડુ વળાવવામાં પોતાના પિતાએ હિસ્સો દીધો હોય તે રીતે માગતાં હતાં કે, “એ...એ...દેને અમારો ભાગ! એ...એ... અમારો ભાગ!” એ વખતે ઓચિંતી ઘરની અંદર કશીક ધડાપીટ થઈ, અને ગડગડાટ સાથે વૃષ્ટિ સમાન શબ્દો સંભળાયા કે, “કમજાત સા...લી કૂતરી! તારું ને મારું મોત કાં નથી આવતું?” તડકે બેઠેલાં કંકુમા સમજી ગયાં. મનમાં ને મનમાં બોલ્યાં: ‘અરેરે, પ્રભાતના પો’રમાં વળી પાછી મારપીટ માંડી ને, દીકરા! અરે મૂવા, તને હમણાં આ શું ઝોડ વળગ્યું છે તે વહુને વારે-વારે મારી રિયો છે? હોય, ઘર છે તે કો’ક દિ’ ઠોંઠ થાપલી હોય. અમેય અમારા સમામાં માર ખાધેલ છે. પણ આમ રોજ ઊઠીને કાંઈ પાટુએ-પાટુએ મરાતું હશે બાયડીને?’ ડોશી આમ પોતાની જાણે બબડતાં રહ્યાં. એનું માથું ખજવાળવું ચાલુ જ હતું. છોકરાંને પોતાના સાડલામાં લપેટતાં લપેટતાં એ બોખા મોંયેથી ત્રૂટક-ત્રૂટક બોલ્યે જતાં હતાં કે “બાયડી ઉપર... ગભરુ ઉપર હાથ-પગ ઉપાડ્યે શી સારાવાટ થવાની હતી? આ કૂંડમાં તળશી કરમાઈ ગયાં એ શું અમસ્થાં-અમસ્થાં?” ત્રવાડી-ખાંચાના વસનારાં બધા પોતપોતાને બારી-બારણે ડોકાં કાઢીને રાજારામના ઘરમાં ચાલી રહેલી આ ધડાપીટ તરફ સરવા કાન માંડી રહ્યાં હતાં. મેડી ઉપર બેઠેલા તુળજાશંકર વૈદ એનાં સ્ત્રીને કહે કે, “આ તે બ્રાહ્મણોનો વાસ છે કે વાઘરીવાડો! રોજ-રોજ આ કેમ પોસાય!” વહુ કહે: “પોલીસ-ખાતાને કહીને એને આંહીંથી ખેસવો ને! આ તો શેરીની આબરૂ જાય છે.” “એ તો અંતે દાઢી એ જ માગે છે;” વૈદ્યરાજે કહ્યું: “આપણાં ખોરડાં ચણાતાં’તાં ત્યારે મેં એને શું થોડો વિનવ્યો’તો? ‘ભાઈ રાજારામ! બાપા રાજારામ! ભલો થઈને મને તારું ઘોલકું દઈ દે. મારે મકાનનો મેળ તૂટે છે. હું રૂ. ૨૦૦ રોકડા આપું.’ પણ એ નો’તો માન્યો; આપણી ને ધનેશ્વરભાઈની મેડીઓ વચ્ચે પોતાનો કૂબો રાખી આપણને નત્યના ભૂંડા દેખાડવાની એની હઠીલાઈ એણે નો’તી જ છોડી. નાક કપાવીનેય અપશુકન કરાવવું તે આનું નામ! પણ હવે તો હું હાર્યો છું. બ્રાહ્મણના દીકરાની દયા હવે ખાવા જેવું નથી. કાંઈક ઇલમ કરવો તો પડશે ના! કુળવાન ઘરની વહુ-દીકરીઉં વસે ત્યાં આવા કંકાસ કાંઈ રોજ ઊઠીને પાલવે?” એવી કૈં-કૈં વિવેચનાઓ કરી કરીને કોઈ હસતાં તો કોઈ ખીજે બળતાં એમ તમામ પાડોશીઓ પાછાં પોતપોતાને કામે લાગી પડ્યાં. કંકુડોશી ઓટલાની તડકીમાં મીઠી-મીઠી ખૂજલી ખજવાળતાં બેઠાં રહ્યાં. એની ઝાંખી આંખોમાં પાણીના છાંટા આવી ગયા તેનું કારણ દીકરાનું વહુ પરનું દુરાચરણ હશે, ઊંચે ચડેલા સૂર્યનાં કિરણોનો આંખોમાં સીધો પડતો અજવાસ હશે, કે તુલજાશંકર ત્રવાડીની એની પત્ની સાથેની ધીરી વાતો હશે તે કળવું કઠિન હતું. રાજારામ હજુ ઘરમાં જ ઊભો હતો. પત્ની ઉપરના પોતાના વીરત્વે બહાર મોટો તમાશો મચાવ્યો છે તે ભાન થયા પછી ઘર બહાર નીકળવામાં એને શરમ આવી હતી. પાટુ ખાધા પછી પણ પત્ની મૂંગી જ રહી, અને જીભ વડે પણ સામો જવાબ ન વાળ્યો, ઓયકારો ન કર્યો, તેને પરિણામે રાજારામની મનોદશા ગાંધી-ચેલાઓને લાઠીમાર મારનાર સરકારી સિપાઈઓના જેવી થઈ પડી હતી. ઊભડક પગે એ નીચે બેઠો; લાલ-લાલ ડોળા ફાડીને પત્નીને પૂછ્યું: “મોંમાંથી ફાટ તો ખરી! તને શું થાય છે?” “કાંઈ નથી — શું હોય?” “તો ખા આ છોકરીના સમ.” વહુના ખોળામાં પેલાં ત્રણ ઉપરાંત એક ધાવણી છોકરી ધાવી રહી હતી, તેની સામે આંગળી ચિંધાડીને રાજારામે સોગંદ દીધા. “અત્યારના પહોરમાં શા સારુ બાળકના સમ દો છો?” “મારે જાણવું છે કે તું મહિના-દિ’થી આમ નઘરોળ કેમ બની ગઈ છે? બે દિવસથી ઘરમાં ખાંડ થઈ રહી છે, તે સંભારીને મને કાં વેળાસર કહ્યું નહિ? મોં વીલું કરીને કેમ ઘરમાં બેઠી રહે છે? કોઈ વાતના પૂરા જવાબ કેમ નથી દેતી? તને શું થાય છે?” દૂધ વિનાના ડાબા સ્તનને ચૂસતી છોકરીએ ભૂખના દુ:ખે ચીસ પાડી, એથી વહુએ એને ડાબી બાજુથી ઉઠાવીને જમણા થાનેલા ઉપર ફેરવી. એટલામાં એની આંખો છલછલી પડી. રાજારામનો રોષ-રક્ત ચહેરો દયાર્દ્ર બની ગયો. એણે પત્નીની આંખોનાં પાણી પોતાની આંગળી વતી લૂછતાં-લૂછતાં પૂછ્યું: “ગંગા, મારા સમ છે: મને દિલ ખોલીને કહે, શી વાત છે આવડા બધા દુ:ખની?” “તમારા કારખાનાનો વખત જાય છે. હમણાં જાવ. પછી રાતે વાત.” “ના, કારખાનું જાય જહાનમમાં. આજનું પ્રભાત આમ બગડ્યું છે, એટલે કામકાજમાં મારું ધ્યાન પણ સરખું નહિ રહે: છેકાછેકી થશે, અને હેડ-કલાર્ક ખિજાશે. માટે કહી દે. પછી હું મોકળે મને કામ કરી શકીશ.” નેત્રો નીચાં ઢાળીને ગંગા ફક્ત એટલું જ બોલી: “તમને શી ગમ?” “પણ શાની?” “કાંઈ નહિ... એ તો અમસ્તો મારા મનને મૂંઝારો થાય છે — બીજું કાંઈ નથી.” રેલવેના કારખાનામાં કારકુની કરી-કરી તૂટી મરનારો રાજારામ ક્યારે નવરો હતો જે સ્ત્રીના જીવનની આવી સાદી શબ્દ-રચનાની પાછળ સંઘરાયેલી સમસ્યાને અને આપદાને સમજી શકે? ‘કાંઈ નથી’ની ગૂંચ ઉકેલી ન શકાયાથી એ બોલી ઊઠ્યો: “મૂંઝારો શાનો? હજી તો હું જીવતો છું.” “એવું શીદ બોલો છો? આ છોકરાં, આપણી ગરીબી અને મારું શરીર બગડેલું — એવા નકામા વિચારો આવ્યા કરે છે.” રાજારામે ગંગાના શરીર ઉપર દૃષ્ટિ ફેરવી. આજે પહેલી જ વાર એણે પત્નીના દેહને નિહાળી-નિહાળીને ઉકેલ્યો. ચોમાસામાં બે કાંઠે છલોછલ વહેતી દીઠેલી નદીને ચાર-છ માસ પછી વૈશાખ માસની વચ્ચોવચ્ચ ઓચિંતી જોવાનું બનતાં એક ખાબોચિયું પણ બાકી ન રહેલું માલૂમ પડે, અને જે લાગણી થઈ આવે, તે લાગણી રાજારામને અંતરે જાગી ઊઠી. પરણ્યા પછીની તાજી તરુણાવસ્થામાં પત્નીને અનેક વાર ખોળામાં લઈ-લઈને ગાઢ મમતાના પ્રવાહમાં ઝબકોળી હશે; પણ કોઈ વાર નહોતું સૂઝ્યું કે ગંગાના ગાલ ઉપર એક મસ હતો, ને કાનની કૂણી બૂટ પછવાડે ઝીણો એક તલ હતો. આજે એ મસ અને એ ગોળાકાર છૂંદણા-શી તલની ટીબકી જાણે કે ગંગાના દેહથી અલગ થવા મથી રહેલાં જીવડાં હોય, કોઈ પશુના અંગ પર ચોટેલ ગીંગોડા હોય, તેવું એને લાગ્યું. રાજારામ વિચારે ચડ્યો: હું શું સમજીને આ એક પછી એક બાળકના જન્મોની ખુશાલી પામી રહ્યો હતો! પાડોશીઓ હરેક વખતે પેંડા-પતાસાં વહેંચાવતાં હતાં; મિત્રો દરેક ગર્ભાધાનને તથા પ્રસવને મારું મહાન પરાક્રમ અને પરમ ભાગ્ય માન્ય કરતા હતા: તે બધાંની પાછળ આ પત્નીના એક વારના ભરચક શરીર ઉપર શી-શી શોષણ-ક્રિયાઓ ચાલી રહી હતી! મારી ત્રીસ રૂપરડીની કમાણી, અને આ બે મેડીઓ વચ્ચે ચેપાઈ રહેલું મારું ગંધારું કાતરિયું — એમાં હું આ શો બોજો ખડકી રહ્યો હતો! રાજારામની આંખો આડેથી રૂઢિનાં પડળ ધીમે-ધીમે ઊંચા ચડવા લાગ્યાં. ગંગાને તો એણે તે વખતે એટલું જ કહ્યું કે, “અરે ગાંડી! એ તો પ્રભુની માયા છે. લખપતિઓ તો શેર માટી સારુ વલખે છે, ત્યારે તું આવા માઠા વિચારો કરી રહી છો? દાંત આપીને જેણે જણ્યાં મોકલ્યાં છે, તે શું ચાવણું આપ્યા વિના રહેશે?” એમ આશ્વાસન આપીને એ કારખાના તરફ ચાલ્યો તો ગયો, પણ વિચારો એને ઝીણી જીવાતના ઝૂમખાની માફક ઘેરી વળ્યા. રેલ્વેનું કારખાનું ત્રણ સ્ટેશન દૂર હતું. કારખાનાના નોકરોને સારુ ખાસ જોડાતી ટ્રેન સવારમાં ઊપડી ગઈ હતી, એટલે રાજારામ બીજી પેસેન્જેરોની ટ્રેનમાં ચડ્યો. જે ડબ્બામાં પોતે બેઠો ત્યાં જ હાથમાં ધર્માદાના ફંડની પેટી ખખડાવતો રતિશંકર ચડ્યો. પાંચ વર્ષોથી પોતાના કોઈ માયાવી બાળાશ્રમ માટે પૈસા ઉઘરાવી રહેલ આ રતિશંકરે તે પ્રભાતે પંદર હજારમી વાર પેસેંજરોની સામે ગદ્ગદિત અવાજે પેલી સાખી લલકારી:

કબીર કહે કમાલ કું: દો બાતાં શીખ લે!
કર સાહેબ કી બંદગી, ભૂખે કું અન્ન દે!

અને તે પછી, ‘સર્વ પ્રકારનાં દાનથી જગતમાં અન્નદાન, વિદ્યાદાન શ્રેષ્ઠ છે’ એ સદુપદેશ વડે શ્રોતાઓનાં હૈયાં પિગળાવીને પોતાના બાળાશ્રમની પિછાન કરાવી જે બાળાશ્રમમાં પાંચ વર્ષનાં નિરાધાર બાળકોને પચીસ વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરાવવામાં આવે છે. કોઈને ખબર નહોતી કે, રતિશંકરનો આ બાળાશ્રમ ક્યાં આવ્યો છે. છતાં લોકોએ ટપોટપ એની પેટીમાં પૈસા ટપકાવ્યા. આ દેખીને રાજારામને ઘડીભર આસ્થા બેઠી કે, ‘દાંત દીધા તે ચાવણું દઈ રહે છે’. પણ એ આસ્થા ઝાઝી વાર ટકી નહિ. પોતાના દરમાયાના ૩૦માંથી ૩૧ થવાને બદલે ‘રીટ્રેન્ચમેન્ટ’માં પાંચ ઘટવાની તૈયારી હતી. જે નાના પુત્રની ત્રીજી વર્ષગાંઠ હજુ ચાર જ દિવસ પર ઊજવીને પોતે ખીર-પૂરી ખાધાં હતાં, તે જ પુત્ર આજે કદાપિ મરી જાય તો પોતાને ઝાઝો આઘાત નયે લાગે એવી એની લાગણી બનવા લાગી. રતિશંકરને એણે પૂછી પણ જોયું કે, “અલ્યા, તારા બાળાશ્રમમાં મારા એક છોકરાને દાખલ કરીશ?” પણ રતિશંકરે તો ત્યાં ને ત્યાં ઉતારુઓ વચ્ચે ઊલટાનો એને ફજેત કર્યો: “જોજો, ભાઈસાહેબ છતે માબાપે બાળકોને ધર્માદો ખવરાવવા માગે છે! અલ્યા, તું તે બાપ છો કે કસાઈ?” વગેરે વગેરે. દરમિયાન તો ‘વર્કશોપ’નું સ્ટેશન આવ્યું. રાજારામે સ્ટેશનના સુંદર બગીચા વડે વિભૂષિત પ્લૅટફૉર્મ પર રબ્બર-ટાયરની, સ્પ્રિંગવાળી બાબાગાડીઓ ફરતી દીઠી. ટૂંકા પગારના દસ કારકુનોની જગ્યા કાઢી નાખીને તાજેતરમાં એક ફાલતુ મોટી જગ્યા સ્થાપવામાં આવેલી, તે ઉપર નિયુક્ત થયેલા અધિકારીનાં ત્રણ છોકરાં એ બાબાગાડીઓમાં બેસી કનકમય તડકામાં ઝગારા કરી રહ્યાં હતાં. એ છોકરાંને અંગે ગરમ મોજાં, કાનટોપી અને ઝબલાંનો સંપૂર્ણ જાપ્તો હતો. ગોદરેજની તિજોરીમાં સંઘરેલ નાણા જેવી એ બાળશરીરોની સંરક્ષા હતી. બાબાગાડી ઠેલનાર નોકરો હતા. પોતાને ઘેર કંકુડોશીના ફાટેલ સાડલામાં લપાઈને બેઠેલ ત્રણ અર્ધનગ્ન છોકરાંને જોઈને રાજારામ ચાલ્યો આવતો હતો, એથી એના અંતરમાં આ દશા-ભેદ દેખી છૂરી ચાલવા લાગી. પછી વળી કામકાજમાં એ વાત વિસારે પડી.

[૨]

ખાંચાનાં લોકોને પાકી ખબર હતી કે ગંગાવહુ નવા જમાનાના પોપલાવેડા કરનારી સ્ત્રી નહોતી. એ તો લોઢું હતી લોઢું: શરીરેય લોઢું અને મનથીય લોઢું. નહોતી એ એકલસૂરા સ્વભાવની, કે નહોતી કાચીપોચી, કજિયો બનતાં સુધી કરતી નહિ — ને કરતી ત્યારે આખા ખાંચાને ધરતીકંપના આંચકા લેવરાવતી. વાતોએ ચડતી ત્યારે લાંબા હાથને લહેકે એવાં તો ટોળ-ટીખળ જમાવતી કે સાંભળનારાંનાં શરીરો હસી-હસીને ગોટો વળી જતાં. શેરીમાં ગંગા ‘કેસરિયો ઘોડો’ નામથી ઓળખાતી; કેમકે એ વારંવાર લહેકા કરીને મલપતી-મલપતી શેરીમાં, બપોર-વેળાએ ભાયડાઓ ઘેર ન હોય ત્યારે, ગાતી કે —

વા’લા મારા કેસરિયો ઘોડો રે...
ગોપીયુંમાં રમવાને છોડ્યો!

એટલે જ ગંગાના સ્વભાવમાં થઈ ગયેલો આ નવો પલટો સહુને બિહામણો લાગતો હતો. શેરીમાં ભાત-ભાતની વાતો ચાલતી: કોઈ કહેતું કે, “સવા મહિના ઉપર ગંગા નહાઈ-ધોઈને માથું ઓળતી હતી ત્યારે કોઈ ફકીર આવ્યો’તો: જનનો વળગાડ હશે, માડી!” બીજી કહેતી: “ના રે ના; તે દિ’ એક વેડવી વાઘરણ માગવા આવેલી, તેને ગંગાએ પોતાના હાથમાંથી શેરડીનો કટકો નો’તો દીધો. વેડવાં ભારી કામણટૂમણિયાં હોય છે. એને તો દેખીને બારણાં જ બીડી દેવાં જોઈએ. ગંગા તો એની જોડેય ધડાકા લેવા બેસે. પછી તો આ દશા થાય જ!” કારણ ચાહે તે હો, ગંગા જાણે આગલી ગંગા જ નહોતી રહી એ તો સાફ વાત હતી. એના મનમાં કંઈક ઊંડું-ઊંડું ઘોળાતું હતું. મોટાં છોકરાં એનાથી બીને દાદીમા પાસે જ લપાઈ રહેતાં. ધાવણી છોકરીનાં નેત્રો માતાના મોં સામે તાકી-તાકીને થાકતાં, પણ ત્યાંથી વહાલનું એક ટીપું પણ વરસતું નહિ. ધણી ઉપર એનો મૂંગો ધિક્કાર જ ઝર્યા કરતો. ધણીના પગની પાટુ કરતાં પણ એનાં આજ સવારનાં વહાલભીનાં વચનો ગંગાને વધારે આકરાં લાગ્યાં હતાં. ધણી એના છૂપા દુ:ખમાં ભાગ લઈ શકે તેમ નહોતું. એથી અધિક વેદનાની વાત તો એ હતી કે ગમાર ધણીઓને સ્ત્રીઓના જીવતરની આ જુગ-જુગની જૂની આપદાઓમાં ગતાગમ પણ નહોતી પડતી. દિવસ આથમતો હતો. શેરીનાં ખોરડાં ધુમાડે લપેટાઈ રહ્યાં હતાં. માળાની શોધાશોધમાં પંખી ચીસાચીસ કરતાં હતાં એ વખતે મરેલા મનુષ્યના ગેબી ઓછાયા જેવી ગંગા લોટો ભરીને નીકળી પડી. શહેરને આથમણે છેડે ઉઘાડા મેદાનમાં, ગટરોના કીચડથી થોડે દૂર, વાઘરીઓના કૂબાનું ઝૂમખું હતું. તેની અંદર ગંગા દાખલ થઈ. કલાક એક ત્યાં થોભ્યા પછી પાછી ત્રવાડીને ખાંચે પેસી ગઈ. ગુપ્ત વેદના ઠાલવવાનું અને ઇલાજ મેળવવાનું ઠેકાણું બ્રાહ્મણની દીકરીને શું વાઘરીવાડે જડ્યું હશે?

થોડે દિવસે મોડી રાતે ખાંચાનાં લોક એકાએક જાગી ઊઠ્યાં. એ ચીસો રાજારામને ખોરડેથી જ સંભળાતી હતી. ગર્ભાશયમાં વીંટ્ય આવતાં જે ચીસ સ્ત્રી-જીવનની તમામ સમતાનાં પડોને ચીરીને બહાર નીકળી પડે છે — અને છતાં સ્ત્રી-હૃદયનો નિકટનો સાથી સગો સ્વામી પણ જેને કદાપિ નથી સાંભળી શકતો, નથી સમજી શકતો, નથી સ્મરણમાં રાખી શકતો તે માયલી આ એક ચીસ હતી. સંગીતના સ્વરો સામે કસ્તૂરીમૃગના કાન જે તલ્લીનતાથી મંડાય છે, તેવી તલ્લીનતાથી — કેમકે પારકાંની બદબોઈમાં બજી રહેલું સંગીત સર્વથી વધુ મિષ્ટ હોય છે — રાજારામની ખડકીની ચિરાડે ખાંચાનાં બૈરાંના દસ-વીસ કાન લાગી ગયા છે. અંદર જાણે કે ચીસો દેતી ગંગાનું માથું ઝાલી ઝનૂનથી આમતેમ ઢંઢોળતો રાજારામ ભયંકર અવાજે પૂછતો હતો કે — “રંડા! આ શું કર્યું તે! બોલ — નીકર ગળું ચૂસી જાઉં છું.” ગંગા ગોટા વાળતી જીભે કહેતી હતી કે, “એ...એ...એ...! હું શું કરું? ત્રણ મહિનાથી હું નહાઈ નહોતી.” “નહાઈ નહોતી!” રાજારામને ગમ પડી નહિ. એ બે શબ્દોની પાછળ સ્ત્રીના અવતારની શી-શી યાતનાઓ સંઘરાયેલી પડી છે, તેની કલ્પના પુરુષને ક્યાંથી આવે? “ઓય! ઓય મા! ઓ પરભુ! છ મહિના પછી મારું શું થાત! તમારો ટૂંકો પગાર... ચાર છોકરાં... આપણે ત્રણ — એમાં હું પાંચમો જીવ ક્યાંથી ઉઝેરત! ઓહ! મારી કેડ્યના મકોડા ખડી ગયા છે. હું હાડકાંનો માળખો બની રહી છું. મને ગઈ સુવાવડે બે રૂપિયાનું ઘીયે પેટમાં રેડવા નહોતું મળ્યું. દસ દા’ડે મારે ખાટલો છોડવો પડેલો; ગાંસડો લૂગડાં ધોવા જવું પડતું અરધો ગાઉ આઘે. મારો દેહ કટકે-કટકા થઈ ગયો’તો. એ સાટુ — મારા સાટુ, તમારા સાટુ, અભાગિયા નાના જીવને આ નરકમાંથી ઉગારવા સાટુ — મારે આ કરવું પડ્યું. અરેરે! એના નાના રાતા હાથ: કૂણી આંગળિયું: ગરીબડું મોં... આહા! કેવાં આવત!” “માડી રે!” ખડકીને બારણે વાતો ચાલી: “છોકરું... વાલામૂઈએ!” ધડ, ધડ, ધડ લપાટો મારતા રાજારામના મોંમાંથી વધારે ભડકા નીકળ્યા: “રંડા! બાળ-હત્યા કરી! લાખો હત્યાનું પાપ લીધું!” એવી ભયંકર રાત વીતી ગઈ, રાજારામનો ઊભરો હેઠો બેસી ગયો, તે પછીના એના રાત્રિના બન્ને પહોર નરક-યાતના ભોગવવામાં વીત્યા. ગંગાનું આ કૃત્ય એને જુદી જ નજરે દેખાવા લાગ્યું. ગંગાની ભાંગીતૂટી વાણીમાંથી એણે જ્યારે વિચાર સાંકળીને આખી વસ્તુ ઉકેલી, ત્યારે એ ઠરી જ ગયો. ઉગ્ર આવેશના વમળો વચ્ચે ગૂંગળાઈ જતો આ બ્રાહ્મણ-બાળ પરોઢે પાછો પત્નીનું માથું ખોળામાં લઈને પંપાળતો બેઠો હતો. ‘મારાં પાપ! મારાં પાપ! હું આ સ્ત્રીને શોષી ગયો! હું જ આ નાની-શી નરકનો ઉત્પાદક છું!’ એ વાત એને દીવા જેવી દેખાઈ ગઈ.

[૩]

પ્રભાતે પાછાં ખડકીમાં બેઠાં બેઠાં મીઠી લૂખસની ચળ માણતાંમાણતાં કંકુમા સહુને સમજાવવા લાગ્યાં કે, “માડી, વહુને તો રાતે કસુવાવડ થઈ ગઈ!” “હા...હા! ક...સુ...વા...વ...ડ થઈ ગઈ — એમ કે?” ધનેશ્વરની વિધવા બહેને અક્ષરો મરડી-મરડીને છણકો મર્યો: “આંઈ બામણનાં ખોળિયાં રહે છે: ખબર નહિ હોય! હમણે ખબર પડશે! મોટાભાઈ પોલીસ-ચકલે જ ગયા છે.” પોલીસના હાથમાં ગર્ભપાતનો ગુનો આવ્યો, એટલે એ તપાસે ચડી. ધનેશ્વર અને તુળજાશંકરે પોલીસ-ચોકસીમાં સહાય લીધી. પોલીસથી મુદ્દાનો તાંતણો સંધાતો નહોતો: ગર્ભપાતની સાબિતી શી? “એ મેળવી આપવાનું મારું કામ;” તુળજાશંકરે બીડું ઝડપ્યું: “હું તો અનુભવી: સમજી શકું ને?” અદાલતમાં તુળજાશંકરે સાહીદો ઊભાં કર્યાં: એક, આથમણા વાઘરીવાડની જીકુડી વાઘરણ; અને, બીજાં, પોતાના ખાંચાનાં પાંચ બૈરાં જેમાં ધનેશ્વર ત્રવાડીની વિધવા બહેન પણ હતી. એ પાંચેય જણીઓએ તે રાતની બીનાની કાનોકાન સાંભળેલ સાહેદી પૂરી. અદાલતમાં જીકુડી વાઘરણને પ્રોસિક્યૂટરે પૂછ્યું કે “તારી પાસેથી ગંગા ગાજરનાં બિયાં લઈ ગઈ હતી કે?” “ઓહોહોહો!” જીકુડી છણકો કરીને બોલી: “ઈમાં શું અવડું પૂછો છો? કુણ નથી લઈ જાતું વળી! આ ધનેશર ગોરનાં બૂન સામાં ઊભાં—” ધનેશ્વર અને તુળજાશંકર બેઠા હતા, તેની સામે જોઈ જીકુડીએ કહ્યું: “ડોળા શીદ ફાડો છો, ભા! રાખોને હવે બધી સદ્ધાઈ!” માજિસ્ટ્રેટે મીઠાશથી પૂછ્યું: “બાઈ, તું શાંત થા; ગભરાય છે શીદ? જો, મારી સામે જોઈને કહે: હું ડોળા નહિ ફાડું. મને કહે — તું આવાં ઓસડિયાં શા સારુ રાખે છે?” “જુઓ! બાપા સા’બ! પેટછૂટી વાત કરું છું. માથે મેલડી છે. અમે વાઘરી લોક: કૂબામાં રે’નારાં: ટાઢ-તડકો વેઠી, તૂટી મરી માંડ-માંડ રળનારાં, મરી રઈએ... કળશી છોકરાંને ખવરાવીએ શું? આ એટલે, બાપા, અમારે અમારાં બાળને હણવા સારુ જ નીચ ઉપાય કરવા પડે છે.” “દવાઓ વેચો છો?” “હા, સા’બ.” “કોને?” “લાજમલાજાવાળા ખાનદાન ઊંચા વરણને, તમારે પગે પડું, સા’બ! વધુ નો બોલાવશો. અમારી પાપીઓની જીભ હાલે તો તમારા જેવા ભાગ્યશાળીના કાનમાંથી કીડા ખરે, આ કોરટનો વાયરો ગંધઈ ઊઠે. બસ! તમારે પગે પડું છું. અમે બોલીએ તો તમારાં કૂંડામાં ફૂલનાં ઝાડવાં છે ને ઇયે લીલાં ને લીલાં બળી ભશમ થઈ જાય. અમારાં પાપ તો અમારા પેટમાં સમાયેલાં સારાં. પણ હું તો, સા’બ, વચાર જ ઈ કરી રઈ છું કે, આ બધાં આ ધનેશરભાઈ ને આ તુલઝાશંકરકાકો ને આ બોનદીકરીઉં શું જોઈને આ બાપડી ગંગા ઉપર ઊતરી પડ્યાં છે? આ છોડીએ તો મોતમાંથી ઊગરવા સારુ કર્યું છે: ક્યાં એને પાપ ઢાંકવાનાં હતાં? બલોરી કાચ જેવી આ બાપડી ઉપર — કીડી ઉપર — કટકાઈ કરનારાંને તો તમે ઓળખો, સા’બ!” “સારું; જાઓ.” કહીને માજિસ્ટ્રેટે રાજારામને પૂછ્યું: “તારે કાંઈ કહેવું છે?” રાજારામ પોતાની ઘરડી માને ચાર નાનાં બાળકો સાથે હાજર કરી બોલ્યો: “મારે એટલું જ કહેવાનું છે કે, આપ નામદાર મારું ખોરડું જોઈ આવો; મારા ઘરની ઇસ્કામત તપાસો. મને ‘રિટ્રેન્ચમેન્ટ’માં રૂ. ૨૦ પર મૂક્યો છે. મારી વહુ પાંચમી સુવાવડમાંથી જીવતી ઊઠત નહિ. મારા ખાતામાં પૅન્શન નથી, ‘પ્રોવીડન્ટ ફંડ’ નથી; અને જિંદગીનો શો ભરોસો?” “બાઈ ગંગા, તારે કંઈ કહેવું છે?” ગંગાએ ઘૂમટો ઢાંકેલું માથું હલાવ્યું. એના હાથ-પગ ખુલ્લા દેખાતા હતા. કોઈ ખપાટનો ‘ચાડિયો’ કરીને મનુષ્યનાં લૂગડાં પહેરાવી ખેતરમાં ઊભો રાખ્યો હોય એવું તે વેળાનું ગંગાનું સ્વરૂપ હતું. માજિસ્ટ્રેટે ફેંસલો સંભળાવ્યો: “જગતની સ્થિતિ જ્યારે આઠ-આઠ દિવસે મહાન પરિવર્તન પામી રહી છે, ત્યારે પચાસ વરસો પર ઘડાયેલ કાયદાને ત્રાજવે ન્યાય તોળવા બેસવું એ ન્યાયાધીશનું દુર્ભાગ્ય છે ને ન્યાયની ઠેકડી છે. સમાજમાં સહુથી મોટો અધર્મ તે મહેનતુ માણસોની કંગાલિયત છે. આ આરોપીઓએ પોતાની આવી બેહાલ દશામાં જો બાળકને જન્મ આપ્યો હોત, તો હું તેને ગંભીર અપરાધી ગણત. ગંગા જેવી હજારો સ્ત્રીઓ પાસે બાળકો જણાવવાં એ હેવાનિયત છે. પણ એક ઓરડાવાળા કાતરિયામાં રહેનાર રાજારામને અચોક્કસ મુદતને માટે બ્રહ્મચર્ય-પાલનનો બોધ આપવો, એ ખોટી બડાઈ છે. સમય આવી પહોંચ્યો છે કે જ્યારે વિજ્ઞાનની ફરજ દરેક પ્રજાજનને સ્વેચ્છાથી સંતતિ-નિયમન કરવાનાં સાધનો સોંપવાની છે. અનેક દીકરીઓને બાપથી, બહેનોને ભાઈથી, ગરીબ ચાકરડીઓને જુલમી માલિકોથી, પત્નીઓને દારૂડિયા કે રોગીઅલ ધણીઓથી ઓધાનો રહે છે; તેની સંતતિ જગત પર ઊતરવા દેવી, એ જગત પર અત્યાચાર છે. કાં તો પ્રજાની તમામ સંતતિની જવાબદારી ‘સ્ટેટે’ ઉપાડી લેવી, ને કાં પ્રજાને પોતાની તાકાત પ્રમાણે સંતતિનો ભાર કાબૂમાં રાખવાની છૂટ આપવી. આરોપીઓને મારે નછૂટકે સજા કરવી પડે છે; કેમકે ન્યાયાધીશ કાયદાઓને આધીન છે. બાઈ ગંગાને ફક્ત કૉર્ટ ઊઠતાં સુધીની સાદી કેદ ફરમાવું છું.” પોલીસ-ખાતાને મેજિસ્ટ્રેટ સાહેબ દીવાના બની ગયેલા લાગ્યા. તુળજાશંકરે અને ધનેશ્વરે નક્કી માન્યું કે ન્યાયાધીશને મોટી રુશ્વત મળી ગઈ છે. ઉચ્ચ જ્ઞાતિના અગ્રેસરોએ પોતપોતાની ન્યાત-વાડીમાં વિરોધ-સભાઓ બોલાવીને રાજારામ, ગંગા તથા મેજિસ્ટ્રેટ ઉપર તિરસ્કારના ઠરાવો કર્યા. પ્રમોદરાય વકીલને ઘેર શહેરના તમામ વકીલો તે રાતે એકઠા થયા. ઉઘાડા ઊઠવાની તેઓની ઇચ્છા નહોતી; પણ ઘર-મેળે મળેલી એ સભાએ જે ચર્ચા કરી તેનો મુદ્દો એક જ હતો કે “આનું નામ ચૂકાદો જ ન કહેવાય: એમાં ‘જજમેન્ટ’ની ભાષા જ નથી.” અને તે દિવસે ત્રવાડીને ખાંચે સંકડાશનો પાર ન રહ્યો.

br>